અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘આગમવાણી' - ભજનસાહિત્યની વિશિષ્ટ પરંપરાનું શિષ્ટ સંશોધન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯. ‘આગમવાણી’ : ભજનસાહિત્યની વિશિષ્ટ પરંપરાનું શિષ્ટ સંશોધન

રમેશ મહેતા

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૯૪ના વર્ષનાં શ્રેષ્ઠ પુસ્તકોની જાહેરાત કરવામાં આવી તેમાં લોકસાહિત્ય વિભાગમાં ‘આગમવાણી’ (લે. ડૉ. નાથાલાલ ગોહિલ)ને પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. મેઘાણીના જન્મશતાબ્દી વર્ષે લોકસાહિત્યના સંશોધનની આ કૃતિ વિશે વાત કરવાનું એટલે જ મને ગમ્યું. શ્રી ઝવેરચંદ મેઘાણીએ શિષ્ટ સંસ્કૃતપ્રચુર ભાષા અને ઉચ્ચ વર્ગના સમાજને ધ્યાનમાં રાખી સર્જાતા સાહિત્યને બદલે લોકજીવન સાથે અવિનાભાવી રીતે સંકળાયેલા, લોકમુખે પ્રગટેલા અને સામાન્ય જનસમુદાયમાં પડેલાં લોકવાઙ્મયનું લોકસાહિત્ય રૂપે સંશોધન, સંપાદન કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમાં તેઓ લોકસાહિત્યને એક વિશાળ વટવૃક્ષરૂપે રજૂ કરી તેના આખરી ફળ તરીકે ભજનવાણીને સ્થાપી આપે છે. તેઓ જણાવે છે : ‘લોકવાણીનો અંતિમ પરિપાક ભજનવાણી છે. સંસારની ઝીણીમોટી સકળ માનવઊર્મિઓને સંગીત, તાલબદ્ધ શબ્દોએ રસનારી લોકવાણી જો આખરી આત્મિક રહસ્ય મંથનની ભજન શાખોને ન રસાવત તો એ અધૂરી ગણાત.’[1] જોકે ભજનવાણીને લોકસાહિત્યમાં ન સમાવતાં, સંતસાહિત્ય કે ભજનસાહિત્ય તરીકે માનવાનું વલણ વિદ્વાનોમાં રહેલું જણાય છે. કારણ કે લોકસાહિત્ય એ લોકસમુદાય દ્વારા રચાયેલું (જેના કર્તા એક વ્યક્તિ નહીં પણ સમુદાય છે) સાહિત્ય છે, જ્યારે ભજનના કર્યાં બહુધા નિશ્ચિત હોય છે. આમ છતાં ભજન એ લોકસમુદાયના અંતરમાં સ્થપાયેલું, કંઠ્ય પરંપરાથી સચવાયેલું સાહિત્ય છે એ ચોક્કસ. આટલી પ્રસ્તાવના અને સ્પષ્ટતા કરવી એટલા માટે જરૂરી હતી કે પ્રસ્તુત પુસ્તક ‘આગમવાણી’ ભજનની એક શાખા છે. આ પુસ્તકમાંથી પસાર થતી વેળાએ વિષય પ્રત્યેની સંશોધકની ભીતરી નિસબત, data મેળવવા માટે સંશોધકે કરેલો પુરુષાર્થ, પ્રાપ્ત સામગ્રીને રજૂ કરવામાં પ્રગટતી શાસ્ત્રીયતા અને વિષયનો તલસ્પર્શી વ્યાપ જેવી લાક્ષણિકતામાં લેખકની સજ્જતા પ્રગટી ઊઠી છે. કોઈ પણ વિષય પર કામ કરનાર વ્યક્તિ જ્યારે એ વિષય સાથે આંતરિક અનુસંધાન સાધે છે ત્યારે એ કાર્ય જુદી જ ભૂમિકા પર મુકાઈ જતું હોય છે. અને એમાંથે લોકવિદ્યા (folklore) કે લોકસાહિત્ય (folk literature)માં સંશોધન, સંપાદન કરનારે ધૂળધોયાની હેસિયતથી કામ કરવાનું હોય છે. શ્રી ઝવેરચંદ સંઘાણી, શ્રી જયમલ્લ પરમાર, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી કનુભાઈ જાની, ડૉ. શ્રી બળવંત જાની, શ્રી ભગવાનદાસ પટેલ, ડૉ. શ્રી નિરંજન રાજ્યગુરુ, ડૉ. શ્રી નરોત્તમ પલાણ વગેરેની સંશોધનપ્રવૃત્તિમાં આ ભીતરી તાર ગૂંથાયેલો જોવા મળે છે. ‘આગમવાણી’ના સંશોધક ડૉ. નાથાલાલ ગોહિલમાં પણ વિષય સાથેનો નિજી નાતો છે. નિવેદનમાં તેમણે નોંધ્યું છે : ‘આ આગમવાણીનાં ભજનો વર્ષોથી મારા કાનમાં ગુંજતાં રહ્યાં છે. માતાપિતાની મહાપંથની પાટ-ઉપાસનાના સંસ્કારે ગળથૂથીમાંથી જ ભજનરસ રેડ્યો છે. અનેક ભજનમંડળીઓ અને મરમી સંતો સાથે ભજનના રહસ્યને પામવામાં જીવનની ધન્યતા અનુભવી છે. દાસી જીવણની ઝણણણ ઝાલરી સાથે વાગતી કલેજા કટારી અને ગંગાસતીના વીજળીના ચમકારે મોતી પરોવવાના રહસ્યે રોમાંચ અનુભવ્યો છે ગળતી માઝમ રાત્રે ભજનવાણી સાથે આગમવાણી તથા નકલંકધણી સાથે મેઘડી કન્યાનાં લગ્ન થશે તેની કથા સાંભળી છે.’[2] સંશોધકની અંગત રુચિને જ નહીં પરંતુ વ્યક્તિત્વને પોષનારી ચીજ તરફનો અભ્યાસ એટલે જ તેઓ કહે છે તેમ ‘આનંદયાત્રા’ બન્યો છે. આગમવાણીની રચનાઓ એકત્ર કરી અન્યત્ર જોવા મળે છે તેમ પ્રારંભમાં ટૂંકી પ્રસ્તાવના મૂકીને કાર્ય કર્યાનો સંતોષ લેખકે માન્યો હોત તો આ કાર્ય તદ્દન સામાન્ય સ્તરનું બની રહેત, પરંતુ લેખકે એવું નથી કર્યું. શરૂઆતમાં આગમનો કોશગત અર્થ આપવા માટે તેઓ સાર્થ જોડણી કોશથી શરૂ કરીને સંસ્કૃત પૌરાણિક કોશ, પ્રાકૃત શબ્દકોશ, રાજસ્થાની-હિન્દી શબ્દકોશથી માંડીને Universal Dictionary સુધી ગયા છે. આ ઉપરાંત આગમની વ્યાખ્યા, વિભાવના, આગમના સમીપવર્તી સ્વરૂપ સાથેની તુલના કરીને વિષયનો તલસ્પર્શી ખ્યાલ રજૂ કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આગમવાણીની વિભાવના આપતાં લેખક જણાવે છે: ‘આગમવાણી કોઈ કવિની કવિતા નથી. જ્યોતિષીઓ, ખગોળશાસ્ત્રીઓની આગાહી નથી. મંત્ર-તંત્ર દ્વારા પ્રાપ્ત કરેલી કર્ણ પિશાચિની સાધના નથી. કુદરતી ફેરફારો સાથે કહેવાયેલી ભડલીવાણી નથી, પરંતુ ઋષિમુનિ, યોગી, સિદ્ધ-સાધકોને સાધનાના ચોક્કસ સ્થાને પહોંચ્યા પછી થયેલ ત્રિકાળદર્શન છે. સંતભક્ત કવિઓની ભક્તિના માર્ગે આંતરદૃષ્ટિ ખૂલી જતાં, સહજમાં છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થતાં જે ભાવિદર્શન થયું તે ‘આગમ’ છે.’[3] ‘આગમ એટલે હોનાર, થનાર, ભવિષ્ય સંબંધી આગાહી. ઋષિઓ, સંતકવિઓએ ભવિષ્યમાં થનાર ઘટનાઓ વિશે જે ભવિષ્યવાણી ઉચ્ચારી તે આગમ. ...આગમના રચિયતાઓએ આવનાર કલિયુગ વિશે જે ભવિષ્યકથન કર્યું તે આગમવાણી,’[4] વિભાવના સ્પષ્ટ કર્યા બાદ વિશ્વના અગ્રગણ્ય વિદ્વાનોનાં ભવિષ્યકથન અને પરામનોવિજ્ઞાન વિશે ચર્ચા કરીને વિષય પર બહુપાર્શી પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન લેખકે કર્યો છે. આગમવાણી વિશે નિઃશેષ અભિવ્યક્તિના સંકલ્પ સાથે લેખક એક બાજુ આગમનું મૂળ શોધવા વેદ-ઉપનિષદ્, રામાયણ, સૂર્યસંહિતા અને મહાનિર્વાણ તંત્ર સુધી ગયા છે તો બીજી બાજુ હસ્તપ્રતોમાં સંગ્રહિત આગમો એકત્ર કરી કચ્છી, રાજસ્થાની, મારવાડી, લોકભાષા, ચારણી-ડિંગળી અને ગુજરાતી ભાષા સુધી વિસ્તર્યા છે. તો ત્રીજી બાજુ લોકભજનિકોના કંઠે સચવાયેલી લોકસંતોની આગમવાણી એકઠી કરીને ત્રિવેણી સંગમ સાધ્યો છે. લેખકે આગમવાણીના ભાવવિશ્વની વિગતે ઉદાહરણ સહિત ચર્ચા કરી છે. જેમ કે : આગમવાણીમાં વ્યક્ત માનવમૂલ્યો વિશે (જેમાં નૈતિકધર્મ, પરનિંદા, પરહાનિ, મદ્યપાન વગેરે), કુટુંબજીવનની સ્થિતિ વિશે (કુટુંબમાં નારીની પ્રધાનતા અને સત્તા ચાલશે, ચારિત્ર્ય અશુદ્ધિ, વડીલોનું અવમૂલન), વર્ણવ્યવસ્થા વિશે (અસ્પૃશ્યતાનો લોપ, જ્ઞાતિપ્રથા તૂટશે), રાજકીય સ્થિતિના બદલાવ વિશે (સત્તાધીશોની આસુરીવૃત્તિ, અરાજકતા, અન્યાય, અત્યાચાર), પ્રાકૃતિક પરિવર્તન વિશે (પૃથ્વી ફળદ્રુપ ન રહે, અનાવૃષ્ટિ, પાણીનું વેચાણ, ઋતુઓની અનિયમિતતા, અન્નની અછત) નકલંક અવતાર (અધર્મના નાશ માટે ઈશ્વરનું આગમન) અને મેઘડી કન્યા સાથે લગ્ન; જેવા મુદ્દાને કેન્દ્રમાં રાખ્યા છે. ભજન-સાહિત્યના એક પ્રકાર તરીકે વિવેચકદૃષ્ટિથી આગમવાણીની સ્વરૂપગત સ્થાપના કરી. આગમમાં ધ્રુવપંક્તિ, અંતે નામાચરણ, ગુરુમહિમા અને ગેયતા જેવી લાક્ષણિક મુદ્રાને આગમવાણીની ઓળખરૂપે પ્રતિપાદિત કરવાનું વલણ જોવા મળે છે. સાથે સાથે આગમવાણીના કાવ્યત્વની ચર્ચા કરતી વખતે આગમનાં જુદાં જુદાં સ્વરૂપો, (પદ, ભજન, ચોપાઈ, સાખી, આખ્યાન, દુહા) લલિત પદાવલિઓ, સહજતા અને સરળતા, લોકબોલીના પ્રયોગો, લોકજીવનનો ધબકાર, સ-ચોટતા વિશે લેખકે વિગતે ચર્ચા કરી છે. અગાઉ જણાવ્યું છે તેમ સંશોધકે અહીં હસ્તપ્રતો, જૂનાં ભજન-સંપાદનો, અને કંઠસ્થ પરંપરામાં સચવાયેલી આગમવાણીનું સંશોધન-સંપાદન કર્યું છે. જેમાં કુલ બત્રીસ સંતકવિઓની પચાસ જેટલી રચનાઓ, અજ્ઞાત કવિઓની આઠ રચનાઓ અને અન્ય બે રચના મળીને કુલ સાંઠ જેટલી આગમો મૂકી છે. અહીં ધ્યાનાર્હ બાબત એ છે કે સંશોધકે જે-તે સંત કવિની માત્ર રચના જ ન મૂક્તાં તેના પહેલાં, જે તે સંત કવિનો સમય, જીવન વિશેની પ્રાપ્ત માહિતી, જે-તે સંત કવિ વિશે પ્રવર્તમાન દંતકથાઓ અને તેમના સ્થળના આજે ઉપલબ્ધ અવશેષો વિશે પણ નોંધ્યું છે. જેમાં સુરદાસ, તુલસીદાસ, રામદેવપીર, સરવણ કાપડી, દેવાયત પંડિત, મામૈદેવ, ઈસરદાસજી, લીરલબાઈ, ભોજા ભગત, દેવીદાસ, દાસ ધીરો, વેલો બાવો, ગંગા સતી, રવિ સાહેબ, મોરાર સાહેબ, સાંઈ દીન દરવેશ, જેસલ પીર અને સૈયદ ઇમામશાહ મુખ્ય છે. પુસ્તકના અંતિમ ચરણમાં સંસ્કૃત ગ્રંથોમાંથી મળતી આગમવાણી મૂકી છે, જેમાં ‘મહાનિર્વાણતંત્ર’ના કલિયુગનાં લક્ષણો, ‘સૂર્યસંહિતા’ની ભવિષ્યવાણી, શ્રી રામચરિત માનસની આગમ, શ્રીમદ્ દેવીભાગવતનું ભવિષ્યકથન, શ્રીમદ્ ભાગવતની આગમવાણી અને શ્રીમદ્ વાલ્મીકિ રામાયણની આગમવાણીની સાથે ગરુડ મહાપુરાણ, શ્રી વિષ્ણુપુરાણની આગમ પ્રસ્તુત કરીને આ વિષયને તેના અંતિમ બિંદુ સુધી લઈ જવાનો યશસ્વી પ્રયાસ સંશોધકે કર્યો છે. સંશોધકે સંપાદિત-સંશોધિત કરેલી આગમવાણીમાંથી કેટલીક પંક્તિઓ અહીં ઉદાહરણ રૂપે મૂકું છું. જેમાં વર્ષો પૂર્વે સંત-કવિઓએ કરેલા ભવિષ્યકથનની સાથે વર્તમાન સ્થિતિની તુલના કરી શકાશે, ઉપરાંત આગમવાણીની બાની, અભિવ્યક્તિની તરાહો અને કવિત્વ શક્તિનો પણ પુરાવો મળી રહેશે.

ઉચ્છંખલા મદોન્મતાઃ પાપકર્મરતા: સદા
કામુકા લોલુપા: કૂરા નિષ્ઠુરા દુર્મુખા: શઠા.[5]
(મહાનિર્વાણ તંત્ર)
નારિ બિબસ નર સકલ ગોસાઈ,
નાચહિં નર મરકટ કી નાંઈ.[6]
(તુલસીદાસ)
પરત અકાલા, બહુત કરાલા, જગ બેહાલા હર સાલા
વાપી કુપ તાલા નહિ નદ નાલા જલ બિન ઠાલા એ હાલા.[7]
(તુલસીદાસ)
મરદો મૂછો પાડી નાખશે, સ્ત્રીયું તજે અંબોડાય,
સુવાસણું ફરશે અડવા હાથની એને સુધરેલી ગણાય.[8]
(કડવો ભગત)
દીકરો બાપનું કહ્યું નૈ માને, એવા ઘોર કળિયુગ આવેગા,
પરણ્યા પછીને પાંચમે દાડે વહુને વચને હાલેગા.[9]
(સહદેવ જોશી)
એવી બેની રોતી જાશે રે, સગપણમાં રહેશે સાળી.[10]
(દાસ ધીરો)
એવા ઊંચા કૂળની જોને સુંદરી રે,
ઇતો નીચા કૂળમાં ભળશે રે જી.[11]
(સહદેવ જોશી)
હે પંદર વરસનો પુરુષ પળીઆત હોશે.
નવ રે વરસની નારી ગરભ ધરશે.[12]
(અજ્ઞાત કવિ)
જૂનાણે જાંગીના વાગશે, તોરણ બંધાશે ઠારોઠાર,
વંથલીએ વિવા મંડાશે, પરણશે મેઘલી નાર.[13]
(કંઠ્ય પરંપરા)
અંભ તપધો ભૂં તામડી, સૂરજ કેધો ઠકા,
ડુંગર મિડે ડગમગધા, ભોણતાં પોંધા ભૂકા.[14]
(મામૈદેવ)

પ્રસ્તુત પુસ્તકમાં આગમવાણીના અર્થઘટન અને સાર્થકતામાં ક્યાંક લેખક તટસ્થ રહી શક્યા નથી એ પણ જોઈ શકાય છે. ડૉ. આંબેડકરને અસ્પૃશ્યતાના કલંકને દૂર કરનાર ‘નકલંક’ તરીકે જોવામાં અને ‘છાસમાં માખણ નહીં તરે’નું અર્થઘટન આધુનિક (‘પેશ્યુરાઇઝ મશીને દૂધમાંથી મલાઈ ખેંચી લીધી’) શોધનું આરોપણ કરવું બેહૂદું લાગે છે. આમ છતાં પ્રસ્તુત સંશોધનાત્મક સંપાદન ગ્રંથમાં વિષય પ્રત્યેની સંશોધકની આંતરપ્રતીતિ, માહિતી પ્રાપ્ત કરવા માટે લેખકે કરેલો ઉદ્યમ, વૈજ્ઞાનિક ઢબે કરેલું પૃથક્કરણ-વિભાગીકરણ અને વિવેચનની શિસ્ત જેવાં હકારાત્મક પાસાંને કારણે આ પુસ્તક ગુજરાતી ભાષામાં થયેલાં સંત-સાહિત્ય સંશોધનોમાં એક મહત્ત્વનું ઉમેરણ બને છે અને એટલે જ પુસ્તકના પ્રારંભમાં શ્રી મકરંદ દવે આ પુસ્તકને ‘અંધારાં ભેદતો દીવો.’[15] કહી નવાજે છે. ડૉ. નાથાલાલ ગોહિલે ‘સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ’ વિષય પર મહાનિબંધ લખ્યો છે. તેમજ એ ગ્રંથના બે પ્રકરણોનો ફ્રેન્ચ ભાષામાં ડૉ. માલિઝોંએ અનુવાદ કરીને તેની ગુણવત્તા પ્રમાણી છે. સંશોધક એમની વૃત્તિ અને પ્રવૃત્તિથી ભવિષ્યમાં વધુ મૂલ્યવાન ગ્રંથો આપશે તેવી ‘આગમવાણી’ ભાખી શકીએ તેવી શ્રદ્ધા આ પુસ્તક પરથી રાખી શકાય છે.

(‘અધીત : વીસ’)


સંદર્ભ :

  1. સોરઠી સંતવાણી – સં. ઝવેરચંદ મેઘાણી (નિવેદનમાંથી)
  2. ‘આગમવાણી’ લે. ડૉ. નાથાલાલ ગોહિલ (નિવેદન પૃ. ૧૯)
  3. એજન, (પૃ. ૧૮)
  4. એજન, (પૃ. ૩૩)
  5. એજન, (પૃ. ૪૨)
  6. એજન, (પૃ. ૪૭)
  7. એજન, (પૃ. ૫૬)
  8. એજન, (પૃ. ૪૫)
  9. એજન, (પૃ. ૪૮)
  10. એજન, (પૃ. ૪૯)
  11. એજન, (પૃ. ૫૩)
  12. એજન, (પૃ. ૬૦)
  13. એજન, (પૃ. ૭૦)
  14. એજન, (પૃ. ૭૫)
  15. એજન, (પૃ. ૯)

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.