અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/ગ્રંથાવલોકન, પરંપરા અને પ્રયોગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯
ગ્રંથાવલોકન : પરંપરા અને પ્રયોગ
આચાર્ય શ્રી ગંભીરસિંહ ગોહિલ

The world is to be stormed by poetry, and to be occupied by reviews and albums :` એમ પાશ્ચાત્ય વિચારક બેન્થામે કહ્યું છે. આધુનિક જગતનાં વિચારવલણોના ઘડતરમાં નિર્ણયશક્તિની ખિલવણીમાં અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવામાં ગ્રંથાવલોકને જે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેને ઉવેખી શકાય તેમ નથી. સંસ્કૃતિઓનાં ઘડતર અને પરિવર્તનમાં જ્ઞાન, વિજ્ઞાન અને કલાસર્જનના વાહક તરીકે ગ્રંથો મહત્ત્વના પરિબળરૂપ બની શક્યા છે. આ પરિસ્થિતિ સિદ્ધ કરવામાં એટલે કે ગ્રંથોના પ્રભાવનું પરિમાણ વિસ્તારવામાં ગ્રંથાવલોકનોએ સક્રિય પ્રદાન કરેલું છે. સામાન્ય જીવનને સ્પર્શતા પ્રશ્નોથી માંડીને ઉચ્ચતમ વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક વિષયો પરના ગ્રંથોને તેમનું ઉચિત સ્થાન આપીને અને વ્યાપક સમાજમાં દૃઢમૂલ કરીને ગ્રંથાવલોકનોએ બૌદ્ધિક જગતને સમૃદ્ધ કર્યું છે. ગ્રંથ માનવનો પરમ મિત્ર ગણાયેલ છે. એ દૃષ્ટિએ ગ્રંથાવલોકનને ગ્રંથ અને માનવને જોડનાર સેતુ તરીકે સ્વીકારી શકાય. [1] ગ્રંથ જો પુષ્પ હોય તો તેના પરિમલને પ્રસરાવનાર વાયુ તે ગ્રંથાવલોકન છે. ગ્રંથાવલોકન અંતે તો કૃતિસમીક્ષા છે. કૃતિનાં દલેલને ખુલ્લાં કરી તેના સૌંદર્યને આસ્વાદ્ય બનાવવાનું કાર્ય પણ ગ્રંથાવલોકન કરે છે. ગ્રંથાવલોકન સમકાલીન સાહિત્યનાં સર્જન, આસ્વાદન, વિચારણા, મૂલ્યાંકન, પ્રકાશન, સંશોધન, સંપાદન, ભાષાંતર, પ્રસારણ વગેરે અનેકવિધ ગતિવિધિઓને સક્રિય રાખે છે અને સાહિત્યપોષક આબોહવાના પ્રવર્તનમાં મહત્ત્વનો ફાળો આપે છે. આધુનિક ગ્રંથાવલોકનની પ્રવૃત્તિ સાહિત્યક્ષેત્રે બેત્રણ સદીથી જૂની નથી. ભારતીય સાહિત્યમાં તો તે છેલ્લી દોઢેક સદીમાં જ પ્રવૃત્ત થયેલ છે; પરંતુ એક મૂળભૂત પ્રક્રિયા તરીકે સાહિત્યના આસ્વાદન અને વિવેચનના અંતરાલમાં તે ચાલતી જ રહી હોય એમ માની શકાય. આધુનિક સમયમાં તો બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓનું તે એક આગવું અને ગતિશીલ અંગ બની ગયેલ છે. જી. આલ્ટબૅચ ઉચિત રીતે જ કહે છે : The reviewing of books is an important aspect of the network of relationships that makes for an active and creative intellectual life. [2]

સંજ્ઞાવિચાર

ગ્રંથાવલોકનની પ્રક્રિયા તથા તેની સંજ્ઞા આપણી ભાષાઓમાં અંગ્રેજી સાહિત્યના પ્રભાવ દ્વારા આવેલ છે. તે માટે યોજાતા શબ્દયુગ્મ Book Reviewમાં Review શબ્દ મહત્ત્વનો છે. તે ફ્રેંચ શબ્દમાંથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ફરી ફરીને જોવું તે. આધુનિક અમેરિકન શબ્દપ્રયોગો દર્શાવતા શબ્દકોશમાં આવી નોંધ છે : It may describe a critical article or report, as in a periodical on some literary work, commonly some work of recent apearance; a periodical publication containing articles on current events or affairs, books, art. [3] અહીં દર્શાવ્યું છે તેમ, સામાન્ય રીતે તાજેતરમાં બહાર પડેલા કોઈ સાહિત્યિક ગ્રંથ વિશે લખાયેલ સમીક્ષાત્મક લેખ કે અહેવાલ કોઈ સામયિકમાં પ્રગટ થયેલ હોય તેને અથવા સમસામયિક બનાવ અથવા પ્રસંગ, ગ્રંથ કે કલા વિશેના લેખ પ્રગટ કરતા સામયિક પ્રકાશનને ‘રિવ્યૂ' કહેવામાં આવે છે. રિવ્યૂ કે અવલોકનનું, અહીં થયેલ નિર્દેશ અનુસાર, બંને રીતે મહત્ત્વ છે. ગ્રંથાવલોકન તાજા બહાર પડેલ સાહિત્યિક ગ્રંથ વિશે સમીક્ષાત્મક લેખ કે અહેવાલ હોય જે કોઈ સામયિક પ્રકાશનમાં પ્રકાશિત થયેલ હોય. આગળના સમયે બહાર પડેલ પુસ્તકો વિશેના અભ્યાસ કે નવા પુસ્તક વિશે સીધા ગ્રંથ રૂપે પ્રગટ થયેલા લખાણને આ દૃષ્ટિએ ગ્રંથાવલોકન કહી શકાય નહિ. ગ્રંથાવલોકનમાં Review શબ્દ છે તેનો આવો અર્થ તે જ નામે ઓળખાતાં ૧૯મી સદીનાં સુપ્રસિદ્ધ સામયિકો પરથી મળેલો છે. ‘ક્વાર્ટરલી રિવ્યૂ', ‘એડિનબર્ગ રિવ્યૂ’ વગેરે સામયિકો ૧૯મી સદીના આરંભે ઇંગ્લૅન્ડમાં પ્રગટ થવા લાગ્યાં તેમાં તાજેતરનાં બનાવો, પ્રસંગો, પુસ્તકો, કલા વગેરે વિશે વિચારણા કરતા લેખો પ્રગટ થતા હતા અને એવાં સામયિકો ‘રિવ્યૂ’ તરીકે ઓળખાતાં હતાં. પુસ્તકોની સમીક્ષાઓને તેમાં આગળ પડતું સ્થાન મળતું હતું. રિવ્યૂ સામયિકો માટે યોજાતો આ શબ્દ ક્રમે ક્રમે ગ્રંથાવલોકનની સંલગ્ન પ્રવૃત્તિ માટે Book Review તરીકે પ્રચલિત થતો ગયો. આજે ‘રિવ્યૂ’ શબ્દ ગ્રંથ ઉપરાંત નાટક, સંગીત, નૃત્ય, ચિત્ર, પ્રદર્શન વગેરે અંગેની સમસામયિક વિચારણા માટે તો યોજાય જ છે; પરંતુ ગ્રંથાવલોકન પણ સાહિત્યવિવેચન, પત્રકારત્વ, ગ્રંથાલયવિજ્ઞાન, સંશોધન-શિક્ષણ-પ્રકાશન-પ્રસારણ વગેરે બહુવિધ ક્ષેત્રો સાથે સંકળાઈને પોતાનું આગવું વિશ્વ સ્થાપિત કરી ચૂકેલ છે. Review શબ્દસંજ્ઞાને ગુજરાતીમાં સમજાવતાં ‘આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ'માં જણાવાયું છે : “સાહિત્યિક કૃતિની ગુણવત્તા પ્રસ્થાપિત કરી આપતો ટૂંકો આલેખ. આ પ્રકારે લખાતા આસ્વાદમૂલક લેખોમાં વિવેચનલેખ જેટલું ઊંડાણ હોતું નથી. સાહિત્યકૃતિ ઉપરાંત ફિલ્મ, નાટક વગેરેનાં અવલોકનો પણ થાય છે.” [4] આ જ સંદર્ભગ્રંથમાં ગ્રંથાવલોકનને ‘પુસ્તકાવલોકન’ કે ‘પુસ્તક પરિચય' તરીકે ઓળખાવી Book Reviewની સંજ્ઞા સમજાવતાં વીગતે સમજ આપવામાં આવી છે : ‘પુસ્તકને તોળીજોખીને મૂલ્યાંકન કરી એને વિશે અભિપ્રાય આપતો વિવેચનનો એક પ્રકાર. પુસ્તકાવલોકનનો મુખ્ય હેતુ પુસ્તકના ગુણદોષ ચર્ચાને કાળજીપૂર્વક એને વિશે વિવેક કરવાનો છે. પુસ્તકાવલોકન કેટલીક વાર અહેવાલ પદ્ધતિએ જાહેરાત રૂપે લખાયેલું હોય છે, કેટલીક વાર પુસ્તકમાં હેતુ, શૈલી અને વિષયને અનુલક્ષીને વિવેચનાત્મક રીતે લખાયેલું હોય છે; કેટલીક વાર પુસ્તકનું ‘સ્પ્રિંગબોર્ડ અવલોકન' થતું હોય છે, જેમાં અવલોકનકાર પુસ્તકને આરંભબિંદુ તરીકે સ્વીકારી પોતાને અનુકૂળ હોય એમ એ નિમિત્તે ઊહાપોહ કરતો હોય છે. [5] ‘બુક રિવ્યૂ' માટે ગુજરાતી ભાષામાં છેલ્લાં સવાસો-દોઢસો વર્ષથી જુદા જુદા પર્યાયો યોજાયા છે. કવિ નર્મદે તેને તથા વિવેચન સમસ્તને ટીકા વિદ્યા' એવું નામ આપવા પ્રયત્ન કરેલ. નવલરામ મોટે ભાગે પુસ્તક અંગે લખતાં પણ ‘વિવેચન' શબ્દનો ઉપયોગ કરે છે પણ ક્યાંક ‘ગ્રંથાવલોકન’ એવો શબ્દપ્રયોગ પણ કરે છે ખરા. મણિલાલ નભુભાઈ ‘અવલોકન' અને ‘ગ્રંથાવલોકન’ બંને શબ્દો યોજે છે. નરસિંહરાવ ‘ગ્રંથાવલોકન’ અને ‘ગ્રંથપરિચય’ એ બંને શબ્દોનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ‘ગ્રંથસમીક્ષા’, ‘પુસ્તક- સમીક્ષા', ‘પુસ્તક-પરિચય', ‘પુસ્તકાવલોકન' વગેરે શબ્દો યોજાતા રહ્યા છે. આ બધા પર્યાયો વચ્ચે કોઈ અર્થભેદ દર્શાવાતો જણાયો નથી; પરંતુ ઉપરની ચર્ચામાં માત્ર સામયિકમાં છપાયેલ હોય, તરતમાં લખાયેલ હોય વગેરે મર્યાદાઓ બંધાઈ છે. તે અંગે વધુ સૂક્ષ્મતાથી અને મોકળાશપૂર્વકનો અર્થ આપવા પ્રયાસ થયો છે ખરો. ઑક્સફર્ડના પ્રતિષ્ઠિત શબ્દકોશમાં Reviewનો અર્થ આપતાં જણાવાયું છે : A general account of criticism of a literary work (esp. a new or recent one) either published seperately or, more usually, as an article in a periodical or newspaper. [6] અહીં કેટલીક ઝીણી મર્યાદાઓને વેગળી રાખવાની સભાનતા જણાય છે. સાહિત્યકૃતિ નવી કે તરત બહાર પડેલી હોય તે અપેક્ષિત છે, પણ અનિવાર્ય નહીં. તેનું ગ્રંથાવલોકન સામયિકમાં બહાર પડ્યું હોય તેવું અપેક્ષિત ખરું, પણ અલગ રીતે પણ પ્રગટ થયું હોય તો બાકાત રાખવાનું જરૂરી નહીં. વળી સામયિક અથવા અખબારમાં પ્રગટ થયેલ હોય તેવા ભેદને પણ સ્પષ્ટ કર્યો છે. આ ઉપરાંત ગ્રંથાવલોકન એ કેવળ સાહિત્યવિવેચનનો જ એક પ્રકાર છે કે અખબારી લેખ છે કે સ્વતંત્ર સાહિત્યપ્રકાર છે તે અંગે પણ ચર્ચાને અવકાશ છે. ગ્રંથાવલોકનમાં શું અપેક્ષિત છે તે તો કેટલેક અંશે સૂચિત થઈ ગયેલ છે, પરંતુ તેને સાહિત્યવિવેચનથી અલગ કરી પત્રકારત્વના એક અંગ તરીકે સ્વીકારવા જતાં કઈ બાબતો તેમાં સમાવેશ ન પામે તેના વિશે નિર્દેશો થયા છે. તે અંગે પણ વિચારણા થઈ શકે. ગ્રંથાવલોકનનું આજનું સ્વરૂપ અનેક રીતનાં પ્રભાવો, આવશ્યકતાઓ અને પ્રયોગોનું પરિણામ છે. તેની અનેકવિધ શક્યતાઓ પણ ધ્યાનમાં રાખવી ઘટે. રેડિયો, ટી.વી., વીડિયો વગેરેમાં પણ પુસ્તકોનાં અવલોકનોને સ્થાન મળતાં તેનું પરિમાણ વિસ્તર્યું છે અને તેમાંથી નવી સંભાવનાઓ પ્રગટ થવાની શક્યતાઓ ઊભી થઈ છે. પાશ્ચાત્ય જગતમાં અને પછી ભારતમાં ગ્રંથાવલોકન સાહિત્યિક પત્રકારત્વના એક અંગ તરીકે વિકાસ પામ્યું છે. સાહિત્યિક પત્રકારત્વને વ્યાપક અર્થમાં સમજીએ તો આધુનિક જગતમાં સમસામયિક વિચારણાઓનો આરંભ થયો તેનું માધ્યમ તે બનેલ છે. યુરોપમાં પંદરમી સદીમાં છાપખાનાં શરૂ થયાં અને ૧૬મી સદીમાં ગ્રંથપ્રકાશન તેમ જ ગ્રંથાલયોનો વ્યવસ્થિત સૂત્રપાત થયો જેના અનુસંધાને સત્તરમી સદીમાં પત્રકારત્વનો આરંભ થયો. [7] અંગ્રેજીમાં અઢારમી સદીના આરંભે ડેનિયલ ડીફોના ધ રિવ્યૂ' (૧૭૦૪), રિચાર્ડ સ્ટીલનાં ‘ધ ટેટલ૨' (૧૭૦૯) અને ધ ગાર્ડિયન' (૧૭૧૩) તેમ જ જૉસેફ એડિસનના ધ સ્પેકટેટર' (૧૭૧૧) જેવાં સામયિકોએ પત્રકારત્વમાં સાહિત્યિકતાની આબોહવા રચી આપી, લલિત નિબંધનો આરંભ થયો અને સર્જનાત્મક કૃતિઓ આ મેગેઝિનોમાં પ્રગટ થવા લાગી. આથી અઢારમી સદી સાહિત્યિક મેગેઝિનોના વિકાસ તેમ જ સ્થિરતાનો સમય ગણાયો; પરંતુ સાહિત્યિક ચર્ચા વિચારણા અને ગ્રંથસમીક્ષાનો તબક્કો ઓગણીસમી સદીના આરંભે શરૂ થયો જે ‘રિવ્યૂ’ તરીકે ઓળખાતાં સાહિત્યચર્ચાનાં વિચારપત્રોનો સમૃદ્ધ તેમ જ પ્રભાવપૂર્ણ યુગવિશેષ બની રહ્યો. [8] અઢારમી અને ઓગણીસમી સદીનો સમય સાહિત્યસર્જન અને તે અંગેની વિચારણા માટેનો ઘણો ફળદ્રુપ અને વિકાસોન્મુખ તબક્કો હતો. તે સમયના બ્રિટિશ સમાજજીવન અને સાહિત્યના પ્રવાહોના અભ્યાસીને એ અજાણ્યું નથી કે તે ગાળાના સામાજિકોએ સાહિત્યવિચારણા અને ગ્રંથાવલોકનને ભારે મોટું મહત્ત્વ આપીને બૌદ્ધિક સજાગતા અને સાહિત્યિક સક્રિયતા જન્માવી હતી. ‘એડિનબર્ગ રિવ્યૂ’ (૧૮૦૨), ‘ક્વાર્ટર્લી રિવ્યૂ’ (૧૮૦૯), ‘બ્લૅકવુડ્સ મેગેઝિન’ (૧૮૧૭), ‘લંડન મેગેઝિન' (૧૮૨૦), ‘વેસ્ટમિન્સ્ટર રિવ્યૂ' (૧૮૨૪), ‘જેન્ટલમેન્સ મેગેઝિન' (૧૭૩૧), અમેરિકાનું ‘નૉર્થ અમેરિકન રિવ્યૂ’ (૧૮૧૫) વગેરે સામયિકોએ આગવા ઇતિહાસો રચ્યા છે તે જાણીતું છે. આમાંથી ‘એડિનબર્ગ રિવ્યૂ', ‘ક્વાર્ટર્લી રિવ્યૂ', ‘બ્લૅકવુડ્ઝ મેગેઝિન' અને ‘લંડન મેગેઝિન' એ ચાર મુખ્ય છે. તે સૌએ સારું કાર્ય કરેલ હોવા છતાં તેમાં કેટલોક પ્રકારભેદ છે. આમાંનાં સામયિકોમાં સર્જનાત્મક કૃતિઓ, નિબંધો, ગ્રંથાવલોકન વગેરેને સ્થાન આપવામાં આવતું હતું. આ સામયિકો સામાન્ય રીતે મનોરંજક અભિગમ ધરાવતાં હતાં. જ્યારે રિવ્યૂ પ્રકારનાં સામયિકો ખરેખર તો સાહિત્યિક વિચારપત્રો હતાં. ગ્રંથોનો પરિચય અને તેમના અંગેની વિચારણા તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. તેમના દ્વારા ગ્રંથાવલોકનની પ્રક્રિયાને મળેલું પ્રોત્સાહન યાદગાર બની રહ્યું. આ સામયિકોના તંત્રીઓ અને લેખકોમાં મોટા ભાગના ઉચ્ચ કક્ષાના સાહિત્યકારો હતા; તેમ છતાં તેની સાથે એક યા બીજા પ્રકારનું રાજકારણ પણ સંકળાયેલું રહેતું હતું. બ્રિટિશ રાજકારણના ટોરી અને વ્હિગ એ બે મુખ્ય પક્ષો, સામાજિક સુધારા, ધાર્મિક પ્રશ્નો વગેરે બાબતો તેની વિચારણાઓમાં ક્યાંક અને ક્યાંક જોડાઈ જતી. તેમાં પ્રકાશકોના હિતસંબંધો પણ પ્રવેશતા. આથી આ સામયિકોને સંઘર્ષનો સામનો કરવો પડતો હતો અને તે સાથે પ્રજાજીવનમાં તેમનું મહત્ત્વ ઘણું ઊંચું અંકાતું હતું. આ સામયિકોમાંના ઘણાની પ્રતિષ્ઠા અને પ્રભાવ સ્વયં બ્રિટિશ પાર્લામેન્ટ જેટલાં ઊંચાં હતાં. ‘એડિનબર્ગ રિવ્યૂ'ના તંત્રીસ્થાને કોની નિમણૂક થાય તે પ્રશ્ન વડાપ્રધાન કોણ બને તેના જેટલી અગત્ય ધરાવતો હતો. [9] કાર્લાઇલ તો તેનું મહત્ત્વ આવા શબ્દોમાં દર્શાવે છે : ‘A kind of Delphic oracle, and voice of the inspired for great majorities of what is called the intelligent public. [10]

૧૦

રિવ્યૂ સામયિકોની વિષયનિરૂપણની રીતિનીતિ વિલક્ષણ હતી. ઘણી વાર કોઈ એક પુસ્તકના અવલોકનના આધારે સુદીર્ઘ લેખ લખવામાં આવતો. કોઈ વાર પુસ્તક માત્ર નિમિત્ત બની રહેતું. પુસ્તકનો ઉલ્લેખ માત્ર કરીને લેખક પોતાની જાણકારી અથવા વિચારવલણ રજૂ કરવા લાગી જતા. ટી. બી. મૅકોલેના વૉરન હેસ્ટિંગ્ઝ વિશેનો લેખ પ્રસિદ્ધ છે; પણ જે પુસ્તકના રિવ્યૂ તરીકે આ નિબંધ લખાયો તેનો તો ઉલ્લેખ માત્ર થયો છે. તે પછી તરત જ મૅકોલે વૉરન હેસ્ટિંગ્ઝની વિવેચનાત્મક જીવનકથા પોતે લખવા લાગી જાય છે. વિલ્સન ક્રોકરે બોઝવેલ લિખિત ડૉ. જોહ્નસનની જીવનકથાનું સંપાદન કરી પ્રકાશિત કરેલ. મૅકોલેએ આ સંપાદનનાં તો છોતરાં ઉડાવી દીધાં, પણ તેનાથી આગળ ચાલીને ગ્રંથાવલોકનના બદલે ડૉ. જોહ્નસનનો વિવેચનાત્મક અભ્યાસ રજૂ કરી દીધો. મૅકોલેને જ્યારે કોઈ નહોતું ઓળખતું ત્યારે તેમણે પ્રથમ વખત ‘એડિનબર્ગ રિવ્યૂ'ના અંકોમાં મિલ્ટનનું સુદીર્ઘ જીવનચરિત્ર પ્રગટ કર્યું. આ ચરિત્રગ્રંથના પ્રકાશન સાથે મૅકોલેને રાતોરાત બહોળી પ્રસિદ્ધ મળી ગઈ. જેન ઓસ્ટીનની નવલકથા ‘એમ્મા' વિશે સર વૉલ્ટરે સ્કોટે ‘ક્વાર્ટર્લી રિવ્યૂ'માં પ્રોત્સાહક અવલોકન લખ્યું તે લેખિકા માટે જીવનભરની પ્રેરણારૂપ બની રહ્યું. કીટ્સની કાવ્યકૃતિ ‘એન્ડીમિયન' પ્રગટ થતાં ‘બ્લેકવુડ મેગેઝિન' અને ‘ક્વાર્ટર્લી રિવ્યૂ'માં કડક, નિર્દય અને નાલેશીભર્યાં અવલોકનો છપાયાં. કીટ્સની કાવ્યપ્રતિભાને તેનાથી કશું નુકસાન ન થયું, પણ તેની નબળી તબિયત પર આનો વિપરીત પ્રભાવ પડ્યો અને ઘણાનું અનુમાન છે કે તેનાથી જ તેનું મૃત્યુ ઘણું વહેલું થયું. [11] પશ્ચિમના સાહિત્યમાં ક્રમે ક્રમે ગ્રંથાવલોકન અને સાહિત્યચર્ચાની મુખ્ય જવાબદારી દૈનિક અખબારોએ ઉપાડી લીધી. જોકે ટી. એસ. એલિયટના ‘ક્રાઇટેરિયન’, જે. એમ. મરેના ‘એડેલ્ફી', એફ. આર. લેવિસના ‘સ્ક્રુટિની’, સિરિલ ઓકોનોલીના ‘હોરાઇઝન’ વગેરેએ યુગપ્રવર્તક કામગી૨ી કરી સાહિત્યિવિચારણાને સમૃદ્ધ કરી છે. સામયિકોએ ક્રમે ક્રમે સાહિત્યવિચારણાની ગંભીર પ્રવૃત્તિ કરવાનો રાહ છોડી લલિત સાહિત્યને અગ્રસ્થાન આપી ગૌણ રીતે ગ્રંથાવલોકન વગેરેને સ્થાન આપવાની રસમ શરૂ કરી છે. યુનિવર્સિટીઓ અને સંશોધનસંસ્થાઓનાં જર્નલોમાં વિવેચન અને ગ્રંથાવલોકનને સ્થાન મળે છે, પણ તે વિશાળ વાચકવર્ગને આકર્ષી શકતાં નથી. એટલે તેનું ક્ષેત્ર વિદ્વદ્‌વર્તુળો પૂરતું મર્યાદિત રહે છે. આથી દૈનિકપત્રોએ પોતાની પૂર્તિઓમાં સાહિત્યચર્ચાને સ્થાન આપવા માંડ્યું. સૈનિકોને આ માટે ઘણી સુવિધાઓ આપોઆપ ઉપલબ્ધ હોય છે. પરિણામે અગ્રણી દૈનિકોએ ગ્રંથાવલોકન માટેનાં સપ્લિમેન્ટ આરંભ્યાં જે આજે પણ માતબર કામગીરી કરે છે. લંડનના The Times દ્વારા ઈ. સ. ૧૮૯૭માં સાહિત્યપૂર્તિ શરૂ થયેલી, જે પછીથી The Times Literary Supplementનું રૂપ પામી. નવા પ્રગટતા વિવિધ વિષયો અંગે અધિકારી વિદ્વાનો અને અભ્યાસીઓ દ્વારા તેમાં ગ્રંથાવલોકન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ ઘણી ગંભીર રીતે ચાલે છે. તેમાંનાં ઘણાં અવલોકન સૂક્ષ્મ છણાવટ, ઊંડી વિચારણા અને ઉચ્ચ બૌદ્ધિક અભિગમના કારણે યાદગાર બની રહે તેવાં હોય છે. TLSના ટૂંકા નામથી ઓળખાતી આ અવલોકનપૂર્તિમાં ગ્રંથાવલોકન લખનારનું નામ છપાતું નથી; છતાં તેમાં પ્રગટતાં અવલોકનોનાં પ્રતિષ્ઠા અને પ્રભાવ ઘણાં ઊંચાં હોય છે. અમેરિકામાં આ કક્ષાની ત્રણ દૈનિકોની અવલોકન પૂર્તિઓ ઘણી પ્રસિદ્ધ છે : Saturday Review of ૧૧. ફૂટનોટ ૭ પ્રમાણે, પૃ. ૬૫૧-૫૪. Literature (૧૯૨૪), New York Herold Review (૧૯૨૪માં આરંભ, ૧૯૪૩માં હાલનું નામ અપાયું) અને The New York Times Book Review (૧૯૧૧). આવી અન્ય દૈનિકોની પણ પૂર્તિઓ પ્રગટ થાય છે. અમેરિકન સામયિકોની સરખામણીમાં TLSની સમીક્ષાઓ વધુ સરળ, આધારભૂત અને શાસ્ત્રીયતાવાળી હોય છે. પુસ્તકજગત વિશેની પાર્શ્વભૂમિકા પણ તેની પાસે વધુ સમૃદ્ધ હોય છે. અવલોકનમાં આ પત્રનું વલણ ઘણું તટસ્થ હોય છે. અમેરિકન પત્રોમાં તેના મુકાબલે વધુ હળવાશ હોય છે અને લખાવટમાં અભિવ્યક્તિની વિવિધતાભરી તરાહો પ્રાપ્ત થાય છે. અમેરિકન પત્રોની શૈલીમાં કુશળ શબ્દપસંદગી, અસરકારક શૈલી પ્રયુક્તિઓ અને પ્રસન્ન કરે તેવા વાક્યવળોટ જોવા મળે છે. [12] પાશ્ચાત્ય સાહિત્યમાં ગ્રંથાવલોકનની પ્રવૃત્તિ ઘણી વિકાસ પામી છે. સાહિત્ય ઉપરાંત શિક્ષણ, પત્રકારત્વ, ગ્રંથાલય-વિજ્ઞાન, સંશોધન વગેરે અનેક ક્ષેત્રોમાં ગ્રંથાવલોકનને મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત થયેલું છે અને વિવિધ ગ્રંથોના અવલોકનોની માહિતી સંકલિત કરવાની આવશ્યકતા ઊભી થયેલી છે. જુદાં જુદાં સામયિકોમાં એક જ ગ્રંથ વિશે અલગ અલગ અવલોકનો પ્રસિદ્ધ થયાં હોય છે. તેની નોંધો અને યાદીઓ વિષય, લેખકવાર ગોઠવી પ્રગટ કરાતી હોય છે. અમેરિકાની વિલ્સન ઍન્ડ કંપની આ માટે Book Review Digest નિયમિત રીતે પ્રગટ કરે છે. ફિક્શનનો ગ્રંથ હોય તો ચાર અને અન્ય ગ્રંથનાં ઓછામાં ઓછાં બે અવલોકનો પ્રગટ થયાં હોય તો તેને Book Review Digestમાં સ્થાન આપવામાં આવે છે. વિષય, લેખક, પુસ્તકનામ અનુસાર સામયિકોમાં ગ્રંથાવલોકનનાં નામ ગોઠવીને મૂકવામાં આવે છે. અવલોકન અનુકૂળ, પ્રતિકૂળ કે તટસ્થ હોય તે માટે નિશાની કરી દર્શાવવામાં આવે છે. અવલોકનના ઉતારા પણ અપાય છે. ભારતમાં પણ Indian Press Index દ્વારા Book Review · supplement બહાર પાડવામાં આવે છે. તેમાં આ પ્રકારનું કાર્ય મર્યાદિત રીતે કરવામાં આવે છે. [13] ભારતીય ભાષાઓમાં ગ્રંથાવલોકનોની પ્રવૃત્તિઓ આરંભાઈને વિકસી હોય તેની તપાસ કરવાનું કાર્ય રસપ્રદ નીવડે તેવું છે. અંગ્રેજીમાં રિવ્યૂ કે મેગેઝિન પ્રકારનું પહેલું સામયિક ભારતમાં Oriental Magazine or Calcutta Amusement(૧૭૮૫)ને ગણાવી શકાય; પણ તે વહેલું બંધ પડી ગયું અને તેની પરંપરા ચાલી નહીં. વર્ષો પછી આરંભ પામેલાં Calcutta Review (૧૮૪૪), Hindustan Review (૧૯૦૦), Indian Review (૧૯૦૦), Modern University Press, New York & London, ૧૯૫૦, PP. ૧૧૦-૧૨૧. Review (૧૯૦૭) વગેરેએ ગણનાપાત્ર સાહિત્યિક-કાર્ય કરેલ છે. તેમાંના મોટા ભાગનાં સામયિકોમાં લેખો વગેરે સામગ્રીનો સમાવેશ થતો. [14] મોડર્ન રિવ્યૂ'માં ઘણાં વર્ષો સુધી ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ગુજરાતી પુસ્તકોનાં અવલોકનો અંગ્રેજીમાં લખતા રહેલા.

ગ્રંથાવલોકનઃ સાહિત્યમાં સ્થાન

તાત્ત્વિક દૃષ્ટિએ ગ્રંથાવલોકન એ શુદ્ધ સાહિત્ય-વિવેચનનો એક ઉત્તમ પ્રકાર છે; કેમ કે તેનું કાર્ય કૃતિ વિવેચનનું છે. તે સર્જાતા અને નવા પ્રગટતા સાહિત્ય સાથે સીધું કામ પાડે છે. ‘ગ્રંથ'ના તંત્રી શ્રી યશવંત દોશી તેના પ્રથમ અંકમાં ‘સંસ્કૃતિ અને સપ્લિમેન્ટ” એ લેખમાં ‘ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટ'ના જુલાઈ ૨૬, ૧૯૬૩ના ‘ક્રિટિકલ મોમેન્ટ’ નામના વિશેષ અંકનો ઉલ્લેખ કરતાં લખે છે : “‘ક્રિટિકલ મોમેન્ટ’નો તંત્રીલેખ વિવેચકોના બે પ્રકાર બતાવે છે. એકને એ સાહિત્યિક પત્રકારો (લિટરરી જર્નાલિસ્ટ્સ) કહે છે અને બીજાને લાંબા ગાળાના વિવેચકો (લૉંગ રેઇન્જ ક્રિટિક્સ). લાંબા ગાળાના વિવેચકો વિશે કહે છે કે એ લોકો સાહિત્યના સિદ્ધાંતો ઘડે છે અને શીખવે છે અને અંતે એ લોકો જ વિચારોની એવી આબોહવા સર્જે છે જેમાં અમારા જેવા સાહિત્યિક પત્રકારો કામ કરી શકે...આપણે પણ દૈનિકપત્રોનાં અવલોકનો વિશે લાંબા ગાળાના વિવેચકો જેવી અપેક્ષા રાખવાના બદલે એનું જે મુખ્ય કામ છે તે એ કરી શકે તો સંતોષ માનવો જોઈએ. આ મુખ્ય કામ બેવડું છે : નવાં પુસ્તકો વાચકોના લક્ષ પર લાવવાનું અને વિશાળ વર્ગમાં સારા વાચનની રુચિ ઉત્પન્ન કરવાનું. [15] આ રીતે સાહિત્યચર્ચાની તાત્ત્વિક સ્પષ્ટતા કરવા સાથે ગ્રંથાવલોકનના ઉદ્દેશોને વધુ નક્કર ભૂમિકા પર મૂકવાની જરૂર છે તેમ કોઈને પણ લાગ્યા વિના નહિ રહે; કેમ કે, ગ્રંથાવલોકન પત્રકારત્વનો એક અંશ બનવા છતાં તે શુદ્ધ સાહિત્યવિવેચનનું અંગ છે તે હકીકત નજરઅંદાજ થઈ શકે તેમ નથી. એમ તો ગ્રંથાલય-વિજ્ઞાન ગ્રંથાવલોકનને પુસ્તકપસંદગીના એક સાધન તરીકે જ ખપમાં લે છે. પણ તે છતાં ગ્રંથાવલોકન અંતે તો સાહિત્યવિવેચનનું કાર્ય કરે છે તે ભૂલવાનું નથી. ગ્રંથાવલોકન એક રીતની સાહિત્યવિચારણા હોવા છતાં તેને અનેક ક્ષેત્રો સાથે કામ પાડવાનું હોવાથી તે સાહિત્યિક મૂલ્યાંકનના એકદંડિયા મહેલમાં બેસી રહી શકે નહીં. સામે પક્ષે તે જો નિયત ધોરણો વિના કે મર્યાદાઓ છોડીને કાર્ય કરે તો બંહુવિધ વ્યવધાનોનો સામનો પણ તેણે કરવો જ પડે. અઢારમી-ઓગણીસમી સદીમાં રાજકારણ અને પ્રકાશનનાં ક્ષેત્રોએ ગ્રંથાવલોકનનો દુરુપયોગ કર્યો જ હતો. આજે તેવાં પરિબળો સીધાં નહિ તો પરોક્ષ રીતે કાર્યરત છે જ; બલકે ક્યાંક ખુલ્લી રીતે પણ પોતાનું અસ્તિત્વ પ્રગટ કરે છે. ગ્રંથાવલોકનકાર પણ અંતે ઘણી મર્યાદાઓવાળો માણસ હોવાથી ઘણી ગૂંચવણોમાં સપડાતો હોય છે અને પોતાના કાર્યક્ષેત્રને પણ દોષિતના પિંજરામાં મૂકી દે છે. આથી છેક આરંભકાળથી જ સર્જકો, વિચારકો અને જાણકારો દ્વારા ગ્રંથાવલોકન અને ગ્રંથાવલોકનકારને તુચ્છકારની દૃષ્ટિથી જોવામાં આવે છે. તેમને વારંવાર નિંદવામાં કે તુચ્છકારવામાં પણ આવ્યા છે. ટેનિસને અવલોકનકારોને આ શબ્દોમાં સંબોધ્યા છે : O you indolent reviewers! બાયરને પોતાની એક કૃતિ ‘અવર્સ ઑફ આઇડલનેસ'ના ટીકાપૂર્ણ અવલોકન સામે ‘English bards and scotch reviewers' એ નામથી સુંદર કટાક્ષથી સભર જવાબ વાળ્યો હતો. [16] અવલોકનકારો ઘણી વાર ઊગતી પ્રતિભાને પિછાની શકતા નથી, બિનજરૂરી કટાક્ષોથી કુટિલ હુમલાઓ કરતા હોય છે, જૂથવાદ કે રાજકીય-સામાજિક પક્ષવાદથી પ્રેરાઈને આકરા પ્રહારો કરતા હોય છે, અંગત ગમાઅણગમા કે વેરભાવને અનુસરીને લેખકોને ઉતારી પાડતા હોય છે. તેમની સમીક્ષા સાહિત્યિક ધોરણોને અવગણતી ચાલે છે ત્યારે નિંદાપાત્ર બને છે. સર્જકોની અવલોકનકારો સામે ફરિયાદ હોય છે કે તેમની કૃતિ વાંચ્યા વિના ખોટી રીતે ટીકા કરવામાં આવે છે. ‘The Bangal Tiger નામના પુસ્તકનું અવલોકન કરતાં બંગાળના વાઘો વિશે વિવરણ કરવામાં આવ્યું હતું, જ્યારે હકીકતમાં એ પુસ્તક જીવનકથાત્મક હતું! પુસ્તકનાં વેષ્ટનલેખન, પ્રસ્તાવના, અનુક્રમણિકા વગેરેના આધારે અવલોકન લખી નાંખવામાં આવતાં હોય છે તેના દાખલા શોધવા પડે તેમ નથી. અવલોકનકારોની આ નબળાઈ ઉપર કટાક્ષ કરતું સિડની સ્મિથનું કહેવતરૂપ a book before બની ગયેલું કથન જાણીતું છે : I never read reviewing it, it prejudices a man so. [17] અવલોકનકાર ઘણી મર્યાદાઓથી ઘેરાયેલો હોય છે, અનેક આવરણો તેને નડતાં હોય છે; છતાં ગ્રંથાવલોકનનો વાચકવર્ગ પ્રમાણમાં વિશાળ હોય છે. આથી તેની જવાબદારી વધે છે. આ વાચકવર્ગ વિચારશીલ પણ હોય છે અને ગ્રંથાવલોકનકારના અભિપ્રાયને તેણે એક યા બીજા સંદર્ભમાં ખપમાં લેવાનો હોય છે. આથી ગ્રંથાવલોકનકાર સાહિત્યિક તેમ જ વિવેકશીલતાનાં ધોરણોને અનુસરે તે ઘણું જરૂરી છે. કૉલરિજે તો અંગ્રેજી વિવેચનમાં પણ નિયત ધોરણોના અભાવની ટીકા કરી છે. તે પોતાની આસપાસ કયું પુસ્તક સારું અને કયું ખરાબ તે જાણવા ઇચ્છનારા લેભાગુ લોકોના ઘેરાથી કંટાળતો હતો. તે પોતે દરેક કૃતિના આદરપૂર્વકના પરિશીલન અને વિવેકપૂર્ણ છાનબીનની અપેક્ષા રાખતો હતો. વિચાર્યા વિના સારાનબળાનો નિર્ણય આપવાથી તે વિરુદ્ધ હતો. તે લખે છે : "Reviews are generally pernicious, because the writers determine without deference to fixed principles....... because they teach people rather to judge than to consider, to decide than to reflect. [18] કૉલરિજ સાહિત્યજગતનો ઊંચા દરજ્જાનો વિચારક હતો. તેની ચર્ચામાંથી એવું તારણ નીકળે છે કે ગ્રંથાવલોકન જો સાહિત્યવિવેચનનાં અને શુદ્ધ બુદ્ધિનાં ધોરણોને અવગણે તો તે નુકસાનકારક બની શકે. ગ્રંથાવલોકન દ્વારા સાહિત્ય અને સાહિત્ય-વિવેચનનું ઘણું કાર્ય થયું છે. હવે દૈનિકો, રેડિયો-ટેલિવિઝન, ગ્રંથાલયો અને અનેક સંબંધિત ક્ષેત્રો સાથે સંકળાઈને તે અર્થપૂર્ણ પ્રદાન કરતું રહે તેમ છે. તેની અનેક સંભાવનાઓનો સક્રિયતાથી અને વિવેકપૂર્વક ઉપયોગ થવો ઘટે. ગ્રંથાવલોકનના પ્રકારોઃ સાહિત્યમાં પ્રકારો અને પેટાપ્રકારો અંગે ઘણી ચર્ચાઓ થયેલી છે. કવિતાના ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય વગેરે પ્રકારો નિયત થયેલા છે. તે રીતે ગ્રંથાવલોકન પોતે એક સ્વતંત્ર સાહિત્યપ્રકાર છે કે કેમ અને તેના ચોક્કસ કોઈ પેટાપ્રકારો નિશ્ચિત કરી શકાય કે કેમ તે નિર્ણય કરવાનું સરળ નથી. સામાન્ય દૃષ્ટિએ વિવેચનાત્મક અને પત્રકારી એમ બે પ્રકારો પડી જતા દેખાય છે. [19] કેટલાંક ગ્રંથાવલોકન સાહિત્યિક ધોરણોને અનુસરીને રચનાઓનું ઊંડાણપૂર્વકનું સૂક્ષ્મ પર્યેષક દૃષ્ટિથી વિવેચન કરતાં હોય છે. તેને વિવેચનાત્મક ગ્રંથાવલોકન કહી શકાય. જ્યારે ગ્રંથાવલોકનનો ઘણો મોટો સમૂહ એવો હોય છે જેમાં કૃતિનાં નામ, લેખક, પ્રકાશક, કિંમત, પૃષ્ઠસંખ્યા, વિષય અને પ્રકાર, બાહ્યરૂપરંગ વગેરેની માહિતી, ગ્રંથનો સારાંશ અને તેની ઉપાદેયતાની સંક્ષેપમાં કે વીગતે નોંધ લેવામાં આવી હોય છે. ગ્રંથના સારાનબળા અંશોને પણ દર્શાવ્યા હોય છે ખરા, પણ તેનાં કારણો કે ધારાધોરણ અનુસારનાં તારણો રજૂ થયાં હોતાં નથી. વાચકને તેમાંથી ગ્રવનો ઉપલક પરિચય મળી રહે છે. આવાં ગ્રંથાવલોકન પત્રકારી પ્રકારમાં આવી શકે. ગ્રંથાવલોકનોનું આવું વિભાજન સામાન્ય દૃષ્ટિએ જેટલું સરળ લાગે છે તેટલું હકીકતે નથી. બંનેમાં ગુણલક્ષણો એકબીજામાં પ્રતિબિંબિત થતાં હોય છે. આમ છતાં વિશાળ પ્રામાણ્ય ધરાવતા આવા વિભાજનને ખપમાં લઈ શકાય તેમ છે. ગ્રંથાવલોકનની લખાવટની દૃષ્ટિએ તેના ત્રણ પ્રકારો લક્ષમાં લેવા જેવા છે : [20] એક જ લેખકનું સુદીર્ઘ અને વર્ણનાત્મક ગ્રંથાવલોકન સામાન્યપણે આપણે વાંચતા હોઈએ છીએ. ઉપર દર્શાવ્યા તે વિવેચનાત્મક અને પત્રકારી બંને પ્રકારોનો સમાવેશ આમાં થઈ જાય છે. ગ્રંથાવલોકનની સર્વસામાન્ય ઓળખ આ પ્રકારના આધારે થઈ શકે. બીજો પ્રકાર પા કૉલમથી ઓછા લખાણથી માંડીને બે કૉલમ કે તેનાથી વધારે લંબાઈનાં લખાણ ધરાવતી નોટિસ પ્રગટ થતી હોય છે તેને ગણાવી શકાય. હવે આ નામ બહુ પ્રચલિત નથી પણ આરંભકાળનાં સામયિકો ગ્રંથ વિશેની ગ્રંથનામ, લેખક, પ્રકાશક, કિંમત, પાનાં, વસ્તુ-સારાંશ વગેરે માહિતી રજૂ કરવા આ પ્રકારનો ઉપયોગ કરતા. આજનાં ઘણાં પરિચયાત્મક પ્રકારનાં ગ્રંથાવલોકન આ વર્ગમાં આવે. બે-ત્રણ કે વધારે પુસ્તકો એકસાથે લઈને તેના પર ગ્રંથપરિચયની રીતનો લેખ તૈયાર કરવામાં આવતો હોય છે તેને ત્રીજા પ્રકારમાં મૂકી શકાય. તેને રિવ્યૂ આર્ટિકલ કે ઓમનીબસ રિવ્યૂ કહેવામાં આવે છે. રેડિયો પરના ગ્રંથપરિચય આ વર્ગમાં સ્થાન પામે. દૈનિકમાં આવતી પુસ્તક વિશેની પરિચયનોંધ કે નોટિસ, સામાન્ય મેગેઝિનમાં આવતી ગ્રંથના વિષયવસ્તુની ચર્ચા અને વિષય અંગેનાં વિદ્યભોગ્ય જર્નલમાં નિષ્ણાત લેખકના હાથે પુસ્તકનાં ગુણલક્ષણોની ઊંડી છાનબીન કરતી ચર્ચા : આ બધાં ઉદાહરણો માધ્યમ અનુસાર ગ્રંથાવલોકનની ગુણવત્તા નિયત કરનાર પરિમાણોનાં છે. ગ્રંથાવલોકન કોણ કરે છે, કઈ દૃષ્ટિથી, કઈ પદ્ધતિથી કરે છે તેના આધારે તેની ગુણવત્તા, લખાવટ, લેખનસ્વરૂપ વગેરેમાં તફાવત પડે છે. જૂના સમયમાં પુસ્તકને નિમિત્ત બનાવી પોતાનાં જ્ઞાન, જાણકારી અને સજ્જતા દર્શાવતો સ્વતંત્ર લેખ પણ ગ્રંથાવલોકન તરીકે ઓળખાતો તેવું આજે પણ ન બને તેવું નથી; પણ સમૂહ માધ્યમોના વિકાસના કારણે તેના પર નિયંત્રણો આવ્યાં છે. આમ છતાં આજે પણ ગ્રંથાવલોકનકાર નવલકથાનો કથાવિસ્તાર કે વિચારાત્મક ગ્રંથનો સારાંશ રજૂ કરી દે તે પણ ગ્રંથાવલોકન તરીકે ખપી જાય છે. ઘણી વાર ગ્રંથાવલોકનકાર ગ્રંથને નિમિત્ત બનાવીને પોતાની ઊર્મિઓના ઉદ્ગાર કરવામાં સરી પડે છે. પ્રકાશકોના કે લેખકના હિતસંબંધથી ગ્રંથાવલોકનકાર ગ્રંથની અતિપ્રશંસા કરે કે ગ્રંથમાં જે ગુણ ન હોય તેનું પણ આરોપણ કરે તેવાં ઉદાહરણ અનેક મળશે. ગ્રંથપ્રકાશનના વ્યવસાય તથા તેની સાથેનાં અનેક હિતોના પ્રભાવે વર્તમાન સમયના અવલોકનકારોનું એક સામાન્ય વલણ આવકાર અને પ્રશંસાનું રહ્યું છે. અપ્રિય થઈને બહાર આવવા, કડક આલોચના કરવા બહુ ઉમળકો દેખાતો નથી. છએક દાયકા પહેલાં અમેરિકાનાં પચાસેક શહેરી દૈનિકો/ સામયિકોમાં આવતાં એક વરસમાં પ્રગટ થયેલાં ગ્રંથાવલોકનોનું સર્વેક્ષણ કરાયું હતું. તેમાં જણાયું કે વરસની શ્રેષ્ઠ નવલકથા તરીકે જુદા જુદા અવલોકનકારોએ જે કૃતિઓની પસંદગી કરી હતી તેની સંખ્યા ૧૩૭ થતી હતી! ૨૭ જીવનકથાઓને વરસની શ્રેષ્ઠ જીવનકથા તરીકેનું માન મળ્યું હતું! એમાં એવા પણ વિરોધાભાસો બહાર આવ્યા હતા કે જે લેખકને છેલ્લા દાયકાના ઉત્તમ લેખક તરીકે ગણવામાં આવ્યા હોય તે જ લેખકને અન્ય દ્વારા શિખાઉ તરીકે ઉતારી પાડવામાં આવ્યા હોય! [21] આજે પણ આનાથી જુદી પરિસ્થિતિ છે તેમ શી રીતે કહી શકાય? આવી પરિસ્થિતિમાં ગ્રંથાવલોકનનાં ધોરણો અને પ્રકારો વિશે વિચારણા કરવામાં ઘણી મુશ્કેલીઓ અનુભવવી પડે તે સ્વાભાવિક છે. ગ્રંથાવલોકન ગમે તે પ્રકારમાં સ્થાન પામતું હોય પણ તેની લખાવટ સરળ અને અસરકારક હોવી જોઈએ. તેમાં પ્રાસાદિક ઉત્સાહપ્રેરક નિરીક્ષણોથી માંડીને ગતિશીલ અને વિશ્લેષણાત્મક છણાવટ આવી શકે. ગ્રંથાવલોકન લખનાર અધિકારી વિદ્વાન કે વિષયનો જાણકાર હોય, અધિકારપૂર્વક પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે તેવી તેની ક્ષમતા હોય, વિષય અંગેનાં પ્રકાશનો વિશેની તેની માહિતી અને સજ્જતા સંતોષકારક હોય, ગ્રંથનું ઊંડાણપૂર્વકનું અધ્યયન કરી તેમાંથી સ્વકીય તારણો રજૂ કરી શકે તેવી પર્યેષતા હોય અને સાહિત્ય કે ભાષાની ચર્ચાવિચારણા તેમ જ લેખનનો અનુભવ હોય તે આવશ્યક ગણાય. ગ્રંથાવલોકનકારે પ્રસ્તુત ગ્રંથ સાથે મળતા અન્ય ગ્રંથો સાથે તુલના કરવી ઘટે, પુસ્તકનું મૂલ્યાંકન કરવામાં સર્વગ્રાહિતા સાધવી જોઈએ, ગ્રંથનું મૂલ્યાંકન પૂર્વગ્રહરહિત તટસ્થતાથી થાય અને તેની અભિવ્યક્તિમાં પણ ઉચ્ચ ગુણવત્તા જાળવવામાં આવી હોય તેવી અપેક્ષાઓ સારા ગ્રંથાવલોકન માટે રાખી શકાય. ગુજરાતી ભાષામાં ગ્રંથાવલોકનની પરંપરા સમૃદ્ધ બની ચૂકી છે. તેનો આરંભ. ૧૯મી સદીના મધ્યભાગમાં થયો હતો. અંગ્રેજી રાજ્યઅમલ સ્થાપિત થતાં અંગ્રેજી કેળવણીનો આરંભ (૧૮૨૦) થયો. મુંબઈમાં ઈ.સ. ૧૭૭૮માં પ્રથમ છાપખાનું શરૂ થયું. ઈ.સ. ૧૮૨૨માં પહેલું ગુજરાતી સાપ્તાહિક (પછીથી દૈનિક) ‘મુંબઈ સમાચાર' શરૂ થયું. જ્ઞાનપ્રસારક મંડળી બુદ્ધિપૂર્વક સભા, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, (પછીથી ગુજરાત વિદ્યાસભા) ફાર્બસસભા, ગુજરાતી સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ વગેરે સંસ્થાઓ શરૂ થઈ. ગ્રંથાલયોનો પણ આરંભ થવા લાગ્યો. આ બધાંના પરિણામે ગુજરાતી ભાષામાં ‘સત્યપ્રકાશ’, ‘ડાંડિયો’, ‘બુદ્ધિપ્રકાશ', ‘ગુજરાત શાળાપત્ર', ‘જ્ઞાનસુધા', ‘પ્રિયંવદા’, ‘સુદર્શન’, ‘વસંત', ‘પ્રસ્થાન', ‘સમાલોચક’, ‘ગુજરાતી’, ‘ગુજરાત’, ‘વીસમી સદી', ‘કૌમુદી', ‘કવિલોક', ‘ફા. ગુ. સભા ત્રૈમાસિક’, ‘કૃતિ', ‘નવચેતન’, ‘રે’, ‘માનસી', ‘સંસ્કૃતિ’, ‘સ્ત્રીબોધ’, ‘પ્રજાબંધુ’, ‘રુચિ’, ‘કુમાર’, ‘પરબ', ‘કંકાવટી', ‘ક્ષિતિજ', ‘મનીષા', ‘ઊહાપોહ', ‘એતદ્', ‘પ્રત્યક્ષ', ‘શબ્દસૃષ્ટિ', ‘ઉદ્દેશ', ‘કવિતા', ‘વિદ્યાપીઠ', ‘ગદ્યપર્વ', ‘તાદર્થ્ય’ વગેરે સામયિકોનો આરંભ થયો. છેલ્લી દોઢ સદીમાં વિવિધ તબક્કે આ અને અન્ય ઘણાં સામયિકોએ ગુજરાતી સાહિત્યની ઘણી માતબર સેવા કરેલી છે. તે સાથે આમાંનાં ઘણાં સામયિકોએ ગ્રંથાવલોકનો પ્રગટ કરવાની પરિપાટી સ્થાપિત કરી હતી. દૈનિકોએ પણ સાહિત્યવિભાગો અને પૂર્તિઓમાં ગ્રંથાવલોકન પ્રગટ કરવાનું શરૂ કર્યું. તેના પરિણામે ગુજરાતી સાહિત્યના વિદ્વાનો, વિષયોના નિષ્ણાતો અને પ્રબુદ્ધ નાગરિકોએ ગ્રંથાવલોકનો લખીને આ ક્ષેત્રને સમૃદ્ધ કરેલ છે. ગુજરાતી સાહિત્યના અનેક વિવેચનસંગ્રહોમાં વિદ્વાનોએ લખેલાં ગ્રંથાવલોકન પ્રગટ થયેલાં જોવા મળે છે. ઘણા સંગ્રહોમાં કેવળ ગ્રંથાવલોકન ગ્રંથસ્થ થયેલાં હોય છે. ગુજરાતી સાહિત્ય સભાએ ૧૯૨૯થી વાર્ષિક સમીક્ષાની પરિપાટી શરૂ કરી છે. એક આખાએ વર્ષ દરમ્યાન પ્રગટ થયેલા ગુજરાતી ગ્રંથો નિયત થયેલ એક ગુજરાતી સાહિત્યના વિદ્વાન લેખકને મોકલવામાં આવે અને તે ગ્રંથોની સમીક્ષા લખાઈ જતાં સભા તેનું ગ્રંથ રૂપે પ્રકાશન કરે. આવી વાર્ષિક સમીક્ષામાં સમગ્ર વર્ષ દરમ્યાન પ્રગટ થયેલાં પુસ્તકોનાં ગ્રંથાવલોકન પ્રાપ્ત થાય છે. અનેક મુશ્કેલીઓ અને સમીક્ષકોની અનિયમિતતાઓ છતાં આજે પણ આ કાર્ય ચાલી રહ્યું છે. ૧૯૬૪માં કેવળ ગ્રંથાવલોકન આપનારું માસિક પત્ર ‘ગ્રંથ' મુંબઈના પરિચય ટ્રસ્ટ દ્વારા શ્રી યશવંત દોશીના તંત્રીપદે શરૂ કરવામાં આવ્યું. બે દાયકાથી વધુ સમય સુધી ચાલેલા ગ્રંથ દ્વારા સાહિત્યવિચારણા અને ગ્રંથાવલોકનની આબોહવા જામી શકી. આજે ‘પ્રત્યક્ષ' ત્રૈમાસિક ડૉ. રમણ સોનીના તંત્રીપદે બહાર પડે છે, જેમાં પુસ્તક- સમીક્ષાનું સારું કાર્ય થઈ રહ્યું છે. અઠવાડિકો અને દૈનિકોએ ગુજરાતી સાહિત્યનાં પાનાં, વિભાગો, પૂર્તિઓ વગેરે દ્વારા ગ્રંથાવલોકનને સમૃદ્ધ બનાવેલ છે તેમાં ‘ગુજરાત', ‘પ્રજાબંધુ', ‘મુંબઈ સમાચાર', ‘જન્મભૂમિ', ‘સંદેશ', ‘ગુજરાત સમાચાર’, 'સમકાલીન', ‘ગુજરાતમિત્ર', ‘ફૂલછાબ', ‘જનસત્તા’ વગેરેનો ફાળો નોંધપાત્ર છે. ઝવેરચંદ મેઘાણી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સુરેશ જોષી, ઉમાશંકર જોશી, ચુનીલાલ મડિયા, યશવંત દોશી, ઈશ્વરલાલ દવે, નિરંજન ભગત, કૃષ્ણવીર દીક્ષિત, તખ્તસિંહજી પરમાર વગેરેએ ગ્રંથાવલોકન લખીને જ નહીં, તેને લોકપ્રિય બનાવવા માટે સમર્થ પ્રયાસો કરેલ છે. ગુજરાતી સાહિત્યમાં ગ્રંથાવલોકનનો આરંભ ગદ્યસાહિત્યના આરંભ સાથે જ થયેલો જણાય છે. કવિ દલપતરામ, નર્મદાશંકર અને નવલરામ પંડ્યા આપણા સુધારાયુગ કે નર્મદયુગના આદ્ય આધુનિક ગદ્યકારો ગણાય છે. તે સૌ એક યા બીજી રીતે સામયિકોનાં સંપાદન સાથે પણ જોડાયેલા હતા અને તેમણે સૌએ ગ્રંથાવલોકનો લખીને આ વિશિષ્ટ પરંપરાને સ્થાપિત કરવા સાથે સમૃદ્ધ કરવામાં પણ પ્રદાન કરેલ છે. ઈ.સ. ૧૮૫૫માં દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું તે સાથે જ તેમાં ગ્રંથાવલોકનનો આરંભ થઈ ચૂક્યો જણાય છે. તેમાં લખાણ સાથે લેખકનું નામ લખવાની પ્રથા નહોતી, પરંતુ તેમાંનાં કેટલાંક ગ્રંથાવલોકન દલપતરામે લખ્યાં હોવાનું જણાય છે, જે પુસ્તકપરિચયથી કોઈ વિશેષ મુદ્રા ઉપસાવતાં નથી. કવિ નર્મદે અનેક નવા આરંભો કર્યા છે. તેમાં ગ્રંથાવલોકનનો પણ સમાવેશ થઈ શકે તેમ છે. તેણે ‘ડાંડિયો’, ‘બુદ્ધિવર્ધક ગ્રંથ' વગેરેમાં અવલોકનો લખ્યાં છે જે ‘નર્મગદ્ય'માં ગ્રંથસ્થ થયેલાં છે. તેમાંનાં કેટલાંક ઝીણવટપૂર્વકની તપાસ સાથે લખાયેલાં છે. નર્મદની પોતાની રીતની હળવી મજાક, અડબંગ ટીકાઓ કે પ્રશંસા, આત્મલક્ષી અભિગમ વગેરેના કારણે આજે પણ તેનું વાચન અભ્યાસીઓને ઉત્સુકતા અને રમૂજ પ્રેરે તેવું છે. ગુજરાતી સાહિત્યના આઘ વિવેચક ગણાયેલા નવલરામ પંડ્યાએ ‘ગુજરાત શાળાપત્ર’ના તંત્રીપદ દરમ્યાન લખેલાં અને નવલગ્રંથાવલિ'માં ગ્રંથસ્થ થયેલાં ગ્રંથાવલોકનોએ ગુજરાતી ગ્રંથાવલોકનને તેના આરંભના તબક્કે જ ખૂબ પ્રૌઢ, પરિપક્વ અને સમતોલ સાહિત્યદૃષ્ટિ અને શૈલીના સંસ્કાર આપ્યા. ગ્રંથાવલોકનના આરંભે ક્વચિત્ જે તે સાહિત્યપ્રકારના સ્વરૂપ અને ગ્રંથાવલોકનના આધારોની પણ તેઓ વિવેકપૂર્ણ છણાવટ કરતા. તેમનાં અવલોકનોએ સાહિત્યનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા સાથે વાચકની સમજ કેળવવાનો પણ પ્રયાસ કર્યો. પંડિતયુગમાં મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દીવેટિયા, આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર, કવિ ન્હાનાલાલ, કે. હ. ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, જે. એ. સંજાણા વગેરેએ આ ક્ષેત્રે માતબર પ્રદાન કરેલું છે. મણિલાલ નભુભાઈએ ભારતીય કાવ્યશાસ્ત્રને અનુસરીને અને તેમાં પાશ્ચાત્ય દૃષ્ટિને પણ સમાવી લઈને સંખ્યાબંધ ગ્રંથાવલોકનો લખેલાં છે. તેમનાં અવલોકનોમાં ઊંડી પર્યેષકતા, ઝીણવટભરેલી વિચારણા અને રસદૃષ્ટિનો પરિચય થાય છે. પરંતુ નરસિંહરાવના પાશ્ચાત્ય શૈલીનાં ઊર્મિકાવ્યોને તેઓ ઉમળકા સાથે આવકારી શક્યા નહીં. નરસિંહરાવે કાવ્યસૌંદર્યના ભાવબોધ સાથે અતિશય ઝીણવટથી ઘણાં પ્રસ્તારી છતાં વિદ્વત્તાપૂર્ણ ગ્રંથાવલોકનો લખ્યાં છે. ૨મણભાઈ નીલકંઠના ગ્રંથાવલોકનોમાં વિદ્વત્તા ખરી; પણ ઊંડાણ અને પ્રમાણભાન ઘણે અંશે ખૂટતાં જણાય છે. આનંદશંકર ધ્રુવના પ્રગાઢ પાંડિત્ય, સૂક્ષ્મ રસદૃષ્ટિ અને સહૃદયતાએ ગ્રંથાવલોકનોનો સ્તર ઊંચો જાળવ્યો છે; પરંતુ વિષયાન્તર અને પ્રાસંગિકતાના હિસાબે ઉત્તમ સુરેખ ગ્રંથાવલકનો તેમની પાસેથી ઓછાં મળ્યાં છે. કવિ ન્હાનાલાલે તેમનાં ગ્રંથાવલોકનોમાં કાવ્યસૌંદર્યની ઝાંખી કરાવવા પ્રયાસ કરેલ છે; પરંતુ તેમાં તટસ્થતા અને સમતોલ સાહિત્યવિચારણા ખૂટતાં જણાવ્યાં છે. બળવંતરાય ઠાકોરે સાહિત્યનું સુપેરે મૂલ્યાંકન કરવામાં તેમનાં અવલોકનો દ્વારા ઉચ્ચ સ્તર જાળવ્યો છે. નવા સાહિત્યપ્રવાહોને આવકારવામાં તેમની વિવેકદૃષ્ટિ સજાગ રહી છે. જે. એ. સંજાણાએ સાહિત્યની મુલવણીમાં જણાઈ આવતી મર્યાદાઓ પ્રત્યે નિર્મમતાપૂર્વક આક્રોશ રજૂ કરી ઉચ્ચ પાંડિત્ય અને સ્વતંત્ર મિજાજનો પરિચય કરાવ્યો છે. કે. હ ધ્રુવે મધ્યકાલીન સાહિત્યનું મૂલ્યાંકન કરવામાં ઊંડી સૂઝ અને રસદૃષ્ટિ વ્યક્ત કર્યાં છે. કૃષ્ણલાલ ઝવેરીએ સંખ્યાબંધ અવલોકનો અને તે પણ મુખ્યત્વે અંગ્રેજીમાં લખીને ગુજરાતી સાહિત્યસૃષ્ટિનો પરિચયવ્યાપ વધારવા પ્રયાસો કરેલા છે. પંડિતયુગ પછીના સાહિત્યના નવા પ્રવાહોના મૂલ્યાંકન માટે અનુરૂપ આબોહવા જન્માવવાનું કાર્ય વિજયરાય વૈદ્ય, રા. વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિ. મ. ભટ્ટ વગેરે વિવેચકોએ કર્યું. ‘કૌમુદી', ‘માનસી’ વગેરે સાહિત્યિક સામયિકો દ્વારા વિજયરાય વૈદ્યે માર્મિકતા, સ્વતંત્ર અભિગમ અને સાહસપૂર્ણ અભિપ્રાયકથન વડે નવા આવિષ્કારો તથા પ્રશિષ્ટ કૃતિઓની માવજત કરી. રા. વિ. પાઠકે ઊંડી કાવ્યસૂઝ, તાજગીભરી સ્પષ્ટ સાહિત્યદૃષ્ટિ અને સમભાવપૂર્વકના વિશ્લેષણથી ગ્રંથાવલોકન-સાહિત્યને સમૃદ્ધ કર્યું. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનાં કૌતુકરાગી અભિગમ, સાહિત્યસર્જનની સાહજિક પરખ અને ભાવપૂર્ણ નિરીક્ષણના કારણે તેમની પાસેથી સુંદર ગ્રંથાવલોકનો મળ્યાં. વિશ્વનાથ મ. ભટ્ટે અભ્યાસપૂર્ણ અને સ્પષ્ટવાદી અવલોકનો આપ્યાં. રામપ્રસાદ બક્ષીએ ભારતીય સાહિત્યમીમાંસાના પરામર્શ સાથે આધુનિક સાહિત્યસર્જનની સહૃદયતાપૂર્વક મીમાંસા કરી. ઝવેરચંદ મેઘાણીએ ‘જન્મભૂમિ’ના ‘કલમ અને કિતાબ' વિભાગ દ્વારા સાહિત્ય-પદાર્થ માટેની ખેવના, ઉષ્માપૂર્ણ અભિગમ અને બળકટ વાણી સાથે ગ્રંથાવલોકનો લખીને વ્યાપક વાચકવર્ગને સાહિત્યમાં રસ લેતો કર્યો. ઉમાશંકર જોશીનાં ગ્રંથાવલોકનો એક આગવું વિશ્વ રચી ગયાં છે. સમ્યક્ સાહિત્યદૃષ્ટિ, ઐતિહાસિક સંદર્ભની સજાગતા, વિવેકપૂર્ણ સૌજન્ય અને સદાજાગૃત કલાપરકતાથી તેમણે ગુજરાતી સાહિત્યની સર્જકતા અને વિચારણાને ચાર દાયકા સુધી કસી કસીને મૂલવી છે. નગીનદાસ પારેખનાં વસ્તુપરક અને ઝીણવટભરેલાં અવલોકનોએ તેમના તખલ્લુસ ‘ગ્રંથકીટ'ને સાર્થક કરેલ છે. સુન્દરમ્, ગુલાબદાસ બ્રોકર, મનસુખલાલ ઝવેરી, જયંતી દલાલ, શિવકુમાર જોષી, ચંદ્રકાંત બક્ષી, ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી, યશવન્ત દોશી, રમણલાલ જોષી, નિરંજન ભગત, ચિમનભાઈ ત્રિવેદી, અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, જયંત કોઠારી, જયંત પાઠક, ઉશનસ્, યશવંત શુક્લ, ચુનીલાલ મડિયા વગેરેએ ગ્રંથાવલોકન ક્ષેત્રે એકએકથી આગવું અને સમર્થ કાર્ય કરેલું છે. દૈનિકોના વિભાગો, સામયિકોમાં અપાતાં અવલોકનો, વાર્ષિક સમીક્ષા, સભાઓમાં તેમ જ રેડિયો પર અપાતા ગ્રંથપરિચયોએ ઉપર નિર્દેશેલ તથા અન્ય સાહિત્યસેવાઓને સાહિત્યવિમર્શ માટે સતત ભૂમિકા પૂરી પાડી છે. સુરેશ જોષીએ ‘ક્ષિતિજ', ‘મનીષા', ‘ઊહાપોહ’, ‘એતદ્’ વગેરે સામયિકો દ્વારા સાહિત્યસર્જનને બહુવિધ રીતે ગતિશીલ રાખ્યું છે; પરંતુ આ બધાં તથા અન્ય સામયિકોમાં પ્રગટ થતાં રહેલાં ગ્રંથાવલોકનોએ સાહિત્યજગતનો મિજાજ બદલવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. ગુજરાતી સાહિત્યનાં ઘણાં સામયિકો સાહિત્યિક પ્રક્રિયાઓના વિકાસ માટે આંદોલનરૂપ બની રહ્યાં. એથીયે આગળ જઈને કહી શકીએ કે સુરેશ જોષી તેમની વિવિધરંગી પ્રવૃત્તિઓ દ્વારા પોતે જ સાહિત્યજગતના આંદોલનરૂપ બની રહ્યા. તેમાં એક ગતિશીલ તંતુ તરીકે ગ્રંથાવલોકનોએ આગવું અર્પણ કર્યું છે. સુરેશ જોષીએ પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા પરામર્શ, સાહિત્યિક મૂલ્યાંકનની અભિનવ દૃષ્ટિ, સર્જનાત્મક આકૃતિવિધાનને પરખવાની સૂઝ તથા નવીન આવિષ્કારોને સ્થિર કરવાની માવજત દ્વારા યાદગાર બની રહે તેવાં ગ્રંથાવલોકનો આપ્યાં છે. તેમના ઉપરાંત રાધેશ્યામ શર્મા, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રસિક ઝવેરી, જયંત પારેખ, સુમન શાહ, ચિનુ મોદી, સુરેશ દલાલ, મધુસૂદન પારેખ, મંજુ ઝવેરી, ધીરુ પરીખ, પ્રબોધ પરીખ, દિલાવરસિંહ જાડેજા, જયંત ગાડીત, પ્રમોદકુમાર પટેલ, ચંદ્રકાન્ત શેઠ, ચંદ્રકાન્ત ટોપીવાળા, રમણ સોની, જશવંત શેખડીવાલા, શિરીષ પંચાલ તથા અન્ય ઘણા લેખકોએ ગ્રંથાવલોકનના સાહિત્યજગતને ભર્યું ભર્યું બનાવ્યું છે. ગુજરાતી સાહિત્યનું એ સદ્ભાગ્ય છે કે તેના સાહિત્યિક પત્રકારત્વે અને તેમાં પણ ખાસ કરીને ગ્રંથાવલોકનોએ તેના સાહિત્ય જગતની આબોહવાને જીવંત, ધબકતી અને પમરાટ ભરેલી રાખી છે. ગુજરાતી સાહિત્યના ગ્રંથાવલોકનની કેટલીક લાક્ષણિકતાઓ ભારતભરનાં ભાષાસાહિત્યોમાં આગવું સ્થાન પામી શકે તેમ છે!


સંદર્ભ:

  1. 1 Ion Jack, Oxford History of English Literature : ૧૮૧૫-૧૮૩૨, P. ૪૨૭.
  2. અવતરણ : Indian Book Chronicle, March, ૧૯૭૬, P. ૬૫.
  3. Evans and Evans, Dictionary of Contemporary American ‘Usage'. અવતરણ : M. M. Job, Theory of Book Selection, Sterling Publishers, New Delhi, ૧૯૭૮, P. ૧૨૩.
  4. ચંદ્રકાન્ત ટોપીવાળા, પરેશ નાય ક, હર્ષવદન ત્રિવેદી, ‘આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશ', ગુજરાતી સાહિ ત્ય પરિષ દ, અમદાવાદ, પૃ. ૨૧૫.
  5. એ જ, પૃ. ૩૬.
  6. The Oxford English Dictionary, Vol. VIII, Reprint ૧૯૭૦, Oxford University Press ૧૯૭૦, P. ૬૦૯.
  7. Georage Sampson, 'The Concise Cambridge History of English Literature, second edition, (ELBS) Cambridge University Press, Cambridge, ૧૯૬૫, P. ૯૮-૧૦૧, ૨૨૪-૨૨૯,૩૯૬-૪૦૦.
  8. એ જ, પૃ. ૪૫૨-૬૦ અને ૬૫૧-૫૪.
  9. Ian Jack, ઉપર ફૂટનોટ ૧ પ્રમાણે, પૃ. ૮.
  10. એ જ, પૃ. ૧૦-૧૨.
  11. આવા જ પ્રહારક અને વૈરભાવભર્યાં અવલોકનો તથા લખાણોના અનુસંધાને “ધ લંડન મેગેઝિન'ના પહેલા તંત્રી જોહ્ન સ્કૉટને દ્વંદ્વયુદ્ધમાં ઊતરવું પડ્યું હતું અને તેમાં મરણતોલ ઈજા થતાં આખરે તેનું મૃત્યુ થયું. આવા સંઘર્ષભર્યા અને દુઃખદ પ્રસંગો છતાં આ સામયિ કોએ સાહિત્યિક પ્રવૃત્તિઓ અને ગ્રંથાવલોકનની બાબતમાં ઘણું મોટું પ્રદાન કરેલું છે; કમે કે સમીક્ષાના અભાવ કરતાં ખરાબ સમીક્ષા સારી. આવી ચર્ચાવિ ચારણાઓ સંઘર્ષ વિનાના બંધિયા ર સાહિ ત્યજ ગતની નિષ્ક્રિયતાને છેદે છે અને તાજગીભરી આબોહવા જન્માવે છ.
  12. Helen E. Haines, 'Living with Books', second edition, Colambia
  13. M. M. Job, Theory of Book Selection, Sterling Publishers, New Delhi, P. ૧૩૨.
  14. એ જ, પૃ. ૧૨૫.
  15. યશવંત દોશી, ‘ગ્રંથ', જાન્યુઆરી, ૧૯૬૪, પૃ. ૫.
  16. પાદટીપ ૭ પ્રમાણે, પૃ. ૬૨૬.
  17. A Dictionary of Famous Quotations, ed. Robin Hyman.
  18. અવતરણ અને ચર્ચા : George Watson, "The Literary Critics", Penguin Books Ltd., Baltimore, U.S.A., First Ed. (Reprinted with Revision), ૧૯૬૪, P. ૧૧૪.
  19. પાદટીપ ૧૩ પ્રમાણે, પૃ. ૧૩૦-૧૩૧.
  20. પાદટીપ ૧૨ પ્રમાણે, પૃ. ૧૦૪-૧૦૬.
  21. એ જ, પૃ. ૧૦૨.