અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/સ્નાતક-અનુસ્નાતક અધ્યયન–સંશોધન (થોડીક પુનઃવિચારણા)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. સ્નાતક-અનુસ્નાતક અધ્યયન–સંશોધન
(થોડીક પુનઃવિચારણા)
હરિવલ્લભ ચૂ. ભાયાણી

યુનિવર્સિટીપદ્ધતિના શિક્ષણતંત્રની આપણે ત્યાં સ્થાપના થઈ ત્યારથી ભાષા, સાહિત્ય અને ઇતર માનવવિદ્યાકીય વિષયોના અધ્યયન, અધ્યાપન અને સંશોધનના કાર્યને લગતું જે માળખું સ્વીકારવામાં આવ્યું છે, તે ઘણી બાબતોમાં અત્યારે નિષ્પ્રયોજન, કાળગ્રસ્ત અને નિર્જીવ બની ગયું હોવા છતાં વર્ષોથી આપણે તેને જડતાથી વળગી રહ્યા છીએ. હવે તેનું પુનઃનિર્માણ કરવું અનિવાર્ય બન્યું છે ત્યારે ઉચ્ચતર શિક્ષણનાં કેટલાંક પાસાં વિશે પ્રયોજન અને પ્રસ્તુતતાના સંદર્ભમાં, આપણે ગંભીરપણે વિચારતા થયા છીએ. આ દૃષ્ટિએ અહીં મારો ઇરાદો યુનિવર્સિટીકક્ષાએ માનવવિદ્યાના વિષયોની પુનઃવ્યવસ્થા વિશે તથા એમ.એ. પછીની કક્ષાના સંશોધનકાય વિશે થોડોક ઊહાપોહ કરવાનો છે. વિવિધ વિદ્યાશાખાઓમાં જે વિકાસ થયો છે તેને પરિણામે હવે ઉચ્ચ શિક્ષણની પ્રચલિત વિભાગવ્યવસ્થામાં અવ્યવસ્થા જ વિશેષ પ્રવર્તતી લાગે છે. સંસ્કૃત, પાલિ, પ્રાકૃત, ગુજરાતી, હિંદી. વગેરે ભાષાના જાણકારને માત્ર તેટલા જ કારણે, તે તે ભાષાના સાહિત્યનો પણ તે જાણકાર હોવાનું માની લેવાય છે, એટલું જ નહીં, ધર્મ તત્ત્વજ્ઞાન તર્ક અલંકાર વ્યાકરણ કોશ વગેરે જે જે વિષયોનું સાહિત્ય તે ભાષાઓમાં હોય તે બધાને પણ તેને નકાર ગણવામાં કોઈને કશું અજુગતું નથી લાગતું. સંસ્કૃત પૂરતા શાસ્ત્ર-વિભાગ સ્વીકારીને અમુક અંશે તે તે શાસ્ત્રના જુદા જુદા તદ્વિદ હોવાનું આપણે ઉપરઉપરથી સ્વીકારીએ છીએ ખરા, પણ પાલિ, અને અર્વાચીન ભાષાઓ તો એટલો દેખાવ કરવાની પણ જરૂર નથી માની. તે ભાષાએ જાણી, તેણે તેમાંનું બધું ય જાણ્યું— एकेन ज्ञातेन सर्वमिदं ज्ञातं भूतम् । ગુજરાતી સાહિત્ય શીખવવા જેતે પાત્ર ગણીએ, તેને કેવળ તે જ કારણે ગુજરાતી ભાષા શીખવવાને પણ પાત્ર ગણીએ છીએ. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો જાણકાર, મધ્યકાલીન સાહિત્ય માટે પણ તેવોને તેવો જ ચાલે—તેવો. આમ તે સાહિત્ય જ ને! એટલું જ નહી, મધ્યકાલીન સાહિત્યવાળા સાહિત્યની સાથે તે યુગની ભાષા, તેમ જ સંસ્કૃતિ(ધર્મ, સમાજ, તત્ત્વજ્ઞાન વગેરે વગેરે)નો પણ નિષ્ણાત આપોઆપ બની જાય! આવું તૂત હવે તો ન જ ચાલવુ• જોઈએ. અંધપર પરાન્યાયનુ જ્વલંત ઉદાહરણ બનવાથી આપણે અટકવું જોઈએ. ભાષા, સાહિત્ય- વિવેચન, ધર્મ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સંસ્કૃતિ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે વિભાગોના વ્યાપ વિશે નવેસરથી વ્યવસ્થા કરવી જોઈએ. યુનિવર્સિટીનો સાહિત્યવિભાગ –– એટલે કે સાહિત્યવિવેચન વિભાગ—સંસ્કૃત, પાલિ, પ્રાકૃત અને અપભ્રંશ, ગુજરાતી, હિંદી અને ઇતર ભારતીય, અંગ્રેજી અને ઇતર યુરોપીય તેમ જ અન્ય પરદેશી એમ સર્વ ભાષાનું સાહિત્ય શીખવે. તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ સાહિત્ય શીખવવાનું પણ તેનું જ કામ. તે વિભાગમાં તે તે સાહિત્યના નિષ્ણાત હોય, અને સાહિત્યપદાર્થનું શિક્ષણ, વિવરણ, વિવેચન સમગ્રપણે તે વિભાગ જ કરે અને તેની જવાબદારી તેથી કશી વિશેષ નહીં—ભાષામાં ભાષા તરીકે, અથવા તો તત્ત્વજ્ઞાન, ઇતિહાસ વગેરેમાં તે માથું ન મારે. પોતાના વિશિષ્ટ પ્રયોજન પૂરતું જે કાંઈ જાણવું જરૂરી હોય તે જાણી લેવામાં તો કશી બાધા ન જ હોય. તે જ પ્રમાણે ભાષાને ભાષા તરીકે જોવી તપાસવી-શીખવવી એ ભાષાવિભાગનું કામ : તેમાં સંસ્કૃત વગેરે પ્રશિષ્ટ ભાષાઓ, ગુજરાતી તેમ જ ઇતર વર્તમાન ભારતીય તથા અંગ્રેજી વગેરે પરદેશી ભાષાઓ એમ બધી જ ભાષાએ આવી જાય; ભાષા-વિજ્ઞાન અને ભાષાશિક્ષણ બંને તેના ક્ષેત્રમાં આવે. તત્ત્વજ્ઞાનવિભાગમાં ભારતીય તત્ત્વજ્ઞાન અને ઇતર પૌર્વાત્ય તત્ત્વજ્ઞાનનો (મૂળ ગ્રંથોને જ આધારે), તેમ જ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન(તેમાં પણ ગ્રીક, લૅટિન વગેરે ભાષાઓનું જ્ઞાન પ્રાચીન યુગના તદ્વિદ માટે અનિવાર્ય)નો સમાવેશ થાય. શંકરનું અદ્વૈત વેદાંત, કાશ્મીરનું પ્રત્યભિજ્ઞાદર્શન, મીરાંની ભક્તિ, કબીર કે અખાનું તત્ત્વજ્ઞાન એ કેવળ સંસ્કૃત, રાજસ્થાની હિંદી કે ગુજરાતી ભાષાના જાણકારનો વિષય નથી, પણ તત્ત્વજ્ઞાનના નિષ્ણાતનો વિષય છે. અત્યારે હિંદી, ગુજરાતી, સંસ્કૃત વગેરે ભાષા જાણનારને સબ બંદરોંકા વ્યાપારી માનીને જે અવિદ્યાપ્રચાર ચલાવીએ છીએ તેથી ઉચ્ચ શિક્ષણનાં મૂળ ખોદાઈ રહ્યાં છે. આવી જ વ્યવસ્થા ઇતિહાસ વગેરે વિષયો માટે કરવી જોઈએ. વિષયના પ્રત્યેક પાસાનુ–પ્રાચીન કે અર્વાચીન, અત્રત્ય કે પરદેશી, ઐતિહાસિક કે તુલનાત્મક પાસાનું—શિક્ષણ તે તે વિષય- વિભાગમાં થાય. ઉચ્ચશિક્ષણમાં વિભાગવ્યવસ્થા ભાષા પર નહીં પણ વિષય પર જ આધારિત હોય. આ રીતની પુનઃર્વ્યવસ્થા કરવાથી, ચાલુ વ્યવસ્થાની જે વ્યવહાર અને સિદ્ધાંતને લગતી અનેક વિસંગતિઓ છે. તેથી ખચી શકાશે. અત્યારે તો ગુજરાતી, હિંદી, સંસ્કૃત વગેરેમાં બી.એ.-એમ.એ. કક્ષાએ વ્યાકરણ અને ભાષાવિજ્ઞાનનું ઘોર અજ્ઞાન ધરાવનાર પણ તે વિષયો શીખવી શકે છે. સંસ્કૃત, અપભ્રંશ અને ઇતર મધ્યકાલીન સાહિત્યોની આવશ્યક જાણકારી વિના જ ‘કાન્હડદેપ્રબંધ’, ‘વસંતવિલાસ’, કખીર, વિદ્યાપતિ, મીરાં, પ્રેમાનંદ વગેરે શીખવી શકાય છે. અદ્વૈત વેદાંત કે વલ્લભ વેદાંતનાં મૂળ તત્ત્વાની સાચી સમજ વિના અખો અને દયારામ શીખવી શકાય છે. ‘સાંખ્યકારિકા’, દિઙ્નાગ, ધર્મકી ઉદયન વગેરેના મૂળગ્રંથો અને તે પરનું ટીકાસાહિત્ય વાંચ્યા વિના ભારતીય દર્શનો શીખી-શીખવી શકાય છે; માત્ર આર્થિક લાભ ખાતર તે વિષયો ન જાણનાર પણ તે વિષયોમાં પરીક્ષણ કાર્યં કશે થડકારો અનુભવ્યા વગર કરી રહ્યા છે વગેરે વગેરે. નવી વ્યવસ્થામાં આ દુર્દશા આપોઆપ ટળી જશે. સંશોધનકાર્યના માર્ગદર્શનની બાબતમાં પણ આ જ સિદ્ધાંત અપનાવવો જોઈએ. અત્યારે ગુજરાતી કે હિન્દીના વિષયમાં પીએચ. ડી.ના માર્ગદર્શક તરીકે માન્યતા ધરાવનાર અધ્યાપક ગુજરાતી અથવા હિન્દીના નામ નીચે બધા જ વિષયોનું માર્ગદર્શન કરવાને યોગ્ય મનાય છે : મધ્યકાલીન ગુજરાતી તેમ જ અર્વાચીન ગુજરાતી સાહિત્ય, મધ્યકાલીન તેમ જ અર્વાચીન ગુજરાતી ભાષા, ગ્રંથસંપાદન, તે તે સાહિત્યમાં પ્રતિબિંબિત સંસ્કૃતિ, સમાજ, ધર્મભાવના, તત્ત્વવિચાર, ચિંતન, યુગબળો, સાહિત્યસ્વરૂપો વગેરે વગેરે. આ બધા વિષયોમાં મૌલિક, વ્યાપક અને ઊંડું સંશોધનકાર્ય કરવા-કરાવવાની ક્ષમતા એક જ વ્યક્તિમાં માની લેવી એ કેટલું બેહુદું છે! હકીકતે અનેક વિષયોમાં માર્ગદર્શકને કશો. માર્ગ દર્શાવવાનો ન હોવા છતાં તે માર્ગદર્શનનું તૂત ચલાવે છે, અને વિદ્યાર્થી ની પાસે સંકલનો, દોહનો અને ઉતારાઓના ગંજ ખંડકાવીને, અથવા તો ઉપરચેટિયા કે ક્ષુલ્લક અને અપ્રસ્તુત માહિતીનો સંચય કરાવીને તેને ડૉક્ટર કે વિદ્યાવારિધિ તરીકે સ્થાપે છે. ખરેખર તો સંશોધનનો માર્ગદર્શક પોતાના વિષયમાં જે જે વિવિધ પાસાંઓમાં અદ્યાવધિ કાર્ય થયું હોય તેના અનુસંધાનમાં જ પોતાનું શોધનકાર્થ ચલાવતો હોય, અને એ કાર્ય કરતાં પોતાને જે કેટલીક મૌલિક શોધની દિશાઓની ભાળ લાગે, તે દિશામાં જ અન્વેષણકાર્ય કરવાનું યોગ્ય વિદ્યાર્થીને સોંપે. તે તે સંશોધનક્ષેત્રમાં થઈ રહેલી નૂતન ગવેષણા સાથે સંલગ્ન રહીને જ માર્ગદર્શકનું પોતાનું તેમજ તેના વિદ્યાર્થીઓનું સંશોધનકાર્ય ચાલતું હોવું જોઈએ. આ દૃષ્ટિએ જોતાં બધી યુનિવર્સિટીઓના તે તે વિભાગોમાં બધા જ વિષયોનું સંશોધન થઈ શકે એ માનવું કેટલું અર્થહીન છે તે સમજાશે. વિષયનાં જે અમુક પાસાંઓમાં સંશોધક નિષ્ણાત હોય તે પાસાં પૂરતું જ સંશોધનકાર્ય અને માદન થઈ શકે. આથી અમુક સ્થળે ભાષા, અમુક સ્થળે વિવે ચન, અમુક સ્થળે ઇતિહાસ, તે અમુક સ્થળે તત્ત્વજ્ઞાન અને તેમાં પણ તેમનાં અમુક મહત્ત્વનાં પાસાં પૂરતાં સંશોધન કેન્દ્ર હોઈ શકે, અને તે તે વિષયમાં સંશોધનકાર્ય કરવા ઇચ્છનારે તે યુનિવર્સિટીમાં જઈને માર્ગદર્શન મેળવવું જોઈએ. છેવટે એક પ્રશ્ન સંશોધનની પ્રસ્તુતતા અંગેનો છે. સૈદ્ધાંતિક રીતે તો માનવજીવનના અતીત અને વર્તમાન જીવનનું કોઈ પણ પાસુ સંશોધન-વિષય બની શકે—કોઈ પણ સંસ્કૃતિ, તેની ભાષા, સાહિત્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, ધર્મ, સમાજ, અર્થતંત્ર, રાજતંત્ર, રીતરિવાજ, વગેરે વગેરે. પરંતુ દેખીતાં જ સંશોધનનો વધુ ઝોક આપણી સંસ્કૃતિ, આપણા પ્રદેશનું જીવન, આપણા સાહિત્ય– સમાજ, ભાષા, ઇતિહાસ વગેરે તરફ રહે. એટલું જ નહીં, વર્તમાન વૈચારિક આબોહવા, અભિગમો, વલાણો અને દૃષ્ટિબિંદુઓને જે વધુ પ્રસ્તુત કે અર્થપૂર્ણ લાગે તે વિષયો કે તેવાં પાસાંને વધુ પસંદગી મળવી જોઈએ. જો અત્યારની વિચારણામાં અસ્તિત્વવાદ હરોળમાં હોય. તો પ્રાચીન ભારતીય વિચારધારામાં અસ્તિત્વના પ્રશ્નો--અસ્તિત્વનો અર્થવિચાર કેટલો અને કઈ રીતે થયો હતો તે સંશોધકની દૃષ્ટિને આકર્ષે. જો બધી કક્ષાએ શિક્ષણનું માધ્યમ ગુજરાતી બને. તો તેને લગતા પ્રશ્નો—પરિભાષા, અનુવાદ, પાઠ્ય- પુસ્તકનિર્માણ, માતૃભાષાશિક્ષણ, પરભાષાશિક્ષણ, માન્યભાષાનુ ઘડતર, બોલીઓનો અભ્યાસ વગેરે સંશોધનના કેન્દ્રમાં આવે. જ્ઞાતિવ્યવસ્થાનો વર્તમાન રાજકારણ અને સમાજજીવનમાં જે ઘેરો પ્રભાવ છે તેને ધ્યાનમાં લઈને, ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાતિવ્યવસ્થાને ઉદ્ગમ અને વિકાસ, અને અન્ય સંસ્કૃતિની સરખામણીમાં આ રીતના સમાજબંધારણનું તેની સિદ્ધિ અને મર્યાદાઓની દૃષ્ટિએ મૂલ્યાંકન એ વિષયો સંશોધન માટે પ્રસ્તુત બને. સાહિત્યને લગતા સ્વરૂપ અને વસ્તુસંભાર, શબ્દ અને અર્થ, કાવ્યતત્ત્વ, કાવ્યભાષા, અભિવ્યક્તિ અને અવગમન, સર્જન અને ભાવન, સાહિત્યપ્રકારો વગેરેને લગતા પ્રશ્નો કેન્દ્રવર્તી બનતાં ભારતીય કાવ્યમીમાંસામાં એ પરત્વે કેવી. વિચારણા થયેલી છે તે સંશોધનવિષય બને. પશ્ચિમની યુનિવર્સિટીઓમાં (તથા જપાન જેવા પૂર્વના દેશની યુનિવર્સિટીઓમાં) માનવવિદ્યામાં ચાલી રહેલું સંશોધનકાર્ય આ દૃષ્ટિએ આપણે માટે ઘણું માદક બની શકે. દાખલા તરીકે અર્વાચીન ગાણિતિક કે પ્રાંતિક તર્કશાસ્ત્રને લક્ષમાં રાખીને ભારતીય ન્યાયદર્શન—વિશેષે નવ્યન્યાય અંગેનું ઇન્ગાલ્સ, સ્ટાલ, મતિલાલ વગેરેનું કાર્ય વ્યાકરણના મૂળભૂત ખ્યાલો અને પદ્ધતિની આધુનિક વિચારણાના સંદર્ભમાં ભારતીય વ્યાકરણશાસ્ત્ર ઉપર કાર્રાના, સ્ટાલ, બિઅર્ધો, કુંજુની રાજા, જોશી વગેરેનું કાર્ય; ભારતીય કાવ્યમીમાંસાને લગતું ગ્નોલી, મેસન વગેરેનું કાર્ય —માત્ર એટલું જોનારને પણ પ્રાચીન અધ્યયનોની પ્રસ્તુતતા સંબંધમાં ઘણું વિચારવાનું મળશે. જ્ઞાનની પ્રગતિ માટે એક તરફ નિઃસત્ત્વ વિચારો, કાળગ્રસ્ત માન્યતાઓ અને નિષ્પ્રાણ માહિતીપુંજ, તો બીજી તરફ સચેતન વિચારધારાઓ, ક્ષમતાવાળાં વિચારબીજો અને અર્થપૂર્ણ મૌલિક વ્યાપ્તિએ તરફ દોરી જતાં તથ્યા—એમની વચ્ચે સતત વિવેક કરતા રહેવું જોઈએ. આવા અર્થમાં, સંશોધનની પ્રસ્તુતતા અને જીવંતતા એ જાગ્રત સંશોધકનો સતત ચિંતાવિષય હોવો જોઈએ.