અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/કાવ્ય સર્જનથી અવબોધ સુધી
ગત સંમેલનના પ્રમુખ પ્રો. પ્રમોદકુમાર પટેલ, સ્વાગતાધ્યક્ષશ્રી, યજમાન સંસ્થાના સભ્યશ્રીઓ તથા સર્વ અધ્યાપકમિત્રો,
આપણો સંઘ ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી પ્રવૃત્તિ કરી રહ્યો છે. આ પ્રવૃત્તિ નિતાંતપણે વિદ્યાકીય સ્વરૂપની રહી છે અને ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપકોની અધ્યાપન અને અધ્યયનની પ્રવૃત્તિમાં ઉપકારક બની રહે તે રીતે એ પ્રવૃત્તિ વિકસતી રહી છે. આપણા આ યજ્ઞકાર્યને આપણે આપણા વિદ્યાર્થીઓ લગી વિસ્તાર્યું છે. અધિવેશનોમાં થયેલા કાર્યને ચિરસ્થાયી સ્વરૂપ આપવા માટે સંઘે પ્રકાશનપ્રવૃત્તિ પણ આરંભી છે. આમ અખંડપણે અને વિકાસમાન રીતે ચાલેલી સંઘની વિદ્યાકીય પ્રવૃત્તિને માટે આપણે ગૌરવ લઈ શકીએ છીએ. આ ગૌરવનું શ્રેય સંઘને હંમેશાં મળતા રહેલા ઉત્સાહી, નિપુણ, કાર્યદક્ષ કાર્યકર્તાઓને આભારી છે; તેમ જ સંઘને વડપણ પૂરું પાડનારા આપણા ક્ષેત્રના આદરણીય મહાનુભાવોને આભારી છે. પાછલાં વર્ષોમાં શ્રી રામનારાયણ પાઠક, શ્રી ડોલરરાય માંકડ, શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, શ્રી ઉમાશંકર જોશી, શ્રી વિજયરાય વૈદ્ય, શ્રી અનંતરાય રાવળ, શ્રી યશવન્ત શુક્લ, શ્રી દર્શક, શ્રી વિજયરાય વૈદ્ય, શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી ધીરુભાઈ ઠાકર, શ્રી સુરેશ જોષી જેવા આદરણીય વિદ્યાપુરુષોનું વડપણ આપણા સંઘને મળ્યું છે. આ ઉપરાંત પોતાની તલસ્પર્શી અભ્યાસનિષ્ઠાએ પોતપોતાનાં રસરુચિનાં વિષયક્ષેત્રોમાં મૂલ્યવાન પ્રદાન કરનારા બીજા સંખ્યાબંધ વિદ્વાનોની રાહબરી આપણા સંઘને મળ્યા કરી છે. આ દીર્ઘ યાદીમાં મારું નામ છેલ્લું છે; તે વાત માત્ર કાલાનુક્રમિક રીતે જ સાચી છે એમ નથી, બીજી અનેક રીતે સાચી છે. હું આપ સૌને સંબોધવા માટે આ સ્થાન પર આવ્યો છું તેનું શ્રેય મારી પાત્રતાને આભારી નથી તેટલું તમારાં સદ્ભાવ અને ઔદાર્યને આભારી છે. બારેક વર્ષ પહેલાં અહીંના અધ્યાપક મિત્ર પ્રા. નવીનભાઈ ત્રિવેદીએ અહીં આવવાનો મારે માટે યોગ ઊભો કર્યો હતો પણ મારે કારણે એ વૃથા ગયો હતો. પૂ. સ્વામી શ્રી કૃષ્ણાનંદજીનાં લખાણો કેટલાંક વર્ષો પહેલાં વાંચ્યાં હતાં. ત્યારે તેમને અહીં મળવા આવવાનું આકર્ષણ ઊભું થયું હતું. પરંતુ સ્વામીજીના દેહાવસાનને કારણે એ પણ એળે ગયું હતું. આજે આટલે વર્ષે અહીં આવવાનો તમે મને આ મોકો આપ્યો એમાં હું પાછલાં વર્ષોમાં ક્યારેક અહીં આવવાની મારા મનમાં સળવળેલી ઇચ્છા સંતોષાતી લહું છું. છેલ્લાં ઓગણચાલીસ વર્ષોથી હું અધ્યાપનના ક્ષેત્રમાં રહ્યો છું અને સંનિષ્ઠપણે મારું કાર્ય કરવાનો મારો નમ્ર પ્રયત્ન રહ્યો છે. મારો પ્રયત્ન કેટલો સફળ રહ્યો અને કેટલો નિષ્ફળ ગયો તે નક્કી કરવાનું મારું ગજું નથી. આ દીર્ઘ સમય દરમિયાન અધ્યાપન નિમિત્તે મને જે કંઈ સ્વાધ્યાય કરવાનો મળ્યો તેમાંથી થોડાક અંશો એક વિચારણાના સૂત્રમાં આપની સામે પ્રસ્તુત કરવાની અહીં ઇચ્છા રાખું છું. કોઈ નવીન સિદ્ધાંતની સ્થાપના કરવાનો કે કોઈ નવા વિચારને ઉદ્ઘાટિત કરવાનો અહીં મારો દાવો નથી; માત્ર મારા સ્વાધ્યાયની થોડીક વાનગી તમારી સામે કાતરપણે મૂકવાની રજા લઉં છું. મેં પીએચ.ડી.ની ઉપાધિ માટે પ્રો. ઠાકોરના જીવન અને સાહિત્યનો અભ્યાસ કર્યો ત્યારથી માંડીને તાજેતરનાં વર્ષોમાં સાહિત્યના અભ્યાસના ભાષાલક્ષી અભિગમ વિશે થોડુંક વાંચ્યું-વિચાર્યું ત્યાં સુધી સતત મારા મનમાં એક વાત રમ્યા કરી છે. સદીઓ પહેલાંથી આપણી સાહિત્યમીમાંસાએ કાવ્યને શબ્દ અને અર્થના સહિતત્વ તરીકે ઓળખાવ્યું છે. કાવ્યમાંથી અર્થને તારવવાની પ્રવૃત્તિને ઘણા લોકો ઘૃણાસ્પદ માને છે પરંતુ કાવ્યનું માધ્યમ ભાષા હોવાને કારણે એમાં કશોક અર્થ સિદ્ધ થતો હોવાનું આપણા સાહિત્યમીમાંસકોએ હંમેશાં સ્વીકાર્યું છે. જો કાવ્યમાં કંઈ પણ અર્થ પ્રગટતો હોય તો તે અર્થનું સ્વરૂપ કેવું છે તે જાણવાની એક જિજ્ઞાસા મને રહ્યા કરી છે. એ જિજ્ઞાસાને સંતોષવાની દિશામાં થોડો પ્રયત્ન કરું છું અને એ પ્રયત્નનો આરંભ એક પ્રશ્ન દ્વારા કરું છું.
કાવ્યકૃતિ કોઈ પદાર્થ છે કે પ્રક્રિયા ? કલાનો કલાપદાર્થ તરીકે અને સાહિત્યનો સાહિત્યપદાર્થ તરીકે ઉલ્લેખ થતો આપણે ઘણી વાર સાંભળીએ છીએ. આ પરથી સમજાય છે કે કલાકૃતિને, અને એ રીતે કાવ્યકૃતિને એક પદાર્થ તરીકે ઓળખવાનો પ્રઘાત છે. ભૌતિક રીતે અનુભવી શકાય તેને જ જો આપણે સ્થૂળ અર્થમાં પદાર્થ તરીકે સ્વીકારતા હોઈએ તો કાવ્યનો આપણે એક પદાર્થ તરીકે શી રીતે સ્વીકાર કરી શકીએ ? જે રીતે કોઈ સ્થૂળ પદાર્થને આપણે જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ, ચાખીએ, સૂંઘીએ છીએ તે રીતે કાવ્યને આપણે સાંભળીએ, સ્પર્શીએ, ચાખીએ કે સૂંઘી શકીએ છીએ ખરા ? વિમાનની ધણેણાટી એ વિમાનનો અવાજ છે એમ કાવ્ય એ કોઈ વસ્તુનો અવાજ નથી કે જેના શ્રવણ પરથી એના નિષ્પાદક પદાર્થનો સીધો અણસાર આવી જાય. જે અર્થમાં આપણે ભૌતિક અવકાશમાં કોઈ ત્રિપરિમાણી સ્થૂળ વસ્તુને જોઈએ તે અર્થમાં આપણે ભૌતિક અવકાશમાં કાવ્યને કોઈ ત્રિપરિમાણી ભૌતિક વસ્તુ રૂપે જોવા પામતા નથી. ભૌતિક અવકાશમાં બહુ તો લિપિચિહ્નોથી અંકિત દ્વિપરિમાણી કાગળને જ આપણે જોઈએ છીએ. આપણે કાવ્ય લખેલા કાગળને સ્પર્શીએ છીએ ત્યારે કાવ્યને પોતાને સ્પર્શ્યા હોવાનો દાવો કરી શકતા નથી. એમ જ કાવ્યને આપણે ચાખી કે સૂંઘી પણ શકતા નથી. ભૌતિક પદાર્થોની જેમ કાવ્ય આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયના અનુભવની પરિધિમાં આવતું નથી; ભૌતિક વસ્તુ જેવા તેના કોઈ ઇન્દ્રિયગોચર ગુણધર્મો નથી તેથી તેને પદાર્થ કહેવામાં કોઈક રીતે બાધા ઊભી થાય છે. આમ છતાં કાવ્યને કોઈક રીતે અનુભવીને અવગત કરી શકાય છે. બીજા ભૌતિક પદાર્થોની જેમ તેનું અવગમન એકસ્તરીય રીતે નથી થતું પણ દ્વિસ્તરીય રીતે થાય છે. તેથી તેની અનુભૂતિ અન્ય ભૌતિક પદાર્થોથી અલગ પ્રકારની બની રહે છે. વ્યવહારમાં વિમાનનો અવાજ સીધો વિમાનનો સંકેતક બને છે, અવાજના સ્તરે જ એ સંકેત સિદ્ધ થાય છે. કાવ્યનું શ્રવણ કે કાવ્યનું વાચન એ એના અવગમનનો એક સ્તર થયો. આ સ્તરે કેવળ ધ્વનિસંકેતોનું શ્રવણપ્રક્રિયામાં કે લિપિસંકેતોનું દર્શનપ્રક્રિયામાં આકલન થાય છે. પછીના સ્તરે એ સંકેતોનો માનસિક ભૂમિકાએ અર્થબોધ થાય છે અને એ અર્થબોધની ઉદ્દિષ્ટ ઐન્દ્રિય સંવેદનાઓના સંકુલપૂર્વકની – પ્રક્રિયા ભાવબોધની પ્રક્રિયામાં પરિણત થાય છે. શ્રુતિ કે દૃષ્ટિ સંકેતોનું આકલન કરે તથા ચિત્ત એ આકલિત સંકેતોને આધારે ભાવબોધને પ્રાપ્ત કરે એમ દ્વિસ્તરીય રીતે કાવ્યનું અવગમન સિદ્ધ થાય છે. આ બીજા સ્તરે, કાવ્યમાં પ્રયોજાયેલાં કલ્પન, પ્રતીક, અલંકારાદિ ઉપકરણો આપણી સંવિત્તિમાં ઇન્દ્રિયપ્રત્યક્ષોની સૃષ્ટિને રચી આપે છે. એ સૃષ્ટિમાં દૃશ્ય શ્રુતિ, રસ, ગંધ, સ્પર્શદિના સંકુલસમૃદ્ધ રૂપે જાગે છે. અહીં બે રીતે કાવ્ય ઇન્દ્રિયાનુભવનો વિષય બની રહે છે, જેને જોવા-સાંભળવા-સ્પર્શવા-ચાખવા-સૂંઘવાનું આપણે થોડી વાર પહેલાં અશક્ય માન્યું હતું તે એ રીતે હવે દૃષ્ટિગોચર, શ્રુતિગોચર, સ્પર્શગોચર, સ્વાદગોચર અને ગંધગોચર બની રહે છે. આપણી ચેતનાના સ્તરે આવા સંકુલ સૈન્દ્રિય અનુભવને કાવ્યકૃતિ આકારતી હોવાથી એને અનુભવપ્રદાયક પદાર્થ તરીકે સ્વીકારવાનું જરૂરી બને છે. ‘વસ્તુ' અને ‘પદાર્થ' શબ્દોનો અર્થસંકેત આપણે ત્યાં ઘણો વ્યાપક છે. એ બંને શબ્દો ભૌતિક ચીજનો સંકેત તો આપે જ છે, ‘વસ્તુ' બ્રહ્મ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વ માટે પ્રયોજાય છે. નરસિંહે ભક્તિને પદારથ' તરીકે ઉલ્લેખી છે. આપણી ચેતના દ્વારા આપણે જેનો પણ અનુભવ કરી શકીએ તેનો ‘વસ્તુ' કે ‘પદાર્થ' તરીકે નિર્દેશ કરવાની રીત અહીં દૃષ્ટિગોચર રૂપે કે આપણી ચેતના દ્વારા અનુભવી શકતા હોવાથી તેને વિશાળ અર્થમાં પદાર્થ કહેવામાં કંઈ ખોટું નથી. વ્યવહારમાં ઇન્દ્રિયો દ્વારા અનુભવાતી કોઈ પણ ચીજના ભૌતિક અસ્તિત્વને આપણે સ્વીકારીએ છીએ. એમ જ આપણી ચેતના દ્વારા અનુભવાતું હોવાથી કાવ્યને પણ પોતીકું અસ્તિત્વ છે એમ સ્વીકારવું રહ્યું. દરેક પદાર્થનું અસ્તિત્વ કોઈ ને કોઈ ભૌતિક દ્રવ્યમાં હોય છે. તો કાવ્યનું અસ્તિત્વ કયા પ્રકારના દ્રવ્યમાં છે એમ કહીશું ? કાવ્ય ભાષાદ્રવ્યથી રચાયેલું હોય છે અને ભાષાને વિશિષ્ટ સ્થૂળ સ્થળકાળની સીમાથી પરિબદ્ધ વસ્તુ તરીકે સ્વીકારવામાં નથી આવતી. તેનું અસ્તિત્વ કોઈ વિશિષ્ટ, સ્થૂળ સ્થળકાળની સીમાથી પર, મનોમયરૂપનું ગણવામાં આવ્યું છે. તેથી ભાષામાં રચાયેલા કાવ્યના અસ્તિત્વને પણ વિશિષ્ટ, સ્થૂળ સ્થળકાળની સીમાથી પરિબદ્ધ થયા વિનાના મનોમય અસ્તિત્વ તરીકે સ્વીકારવું રહ્યું; કાવ્યનું અસ્તિત્વ છે માટે તે એક વાસ્તવ છે; પરંતુ તે ભૌગોલિક વાસ્તવ નથી; તે એક ભાષાકીય અને મનોમય વાસ્તવ છે એમ સ્વીકારવું રહ્યું. આ વાતને એક બીજી રીતે પણ પ્રમાણી શકાય. વ્યવહારજગતમાં આપણે પદાર્થોનો જ્ઞાનેન્દ્રિયો દ્વારા સીધો અનુભવ કરીએ છીએ. એવો સીધો અનુભવ મળી શકે તેમ ન હોય તો એવા અનુભવનું, શબ્દોમાં થયેલા તેના વર્ણન દ્વારા આપણે આપણી કલ્પનાની અને વિચારની પ્રક્રિયામાં આકલન કરી શકીએ છીએ. કવિ કેવળ બની ગયેલા બનાવનું નિવેદન નથી કરતો. એના ચિત્તમાં વેરવિખેર પડેલા સંસ્કારોમાંથી કોઈક સંસ્કારોનું કોઈક વિલક્ષણ સર્જનાત્મક પળોમાં એકાદ ભાવકેન્દ્ર(ન્યુક્લિયસ)ની આસપાસ સંયોજન થાય છે. આ સંયોજન શબ્દસંયોજન દ્વારા સિદ્ધ થાય છે. કહો કે સંસ્કારોનું સંયોજન અને શબ્દોનું સંયોજન એકબીજાથી અવિયોજ્ય રૂપે, એકબીજામાં એકાત્મક રૂપે સિદ્ધ થાય છે. ભાવવિન્યાસ અને શબ્દવિન્યાસ અવિભાજ્ય એવી એકાત્મક ભાત રૂપે સિદ્ધ થાય છે. અહીં ભાવ અને શબ્દનો સંબંધ શરીર અને પોશાકનો નથી રહેતો પણ આત્મા અને શરીરના જેવો અવિનાભાવી પ્રકારનો બની રહે છે. આમ કાવ્યમાં કવિ કોઈ અંગત અનુભવનું બયાન નથી કરતો પણ એક નવા ભાષાપરિમાણી અનુભવની સંયોજના સિદ્ધ કરે છે, અને ભાવક એને ભાષાના પરિમાણથી પોતાની સંવિત્તિમાં અનુભવે છે. એ અનુભવને આકારવામાં એને એના ઐન્દ્રિય સંસ્કારો, એના ભાષાસંસ્કારો, એની કલ્પનાશક્તિ અને વિચારશક્તિ સમર્પક બને છે. આમ ભાવકનો અનુભવ કોઈ ભૌતિક પદાર્થનો સીધો અનુભવ નહીં બની રહેતાં તેનો ચૈતસિક અનુભવ બની રહે છે. ઐન્દ્રિય સંસ્કારો વડે કલ્પનાવ્યાપારથી સમૃદ્ધપણે જીવંત એવા આ અનુભવને ભાવક ભાષામાં ભાષા વડે પ્રાપ્ત કરે છે. ભાવક એ અનુભવને જે કાવ્યકૃતિ દ્વારા પ્રાપ્ત કરે છે એ કાવ્યકૃતિનો એને એ અનુભવ પહેલાં ખ્યાલ સરખોયે ન હોય, એમ બને. એનો એ અનુભવ એ કાવ્યકૃતિના ઘનિષ્ઠ ભાવનના પરિણામ રૂપે જ શક્ય બન્યો હોય છે. આમ ભાવકનો અનુભવ પછી, અને કલાકૃતિ તેની પહેલાં એવો ક્રમ નિશ્ચિત રહે છે. આથી, ભાવકની જાણ પહેલાં કાવ્યકૃતિનું ક્યાંક તો અસ્તિત્વ હતું તેમ સ્વીકારવું રહ્યું. કાવ્યનું અસ્તિત્વ સર્જક એને સર્જે તે પછી એકાધિક રૂપે સંભવિત બને સર્જકની સ્મૃતિમાં, લોકોની સ્મૃતિમાં અને લિખિત રૂપે. આ જગતમાં સ્થૂળ પદાર્થો સમયના પ્રવાહમાં બદલાય છે, ક્ષીણ થાય છે, નાશ પામે છે. માણસના મનનાં માળખાં પણ બદલાય છે. એ જ વાત કાવ્યપદાર્થને પણ લાગુ પડે. સ્મૃતિપરંપરા કાવ્યપાઠમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર લાવે, તે સંભવિત છે. કાગળ પર લખાયેલું કાવ્ય અપરિવર્ત્ય રૂપે જળવાય, જ્યાં સુધી એવી જાળવણી શક્ય બની હોય, ત્યાં સુધી. પરંતુ પાઠની ક્યાંક ક્યાંક પુનઃકલ્પના કરવી પડી હોય તેવા દાખલા દૂરના સમયના કાવ્યસાહિત્યના મળી આવે; કૃતિ નામશેષ થઈ ગઈ હોય તેવા દાખલા પણ મળી આવે. પણ તેથી કવિએ સાદ્યંત એક ચોક્કસ દૃઢબંધ પદાન્વયવાળો કાવ્યપાઠ તૈયાર કર્યો હોવાની હકીકતને, એક કાવ્યકૃતિને રચીને અસ્તિત્વમાં આણી હોવાની હકીકતને નકારી ન શકાય. એ કાવ્યકૃતિનું અસ્તિત્વ એકસાથે અનેક સ્થળે લિખિત યા સ્મૃતિને રૂપે હોઈ શકે છે, પણ એ બધાં લિખિત અને સ્મૃતિગત રૂપો જેનાં છે તે એક મૂળ કૃતિનું અસ્તિત્વ ક્યાંક છે એમ માનવું? નાટક જેટલી વાર ભજવાય તેટલી વાર એ નાટકનો પહેલાં કરતાં સારો, ખરાબ કે જુદો પ્રત્યક્ષીભાવ કે પ્રયોગ થાય છે; તેમ કાવ્ય જેટલી વાર બોલાય અને જેટલી વાર પંક્તિવ્યવસ્થાના ફેરફારે લખાય તેટલી વાર તે નવે રૂપે પ્રયોજાય છે એમ માનવું રહ્યું. પણ એ બધાં પ્રયોગરૂપો જે મૂળ એક કાવ્યકૃતિનાં છે તેનું અસ્તિત્વ ક્યાં માનવું? ઉત્તરમાં એમ જ કહેવું પડે કે એનું અસ્તિત્વ એના ભાષાબંધમાં છે અને એ ભાષાબંધ કુલ ભાષાતંત્રનો એક ભાગ હોઈ જે ભૂમિકાએ ભાષાતંત્રનું અભૌગોલિક અસ્તિત્વ છે ત્યાં કાવ્યનું પણ અભૌગોલિક અસ્તિત્વ છે. આ ઉત્તર કોઈને આત્માના અસ્તિત્વના જેવો આધ્યાત્મિક લાગે, તો ભલે લાગે; બાકી કાવ્યપદાર્થનું અસ્તિત્વ સ્વીકારતા હોઈએ તો એનું અસ્તિત્વ આ રૂપે ને આ ભૂમિકાએ સ્વીકારવું રહ્યું. આરંભે પૂછેલા પ્રશ્નનો બીજો ભાગ છે : કાવ્યકૃતિ એ કોઈ પ્રક્રિયા છે કે કેમ? ક્રોચેએ કહેલું કે અંતઃસ્ફુરણા એ જ અભિવ્યક્તિ છે ને એ જ અસલ કલાકૃતિ છે. એણે એમ કહીને ખરી કલાકૃતિને અંતઃસ્ફુરણાના સ્તરે અટકાવી દઈને અભિવ્યક્તિના સ્તર સુધી અવતરવા ન દીધી; અવતરવા દીધી તો એ બાહ્ય અભિવ્યક્તિને તેણે સ્મૃતિસહાયક બહિર્ભાવન કહીને ગૌણ ગણી કાઢી. એમ કરીને એણે સંકુલ સર્જનપ્રક્રિયાના એક પાસાને જ કુલ સર્જનપ્રક્રિયા માની લીધી. સર્જનપ્રક્રિયાને એવા એકાંગીપણામાં જોવાને બદલે એના સર્વાંગીપણામાં જોવી યથાતથ લેખાશે. કાવ્યકૃતિને કાવ્ય-કૃતિરૂપે જન્માવવાની અનિવાર્યતા ક્યાં રહી છે તે લૈંગરે દર્શાવ્યું છે. આપણી રોજિંદી ભાષા વિભાવનાઓની ભૂમિકાએ પ્રવર્તે છે. નિશ્ચિત પ્રકારના વિચારોને નિશ્ચિત પ્રકારના ભાષાપ્રયોગો દ્વારા આપણે રોજબરોજની વ્યવહારની ભાષામાં વ્યક્ત કરીએ છીએ. વિજ્ઞાનમાં આપણે પરિભાષાના શિસ્તબદ્ધ ઉપયોગ દ્વારા વધુ ચોકસાઈપૂર્વકની વિભાવનાપરક ભાષાનો પ્રયોગ કરીએ છીએ. જેટલાં વિચારરૂપોનો આપણે રોજબરોજના વ્યવહારમાં ચલણી સિક્કાઓની જેમ ઉપયોગ કરીએ છીએ, તેટલાં વિચારરૂપોના વ્યવહારમાં જ શું આપણી ચેતનાની કે આપણી સંવિત્તિની કુલ પ્રવૃત્તિની ઇતિ આવી જાય છે? એ વિચારરૂપો અને એમના દ્વારા ચાલતી વિચારપ્રક્રિયા તો આપણા નિત્ય ખળભળતા રહેતા અતલ સંવિત્ સમુદ્રની સપાટી ઉપર તરતા રહેલા અશ્મિભૂત અવશેષો છે. વિભાવનાઓમાં જે પરિબદ્ધ ન બની હોય, જેમનાં હજી નામ ન પડ્યાં હોય તેવાં નિત્યનૂતન વિલક્ષણ વિસ્મયકારક સંવેદનારૂપો, ભાવરૂપો માનવચિત્તની ગહેરાઈમાં જાગી, થરકીને અવજ્ઞાત કે અવિજ્ઞાત રહીને વિલીન થઈ જાય છે. માતા દ્વારા પુત્રની વંચનાના ભાવનું એક રૂપ કર્ણ છે. પણ માતા દ્વારા પુત્રની વંચનાના ભાવનાં એવાં બીજાં સેંકડો રૂપો હોઈ શકે શકે છે. સંતાન દ્વારા માબાપની ઉપેક્ષાના ભાવનું એક રૂપ ઉમાશંકરનું ‘બળતાં પાણી' છે. સંતાન દ્વારા માબાપની ઉપેક્ષાનાં એવાં બીજાં સેંકડો રૂપો હોઈ શકે છે. કર્તવ્ય માટે પ્રણયની ઉપેક્ષાના એક ભાવનું રૂપ કચદેવયાની છે. એવા ભાવનાં એવાં બીજાં સેંકડો રૂપો હોઈ શકે છે. એક ભાવનાં અસંખ્ય માણસોમાં અસંખ્ય પળોએ અસંખ્ય રૂપો પ્રવર્તે, જિવાય ને શમી જાય. પરંતુ, આપણી ભાષામાં એ બધાં રૂપો માટે નામો નથી, કેમ કે એ બધાં રૂપો વ્યાપકપણે વિભાવિત થઈ અભિધાનની હદ લગી પહોંચ્યાં નથી હોતાં, પહોંચવા પામે તેમ પણ નથી હોતાં. સામ્ય ધરાવતાં હજારો વિશિષ્ટ ભાવરૂપો કે સંવેદનારૂપોમાંના કેન્દ્રસ્થ પુનરાવર્તી ભાવને પકડીને, વિભાવીને તેનું નામાભિધાન કરવાનું કામ ભાષા કરે છે. ભાષાતંત્રમાંનાં નામ, વિશેષણ ક્રિયાપદોનું વલણ આમ વિશિષ્ટનું સામાન્યીકરણ કરી નાખવાનું રહે છે; પરંતુ સામાન્યીકરણની પ્રક્રિયામાં નહીં પ્રવેશેલા અપૂર્વાનન્ય, અપુનરાવૃત્ત, તદ્દન વિશિષ્ટ એવા સંવેદનરૂપને માટે તો ભાષામાં કોઈ શબ્દ જ નિર્માયો ન હોય તો એવા સંવેદનારૂપની ઓળખ અને અભિવ્યક્તિનું શું? લૅંગર કહે છે કે જેની અભિવ્યક્તિ માટે ભાષામાં કોઈ શબ્દ રૂઢ થયો નથી હોતો તેવા વિલક્ષણ, અપૂર્વાનન્ય, અપુનરાવૃત્ત, તદ્દન વિશિષ્ટ સંવેદનને વ્યક્ત કરવા માટે કાવ્યકૃતિની ગરજ રહે છે; આગળ વધીને કહીએ તો, નાટ્યકૃતિ કે કથાકૃતિની જરૂર રહે છે. જે સામાન્ય ભાષામાં અકથ્ય છે તેના નિરૂપણ માટે કાવ્યકૃતિ છે. જેમ દરેક શબ્દને પોતાનો અર્થ હોય છે તે જ રીતે દરેક કાવ્યને પોતાનો અર્થ હોય છે. અને એ અર્થ એ કાવ્ય દ્વારા જ વ્યક્ત થાય છે; એ અર્થ એ કાવ્ય જેવું હોય તેવા તેના હોવાપણામાં જ રહેલો હોય છે, એ કાવ્યને ક્યાંયથી પણ હાનિ પહોંચે તો તેના અર્થને પણ હાનિ પહોંચે છે. આખું કાવ્ય એની સંપૂર્ણ સાદ્યંત સાંગોપાંગ યથાતથ અખિલાઈમાં એના અર્થનું વાચક છે. પરિભાષાને વળગીને કહેવું હોય તો તે પોતાના અર્થનું વ્યંજક છે. આ અર્થ વિભાવનાના સ્તરને ચાતરીને સીધો સંવેદનાના સ્તરને સ્પર્શે છે, સીધો ભાવકની સંવિત્તિમાં ભાવરૂપને, સંવેદનરૂપને સાકાર કરે છે. તેથી કાવ્યને એના સમગ્ર સંકુલ અર્થનું પ્રતીક ગણવામાં આવ્યું છે. કાવ્યના અર્થને વિશિષ્ટ ભાવરૂપો તથા પદાન્વયરૂપોના અપૂર્વ સંયોજન દ્વારા કાવ્યમાં જ સિદ્ધ કરવામાં આવેલો હોય છે. તેથી, બાહ્ય જગતમાં અન્યત્ર ક્યાંય, ક્યારેય પણ પ્રવર્તમાન હોય તેવી વાસ્તવિક દેશકાલાધીન પરિસ્થિતિના નિર્દેશક તરીકે તેનો ઉપયોગ કરી શકાતો નથી. ભાષાવિદો કહે છે કે ભાષામાં કોઈ શબ્દ બીજા શબ્દનો સંપૂર્ણ પર્યાય હોતો નથી, તેમ કોઈ કાવ્યકૃતિના પર્યાયરૂપ બીજી કોઈ પણ કાવ્યકૃતિ હોતી નથી. વ્યવહારમાં ‘વૃક્ષ’પદાર્થની ઓળખ દ્વારા ‘વૃક્ષ' શબ્દની ઓળખ આપી શકાય છે, કેમ કે ‘વૃક્ષ' શબ્દ એ ‘વૃક્ષ' પદાર્થની વિભાવનાને અપાયેલું નામ છે. કાવ્ય કોઈ બાહ્ય ચિરલક્ષિત બહુજનપરિચિત સર્વસામાન્ય વસ્તુ યા વસ્તુસ્થિતિનું નામ નથી; તેથી કાવ્યને એવી વસ્તુ કે વસ્તુસ્થિતિને સહારે ઓળખવાનું શક્ય નથી. કાવ્ય પોતે જ પોતાને ઓળખાવે છે. કાવ્યને કેવળ એના પોતાના વડે જ ઓળખી શકાય છે, કાવ્યની આવી વિલક્ષણ અપર્યાયતા છે. તેથી તેના સમગ્ર સંકુલ અર્થને સામાન્ય શબ્દના સામાન્ય અર્થથી જુદો પાડી બતાવવા માટે લૅંગરે તેને ‘import ‘અંતર્બોધ' કે ‘અંતર્વાહ' તરીકે ઓળખાવ્યો છે. કાવ્યપાઠ અને તેનો અંતર્વાહ એ બંને એક જ સિક્કાની બે બાજુઓ જેવા અવિયોજ્ય છે. કાવ્યપાઠ વિકૃત થાય તો અંતર્વાહ પણ વિકૃત થાય; અંતર્વાહને બદલવો હોય તો કૃતિપાઠ સાથે ચેડાં કરવાં પડે એવો પરસ્પરનો અવિનાભાવી સંબંધ હોય છે. અંતઃસ્ફુરણાથી અભિવ્યક્તિ સુધીની સમગ્ર પ્રક્રિયા કાવ્યકૃતિના સાક્ષાત્કારની (realizationની) પ્રક્રિયા બની રહે છે. જ્યાં સુધી આ સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી કલાકૃતિ બનતી નથી. આ સાક્ષાત્કારની પ્રક્રિયા એ જ કાવ્યકૃતિના આવિષ્કારની પ્રક્રિયા છે. સ્ફુરણાનું પદબંધ રૂપે પ્રકટીકરણ થયું કે કાવ્ય સંપન્ન થયું. સર્જનની એવી પ્રક્રિયા સિવાય કાવ્યનો આવિર્ભાવ થતો નથી. સર્જનપ્રક્રિયાના સંપન્ન થવા સાથે જ કાવ્યનો આવિર્ભાવ પણ સંપન્ન થાય છે. આમ સર્જનપ્રક્રિયા સંપન્ન થવાનું બીજું નામ તે કાવ્ય છે એમ કહેવા મન લલચાય છે.
આ પ્રક્રિયા કેવી કેવી રીતે સંપન્ન થાય છે તે થોડા નમૂના દ્વારા અવલોકીએ. બલવંતરાય ઠાકોરના ‘પ્રેમની ઉષા’માં એક પંક્તિ આવે છે : “કમ્પી ડોલી લચી વીખરી (શોભા) પડી (સ્કન્ધદેશે).” આ પંક્તિમાં કોઈને ક્રિયારૂપોના વિનિયોગ દ્વારા ઝીણવટભર્યું ગતિચિત્ર અંકાયેલું દેખાય, તો કોઈને ‘ઈ’કારનાં આવર્તનોની ખૂબી પ્રવર્તતી દેખાય. વાસ્તવમાં, કવિ પોતાના ચિત્તમાં વિભાવિત થયેલી એક એવી સળંગ ક્રિયાને મૂર્તપણે વ્યક્ત કરવા માગે છે કે જેને માટે આપણી ભાષામાં કોઈ એક શબ્દ નથી. શબ્દનો આ અવકાશ (gap) પૂરવા માટે અથવા કહો કે એવા શબ્દની અવેજીમાં કવિને પ્રવર્તમાન ભાષાતંત્રમાંથી ઉપલબ્ધ હોય તેવાં એકાધિક ક્રિયારૂપોની આનુપૂર્વી યોજીને કામ ચલાવવું પડ્યું છે. કવિના ચિત્તમાં વિભાવિત થયેલી ક્રિયાને વ્યક્ત કરવા માટે તેમને ભાષામાંથી કોઈ એક શબ્દ નથી મળ્યો ત્યારે તેમને આવી પદસંયોજના વડે કામ પાર પાડવું પડ્યું છે. કશા અર્થાલંકારની ઝંઝટમાં પડ્યા વિના કાવ્ય નિભાવ્યું છે. સુન્દરમ્ના‘તે રમ્ય રાત્રે' કાવ્યમાં પંક્તિઓ આવે છે : “ઊભી હતી તું ઢળતી લતા સમી / (ત્યાં બારસાખે) રજકાય ટેકવી.” અહીં પણ કવિ એક એવી આમ કવિએ અહીં ‘તે અહીં પણ કવિ એક એવી જેને માટે આપણા ભાષાતંત્રમાં એવા એક શબ્દની અવેજીમાં ક્રિયાને પોતાના ચિત્તમાં આકલિત કરે છે કે જેને માટે આપણા ભાષાતંત્રમાં કોઈ એક શબ્દ ઉપલબ્ધ નથી અને કવિને એવા એક શબ્દની અવેજીમાં એકાધિક પદોવાળી સંયોજના દ્વારા એ ક્રિયાને મૂર્તપણે વ્યક્ત કરવી પડે છે. (અહીં ચર્ચા માટેની પદસંયોજનાને અન્ય પદોથી જુદી તારવવા માટે બંને અવતરણોમાં મુકાયેલ કૌંસ મારા છે.) અહીં સમગ્ર કાવ્યના એક અંશરૂપ પદસંયોજના માટે જે કહ્યું તે સમગ્ર કાવ્યના સમસ્ત પદાન્વયને લાગુ પડે છે. કવિ એક વિલક્ષણ ભાવદશાને પ્રવર્તમાન ભાષાતંત્રનાં ઉપલબ્ધ ચલણી અભિવ્યક્તિરૂપોમાં સાકાર કે સાક્ષાત્કૃત કરી શકતો નથી ત્યારે તે તેને એક નૂતન પદાન્વયના સંયોજનવાળી કાવ્યકૃતિના નિર્માણ દ્વારા સાકાર અને સાક્ષાત્કૃત કરે છે. એક બીજા પ્રકારનું દૃષ્ટાંત જોઈએ. કાન્તનું ‘સાગર અને શશી' વિવિધ પ્રાસયોજનાવાળું રમણીય કાવ્યમંદિર છે. એમાંની એક પંક્તિ છે : “સાગરે ભાસતી ભવ્ય ભરતી.” અહીં કવિ વર્ણાનુપ્રાસ યોજવા માટે બીજા કોઈ પણ વર્ગીય વ્યંજનને બદલે ઔષ્ઠ્યવર્ગના મહાપ્રાણ વ્યંજનનો અને તે પણ સંઘર્ષી બનીને વેરાઈ જતા અઘોષ મહાપ્રાણને બદલે મોં ભરીને બોલતા પૂર્ણ મહાપ્રાણ ઘોષ વ્યંજનનો વિનિયોગ કરવાનું પસંદ કરે છે. ભરતીની ભવ્યતાને કવિ શબ્દાર્થ દ્વારા તો વ્યક્ત કરે જ છે પરંતુ ધ્વનિવિન્યાસ દ્વારા પણ વ્યક્ત કરે છે. ભાષાવિજ્ઞાન ભાષાનાં બે સ્તરને અલગ પાડે છે પહેલું સ્તર છે વર્ણમાલાનું; એ સ્તરે છૂટા એકલદોકલ ધ્વનિનો કોઈ અર્થ નથી હોતો. જ્યારે ધ્વનિસંયોજનમાંથી શબ્દ બને છે ત્યારે શબ્દરચનાના એ બીજા સ્તરે અર્થનું પ્રકટીકરણ સંભવિત થાય છે. આમ ભાષાનું એક સ્તર છે અર્થરહિત ધ્વનિનું ને બીજું સ્તર છે અર્થયુક્ત શબ્દનું. કવિ પોતાના કાવ્યમાં આ બે સ્તરોની પૃથકને ભૂંસી નાખીને શબ્દસ્તરની સાથે સાથે ધ્વનિસ્તરને પણ અર્થની અભિવ્યક્તિમાં સંયોજે છે. કવિ એમ કરીને પ્રવર્તમાન ભાષાતંત્રના અર્થની દૃષ્ટિએ નિષ્પ્રાણ અને નિષ્ક્રિય રહેતા પાસાને પણ અર્થની અભિવ્યંજના માટે સક્રિય અને સપ્રાણ બનાવે છે. ભાષાને પલોટવાની કવિની વિલક્ષણ રીતને હજી આગળ વધીને જોઈએ. મણિલાલ દેસાઈના ‘સાંજ' કાવ્યનો આરંભ આ રીતે થાય છે : “આખો દિવસ / આળસુ કૂતરાની જેમ / બેસી રહેલા / બત્તીના થાંભલાઓ / એકાએક ભસવા માંડ્યા”. જે ગુણધર્મક્રિયાદિ સજીવ પ્રાણી – કૂતરાનાં હોય તે નિર્જીવ વસ્તુ થાંભલાનાં ન હોય. આથી બંનેના વ્યવહારગત અને ભાષાગત સંદર્ભો પરસ્પરથી સાવ નોખા હોવાના; પરંતુ કવિ અહીં ટાંકેલી પંક્તિઓમાં એ બંનેના સંદર્ભોને એકબીજામાં સંયોજે છે; સંદર્ભોના એવા સંયોજનમાંથી એક નવો અપરિચિત સંદર્ભ ઊભો થાય છે. આખો દિવસ બેસી રહેલા આળસુ કૂતરા એકાએક ભસવા માંડ્યા એ સંદર્ભને આપણે વિના ખચકાટે સ્વીકારીએ પણ સજીવ પ્રાણીની ભસવાની ક્રિયાના કર્તા તરીકે નિર્જીવ થાંભલાનો ઉલ્લેખ આપણે એટલી સહજતાથી ન સ્વીકારીએ; કેમ કે આપણી ભાષાની પ્રચલિત સંકેતવ્યવસ્થા આપણને એમ કરવાની છૂટ નથી આપતી; છતાં કવિએ કરેલા સંદર્ભસંયોજન પ્રત્યે થોડા અભિમુખ અને સંવેદનપટુ બનીએ તો એની ઉક્તિમાં કંઈક તથ્ય છે એમ લાગ્યા વિના નહીં રહે. દિવસભર જેવું કૂતરાનું આળસુની જેમ પડ્યા રહેવું, તેવું જ દિવસભર હોલવાયેલી રહેલી બત્તીવાળા થાંભલાનું એકસરખું ક્રિયાશૂન્ય ઊભા રહેવું. જેવું કૂતરાનું અચાનક ભસી ઊઠવું, તેવું સાંજવેળાએ હારબંધ ઊભેલા તમામ થાંભલાઓની બત્તીઓનું એકસામટું અચાનક પેટાઈ ઊઠવું. કૂતરાના ગળામાંથી જેવું કાનના પડદા ચીરતી ચીસોનું નીકળવું, તેવું બત્તીમાંથી આંખમાં વાગતા તેજશિરોટાઓનું વછૂટવું. આમ બે અલગ વ્યવહારગત સંદર્ભોનું સંયોજન કવિસંવિતમાં થાય છે અને બે અલગ ભાષિક સંદર્ભોના સંયોજન રૂપે તે પરિણત થાય છે. ભાષામાં પ્રયોજાતી ઉક્તિઓને આપણે ત્રણ પ્રકારોમાં વહેંચી શકીએ. કેટલીક ઉક્તિઓ ભાષાની રૂઢિ અનુસારની, અર્થયુક્ત અને સ્વીકાર્ય હોય છે; જેમ કે, “કૂતરો ભસ્યો” કેટલીક ઉક્તિઓ ભાષાની રૂઢિથી વિચલિત થયેલી અર્થવિહીન અને અસ્વીકાર્ય હોય છે; જેમ કે, “ડાહ્યો પથ્થર ઉલ્લુ પાણી પર આકાશમાં હસ્તધૂનનિયું રેડાયો.” કેટલીક ઉક્તિઓ ભાષાની રૂઢિથી વિચલિત થયેલી છતાં અર્થયુક્ત અને સ્વીકાર્ય હોય છે. મણિલાલની પંક્તિઓ ઉક્તિના આ પ્રકારમાં આવે છે.
આપણા પ્રચલિત ભાષાતંત્રમાં ‘થાંભલા'નો જે અર્થ છે તે અર્થ આ પંક્તિમાં બેસતો નથી, કેમ કે ભસવાની ક્રિયાના કર્તા તરીકે તેને આ કાવ્યગત સંદર્ભયોજનાએ નવો અર્થ આપ્યો છે. આમ શબ્દનો ભાષાની પ્રચલિત સંકેતવ્યવસ્થામાં જે અર્થ હોય તે અર્થ કરતાં તેનો કાવ્યગત સંદર્ભયોજનામાં નવો અર્થ સિદ્ધ થાય છે. ‘ચાંદની’ શબ્દનો આપણા પ્રચલિત ભાષાતંત્રમાં જે અર્થ છે તેના કરતાં તેને મણિલાલના ‘અમાસ' કાવ્યની સંદર્ભયોજનામાં એક નવો અર્થ પ્રાપ્ત થાય છે. (નિસ્સહાય ચાંદની/ડામરની કાળી સડકો પર આળોટે;/એક બાજુના અંધારામાંથી/ભારથી લાદેલી લા૨ી/ઘ૨૨૨ ઘ૨૨૨ કરતી પસાર થાય,/ અને એની પાછળ એક કૂતરો દાંતમાં/ચાંદનીનું શબ પકડી/પસાર થાય, દર અમાસે!) એ જ પ્રમાણે એ કાવ્યમાં ચાંદનીના સંદર્ભે ડામરની સડક, લારી, કૂતરો વગેરેને પણ પ્રચલિત અર્થ કરતાં નવો અર્થ પ્રાપ્ત થાય છે. આમ શબ્દ જ્યારે ભાષાની સંકેતવ્યવસ્થા કરતાં જુદો અર્થ કાવ્યગત સંદર્ભયોજનામાં ધારણ કરે છે ત્યારે તે પોતાના મૂળ અર્થને આમૂલ બદલી નાખતો નથી પણ પોતાના મૂળ અર્થના એકાદ અંશને સાચવીને એની સાથે નવા અર્થાંશનું સંયોજન પામે છે. ‘સાંજ’ કાવ્યમાંનો ‘થાંભલા' શબ્દ ભસવાની ક્રિયાના કર્તા તરીકેનો નવો અર્થ ધારે છે, પરંતુ રાતે અચાનક સળગતી બત્તીના થાંભલા તરીકેનો તેનો અર્થ જાળવી રાખે છે. આ જળવાઈ રહેલ મૂળ અર્થાંશ ૫૨ જ નવા અર્થાંશનું આરોપણ થઈને થાંભલા' શબ્દમાં નવી એકાત્મક અર્થવ્યંજના સિદ્ધ થાય છે. ‘અમાસ’ કાવ્યમાં ‘ચાંદની’ શબ્દ કચડાતા રાંક પ્રાણીના શબનો અર્થ ધારણ કરે છે. પણ પ્રકૃતિતત્ત્વ તરીકેના તેના મૂળ અર્થને જાળવી રાખે છે. કાવ્યમાં સિદ્ધ થતું શબ્દનું આવું નવસંસ્કરણ તેના મૂળ અર્થાંશથી તેના વિયોજનની અને નવા અર્થાંશ સાથેના તેના સંયોજનની બેવડી પ્રક્રિયાથી સિદ્ધ થાય છે. ભાષાતંત્રની પ્રચલિત સંકેતવ્યવસ્થામાં શબ્દોને તેમના રૂઢ અર્થસંકેતો હોય છે. ત્યાં શબ્દોને તેમના નિશ્ચિત અર્થસંકેતો સહિત કોશબદ્ધ કરવાનું શક્ય બને છે. કોશરચના દ્વારા કોઈ પણ ભાષાના શબ્દોનો તેમના રૂઢ અર્થસંકેતો સહિત પરિચય આપવાનું શક્ય બને છે. પણ કાવ્યગત સંદર્ભયોજનામાં નવા અર્થસંસ્કાર પામેલા શબ્દોને એમની એવી નવી અર્થવ્યંજનાઓ સહિત કોશબદ્ધ કરવાનું શક્ય નથી, કેમ કે એક જ શબ્દ પ્રત્યેક કાવ્યની સંદર્ભયોજનામાં તે તે કાવ્યની સંદર્ભયોજના અનુસાર નવો અને નવો અર્થસંસ્કાર પામીને આવે છે. ક્યારેક એક જ શબ્દ એક જ કાવ્યમાં આવા એકથી વધુ નવા અર્થસંસ્કાર પામીને પ્રયોજાયો હોય એમ પણ બને. કાવ્યે કાવ્યે શબ્દની અર્થવ્યંજના આમ જ્યારે બદલાતી હોય ત્યારે એની કઈ અર્થવ્યંજનાને એની સ્થિર અર્થવ્યંજના તરીકે કોશમાં નોંધવી? કોશ શબ્દની તમામ ભાવિ અર્થવ્યંજનાઓને પણ કેવી રીતે નિર્દેશી શકે? આમ કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દોના અર્થ પામવા માટે કોઈ કોશ કામ ન લાગે, માત્ર એ કાવ્ય પોતે જ કામ લાગે. એ જ રીતે, પ્રચલિત ભાષાતંત્રમાંનાં રૂઢ પદરૂપોને તથા રૂઢ પદાન્વયોને ઓળખવા માટે રચાયેલા વ્યાકરણ દ્વારા કાવ્યમાં પ્રયોજાયેલાં અરૂઢ પદરૂપોને અને પદાન્વયોને ઓળખાવવાનું કેવી રીતે શક્ય બનશે? દરેક કાવ્ય પોતાની સાથે પોતાનું આગવું વ્યાકરણ લઈને આવે છે અને દરેક કાવ્યનું વ્યાકરણ બીજા કાવ્યના વ્યાકરણથી પૃથક્ હોય છે. ત્યારે જે કાવ્યને સમજવા માટે જે વ્યાકરણની જરૂર હોય તે વ્યાકરણને તે કાવ્યમાંથી જ પામી શકાય છે. આમ, ફરી એક વાર આપણે સ્થાપિત કરીએ છીએ કે કાવ્ય પોતે જ પોતાની સાદ્યંત અખિલાઈમાં પોતાનો અર્થ બની રહે છે; નહીં કે અન્યથા.
જે સંપત્તિનો કશો ઉપયોગ ન થઈ શકતો હોય તે સંપત્તિ હોય કે ન હોય તેથી શો ફરક પડે છે? જે અન્ન જીવના પોષણમાં કામ ન આવે તે અન્ન હોય કે ન હોય તેથી શો ફરક પડે છે? એ જ રીતે, જે કાવ્યનો આસ્વાદ માણ્યો ન હોય તે કાવ્ય અસ્તિત્વમાં આવ્યું હોય કે ન આવ્યું હોય તેથી શો ફરક પડે છે? કાવ્ય આસ્વાદાય ત્યારે જ તેનું અસ્તિત્વ પ્રમાણ પડે. કાગળ પર છપાઈને પડેલું કાવ્ય નિર્જીવ ખોખું માત્ર છે. આસ્વાદની પ્રક્રિયામાં ભાવકના ચિત્તમાં તે જીવંત બને છે. જ્યારે જ્યારે જ્યાં જ્યાં તે આસ્વાદાય છે ત્યારે ત્યારે ત્યાં ત્યાં તે ફરી ફરીને જીવંત બને છે. કાવ્યનું જીવંત અસ્તિત્વ તેના આસ્વાદની પ્રક્રિયામાં સિદ્ધ થાય છે. આમ જેમ સર્જનની પ્રક્રિયામાં સાક્ષાત્કૃત થયા વિનાનું કાવ્ય તે કાવ્ય નથી તેમ ભાવનની પ્રક્રિયામાં સાક્ષાત્કૃત થયા વિનાનું કાવ્ય તે પણ કાવ્ય નથી. ભાવનની પ્રક્રિયા એ કાવ્યની પ્રોક્તિના (discourseના) અવબોધની પ્રક્રિયા છે. વ્યવહારમાં ઉચ્ચારાતી ઉક્તિઓના કરતાં કાવ્યની પ્રોક્તિ અલગ પ્રકારની હોય છે. વ્યવહારમાં જ્યારે એક વ્યક્તિ બીજી પરિચિત વ્યક્તિ સાથે વાત કરતી હોય ત્યારે તેમની વાતોને કેટલાક સ્વાભાવિક વ્યાવહારિક સંદર્ભો હોય છે અને એ સંદર્ભો એમને માટે હાથવગા અને સ્વયંસ્પષ્ટ હોય છે. તેથી એ સંદર્ભોનાં સાંગોપાંગ સ્પષ્ટીકરણો વગર જ એમની વચ્ચે વાતચીત ચાલે છે અને એ બંને એકબીજાની ઉક્તિઓને બરાબર સમજી શકે છે. કાવ્યમાં નિરૂપાયેલા ભાવને અવગત કરવા માટેનો સંપૂર્ણ સંદર્ભ કાવ્યમાં રચી આપેલો હોવો જોઈએ. એમ ન થયું હોય તો ભાવનિરૂપણ ધૂંધળું અને અધૂરું લાગે. વળી, સંદર્ભ માટે જરૂરી હોય તેના કરતાં વધુ વીગતો કાવ્યના બંધને સુશ્લિષ્ટ ન થવા દે. આમ કાવ્યગત સંદર્ભ જરૂર કરતાં સહેજ પણ વધુ કે જરૂર કરતાં સહેજ પણ ઓછો હોવો ન જોઈએ. વ્યવહારમાં જ્યારે અ બ સાથે વાત કરતો હોય ત્યારે અ વક્તા, સંદેશનો પ્રેષક અને સંબોધક હોય છે અને બ શ્રોતા, સંદેશનો ગ્રાહક અને સંબોધિત હોય છે. કાવ્યમાં વક્તા-પ્રેષક-સંબોધકની એકરૂપતા તૂટે છે, તે જ રીતે શ્રોતા-ગ્રાહક-સંબોધિતની એકરૂપતા પણ તૂટે છે. ન્હાનાલાલના ‘વીરની વિદાય' કાવ્યમાં ન્હાનાલાલ પ્રેષક છે અને ભાવક ગ્રાહક છે, પરંતુ કાવ્યમાં સંબોધક નાયિકા છે અને સંબોધિત નાયક છે. કાવ્યમાંનો ‘હું' અનિવાર્યપણે કવિ પોતે ન જ હોઈ શકે; એ જ રીતે કાવ્યનો ‘તું' અનિવાર્યપણે ભાવક ન હોઈ શકે. આમ, કવિ જ્યારે ‘હું' સર્વનામથી વાત કરતો હોય ત્યારે તે કોઈ ત્રીજા પુરુષની વાત કરતો હોય છે અને ભાવક ‘તું’ સર્વનામથી વાત સાંભળતો હોય ત્યારે તે કોઈ ત્રીજા પુરુષની વાત સાંભળતો હોય છે. સુન્દરમ્ના ‘તે રમ્ય રાત્રે' કાવ્યનો આરંભ ‘તે રમ્ય રાત્રે' પંક્તિથી થાય છે. વ્યવહારમાં ‘તે' સર્વનામ કે ‘તે' દર્શક વિશેષણ કોઈ વસ્તુની પૂર્વપરિચિતતાનો સંકેત આપે છે. અહીં. કવિએ ઉદ્દિષ્ટ રાત્રિનો એવો કશો પૂર્વપરિચય આપ્યા વિના તેને ‘તે' દર્શક વિશેષણથી નિર્દેશી છે. એમ કરવાનો હેતુ રાત્રિની પૂર્વપરિચિતતાનો આભાસ ઊભો કરવાનો છે. ‘આ જવાની, આ નજાકત, આ નજર' જેવી પંક્તિમાંનો ‘આ' શબ્દ કવિની કે ભાવકની નજીકમાંની કોઈ વ્યક્તિને નિર્દેશવા માટે નથી, પંક્તિ ઉચ્ચારતી વખતે કવિને એવી કોઈ વ્યક્તિનું સ્થૂળ સામીપ્ય હોવાનો અર્થ એમાંથી નીકળતો નથી. કવિ એવા શબ્દપ્રયોગ દ્વારા ઉદ્દિષ્ટના સામીપ્યનો કે પ્રત્યક્ષતાનો ભાવ જગાડવા માગતો હોય છે. એ જ રીતે “આજ મહારાજ જલ પર ઉદય જોઈને” કે “આજની ઘડી તે રળિયામણી” જેવી પંક્તિઓમાંની ‘આજ’ પંચાંગમાંની કોઈ કાલાનુક્રમિક ‘આજ' રહેતી નથી; એ કેવળ નિકટના વર્તમાનનો ભાવ જગાડવા માટેનો જ શબ્દ બની રહે છે. આમ, કાવ્યમાં પ્રયોજાયેલાં પુરુષવાચક સર્વનામો, દર્શક વિશેષણો કે સમયવાચક શબ્દો વ્યવહારના કરતાં જુદા પ્રકારના સંકેતોને પ્રગટ કરી આપે છે. વ્યવહારમાં સંબોધક અને સંબોધિત એ બંને માણસો જ હોઈ શકે છે; પરંતુ કાવ્યમાં સંબોધક કે સંબોધિત માનવેતર જીવ કે કોઈ જડ પદાર્થ પણ હોઈ શકે છે. વ્યવહારની ઉક્તિ કરતાં સાહિત્યની પ્રોક્તિનો સંદર્ભ આ રીતે જુદો પડે છે. એક જુદા પ્રકારની ભિન્નતા પણ એ બંને વચ્ચે રહેલી છે; વ્યવહારમાં વક્તા વાક્યને તેમાંના કોઈ એક શબ્દ પર વિશેષ ભાર મૂકીને અથવા વિશિષ્ટ કાકુ સાથે ઉચ્ચારે છે. છંદોબદ્ધ કાવ્યમાં છંદોલય અને યતિસ્થાન પદક્રમને નિયત કરનારું એક ખાસ પરિબળ બને છે, લખાઈને આવેલા છંદોબદ્ધ કે અછાંદસ કાવ્યમાંની આવી લક્ષકેન્દ્રિતાને – ‘ફોકાલીટી'ને પામવાનું વ્યવહારમાં બોલાતા વાક્ય જેટલું સરળ નથી. છંદોલય પ્રમાણે યોજાયેલો વિશિષ્ટ પદવિન્યાસ એ શબ્દભાર કે કાકુને યથાર્થપણે પામવામાં જ્યાં સહાયક બનતો હોય ત્યાં કોઈ પ્રશ્ન નથી પરંતુ જ્યાં એવી સહાય ન મળતી હોય ત્યાં શું કરવું? ત્યાં પાઠક કાવ્યની પંક્તિને અલગઅલગ શબ્દભાર કે કાકુ સાથે વાંચી જુએ અને કાવ્યના એકંદર ભાવાર્થ સાથે સંવાદી બનતા શબ્દભાર કે કાકુને માન્ય રાખીને અન્યને છોડી દે, એ એક ઉપાય છે. ક્યારેક એક પંક્તિને એક રીતે વાંચતાં પૂર્વાપર પંક્તિઓના સંદર્ભ સહિત તેનો એક અર્થ નીપજે અને એ બંને અર્થો અનુસાર કાવ્યને વાંચી શકાય તેમ હોય ત્યારે કવિના સર્જનકર્મમાં એવી એકથી વધુ શક્યતાઓ અંતર્નિહિત થઈને આવી છે એમ માનવું રહ્યું, અને કાવ્યનું અર્થગ્રહણ એ રીતે કરવું રહ્યું. કાન્તના ચક્રવાકમિથુન'ની આરંભની પંક્તિઓમાં શૈલરાજની ચોપાસ પ્રસરેલી શાખાઓના સ્થળનો તથા સંધ્યાના સમયનો નિર્દેશ થયો છે. એ પછીની એક કડીમાં ફરીથી ગિરિશૃંગોના સ્થળનો તથા વર્ષાૠતુની એક રાત્રિના આરંભકાળનો નિર્દેશ આવે છે, પણ તે વિલક્ષણ રીતનો છે :
“ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ.
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ!
પાસે સામે તમ પ્રસરતાં......'
કથામાં ઘટનાના કથન પૂર્વે કે કથન દરમિયાન તેનાં સ્થળકાળનું વર્ણન જરૂર હોય તે પ્રમાણે મુકાય છે. ક્યારેક આવાં વર્ણનો અત્યંત વીગતપ્રચુર પણ હોય છે. સ્થળકાળ અને ઘટના વચ્ચે કારણકાર્યનો અનિવાર્ય સંબંધ હોય તો એવાં વર્ણનો કથનમાં સમર્પક બને છે. ચક્રવાકયુગલની ઘટનાને નિર્દિષ્ટ સમય સાથે એવો જ કાર્યકારણનો સંબંધ છે, પણ ઉપરની પંક્તિઓ કેવળ સન્નિવેશની રચના કરવા ઉપરાંત, કે કેવળ કારણકાર્યનો સંબંધ દર્શાવવા ઉપરાંત બીજો પણ હેતુ સિદ્ધ કરે છે. ગિરિ અને જલધિ સાગરની સપાટી અને પર્વતની ઉત્તુંગતા કઠણ પથ્થર અને પ્રવાહી જલ – પથ્થરની સ્તબ્ધતા અને જલની ક્ષુબ્ધતા : આ તત્ત્વો વિરોધી હોવા છતાં તેમની વચ્ચે સાર્દશ્યભાવ યોજીને કવિ એક વિચિત્ર વસ્તુસ્થિતિને આકારિત કરે છે. જેમનો મેળ પડે તેમ ન હોય તેમની વચ્ચે મેળ મેળવવાના વૃથા પ્રયત્નમાંથી ઊભો- થતો એક વ્યંગાત્મક તણાવ ત્યાં અનુભવવા મળે છે. એ તણાવમાંનો ભંગ કાવ્યને અંતે સિદ્ધ થનારા કુલ અર્થના પૂર્વસંકેતરૂપ બને છે. સુખ માટેનાં પક્ષીઓનાં ઝાવાં આખરે વંચના માટેનાં ઝાવાં બની રહે છે. વિષમ તત્ત્વો વચ્ચે સામ્ય દેખાડવામાંથી ઊભો થતો વ્યંગ પક્ષીઓના વિષમ ભાગ્યના વ્યંગ રૂપે પરિણત થઈને આખા કાવ્યનો વ્યાપક કુલ અર્થ બની રહે છે. રાવજી ‘આભાસી મૃત્યુના ગીત'માં શૃંગારની પરિભાષામાં કરુણી વાત મૂકીને એક બીજા પ્રકારના વ્યંગથી કાવ્યને સાદ્યંત રસી દે છે. ન્હાનાલાલના વીરની વિદાય'માં શૃંગારરસ અને વી૨૨સ એકબીજામાં ઓતપ્રોત બનીને ચાલે છે. કાવ્યમાં વિવિધ પ્રકારે સિદ્ધ થતા અર્થના આવા ઘનીભાવો પ્રત્યે ભાવકની સંવેદનપટુતા ન હોય તો એ કાવ્યને તેના અર્થગત પૂર્ણ પરિમાણમાં પામી ન શકે. અગાઉ કહ્યું તેમ, વ્યવહારમાં જે સંદર્ભે એકબીજાથી સાવ નોખા રહેતા હોય તેમનાં કવિએ સિદ્ધ કરેલાં સંયોજનોમાંથી ઊભા થતા અર્થોને પામવા જેટલી કુશળતા ભાવકમાં હોવી ઘટે. વ્યવહારની ભાષાની ઉક્તિને સમજવા માટે જેમ સામાન્ય ભાષાકૌશલની અપેક્ષા રહે છે, તેમ કાવ્યગત પ્રોક્તિને તેના પૂરા અર્થગત પરિમાણમાં પામવા માટે વિશિષ્ટ પ્રકારના ભાષાકૌશલની ભાવક પાસે અપેક્ષા રહે છે.
માણસે પોતાના વિચારવિશ્વને વ્યક્ત કરવા માટેના એક સૌથી વધુ કાર્યક્ષમ સાધન તરીકે ભાષાને પ્રયોજી છે, તેથી તે માનવની વિચારણાનાં અને વ્યવહારનાં તમામ ક્ષેત્રોને સ્પર્શે છે. એ બધાં ક્ષેત્રોને લગતાં વિચારવલણો, વિભાવનાઓને વ્યક્ત કરતા શબ્દો ભાષામાં મળી આવે છે. કાવ્યમાં પ્રયોજાતો શબ્દ પોતાની સાથે તેના આ મૂળ અર્થસંકેતોને પૂર્ણપણે કે આંશિક રીતે લઈને આવે છે. એથી ઘણા લોકો કવિતામાંથી કવિતા મેળવવાને બદલે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભો શોધવાનો ઉદ્યમ આચરે છે. માનવજીવનનાં ને માનવવ્યવહારનાં અન્ય ક્ષેત્રોને લગતું વિષયવસ્તુ નિરૂપવાના સાધન કરતાં કવિતાનું કોઈ વિશેષ મૂલ્ય હોય એમ તે લોકો માની શકતા નથી. ભાષાસાહિત્યને એક વિષય (subject) તરીકે શીખવતાં શીખવતાં આપણે જ્યારે તેને એક શિસ્ત (descipline) તરીકે શીખવવાના તબક્કે પહોંચ્યા હોઈએ ત્યારે ભાષાસાહિત્યના અભ્યાસને એનાં આ વધારાનાં વળગણોથી મુક્ત રાખવી જોઈએ. સદીઓથી આપણા વિવેચકોએ કવિતાને શબ્દાર્થના સહિતત્વ તરીકે ઓળખાવી છે. કવિતામાંથી શબ્દ સાથે કે શબ્દ દ્વારા કશોક અર્થ મેળવવાનો હોય છે એ મર્મ આમાંથી સૂચિત થાય છે. અર્થની કોઈને ગમે તેટલી સૂગ હોય તોપણ આ વાત મિથ્યા થતી નથી. કવિતામાં શબ્દ તો પ્રત્યક્ષ હોય છે પણ અર્થને આપણે પ્રત્યક્ષ કરવાનો બાકી રહે છે. અહીં 'અર્થ' દ્વારા કોઈ સીધોસાદો અર્થ ઉદ્દિષ્ટ નથી પણ લૈંગરે કહેલો અંતર્વાહ (import) ઉદ્દિષ્ટ છે. આ અંતર્વાહને પામવા માટે કાવ્યગત શબ્દોએ કાવ્યાંતર્ગત સંદર્ભમાં પોતાના મૂળ અર્થને અનુસરીને કે પોતાના મૂળ અર્થને ચાતરીને જે નવીન મૂલ્ય (value) પ્રાપ્ત કર્યું હોય તેની ઓળખ ભાવકે કેળવવાની રહે છે. આમ કાવ્યના ભાવબોધ અને ભાષાબોધના યુગપત્, પરસ્પરાધીન અવબોધ દ્વારા કાવ્યને સમગ્રપણે પામી શકાય છે. સાહિત્યને એક શિસ્ત તરીકે શીખવતી વખતે બીજા કશાની આળપંપાળમાં પડવાને બદલે ભાવ અને ભાષાના આવા એકાત્મક યુગપત્ બોધ દ્વારા કાવ્યનો સમગ્ર અવબોધ પામવાની ક્ષમતા કેળવવાની નેમ રાખવી જોઈએ, અપૂર્વાનન્ય ભાવતરાહોને અને એવી જ અપૂર્વાનન્ય અભિવ્યક્તિતરાહોને સમ્યગ્પણે અવગત કરવાની કળા કેળવવાની નેમ રાખવી જોઈએ. આપણે વિદ્યાર્થીને કવિ તો ન બનાવી શકીએ પણ અદ્યાપિ સર્જાયેલી કવિતાના ભાષાવૈભવના પરિચયથી ભર્યોભર્યો તો બનાવી શકીએ અને ભાવિ કવિતામાં પ્રયોજાનારી ભાષાભંગિઓના મર્મને ઉકેલવા જેટલી હૈયાઉકલત તો આપી શકીએ.