અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘વહી જતાં આભાસનાં રેખાચિત્રો’ - સાચી કાવ્યનિષ્ઠાનો રણકાર
જગદીશ ગૂર્જર
૧૯૯૧માં આ કવિ(રમણીક અગ્રાવત)નો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્ષણકમળ’ પ્રકાશિત થયેલો એ પછી ચાર વર્ષે આ બીજો સંગ્રહ. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થતી રહેતી એમની કાવ્યકૃતિઓએ કાવ્યરસિકોનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું છે. ખાસ કરીને, તરલ, અગ્રાહ્ય અને ગૂઢ એવી ચેતનાની રહસ્યાનુભૂતિને સાક્ષીભૂત સંપ્રજ્ઞતાની ભૂમિકાએ અભિવ્યક્ત કરવાનો સર્જકપ્રયાસ એમને અલગ અને આગવા તારવી આપે છે. સેન્દ્રિય કલ્પનો તથા અર્થાનુરૂપ પ્રતીકોની રચાતી આવતી સંકુલ ભાત એમની કાવ્યસૃષ્ટિનો એક પ્રકર્ષક અંશ છે. ચેતનાનાં અગમ્ય રહસ્યબિંદુઓને ઉઘાડવા ઉદ્યુક્ત બનેલી એમની કાવ્યપ્રવૃત્તિએ આધુનિક ગુજરાતી કવિતાક્ષેત્રે મોટી આશા જન્માવી છે. ચેતનાના જરઠ, રુક્ષ તથા વંધ્ય અંશો પ્રત્યેની સભાનતા તથા આંતરચૈતન્ય સાથેના અનુસંધાન માટેની તીવ્ર અભીપ્સા આ સંગ્રહની ઘણીખરી રચનાઓમાં સંવેદવા મળે છે. ‘હું આવું છું’, ‘મળવું’, ‘ખોદ્યા કર્યો છે આયનો આયનાની બહાર’, ‘ઉત્ખનન’, ‘માયાલોક’, ‘સંધાન’, ‘ક્ષણ’, ‘કષ્ટપંચક’, ‘દરવાજો’, ‘વહી જતા આભાસનું રેખાચિત્ર’, ‘આજ મહારાજ’, ‘ઇબાદત’, ‘અંતધ્વનિ’ વગેરે રચનાઓમાં ચેતનાના ભિન્નભિન્ન અંશો વચ્ચેની વિવર્તલીલા, એમાં પ્રગટતા આભાસી અંશોની વિવિધરંગી ઝાંય તથા ચેતનાની સહજમુક્ત અવસ્થાની ઝાંખી થઈ રહે છે. ‘હું આવું છું’માં કાવ્યનાયકની ચેતના કશા અપાર્થિવ અને ગુહ્ય તત્ત્વ જોડે અનુસંધાવાને ઝંખે છે. પણ એ પ્રાણશક્તિ નામરૂપની માયાવી ભ્રાન્ત સૃષ્ટિમાં સ્થગિતતા અને નિશ્ચેષ્ટતાને વરેલી છે. ચેતનાને સ્થિતિજડ બનાવી રાખનારા અવરોધો તરીકે અહીં ભિન્નભિન્ન અવાજોની વિશેષણ-શ્રેણી આસ્વાદ્ય રીતે યોજાઈ છે. ‘મળવું’માં અતલ આકાશનાં સુંવાળા પોલાણથી, ફળિયાની રુક્ષતા સુધી સ્થિતિજડતા વ્યાપી છે.
કશું થતું નથી
થતું નથી કશુંય.
- એવા બેવડાવેલા આર્ત ઉદ્ગારમાં એ જાડ્ય સામેનો વંધ્ય રોષ પ્રગટે છે. પૂર્વ-પશ્ચિમે તથા ઉત્તર-દક્ષિણે ખેંચાતા આયનામાં સમ્યક્ દર્શન થતાં આ ચેતનાનું સ્વરૂપ સાથેનું અનુસંધાન શક્ય બને છે :
અપરંપાર બિંબ–પ્રતિબિંબમાં
મને મળું મળું મળું મળું...
‘ખોદ્યા કર્યો છે આયનો આયનાની બહાર’માં ચેતનાના જ બે ભિન્ન અંશો વચ્ચેની વ્યવહારઘટનારૂપે જડતાથી ‘સ્વ’રૂપની અભિજ્ઞા સુધીની યાત્રા રજૂ થઈ છે. ‘આયનો’ સાક્ષીભૂત ચેતનાના પ્રતીક તરીકે પ્રવેશ કરે છે. આયના સામેની ગતિવિધિ તથા આયનામાં એનાથી નરી વિપરીત ગતિવિધિના દૃશ્યાત્મક સંદર્ભો દ્વારા ચેતનાના પ્રાકૃત અંશ તથા સાક્ષીભૂત ચેતનાનો મુકાબલો વર્ણવાયો છે. ઊલટસૂલટ થતી સંવેદનસૃષ્ટિ દ્વંદ્વાત્મક ચૈતસિક ભૂમિકાને અનોખો ઉઠાવ આપે છે. એ પછી ચેતનાની નિરાળી ગતિ આકારાઈ છે. ક્ષણભર સ્વરૂપાનુસંધાનની ઘટનાનો આભાસ જાગે છે, પણ એ તો વ્યવહાર-જીવનના સંદર્ભોમાં અણધારી અલોપ થઈ રહે છે. એ રહસ્યાનુભૂતિનું પગેરું દબાવી શોધ આદરે છે. ‘આયનામાં આયનાની જાળ ચસોચસ’ જેવી પંક્તિ લેબીરીન્થ સમી જરઠ દુર્ભેદ્ય સત્તાનો પ્રભાવ સૂચવે છે.
બૂમ પાડીને બરકું તો ઝૂલે નામ આયને
આયને ઝૂલે પડઘાનાં પ્રતિબિંબ...
‘પડઘાનાં પ્રતિબિંબ’ દ્વારા નામરૂપની માયાવી સૃષ્ટિનો અણસાર મળે છે. સ્વરૂપાનુસંધાન માટેની યુગજૂની છતાં વંધ્ય મથામણ આવી પંક્તિઓમાં રજૂ થઈ છે :
‘પાંચ હજાર વરસથી
કાચપેપર ઘસ્યા કરું છું આયના પર
ઝાંકળપડ ભૂંસવા...’
એ પછી નિરૂપાયેલું દૈહિક અનુભૂતિનું ચિત્ર સંક્ષોભક (ગ્રોટેસ્ક) બન્યું છે. અંતે યુગજૂની આત્મખોજની આખી યાત્રા જ ખોટા માર્ગે છે કે શું - એવો સંશયગ્રસ્ત સ્વર ગહન વિષાદમાં લીન કરી મૂકે છે. ‘ઉત્ખનનમાં આત્મખોજની પ્રક્રિયા કાવ્યસર્જનની પ્રક્રિયા સાથે એકલક્ષી બની પ્રવર્તે છે. કૃતિના પરિવેશમાં સ્થળકાળની અભિન્નતા લુપ્ત થઈ જણાય છે, ‘કાળામસ અવકાશમાં ધસમસતી રાતની ટ્રેન’નું સંકુલ પ્રતીક અસ્તિત્વનાં નિરંકુશ બળોનું માયાવી રૂપ છતું કરે છે :
અતલ રાત ખોદી રાતભર
મળી હાથભર રાત અતલ
-અહીં શ્રુતિઓનું વિલક્ષણ સંયોજન આત્મખોજના વંધ્ય વૈચિત્ર્યનો બોધ કરાવે છે. ‘ઇબાદત’માં એક પ્રકારની આધ્યાત્મિક સંપ્રજ્ઞતાનો પડઘો સંભળાય છે. સ્વપ્નલોકમાં પણ ધૂળભર્યાં મિલન પગલે જવું નથી. પંચેન્દ્રિયનો કોલાહલ શમાવીને દૈહિક-મનોગત શુચિતા કેળવવાની વૃત્તિમાં નિર્મળ અંતઃકરણનું પ્રતિબિંબ જણાય. આ પ્રકારે વિકસેલી સંપ્રજ્ઞ ચિત્તદશાને જ અંતઃકરણનો ગૂઢ નાદ સંભળાય. ‘અંતધ્વનિ’માં કાવ્યનાયકને આજુબાજુના કાયમના કોલાહલને વીંધી જીવનનો મંદ નૈસર્ગિક સ્વર સંભળાતો થાય છે :
આટલે લાંબે સુધી ચાલ્યા પછી
મને મારા પગલાંનો અવાજ
સંભળાવા લાગ્યો છે
કાયમના કોલાહલ વીંધી ઊપસ્યો ધ્વનિ..
અહીં કાવ્યનાયકને લાધેલી આધ્યાત્મિક સંપ્રજ્ઞતા સારલ્યભરી બાનીમાં અભિવ્યક્ત થઈ છે. ઉપનિષદ તથા ગીતામાં જણાવાયેલા, ‘ઊર્ધ્વમૂલમ્ અધઃ શાખઃ’ વિલસતા પૌરાણિક અશ્વત્થનું સ્મરણ ‘આજ મહારાજ’ કાવ્ય વાંચતાં સહેજે થઈ આવે! નીતર્યા અજવાસમાં ચળકતી ભુજાઓ ખંખેરતું, દિશાઓમાં તેજતણખા વેરતું, દોથેદોથ આગિયા વેરતું કેસરીબંબોળ ઝાડ દૃશ્ય, શ્રાવ્ય તથા ગતિના સંસ્કારોને કારણે અલૌકિક ઝાંયથી ઝલમલી રહે છે. કાવ્યનાયકના અસ્તિત્વની રગેરગમાં વૃક્ષ માટેની તદ્રુપતા સધાય છે. ‘દરવાજો’ રૂપકાત્મક ભાષાનું વિશિષ્ટ સંયોજન ધરાવતી લયવાહી રચના છે. પાંચ જ્ઞાનેન્દ્રિય તથા પાંચ કર્મેન્દ્રિયના દસ દરવાજા વચ્ચે કાવ્યનાયકનું આયખું ડૂબુંડૂબું થઈ રહ્યું છે. દેહમનનાં દ્વારને અતિક્રમવાની શાશ્વત ઝંખના છતાં ઠગારી માયાવી સૃષ્ટિમાં ક્યાંય સાચો નરવો સધિયારો પ્રાપ્ત થાય એમ નથી. અસ્તિત્વની વિષમતાની તીવ્ર અભિજ્ઞા એમાં પડથાઈ ઊઠે છે. ‘ક્ષણ’ કાવ્યમાં ક્ષણભંગુર માયાવી આભાસનું સૌન્દર્ય પ્રગટાવતી રૂપકાત્મક ભાષાની સત્ત્વશીલ સંદિગ્ધતા વિલક્ષણ અર્થબોધ જન્માવે છે :
કાચના ઘરમાં કાચ સજાવ્યા.
વેર્યા સઘળે કાચ કાચ
કાચ કદાવર કાચ નજીવા
કાચની ભીંતે કાચના દીવા
કાચની બારી કાચના પડદા
કાચની ભીડમાં કાચના હડદા
કાચની હવા ભારી.
આ ‘કાચ’ અસ્તિત્વની ક્ષણભંગુરતાનું પ્રતીક છે. આખી ભાવસૃષ્ટિમાં એકમાત્ર જીવંત સત્ત્વ છે પંખી. અને એ છે કાવ્યનાયકની સાક્ષી ચેતના એ સાચેસાચનું પીંછું ખેરવે અને કાચપદાર્થલોકની માયાવિની સૃષ્ટિની સઘળી ભ્રાન્તિનો વિલય કરે છે. ‘વહી જતા આભાસનું રેખાચિત્ર’માં અસ્તિત્વની સભરતા તથા રિક્તતા, રાગાવેગ તથા વિરતિ, આહ્લાદક ઉન્માદ તથા ઘેરી વિષણતાના પરસ્પર વિરોધી ભાવોની વ્યંજના ઊપસી આવી છે. પ્રથમ બે કડીમાં સ્ફટિક નિર્મળી ક્ષિતિજ, લાલ તગતગતો સૂરજ, ચકચૂર ગંધાસવ, થનગનતાં વૃક્ષ, હવાનું પાતળું સુગંધી વસ્ત્ર વગેરે પ્રાકૃતિક તત્ત્વોમાં જીવંત લોકોત્તર સત્ત્વની આભા રસાઈ રહી વર્તાય છે. જે નિમિત્તે કવિએ રોમાંચક એવી તિઝંખનાના ભાવો સંગોપ્યા છે. છેલ્લી બે કડીઓમાં એનાથી વિરોધી ભાવસંવેદન આલેખાયું છે. સંપર્કભંગ થતાં, છાતીમાં ડંખ્યા કરતા સહચારની સ્મૃતિના ડંખ તથા એમાંથી જન્મેલ વૈફલ્ય તથા વૈકલ્યનો બોધ તારસ્વરે પ્રગટી રહે છે :
વહી જતા આભાસ સામટા સ્તબ્ધ ખડા રહી જાય
વિહ્વળ મનનો વેશ બાવરો ફરી ફરી ભજવાય.
ગતિશીલ લયમેળમાં દેહમન તથા પ્રાણને વ્યાકુળ બનાવતું સ્પંદન અહીં સાક્ષીભૂત સંપ્રજ્ઞતાની ભૂમિકાએ અવલોકાયું છે. (આ કાવ્યમાં આવતો ‘પ્રાણપ્રિયાના કેશ’ જેવો શબ્દપ્રયોગ ભલે રાવજીનો રહ્યો, પણ સ્થળ-સમય- સંદર્ભમાં તેનો ક્રિયાત્મક પ્રયોગ આગવી અસર નીપજાવે છે) ‘કષ્ટપંચક’ તથા ‘મદિરા’માં દુહાના માત્રામેળી લયનો સંસ્કાર ધરાવતી પદાવલી યોજાઈ છે. ‘કષ્ટપંચક’ની પાંચ કડીઓમાં ચેતનાની વિવર્તલીલા તથા માનવઅસ્તિત્વની વેદના, વિષાદ, વંધ્યતાનું સંવેદન આકાર પામ્યું છે. પ્રત્યેક પંક્તિ વિરલ સામર્થ્ય ધરાવતાં દૃશ્યરૂપ તેમજ ગત્યાત્મક કલ્પનોનો પર્યાય બની રહે તેવી છે :
કફ ખણતો છાતી ગળું મનમાં રૂંધી વાત
ફળતી પિંડી વલવલે ડ્હોળે ગાઢી રાત
- કઠોર કર્કશ વર્ણો અહીં હૃદયનાં ગહનતમ સ્તરોમાંથી ઊઠતી હતાશા તથા વૈકલ્યનો ભાવ દૃઢાવવામાં સહાયક બને છે. ‘મદિરા’માં ચન્દ્ર, સમીર, ગંધ, કોકિલ - વગેરે સ્વૈર મુક્ત ચેતનાનાં પ્રતિરૂપો છે. કૃતિમાં સ્વપ્નિલ પરિવેશ તથા તન્દ્રિલતાનો પ્રસાર અનુભવાય છે. અંતનું અદ્ભુત સ્વપ્નવત્ દૃશ્ય લૌકિક સંદર્ભોથી મુક્ત ચેતનાની સહજ, નિર્મળ નિર્વિકાર અવસ્થાને સૂચવનારું છે. દશે દિશાનાં જળ જંપી જતાં કાળવતીના તીરે બાહ્યાભ્યંતર વિશ્રાંતિ છવાઈ રહે છે. આ ‘કાળવતી’ ભૂગોળના નકશામાં આવતી કોઈ પરિચિત નદી નથી, રૂપકાત્મક સંદર્ભમાં ચૈતન્ય-નદીની અર્થચ્છાયા એમાં રહેજે પામી શકાય છે. ‘સન્ધાન’માં જળતત્ત્વની રહસ્યમય ઉપસ્થિતિ સંકુલ વ્યંજના જન્માવે છે. ‘સૃષ્ટિજળ’ એટલે સૃષ્ટિના આરંભની ક્ષણોમાં સક્રિય રહેલું નારીતત્ત્વ, જળ એ વિશ્વનું આદિમ સત્ત્વ. જળનો સ્પર્શ થતાં કાવ્યનાયકની ચેતનાનું પ્રાગૈતિહાસિક કાળમાં અનુસંધાન રચાય છે. ‘મરણમૂડી’માં આવતું માટીનું પ્રતીક દૈહિક એષણાઓ તથા શિશુકાલીન પ્રતિગમન (ઇન્ફન્ટાઈલ રિગ્રેશન)થી માંડીને મરણાસન્ન અવસ્થાના અધ્યાસ જગાડે છે. ‘સ્નાન’ જેવી રચનામાં ઉક્તિવૈચિત્ર્યના બળે આકાશની નદી સાથેની પ્રગલ્ભ વિશ્રમ્ભકથા લાઘવથી વર્ણવાઈ છે. ‘રાતનું આકાશ ખાબક્યું નદીમાં’, ‘પોશ પોશ નાહ્યું પીટ્યું આભ’ જેવી પંક્તિઓ ઉત્કટ રતિરાગના ધીંગા સંકેતો રચી આપે છે. તરલ સૂક્ષ્મ રેખાઓમાં ઝિલાતી નરી ચિત્રાત્મકતા ચિત્તાકર્ષક પ્રભાવ જન્માવે છે. ‘સાંધ્યરેવા’, ‘માયાવિની’, ‘સ્થગિત’ જેવી રચનાઓમાં સરલ નિરામય નિસર્ગદૃશ્યોની પાર્શ્વભૂમાં અતીતનાં સ્મરણો તથા પ્રિયવિરહની વ્યથા ઝંકૃત થઈ ઊઠી છે. ‘સાંધ્યરેવા’માં દૃશ્ય તથા શ્રુતિકલ્પનોને બહેલાવતી સર્જકકલ્પના અંતે કરૂણ સંવેદ્યતાનો અનુભવ કરાવે છે :
વળાંક પર સહેજ જાગી જતી રેવા
આખેઆખી આંખમાં ઊતરવા બની સ્થિર
ત્યારે પીઠ પર ભોંકાતી તીણી અણી જેવું
કોઈ જૂનું નામ ક્યાંથી જાગે છે.
‘સ્થગિત’માં પશુઓમાં સહજ ક્રીડાનો તથા સંસારના બસૂરા કોલાહલની વચ્ચે પ્રિયજનની સ્મૃતિ ઝંકૃત થઈ ઊઠે છે. અતીતમાં અવગાહન કરતાં જ વચ્ચે વિશ્વજનના સંદર્ભો અણધાર્યા તૂટી જાય છે. અને કેસરી સાંજના રમ્ય પરિવેશમાં પ્રિયજનના નમણા મુખનો અપરોક્ષ સંબંધ રચાય છે :
તને લીંપતી સાંજ
કે તું સાંજ ગુલતાન!
પ્રણયની લાગણીનું તિરોધાન કરીને એનું પરોક્ષ સૂચન કરવાનું વલણ આ પ્રકારનાં કાવ્યોમાં રહ્યું છે. ‘માયાવિની’માં પણ એવો જ પ્રયાસ હદ્યતાનો અનુભવ કરાવનારો છે :
આયનાની જેમ સાચવે છે તું મને
ગ્રસ્ત ચસોચસ.
*
વિખરાતા આભાસમાંથી વીણી વીણીને
ક્યાં લગી મને એકઠો કર્યા કરીશ…
આવી ઉક્તિઓમાં લાક્ષણિક મનોભાવો રૂપે કાવ્યનાયકની ભગ્નાશ તથા વિચ્છિન્ન દશાનો અણસાર મળે છે. ચેતનાના વિધવિધ સ્તરોનો આલેખ રચતી કવિપ્રતિભાએ વૈષમ્યભરી સામાજિક પરિસ્થિતિનાં કાવ્યો પણ સર્જ્યાં છે. કવિની સામાજિક સંપ્રજ્ઞતાની તીક્ષ્ણ ધાર ‘યદા યદા હિ’ તથા ‘ઘર’ જેવી રચનાઓમાં જોવા મળે છે. ‘યદા યદા હિ’માં વ્યંગ-વક્રતાની રગમાં થયેલી અભિવ્યક્તિ નોંધપાત્ર છે. ગીતામાં શ્રીકૃષ્ણ દ્વારા મળેલા પરમ આશ્વાસનની વિડંબના કરતાં કવિએ ‘અતિમાનવ’નું ઠઠ્ઠાચિત્ર રચ્યું છે. ‘બગાઈઓને નહીં ગાંઠનાર’ કોઈ ઢોરની હઠતાથી એકસરખા દિવસોના આક્રમણને ખાળનાર’, સ્થિતપ્રજ્ઞતાથી લોકલ ટ્રેનોની ગિરદીને પચાવનાર, જન્મથી જ મૂંગીમસ મીંઢી નજર ધરાવતો આ ‘અતિમાનવ’ વાસ્તવમાં તો, આજના સરેરાશ માનવીનું જ વિડંબનાભર્યું ઠઠ્ઠાચિત્ર છે. ‘ઘર’માં વિદગ્ધ સમાજ તથા બાહ્ય કૃતક જીવનરીતિ તરફનો કવિનો વેદનાસિક્ત આક્રોશ પ્રગટ્યો છે. અહીં કવિ યુગજૂની વૈશ્વિક સભ્યતાના પ્રતીક તરીકે ‘ઘર’ને પ્રયોજે છે. વ્યાપકપણે જોવા મળતી કુટિલતા અને પ્રપંચલીલાના અંશોને કારણે સભ્યતારૂપી ‘ઘર’ સાથેનો કવિનો ભાવસંબંધ રાગ-દ્વેષમિશ્રિત સંકુલ પ્રકારનો રહ્યો છે. યશોધરા અને બુદ્ધ, કિષ્કિંધાની રાક્ષસનગરી, ખાંડવવન જરાસંધની ગદા, દ્વારિકા-આદિ પૌરાણિક સ્થળ-કાળ-પાત્રગત સંદર્ભોથી રસાતી ભાવસૃષ્ટિમાં છઠ્ઠી ડિસેમ્બરની બાબરી ધ્વંસની કરુણ ઘટનાનો સંદર્ભ પણ માર્મિકપણે ભળી ગયો છે. માનવજાતિ યુગોથી સભ્યતા, ધર્મ તથા સંસ્કૃતિના નામે ભૂખ, હિંસા, ત્રાસનાં અનિષ્ટો સહેતી આવી છે. આ યાતના અને પ્રપંચ સામે માનવી પરવશ બન્યો છે. જેના નિવારણનો કશો ઇલાજ કવિને જણાતો નથી. વિસંગતિભરી શાપિત દશા વેઠતો કાવ્યનાયક સમસ્ત માનવજાતિનો પ્રતિનિધિ બની રહે છે. કાવ્યનાયકનો આત્મવિષાદ યુગવિષાદની બૃહદ્ ઝાંયને ઝીલી શકે એવો બળૂકો બન્યો છે. ‘લીલું દુ:ખ’, ‘પોપટ’ તથા ‘કાગવાણી’ જેવી રચનાઓ રચનારીતિના આગવા લય-લહેકાને કારણે ધ્યાન ખેંચી રહે છે. ‘લીલું દુઃખ’માં ચાર ચાર પંક્તિના ત્રણ અંતરા છે, એમાં આવતું નટવરલાલનું પાત્ર માનવ-સ્વભાવ- વર્તનની વિરૂપતાઓનું વિડંબનાભર્યું નિમિત્ત બન્યું છે. ‘હથેળીમાં ખંજવાળ’નો ઉલ્લેખ માનવમનની સ્થૂળ ક્ષુલ્લક વાસનાઓનો સંકેત આપે છે. ‘કાગવાણી’માં કાબર-કોયલનાં પંખીપાત્રો યોજી અસ્તિત્વની વંધ્યતાનો બોધ પ્રગટાવવાનો પ્રયાસ થયો છે, પરંતુ પ્રમાણમાં એટલો અસરકારક બન્યો નથી. ‘સાંજની લટાર’, ‘વૃક્ષ’, ‘નામવતી’ વગેરેમાં અપેક્ષિત શબ્દસૌષ્ઠવનો અભાવ તેમજ શિથિલ નિસ્તેજ પંક્તિખંડો નિવારી શકાયા નથી એના કારણે પૂરેપૂરી ભાવવ્યંજના સિદ્ધ થતી નથી. આવી કૃતિઓમાં ક્યાંક નિરૂપિત સંદર્ભે નિતાંત નિબંધ અને શિથિલપણે વિસ્તરતા જણાય છે ત્યારે અર્થચમત્કૃતિને અપેક્ષિત એવી રચનાશિસ્ત ખૂટતી વર્તાય છે.
દેહની સીમાઓને લાંઘતું એ તો પહોંચ્યું
અકળ રહસ્યોના દેશમાં
તારું નામ તને પણ નહીં કહું.
(‘નામવતી’)
આવા સંદર્ભોમાં ઊર્મિમાંદ્ય (મૉર્બિડ) બની જતું સંવેદન અભિવ્યક્તિની સ્થૂળતાનો પર્યાય બની રહે છે. કાવ્યકૃતિમાં સમરસ નહીં થનારા સંવેદનને કારણે અભિવ્યક્તિના આવા અન્ય દોષો શોધનારને વધુ જડી આવેય ખરા! પરંતુ સમગ્રતયા, કવિની શબ્દ-લય-ભાવ-રસ પ્રત્યેની નિષ્ઠા આ સંગ્રહની રચનાઓમાંથી પસાર થનારા ભાવકને સ્પર્ધા વિના રહેતી નથી. સઘળાં કાવ્યોની બારીક તપાસને અહીં અવકાશ નથી. છતાં પ્રમાણી શકાય છે કે રમણીક અગ્રાવતની કવિતામાં રચનાબંધની પ્રયુક્તિઓ, સંકુલ સંવેદનલોકની વિવિધરંગી છબીઓ, પદવિન્યાસનું સૌન્દર્ય, ઐન્દ્રિક ગુણસમૃદ્ધિ, વિચારગર્ભ કાવ્યદૃષ્ટિ, નિરામય પ્રકૃતિચિત્રો રચતી ચિત્રકલ્પકતા, વ્યંગ-વક્રતાની રગમાં સોંસરી વીંધતી બાની વગેરે વિલક્ષણતાઓ પ્રસન્ન કરી મૂકે એવી છે. નીચેની પંક્તિમાં એમનો આગવો કવિ-મિજાજ દેખા દે છે :
મારી કવિતાનો અવાજ
કોઈ ડાઘ જેમ
સફેદ કાગળ પર નહીં ચોટ્યો હોય
કાગળ પરથી ચાલી જશે કવિતા
અનંત રસવિશ્વમાં....
આ કવિમિજાજમાં ‘શુદ્ધ રસકીય કવિતા’ પ્રત્યેની સાચી નિષ્ઠાનો રણકાર સંભળાય છે અને આ રણકાર દ્વારા એમનો કવિસ્વર આપણા આજના સત્ત્વશીલ આધુનિક કવિઓના સ્વર સાથે સંવાદીરૂપે ભળી જાય છે.
❖
(‘અધીત : વીસ’)