< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા
અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘ટોળાં અવાજ ઘોંઘાટ'નું રચનાતંત્ર
સતીશ વ્યાસ
‘ટોળાં અવાજ ઘોંઘાટ' ભારતીય સંસ્કૃતિની ઓળખ સાથે સંકળાયેલું એક મહત્ત્વનું લક્ષણ છે. ઉત્સવ હો કે ઉત્સર્ગ, ઉદ્ભવ (ક્રિયા) હો કે ઉત્તર (ક્રિયા), ઘોઘાટ વિના આપણને ચાલ્યું નથી. યુગ બદલાતાં એમાં તરીકા બદલાયા હશે પણ મૂલ્યોને નામે કે અ-નામે આપણે સતત અવાજો ઘોંઘાટો કરતા આવ્યા છીએ. ઘોંઘાટ આપણું એક આદિમ, ચિરન્તન, પરમ મૂલ્ય બની ચૂક્યું છે. સામ્પ્રત સમયમાં શહેરોમાં, તન્ત્રોમાં ટોળાંઓની ભીંસ વધી છે. વૈયક્તિકતા વિધ્વસ્ત થઈ ચૂકી છે. એનું પણ ટોળામાં રૂપાન્તરણ-વિગલન થઈ ચૂક્યું છે. સર્વત્ર ટોળાંઓનાં વિકરાળ ડાયનોસર્સ વિહરતાં દેખાય છે. એ સતત વર્ધમાન એવું એક વૃકોદર પશુ છે જે સર્વભક્ષી બનીને આતંક પ્રસરાવી રહ્યું છે.
આ છે આપણો વર્ધમાન વર્તમાન. આ વર્તમાનને ઉપસાવવા કવિ શ્રી લાભશંકર ઠાકરે, અહીં, ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ કાવ્યમાં, વર્તમાન કૃદન્તનાં ‘આંકારાન્ત (મૂળે સંસ્કૃતના ‘માન’ પ્રત્યયવાળાં) રૂપોની આવિલ, કહો કે ભરમાર, રચી છે. ‘અથડાતાં’, ‘લથડાતાં’, ‘ચાલતાં’, ‘સરકતાં’, ‘ભાગતાં’, ‘સરકતાં’, ‘અટકતાં’, ‘ભાગતાં’, ‘થતાં’, ‘ચાલતાં’, ‘અટકતાં’, ‘સરકતાં’, ‘દોડતાં’, ‘ગાતાં’. ‘હસતાં’, ‘ઝઘડતાં’, ‘બગડતાં’, ‘ગગડતાં’, ‘રડતાં’, 'રખડતાં’, ‘ભસતાં’, ‘ભીંસતાં', ‘ચૂમતાં’, ‘ચીખતાં’, ‘ગાતાં’, ‘ગબડતાં’, ‘બોલતાં’, ‘બગડતાં’, ‘વાગતાં’, ‘વગાડતાં’, 'નાચતાં', 'નસીંકતાં’, ‘ખખડતાં’, ‘ઘઘરતાં’, ‘ઘોરતાં’, ‘કરતાં’, ‘પટકાતાં', 'પછડાતાં', 'અડવડતાં', ‘બબડતાં’, ‘લબડતાં’, 'વકરતાં’, ‘ચકરતાં’, ‘ચકરાતાં', ‘અકળાતાં’, ‘અકળાતાં’, ‘અથડાતાં’, ‘જતાં’, ‘મારતાં’, ‘તોડતાં’, ‘નાંખતાં', 'દેતાં', ‘દેતાં’, ‘ઊછળતાં’, ‘ઊંચકાતાં’, ‘સરકતાં’, ‘ખાતું’, ‘ખાતું’, ‘રહ્યાં’, અને ‘ઊછળતાં’, જેવાં (સાઠ) વર્તમાન કૃદન્તનાં અહીં સંયોજનો છે. કૃદન્તમાં ક્રિયાની અધૂરપ સૂચવાય છે, અનિશ્ચિતતા સૂચવાય છે. અહીં પણ આ ટોળાંઅવાજઘોંઘાટની અનિશ્ચિતતા, નિરન્તરતા આવાં કૃદન્તરૂપોથી પ્રગટ કરવામાં આવી છે.
આ કાવ્યનું બીજું ધારક અંગ છે અધિકરણવાચક કારકો. ‘ટર્મિનસમાં’, ‘બસમાં’, ‘હોટલમાં’, ‘બગીચામાં’, ‘પુલ પર', ‘નદી પર’, ‘સાયકલો પર’, ‘રિક્ષાઓમાં', ‘મોટરોમાં’, ‘સ્પિડમાં’, ‘બાજુમાં', ‘સવારીમાં', ‘સાયકલ પર ‘સ્કૂટર પર', ‘ફૂટપાથો પર', ‘રસ્તાઓ પર', ‘સીડી પર', ‘દુકાન પર', ‘સોસાયટીમાં’, ‘એપાર્ટમેન્ટમાં’, ‘કોરીડોરમાં’, ‘કમરામાં’, ‘ડ્રોઈંગ રૂમમાં’, ‘સ્ટોર રૂમમાં’, ‘બેડરૂમમાં', ‘બાથરૂમમાં', ‘બારીમાં’, ‘ટેરેસમાં’, ‘ધાબામાં’, ‘ઝાડ પર', ‘કણમાં', ‘કાંઠે', ‘ઓવારે', ‘મિનારે', ‘ટેરવે’, ‘પલકારે', ‘કૂવામાં' જેવાં (સાડત્રીસ) રૂપોમાં આ અધિકરણોનું સામર્થ્ય છે. બહારથી ભીતર સુધી આ વિષાણુ ફેલાઈ ચૂક્યાં હોવાનું, એમનું અધિકરણ હોવાનું. આધિક્ય હોવાનું આવાં અધિકરણવાચક કારકોથી દર્શાવવામાં આવ્યું છે.
ત્રીજું ધારક તત્ત્વ અહીં પ્રયોજાયેલાં ટોળાંઅવાજઘોંઘાટનાં વિશેષણો છે. કુદન્તોનો પણ અહીં વિશેષણો તરીકે ઉપયોગ થયો છે. નવા ઉપરાન્ત વિષયને દૃઢાવવા અહીં વિશેષણોની પ્રચુરતા સર્જવામાં આવી છે. ‘પોલાં’, ‘પાતળાં', ‘ઘનિષ્ઠ', ‘નિરન્ધ્ર', ‘ચપોચપ’, ‘વર્ધમાન’, ‘માતાં’, ‘માતીલા', ‘મદમસ્ત', ‘છકેલાં’, ‘સખળડખળ’, ‘ચેંચૂડાં’, ‘ઘાતકી', ‘નિર્દોષ', ‘સ્વૈર’, ‘ભોળા’, ‘ધોધમાર’ જેવાં (સત્તર) વિશેષણો પણ અહીંની ટોળાંઅવાજઘોંઘાટની સામગ્રીને ભયાવૃત કરે છે.
ગૂંથણીનું ચોથું સૂત્ર છે વિકલ્પવાચક ‘કે’નું. કાવ્યના પૂર્વાર્ધમાં આવતી આ ‘કે'થી પ્રારમ્ભાતી પંક્તિઓ જોઈએ :
‘ધીમે ધીમે ચાલતાં લ્હેરમાં
કે સાઇકલો પર સરકતાં ટિન્ ટિન્...
કે સ્કૂટર લઈ ભાગતાં ઘર્ર્...
કે રિક્ષાઓમાં ભાગતાં ધૂંઉં...
કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં’
ઉત્તરાર્ધમાં પ્રયોજાયેલી પંક્તિઓ જોઈએ :
‘બેબાકળો થઈને બળી જા
કે ગબડીને ગળી જા
કે લબડીને લળી જા
કે ચગદાઈને ચળી જા
કે મસળાઈને મરી જા'
આ ઉપરાન્ત વચ્ચે વચ્ચે પણ આ વિકલ્પોની માયાજાળ છે; ઉદા.
૧.‘ડબલસવારીમાં સાઇકલ પર બેઠેલાં
હોવા છતાં કે સ્કૂટર પર ખભે હાથ ટેકવીને બેઠેલાં
કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે શ્લિષ્ટ ચતુર્ભુજ'
૨.'ટોળાંઅવાજઘોઘાટના આ સરિયામ કે વાંકાચૂકા
પાકા કે ધૂળિયા
વામ કે દક્ષિણ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી.’
આમ અહીં આ (ચૌદ) ‘કે' પણ રચનાના બંધારણને ગૂંથે છે.
પાંચમું તત્ત્વ છે નિપાત 'જ'નું. એ પણ અર્થઘનત્વનું, દૃઢામણનું કામ કરે છે.
1. ‘હજી આ હમણાં જ છૂટેલા છેલ્લા શોમાંથી,’
2. ‘ઘસાઈને અથડાઈને પસાર થતાં હોવા છતાં અલગ જ.’
3. ‘ફૂટપાથો પર જ છે શું?’
4. ‘રસ્તાઓ પર જ છે શું?’
5. ‘બધે જ બધે'
6. ‘બીડી સળગશે એ જ ચમત્કાર’
7. ‘કાંડી ઘસાશે એ જ ચમત્કાર’
8. ‘જ્યોતનો તણખો એ જ ચમત્કાર’
9. ‘ધુમાડો નીકળશે એ જ ચમત્કાર’
10. 'ધુમાડાની સેર સ્કૂટરના ધુમાડાને ચોંટી પડશે એ જ ચમત્કાર'
છઠ્ઠું તત્ત્વ છે સહાયકારક ‘છે’નું, જે આ ભયાવહતાને ઉપસાવવામાં ‘સહાય’ કરે છે, જેમ કે,
1. ‘છે હજી આ હમણાં જ છૂટેલાં છેલ્લા શોમાંથી’
2. ‘ફુટપાથો પર જ છે શું?'
3. ‘છે છે બધે છે ટોળાંઅવાજઘોંઘાટ’
4. ‘ધરબી ધરબીને ભરાયાં છે’
5. ‘કીડિયારાંની જેમ ઊભરાયાં છે’
6. ‘આ એકઠું કરવાની મથામણ કોણે માંડી છે?'
7. ‘રસ્તાઓ પર જ છે શું?’
8. ‘તારી કલમમાંથી ધોધમાર છૂટી રહ્યાં છે.’
9. ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન’
સાતમું તત્ત્વ છે પ્રશ્નાર્થક ઉક્તિઓનું :
1. ‘એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે?"
2. ‘ફૂટપાથ પર જ છે શું?'
3. ‘રસ્તાઓ પર જ છે શું?'
4. 'સીડી પર નથી દાદરની?’
5. 'દુકાન પર નથી કાપડની?’
6. ‘આ એકઠું કરવાની મથામણ કોણે માંડી છે?’
આવાં ઉક્તિસાતત્યો વાગ્મિતાનું નિર્માણ કરે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. આવી વાગ્મિતામાં લાભશંકર ઠાકરનો વિલક્ષણ પદક્રમ પણ સહાયભૂત થાય; જેમ કે,
'સીડી પર નથી દાદરની? દુકાન પર નથી કાપડની?' કે 'સોસાયટીમાં ટેનામેન્ટ, ઍપાર્ટમેન્ટમાં રૉયલ' જેવામાંનો વ્યુત્ક્રમ પણ અભિવ્યક્તિનાવીન્ય નિરમે છે.
પ્રાસક્રીડનો તો લાભશંકર ઠાકરનો આગવો વિશેષ રહ્યો છે. આન્તરપ્રાસો અને અન્ત્યાનુપ્રાસોની રમત એમને સહજ છે. વળી સાદૃશ્યો પણ એમને હાથવગાં છે. વર્ણસગાઈઓ પણ એ કાવ્યને લયાત્મક બનાવવામાં પ્રયોજતા જાય છે, જેમ કે,
1. ‘કોરીડોરમાં, કમરામાં’
2. ‘રડતાં રખડતાં’
3. 'ગાતાં ગબડતાં’
4. ‘નાચતાં નસીંકતાં’
5. ‘માતાં માતીલાં'
6. ‘તણાઈને તૂટી જઈને’
7. ‘કરોડો કણમાં'
8. ‘બગડીને બળી જા.’
9. ‘ગબડીને ગળી જા.’
10. ‘લંબડીને લળી જા.'
11. ‘ચગદાઈને ચળી જા.’
12. ‘મસળાઈને મરી જા.’
13. ‘ઘઘરતાં ઘોરતાં ઘુરકિયાં કરતાં’
14. 'અડવડતાં અડિયલ અઘોરી અગડંબગડં'
15. ‘ચેંસૂડાં ચોર'
16. ‘ઊંડે ઊંડે ઊછળતાં'
17. ‘આંખોના ઓવારે’
18. 'મનના મિનારે'
19. 'પાંપણના પલકારે'
આપણી જૂની પરમ્પરાના લયસાદૃશ્યે આવતી પંક્તિઓ પણ તરત જ પકડાય; જેમ કે,
‘તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે’
(‘સૂના સરવરિયાની પાળે’— એ લયના સાદૃશ્ય...લે.)
તારા મનના મિનારે : ટોળાંઅવાજઘોંઘાટ,
તારી જીભના ટેરવે : ટોળાંઅવાજઘોંઘાટ,
તારી પાંપણના પલકારે : ટોળાંઅવાજઘોંઘાટ'
અહીં મઝા એ છે કે, નિશ્ચિત પદ્યલયમાંથી લાભશંકર ઠાકર ક્રમશઃ ગદ્યલયમાં સરતા જાય છે અને છેલ્લી પંક્તિમાં તો લગભગ ગદ્યમાં એ કાવ્યને વાળી લે છે :
‘તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં
ટોળાંઅવાજઘોંઘાટ'
રચનામાં આવતું આ બીજા પુરુષ એકવચનને પ્રયોજતું કથન પણ લાગુ પડે છે તો કવિચેતનાને, ભાવકસમસ્તને સાંકડા જડબધિર ચિત્તમાં પણ વૈયક્તિકતાને ધમરોળી નાખતાં, શીર્ણવિશીર્ણ કરી નાખતાં આ ટોળાંઅવાજઘોંઘાટો ભારે બિહામણાં છે. લાભશંકર ઠાકરે (‘બાથટબમાં માછલી’ સંચયમાં) ‘ઘોંઘાટ' નામનું એક એકાંકી પણ કર્યું છે. એમાં પણ આવા ભાતીગળ અવાજોનું એક સંગઠિત, (‘નારીકુંજર' સમ) પશુ માનવસામગ્રી(હ્યુમન પ્રોપ્સ)ની સહાયથી ઊભું કરવામાં આવ્યું છે. અહીં રમેશ પારેખની એક પંક્તિ પણ સ્મરણમાં આવે છે :
‘પોતાની કડકડતી એકલતા લઈને
સૌ બેઠાં છે ટોળાને તાપણે’
આ યાદ આવવાનું કારણ વિષયસામ્ય છે. રાજેન્દ્ર શાહનું ‘ભૂલેશ્વરમાં એક રાત’ યાદ આવે. આ વિષય આધુનિકોને અનેક રીતે ખપમાં આવતો રહ્યો છે. વૈયક્તિક સૂર હવે આ ટોળાંશાહીમાં શક્ય રહ્યો જ નથી. આ વેદનાને ક્રીડન દ્વારા આ કાવ્યમાં પ્રગટ કરવામાં આવી છે.
❖
(‘અધીત : એકવીસ’)