અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિવેદન

ગુજરાતીનો અધ્યાપક સંઘ દ્વારા ‘અધીત', ‘સેતુ' પત્રિકા અને અન્ય ગ્રંથ પ્રકાશનોની પ્રવૃત્તિ સાતત્યપૂર્વક રીતે થતી રહી છે. અત્યાર સુધીમાં સંઘ ‘અધીત : પ્રમુખીય પ્રવચનો – ૧’ (સં. ચિમનલાલ ત્રિવેદી, ચિનુ મોદી: નવેમ્બર ૧૯૭૪), ‘અધીત : પ્રમુખીય પ્રવચનો ૨' (સં. ચંદ્રકાંત શેઠ, જયદેવ શુકલ, ભરત મહેતા, જગદીશ ગુર્જર : ડિસેમ્બર ૧૯૯૭), ‘અધીત : પ્રમુખીય પ્રવચનો ૩' (સં. અજય રાવલ, રાજેશ મકવાણા, ભરત પરીખ, જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા : ફેબ્રુઆરી ૨૦૧૦) ઉપરાંત ‘અધીત: પર્વ-૧’ (નવલકથા-વાર્તા વિશેના લેખો), ‘અધીત : પર્વ-૨' (નાટક અને નિબંધ વિશેના લેખો), ‘અધીત: પર્વ - ૩ (સાહિત્ય સ્વરૂપ વિશેના લેખો), ‘અધીત : પર્વ - ૪ (ભાષાવિજ્ઞાન અને લોકસાહિત્ય વિશેના લેખો) પ્રકાશિત થયા છે. આ ગ્રંથ પ્રકાશન પ્રવૃત્તિની પરંપરામાં ઉમેરણ થવા જઈ રહ્યું છે. ‘અધીત: પ્રમુખીય પ્રવચનો – ૪, ‘અધીત : પર્વ—પ' (કાવ્યસ્વરૂપ વિશેના લેખો) અને ‘અધીત : પર્વ ૬ (કાવ્યસમીક્ષા) એમ ત્રણ સંચયોનું પ્રકાશન ફેબ્રુઆરી ૨૦૨૪માં થઈ રહ્યું છે તેનો આનંદ છે. આ ‘અધીત : પર્વ - ૬' (કાવ્યકૃતિ અને કાવ્યસંગ્રહની સમીક્ષાના લેખો) ગ્રંથમાં આરંભે પ્રમુખીય નિવેદનમાં ગુણવંત વ્યાસે પોતે આ કામ માટે નિમિત્ત બન્યાનો રાજીપો વ્યક્ત કરી આ ગ્રંથને ગુજરાતી સાહિત્યમાં એક મૂલ્યવાન ઉમેરણ તરીકે ગણાવ્યો છે. ત્યારબાદ અદ્યતન કવિતા વિશેના ડૉ. હર્ષદ ત્રિવેદી, ચંદ્રકાંત ટોપીવાળા અને ચંદ્રકાંત શેઠના મહત્ત્વના લેખો અહીં સ્થાન પામ્યા છે. જેમાં વિવિધ કાવ્ય રચનાઓ અને સંગ્રહનાર સંદર્ભ અને માધ્યમથી આધુનિક કવિતાના વિવિધ પાસાંઓને ખોલી આપતી વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. આ ઉપરાંત અધ્યાપક સંઘનાં અધિવેશનો, અધ્યાપક-સજ્જતા શિબિર કે વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા નિમિત્તે વિવિધ વિદ્વાનો દ્વારા વિવિધ કવિઓની કાવ્ય કૃતિઓ કે કાવ્યસંગ્રહોની થયેલી સમીક્ષા અને વિવેચના પણ અહીં લેખ સ્વરૂપે સ્થાન પામી છે. જેમાં કાન્તની પ્રસિદ્ધ કાવ્ય કૃતિ 'ચક્રવાકમિથુન' વિશે વ્રજલાલ દવે, લાભશંકર ઠાકરની રચના ‘એકેય એવું ફૂલ’ વિશે પ્રિયકાંત મણિયાર, રમેશ પારેખની જાણીતી રચના ‘ખમ્મા, આલા બાપુને’ વિશે લાભશંકર પુરોહિતના લેખો ખાસ નોંધપાત્ર છે. સાથે જ જયદેવ શુકલ (‘પરંતુ' વિશે), નીતિન મહેતા (‘જળની આંખે'), નીતિન વડગામા (‘નિર્વાણ’), વિનોદ જોશી (‘મૃણાલ'), ડૉ. દીપક રાવલ ('જનપદ'), રાજેશ પંડ્યા (‘જાતિસ્મર’), ભગીરથ બ્રહ્મભટ્ટ (‘કંઈક કશુંક અથવા તો’), રમેશ મહેતા (‘આગમવાણી'), વિનોદ ગાંધી (‘ણ ફેણનો ણ’), દર્શના ધોળકિયા (‘વસંત વિજય'), સતીસ વ્યાસ અને ચંદ્રકાંત ટોપીવાળા (‘ટોળા અવાજ ઘોંઘાટ’), શિરીષ પંચાલ ('વસંત વિજય'), હૃષીકેશ રાવલ (‘મનહર અને મોદી’), પિનાકીની પંડ્યા ('શ્વેત સમુદ્ર’), અનિરુદ્ધસિંહ ગોહિલ (‘અંદર બહાર એકાકાર’), બિપિન આશર ('અક્ષરનો રોમાંચ'), ગુણવંત વ્યાસ ('સેલ્લારા')ના અભ્યાસલેખો પણ આ ગ્રંથની વિશેષ સમૃદ્ધિ છે. ઉપરાંત ‘જલરવ', 'પરિક્રમા', ‘યુગવંદના’, ‘કવિતા નામે સંજીવની', ‘તેજ અને તાસીર', 'પીડાની ટપાલ’, 'યદા તદા ગઝલ’, 'વાસ્યાં કમાડ હવે ખોલો!', ‘ઘરઝૂરાપો’, ‘રાગાધીનમ્’, ‘છોડીને આવ તું’ જેવા સંગ્રહો પરના વિવિધ વિદ્વાનો અને અભ્યાસુ અધ્યાપકોના લેખો પણ અહીં સમાવાયા છે. આમ આ ગ્રંથમાં કુલ સાઈઠ જેટલાં લેખો દ્વારા વિવિધ કાવ્યસંગ્રહો અને ઉત્તમ રચનાને આસ્વાદકોએ આપણી સમક્ષ ખોલી આપી છે. ગુજરાતી કવિતાના અભ્યાસરૂપી યજ્ઞમાં આ ગ્રંથરૂપી આહુતિ આપીને સંઘે ગુજરાતી કવિતાના અભ્યાસ અને વિવેચનને વધુ સમૃદ્ધ કર્યા છે. જે કવિતાના કોઈ પણ જીજ્ઞાસુ અભ્યાસુને તથા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પણ ખૂબ ઉપયોગી થશે. આ ગ્રંથમાં પ્રકાશિત થયેલા અભ્યાસલેખોના જે લેખકો છે તે સૌ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ ગ્રંથના પ્રકાશન માટે ભારે જહેમત ઉઠાવનાર સંઘ પ્રમુખ ગુણવંત વ્યાસ પ્રત્યે ઋણભાવ અને નવા વરાયેલા પ્રમુખ રમેશ મહેતા પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ. આ ગ્રંથના પ્રકાશન માટે ડિવાઈન પબ્લિકેશનના અમૃતભાઈ ચૌધરીએ તૈયારી બતાવી અને તેનું પ્રકાશન ચીવટપૂર્વક અને સમયસર કરી આપ્યું તે બદલ તેમના પ્રત્યે પણ ઋણભાર વ્યક્ત કરીએ છીએ.


જાન્યુઆરી-૨૦૨૪
મકરસંક્રાન્તિ
હૃષીકેશ રાવલ, દીપક પટેલ,
સુનીલ જાદવ, અશોક ચૌધરી,
અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ
બી. બી. વાઘેલા, કનુ વાળા
(મંત્રીઓ)