zoom in zoom out toggle zoom 

< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘જાતિસ્મર’ની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫. ‘જાતિસ્મર’ની કવિતા

પ્રા. રાજેશ પંડ્યા

આધુનિકતાના વ્યામોહમાંથી છૂટ્યા પછી ગુજરાતી કવિતા ગીત-ગઝલના રસ્તે ફંટાઈ હતી. ત્યારે પણ થોડાક અપવાદો બાદ કરતાં, ગુજરાતી કવિતાની જે સ્થિતિ થઈ એ એક રીતે તો આધુનિકતાનો આભાસ ઊભી કરતી રચનાઓથી વિશેષ જુદી નહોતી. એવે વખતે યજ્ઞેશ દવેનો રૂપે-રચનાએ, કાવ્યપ્રયુક્તિએ અને ભાષાભિવ્યક્તિએ નોંખો તરી આવે એવો કાવ્યસંગ્રહ ‘જળની આંખે (૧૯૮૫) પ્રકાશિત થયો.

જો કે ‘જળની આંખે' સંગ્રહમાંના કેટલાક રચનાખંડોમાં આધુનિક કવિતાની રૂઢ-પ્રયુક્તિઓ - જરા જુદા રૂપે પણ જોવા તો મળતી હતી. પરંતુ તેનાં મૂળ શોધવા માટે આપણે ગુજરાતી કવિતાને બદલે બંગાળી કવિતા અને તેમાં પણ ખાસ કરીને જીવનાનંદ દાસની કવિતા પાસે જવું જોઈએ. ‘જળની આંખે’માંથી પસાર થનારને સ્થળ અને સમય એમ ઉભય સન્દર્ભે પ્રગટ થતી કવિની ઇતિહાસચેતનાનો તાળો જીવનાનંદ દાસની કવિતા સાથે મળી આવે. યજ્ઞેશ દવેનું આ વલણ ‘જાતિસ્મર’ની કવિતા સુધી લંબાયું છે.

પરંતુ ‘જળની આંખે'ની રચનાઓની ઊડીને આંખે વળગે એવી બાબત તો એ રચનાઓનું દીર્ઘસ્વરૂપ છે. ગીત, ગઝલ કે અછાંદસમાં પણ નાનાં-નાનાં ઊર્મિકાવ્યોની વચ્ચે આ પ્રકારની કવિતા આપણા રસનો વિષય બને જ. આઠ- દસ લીટીની કવિતા પણ સફળતાપૂર્વક લખી શકાતી ન હોય ત્યારે જરા લંબાણથી કામ કરવું એ સર્જક માટે એક પડકાર બની રહે છે. દીર્ઘકવિતામાં કામ કરવા માટે વિ પાસે 'સસ્ટેનીંગ પાવર'ની અપેક્ષા રહે છે. આપણા સમયમાં મહાકાવ્યો તો લખાતાં નથી. આખ્યાન કે ખંડકાવ્ય જેવાં દીર્ઘસ્વરૂપની પ્રયુક્તિઓને પણ કવિ પોતાની મથામણની અભિવ્યક્તિ માટે ક્વચિત્ જ ખપમાં લે છે. એટલે અછાંદસની મર્યાદાઓથી બચીને, એની લાલચમાં ફસાયા વિના કવિએ દીર્ઘ અછાંદસમાં જ પોતાની મુદ્રા પ્રગટાવવી રહી.

‘જળની આંખે' પછીના સમયમાં બશેશ દવે દીર્ઘસ્વરૂપના આગ્રહી અને અછાંદસના અભ્યાસી રહ્યા છે, તથા કંઈક સાંપ્રત અભિજ્ઞતાને પણ સાથે સાથે સાંકળી લેતી રચનાઓ તરફ વધુ ને વધુ આકર્ષાતા-ઢળતા ગયા છે. એમના આ પ્રકારના વલણને પ્રગટ કરતી કવિતા 'જાતિસ્મર’ સંગ્રહમાં નોંધપાત્ર બની રહે છે.

આ સંગ્રહની મોટાભાગની રચનાઓમાં બે સામસામા ધ્રુવો વચ્ચે તીવ્ર વિરોધ રચાય છે. એક બાજુ ઇતિહાસ-પુરાણકથાનાં પાત્રો-વ્યક્તિઓ તથા તેમનો સમૃદ્ધ ભૂતકાળ છે. તો બીજી બાજુ સાવ બોદો ખાલીખમ વર્તમાન. વર્તમાનની પડછે ઊભેલી ભૂતકાળની આ સમૃદ્ધિ આપણા જમાનાની પીડાને તીવ્રતાથી. ને ક્યારેક તિર્યકતાથી પ્રગટ કરી આપે છે. આ માટે કવિ કાળનાં અનેક પરિમાણોને ખપમાં લે છે, અભિવ્યક્તિ સતત વર્તમાનમાંથી ઊંચકાઈને અતીત સાથે જોડાય છે. અને વળી વર્તમાન પર આવી ઠરે છે ત્યારે તીવ્રતા ઘૂંટાઈને વધુ ઘેરી રીતે સિદ્ધ થતી આવે છે.

સંગ્રહની શીર્ષકરૂપ રચના ‘જાતિસ્મર' બાકીની બીજી બધી જ રચનાઓની વિષયસામગ્રીનો સંકેત કરતી રચના છે. કવિતાનો આરંભ જ સમયના અખંડરૂપની પ્રતીતિ કરાવનારી પંક્તિઓ વડે થાય છે :

અનંત વરસો સુધી
સમુદ્રમાં સમુદ્ર થઈને રહ્યો છું.
રહ્યો છું એ મહાસિંધુમાં
જ્યાં સમાયું છે બધું.

(જાતિસ્મર, ૭૨)

આ પંક્તિઓ આપણને અશ્વત્થામાની અનંતયાત્રા સાથે સહજ રીતે જોડી આપે છે.

યુગોયુગોના તળિયે જઈ જઈને પણ
સાવ બોદા બુચની જે સપાટી પર તરતો.

(અશ્વત્થામા, ૯)

યજ્ઞેશ દવેની કવિતામાં આમ સહજ રીતે જોડાઈ જતા સંકેતો દ્વારા જ તેમની વિશિષ્ટતા પ્રગટ થાય છે. સાવ બોદા બુચ જેવી સ્થિતિ જ પળેપળ આપણને ખોદે છે. આવા ઉત્ખનનમાંથી જે પ્રાપ્તિ થાય છે તેને કવિ ‘મહાઅર્ણવના લવણમાંથી લાધ્યું જે લૂણ' (જાતિસ્મર, ૭૨) તરીકે ઓળખાવે છે. આ યાત્રા પૃથ્વીના પ્રારંભકાળથી માંડીને સમગ્ર ઈતિહાસ-સંસ્કૃતિની પ્રદક્ષિણા કરતી વર્તમાનની ક્ષણે આવીને અટકે છે. ક્યારેક તો, યુગયુગાંતર, કલ્પ-કલ્પાંતરો ને મનવંતરો સુધીના સમયની છલાંગ અહીં જોવા મળે છે. આમ, જાતિસ્મરમાં અનેક સમયોને એક સાથે મૂકવામાં આવ્યા છે. અનેક સમયો પોતાનામાંથી પસાર થતા 'હું' જોયા કરે છે. (“સોયમાં રહે જેમ દોરો/ તેમ સમય રહે મારામાં/ ને હુ સર્સર્ થાઉં છું પસાર/ સરિયામ સમયના તાકામાંથી”. (પ્રહેલિકા, ૬૨) પણ સાંપ્રતના કોઈ એવા બિંદુએ ‘હું’ ઊભો છે કે જ્યાંથી કોઈ નિશ્ચિત સમયના રૂપને પોતાની અનુભૂતિના ઊંડળમાં લઈ શકતો નથી. પિરણામે, આ 'હું' નથી કાવ્યનાયક કે નથી કવિ. બલકે એ સમગ્ર મનુષ્યજાતિનો પ્રતિનિધિ બની રહે છે.

"વ્યક્તમધ્યના શિખર પર શિખર
તે પર ગૌરી શિખરે
મનુષ્યરૂપે થયો છે મારો પ્રાદુર્ભાવ
મારા પ્રાણનો આવિર્ભાવ"

(જાતિસ્મર, ૭૫)

કે

“હું જ આદિ મનુ ને
હું જ આદિ મનુષ્ય પણ”

(મીમાંસા મરણપર્યંત, ૨૧)

કવિતાનું શીર્ષક જ આપણને બુદ્ધ, બુદ્ધના તત્ત્વજ્ઞાન તરફ દોરી જાય બૌદ્ધધર્મમાં બુદ્ધના અવતારો બોધિસત્ત્વ તરીકે ઓળખાય છે. બુદ્ધ આવા પચાસમા બોધિસત્ત્વ હતા. એ પછી અવતારો અટકી ગયા એવી માન્યતા છે. આપણા યુગમાં દરેક સંવેદનશીલ એકાવનમો બોધિસત્ત્વ છે. અને તેણે પોતાની યાત્રા અસ્તિત્વબોધની દિશામાં આરંભવાની છે. આગળ વધારવાની છે. તેની બધી મથામણો અસ્તિત્વની સ્થાપના માટેની મથામણો બની રહે છે.

“તરંગથી વિશેષ નથી જે તેને
તુરંગની જેમ સ્થાપવા મથું છું
આ મારી અસ્તિની હસ્તી.”

(જાતિસ્મર, ૭૫)

આપણું અસ્તિત્વ તો મહાસમુદ્રમાં એક ક્ષણ ઉદ્ભવતા અને બીજી જ ક્ષણે જળમાં જળ જેમ મળી જતા, ભળી જતા પરપોટા જેવું છે. અને એટલે જ એની સ્થાપનામાં અનેક અંતરાયો-અવરોધો છે. એમાં સૌથી વધુ અવરોધક છે કાળ. કાળ તો તલને પણ એની તુલામાં તોલે છે.’ (જાતિસ્મર, ૭૬) જન્મ- મૃત્યુના બે ધ્રુવો વચ્ચે જીવનનો વિકાસ છે અને ક્ષય પણ છે.

“વર્ધમાન હું
દિવસે ન વધું તેટલો વધું છું રાતે
ક્ષયિષ્ણુ હું
ક્ષણે ક્ષણે ક્ષય થાય છે મારો
દેખાઉં છું દૂધિયો દાંત થઈ
અવશેષે રહું છું અસ્થિફૂલ થઈ.”

(જાતિસ્મર, ૭૬)

ક્ષણે ક્ષણે થતું આ મૃત્યુ પછીથી અનેક રૂપે ‘જાતવાન ઘોડાઓથી ખૂંદાયેલી ઘાસની પીળી જાજમ થઈને/ અનેકવાર મર્યો છું……થી શરૂ થતી પંક્તિઓમાં પ્રગટતું રહ્યું છે.

આમ, આપણા યુગની ક્લાન્તિ, વંધ્યતા, નિરાશા, સંઘર્ષના અનુભવને લીધે તીવ્ર મૃત્યુબોધ તેમની કવિતામાં જોવા મળે છે. આમ તો અનેક આધુનિક કવિઓમાં આ મૃત્યુચેતનાની વાત આવે છે. પરંતુ યજ્ઞેશ દવેની કવિતામાં મૃત્યુનો બોધ એક સંયત વિષાદના સ્તર પર છે. તેમનામાં જીવનની અભિજ્ઞતાને સમાન્તરે જ આ મૃત્યુબોધ જોવા મળે છે. એટલેકે જીવનની જેમ મૃત્યુનો પણ સહજ સ્વીકાર છે.

આ દૃષ્ટિએ ‘જાતિસ્મર’ની નવેય રચનાઓનો એક સળંગકૃતિ તરીકે પણ આસ્વાદ લેવો શક્ય બને છે. એલિયટ તો કહે છે: “કવિની જુદીજુદી રચનાઓ એ એક દીર્ઘકવિતાના ટુકડાઓ જ છે.” ‘જાતિસ્મરમાં પણ એક ગુચ્છની રચનાઓ જેમ એક કાવ્યમાંથી બીજું, બીજામાંથી ત્રીજું એ રીતે વિસ્તરતી જતી રચનાઓ છે. વળી, “જાતિસ્મર”ની રચનાઓના કેન્દ્રમાં તીવ્ર મૃત્યુબોધ છે. જે પછીથી અનેક રૂપે, વિવિધ પરિમાણે બધી જ રચનાઓમાં કેટલાય અર્થસંકેતોને પ્રગટ કરી આપે છે.

‘સિદ્ધપુરના કબ્રસ્તાનમાં' એ કાવ્યની સૃષ્ટિ મિસરની મૃતભવ્યતાથી વેગળી છે. છતાં પણ

“કોઈના હૃદયમાં તાજું દુ:ખ લીલું
કબર પર ઢાંક્યું કફન તે પણ હજી લીલું
એકની લીલાશને લઈ જશે કાળ
બીજી ને તડકો.’

(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૨૫)

એ પંક્તિમાં કવિની સંવેદનાને રંગના માધ્યમે તીવ્ર રીતે પ્રગટ કરતું કલ્પન તેની માર્મિકતાને લીધે સ્પર્શી જાય છે. તો, ઘડીવારમાં

“ઘડીભર થાય કે ઓળા બની લંબાતા જતા આ પડછાયાઓ
ઢાંકવા લાગશે શહેરી, સમુદ્રો ને ખંડોને.”

(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૨૬)

જેવી પંક્તિઓમાં વિસ્તરતા જતા મરણનો વ્યાપ તાદૃશ્ય થાય છે. જોકે કાન્તે પણ ‘ચક્રવાકમિથુન’ના આરંભે પ્રસરતી જતી જડતાનું જે કળાત્મક નિરૂપણ કર્યું છે તેની તુલનામાં આ પંક્તિઓ થોડી સ્થૂળ લાગવાનો સંભવ છે.

મૃત્યુની ઘટના કવિને મન ‘મોઢાના મિષ્ટ સ્વાદમાં કુટિલતાથી કટુતા ભેળવી’ (સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૩૦) એ પ્રકારની છે, જે પછીથી ‘મીમાંસા મરણપર્યંત’ કાવ્યનો આરંભ બને છે.

“ઉસ ઉસ ફીણ ધૂંધવા જેવું
ઉલે ઉલે ઉતારી નાંખું.
લૂસ લૂસ ઠાંસી દઉં
થૂં થૂં થૂંકી નાખું.
તો ય ન જાય
જીભ પરથી આ દૂણાયેલો સ્વાદ.”

(મીમાંસા મરણપર્યંત, ૧૩)

“નજીક ને નજીક આવે છે
પગ બદલાવીને આવે છે
એનો પહેલો દાંત બેસે છે ખભા પર
ઊંડો બેસે છે
વધુ ઊંડો બેસતો જાય છે.”

(મીમાંસા મરણપર્યંત, ૧૯)

આ ઉદાહરણોમાં મૃત્યુ સ્વાદ, શ્રવણ, સ્પર્શ જેવી ઇન્દ્રિયગોચર ભૂમિકાએથી અભિવ્યક્ત થયું છે. આમ, સમગ્ર ઇન્દ્રિયો વડે મૃત્યુના સ્વીકારની તૈયારી હોવા છતાં, મૃત્યુક્ષણે કંઈક વિશેષ અપેક્ષા પણ રહે છે. જે આ રીતે નિરૂપાઈ છે :

“હે મરણ!
આવે નહીં તું કેમ તે ક્ષણે
કોઈનો નરમ હાથ હાથમાં રાખી
ફરફરતા પવનમાં હળુહળુ પાન બની કોઈ બેઠું હોય તે ક્ષણે!
પગની પાની ભીંજાવાથી જ રોમાંચિત થઈ ઊઠે કોઈ તે ક્ષણે!
વિહ્વળ થઈ ઊઠે કોઈ મુઠ્ઠીભર પારિજાતની ઘેઘૂર ગંધથી તે ક્ષણે!”

(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૩૩)

પણ અપેક્ષાથી વિરુદ્ધ કસમયે મૃત્યુ ઢસડી જાય છે. કમને આપણે ઢસડાવું પડે છે. એ લાચારી બે તાજગીસભર કલ્પનો દ્વારા અસરકારક રીતે વ્યક્ત થઈ છે :

(૧) ‘પગે સૂતળી બાંધી શેરી વચ્ચેથી કોઈ મરેલું કૂતરું ઢસરડી જાય તેમ!’ (પૃ. ૩૨)

(૨) ‘કોઈ મારા બારણે રાતે ચોકડી કરી જાય છે.’ (પૃ. ૧૯)

‘અશ્વત્થામા’ કવિતામાં ‘હું જાતિસ્મર નથી’ (જળની આંખે, ૧૦) એવી પંક્તિ છે. જોકે ‘જાતિસ્મર' અને 'અશ્વત્થામા'ની કાવ્યસૃષ્ટિ એકબીજાથી ખાસ જુદી પડતી નથી. ‘અશ્વત્થામા’માં કવિ પોતાની અનુભૂતિને અનુકૂળ એવું વસ્તુ/ પાત્ર શોધી શક્યા હતા. બીજી બાજુ સાંપ્રત સંદર્ભમાં તેનું અર્થઘટન પ્રતીતિજનક રીતે સ્વીકાર્ય બનતું હતું. વળી, Myth દ્વારા આપણા સમયની વેદના તીવ્ર રીતે પ્રગટી શકી હતી. પરંતુ આ પ્રકારની કોઈ નક્કરતાના અભાવને લીધે ‘જાતિસ્મર’માં બધું એક સૂત્રે કે એક સન્દર્ભે સંકળાતાં રહી ગયું હોય એમ લાગ્યા વિના રહેતું નથી.

‘મૃત શિશુની માતાને' અને ‘મૃતશિશુને' એ બે કાવ્યમાં મૃત્યુચેતના સંવેદનના બળે સૌથી વધુ અર્થઘન રીતે પ્રગટ થઈ શકી છે. જ્યારે પ્રમાણમાં દીર્ઘ એવાં કાવ્યોમાં શિથિલતા જોવા મળે છે. આ બન્ને કાવ્યના અંત ભાવક પર પોતાની એક ચોક્કસ અસર છોડી જાય છે ખરા. છતાં હાથે ચડેલી પ્રયુક્તિ જ અહીં એક વધુ વખત પ્રયોજાઈ હોવાથી કૃતક પણ લાગ્યા વિના રહેતા નથી.

‘જાતિસ્મર’ની ‘ગ્રહ આ હરિત નીલ…’ (પૃ. ૭૨) અને, ‘આ પૃથ્વી…’ (પૃ. ૮૦) શરૂ થતી પંક્તિઓમાં એક સ્વતંત્ર કાવ્યનું ઇંગિત રહેલું છે જે પછી ‘પૃથ્વી' કાવ્યમાં અનેક અર્થચ્છાયાઓ સાથે પ્રગટે છે. આ જ રીતે ‘જાતિસ્મર’માં ‘લાધે છે જીન્સનો રજ્જુ સર્પ’ (પૃ. ૭૫)માં રહેલા સંકેતો પછી નવા સન્દર્ભમાં 'બધે બધે બધે જ તું' કાવ્યમાં વ્યક્ત થયા છે. સૃષ્ટિમાત્રમાં જે પરમચૈતન્ય વિલસી રહ્યું છે જેની લીલાને જીન્સ સાથે સરખાવી શકીએ. (અહીં એક બીજી સરખામણી - આ કાવ્ય અને રુદ્રાષ્ટાધ્યાયીના ‘च्यमक’ અધ્યાયની-પણ રસપ્રદ નીવડે એવી છે.) કાવ્યનું આયોજન આ રીતે જ થયું છે. પરંતુ અહીં કવિએ સીધું સમીકરણ માંડી આપ્યું હોઈ આસ્વાદ દરમ્યાન કશું વિશેષ સંક્રમિત થઈ શકતું નથી. એટલે ‘બધે બધે બધે જ તું' એ સંગ્રહમાંની એક સામાન્ય, સપાટી પરની રચના બની જાય છે.

સંગ્રહની પ્રથમ રચના ‘મારી શેરી' આસપાસની સૃષ્ટિનાં, તેના જીવનનાં ક્યારેક ઝિલાતાં છટકી જતાં, તો ક્યારેક ઝાંખાં કે ઝળહળતાં રૂપોને ગતિશીલતાથી પ્રગટ કરે છે. સ્થળ સાથે સંકળાયેલા દૃશ્ય-અદૃશ્ય એમ બન્નેને ઝીલતી કવિની ચેતના આરંભથી જ સબળ વિધાનો વડે પ્રગટ થતી આવે છે.

આ કાવ્યમાં આજુબાજુના જગતનું નિરૂપણ કરવાનું હોઈ કવિ ભાષાને જરા જુદી રીતે પ્રયોજે છે. અન્ય રચનાઓ કરતાં અહીં પદાવિલે દેખીતી રીતે જુદી પડતી માવે છે. એક નવી શક્યતા અહીં ઊઘડતી હોય એમ લાગે છે. પણ તેને કોઈ વિશેષ સંરચના સાંપડે એ પહેલાં જ ‘કદી કોઈ કાળે તે હતો. વિદિશા નગરની ગણિકાનો માનીતો પોપટ' (પૃ. ૧૧) એ પંક્તિથી કવિ પોતાની અભિવ્યક્તિની હાથવગી લઢણોથી જ કાવ્યને આગળ વધારે છે.

‘આ શેરીનો એક છેડો ખૂલે શિકાગોના સબર્બમાં
ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં
સામ્યવાદનું હળ શરીરસોંસરું ચાલે ખચ્ચ
ખચકાતું ખચકાતું'

(મારી શેરી, ૧૧)

આ પંક્તિઓ ‘કેરેબિયન સમુદ્રમાં સામ્યવાદનો પગ’ (જળની આંખે ૪૪) સાથે મૂકતાં કાવ્યને એક સંકુલ અને વ્યાપક ભૂમિકા સાંપડે છે. વિશ્વના જે કંઈ પ્રશ્નો છે, સમસ્યાઓ છે એ અનુત્તર જ છે એવી દૃઢ પ્રતીતિ થતાં કવિ વૈતાલને ઉદ્દેશીને કહે છે : ‘ભલે મારો અનુત્તર જ મારા શિરચ્છેદનું નિમિત્ત બને.’ (પૃ. ૧૨)અહીં ફરી એક વખત ‘મીમાંસા મરણ પર્વત' કાવ્યની પૃ. ૨૦ પરની કેટલીક પંક્તિઓ સરખાવી શકાય.

સામાજિક સંપ્રજ્ઞતા એ જાતિસ્મરની કવિતાનું એક નોંધપાત્ર લક્ષણ છે. એક અર્થમાં ‘જળની આંખે' કરતાં તેમનું આ વલણ 'જાતિસ્મર’માં થોડું વહુ મુખર બને છે. જોકે ગાંધીયુગના વાસ્તવ જેટલું એ સપાટી પરનું નથી. છતાં કેટલાક કાવ્યખંડોમાં વાસ્તવનો ખૂબ જ નિકટનો કે ઊંડો અનુભવ બહુ ઓછો દેખાય છે. ઘણુંખરું એ આધુનિકતાની કે વિદગ્ધતાની આડકતરી નિપજ હોય એમ વધુ લાગે છે. જ્યાં જ્યાં તીવ્ર પ્રતિક્રિયાઓ વ્યક્ત થઈ છે તે પણ કલ્પનાનિત લાગે છે. સિદ્ધપુરના કબ્રસ્તાનમાં કાવ્યની પૃ. ૩૦ પરની પંક્તિ ‘મધરાતે આ મૃત્યુલોકના એક માનવીની બે આંખમાં નથી ઊંઘ/ પડ્યા છો તમે દૂર… એ બધાથી દૂર વચ્ચે જે પંક્તિઓ મૂકવામાં આવી છે તે આનું ઉદાહરણ છે. આ જ રીતે પૃષ્ઠ ૧૩, ૧૭, ૪૩, ૬૭ પરની કેટલીક પંક્તિઓ વાસ્તવનો ખૂબ સ્થૂળ-સામાન્ય અર્થ પ્રગટ કરી આપે છે. એટલું જ નહીં ક્યારેક તો આ ઉલ્લેખો કશા સંકેત વગરના પણ બની જાય છે. આનાથી ઊલટું, ભૂતકાળની નક્કર ભોંયના આધારે આ ઉદ્ગારો જ્યાં તીવ્ર રીતે પ્રગટી શક્યા છે ત્યાં કવિની સાચી નિસબતની આપણને પ્રતીતિ થાય છે.

યજ્ઞેશ દવેની કવિતાની કલ્પનસૃષ્ટિ એના વૈવિધ્ય અને તાજગીને કારણે આપણને તરત સ્પર્શી જાય છે એટલું જ નહીં ઇન્દ્રિયઘનતા આ કલ્પનોની વિશેષતા હોવાને લીધે એ આપણી ચેતનાને સંકોરે પણ છે.

‘હું મરેલી માનું જે નારી
તે પાકેલા પીલુના રતુમડા કરમજી રંગમાં દેખાય
તેના સ્વાદમાં ચખાય.
ભરવાડનો એક છોકરો
ખરખોડીની કૂણી ડોડી કટ્ દઈ તોડે, ભચડ ભચડ ચાવે
તેની લિજ્જતમાં પમાય તે નારી.’

(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, પૃ. ૨૬)

અહીં, નારી અને પ્રકૃતિ બંને અભિન્ન બની રહે છે. જીવનાનંદ દાસની કવિતામાં પણ નારી અને પ્રકૃતિની આવી અભિન્નતા વારંવાર જોવા મળે છે. (‘હાય મીલા’ જેવી કવિતામાં ક્રન્દન કરતી સમળીનો સૂર નેતરના ફળ જેવી ભૂવિકાની પીળી આંખોની યાદ જગાડી જાય છે. પરંતુ યજ્ઞેશ દવેની કવિતામાં જોવા મળતી ઈન્દ્રિયગોચર કલ્પનસૃષ્ટિ એ જીવનાનંદદાસના અનુવાદરૂપ નથી. એની આગવી મૌલિકતા પણ વારંવાર જણાઈ આવે છે.

યજ્ઞેશ દવે ઈકોલોજીના અભ્યાસી હોવાને નાતે તેઓ વસ્તુજગતને- પદાર્થને - ઊંચકી, જોઈ, તોળી, પારખી તેનાં અનેક પરિમાણો ઉકેલતાં ઉકેલતાં નવો સંદર્ભ ઊભો થઈ શકે એ રીતે પ્રયોજવામાં માને છે. આ પ્રકારની પદ્ધતિને લીધે તેમાં સંકુલતા પ્રગટી શકી છે. જોકે તેનું નિરૂપણ એટલું જ સહજ છે. પરંતુ તેમની કવિતા સમગ્ર વનસ્પતિજગત પ્રાણીસૃષ્ટિના સન્દર્ભમાં મુકાય છે તેમાં તેમની સંવેદનશીલતા વધુ ભાગ ભજવે છે.

યજ્ઞેશ દવેની સર્જનાત્મકતાને સામગ્રીનું એક ચોક્કસ પ્રકારનું સંયોજન અને અભિવ્યક્તિની એક જ શૈલી વધુ અનુકૂળ આવે છે. દીર્ઘકવિતા માટે જરૂરી એવી કથનાત્મક-નાટ્યાત્મક પ્રયુક્તિઓને પણ તેઓ ખપમાં લે છે. જોકે તેમાં અન્વયનું વૈવિધ્ય જોવા મળતું નથી. અને પુનરુક્તિના દોષથી તેઓ હંમેશાં મુક્ત રહ્યા હોય એમ લાગતું નથી. આ પ્રકારે ભાષારૂપ પામતી તેમની કવિતા શક્ય હોય તેટલા સંદર્ભો પ્રગટાવવામાં વિશેષ પ્રવૃત્ત રહેલી છે. આ પ્રકારનું તેમનું વલણ પ્રમાણયુક્ત રહેલું છે ત્યાં નિર્વાહ્ય બની શક્યું છે અન્યત્ર યદૃચ્છાને લીધે ઊભી થતી અરાજકતા કે વિશૃંખલતામાં પરિણમ્યું છે.

ખાસ તો કવિતામાં વ્યાપક ભૂમિકા ઊભી કરી આપવાની સભાનતા અને ક્યારેક તો દીર્ઘકવિતા જ લખવી છે એવું ગૃહીત એ બંનેને લીધે કૃતિ સાવંત આસ્વાદ્ય બનવાને બદલે ક્વચિત લંબાણનો અનુભવ કરાવે છે. યજ્ઞેશ દવે પોતાની જ આ દૃઢ થઈ આવતી નિરૂપણપદ્ધતિ અને આ મર્યાદા જાણી ગયા છે. કદાચ એટલે જ ટૂંકી ટૂંકી રચનાઓ તરફનું તેમનું વલણ તાજેતરમાં સામયિકોનાં પાને પ્રગટવા લાગ્યું છે.

(‘અધીત : સત્તર’)