અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘શ્વેત સમુદ્રો’ - ચિનુ મોદીની ગીતકવિતાનાં ભરતી-ઓટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૭. ‘શ્વેત સમુદ્રો’ : ચિનુ મોદીની ગીતકવિતાનાં ભરતી-ઓટ

પિનાકિની પંડ્યા

કવિની સૂક્ષ્મ, તરલ સંવિત્ત સાથે કામ પાર પાડતું ગીતસ્વરૂપ અન્ય સ્વરૂપોની જેમ આધુનિકતાવાદી વિચાર-વલણના પ્રભાવથી પરિવર્તન પામ્યા વિના રહી શક્યું નથી. ઉપલક દૃષ્ટિએ સાદું અને સરળ લાગતું ગીત સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકાર અને અભિવ્યક્તિ પરત્વે વિદગ્ધ કળાદૃષ્ટિ બતાવે છે. ભાવપરિવેશની દૃષ્ટિએ પણ તેણે આધુનિક અસ્તિત્વપરક સંવેદના ઝીલી છે. આવા આધુનિક ગીતકવિતાના પ્રવાહમાં કવિશ્રી ચિનુ મોદી પાસેથી ‘શ્વેત સમુદ્રો’ (ઈ.સ.૨૦૦૧)નામનો ગીતસંચય આપણને પ્રાપ્ત થાય છે. તેમાં ઈ.સ.૧૯૬૧થી ઈ.સ.૨૦૦૧ સુધી રચાયેલાં તેમનાં ગીતો સંગ્રહાયેલાં છે. આ સંચયમાં તેમનાં નવલકથા અને નાટક નિમિત્તે રચાયેલ ગીતો પણ ગ્રંથસ્થ થયાં છે. આ સંગ્રહના શીર્ષકમાં રહેલી પ્રતીકાત્મકતા જ આધુનિકતાની દ્યોતક છે. સંસારરૂપી સમુદ્રની ખારાશ તો મીરાં, નરસિંહે પણ અનુભવેલી. પણ ચિનુ મોદીની ‘શ્વેત સમુદ્રો ખારા’ની અનુભૂતિ મધ્યકાલીન નહિ આધુનિક છે; કારણ કે તેની હતાશાના મૂળમાં યાંત્રીકરણ, શહેરીકરણ અને વિશ્વયુદ્ધોનાં કરુણઃભીષણ પરિણામો રહેલાં છે. મીરાં, નરસિંહના વિષાદનો ઉકેલ હતો ભક્તિ, પણ ચિનુ મોદી પાસે ઉકેલ નથી. તેથી જ એમની કવિતા એ પ્રશ્નોની કવિતા છે. આ પ્રશ્નો સમાજના નહિ પણ અસ્તિત્વના પ્રશ્નો છે. અસ્તિત્વની ખોજના પ્રશ્નો છે અને તેની રજૂઆત પણ ચિનુ મોદીની આગવી છે. તેમણે આ પ્રશ્નોને પ્રશ્નોક્તિ દ્વારા રજૂ કર્યા છે તે તેમની ગીતશૈલીની લાક્ષણિકતા છે. વળી આ પ્રશ્નોની ભાષા વાતચીતની છે. વાતચીતનો લય, ગદ્ય અને વાતચીતની ઔપચારિકતા આ પ્રશ્નોને વેધક બનાવે છે. પ્રથમ સંગ્રહની રચના પ્રશ્નોક્તિથી જ શરૂ થાય છે.

કેમ છો? સારું છે?
દર્પણમાં જોયેલા ચહેરાને રોજરોજ
આમ જ પૂછવાનું કામ મારું છે?
કેમ છો? સારું છે? (પૃ. ૧)

શબ્દ દ્વારા, શબ્દરૂપે શબ્દમાં ‘સ્વ’ના સત્યને પામવાની મથામણ અહીં છે. પણ ધ્રુવપંક્તિથી જ વેદનાનો ખટકો અનુભવાય છે. જાત સાથેની વાતચીતમાં પણ કેમ છો? સારું છે?ની ઔપચારિકતા- ‘સ્વ’થી પણ પરાયા બની ગયાની (એલિયનેશનની) અનુભૂતિ કરાવે છે. ભાવની પરાકાષ્ઠાનો અનુભવ કરાવતી અંતિમ પ્રશ્નોક્તિ પણ કેવી વેધક છે?

કરમાતા ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
ને આંખો પૂછે કે પાણી તારું છે? (પૃ. ૧)

અહીં વિચ્છેદ ‘સ્વ’ સાથેનો છે અને એટલે જ વેદના તીવ્ર બની છે. આવા ‘સ્વ’ સાથેના અલગાવની અનુભૂતિ ‘બહુ બહુ વરસો’ ગીતમાં પણ છે. આ ગીતનો પ્રારંભ, સપાટ બયાનોવાળો લાગે પણ તને કહું છું - તને નો બોલચાલનો લય ગીતની અર્થવ્યંજકતાને વધારે છે. પંક્તિ જોઈએ :

બહુ બહુ વરસો વીતી ગયાં, પણ નથી મળ્યો હું મને.
તને કહું છું-તને. (પૃ. ૪૩)

આવો આંતરસંવાદ ‘કોને ઘેર’માં પણ છે. ધ્રુવપંક્તિમાંનું ‘અમે-તમે’નું આંશિક પરિવર્તન, અર્ધ પંક્તિથી શરૂ થયેલો અંતરો, અંતરાના ખંડકો, ભાવનિરૂપણની દૃષ્ટિએ અલગ છાપ મૂકીને જાય છે. ડઘાયેલો, બંધાયેલો, જોડાયેલો- જેવાં ક્રિયારૂપો અને તંબુ, મણકો, પહાડ, ઝાડ જેવાં પ્રતીક-કલ્પનો વર્તમાન માનવનું નિયતિકૃત બંધિયારપણું સૂચવે છે. પણ, આંતર સંભાષણ કે આંતરસંઘર્ષ દ્વારા કવિને એક જ અપેક્ષા છે આત્મ પ્રત્યયની – નિજત્વના સાક્ષાત્કારની. તેથી બીજી રચનામાં તે કહે છે

વાંસ ફૂટે કે કેળ ફાટતી, કોને સાડાબારી
કોલાહલના ઘરમાં છું હું, બંધ કરીને બારી (પૃ. ૬)

અહીં કવિમિજાજની બેફિકરાઈ તો છે જ પણ ‘કોલાહલના ઘર’નો ભાષા-પ્રયોગ માત્ર નગરસંસ્કૃતિના જ નહિ પણ અસ્તિત્વના આંતરસંઘર્ષને પણ પ્રગટ કરે છે. હળવી શૈલીમાં કવિએ ‘ઓચ્છવ’ ગ્રૂપનાં ગીતો રચ્યાં છે તેમાં પણ ‘સ્વ’ની ખોજ ‘સ્વ’ના માધ્યમ દ્વારા થાય છે. ઓચ્છવ કવિની otherself છે. આ otherself સાથે સંવાદ છે. ઊલટતપાસ છે. તેમાં ઉપહાસ છે પણ સ્વનો ઉપહાસ. હાસ્ય છે પણ કરુણથી અભિન્ન. જેને ‘બ્લેકહ્યુમર’ કહી શકાય. આજના કવિનો બૌદ્ધિક પરિવેશ જ એવો છે કે અરેરે… ઓહો જેવા પોચટ ઉદ્ગારો દ્વારા પોતાની વેદના રજૂ ન કરી શકે! અને તેથી જ તેને વેદનાને રજૂ કરવા હાસ્ય અને કટાક્ષનો આશરો લેવો પડે છે. એક રચના જોઈએ :

કડડડ તૂટ્યો સળિયો રે,
ઔચ્છવજી મારા,
સાત માળના પવન મ્હેલમાં
પેઠો પેઠો બળિયો રે. (પૃ. ૧૫)

પવન-મહેલનું રૂપક અસ્તિત્વની ભંગુરતાનું સૂચન કરે છે પણ આ ભંગુરતા અસ્તિત્વવાદીઓની છે. આધુનિક યુગના આ ઓચ્છવનું પાત્ર પણ નામ પ્રમાણે જ હરખઘેલા વ્યક્તિત્વનું વાચક છે. પણ જીવન સાથે તેના નામનો મેળ નથી. અને એ જ એના જીવનની કરુણતા છે. હરખઘેલો, ઓચ્છવ એકલતાના ગઢને છલાંગમાં કુદાવે છે; ઓચ્છવનો આ હરખકૂદકો વાસ્તવમાં બ્લેકહ્યુમરનો જ અનુભવ કરાવે છે. ઓચ્છવગ્રૂપના એક ગીતમાં શબ્દ પ્રત્યેનો ભાષા પ્રત્યેનો કવિનો વ્યંગ પણ પ્રગટ થયો છે. પરંપરાગત કવનપ્રવૃત્તિને એમણે શબ્દો છડતી ડોશીની પ્રવૃત્તિ સાથે સરખાવી છે, તે દ્વારા પરંપરાગત વનપ્રવૃત્તિ પ્રત્યે કટાક્ષ કર્યો છે. પંક્તિ જોઈએ :

આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી,
બે-ની મા પણ એક જ, પેલી શબ્દો છડતી ડોશી, (પૃ. ૧૬)

અહીં શબ્દ દ્વારા પણ સ્વ-સાથેના સંબંધનું સ્થાપન શક્ય બનતું નથી ‘ધાક’ ગીતમાં પણ સ્વ સાથે, વ્યક્તિ સાથે કે ઈશ્વર સાથે અવગમન ન સાધી શકતા અને સંબંધનું સ્થાપન નહિ કરી શકતા આધુનિક માનવની વેદના ઝિલાઈ છે. પંક્તિ જોઈએ :

‘કાનમાં ધાક પડી છે ધાક નગારાં! વાગો આખી રાત’ (પૃ. ૭)

આ ગીતમાં ધ્રુવપંક્તિનાં આંશિક પરિવર્તનો દ્વારા પ્રત્યેક અંતરામાં ભાવની તીવ્રતા વધતી જ જાય છે, કાન, આંખ અને પછી સમગ્ર અંગમાં ‘ધાક’ અનુભવાય છે. અંતે ફરી પાછી પેલી, પ્રશ્નોક્તિ બેવડા આઘાતને રજૂ કરે છે.

અમે અરીસા ફોડ્યા તોપણ તું ન આવી બ્હાર
એના આ આઘાત!
પૂછે કે ક્યાં ક્યાં ધાક પડી છે? (પૃ. ૬)

આમ, જીવનની વિષમતાના આઘાતજન્ય પ્રહારોથી સંવેદનજડ બની ગયેલા માનવની વેદના આ ગીતમાં ઝિલાયેલી છે. એક બાજુ માનવની સંવેદનજડતા અને બીજી બાજુ એના ખાલીપાનો ખખડાટ એના અસ્તિત્વને કોરે છે. આવી વેદનાને લઈને આવતું ગીત ‘ખાલીપો’ પણ ચિનુભાઈની ગીતકવિ તરીકેની સર્જકતાના ઉન્મેષો પ્રગટાવતું ગીત છે.

ખમ ખાલીપો ખમ
*
પાણી વચ્ચે આયખું આખું
ઘમવલોણાં ઘમ,
ખમ, ખાલીપો ખમ (પૃ. ૧૨)

અહીં શબ્દલય અને અર્થલય બંનેનું સંયોજન ગીતને આસ્વાદ્ય બનાવવામાં ઉપકારક બન્યું છે. ગીતનું સ્વરૂપ એવું નાજુક છે કે દેખીતી રીતે એવું લાગે કે આ સ્વરૂપમાં ગંભીર વિચારધારા ઝીલવાનો કશો અવકાશ નથી. પણ આ સ્વરૂપે માનવની જીવન-મૃત્યુના રહસ્યને પામવાની મથામણ પણ ઝીલી છે. આ સંગ્રહનું એક આવું ગીત જોઈએ :

‘કોણ હવાને હલેસતું ને કોણ હલેસે વહાણ?
કોણ કહે પાણીને તારું નામ હવે ઊંડાણ? (પૃ. ૩)

અહીં પણ પ્રશ્નજન્ય વેધકતા દ્વારા ઈશ્વર અને માનવ વચ્ચેના સંબંધને પામવાની મથામણ છે. આ ઉપરાંત જીવનમાં જ મૃત્યુજન્ય અનુભૂતિ અનુભવતા આધુનિક માનવનાં ભાવસંવેદનો ‘ખૂલતાં ખૂલતાં’ (પૃ. ૮) અને ‘જીવન વિશેનું ઓચ્છવને લાધેલું સત્ય’ (પૃ. ૧૭)માં નિરૂપાયાં છે. નગરસંસ્કૃતિ પ્રત્યેની ફરિયાદ ‘ઓ કોલંબસ, ઓ કોલંબસ’ અને ‘ઝાક જુએ’ ગીતમાં છે પણ પ્રભાવક બની શક્યાં નથી. સમય વિશેનું સંવેદન પણ ઉપહાસની શૈલીમાં ‘હડે! હડે!’ શીર્ષક અંતર્ગત ગીતમાં રજૂ થયું છે. આ ગીતમાં સમય પ્રત્યેનો આક્રોશ ‘કૂતરા’ના અપરિચિત, રુક્ષ, કઠોર પ્રતીક દ્વારા રજૂ થયો છે. પણ પછીની પંક્તિઓમાં કવિતાનું તત્ત્વ કેટલું એ પ્રશ્ન રહે છે. પ્રણયગીતોમાં ‘વસંતના ધબકારા’ શીર્ષક અંતર્ગત ગઝલગંધી ગીતનો ઉપાડ ખૂબ સુંદર બન્યો છે. પંક્તિઓ જોઈએ :

છેક જ છેલ્લી વસંતના ધબકારા ફરતા કરવાં
સાવ સુગંધિત પુષ્પ તને કરમાતાં પહેલાં ધરવાં (પૃ. ૨૨)

પણ તેમનાં અન્ય પ્રણયગીતો ઝાઝાં આકર્ષક બન્યાં નથી. ‘વગડા વચ્ચે’ બીજા અંતરામાં વધારે બોલકું થઈ ગયું છે. ‘એળે કાઢ્યા હેત’માં પણ પરંપરાગત પ્રતીકો આકર્ષણ જન્માવી શકતાં નથી. આમ છતાં ‘શ્વેત સમુદ્રો’ ગીત સંચયમાં અનુભવાતો ભાવપરિવેશ વૈવિધ્યયુક્ત હોવાથી ભાવકને રસલક્ષી આનંદ આપવામાં નિષ્ફળ નીવડ્યો નથી. ‘શ્વેત સમુદ્રો’ સંગ્રહમાં અભિવ્યક્તિની તરેહોના વિવિધ પ્રયોગો પણ ચિનુ મોદીએ કર્યા છે. ધ્રુવપંક્તિના આંતરિક વિસ્તાર અને અંતરાઓમાં પણ આકાર અને સંયોજન પરત્વે ઘણું વૈવિધ્ય છે. ધ્રુવપંક્તિને અનુરૂપ લય અને પ્રાસવાળી પૂરક પંક્તિઓવાળાં ગીતો આ સંચયમાં વિશેષ છે. ગીતનું સ્થાપત્ય ઘડવામાં આવી પંક્તિઓના પ્રાસે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સ્વર-વ્યંજન સ્વરના દૃઢપ્રાસોથી અંતરાનું બંધારણ પણ ચુસ્ત બન્યું છે. આ ઉપરાંત ધ્રુવપંક્તિ, અંતરા, પૂરક પંક્તિના ખંડકોનું વૈવિધ્ય દા.ત., ‘કેમ?’ ઉપાડની પંક્તિને બદલે અંતરાની પંક્તિનું પુનરાવર્તન દા.ત., ‘શ્વાસ રે’, પ્રથમ અંતરા ખંડકોવાળો અને બીજો ખંડકો વિનાનો દા.ત., ‘ઓચ્છવના આંસુનું બળ’, ધ્રુવખંડના છ ખંડકો અને અંતરાની બે પંક્તિઓ ખંડકો વિનાની દા.ત., ‘રાગ’. આંશિક પરિવર્તનવાળો ધ્રુવખંડ દા.ત, ‘ધાક’ (પૃ. ૭)માં છે. આ ઉપરાંત ગઝલના શેરની જેમ પ્રત્યેક અંતરાને સ્વતંત્ર માણી શકાય અને સાથેસાથે આ જ અંતરાઓના એકમો મુખ્ય સંવેદનને નવા નવા કોણથી - પરિમાણોથી રજૂ કરે તેવું ‘અધવચ ઊભા’ ગીત ચિનુભાઈની સર્જક તરીકેની સિદ્ધિનો લાક્ષણિક નમૂનો પૂરો પાડે તેવું છે. ધ્રુવપંક્તિ વિનાના આ ગીતમાં પ્રાસ અને અષ્ટકલનું લયઆવર્તન અંતરાને સુદૃઢ બનાવે છે.

અધવચ ઊભા, હચમચ ઊભા, ઊભા ભરી બજારે રે
સૂડીથી કતરાતા જણને, વ્હેરો બધા પ્રકારે રે
કિલ્લો તોડે, બુરજ તોડે; એક જ જણનું લશ્કર રે
પાણીના પરપોટે પેઠો, પવન નામનો તસ્કર રે. (પૃ. ૪)

આંતરસંઘર્ષ અને અસ્તિત્વની ક્ષણભંગુરતા ‘એક જ જણનું લશ્કર’ અને ‘પવન નામનો તસ્કર’ના લાક્ષણિક પ્રયોગથી લયાત્મક રીતે અભિવ્યક્ત થઈ છે. અંતરાનાં યતિસ્થાનો, આંતરપ્રાયોસ, ‘પ’વર્ણનું આવર્તન ગીતના સ્થાપત્યને ઘડવામાં ઉપકારક બન્યું છે. ‘કોને ઘેર’માં અર્ધ પંક્તિથી શરૂ થતો અંતરો અને ગદ્યની ભાષાનો પ્રયોગ ધ્યાન ખેંચે છે. લયની વિવિધ ભાતો પણ અહીં મળે છે. અષ્ટકલ-કટાવ એમનો માનીતો લયબંધ છે. તેમાં તેમણે અવનવા પ્રયોગો કર્યા છે. દા.ત., ‘સાડાબારી’માં અષ્ટકલના ત્રણ આવર્તન, ‘ધાક’માં ચાર, ‘અધવચ ઊભા’માં ત્રણ, ‘ખાલીપો’માં બે આવર્તન છે. – આમ ‘અષ્ટકલ’ના વિવિધ આવર્તનો દ્વારા તેમણે લયસિદ્ધિ કરી છે. વળી, ‘ખૂલતાં ખૂલતાં’માં લગ્નગીતનો લય છે. ‘ખાલીપો’નો કટાવ લાભશંકરના ‘તડકો’ કાવ્યની યાદ અપાવે છે. ‘પળની પછીતે’નો પ્રલંબ લય, ‘એક છોકરી કહેતી’ (પૃ. ૬૨)નો લોકગીતનો લય, ‘બર્થ-ડે’ (પૃ. ૪૯)માંનો દ્વુત બાળલય પણ આસ્વાદ્ય છે. ‘શ્વેત સમુદ્રો’માં શ્વેત સમુદ્રોનું ત્રણ વખતનું આવર્તન ભરતીનો અને ‘ખારા’ શબ્દ ઓટનો અનુભવ કરાવે છે. તેમનાં મોટા ભાગનાં ગીતોમાં મુખ્ય ભાવનું સીધેસીધું ઉચ્ચારણ નહિ પરંતુ ભિન્ન-ભિન્ન કલ્પન-પ્રતીકના આશ્રયે સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવછાયાઓના સંકુલ રચતા જઈને સંવેદનનો વિસ્તાર કરવાનું વલણ જોવા મળે છે. ‘ખાલીપો’ ગીતનું ત્રણ ત્રણ અંતરાનું પ્રતીક-કલ્પન વિધાન ભિન્ન છે. પ્રથમ અંતરો નમતી સાંજનો તડકો, ભીડ ભરેલી સડકો દરિયે ઊભા ખડકો અને પાણી વચ્ચે ઘમ્મર વલોણા લેતું આયખું - એક સાથે ગતિ, દૃશ્ય, શ્રુતિનો અનુભવ કરાવતાં કલ્પનો છે. આ ગીતના શબ્દ અને અર્થનાં લયવર્તુળો વિસ્તારવામાં કલ્પનોનો ફાળો અનન્ય છે. નાદસૌંદર્ય અને સુંદર કલ્પનોની દૃષ્ટિએ ‘ધાક’ પણ આસ્વાદ્ય છે, ઉદા જોઈએ :

એક છલાંગ ઓળંગ્યું હું નદી નામની કાયાનાં અંધારા
(ગતિ અને દૃશ્ય કલ્પન)
ખરબચડા વાયુને ઝાલી… (સ્પર્શ કલ્પન)
દાદર નાઠા લઈ પાથિયાં (દૃશ્ય અને ગતિ)
અન્ય ગીતોનાં કેટલાંક કલ્પનો આસ્વાદીએ.
રણઝણતા વાયુના રથ (શ્રુતિ કલ્પન, ‘ખૂલતાં ખૂલતાં’ પૃ. ૮)
વાયુ તો અણદીઠા પારધીનો હાથ (દૃશ્ય કલ્પન, પૃ. ૩૩)
તડકાની ગૂંથેલી ટોપી (દૃશ્ય કલ્પન, પૃ.)
રણની વચ્ચે જાળ બિછાવી, એક માછલી પકડી (દૃશ્ય કલ્પન)

પ્રતીકોમાં ‘શ્વેત સમુદ્રો’માંનો શ્વેત જીવનરૂપી પ્રકાશનો વ્યંજક છે. પ્રણયના પ્રતીક તરીકે ‘ચણોઠડી’નું પ્રતીક વારંવાર પ્રયોજાયું છે. આ ઉપરાંત કાયા માટે પ્રયોજાયેલાં ગઢ, મ્હેલ, વહાણ, પંખીનાં પ્રતીકો પરંપરાગત છે. જીવન માટે પાણી કે સમુદ્રનું પ્રતીક પણ પરંપરાગત છે પણ જીવન માટે આનાથી યોગ્ય ક્યું પ્રતીક હોઈ શકે? પુરાકલ્પનમાં સુદામાનું પુરાકલ્પન આધુનિક માનવની અગતિકતાને અને ઈશ્વરથી વિખૂટા પડ્યાની વેદનાને રજૂ કરવામાં ઉપકારક બન્યું છે. આ ગીતસંચયમાં કવિએ નવલકથા અને નાટક નિમિત્તે રચેલાં ગીતોને પણ ગ્રંથસ્થ કર્યાં છે. આ ગીતોનું અવલોકન કરતાં જણાય છે કે સર્જકચેતના જ્યારે કોઈ બાહ્ય નિમિત્તે પ્રવૃત્ત થતી હોય છે ત્યારે મોકળાશનો અનુભવ કરી શકતી નથી. ‘કાળો અંગ્રેજ’ નવલકથાનાં ગીતો પ્રમાણમાં ઠીક છે. ‘અંધારી એક વાવ’ની પ્રતીકાત્મકતા આસ્વાદ્ય છે, સહજ, સ્વાભાવિક લયસિદ્ધિના નમૂના પણ ક્યાંક મળે છે પણ આવાં ગીતોમાં સર્જકકર્મનું ઝાઝું નાવીન્ય અનુભવી શકાતું નથી. છતાં કવિ ચિનુ મોદીનાં આધુનિક ગીતકવિ તરીકેનાં માન અને સ્થાન જોખમાતાં નથી.

((‘અધીત : પચ્ચીસ-છવ્વીસ’))

  • શ્વેત સમુદ્રો લે. ચિનુ મોદી