અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/નાના જણની પીડાવાહક નૌકા એટલે ‘યદા તદા ગઝલ'
‘યદા તદા ગઝલ’
ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ
ગુજરાતી સાહિત્યમાં સાંપ્રત સમયમાં ‘ગઝલ’ ઘણું લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે. ગઝલ સ્વરૂપે જેટલી લોકપ્રિયતા મેળવી, એટલા જ પડકારો પણ ઝીલ્યા. બાલાશંકર કંથારિયા, મણિલાલ નભુભાઈ, કલાપી, ગુલામ અબ્બાસથી આરંભ પામેલી ગઝલ શયદા, શેખાદમ, મરીઝ, આદિલ મન્સૂરી, ઘાયલ, બેફામ, ચિનુ મોદી, મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, જવાહર બક્ષી… સુધી ઘણી ઘડાઈ અને વિસ્તરી. વર્તમાન સમયમાં પણ ઉત્તમ ગઝલ લખનારા કવિઓ ઓછા તો નથી જ. ગઝલનાં રૂપરંગ સમયે-સમયે સ્થાપિત કવિઓ અને નવોદિતોની વચ્ચે આકારિત થતાં રહ્યાં છે. આજે પણ કેટલાક એવા કવિઓ ખરા જે પૂર્વેના સ્થાપિત કવિઓની જેમ ગઝલના અનોખા રંગ અને મિજાજ સાથે ઊઘડે છે. હાલના ઘણા સારા કવિઓમાંના એક તે કવિ સ્નેહી પરમાર છે, જેમની ગઝલ એક પોતીકું અજવાળું લઈને સાહિત્યજગતમાં પ્રવેશી છે. કવિ સ્નેહી પરમાર મૂળે શિક્ષક અને સાહિત્યના જીવ. અમરેલીની ભૂમિ પર જન્મેલા હોઈ તેમની કલમમાં ગઝલિયતનો ઉન્મેષ પ્રગટે તે તો જન્મગત જ નહીં, ભૂમિગત વિશેષતા પણ છે. પ્રથમ ગઝલ સંગ્રહ ‘પીડા પર્યંત’ ૨૦૦૪માં પ્રકાશિત થયો. ને આ કૃતિને ૨૦૧૫માં સ્વ. નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો. લાંબાકાળ બાદ પણ ઉત્તમ કાર્યની નોંધ લેવાય તો ખરી જ. બીજો સંગ્રહ ‘યદા તદા ગઝલ’ ૨૦૧૫માં દર્શક ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થયો. જેને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તકપારિતોષિક પ્રાપ્ત થયું. આ ઉપરાંત, આ જ કૃતિને ‘શયદા’ અવોર્ડ તથા ‘કાવ્ય મુદ્રા’ અવૉર્ડ પણ મળ્યો. બે સંગ્રહ વચ્ચેના અગિયારથી બાર વર્ષના ગાળાને તાકતા માલૂમ પડે કે આ કવિએ લખવા ધારેલી ગઝલ માટે પૂરતો સમય લીધો છે. ગઝલના ઘાટ, શેરિયત, રદીફ-કાફિયા ઇત્યાદિ સ્વરૂપગત તત્ત્વોથી પણ કંઈક વધુ, ગઝલમાં સજ્જ કરી શકાય એવો ‘મિજાજ’ ઊભો કરવામાં કૃત્રિમતા નહીં બલ્કે સહજતા સિદ્ધ કરી છે. ધોરણ-૧૦ના ગુજરાતીના પાઠયપુસ્તકમાં તેમની એક ઉત્તમ રચના ‘સભાપાત્રતાની ગઝલ’ વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું કેન્દ્ર બની એ પણ કવિની એક સિદ્ધિ ગણાય. સર્જનપ્રક્રિયા વિશે બહુ ઓછા કવિઓ સભાન હોય. ગઝલ એક વાર લખ્યા પછી તેની સાથે કરવી પડતી શબ્દ-અર્થની કસરત પણ જો યોગ્ય દિશામાં ન સરે તો એ કવિતા શાની? પણ કવિ સ્વયં સર્જનકર્મની પીડા અને પ્રક્રિયામાંથી પસાર થતાં જણાવે છે કે, ‘કવિતા, મારે મન સર્જકની સામે, સાથે અને ભીતર બનતી ઘટનાઓનું આત્મનિવેદન છે. સર્જન વેળાએ સર્જક બહુરૂપી બની જતો હોય છે અને આ બધાં રૂપો એકરૂપ થઈને એક પ્રક્રિયાનો હિસ્સો બને છે એમ મને લાગ્યું છે.’ અહીં કવિ ગઝલના સત્ય સુધી પહોંચવા માટે આ પ્રકારનું આત્મમનોમંથન કરે છે. ‘બહુરૂપ’માંથી બહાર નીકળવાની વાત બહુ સૂક્ષ્મ છે. કલ્પનાલોકમાંથી બહાર નીકળ્યા પછી આત્મસાત કરેલ અનુભૂતિઓના પોત ગઝલમાં પ્રગટે તો જ કવિતાનું સત્ત્વ જળવાય. ને એમ કરવામાં કવિને સફળતા મળી છે. તેથી જ એક વિવેચકની જેમ તેઓ કહે છે, ‘ઘણી વખત આમ કહેવાથી, આમ થશે, આમ નહીં થાય, આમ થવું જોઈએ’ તેવા સ્વયમોપદેશવશ મારે અંદરની કવિતાને કાગળની કવિતા બનવા સમજાવવી પડી છે’. કવિતા સાથે આ પ્રક્રિયામાં ઊતરતા કવિને ભીતરના ‘શતરંગી’ પતંગિયા સાથે બહારના ‘પીળાં’ પતંગિયા સાથે ભેટો કરાવી સહયાત્રી બનાવવા છે. પણ તેમણે પોતાની રચનાઓની નોંધ ક્યારે લેવાશે એ અંગેનો વિચાર ભાવકચેતના પર છોડ્યો છે. આ રીતે કવિકર્મની મથામણ સ્વભાષામાં રજૂ કરીને આપણી સમક્ષ ‘યદા તદા ગઝલ’નું વહેણ વહેતું મૂક્યું છે. ‘યદા તદા ગઝલ’ કૃતિ ગઝલિયતથી સભર ઘણી વિશેષતાઓ સર કરે છે. કવિની શેરિયતસભર અભિવ્યક્તિ, અસરકારક ભાવનિયોજન, વિચારસૌંદર્ય, રદીફ-કાફિયા, છંદ, મત્લા-મકતાના શે’રમાંથી પ્રાપ્ત થતી નોંખા અવાજની ગઝલ આજના સાંપ્રત કવિતા જગતમાં જુદી ભાત પાડે છે. અનુભૂતિગત સત્ય અને ‘પ્રતિપાદક’ શબ્દનું સંયોજન કરીને કવિએ પોતાની ગઝલને ‘રમણીય’ બનાવી છે. ગ્રામજીવનનાં મૂલ્યો, સંસ્કૃતિ, માનવસંબંધો, સંવેદનો, પીડા, પ્રણય, સૌંદર્ય, અધ્યાત્મ ઇત્યાદિ વિષયનું ભાવજગત ગઝલમાં આલેખ્યું છે. કવિએ પોતીકી શૈલીમાં ‘સર્વાનુભવરસિક’ કવિતા સર્જીને પોતાના વિચારોની માંડણી કરવામાં જરૂરી ભાષાવિશેષોને હસ્તગત કર્યાં છે. પોતાની કવિતાને તેઓ ‘સ્વથી સર્વસ્વ’ નહીં બલકે ‘સ્વ’થી ‘સ્વ’નો પ્રવાસ માને છે. તેમનો આ ‘સ્વ-પ્રવાસ’ ‘સર્વસ્વનો પ્રવાસ’ બન્યો છે કે નહીં તે ખરેખર તો તેમની ગઝલ રચનાઓમાંથી પસાર થતાં અનુભવી શકાય. કૃતિની પ્રથમ રચના ‘જડીબુટ્ટી’ ગઝલમાં જ કવિ સ્પષ્ટ કરી દે છે, જેમ શિલ્પી જુએ છે પથ્થરમાં, એમ મારામાં શોધજો ત્રુટિ (પૃ. ૧) ‘સ્વ-જાગૃતિ’ એ કવિનો સહજ ગુણ છે. સહજતા અને સંતોષ જેવા ગુણો માણસમાં હોય ત્યારે, કવિને આ સૂઝે છે. ‘એ વિચારે જ ઊંઘ આવે છે. મારી માથે મકાન ઊભું છે’ (પૃ. ૭) આજના માણસને તો ભૌતિક સુખ-સગવડો વચ્ચે પણ ઊંઘ નથી આવતી. ત્યાં આ શે’ર ઉદાહરણરૂપ છે. જે ગઝલો પર ‘વાહ’, ‘આફરીન’, ‘ક્યા બાત હૈ’ જેવી દાદથી નવાજી શકાય એવી પર અર્થસભર ઘણી રચનાઓ સંગ્રહમાંથી મળે છે જેમ કે, ‘પગવાળીને બેસો’, ‘જગ્યા રાખી છે’, ‘ઇનામ હશે’, ‘નાની લીટી કરવી છે’, ‘મોઢું નથી જોયું’, ‘સૂર્યનારાયણ ચીતર્યા છે. ‘જુએ છે’, ‘ખાઈ ગઈ’, ‘પારણાં કર્યાં’, ‘સભાપાત્રતાની ગઝલ’, ‘તોરણ ગૂંથાય એવા છે’. ‘તડકો સીધો ઘરમાં આવે’, ‘કલાધર્મ’, ‘રખોપા કરે’, ‘ભતવારી બેઠી છે’, ‘આંગળી’, પગ’, ‘પાણી પીધું છે’, ‘તપેલી છે’, ‘ફાંસીનું માન રાખ્યું છે’, ‘ગંગાજળી છે’ વગેરે… કવિએ અગાઉ કહ્યું તેમ બહુરૂપમાંથી સત્યને ગઝલમાં પ્રગટાવવા તરફ ધ્યાનકેન્દ્રિત કર્યું છે માટે ‘પગવાળીને બેસો’ જેવી ગઝલ માનવ સમુદાય માટે ઉપદેશાત્મક બની રહે છે. જેમ કે,
‘ગમતું જણ હો સામે તો નજરું ઢાળીને બેસો,
પ્યાસ વધારે લાગે ત્યારે પગ વાળીને બેસો’ (પૃ. ૨).
‘પ્યાસ’ વધારે લાગવાની તીવ્રતા સાથે ‘પગ’ વાળવાની ક્રિયા ધીરજ અને ઉત્તમ મેળવવાની વાતને સૂચવી જાય છે. આ ગઝલના બધા જ શે’રમાં આ ભાવ અનુભવાય છે. પરંતુ અંતિમ શેરમાં કવિ સ્વયંને ‘નાના જણની પીડવાહક નૌકા’ તરીકે ઓળખાવે છે, ‘મારી લેખણ, નાના જણની પીડવાહક નૌકા છે, દેવી! ચરણોના સહુ કામણ પંખાળીને બેસો’ (પૃ. ૨) કલમને પીડવાહક નૌકા તરીકે ઓળખાવીને કવિ કવિતાદેવીને સ્વ-અસ્તિત્વમાં બિરાજવાનું આહવાન કરે છે. આ ભાવયાચના ગઝલ પ્રત્યેની તેમની નિસ્બત દર્શાવે છે. ‘જગ્યા રાખી છે’ ગઝલમાં કેટલાક સામાસિક શબ્દો વડે અર્થ ચમત્કૃતિ સિદ્ધ કરી છે. જેમ કે, ‘ઈશ અને ઈશવાસ’, ‘જ્યોત અને અવાશ’, ‘વિષ અને વિશ્વાસ’ વગેરે. આ ગઝલમાં વિચારની દૃષ્ટિએ ઘણા ઉત્તમ શેર છે જેમ કે, ‘પાટપૂજામાં દેખાતો હું એક જ સૌની નજરે પણ, જ્યોત અને અજવાશની વચ્ચે તારી જગ્યા રાખી છે.’ (પૃ.૩) કવિતા એ ‘સ્વ’ સાથેનો નાતો છે. કવિએ પીડાથી ભયભીત થયા વગર તેને વધાવી છે જેમ કે,
‘પીડાઓ જોઈ મને શોધતી તો ખુશ થયો,
થયું, આ શિશ ઉપર કંઈક તો ઈનામ હશે’, (પૃ. ૪)
‘પીડા’ને જેણે પોતાની સંગિની બનાવી દીધી હોય એવા જણ માટે ‘સર્જન’ એ કોઈ મહાન બનવાની સામગ્રી નહીં, બલકે ‘યદા તદા’, ‘શૈલજા’, ‘અશ્રુજા’, ‘પૂર્તતા’, અને ‘અસૃજા’ ગઝલ છે. એટલે કે એનું મૂલ્ય સમયના પટ પર વિસ્તરતું રહે છે, અનંત કાળ સુધી. કવિ સહજતાથી કહી દે છે, ‘હાટમાં બેજબાન ઊભું છે, કોણ, બનવા મહાન ઊભું છે’ (પૃ. ૭) શેરિયતસભર મિજાજ પ્રગટાવતી ગઝલ ‘નાની લીટી કરવી છે’ મત્લાથી માંડીને અંતિમ શે’ર સુધી અદ્ભુત નીવડી છે. ‘વિધિ’ જેવા કર્મકાંડી શબ્દને કવિએ અસરકારક રીતે પ્રયોજ્યો છે,
‘મારે કોઈ એવી વિધિ કરવી છે,
આંખોને બસ આંસુપીતી કરવી છે’ (પૃ. ૯)
ગઝલમાં ‘આંસુપીતી’ શબ્દપ્રયોગ ભાગ્યે જ કોઈએ કર્યો હશે. જોકે એનો સંદર્ભ ‘દૂધપીતી’ જેવા ઐતિહાસિક સમયકાળમાંથી સૂઝ્યો હશે. આંખોમાંથી આંસુનું વહન થવું એ પીડા ઓછી કરવાનું કામ કરે છે. પણ કવિને તો ‘પીડા જ મૂલ્યવાન છે. ને એટલે ‘આંસુપીતી’ શબ્દ દ્વારા પીડા સહી જવાની વાત કવિ કરે છે. ક્યાંક કવિ ભીની આંખે ઊભેલા ઈશ્વરની તો ક્યાંક મૃત્યુને સ્મિત આપવાની વાત કરે છે. કવિને તો નાનામાં નાના માણસ પ્રત્યે સહાનુભૂતિ છે.
‘જે માને છે નાનો માણસ પોતાને,
એની નીચે નાની લીટી કરવી છે’ (પૃ. ૯)
જેને મૃત્યુની નજરો નીચી કરવાની ઇચ્છા હોય તેને ઓસ્કાર કે જ્ઞાનપીઠની શી તમા હોય! કવિને કેવળ કવિતા સાથે નાતો છે. તેમની નિખાલસતા અહીં સહજ સ્વરે વહી છે,
‘ના જ્ઞાનપીઠની છે, ના ઑસ્કારની છે,
મારી કલા અધૂરાના ઓડકારની છે’ (પૃ. ૧૪)
આ રીતે બહુ ઓછા કવિઓને પોતાની કલમ અધૂરાના ઓડકારની કલા લાગે. ‘સૂર્યનારાયણ ચીતર્યાં છે’ ગઝલનો મત્લા શેર જુઓ,
‘અમે આંસુની ફરતે એનાં કારણ ચીતર્યા છે,
બધાને એમ થયું કે સૂર્યનારાયણ ચીતર્યા છે’ (પૃ. ૧૯)
‘આંસુ’નાં કારણો સાથે ‘સૂર્યનારાયણ’ની કલ્પના કેટલી ભવ્ય રીતે આકારી છે! ‘ત્રિભંગ નમણાં શું વૃક્ષો’ને કવિ ‘દેવના ગણ’ તરીકે જુએ છે. આ જ રચનાનો એક ઉત્તમ શે’ર- ‘તને એક જ કલા માટે હું ઈશ્વર માનું છું, કઈ ઝીણી પીંછીથી રેતીના કણ ચીતર્યા છે’ (પૃ. ૧૯)
ઝીણી પીંછીથી રેતીના કણ ચીતરવાની સૂક્ષ્મ વાત વડે કવિ ઈશ્વરને અભિનંદે છે. ‘જુએ છે’ ગઝલમાં જોવાના જુદાજુદા દૃષ્ટિકોણ આલેખાયા છે. ‘ઘા’ લાગ્યાની પીડાને કવિ દુખદ નહીં, બલ્કે સુખદ અનુભવ સમજીને આકૃત કરી છે. જેમ કે,‘મારી આંખો એમ શરીરે લાગ્યા ઘાને જુએ છે,
જેવી રીતે બે જાનડીઓ વરરાજાને જુએ છે.’ (પૃ. ૨૦)
જાનડીઓનું વરાજાને જોવું એ ચંચળ અને આશ્ચર્યસહ ભાવ છે. આંખો દ્વારા ઘાને જોવાની વાતમાં કવિએ આ કલ્પન મૂકીને દર્દમાં પણ ‘આનંદ’નો અર્થ સિદ્ધ કર્યો છે. ‘ખાઈ ગઈ’ ગઝલ વર્તમાન સમયનાં માનવસંબંધો તથા તેમાંથી પ્રગટતી કડવી વાસ્તવિકતાને વ્યંજિત કરે છે. ઘરની ખાલી જગા ભીંતોને, ચારે ખૂણાને ખાઈ જાય, વધારે પડતી સભ્યતા ભરી ટાઈ ખુદ ગળાને ખાઈ જાય, શરમથી લાજી મરાય એવાં કામ કરનારને આભ કે ધરા ખાઈ જાય, ખાટ ખુદ પોતાના કડા ખાઈ જાય… આ રીતે પ્રત્યેક શે’રમાં કવિએ કટાક્ષ કર્યો છે. અંતિમ શે’ર વેધક છે -
‘જવાબદારી સ્નેહી! એક ભૂખી સાપણ છે,
ઊભી’તી જેના ઉપર એ જ ખભા ખાઈ ગઈ.’ (પૃ. 22)
વધુ પડતી જવાબદારી વેઠનાર પર કવિએ વ્યંજનાત્મક ચેતવણી પણ આપી છે. ‘ઊઠે છે’ ગઝલના એક શે’રમાં પણ સ્વાર્થી માણસવૃત્તિ પર કટાક્ષ છે ‘ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં, ગજવાને ભાળીને ગજવું ઊઠે છે. (પૃ. ૨૧) સત્તા, પદ, પ્રતિષ્ઠા ને સંપત્તિની સુફિયાણી વાતો સામે કવિને બાળકનું મનોજગત સરળ અને પ્રિય લાગે છે. જેમ કે, ‘ત્યારે થાતું બેસી રહેવું છે અહીંયાં, જ્યારે કોઈ બાળક ભણતું ઊઠે છે’ (પૃ. ૨૧) ભણતા બાળકના ઊઠવાની સાથે કવિ અનેક અર્થો જોડી આપે છે. ‘પારણાં કર્યાં’ ગઝલ પણ નવીન અને તાજગીસભર રચના છે. માનવતાની રુહે વિસ્તરતા સંબંધોમાં કોઈ ગણતરી ન હોય. ને ત્યારે સ્નેહનો એકાત્મભાવ કવિ આ રીતે રજૂ કરે છે,
‘બાજુના ઘરને આવી જરા અમથી હેડકી
મારા ઘરેય રાતભર ઉજાગરા કર્યા.’ (પૃ. ૨૪)
પ્રેમ છે ત્યાં કોઈ માફીપત્રો નથી લખાતા. માત્ર એકમેકની સાપેક્ષતા જ હૃદયને જોડી આપે છે. આ ગઝલનો અંતિમ શે’ર ધ્યાન ખેંચે તેવો છે,
‘જ્ઞાનીઓ જે જગાને નરી બિનનીપજ કહે,
કુંભારે તે જ માટીમાંથી માટલાં કર્યાં.’ (પૃ. ૨૪)
જ્ઞાનીઓ જેને ‘મિથ્યા’ કહે એને જ એક સાચો કલાકાર ‘સત્ય’ સાબિત કરે. આવા તથ્યસભર શે’ર ઘણી ગઝલોમાં જોવા મળે છે. પ્રણયમિજાજી કેટલાક શે’ર ધ્યાનાર્હ નીવડે છે. જેમ કે, ‘મોઢું નથી જોયું’ ગઝલના પ્રત્યેક શે’રમાં પ્રણયરંગ છલકે છે. તેમાંનો એક શે’ર,
‘તમે ના હોવ ત્યારે હોય શું દુનિયામાં જોવાનું,
ઘણા દિવસો થયા, મેં ખુદનું મોઢું નથી જોયું.’ (પૃ. ૧૧)
એવી જ રીતે ‘ઘર’ ગઝલનો એક રોમૅન્ટિક શે’ર - ‘અહીં બન્ને તરફ લજજાનું વહેરામણ થયેલું છે. અહીં આ ખંડમાં ચાલી’તી મોહોબ્બતની મીઠી કરવત’ (પૃ. ૨૭) ‘પ્રેમ’ તત્ત્વ જ એવું છે જેમાં પ્રિય પાત્રની ખામી પણ ખૂબી બની જાય. ‘તોરણ ગૂંથાય એવા છે’ ગઝલનો મત્લા જુઓ -
‘એકના બે ન થાય એવા છે, તોય મોહી પડાય એવા છે.’ (પૃ. ૩૫)
આ જ ગઝલમાં સૌંદર્યની વાત નિપજાવતો એક શે’ર - ‘માર્ગ કેવા છે એની જુલ્ફોના, હાથ સોનાના થાય એવા છે’ (પૃ. ૩૫) ને પછી પ્રિય પાત્ર સાથેના મીઠા ઝઘડા કવિ કહે છે તેમ,
‘એની સાથેના અણબનાવો પણ,
એક તોરણ ગૂંથાય એવા છે.’ (પૃ. ૩૫)
નકારાત્મકતાને બદલે હકારાત્મકષ્ટિ રાખવી એ કવિનો સ્વભાવ છે. આ સ્વભાવ માત્ર માણસ સાથે જ નહીં, ઈશ્વર પ્રત્યે પણ રાખ્યો છે, સરળ ભાવે કવિ કહી નાંખે છે, ‘હું એમ માનું પછી ક્યાંથી દુ:ખ થાય પ્રભુ, હજાર હાથ છે એને હજાર કામ હશે.’ (પૃ. ૪) ‘ભતવારી બેઠી છે’ ગઝલમાં કવિએ મત્લા શે’રમાં જ પ્રણય ત્રિકોણ રચી દીધો છે.
‘એ મારા પર મનથી વારી બેઠી છે,
તારી ભીતરમાં જે નારી બેઠી છે.’ (પૃ. ૮૭)
આ શે’રમાં કવિકથનમાં કથન કરીને રહસ્ય સર્જે છે. આ જ ગઝલનો વધુ એક રોમૅન્ટિક તાજગીસભર શે’ર મળે છે,
‘મારી સામે બેઠી છે તો લાગે છે,
તરસ્યાની સામે પનિહારી બેઠી છે.’ (પૃ. ૮૭)
‘તરસ્યાની સામે પનિહારી’ની ઉપમાવાચકતા રસપ્રદ છે, ‘પહેરી છે’ ગઝલના બધા જ શે’ર પ્રણય શૃંગારના છે. કવિનો ‘સ્વ’થી ‘સ્વ’ સાથેનો સંવાદ ઘણી ગઝલના મકતા શે’ર તરીકે આલેખાયો છે. જેમાં ભીતરના કવિ સ્નેહીનો પરિચય ઊઘડે છે. ‘ઇનામ હશે’ ગઝલનો મક્તા શે’ર જુઓ
‘ગઝલનું નામ હશે કાળના કપાળ પરે અને,
સમયનું કદી ‘સ્નેહી’ ઉપનામ હશે.’ (પૃ. ૪)
કવિને મન એવી ગઝલ અભિપ્રેત છે જે કાળના કપાળ પર લખાય, એક શાશ્વત ઓળખ ઊભી થાય. આત્મજાગૃતિ એ કવિનો સ્વભાવ છે. જેટલી સહજતાથી જીવનને સ્વીકાર્યું એટલી જ સરળતાથી મૃત્યુને. સ્વયંને ઉદ્દેશતો શે’ર જુઓ - ‘એટલો વેંત રાખજો સ્નેહી! મોત લેવા લગાન ઊભું છે’ (પૃ. ૭) આત્મસન્માન પ્રગટાવતો અને ‘ઈશ્વર’ની સામે કવિમિજાજ દર્શાવતો શે’ર જુઓ-
‘બીજા કોઈ રૂપની સામે, મસ્તક ઝૂકે ના સ્નેહીનું,
લાવો મારા જેવો અથવા મારા ગાણાં જેવો ઈશ્વર.’ (પૃ. ૨૮)
પોતાને લીધે ગઝલનું શિર ન ઝૂકે એવી કવિને ચિંતા છે. તેથી કવિ કહે છે, ‘તારું શિર મારે લીધે ઝૂકે, મને ના પાલવે આવ, સ્નેહી એ રીતે અશ્રુતિલક કરશે તને!’ (પૃ. ૨૬) કવિને પ્રકૃતિ સાથે નાતો છે. માટે જ સ્વભાવગત સંસ્કારનું કુદરતીપણું શે’રમાં છલકી ઊઠે છે. ‘સ્નેહી! એથી જીવવું - મરવું સ્વીકાર્યું છે, અમને ગમતી બાબત છે રસ્તામાં રહેવું’ (પૃ. ૪૦) ‘સાધુ તો ચલતા ભલા’ એવી લોકકહેવતની જેમ ‘સ્નેહી તો ચલતો ભલો’ એવો ફકીરી મિજાજ એક શે’રમાં સાપડે છે. ‘કેટલી નફરત હજી છે વિશ્વમાં, ચાલ સ્નેહી! સ્નેહી તો ચલતો ભલો!’ (પૃ. પર) કવિ તો સ્વયં ‘સ્નેહ’ને વરેલા છે પછી નફરતભર્યા વિશ્વથી તેને શી લેવાદેવા! આવી જ ખુમારી ભર્યો એક બીજો શે’ર - ‘જેનો ડર હોય આવતીકાલે, સ્નેહી એ ચીજની રજાઈ કરે.’ આજ સુધી ‘રજાઈ’ શબ્દનો પ્રયોગ કોઈએ પોતાની રચનામાં કર્યો હશે કે કેમ ખ્યાલ નથી. પણ કવિની અહીં શબ્દપસંદગી બહુ સૂચક છે. ડર હોય એ જ ચીજની રજાઈ કરવી એટલે નિર્ભયપણું. સાચી કવિતાને કદી કોઈ અવૉર્ડ કે પારિતોષિકની તમા હોય નહીં. કવિને પણ એવી શ્રદ્ધા પોતાના માટે છે જ. તેથી તે કહે છે,
‘નથી પરવા કદી સ્નેહી, ખિતાબી ખાતરની
જે ઊગવાનું છે તે મોડું કે વહેલું ઊગવાનું.’ (પૃ. ૬૩)
સારા કાર્યની નોંધ યોગ્ય સમયે લેવાય જ. ખાતર શબ્દ સર્જન સાથે જોડાયો છે, પણ આ સર્જન પાછળનો હેતુ ‘ખિતાબ’ નથી. વળી, ‘ખાતર’ શબ્દ સાથે કવિએ ‘ઊગવાની’ પ્રક્રિયાને જોડી કુદરતીપણાનો ભાવ સર્જ્યો છે. ભીતરમાં જ સહજ કુદરતી રીતે ઊગે તે વહેલું-મોડું સમયના પટ પર નોંધાય જ. એ શે’રનો હાર્દ છે. પોતાને અન્ય કરતાં જુદા તારવતા કવિ સ્વયં માટે શે’ર લખે છે.
‘એક જ બાબતમાં સ્નેહી છું સાવ અલગ, સૌથી નવતર,
દ્વારને તોરણ સૌ બાંધે, મેં દ્વારનું તોરણ બાંધ્યું છે.’ (પૃ. ૧૧)
‘દ્વારને તોરણ’ને ‘દ્વારનું તોરણ’ બન્ને શબ્દપ્રયુક્તિઓ કવિ સભાનપણે પ્રયોજે છે. ‘ને’ પ્રત્યયનું ‘નું’ થાય તો સમગ્ર અર્થ બદલાઈ જાય છે ને એ જ કવિકર્મની વિશેષતા પણ છે. આ કવિને મન ગઝલનિસ્બત, લગની એ જ તેમના મિજાજમાં સાંગોપાંગ અવતરે છે. એક જ શે’રમાં કવિ પોતાની ‘પ્યાસ’ની કેટલી મોટી વાત સર્જે છે જુઓ -
‘હાથ જોડી મેં બધી નદીઓ વળાવી, સ્નેહી!
મારી પ્યાસ તો ગંગાજળી છે.’ (પૃ. ૯૪)
‘સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.’ (પૃ. ૨૫)
સર્વસિદ્ધિથી સંપન્ન વ્યક્તિ અભિમાનથી ગરકાવ થયા વિના વિનમ્ર ભાવે ઝૂકે એ વ્યક્તિત્વની કેટલી મોટી ઊંચાઈ ગણાય! હાથ વચ્ચે નામ ઘૂંટીને અદબથી ભૂસવાની ક્રિયા પ્રણયની બિનસ્વાર્થી અને
ત્યાગવૃત્તિને પ્રગટાવે છે. સાચો દાની કેવો હોય તેનું વર્ણન ગઝલમાં છે. સભામાં બેસવાની લાયકાત વિશે માણસ સ્વયંને પૂછે એ જ સાચું સ્વ-પરીક્ષણ. શે’રની ઊંચાઈ જુઓ-
‘એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.’ (પૃ. ૨૫)
સમગ્ર ગઝલ ‘મુસલસલ’ ભાવમાં આલેખાઈ છે. કવિ પાસે ગ્રામજીવનની ભાતીગળ સૃષ્ટિ છે. તેથી જ ગઝલના કેટલાક શેરમાં ‘ચૂલો’, ‘તકતી’, ‘ડેલી’, ‘તુલસી’, ‘લોટો’, ‘તાંસળી’, ‘અથાણું’, ‘રજાઈ’ જેવાં શબ્દપ્રયોગોને સ્થાન મળ્યું છે. કવિનો એક શે’ર તો રમેશ પારેખના શે’રની યાદ અપાવે છે. ‘એનાથી મોટો શો તડકો સીધો ઘરમાં આવે’ (પૃ. ૪૧) પ્રકૃતિમાં ઊછરતા જીવને જ આ સૂઝે. આ ભાવસંગતિ સાથે ૨. પા.નો શેર સ્મરણ થાય, ‘તારો વૈભવ રંગમહેલ, નોકરને ચાકરધાડુ, મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું’. ગઝલ લખવા અંગે કવિ સભાન છે. તેમની સર્જક સભાનતા જુઓ, ‘આ બધી એ પહેલાંની ગઝલો છે, મેં ચલમ તો હજી ભરી ક્યાં છે!’ (પૃ. ૮૪) બીજી તરફ સર્જનપ્રવાહને કવિ આ રીતે જુએ છે - ‘એમ ચાલી છે કેટલી ગઝલો! થાય કે આંગળીને સ્ફુરી છે’ (પૃ. ૮૨) કવિને શેરિયત વિનાનું ગઝલતત્ત્વ ઇચ્છનીય નથી. માત્ર કલ્પના કે ઠોકી બેસાડેલા શબ્દોથી ગઝલ નથી જ બનતી. એવું શિથિલપણું ન પ્રવેશે એ માટે કવિ સતર્ક છે.
‘બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે,
કિન્તુ એ પ્રસવે લાશ મને પરવડે નહીં.’ (પૃ. ૬૦)
આ શે’ર કવિની કાવ્યસભાનતા દર્શાવે છે. બીજી તરફ કવિતાજગતમાં થતી કાવ્યઉઠાંતરી માટે પણ વ્યંગ કરે છે.
‘હમશકલોના પગમાં કચડાઈ ગઝલો,
થોડી એને પાટાપિંડી કરવી છે. (પૃ. ૯)
‘પાટાપિંડી’ જેવો શબ્દ કવિએ સૂચક પ્રયોજ્યો છે. ખોખલી સર્જકતાથી કવિ ગઝલને બચાવવા માંગે છે. પોતાની ગઝલ માટે મનથી આશીર્વચન આપતા કવિએ તેને ભવ્ય વાણીમાં સત્કારી છે.
‘જા ગઝલ! મેં મન-વચનને કર્મથી ચાહી હશે,
આશકો ચૂમશે અને અવધૂ તિલક કરશે તને.’ (પૃ. ૨૬)
કવિ પાસે પોતીકું સ્વયં સિદ્ધ જ્ઞાન છે, સમજ છે અને અભિવ્યક્તિ પણ છે. આ વાતને સાર્થક કરતો એક ઉમદા શે’ર- ‘ચાલે છે તે માત્ર પથિકજન, અટકે તે અભ્યાસી, સંતો!’(પૃ. ૧૬) ‘પથિકજન’ અને ‘અટકનાર અભ્યાસી’ વચ્ચેનો ભેદ ‘સાધુ’ અને ‘સંત’ જેટલો ગર્ભિત છે. નિર્મમતા અને ફકીરપણું દર્શાવતો વધુ એક શે’ર - ‘સારું નરસું એવું શું ગજવે ભરવાનું, ફરવા આવ્યા છો અહીંયાં તો બસ ફરવાનું’ (પૃ. ૧૭) આ શે’ર કવિ જયંત પાઠકના શે’રનું સ્મરણ કરાવે છે,
‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં તારું કે મારું કરવા આવ્યો છું’
આમ, કવિ પાસે જીવનનું ભાથું છે. સરળ ઉપદેશ છે, સહજ સંતવાણીમાં પીરસી શકાય એવી વાતો છે. સરળ અધ્યાત્મજ્ઞાન છે. કણેકણમાં ‘રામ’ જોવાની વાત આપણા ભારતીય અધ્યાત્મના મૂળમાં છે. એ જ વાત કવિના શેરમાં સરળતાથી અવતરી છે.
‘તું બધામાં રામ જોવાની તૈયારી રાખજે,
આ જગતની કોઈ પણ વસ્તુ તિલક કરશે તને.’ (પૃ. ર૬)
ઈશ્વરને ઉદ્દેશી આલેખાયેલ ઘણા શે’ર મળે છે. ઘઉંના દાણા જેવો ઈશ્વર ગઝલના બધા જ શે’રમાં ઈશ્વરને સમજવાની મથામણ પ્રગટ થઈ છે. જેમ કે,
‘એની ગૂંચો આજ નહીં તો કાલ ઊકલશે, એવી આશે
મારી સૌ પેઢીએ સેવ્યો, એક ઉખાણા જેવો ઈશ્વર.’ (પૃ. ર૮)
ઈશ્વરપ્રેરિત જીવનનો સ્વીકાર જુઓ, ‘મારે વેશ ભજવવા ઝાઝા, એ તો બસ જીવાડે-મારે’ (પૃ.૩૪) જ્ઞાન સાથે ભક્તિની વાણીનો ઝબકાર પણ ક્યાંક ઝિલાયો છે, ‘સમજીને આંસુ વહોર્યા છે, વાલો રીઝે છે જળધારે’ (પૃ.૩૪) માણસજાતની અનેક નબળાઈ, મર્યાદા, પીડાઓ સામે ઈશ્વરને પડકાર ફેંકતા કવિ કહે છે, ‘તેં દીધેલાં દેહ ભીતર હું જેમ રહું છું, તારે પણ મેં સીવેલા પડદામાં રહેવું’ (પૃ.૪૦) ગમે તેટલા ગ્રંથ વાંચો પણ દરેકનો સાર એક જ છે. ‘સાર બધા ગ્રંથોનો એક જ, પાથરીએ તો પગમાં આવે’ (પૃ.૪૧) આત્મજ્ઞાન તો કસ્તૂરીમૃગ જેવું છે. ઈશ્વર પ્રત્યે અનુસંધાન અનુભવતા કવિ ત્યારે જ એવું કહી શકે, ‘હું અજાણ્યો ક્યાં હતો આ વિશ્વમાં, મારી પહેલાનાય દસ અવતાર છે.” (પૃ.૩૯) ગઝલસંગ્રહમાં જુદી તરી આવતી એક મૈત્રીગઝલમાં મિત્રપ્રેમ તાજગીસભર આલેખાયો છે. એક-બે શે’ર જુઓ,
‘તું ન હો તો હોઠ પરનું હાસ્ય પણ,
એમ લાગે કાલનું અખબાર છે.’ (પૃ.૬૬)
‘તેં કર્યા છે માફ મારા દોષને,
યાર! એ તો મારો જીર્ણોદ્વાર છે.’ (પૃ.૬૬)
ભાવનિરૂપણની સાથે કવિની બીજી એક વિશેષતા છે શબ્દઅભિવ્યક્તિ. કવિ પાસેથી કેટલાક નવા શબ્દો મળે છે, જેમ કે, ‘ઈશવાસ’, ‘ગંગધાર’, ‘ઉઘાડવાસો’, ઇચ્છાબાઈ હવેલી’, ‘સોનસાહ્યબી’, ‘અરબો-ખરબો’, ‘અજવાળું -બજવાળું’, ‘ગંગાજળી’, ‘હલાણ’, ‘કોળીપાવળ’, વગેરે. બોલીપ્રયોગનો અલ્પપ્રયોગ છતાં નોંધવા જેવા શબ્દોમાં વસ્તર, કીડિયારું, વહેરામણ, રખોપા, હડિયાપટ્ટી, ઠેંસુ વગેરે સમાવી શકાય. Excuse me અને Take it easy એવા બે અંગ્રેજી રદીફ શબ્દો હળવાશના લયમાં પ્રયોજાયા છે. ઘણાબધા શે’રમાંથી સાંપડેલ ઉર્દૂ-હિન્દી શબ્દોની પણ યાદી મળે છે. જેમ કે, કમા, જુલ્ફો, પ્યાજ, મોહબ્બત, ત્વચા, બારાતી, દુલ્હન, ચિલ્લાયા, કસબામાં, સજદા, પર્ધાની, લજ્જા, આશિક, તલાશ, બંદાનવાઝ, બેવફાઈ, ખ્વાબ, બગાવત, જુલ્મી, હમશકલ, મુલાયમ, નિગાહો, બિસ્તર, બેજબાન, હાંસિલ, આશકો વગેરે. આધ્યાત્મિક ભાવને સિદ્ધ કરતાં કેટલાંક શબ્દપ્રયોગો પણ છે. જેમ કે, સુરતા, આકાશી અટકળ, ધર્મપરાયણ, કલાધર્મ, તિલક, અમરફળ, કર્મફળ, મુક્તિ, અધ્યાય, શુક્લપક્ષ, ચંદ્રવૃદ્ધિ, બાવનબારા, યદાતદા, સત્સંગ, ધજા, આત્મલય, મંત્રોચ્ચાર વગેરે. આલંકારિક અભિવ્યક્તિ એ ગઝલ સંગ્રહની સૌથી મોટી વિશેષતા છે. ખાસ કરીને ઉપમા અલંકાર, દૃષ્ટાંત કે સજીવારોપણ અલંકારનો વિશેષ પ્રયોગ રચનાઓમાં જોવા મળે છે. જેમ કે, ‘અહીં! ત્રિભંગ નમણાં શું ઘરેલાં વૃક્ષો પણ, મને લાગ્યું ઘડીભર, દેવના ગણ ચીતર્યા છે’ (પૃ. ૧૯) ‘ઘઉંના દાણા જેવો ઈશ્વર’ - સમગ્ર ગઝલમાં ઉપમા અલંકાર પ્રયોજાયો છે. પાણા જેવો, ઉખાણા જેવો, ખાલી ભાણા જેવો, તાણાવાણા જેવો, ઘઉંના દાણા જેવો ઈશ્વર વગેરે દ્વારા ઈશ્વરની જુદી જુદી ઉપમાવાચક કલ્પનાઓ કરી છે. ‘એમ…થી જેમ..’ની વચ્ચે વિસ્તરતી અર્થચમત્કૃતિ સભર પંક્તિઓ ઘણી ગઝલોમાં છે. આ પ્રકારની અભિવ્યક્તિ દૃષ્ટાંત અલંકારની છે. જેમાં ઉલા-સાની મીસરામાં કાર્યકારણનો સંબંધ સ્થપાય છે. કેટલાંક ઉદાહરણ એમ કાયમ જીવ્યા ઉતાવળમાં, જેમ સામે વિમાન ઊભું છે. (પૃ. ૩) ‘સુખને દીધું છે રમવા હૃદય એ રીતે અમે, બાળકને દઈ રમકડાં, ઘરે આવતાં કર્યાં’ (પૃ. ૨૪) ‘એમ જીવતરમાં છે આંસુની જગા, જેમ ભોજનમાં અથાણું હોય છે.’ (પૃ. ૫૫) ‘એમ તારી યાદ ફૂટે છે સતત, આદમીને જે રીતે દાઢી ફૂટે’ (પૃ. ૬૮) ‘એવી આંખોને જીતી આવ્યો છું હું, જેની ચોસઠ કળાઓ રખોપાં કરે.’ (પૃ. ૮૦) ‘જેમ શેવાળ બેઠી છે તળિયે, ચામડી નીચે ડામ બેઠા છે.’(પૃ. ૮૬) કલ્પનયુક્ત ભાવ-અભિવ્યક્તિ પણ કવિની વિશેષતા છે. જેમ કે, ‘તું હા કહે તો’ ગઝલનો અંતિમ શેર- ‘ટચલી આંગળીએ અંધારું ઊંચકીને થાક્યો હો સૂરજ, એવા મોકે દીવો કરવાની ઇચ્છા છે, તું હા કહે તો, (પૃ. ૪૯) આ જ ગઝલના બીજા કલ્પનો જેવાં કે ‘અજવાળાના પૂર્વજને સિંદૂર ચડે’, ‘પાંસળીઓને પછવાડે એક ઘર અંધારે ખૂંપેલું’, ‘પોરુષના કોળીપાવળ’ વગેરે. અન્ય ગઝલોમાંથી પ્રાપ્ત કલ્પનો પણ ટાંકવા જેવા છે, ‘ઇચ્છાનું છાણું’, (પૃ. ૫૫) ‘ઇચ્છાનું પેટ’ (પૃ. ૧૪), ‘જિંદગીની વિશાળ ડાળી પર’ (પૃ. ૬૯), ‘પીડાને એ પટરાણી માની નવાજે’ (પૃ. ૭૩), ‘જળ ઉપર ચાંદની બિછાવીને’ (પૃ. ૪૩) ‘હોઠ પર છે ધજા બગાવતની’ (પૃ. ૪૨), ‘આંસુઓના હાથે પારણાં કર્યા’ (પૃ. ૨૪), ‘મોત છે ધક્કાબારી બીજું કઈ નથી.’ (પૃ. ૨૩) વગેરેમાં અમૂર્તભાવોને સાદૃશ્યરૂપ મળ્યું છે. ‘દીવા’ના પ્રતીકમાં ઘણાં શે’ર મળે છે. એવી ગઝલોમાં ‘તું હા કહે તો’ ગઝલમાં રદીફ જ ‘દીવો કરવાની ઇચ્છા છે તું હા કહે તો’ સિદ્ધ થયેલ છે જેમાં ચોકે ચોકે દીવો, હોઠે દીવો, ગોખે દીવો, મોકે દીવો એવા વિવિધ સંદર્ભો મળે છે. ‘દીવા’ વિશેના અન્ય પ્રતીકાત્મક શેરની યાદી આ રીતે મળે- એક દીવા સામે દીવો રાખતાં, ચોતરફ ખુદને જ અથડાયા અમે (પૃ. ૭૮) ‘આવો. તમને અજવાળે હું નવડાવું. ઝળહળતા દીવાના ટેકે બેઠો છું’ (પૃ. ૧૩) ‘નાનાભાઈની પ્રગતિને મોટો ભાઈ જોતો હો, મારો દીવો એ રીતે બીજા દીવાને જુએ છે. (પૃ. ૨૦) ‘ડરું છું ગોખમાં ઠરતાં દીવાનું દૃશ્ય જોઈને, નથી હું એટલો કાયર બહુ ઊંઘ આવે છે.’ (પૃ. ૫૦) ‘આજે દીવો કરવાનું પણ માંડી વાળો તો સારું, કેવું ચારેબાજુ કાળી રાતનું તોરણ બાંધ્યું છે.’ (પૃ. ૭૧) ‘પીડા’ના સંદર્ભમાં પણ ઘણા શે’ર મળે છે. જોકે કવિની કૃતિમાં ‘પીડા’નો માત્ર પ્રણય સાથેનો નાતો નહીં પણ જુદાજુદા સંદર્ભે પણ વિનિયોગ થયો છે. જેમ કે, ‘નજરાણામાં પીડા લીધી, બોલાવ્યા છે બાવનબારે’ (પૃ. ૩૪) ‘ઘણી વેળા દવાને કારણે જીવી જવાયું છે, અણી વેળા પીડાને કારણે જીવી જવાયું છે’ (પૃ. ૪૪) ‘આ પીડા, આ પીડસંગીઓ મને, આ પછીનાં સર્વ જન્મે પણ મળશે.’ (પૃ. 52) ‘એને નાની-મોટી ટશરોનાં ભયસ્થાનો ચીંધો છો? જેણે પીડાના દ્વારે શુભ-લાભનું તોરણ બાંધ્યું છે.’ (પૃ. ૭૧) ‘પીડ પણ રંગાઈ ગઈ એ રંગમાં, ભીતરે કંઈ એમ ઊજવાયા અમે’ (પૃ. ૭૮) કલ્પનની જેમ પુરાકલ્પન કેટલાક શે’રમાં છે. ‘જડીબુટ્ટી’ ગઝલનો અંતિમ શેર ‘એક સેવક પડ્યો છે મૂર્છામાં, કોણ લેવા જશે જડીબુટ્ટી?’(પૃ.૧), ‘ઇનામ હશે’ ગઝલના એક શે’રમાં રાવણનો મંદોદરીની દૃષ્ટિએ સંદર્ભ જુઓ, ‘બધાય લોકને રાવણ છે એમ થાય ભલે, છતાં મંદોદરીને મન તો એ જ રામ છે.’(પૃ.૪) ‘ઓડકારની કલા’ ગઝલમાં શબરીનો સંદર્ભ છે, ‘શબરી’ લખું તો ફોગટમાં નેજવાં ન કરજો, મારી નજર બીજાથી નોખા પ્રકારની છે.’(પૃ.૧૪) ‘મીરાં’ના સંદર્ભનો એક અસરકારક શેર જુઓ, ‘ત્યારે કડવા ઝેકટોરા અમરત થાતા, શ્યામસુંદર!, વિષ અને વિશ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે’(પૃ.૩) નરસિંહ મહેતાએ હરિજનવાસમાં ભજન-કીર્તન કરેલાં જેના બદલામાં તેઓ નાગરી જાતિના લોકોથી હાંસીપાત્ર બનેલા. આ સંદર્ભે કવિ પોતાની વાત સ-રસ રીતે જોડે છે, ‘એની પાસે જઈને સ્નેહી પ્રેમ કરી લો’ બોલ્યા, નરસૈયાની વાતો જેને હસવા જેવી લાગી’ (પૃ.૩૩) ‘યદા તદા ગઝલ’ કૃતિમાં રદીફ-કાફિયા નવીન છે. ચુસ્તકાફિયા અને મુક્તકાફિયા એવા બન્ને પ્રકારના કાફિયા ગઝલમાં છે. બહુ પ્રસ્તુત નહીં પણ. નવા લાગે તેવા કાફિયાપ્રયોગ કવિએ આલેખ્યા છે. જેમ કે, પગતળ, અટકળ, સમથળ, હળાહળ, અમરફળ / બેજબાન, મહાન, નિશાન, વિધાન, મકાન, વિમાન, લગાન / યદાતદા, શૈલજા, અશ્રુજા, અસૃજા, પૂર્તતા / ખાઈ, નવાઈ, કલાઈ, ઘડાઈ, કમાઈ, સાંઈ, ખરાઈ / ઑસ્કાર, ઓડકાર, ગંગધાર, જુવાર, પ્રકાર, લુહાર / પારખા, ચાંદલા, ઉજાગરા, લાખના, આવતાં, માટલા / જમણામાં, રમણામાં, કમરામાં, કસબામાં, સજદામાં, રસ્તામાં / અજાણ, લખાણ, પ્રયાણ, હલાણ, વહાણ, વખાણ / કટાણું, ભાણું, અથાણું, નવાણું, છાણું, ઉખાણું / હવાધર્મ, બારણાંધર્મ, કાચબાધર્મ, માછલાધર્મ, ધજાધર્મ, વડાધર્મ, કલાધર્મ વગેરે.. કાફિયાની જેમ રદીફની પસંદગી પણ કવિમિજાજનો ભાગ છે. વિશેષ અર્થ પ્રગટાવવો હોય ત્યારે ધારદાર રદીફની જરૂર પડે. જેમ કે ‘બેસો’, ‘ઊભું છે. ‘કરતા રહેજો’, ‘ટેકે બેઠો છું’, ‘જાગે છે’, ‘જુએ છે’, ‘સંતો’, ‘ખાઈ ગઈ, ‘મંદિરમાં’, ‘અલગ કરાયો છું’, ‘એવા છે’, ‘ધજા ફરકાવવાની છે’, ‘ઊંઘે છે, ‘ગમે’, ‘જવાયું છે’, ‘સાચું શું છે?’, ‘Take it easy’, ‘excuse me’, ‘જડીબુટ્ટી’, ‘નક્કી છે’, ‘તોરણ બાંધ્યું છે’, ‘તપ પાકશે’, ‘ચલતો ભલા’, ‘રખોપાં કરે’. ‘ફાંસીનું માન રાખ્યું છે’, ‘પાણી પીધું છે’ વગેરે ટૂંકા અને અસરકારક રદીફો છે. ક્યાંક દીર્ઘ રદીફ પણ છે. જેમ કે ‘હું સત્યનારાયણ કથામાં જાઉં છું’, ‘આંટા ફેરા કરતાં રહેજો’, ‘સરખે ભાગે વહેંચી લેજો’, ‘કારણે જીવી જવાયું છે’, ‘સમજ વિકસાવવાની છે’, ‘દીવો કરવાની ઇચ્છા છે તું હા કહે તો’ વગેરે. ગઝલનો એક પ્રકાર છે મુસલસલ ગઝલ. એવા ભાવવિશ્વમાં પ્રગટતી ગઝલમાં ‘તપેલી’, ‘ઈંટ’, ‘પગ’, ‘આંગળી’, ‘ભતવારી બેઠી છે’, ‘પહેરી છે’, ‘ઘઉંના દાણા જેવો ઈશ્વર’, ‘યદા તદા ગઝલ’, ‘સભાપાત્રતાની ગઝલ’ વગેરે ઉત્તમ રીતે અવતરેલી રચનાઓ છે. ‘ઈંટ’ ગઝલમાં ઈંટના જુદાજુદા અર્થસંદર્ભ આપ્યા છે. ઈંટ ઉપર ઈંટ ચઢે ને ઘર બને. એ આખી વાત બે શે’રમાં છે. ઈંટમાંથી ભીંત, ઈંટ ફૂલોમાં પરિવર્તિત, ઈંટ માટીમાં મળે વગેરે. આ રીતે ઈંટના અસ્તિત્વને ઉજાગર કર્યું છે. ‘આંગળી’ ગઝલમાં ભારોભાર વ્યંજના છે જેમ કે, ‘એવી ઘટના બની છે ઘરમાં, કે થાળી એ આંગળીને ઘૂરી છે. (પૃ. ૮૮) ‘આંગળી’ અહીં કેવળ આંગળી નથી. ઘરનું એક અસ્તિત્વ છે જાણે. આંગળીના જુદાજુદા સંદર્ભો પણ ઊઘડ્યા છે, જેમ કે ‘આંગળીઓનો વંશ નૂરી’, ‘ગઝલો આંગળીને સ્ફુરી’ વગેરે. અંતિમ શે’રની રંગદર્શી અસરકારકતા જુઓ-
‘હાથ મારો થયો છે રંગોળી, એમ તેં આંગળીઓ પૂરી છે’
{{right|(પૃ. ૮૮)
}}
‘તપેલી છે’ ગઝલમાં તપેલીના અસ્તિત્વની, તેના ગુણ-લક્ષણની વાત માંડી છે. મત્લા શે’રની અસરકારકતા જુઓ- ‘એને ખુદની દિશા જડેલી છે, એ પરત કાંઠેથી વળેલી છે’ (પૃ. ૨૧) આગ ઠારવાની વાતમાં ભૂખ અને ભૂખના શાસ્ત્રને ભણેલી તપેલીની વિદ્વત્તા અનોખી રીતે સિદ્ધ કરી છે. આગ કરતાંય ભૂખ વસમી છે, એટલું શાસ્ત્ર એ ભણેલી છે. તપેલીની વેદનાને કવિ વાચા આપે છે. ‘ઠામ ઘસનાર બાઈની સાથે, રોજ છાનું-છૂપું રડેલી છે’(પૃ. ૯૧) ગઝલના અંતિમ શેરમાં આવતી ચોટ જુઓ- ‘જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર એમ ચૂલા ઉપર ચડેલી છે.’ (પૃ. ૯૧) પ્રસ્તુત સંગ્રહમાં કવિએ ચોક્કસ પ્રકારના ગઝલ છંદ પ્રયોજ્યાં છે. જેમ કે, રમલ, રજઝ, હજઝ, મુત્કારિબ, મુત્કારિક, મઝારિઅ, મુસમ્મન, અબરખ મકકૂફ જેવા ઉર્દૂ છંદ છે. કેટલાંક ઉદાહરણ જોઈએ. હાટમાં બેજબાન ઊભું છે (ગાલગા ગાલગાલ ગાગાગા), સર્જાશે કોઈ રૂપની ‘યદા યદા ગઝલ’ (ગાગાગાગાલ ગાલગા લગાલગાલગા), ‘મારી કલા અધૂરાના ઓડકારની છે’ (ગાગાલગાલગાગા ગાગાલગાલગાગા મઝારિઅ ઉર્દૂ છંદ) ‘મુલાયમ એ ત્વચાએ ધૂળનું મોઢું નથી જોયું (લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા મુત્કારિબ છંદ), ‘કલા હશે, કસબ હશે અને કલામ હશે’ (લગા લગા લગા લગા લગા લગાલગા - હજઝ મુસજાન મકબૂઝ) કવિને સૌથી વધુ હસ્તગત થયેલ ‘ગાગાગાગા’ બંધારણ ધરાવતો કટાવ છંદ છે. જેમાં સૌથી વધુ ગઝલ મળે છે. જેમ કે, ‘પગવાળીને બેસો’, ‘જગ્યા રાખી છે,’ ‘આંટાફેરા કરતા રહેજો,’ ‘નાની લીટી કરવી છે,’ ‘સરખે ભાગે વહેંચી લેજો’, ‘કાયાની ટેકે’, ‘અટકે તે અભ્યાસી’, ‘તપ કરવાનું’, ‘સૂરજ છાપ તમાકું’, ‘જુએ છે’, ‘ઊઠે છે’, ‘પારણાં કર્યાં’, ‘ઘઉંના દાણા જેવા ઈશ્વર’ વગેરે. કવિ સ્નેહી પરમારની ગઝલ સાચા કલાધર્મીની ઓળખ છે. જીવનમાં આત્મસાત કરેલ અધ્યાત્મનું ઊંડું દર્શન જોવા મળે છે, તો જ કવિ આવું કહી શકે,
‘બોલ! તને કઈ જગ્યાએ રહેવું છે રાજીખુશીથી,
મેં મારા બે શ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે’ (પૃ. ૩)
જેને અવકાશની, ઈશ અને ઈશવાસની છે, વિષ અને વિશ્વાસની સમજ છે, એને ગઝલમાં ઝીણું તાકતાં આવડે જ. કવિ પાસે એવું સંવેદનજગત છે જેમાં જ્ઞાન, ધર્મ, કલા, સંસાર, પ્રેમ, સર્વનો સહજ સ્વીકાર અને અનુભૂતિનો ધારદાર આકાર પ્રગટ થયો છે. ‘ગઝલ’ માટે તપ સાધતા કવિ કેટલી મોટી વાત માંડે છે, ‘ઇતિહાસ તો છે કાળની તૂટેલ હસ્તપ્રત, એની કરે છે અવતરીને પૂર્તતા ગઝલ’ (પૃ. ૮) ગઝલકૃતિમાંથી પસાર થતાં એટલું જરૂર તારવી શકાય કે કવિ પાસે ગર્ભિત અનુભૂતિ અને સ્વયમસ્ફુરણ અભિવ્યક્તિ છે. સંસારને પાર કરીને સુરતા તરફ વળેલ કવિ છે. સૌંદર્યને સહજતાથી આકૃત કરનારો કવિ છે. જીવન જગતનો અભ્યાસી હોવા છતાં સતત સ્વને તાકતો કવિ છે એટલે જ તેમની ગઝલનું ભાવવિશ્વ સૂક્ષ્મ અને ઝીણું તાકના મર્મીકવિ તરીકે ઊપસે છે. સાહિત્ય જીવનનું પ્રતિબિંબ છે. ઉમદાગઝલ અવતરવાના મૂળમાં સૂક્ષ્મ જીવનદૃષ્ટિ, જીવનસંઘર્ષ અને આત્મસભાનતા કામ કરતી હોય છે. પોતાના કવિતાકર્મ અંગે કવિએ નિવેદનમાં નોંધ્યું છે, ‘મારે ફણગાયેલી કૂંપળનું સૂર્યકિરણ સાથે સગપણ કરાવવું છે માટે કવિતા લખવી છે. મારે કોઈના જેવું થતું નથી. કારણ કે મારે મારા જેવું થવું બાકી છે. મારે અંદરના સ્નેહીનો બહારના, આપ સૌના સ્નેહી સાથે ભેટો કરાવવો છે. અને માટે કવિતાથી વધુ કારગત અને કરવગું કંઈ જ નથી લાગ્યું.’ કવિ સ્નેહી પરમાર ‘નાના જણની પીડવાહક નૌકાના’ કવિ છે. કવિની સ્વ-ઓળખ માટે આ એક જ શે’ર કાફી છે,
‘મારી લેખણ નાના જણની પીડવાહક નૌકા છે,
દેવી! ચરણોનાં સહુ કામન પંખાળીને બેસો’ (પૃ.૨)
કવિતાદેવીના કામણે જ કવિને ‘સ્વથી સર્વસ્વ’ અને પુનઃ ‘સ્વ’નો ભેટો કરાવ્યો છે. કવિની સમગ્ર ગઝલરચનાને એક જ શે’રમાં તાકવી હોય તો વિના શબ્દોમાં આમ કહી શકાય,
‘પ્રગટી ગઈ જે પીડ તે પસ્તી થઈ ગઈ,
અંદર રહી ગઈ તો એણે લાખના કર્યા’ (પૃ.૨૪)
કવિની કલમે હજુ જ્ઞાનવર્ધક, સંઘેડાઉતાર ગઝલ અવતરતી રહે એવી શુભેચ્છા છે. કવિતા તો સમયે-સમયે નવતર રૂપ લઈને અવતરતી રહે. એટલે જ કવિને સહજ સૂઝેલું શીર્ષક ‘યદા તદા ગઝલ’ અર્થસૂચક છે. કવિતા અમર છે, ને એટલે જ કવિ અમર છે. ઉત્તમ કવિતાને લીધે કવિનું નામ યુગેયુગે બોલાતું રહે છે. સમયના કોઈ પડાવમાં એ કવિતાને કોઈક ભાવકચેતનાનો સ્પર્શ થાય ત્યારે એ કવિતા સોળે કળાએ ખીલી ઊઠે. કારણ કે અંતે તો વ્યક્તિ નાશવંત છે પણ, કવિતા શાશ્વત છે. હા, માત્ર કવિતા જ.
❖
(‘અધીત : એકતાળીસ’)