અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/વૈવિધ્યસભર ભક્તિરચનાઓ : ‘પાણ બંધ ઇસર પુણે'

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૧. વૈવિધ્યસભર ભક્તિરચનાઓ : ‘પાણ બંધ ઇસર પુણે’

સનત ત્રિવેદી

મારુ-ગુર્જર ગુજરાતી ભાષા જેવો જ જેનો સંબંધ છે તે ચારણી ભાષા તેમજ તેના લિખિત સ્વરૂપનું ગુજરાતના સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન છે. ચારણી સાહિત્યનો સીધો જ સંબંધ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાથે છે, પરંતુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રારંભે ચારણી પરંપરાના સાહિત્યને સ્થાન ન મળ્યું. તેનાં કારણોમાંનું એક તે છે કે અપભ્રંશની અસરના કારણે કચ્છી બોલીમાં સિંધીની અસર મુખ્ય બની અને ગુજરાતની અન્ય બોલીઓ કરતાં કચ્છી જુદા ભાષાસ્વરૂપની બની. તેવી જ રીતે ‘ચારણી’ પણ રાજસ્થાન ગુજરાતમાં ચાર-પાંચ વિભેદમાં જન્મી અને વિકસી, પણ સાહિત્યસર્જકોએ વ્રજ ભાષાની અસર અને પરંપરામાં વિશિષ્ટ ભાષા વિકસાવી. જેને ‘ડીંગળી’ નામ મળ્યું. પણ તેનું વાચન-પરિશીલન કરનાર વર્ગ સીમિત રહ્યો. ડૉ. હસુ યાજ્ઞિક જણાવે છે : ‘એથી ગુજરાતીના પ્રમાણમાં ચારણી કૃતિઓની હસ્તપ્રત પણ ઓછી લખાઈ, લખાઈ તે પણ કાળના પ્રવાહમાં સંરક્ષણની વ્યવસ્થાના અભાવે લુપ્ત થઈ અને જેવી-જેટલી પણ બચી એનું સંરક્ષણ અને મુદ્રણ પણ બહુ ઓછું થયું.’ (ચારણી બારોટી પરંપરા સાહિત્ય-લોકસાહિત્યનો સંધિપ્રદેશ, લોકગુર્જરી-૨૩, પૃ. ૮) અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પરંપરાના અભ્યાસ પછી ચારણી સાહિત્યનો અભ્યાસ પણ લોકસાહિત્ય સાથે જોડાયેલો રહ્યો. ઝવેરચંદ મેઘાણીએ ચારણી સાહિત્યને અલગ ઓળખાણ આપી, છતાં પણ અમુક સ્પષ્ટતાના અભાવે ચારણી સાહિત્ય લોકસાહિત્યના કૌંસમાં જ રહ્યું. ઈ.સ.૧૯૬૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના દરમિયાન આદ્ય કુલપતિ ડોલરરાય માંકડના વડપણ હેઠળ શ્રી રતુદાનજી રોહડિયાએ ચારણી સાહિત્યની હસ્તપ્રતો એકઠી કરી. ગુજરાતી ભાષા-સાહિત્યમાં તેની સૂચિ પણ તેમાં તૈયાર કરવામાં આવી. લુપ્ત થવાના આરે પહોંચેલી હસ્તપ્રતોને સંરક્ષણ મળતાં, આ હસ્તપ્રતોના આધારે ૩૦૦ ઉપરાંત સંશોધનો અને સંપાદનો થયાં. આ રીતે આ ચારણી સાહિત્ય પણ પ્રકાશમાં આવ્યું. સ્વયં શ્રી રતુદાનજીએ સહાયકો સાથે ૩૫થી વધુ પુસ્તકોનું પ્રકાશન કર્યું. આ ચારણી સાહિત્યકારોમાં ઈસરદાસજી, સાંયાજી ઝૂલા, હરદાસ મિશણ, આણંદ-કરમાણંદ મિશણ, કરણીદાન કવિયા, દુરશાજી આઢા, દુલા કાગ પ્રસિદ્ધ થયા છે. આ સૌમાં વિ. સં.ના સોળમા શતકના પ્રારંભે થયેલા એવા ઇસરદાસજી રોહડિયા ગુણવત્તા અને ઇયત્તાની દૃષ્ટિએ અગ્રેસર છે. પુષ્કર ચંદરવાકર તો ત્યાં સુધી કહે છે કે - ‘ઈસરદાસ મહાકવિ કેમ નહીં? તેઓ પણ ‘હરિરસ’ અને ‘દેવિયાણ’ના સર્જનથી મહાકવિપદને યોગ્ય તેવા મહાકવિ જ હતા’ (વિચારભારતી : પૃ. ૩૫) શ્રી ઈસરદાસજી પાસેથી ૫૧ ઉપરાંત કાવ્યરચનાઓ મળે છે. જેમાં ઐતિહાસિક ચરિત્રકેન્દ્રી ૧૧ જેટલી રચનાઓ સિવાય ૪૧ જેટલી ભક્તિરચનાઓ છે. જેમાં ચારણી સાહિત્યની ભગવદ્ગીતા મનાતી ‘હરિરસ’, ‘દેવિયાળ’, ‘હરસિદ્ધિ સ્તુતિ’ અને ‘નિંદાસ્તુતિ’ રચનાઓ ઉપરાંત અન્ય લઘુરચનાઓ છે. જેમાંની અધિકાંશ તો અપ્રગટ છે. સંત મહાત્મા ઈસરદાસજીના સત્તરમી પેઢીના વારસ ડૉ. તીર્થંકર રતુદાનજી રોહડિયાએ ઈસરદાસજીની મહદ્અંશે અપ્રગટ ભક્તિરચનાઓ ‘પાણ બંધ ઈસર પુણે’ પુસ્તકમાં સંપાદિત કરી છે. જેમાં જગદંબાસ્તવનો, સગુણ પરમેશ્વરનાં સ્તવન, જ્ઞાનમાર્ગી કાવ્યો, પ્રાસંગિક હરિસ્તવનો અને ભવિષ્યકથનનો સમાવેશ થાય છે. જેમાં કુલ ૩૯ ભક્તિવિષયક રચનાઓ છે. ચારણકવિઓ શક્તિના ઉપાસક રહ્યા છે. બહુધા કવિઓએ શક્તિના સૌમ્ય-રૌદ્ર-ઉભય સ્વરૂપની આરાધના કરી છે. સંપાદકે પુસ્તકના પ્રથમ વિભાગમાં જ ‘જગદંબા સ્તવનો’ની છ ભક્તિરચનાઓ મૂકી છે. જેમાં પ્રથમ ‘શારદાસ્તવન’ છે. બીજમંત્રરૂપ, ભક્તિપદોનું ગાન કરનારા એવા બ્રહ્માજીના પુત્રી માતા વિદ્યાદેવીને ઇસરદાસજી વંદે છે. સાર્થક નિરર્થકની સમજણ આપનારા અને સૌમ્ય સ્વરૂપવાળાં વાણીદેવીને કવિ સદ્ વલણ અને શુભ કાર્યો કરવા પ્રેરનારા માને છે. પોતાનામાં પ્રવેશવા મથતા અહમ્નું નિવારણ કરવા કવિ માતાને વિનંતી કરે છે ‘ચરચા : માતા રવેચીની’ સ્તવનમાં જેના દર્શનમાત્ર અડસઠ તીર્થો અને તેંત્રીસ કરોડ દેવતાનાં દર્શનરૂપ છે, તેવા જગદંબા ચામુંડાની સ્તુતિ કરી છે. મધુ-કૈટભ અને મહિષાસુરના વધ સમયે સરોવરના જળ ઉપર શિલા તરી એવા પરચાનો હજુ લોપ પામતો નથી, તેવા રવેચીમાતાના ઈસરદાસ શરણાગત છે. ‘શિવ-શક્તિની એકાત્મતા’માં ઈસરદાસજી દેવ-દેવીની ભિન્નતા જોનારને મુક્તિ નથી તેમ નિર્દેશે છે.

‘સાયબ લિખમી રકમ સાવંત્રી, સંકર ગવર સનેહવા;
‘ઈસર’ ચિહ્ને એક કર ઓળગ, દેવી દેવક દેવા…’ (પૃ. ૫)

વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી, બ્રહ્મા અને સાવિત્રી, તેમ શિવ અને ઉમિયાનો સ્નેહ એ સર્વ એક જ છે. એને અભિન્ન માનીને એમની ભક્તિ કર - એમ ઈસરદાસજી કહે છે. ‘શ્રી હરસિદ્ધિ સ્તુતિ’માં જેનું રૂપ વર્ણનાતીત છે એવા ઉજ્જૈનના ગઢમાં જનારા હરસિદ્ધિમાતાને વિશ્વની કુદરતી ક્રિયાઓના કર્તા માન્યા છે. તેથી જ તેમનું સ્તવન કરવા માટે ઇસરદાસજી ‘જોર પખે નહીં બુદ્ધિ મારી’ પોતાને અસમર્થ માને છે. ‘ગંગાસ્તવન’માં ચારણ મહાત્માએ ગંગાજીને દરેક યુગમાં પૂજ્ય લેખાવા ઉપરાંત પ્રભુના દસ અવતારોમાં જળ સ્વરૂપે અગિયારમો અવતાર કહ્યા છે, જે ધ્યાનાર્હ છે. ‘કે રમાયા’ સ્તવનમાં આ સંસારરૂપી ભ્રાંતિના સમુદ્રમાં અનેક ડૂબશે, પરંતુ કેવળ આશાપુરામાતાના ભક્તો જ આ ભવસાગર તરશે, એમ કહેતા કવિ માતાને ભક્તિની દીક્ષા આપવા પ્રાર્થના કરે છે. બીજા વિભાગમાં કૃષ્ણસ્તવનો છે. જેમાં ‘કૃષ્ણસ્તવન’, ‘નાગદમણ’, ‘દાણલીલા’, ‘વૃંદાવનની લીલાસ્મૃતિ’ અને ‘ધ્યાનમંજરી’ એમ પાંચ ભક્તિરચનાઓ છે. જેમાં શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ, નાગદમણ અને દાણલીલા જેવા પ્રસંગો, વૃંદાવનમાં કૃષ્ણલીલાનાં થતાં સતત સ્મરણો અને શ્રીહરિનાં વિવિધ સ્વરૂપોનું ભક્તિરસ તરબોળ આલેખન થયું છે. કૃષ્ણ વિયોગની વેદનામાં ગોકુળની પ્રજા કૃષ્ણને ઝંખી રહી છે, તેથી ઈસરદાસજી પણ કહે છે કે તમે આવવામાં શા માટે વિલંબ કરો છો? કેમ કે -

‘વનરાવન મન પ્રફુલ્લિત વાદન,
કૃષ્ણ વિના અબ કૌન કરે,’ (પૃ. ૨૩)

ત્રીજા વિભાગની રચનાઓમાં રામસ્તવનો છે ‘રામ રી લંકા ચડાઈ’ નામે ત્રણ રચનાઓ અને એક ‘રામસ્મરણ’ છે. ચારણકવિઓને હાથવગા એવા વીરરસનું અહીં નિરૂપણ છે. ઓગણપચાસ યોજનના વિસ્તારવાળી સોનાની લંકા ઉપર શ્રીરામની સેના ચડી આવે છે. રાવણની સેના, પુત્રો, જમાઈ અને ન્યાતિલાઓનો વધ કરે છે. જેનાથી માંસાહારી પ્રેતોને ભરપૂર આહાર મળે છે, તેમજ રણભૂમિમાં કીચડ છવાઈ જાય છે. રાવણનો વધ કરીને તેણે કેદ કરેલ નવ ગ્રહોને મુક્ત કરી શ્રીરામ અયોધ્યા પધારે છે. એવા શ્રીરામનું સ્મરણ ‘સાર સંસારૂપનો સૂર સારૈ’ સમગ્ર સંસાર અને દેવોના સારરૂપ છે, એમ કવિ માગે છે. તેઓ કહે છે.

‘બંધ સુબંધ અછૈ બલિ બંધણ,
બંધ સુબંધ નહીં કોઈ બીજો…’ (પૃ. ૩૩)

(પ્રભુની ભક્તિનું સ્નેહનું બંધન જ સારું છે. બીજું સંસારાદિનું કોઈ બંધન આવું ઉત્તમ નથી.) પુસ્તકમાં સૌથી મોટો વિભાગ ‘નિરાકાર પ્રભુનાં સ્તવનો’નો છે. જેમાં બાર રચનાઓને સમાવી છે. મહાત્મા ઇસરદાસજીના જ્ઞાનનો, ભક્તિનાં વિવિધ પરિમાણોનો સુપેરે પરિચય થાય તેવી આ રચનામાં વ્યાપકપણે રહેલ રામના ભેદના નિરૂપણ સાથે આત્મા-પરમાત્માના મિલનનું આલેખન છે. અહીં બે રચના ‘પ્રભુસ્તવન’ની અને એક રચના ‘નિર્ગુણ બ્રહ્મની આરતી’ છે. ઉપરાંતની એક રચના ‘બ્રહ્મવેલ’માં ભગવતી ઉમિયાજીએ વેદો ધોતાં નિચોવાયેલ સત્ત્વ ચારણોને પિવરાવ્યાની વાત વણી છે. ‘ભામિણાં’માં પાંચ પાંડવો, સાત સાગરો અને પાતાળો, નવેય ગ્રહો, બાર રાશિઓ અને તેંત્રીસ કરોડ દેવતાઓ જેની વંદના કરે છે – એવા પરમેશ્વરનાં ઓવારણાં સંત ઈસરદાસજી લે છે. ‘સર્વશક્તિમાન પ્રભુ’ બ્રહ્માંડમાં સર્વ ક્રિયાઓના કર્તા છે, તેના માટે ઇસરદાસજીએ ‘ભાવદર્શન’રૂપે રચના આપી છે. જે દીર્ઘકૃતિ છે (૩૦ પદ્યો). જેમાં ઈશ્વરના અવતારો સહિત ઈશ્વરના ઉદાત્ત રૂપોની વંદના છે. ‘યોગમંજરી’માં યોગવિદ્યા સર્જક શિવજી, દત્તાત્રેય, નવનાથ, ગોરખનાથ આદિને યોગની સાત ભૂમિકા, નાડીનું ચલણ અને બાર પ્રકારની ગતિની સમજ આપનારા કહ્યા છે. સંભવતઃ વનપ્રવેશે ઈસરદાસજીએ એક ભક્તિરચના ‘શ્રીહરિ મહિમાની વીસી’ આલેખે છે. ઉપરાંત આ જ વિભાગમાં ‘હરિરસ’ રચનાના સારરૂપ ‘છોટો હરિરસ’ રચના પણ છે. જેમાં હિરનામ સ્મરણનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. પાંચમા વિભાગમાં ‘પ્રભુચરણ મહિમા’ તેમજ ‘શ્રીહરિ સ્વરૂપનું સ્તવન’ ફક્ત બે રચનાઓ છે. જે સગુણ પરમેશ્વરનાં સ્તવનો છે. જેમાં ભક્તોને ભવસાગર તારનારા એવા પરમેશ્વરના બાવન પ્રકારનાં શુભ ચિહ્નોવાળાં ચરણોમાં સ્થાન આપી પોતાના દુ:ખનું હરણ કરવાની અરજ કરે છે :

‘અઠ સિધિ નવનિધિ પગ પલોટે ધરમ ચમર ઢોળે;
શિવ બંભ દશ દૃગપાળ સરણે ઈસરો તે ઓળે…’ (પૃ. ૭૦)

(અષ્ટ સિદ્ધિઓ અને નવેય નિધિઓ જેમનાં ચરણો દાબે છે, ધર્મરાજા જેમને ચમ્મર ઢોળે છે અને શિવજી, બ્રહ્માજી સહિત દશેય દિક્પાલો જેમને શરણે રહ્યા છે એવા ભગવાન નારાયણના આશ્રયે હું ઈસરદાસ પણ છું.) છઠ્ઠા વિભાગ ‘જ્ઞાનમાર્ગી કાવ્યો’માં પાંચ રચનાઓ છે. ‘જીવનની નાશવંતતા’માં મહાત્મા કવિ પ્રત્યેક સ્થળે - પળે મૃત્યુની શક્યતા સાથે કહે છે :

‘કહત ‘ઈસરદાસ’યે શ્વાસ કો વિશ્વાસ નહિ;
કહાં જાનું દીનોનાથ કોન ભાત મારેગો…’ (પૃ. ૭૨)

અન્ય રચના તેના જ અનુસંધાને ‘સંસારના નાશવંતપણા અંગે’ છે. સમગ્ર સૃષ્ટિ મિથ્યા છે. એક પરમેશ્વર સાચો છે. એવો ‘બ્રહ્મ સત્ય જગન્ મિથ્યા’ના વેદસૂત્રનો નાદ અહીં સંભળાય છે. એક રચનામાં કવિ જીવને ‘તું તો. આળસ મ કર અજાણ’ એમ કહે છે. ઉત્તમ એવો આ માનવદેહ મળ્યો છે તો ઈશ્વરભજનની કમાણી કરવામાં જીવને આળસ ન કરવા સંત મહાત્મા ઈસરદાસજી કહે છે. સાતમા વિભાગમાં બે ‘પ્રાસંગિક હરિસ્તવનો’ છે. એક લોકોક્તિ મુજબ અમરેલીના ઠાકોર વજાજી સરવૈયાંના પુત્ર કરણજીને લગ્નપ્રસંગે સર્પદંશ થતાં ઈસરદાસજીએ આ સ્તવનો ગાતાં કરણજી સજીવન થાય છે! બે પૈકીની પહેલી ‘કરણ બત્રીસી’ આ સંપાદનમાં સૌથી દીર્ઘરચના છે. જેમાં ‘મચ્છાવતાર’થી માંડીને દરેક અવતારનું વર્ણન થયું છે, તેમજ અન્ય બીજા એવા પ્રસંગોનું આલેખન છે. જેમાં ઈશ્વરે પ્રભુસ્મરણ કરનારની મદદ કરી હોય. દરેક પ્રસંગમાં ઈશ્વરકૃપાનું સ્મરણ કરી સંત મહાત્મા ઇસરદાસજીએ -

‘તો-ઈસરદાસ કી બેર દયાનથ
નિંદ લગી કે હી આલસ આયો’

એવા ઉપાલંભ સાથે પોતાના વિનયી, વિવેકી સેવક શિષ્ય એવા કરણજીને સજીવન કરવા વિનંતી કરી છે. સંત કવિને વિશ્વાસ છે કે,

જીણ જીણ લોહ જગદિશર,
જાપિય ઊણરી વારસ તું કહું આપો;
કાજ સુધાર ઉધારણ કેસવ,
નામ પ્રમાણ અચૂક નિભાયો. (પૃ. ૯૩)

આ જ પ્રસંગે રચેલ ‘કરણ સરવૈયાંનું ગીત’માં ઈસરદાસજી કરણજીને સજીવન કરવા ધનવંતરિને, ચંદ્રને, હનુમાનજીને અને શુક્રાચાર્યને વિનંતી કરે છે અને આ સમુદ્રપુત્રો અને પવનપુત્ર તથા ભૃગુપુત્ર એકઠા થઈ કરણજીને સજીવન કરી કવિ સંત ઉપર ઉપકાર ચડાવે છે. છેલ્લા વિભાગ ‘ભવિષ્યકથન’ની ‘ગુણ આગમ રચના’માં કલ્કી અવતારનું કથન છે. કળિયુગના હનન માટે કલ્કી અવતાર કેવું મહાયુદ્ધ કરશે તેનું આ ભવિષ્યકથન છે. આ રણસંગ્રામમાં કલ્કી ભગવાનના પક્ષે દેવો, વીર યોદ્ધાઓ, દેવીઓ, સતીઓ રહેશે અને અતિ ભયંકર શસ્રો-અસ્ત્રો સાથે સંગ્રામ થતાં અંતે કળિયુગનો કેવી રીતે વધ થશે તેનું વીરરસનું અદ્ભુત આલેખન અહીં છે. સંગ્રામમાં વિજયશ્રી મળતાં કલ્કી ભગવાન પોતાને ‘વકલંક’ કહાવશે. ઘરે ઘરે જળકળશરૂપે સ્થપાશે, ભગવાન હિરજન સમાજ સાથે એકતા સાધશે અને માનવમાત્ર એક થશે એ આલેખનમાં ચારણ કવિનું સમન્વયવાદી વલણ પણ દૃષ્ટિગોચર થાય છે. પુનઃ સતયુગની આ ભવિષ્યવાણી છે. ‘આત્મહંસની ભાવાનુભૂતિ’ રચનામાં ભક્તિરૂપી જળ ભરેલાં પરમેશ્વરરૂપ માનસરોવરમાં પાપ કુસંગનો ત્યાગ કરી આત્મરૂપી હંસના વિહરણનું નિરૂપણ છે. છેલ્લી રચના ‘રામદેવપીર સ્તવન’ છે. જેમાં રામદેવપીરને વંદન કરી બાળકોના ઉછેર માટે વહારે આવવા અને દર્શનની કૃપા કરવા સંત મહત્ત્વ સેવા ઈસરદાસજી વિનંતી કરે છે. શ્રી રતુદાનજી ‘ચારણી ભક્તિસાહિત્ય : એક અભ્યાસ’ લેખમાં જણાવે છે કે ભક્તિ એટલે પ્રેમ. એ પ્રેમનું પ્રભુ પ્રતિ ઊર્ધ્વીકરણ એટલે પ્રભુભક્તિ. આ ભક્તિ કાવ્યની માફક ચારણોના લોહીમાં પડી હોવાનું તેઓ માને છે. ઈસરદાસજીની આ ભક્તિરચનામાં કવિની ભક્તિકવિ ઉપરાંત કાવ્યના શિલ્પીની છાપ ધારણ થાય છે. અહીં મુખ્યત્વે ભક્તિરસ હોવા છતાં પણ વીરરસ (પૃ. ૩૨) ક્યારેક સંયમિત શૃંગારરસ (પૃ. 22) ઉપરાંત અદ્ભુતરસના (પૃ. ૫૦) ઉદાહરણો પણ મળે છે. મુખ્યત્વે ઉપમા, ઉત્પ્રેક્ષા અને રૂપક જેવા અલંકારો સ્વાભાવિક વણાયા છે, જે કથયિતવ્યને સચોટ બનાવે છે (માનસરોવર, હંસ) અંત્યાનુપ્રાસ-આંતરપ્રાસ તો ખૂબ જ સહજ છે :

‘ધોળે દીહ કાળી નીસા ધીખે લંક ધોમ ધાર,
આગ લાગ જાગ ખાગ ઊછળે અંગાર’ (પૃ. ૩૭)

ચારણી કવિતામાં નાદવૈભવનું એક આગવું સૌંદર્ય હોય છે. જે સાધવા વર્ણાનુપ્રાસ, ‘ણ’ કે ‘ળ’ જેવા થડકારવાળા ધ્વનિઓનો વિનિયોગ સુંદર રીતે કરે છે, જેનું એકમાત્ર ઉદાહરણ પૂરતું છે. અહીં વીરરસ પણ સઘન બને છે :

‘વળાં વળાં વાજ ડાક નામેવીર ચહુવાળાં,
ખળાં દળાં કુંભા થતાં ચાલે રત ખાળ;
ઊજળા સાબળા ઝળાપળા રંગે ઈળા,
ઝળાહળા વાજ સીલા વધે લોહ ઝાળ.’ (પૃ. ૨૮)

અહીં ચારણ કવિઓની અન્ય એક લાક્ષણિકતા અનુસ્વાર બાહુલ્ય પણ દૃષ્ટિગોચર થાય છે. (અન્ય ઉદા. પૃ. ૧૩, ૨૯) વીરરસ આલેખન અર્થે ક્વચિત્ અતિશયોક્તિનો આશ્રય પણ કવિ લે છે. (પૃ. ૨૯) આ ૩૯ ભક્તિરચનાઓ છપ્પય, કુંડળિયો, પદ, દુહો, ગીત (જાત હંસાવળો, સપાખરો, રેંટિડું) આરતી, ચોપાઈ અને કવિત જેવા પદ્ય પ્રકારોમાં છે, જેમાં કવિની હથોટીના કસબનો પરિચય થાય છે. કવિએ અહીં ઘણાં ડીંગળ છંદો પ્રયોજ્યા છે. જેમાં આરતી (હરસિદ્ધિ સ્તુતિ), હણું ફાલ (દાણલીલા, ધ્યાનમંજરી), દુમિલા (વૃંદાવનની લીલાસ્મૃતિ), ચોપાઈ (બ્રહ્મવેલ), ભુજંગી (ભાવદર્શન), ત્રોટક (પ્રભુચરણ મહિમા) જાતિ ષષ્ટપદી (ગુણ આગમ) અને સોરઠો (કરણ બત્રીશી) જેવું વૈવિધ્ય છે. સંત ઈસરદાસની આ રચનાઓ બહુધા ડીંગળીમાં છે પણ ‘જીવનની નાશવંતતા’માં રાજસ્થાની છાંટ દેખાય છે. આ ઉપરાંત ચાર રચનાઓ ગુજરાતી ભાષાની (તેથી સંપાદકે તેના અનુવાદ મૂકેલ નથી) એકંદરે આ રચનાઓનો અભ્યાસ કરતાં કહી શકીએ કે ઇસરદાસજી તેના સમયના કવિઓ અને તે પછીના કવિઓમાં પણ એક ભક્તકવિ ઉપરાંત સિદ્ધહસ્ત કાવ્યના કર્તા પણ છે. સંપાદકે યોગ્ય રીતે જ સંપાદનનું ‘પાણ બંધ ઈસર પુણે’ (હાથ જોડી ઈસરદાસ કહે) શીર્ષક રાખ્યું છે. પ્રત્યેક રચનામાં જે અરજ છે, તેનું મુખપૃષ્ઠ પણ ઇસરદાસજીના વંશજ ચિત્રકાર પ્રભાતસિંહ બારહટે તૈયાર કરેલ છે. ડૉ. તીર્થંકર રોહડિયાએ રચનાઓના અનુવાદ ઉપરાંત ૧૮૭ જેટલા ચારણી શબ્દોના અર્થો તેના કાવ્યનંબર સાથે આપેલા છે. ઐતિહાસિક પાત્રો અને ભક્તજનની સૂચિ પણ આપેલ છે. આ રચનાઓના સંદર્ભ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હસ્તપ્રતભંડાર, ભગુભાઈ ગઢવી અને રતુદાનજી રોહડિયા - ઘનશ્યામભાઈ મિશણની અંગત નોંધપોથી, ગુજરાતી ચારણી સાહિત્યનો ઇતિહાસ, ડૉ. શિવદાન મહેડુનો અપ્રગટ શોધનિબંધ, ‘ચારણબંધુ’ અને ‘દેવિપુત્ર’ માસિકો, જયમલ્લ પાયકના ‘યમલ્લ કાવ્યાંજલિ’ આદિનો ઉપયોગ કરેલો છે. વિદ્વાનોની લીધેલ મુલાકાતોની તારીખ આપી છે. અમુક વિદ્વાનો સાથે સંપાદકે નિરંતર સંપર્ક રાખ્યો છે. ડૉ. તીર્થંકર રોહડિયા અનુવાદ કરતા સમયે જડ શબ્દાર્થને વળગી રહેવાના બદલે ભાવાનુવાદ પણ આપે છે :

‘અનત રિતે માં તું અવતારી
જોર પખે નહીં બુદ્ધિ મારી.’ (પૃ. ૭)

(હે મા! તું આ લોકમાં અનંત પ્રકારે અવતરિત થઈ છો. હું તારું સ્તવન કરવા માટે તેવડરહિત બુદ્ધિવાળો છું.)

‘આમ્રઘટા મહ કોયલ ઊઠીય
ભાવન જીભેથ ગીત લવે. (પૃ. ૨૧)

(આમ્રવૃક્ષોની ઘટામાંથી કોયલો પણ જાગત થઈ અને એમની જીભેથી લાવણ્યમય ગીતના સ્વરો વહ્યા.) ચારણી સાહિત્યમાં સંખ્યા અંગે લાક્ષણિક અર્થો હોય છે. જે સંદર્ભ વિના સામાન્ય જન તેનો અર્થ ન સમજી શકે તે સંદર્ભસહિત અનુવાદ સંપાદકે કરેલ છે.

‘પાંચ સાત નવાં બાર તેંત્રીશે ક્રૌડાં દેવ
જાંખી તારી લીલા નીંત કરતાં જુહાર.’ (પૃ. ૪૪)

(પાંચ પાંડવો, સાત સાગર અને પાતાળ, નવેય ગ્રહ, બારેય રાશિ અને તૈત્રીસ કરોડ દેવતાઓ નિત્ય તમારી લીલાઓની ઝાંખી કરીને તમને જુહાર (વંદન) કરે છે.) ‘છોટો હરિરસ’ અને ‘ભવિષ્યકથન’ કૃતિના આરંભે તેના સંદર્ભે સંપાદક અમુક માહિતી પણ આપે છે. ઉપરાંત ‘કરણબત્રીસી’ અંગે જે લોકોક્તિ છે, તેમાં પણ પ્રારંભે જ સ્પષ્ટતા કરી છે કે કરણજી મૃત્યુ નહીં પામ્યા હોય. ફક્ત બેહોશ થયા હશે. પણ ઈસરદાસજીએ હરિસ્તવનની તક સમજી આ ભક્તિરચના કરી હશે. સંપાદનમાં ‘નિરાકાર પ્રભુનાં સ્તવનો’ અને ‘સગુણ પરમેશ્વરનાં સ્તવનો’નું એક સ્વતંત્ર સંપાદન થઈ શકે તેમ હોવા છતાં એક જ પુસ્તકમાં ઈસરદાસજીની વિવિધ ભક્તિરચનાઓ સુગમ થઈ શકે તે માટે કદાચ પુસ્તકસંખ્યા વધારવાનો મોહ સંપાદકે જતો કર્યો છે. ઇસરદાસજીનો લગભગ સંપૂર્ણ કહી શકાય તેવો પરિચય-લેખ સંપાદકે અગાઉ ‘નિંદાસ્તુતિ’માં આપેલ છે (સહસંપાદક રતુદાનજી સાથે), તેથી પૃષ્ઠ સંખ્યા વધારવાનો મોહ પણ સંપાદકને નથી તેમ કહી શકાય. જોકે આ માહિતીનો ઉલ્લેખ હોત તો જિજ્ઞાસુ વાચકો સંશોધકોને તે ઉપયોગી જરૂર થાત. આ સંપાદનમાં ‘ભમિણા’, શિવશક્તિની એકાત્મતા, કરણબત્રીસી કરન સરવૈયાંનું ગીત, ગંગાસ્તવન, છોટો હરિરસ અને હરસિદ્ધિ સ્તુતિ રચનાઓ પૂર્વે મુદ્રિત થયેલ છે. (‘દેવયાણ’ ‘લોકગુર્જરી’ વગેરેમાં) તેની સ્પષ્ટતા અહીં કરેલ નથી. કુલ ૩૯ રચનાઓમાં તેનો પ્રાપ્તિ સંદર્ભ સ્પષ્ટ નથી, જેવી રીતે કોઈ વિદ્વાનની અંગત નોંધપોથીમાંથી પ્રાપ્ત થયેલ કૃતિની સાથે જ પાદટીપમાં તેનો ઉલ્લેખ છે, તેમ સંપાદકે દરેક કૃતિનો સંદર્ભ આપ્યો હોત તો ઉત્તમ કહેવાત. કૃતિના અંતે શબ્દસૂચિ આપેલ છે. તેમાં સ્વર-વ્યંજનનો ક્રમ જળવાયો નથી. પૃ. ૨૭ ઉપર પંક્તિમાંથી થોડા શબ્દો તેમજ પૃ. ૧૫ ઉપર સંપૂર્ણ એક પંક્તિ ત્રૂટક રેખાની મુદ્રિત છે, જેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. સંભવત હસ્તપ્રતોમાં અસ્પષ્ટ હશે, તેમ અનુમાન કરી શકાય. છેલ્લો વિભાગ ભવિષ્યવાણીનો છે, જેમાં ત્રણ રચનામાંથી ફક્ત એક રચના જ ભવિષ્યવાણીની છે. અન્ય બે રચનાઓ બીજા વિભાગમાં હોવી જોઈતી હતી અથવા છેલ્લો વિભાગ પ્રકીર્ણનો હોત તો આ યોગ્ય કહેવાત. પુસ્તકમાં મૂળ કૃતિમાં તેમજ સંદર્ભમાં અનેક જગ્યાએ મુદ્રણ દોષ પણ જોવા મળે છે. (સંપાદકીયમાં રચનાઓની સંખ્યા ૩૮ દર્શાવાઈ છે.) આ પુસ્તક સંપાદકે ચારણી સાહિત્યના પ્રયોજક, પૂજક અને પરીક્ષક એવા પોતાના પિતાશ્રી રતુદાનજી રોહડિયાને પિતૃતર્પણરૂપે અર્પણ કરેલ છે. જીવનભર ચારણી સાહિત્યનું સંશોધન કરનારા પિતાના આ પુત્રનું આ પુસ્તક ઈસરદાસજીની ભક્તિ રચનાઓથી આપણને તરબોળ કરે છે. આશા રાખીએ કે ઈસરદાસજીની અન્ય કૃતિઓ, ચારણી સાહિત્યની અન્ય ભક્તિરચનાઓ જેવાં અન્ય સંપાદનો પણ સુલભ કરી આપે.


(‘પાણ બંધ ઇસર પુલે’ : ઇસરદાસજીનું ભક્તિસાહિત્ય, સંપાદક ડૉ. તીર્થંકર રતુદાનજી રોહડિયા, પ્રકાશક : પોતે) (‘અધીત : પાંત્રીસ’)