અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/થોડોક કાવ્યવિચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. થોડોક કાવ્યવિચાર
ડૉ. ઉપેન્દ્ર છ. પંડ્યા

આપણા ગ્રામજીવનનું – એના ગૃહજીવનનું માધુર્ય અને માંગલ્ય ઋજુ હૃદયથી ગાનાર જે કવિથી આ ધરા ધન્ય બની છે તે સ્થળમાં તેમની પુનિત સ્મૃતિમાં સ્થપાયેલી કૉલેજમાં, ગુજરાતીના અધ્યાપકોના આ ૨૮મા સંમેલનમાં આપ સૌએ જે સદ્ભાવથી મને આ પદ આપ્યું છે તેનું કેટલુંબધું ગૌરવ છે, ‘કેવા કેવા વિદ્વાનોએ આ સ્થાન અલંકૃત કર્યું છે, આપણા આ સંઘની કેવી ઉજ્જ્વલ પરંપરા અવિચ્છિન્ન રહી છે એનો ખ્યાલ કરું છું ત્યારે મેં આ પદ સ્વીકારવામાં સાહસ તો નથી કર્યું – એ વિચારે ક્ષોભસંકોચ પણ અનુભવું છું. છતાં આપનો સૌનો સદ્ભાવ જ મને નભાવી લેશે એ શ્રદ્ધા સાથે આપ સૌ પ્રત્યે અંતરની કૃતજ્ઞતા વ્યક્ત કરી થોડીક કાવ્યચર્ચા આરંભું છું. એ તો આપણને સૌને વિદિત છે કે દૃશ્યમાન ઐહિક જગત કરતાં કાવ્યજગત ઘણું ન્યારું-નિરાળું છે. કવિની સૃષ્ટિ આ જગત સાથે અતિ ગૂઢ અને અતિ ગાઢ રીતે સંકળાયેલી છે; છતાં કવિસૃષ્ટિનું સ્વરૂપ કવિવ્યાપારવૈચિત્ર્યને લીધે ઇહજગત કરતાં કંઈ જુદું જ બની જાય છે. કુન્તકે કહ્યું છે તેમ, આ જગતના પ્રાકૃત અપકર્ષક અંશો કવિના જગતમાં દબાઈ–ઢંકાઈ જાય છે, દૂર થાય છે, વા ઉત્કર્ષક અંશો ઉઠાવ પામે છે. કવિ એના સંવેદનાત્મક વિશ્વની અભિવ્યક્તિ એવી નૂતન ભંગિમાથી કરે છે કે એ સર્જનાત્મક વિશ્વ સહેજે અલોકસામાન્ય બની જાય છે. આ કવિસૃષ્ટિમાં ભાવક પણ બધાં બાધાબંધનોથી મુક્ત બની અ-લૌકિક આનંદ અનુભવે છે, એ જ એની વિશેષતા છે. ભારતીય કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ પાઠકસાહેબે ‘કાવ્યની શક્તિ'માં આ વિશે દ્યોતક ચર્ચા કરી છે. વાસ્તવિક જગતમાં આપણે અન્યૂન રસાનુભવ કરી શકતા નથી, કેમ કે વ્યવહારમાં ઘણાં વ્યવધાનો આપણી આડે આવે છે. એ દર્શાવે છે તેમ, વ્યવહારમાં પરિસ્થિતિ જ આપણને ઘણી વાર શુદ્ધ રૂપે જણાતી નથી. પરિસ્થિતિનો અસ્પષ્ટ સંદર્ભ, એની સાથે સંકળાયેલી વ્યક્તિઓનો આપણો અલ્પ પરિચય, આપણી ઉતાવળ, શંકાકુશંકા, અન્યમનસ્કતા વગેરે આસ્વાદમાં પ્રતિકૂળ બને છે; પણ કાવ્યજગતમાં આપણું સમસ્ત ચિત્ત અવ્યવહિતપણે પ્રવૃત્ત થાય છે. એની સત્યાસત્યતા ભૌતિક દૃષ્ટિથી તપાસવાની હોતી નથી અને તેથી કાવ્યને ઉચિત લાગણી આપણું ચિત્ત અવિકળપણે અનુભવે છે. આવી ઉત્તાનતા કાવ્યજગતમાં સહેજે પ્રકટે છે કેમ કે એમાં પ્રમાતાના પોતાના ગ્રહાગ્રહો ક્યાંય આડા આવતા નથી. પાઠકસાહેબ લખે છે : “કાવ્યાનુભવમાં આવાં વિઘ્નો નથી આવતાં માટે અભિનવગુપ્તપાદ કલાનુભવયોગ્ય બુદ્ધિને અવિઘ્ના સંવિત્ કહે છે. એને જ બીજાઓએ ભગ્નાવરણા ચિત્ કહેલી છે. આ સર્વ વિઘ્નોના મૂળમાં રહેલું ખરું કારણ માણસનું અભિમાન છે. એ અભિમાન જ વૃત્તિઓને કુટિલ કરનાર છે. પાપમૂલ અભિમાન એ સૂત્ર નીતિમાં તેમ જ સત્યશોધન અને સૌંદર્યાનુભવ સર્વમાં એકસરખી રીતે સાચું પડે છે. કાવ્યમાં એ અભિમાન કે અહંકાર ગલિત થઈ જાય છે. (કાવ્યની શક્તિ', પૃ. ૧૭)
અલબત્ત, કાવ્યમાં અહંકાર ઓગળી જાય એટલું જ બસ નથી. તે સાથે સર્વ ચેતનસંસ્કાર ગ્રહણ કરવાની સર્વ શક્તિ જાગરુક જોઈએ. તો જ સાચું તન્મયીભવન થઈ શકે એમ પણ પાઠકસાહેબ સ્પષ્ટ કરે છે. કલાનુભવ કાર્યપર્યવસાયી નથી હોતો જ્યારે વ્યવહારનું સર્વ જ્ઞાન કે અનુભવ કાર્યપર્યવસાયી હોય છે, એમ પણ કાવ્યજગતની વિશેષતા દર્શાવવા કહી શકાય; પણ પાઠકસાહેબને મતે આ ભેદ પણ અહંકારવૃત્તિનું જ પરિણામ છે, કેમ કે “કાર્ય સંકલ્પમૂલક છે અને સંકલ્પની પાછળ અહંકાર રહ્યો છે. આ મુદ્દાનું સમાપન કરતાં એ કહે છે : ‘આ પ્રમાણે કાવ્યનો જે સંસ્કાર પડે તેને ભાવ કે લાગણી કહીએ. તે ભાવને ઝીલનારને ભાવક કહીએ. એ ભાવની સ્ફુરણા એ જ કાવ્યનો આનંદ. ઉપર વ્યવહાર અને કાવ્યનો સંબંધ બતાવ્યો તેથી એવો પ્રશ્ન થાય કે ત્યારે શું વ્યવહારમાં પણ કલાની પેઠે આનંદ આવી શકે? હું માનું છું કે અહંકાર ગલિત કર્યા છતાં સર્વ ચેતનથી કોઈ જાગરુક રહી શકે તો તેને આવો આનંદ થાય. ત્યારે, જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય. ત્યારે કદાચ કાવ્યથી પણ વધારે આનંદ થાય કારણ કે કાવ્યમાં તો માત્ર કાવ્યસૃષ્ટિ પૂરતા જ જાગરુક રહેવાનું છે અને વ્યવહાર તો આ અનંત વિશ્વની સંમુખ આપણને રાખે છે, અર્થાત્ અનંત કાવ્યની સંમુખ રહેવાનું થાય, પણ આ સ્થિતિ હજી માણસની કલ્પનાની છે, તેને સિદ્ધ થઈ નથી, પણ જેટલે અંશે સિદ્ધ હોય તેટલે અંશે માણસને આનંદ મળે. અર્થાત્ કાવ્યાનુભવનો અને વ્યવહારાનુભવનો મુખ્ય ફરક એટલો જ છે કે કાવ્યમાં અહંકાર ગલિત થાય છે. તે સિવાય વ્યવહારની રસદૃષ્ટિ અને કાવ્યની રસદૃષ્ટિ એક જ છે. કાવ્યને માટે સહૃદય જે અધિકાર મેળવે છે તે વ્યવહારના તેમ જ કાવ્યના અનુભવથી મેળવે છે. બંને સૃષ્ટિઓમાં ચૈતન્ય એક જ સરણીએ ઉત્કર્ષ મેળવે છે. (એજન, પૃ. ૨૦)
અહીં પાઠકસાહેબે મૂળ સુધી જઈ અહંકારના વિગલન પર જે ભાર મૂક્યો છે તેમાં એમની સૂઝ દેખાય છે; પણ એ એક જ કારણ પૂરતું ગણાય ખરું? એમનું આ વિધાન પ્રશ્નપરંપરા ઊભી કરે છે : (૧) કાવ્યસૃષ્ટિ અને વ્યવહારસૃષ્ટિ બહુધા એક જ છે? એ બે વચ્ચે કશો ખાસ ભેદ નથી? (૨) કાવ્યસૃષ્ટિના આનંદાનુભવમાં અને વ્યવહારના આનંદાનુભવમાં જે ફરક છે તે કેવળ અહંકારવૃત્તિને જ કારણે છે? (૩) માણસ નિરહં બને તો એને ઐહિક જગતમાં કાવ્યજગતતુલ્ય આનંદાનુભવ થાય? (૪) નિરહં વૃત્તિથી શું જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય? (૫) તેમ નિરહં વૃત્તિથી કાવ્યજગત કરતાં પણ વધારે આનંદ થાય? (૬) નિરહંવૃત્તિજન્ય “આ સ્થિતિ હજી માણસની કલ્પનાની છે, તેને સિદ્ધ થઈ નથી. આમ શાથી ને શી રીતે? કાવ્યજગતને વ્યવહારજગતથી ભિન્ન ગણવાનું ને ન ગણવાનું વલણ ધરાવતી બે પૃથક્ વિચારધારા અસ્તિત્વ ધરાવે છે એ મુજબ કાવ્યજગતને વિભિન્ન ન ગણો તોયે વિશિષ્ટ તો ગણવું પડે; કેમ કે કવિનું જગત કામનાનું નહીં, ભાવનાનું છે; સૌંદર્યનું ને સંવાદનું છે. કવિજગત ઇહજગતથી વિચ્છિન્ન નથી અને તેથી ઇહજગતની રજસ્તમસ્વૃત્તિઓથી આવૃત હોવા છતાંયે, ભટ્ટ નાયક દર્શાવે છે તેમ, સત્ત્વગુણના ઉદ્રેકથી કાવ્યાનુભવ પ્રકાશાનંદમય અને પરમવિશ્રાન્તિરૂપ બને છે. કરુણરૌદ્રભયાનકબીભત્સાદિના સ્થાયિભાવો પણ અહીં રસનીય બની રસત્વને પામે છે. વાસ્તવિક જગતમાં ન્યૂનાધિક અંશે ચૈતન્ય આવરણવશ હોય છે; એમાં માયા-મમતા-મોહ કોઈ ને કોઈ પ્રકારની આસક્તિ, વાસના, લિપ્સા હોય છે; પણ આખું જગત જ આમ જ્યાં પાર્થિવતાથી ખરડાયેલું છે, ત્યાં એકલી આપણી અહંતાનું બંધન જ રસેપ્સાની આડે આવે છે એમ કહેવું કેટલે અંશે યથાર્થ ગણાય? અભિનવ કહે છે તેમ, લૌકિક અનુભવમાત્રમાં ઉત્તરકર્તવ્યતા રહેલી છે. આમ વ્યવહારમાં જ્યાં ચુસ્ત કર્મબંધન છે ત્યાં યત્કિંચિત્ આનંદ મળે તોયે તે રજોટાયેલો હોય એ દેખીતું છે. પણ જો કેવળ અહંતા જ વ્યવધાન હોય તો જે અહંભાવમુક્ત હતા તેમણે બુદ્ધ, ઈસુ, મીરાં, ચંડીદાસ જેવાંએ આ જગતનો કાવ્યસર્દેશ અનુભવ કર્યો છે એમ કહી શકાશે? તો કેટલાક સંતો, સાધકો, ચિંતકો, તત્ત્વજ્ઞોએ આ જગતને દુ:ખદૈન્યભર્યું, છલનારૂપ ગણ્યું હોત ખરું? ‘‘જ્ઞાત્તિ પ્રપદ્યેડહિતનોજમાનામન્ત:સ્થિતો યેન મવયવુ:વા? એ પ્રાર્થના દ્વારા ભાગવતકાર શું સૂચવે છે? સર્વેઽત્ર સુખિન: સત્તુ...સર્વે ભદ્રાણિ પશ્યન્તુ’’ જેવા ૠષિહૃદયના ભાવનાભર્યા ઉદ્ગારો પણ શું સૂચવે છે? આ જગતની દુર્ભેદ્ય વિષમતા જ એથી લક્ષિત થાય છે; નહીં તો કાલિદાસ જેવાએ પણ નીલલોહિત શંભુ મારો પુનર્ભવ ટાળો એમ શા માટે વાંછ્યું હોત? ‘जगत् ग्राव प्रख्य’ જેવા શબ્દોથી અભિનવે આ જગતને પાષાણવત્ શુષ્ક-કઠોર કહ્યું છે એટલે એમાં કાવ્યજગતસદૃશ સૌંદર્ય અને માધુર્યની સંવાદિતાની આશા રાખવી વધુ પડતી લાગે છે. કદાચ યોગીજનોનું દૃષ્ટાંત આપી એમના જેવી મનઃસ્થિતિએ પહોંચવાનો આદર્શ રજૂ કરાય, પણ યોગીજન વિરલ આનંદાનુભવન કરે છે કેમ એ પ્રશ્ન છે; કદાચ એ વિરલ આનંદ અનુભવતો હોય તોયે એ એનું સાધ્ય નથી, તેમ યોગીજનની નિર્વિકલ્પ અવસ્થા અને સવિકલ્પ અવસ્થામાં અનુભવાતો આ જગતનો ખંડિત આનંદ એ બે એક નથી. અને તો પછી આ નામરૂપ ચંચલ જગતમાં નિર ં બનનારને ‘જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય એમ કહેવું કઈ રીતે યુક્તિસંગત બને? सुसुखं बन जीवामि पश्य मे नास्ति किंचन । मिथिलायां प्रदीलायं न मे दधति किंचन ।।” એમ કહેનાર જનક વૈદેહીનો સુવિરલ સુખાનુભવ કાવ્યાનંદની કક્ષાએ શી રીતે આવે? સકલ મિથિલાનગરી બળતી હોય ત્યારેય નિર્મળ વૃત્તિને લીધે જનકરાજાને કંઈ જ દુઃખ ન થાય તે ખરું પણ કયો રાજવી પોતાના પ્રજાજનો ભડકે બળતા હોય ત્યારે અખંડ સુખશાંતિ અનુભવી શકે? કવિજગતમાં જે અમોઘ આકર્ષણ નિષ્પ્રયત્ન અનુભવાય છે તે ગમે તેટલી ચૈતન્યપ્રેરિત જાગરુકતા હોય તોયે આ નિત્યપરિવર્તનશીલ સંસારમાં શી રીતે શક્ય બને? કાવ્યસૃષ્ટિનો આનંદ આપણને ચેતોવિસ્તાર પ્રતિ લઈ જાય છે; હૃદયને સંવેદનસુકોમળ ને પ્રેમાળ બનાવે છે; જ્યારે આ જગતનો અનુભવ તો ક્યારે નિર્વેદ, ગ્લાનિ કે વિરતિ તરફ લઈ જાય તે કહેવાય નહીં. આમ સુખદુઃખાત્મક દ્વંદ્વાત્મક જગતમાં જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય” એ સ્થિતિ જ જો અસંભવિત લાગે તેવી છે, તો એમાંથી ફલિત થતી બીજી અવસ્થા ત્યારે કદાચ કાવ્યથી પણ વધારે આનંદ થાય કેવળ લીલામય તર્ક બની રહે છે. કંઈ નહીં તોયે આવા કોઈ ઐહિક આનંદનું કાવ્યજગતના આનંદ સાથે કંઈ પણ સામ્ય ભાગ્યે જ હોઈ શકે. ‘વક્રોક્તિ’કારે તો એટલે જ કહ્યું છે કે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચતુર્વર્ગના ફલાસ્વાદને પણ અતિક્રમી જતા ચમત્કારનું કાવ્ય નિર્માણ કરે છે. (योऽसौ चतुर्वर्गफलास्वादः प्रकृष्टपुरुषार्थतया सर्वशास्त्रप्रयोजनत्वेन प्रसिद्धः सोऽप्यस्य काव्यामृतचर्वणचमत्कारकलामात्रस्य न कामपि साम्यकलनां कर्तुमर्हति ।) આ તો કાવ્યેતર દૃષ્ટિએ વાત થઈ. પણ કાવ્યસૃષ્ટિવિધાયક શબ્દાર્થનું જે લોકોત્તર ચમત્કારકારિત્વ છે, એની તોલે આવે એવું વાસ્તવિક જગતમાં કંઈ પણ હોઈ શકે ખરું? શબ્દાર્થની સમર્પકતા દ્વારા કવિ સૌંદર્યાતિશયનું નિર્માણ કરી સહૃદયોને જે નિબિડ આનંદાનુભવ કરાવે છે તેને ‘ब्रह्मास्वादसहोदर’ એટલે જ કહ્યો છે ને? શબ્દાર્થશક્તિનું અપાર સામર્થ્ય, તજ્જન્ય સૌંદર્યદ્યુતિમંડિત આ ત્રણેની કાવ્યલોક અને અપૂર્વ આહ્લાદ અથવા આનંદની નિષ્પત્તિ યુગપત્ સ્થિતિ કાવ્યમાં જે અતિશય(excellence)નું નિર્માણ કરે છે તેની વાસ્તવજગતમાં કોઈ સંભાવના જણાતી નથી. કાવ્યમાં આપણું ચિત્ત જાણે ફુવારાના જળની જેમ ઊર્ધ્વારોહણ કરે છે અને અપાર કરુણાભરી દૃષ્ટિથી અતિ કુટિલ અને હીન પાત્ર પ્રત્યે પણ અત્યંત સમભાવથી દ્રવે છે. કાવ્યમાં આપણું ચિત્ત આમ કોઈ અપૂર્વ ઉત્કર્ષ અનુભવે છે ઃ એ માટે પણ પાઠકસાહેબ આપણા અહંકારના વિગલનને જ કારણભૂત ગણતા હોય એમ લાગે છે. એ લખે છેઃ “વ્યવહારમાં કોઈ પણ વિષયની ઉપલબ્ધિ કરતાં મન જાણે અહંકાર સાથે અનુસંધાન રાખી તે વસ્તુને પોતાનામાં સંઘરવા પ્રયત્ન કરે છે; કાવ્યવ્યાપારમાં જાણે મન પોતાની અહંકારગ્રંથિથી છૂટું થઈ વિષયમાં લય પામે છે, જાણે વિષય જ મનનું હરણ કરે છે, માટે આપણે કલામાં ‘મનોહર’ શબ્દ વાપરીએ છીએ. આમ થવાથી વ્યવહારમાં જે ઉન્નત અનુભવો કદી નથી થતા તેવા કાવ્યમાં થાય છે. ચેતનનો કોઈ અપૂર્વ ઉત્કર્ષ કાવ્યમાં અનુભવાય છે.’ (એજન, પૃ.૧૮).
આ કથનમાં પાઠકસાહેબની ઊંડી સૂઝ દેખાય છે, પણ એ માટે કવિવ્યાપારનું ને કવિપ્રતિભાનું જેટલું ગૌરવ થવું ઘટે તેટલું અહીં થયું જણાતું નથી. કવિવ્યાપારને લીધે જ કાવ્યની સૃષ્ટિ વ્યવહારની સૃષ્ટિ કરતાં, યુધિષ્ઠિરના રથની જેમ ચતુરંગુલ ચડિયાતી બની જાય છે. કુંતક કહે છે તેમ, કવિપ્રતિભાથી પરિસ્પંદિત થતા કોઈ વિશેષથી વાસ્તવિક પદાર્થોની પ્રાકૃતતા ઢંકાઈ જાય છે અને તે પદાર્થો કોઈ અપૂર્વ ઉત્કર્ષ પામે છે. કાવ્યસૃષ્ટિમાં ભાવકનો અહંકાર ઓગળે છે એનું અસ્તિત્વ જ રહેતું નથી તેનુંયે પ્રેરક તત્ત્વ તો કવિપ્રતિભાની પ્રભાવકતા છે. જો કવિપ્રતિભાનું સ્ફુરણ મંદ હોય તો ભાવકના અહંત્વ-મમત્વ-પરકીયત્વભાવનું વિગલન થાય નહીં. કાવ્યમાં સાધારણીકરણનું જે મહત્ત્વ છે તે આથી જ છે. ‘સાધારણીકરણ' શબ્દ સ્વરૂપ છે, અર્થાત્ જે સાધારણ નથી તે સાધારણ થાય છે. અહીં ‘સાધારણીકરણ' શબ્દમાં ‘કૃ’ ધાતુનું મહત્ત્વ પણ વીસરવા જેવું નથી. સાધારણીકરણવ્યાપારમાં કવિ સભાનપણે કે કાવ્યવ્યાપારની બહાર જઈને કશું કરતો નથી એ ખરું પણ કવિપ્રતિભાની એ જ ખૂબી છે કે કાવ્યસૃષ્ટિમાં સહૃદયનું અપૂર્વ તન્મયીભવન થાય છે અને તે થતાં જ એના સૌ સહૃદયોના ગ્રહાગ્રહો, અંગત ગમાઅણગમા દૂર થઈ જાય છે, એનું તિરોધાન થાય છે. આ અંગે ભાવકનું કશું ક્રિયાકારિત્વ હોતું નથી એમ પણ નહીં. ભાવકનો વિભાવનવ્યાપાર ચાલતો હોય છે ત્યારે કાવ્યના સંસ્કાર કશી અંગત વિવશતા વિના, ચિત્તની અત્યંત અનુકૂળ અને ઉન્મુખ અવસ્થામાં, એ ઝીલે છે. જો કાવ્યાસ્વાદન સમયે એ પોતાની સભાનતાને વિસારે ન પાડી શકે તો એની આ વ્યગ્રચિત્તતા જ અંતરાયરૂપ બને ને એની ચિત્તવૃત્તિનું સાધારણીભવન થાય નહીં. પરિણામે કાવ્યવિભાવનમાં ‘विगभित वेदान्तर’ અવસ્થા દ્વારા અપૂર્વ માનસસાક્ષાત્કારરૂપ જે પરમાહ્લાદક અનુભવ ભાવકને થાય છે તે એને થાય નહીં. કવિવ્યાપારની વિશેષતા એ છે કે અહંકારગ્રંથિ ઐહિક ભૂમિકાએ તો કોઈ વિરલ વ્યક્તિની દૂર થાય પણ કવિવ્યાપારની ચમત્કારિતાને લીધે સૌ ભાવકો કાવ્યસૃષ્ટિમાં ચિત્તવૃત્તિનું એવું ‘विततसाधारण्य’ અનુભવે છે કે એમનામાંથી સ્વ-પર-મધ્યસ્થ ભાવનો ક્યારે વિલય થયો તેનોયે તન્મયીભવનને લીધે એમને કશો ખ્યાલ રહેતો નથી. આમ ગમે તેવા અભિમાનીની અહંકૃતિને તથા એની સભાનતાને નિરવકાશ કરી મૂકવાનું સામર્થ્ય કવિવ્યાપારમાં છે, જે લૌકિક જીવનમાં ભાગ્યે જ સંભવે છે. વળી વાસ્તવિક સૃષ્ટિમાં અહંકાર લુપ્ત થાય તેથી હૃદયસંવાદ સધાય જ એમ નિરપવાદ કેવી રીતે કહી શકાય? અને હૃદયસંવાદ તો તન્મયીભવનની પૂર્વભૂમિકા છે; એ વિના ભાવની ચર્વણા પણ સંભવતી નથી. તો પછી રસાનુભવ કેવી રીતે થાય? વ્યવહારજીવનમાં જે ભાવાનુભવ આઘાતક, અરુચિકર, અભદ્ર કે અનુચિત લાગે તે કાવ્યના જેવી રસનીયતાને કેવી રીતે પામે એનું રૂપાંતર અવસ્થાંતર – શી રીતે શક્ય બને, તેમ એની કોઈ પ્રક્રિયા હોય તો તે શી છે, એ કશું પાઠકસાહેબે સ્પષ્ટ કર્યું નથી એટલે એમનો આ અંગત અભિપ્રાય જ બની રહે છે. વસ્તુતઃ કાવ્યમાં વ્યવહારસૃષ્ટિનું રૂપાંતર થાય છે તેથી શોકક્રોધભયજુગુપ્સા જેવા સ્થાયિભૂત ભાવ ૨સનીયત્વને પામે છે. એટલે જ અભિનવે સ્થાયિવિજ્ઞક્ષનો રસ:' એમ કહેલું છે. હવે બીજો મુદ્દો લઈએ. ભારતીય દૃષ્ટિએ અર્થાત્ રસદૃષ્ટિએ કાવ્યમીમાંસા કરતાં જે કૃતિમાં જે રસની પ્રધાનતા હોય તે મુજબ આપણે તે કૃતિને ઓળખીએ ઓળખાવીએ છીએ. પાઠકસાહેબનો મત આનાથી જુદો છે. એમને મતે જગતની કોઈ પણ મહાન કૃતિને આમ કોઈ એકાદ રસના ખાનામાં ન મૂકી શકાય. એમનું મંતવ્ય આ પ્રમાણે છે : આ રીતે નાટક જોતાં જુદાં જુદાં પાત્રોના જુદા જુદા ભાવોને શૃંગારાદિ ૨સોમાં ધારો કે આપણે વ્યવસ્થિત કરી શકીએ. પણ...ભાવક તો બધાં જ પાત્રોના વિભાવાદિ અને સ્થાયી ભાવોનો અનુભવ કરે છે અને એ બધાના પરિણામે એ બધાથી ભિન્ન, અને જે આખી કૃતિમાંથી નિષ્પન્ન થાય એ એ કૃતિનો ભાવ ગણાય. આ ભાવને એટલે આખી કૃતિના ભાવને આપણે ઉપર ગણાવેલા શૃંગારાદિમાં વ્યવસ્થિત કરી કરીશું? મને શંકા છે. આખા શાકુન્તલનો ભાવ શો? રવીન્દ્રનાથ ટાગોર પ્રમાણે આપણે ટૂંકમાં કહીએ કે તપથી શુદ્ધ થયેલો પ્રેમ એ જ જીવનનું ખરું મંગલ છે. એટલે કે ભાવક આખી શાકુન્તલની કૃતિઓમાંથી ઉપરના સત્યના સંસ્કારો અને તેને ઉચિત ભાવ અનુભવે છે. આને શૃંગારાદિ રસોમાં ભાગ્યે જ મૂકી શકાશે. ખરું તો જગતની કોઈ પરમ મહાન કૃતિના ભાવને આવા કોઈ રસ નીચે મૂકી શકાશે નહીં. કારણ એ છે કે મહાન કૃતિઓ આખા જીવનને સ્પર્શે છે, ખરેખર સ્પર્શતી ન હોય ત્યાં પણ કાવ્યની ભૂમિકા નીચે આખા જીવન તરફની દૃષ્ટિ હોય છે, અને એમ હોય છે ત્યાં કાવ્યનું અંતિમ રહસ્ય શાન્ત રસનું જ હોય છે. આ વિચાર વિચક્ષણ અભિનવગુપ્તે કરેલો છે. તે અમુક ચર્ચા પછી કહે છે કે એક દૃષ્ટિએ શૃંગારાદિ રસો પણ સ્થાયી નથી, ખરો સ્થાયી તો આત્મા છે, ‘आत्मैव स्थायी’ અને એમ હોય તો ખરો રસ તો શાન્ત રસ જ છે. (આકલન, પૃ. ૨૨)
આમ પાઠકસાહેબનું વક્તવ્ય એ છે કે ભાવક શકુન્તલા-દુષ્યન્તના જ નહીં પણ ‘શાકુન્તલ'નાં બધાં પાત્રોના વિભાવાદિનો અનુભવ કરતો હોઈ, ‘શાકુન્તલ'નો મુખ્ય રસ શૃંગાર ગણવાથી બીજાં બધાં પાત્રોના વિભાવાદિ અને સ્થાયીની ઉપેક્ષા થાય છે, એટલે માત્ર શૃંગારાદિમાં ‘શાકુન્તલ' જેવી કૃતિની વ્યવસ્થા થઈ શકે નહીં. બીજું એમનું મંતવ્ય એ છે કે ‘શાકુન્તલ'નો મુખ્ય રસ શૃંગાર ગણવાથી જે કંઈ અવિવક્ષિત રહે છે તે તપથી શુદ્ધ થયેલો પ્રેમ એ જ જીવનનું ખરું મંગલ છે એવા રવીન્દ્રનાથના વિધાનથી પૂરતી સ્પષ્ટતા પામે છે, કેમ કે એમાં જ સમગ્ર કૃતિનું સત્ય અને એને ઉચિત ભાવ રહેલ છે. ‘શાકુન્તલ’ની રસદૃષ્ટિએ આટલી વિચારણા કરતાં પાઠકસાહેબ વ્યાપ્તિનિબંધન કરતા હોય એ રીતે જણાવે છે કે જગતની કોઈ પણ મહાન કૃતિના ભાવને આવા એકાદ રસ નીચે મૂકી શકાય નહીં, કેમ કે મહાન કૃતિઓ આખા જીવનને સ્પર્શે છે અથવા એમાં આખા જીવન તરફ દૃષ્ટિ હોય છે. આ પરથી એવા નિર્ણય પર પણ એ આવે છે કે મહાન કૃતિઓમાં આખા જીવન તરફની દૃષ્ટિ હોય છે અને એમ હોય છે ત્યાં કાવ્યનું અંતિમ રહસ્ય શાન્ત રસનું જ હોય છે. આ મુદ્દાઓ ઘણા મહત્ત્વના ને વિચારણીય છે. પણ ‘प्राधान्यन व्यपरेशा: वन्ति’ એ ન્યાયે, કૃતિમાં ગુંફિત થયેલા વિવિધ રસોમાં મુખ્ય રસકયો એ જ્યારે વિચારવાનું થાય ત્યારે જે રસનો અનુભવ વ્યાપકતા અને ઉત્કટતાથી કૃતિમાં સૌથી વધુ થતો હોય તે નિગૂઢરમણીય રસનું જ પ્રાધાન્ય દર્શાવવું રહે, અને કોઈ પણ કૃતિમાં મુખ્ય રસ તો એક જ હોય જેથી તેનો પૂર્ણ રૂપે પરિપોષ થઈ શકે. અભિનવ કહે છે તેમ રસ એ જ કાવ્યાર્થ હોઈ અને રસમાત્ર વ્યંગ્ય સહૃદયહૃદયસંવેદ્ય – હોઈ, જ્યારે કોઈ કૃતિનો પ્રધાન રસ શૃંગારાદિ છે એમ કહીએ ત્યારે આ એક શબ્દમાત્રથી જે કંઈ અભિપ્રેત છે તે વ્યંજનાથી જ સમજવાનું રહે. તેમ છતાં એમાં કૃતિના સકલ ભાવવિશ્વનું પ્રતિબિંબન ન જણાય એમ પણ બને. પણ એથી કૃતિના ગૌણપ્રધાન રસનો ભેદ કરતી રસવ્યવસ્થા દૂષિત બનતી નથી એ સ્પષ્ટ કરવું જોઈએ. હકીકતે આખી કૃતિના પ્રધાન ભાવને શૃંગારાદિમાં વ્યવસ્થિત કરીએ છીએ ત્યારે આ રીતે પ્રધાનભૂત રસનો જ નિર્દેશ થતો હોય છે : જેમ માત્ર મુખ જોઈને આપણે વ્યક્તિની પિછાન મેળવીએ છીએ તેમ. છતાંયે જેમ માત્ર મુખ જોયાથી તે વ્યક્તિનાં બીજાં અંગોપાંગનો – તેની ઊંચાઈનીચાઈ, આકૃતિસૌષ્ઠવ, સમગ્ર વ્યક્તિત્વનો આપણને સાચો ખ્યાલ આવી શકતો નથી, એ માટે તે વ્યક્તિનો સાક્ષાત્ સંપર્ક જરૂરી બને, તેવું જ મુખ્ય રસની બાબતમાંયે છે. એ માટે તો ‘શાકુન્તલ'માં અન્ય રસો ક્યા છે, કરુણાભુતહાસ્યવીરાદિનું શાંતપરિણામી શૃંગાર સાથે કેવી રીતે સામંજસ્ય સધાયું છે તે જોવાથી જ ‘શાકુન્તલ’ની સમગ્ર ભાવસૃષ્ટિનો અણસાર આવી શકે. આ દૃષ્ટિએ કરુણથી પરિપૂત થયેલા પ્રેમ દ્વારા શાંતમાં સમાપન પામતો સંયત શૃંગાર ‘શાકુન્તલ'નો મુખ્ય રસ છે એમ કહેવામાં ભાગ્યે જ કંઈ અઘટિત હોય. આજે ‘શૃંગાર' શબ્દ રસદૃષ્ટિએ આપણને કઠતો હોય તો ‘પ્રેમરસ' શબ્દ પણ યોજી શકાય. તેમ છતાં શૃંગારને ‘शुचिरुञ्जलभ' કહ્યો છે તે પ્રમાણે ‘શાકુન્તલ'માં શૃંગારની શુચિતા ને ઉજ્વલતા કેવી પરાકાષ્ઠાએ પહોંચી છે, શૃંગાર-કરુણ જેવા પરસ્પરવિરુદ્ધ રસોનું એમાં કેવું સુભગ સંમિલન સધાયું છે એ તપાસવાથી એની ભાવસૃષ્ટિનું આકલન વધુ સારી રીતે થઈ શકે ખરું. પણ એ ન ભૂલવું જોઈએ કે પ્રધાન ભાવનો નિર્દેશ કૃતિના કેન્દ્રસ્થ ભાવની દૃષ્ટિએ – રસસંકલનાની દૃષ્ટિએ સાપેક્ષતાથી થતો હોય છે. એથી એમાં બધાં પાત્રોના બધા ભાવ કેવી રીતે આવી શકે? એવી કોઈ અપેક્ષા જ અપ્રસ્તુત ગણાય. પણ પાઠકસાહેબનો વાંધો એ છે કે કોઈ પણ મહાન કૃતિના ભાવને આવા કોઈ પ્રધાનભૂત રસ નીચે મૂકી શકાય નહીં. આવો કોઈ જડ નિયમ ન હોઈ શકે. છતાં આ એક વિચારવા જેવું દૃષ્ટિબિન્દુ છે. જોકે આનંદવર્ધને રામાયણનો મુખ્ય રસ કરુણ અને મહાભારતનો મુખ્ય રસ શાન્ત છે એવું પ્રતિપાદન કર્યું જ છે. तुष्णाक्षयपोषलक्षण: शान्तो रसः महाभारतस्यांशित्वेन विवक्षित इति सुप्रतिपादितम् । अत्यन्तसारभूतत्वाच्चायमर्थो व्यंग्यत्वेनैव दर्शितो न वाच्यत्वेन । सारभूतो ह्यर्थः स्वशब्दानभिधेयत्वेन प्रकाशितः सुतरामेव शोभामावहति ।) અભિનવગુપ્તે પણ આનો સ્વીકાર કર્યો છે. આથી આપણી કૃતિલક્ષી સમજણમાં કશો બાધ આવતો નથી; ઊલટી તે વિશેષ સ્વચ્છ બને છે. અહીં એ પણ પરમ વ્યંગ્ય સ્પષ્ટ કરવું જોઈએ કે કૃતિનો સારભૂત રસ હોઈ જે ભાવકો કૃતિનો સંદર્ભ જાણતા હોય, કૃતિથી પરિચિત હોય તેમને આ રીતે અત્યંતસારભૂત રસ દ્વારા કૃતિનો મર્મ સમજવામાં કશી મુશ્કેલી ન પડે; જેમનો કૃતિમાં અનુપ્રવેશ ન થયો હોય તે પણ આ સારભૂત રસની સમજણ મેળવીને કૃતિના હાર્દને સારી રીતે પામી શકે. એટલે સાપેક્ષસંબંધ અંગી રસની જાણકારી કૃતિને સમજવામાં પોષક બને છે; એથી રસસિદ્ધાંતની કોઈ મર્યાદા ઊભી થતી નથી. અને એમ તો પાઠકસાહેબે અભિનવગુપ્તનો હવાલો આપી ૨સદૃષ્ટિએ વિવેચન કરીને શાંતરસની સર્વોપરિતા સ્વીકારી જ છે. જોકે મહાન કૃતિઓનું અંતિમ રહસ્ય શાંત રસનું જ હોય છે એ વિધાન પાશ્ચાત્ય કૃતિઓના સંદર્ભમાં હજી વધુ ચકાસવા જેવું છે. ‘भावा विकारा रात्याद्या शान्तस्तु प्रकृतिर्मतः।’ એ પંક્તિ દ્વારા શાન્ત સર્વ રસોનું મૂળ સ્વરૂપ – પ્રકૃતિ – છે એવું ભરતે પણ કહ્યું જ છે. જગતની મહાન કૃતિઓમાં શાન્ત રસનો આવો મહિમા વધતેઓછે અંશે થતો જણાય, તે છતાંયે માત્ર એટલાથી જ તે તે કૃતિના મર્મનો તાગ કૃતિના મુખ્ય રસની સમજણ પામ્યા વિના ભાગ્યે જ મળે. તેમ જુદી જુદી મહાન કૃતિઓની વિશેષતા પણ એકલા શાન્તના નિર્દેશથી પ્રતીત ન થાય. કેમ કે ભરતે દર્શાવ્યું છે તેમ, શાન્ત સર્વ રસોની પ્રકૃતિ છે, માટે જ જુદા જુદા ભાવો શાન્તમાંથી પ્રવર્તે છે. આ ભાવવિકારો દ્વારા જ નાટક જેવી કલાકૃતિ આસ્વાદ્યતાને પામે છે. જેમ શ્વેત કિરણમાંથી સાત રંગ પ્રસરે છે ને અંતે એ બધા રંગ વિલીન થતાં પાછો પૂર્વવત્ શ્વેત રંગ જ શેષ રહે છે તેવું શાન્તનું છે. નાટકાદિમાં મહાન કૃતિઓમાં પણ શાન્તની પરિણતિ રૂપે જ પ્રતીતિ થતી હોય છે; પણ સત્ત્વરજસ્તમસ્મિશ્રિત ભાવસૃષ્ટિ જો આલેખાઈ ન હોય, જો હાસ્ય, શૃંગાર, કરુણ આદિ રસોથી સંમિલિત શાન્ત ન બન્યો હોય, તો તે સ્વતઃ રમણીયતા કેટલી પામી શકે એ સવાલ છે. અર્થાત્ શાન્તનો મહિમા જે કંઈ છે તે અન્ય રસોના સંદર્ભમાં છે. તેમ નાટકમાં જુદાં જુદાં પાત્રોની પ્રકૃતિ જુદી જુદી હોય છે ને રજસ્તમસ્નો અત્યન્નભાવ તો શક્ય જ નથી. માનવચેતનાનું પ્રકટીકરણ કદાચ સૌથી વધુ રજસ્તમસ્ની લીલા દ્વારા જ થતું હશે. વિશેષમાં કલાકૃતિની આસ્વાદ્યતા તે-તે સંબંધવિશેષો પર જ નિર્ભર હોય છે, જ્યારે રસસંજ્ઞા એ સંબંદ્વિશેષો દ્વારા આપણને જે વ્યાપક સર્વસામાન્ય ભાવાનુભવ થાય છે તેને લક્ષિત કરે છે. એટલે રસાનુભવમાં રહસ્યનું એટલું મહત્ત્વ રહેતું નથી. છતાં ગૌણપ્રધાન રસનિર્દેશ દ્વારા જો કૃતિના મર્મનો એની મુખ્ય ભાવસૃષ્ટિનો – આપણને કંઈક અણસાર મળી રહે તો તેયે ઓછું ન ગણાય. પાશ્ચાત્ય કરુણાંત કૃતિને ટ્રેજેડી ને સુખાંત કૃતિને કૉમેડી કહીએ છીએ ત્યારેયે પ્રાધાન્ય તો એક જ રસનું સૂચવાતું હોય છે. પણ કૃતિનું ખરું રહસ્ય તો તેના સાક્ષાત્ સંપર્ક દ્વારા હાર્દ સુધી પહોંચ્યા પછી જ પામી શકાય. પણ પાઠકસાહેબની આ ચર્ચામાં રસદર્શન અને રહસ્યદર્શન એ બે મુદ્દા ભેગા ગૂંથાઈ-ગૂંચવાઈ ગયા હોય એમ લાગે છે. રસદર્શન ને રહસ્યદર્શન બે એક નથી જ. જ્યાં જ્યાં રસ છે ત્યાં ત્યાં રહસ્ય કદાચ ગોપાયેલું હોય; પણ જ્યાં જ્યાં રહસ્ય છે ત્યાં ત્યાં રસ છે એવી પ્રતિવ્યાપ્તિ નહીં થઈ શકે. રસ કૃતિના સાક્ષાત્ સંપર્ક દ્વારા ભાવકે સાધેલી એની ચિત્તવૃત્તિની આનંદમય પરિણિત છે, જ્યારે રહસ્યદર્શન એક પ્રકારનો એવો અર્થબોધ છે જે આસ્વાદયિતાની સમજણ પર અવલંબે છે ને જે કાવ્યાસ્વાદ પછીની ઉત્તરકાલીન અવસ્થા છે. હવે ‘શાકુન્તલ'ના સંદર્ભમાં વિચારીએ તો ‘‘તપથી શુદ્ધ થયેલો પ્રેમ એ જ જીવનનું ખરું મંગલ છે એવું રવીન્દ્રનાથનું અર્થઘટન પાઠકસાહેબની દૃષ્ટિએ આખા ‘શાકુન્તલ'નો વ્યાપક સત્યમૂલકભાવ છે. જોકે આ એક વાક્યમાં ‘શાકુન્તલ’નું સમગ્ર ભાવદર્શન છે એમ માનવા કરતાં ‘શાકુન્તલ'નું આ રહસ્યદર્શન છે એમ માનવું વધુ પ્રતીતિકર બને. આ અંગે સહૃદયની દૃષ્ટિથી વિચારીએ તો કાવ્યની મનઃસંવાદ-સુંદર સૃષ્ટિનો રસાનુભવ કરનાર કૃતિની રમણીયતાથી જ તૃપ્ત થઈ જીવનલક્ષી રહસ્યદર્શન કે અર્થદર્શનની પરવા ન કરે એમ પણ બને. “તપથી શુદ્ધ થયેલા પ્રેમનો મહિમા કોઈ ‘શાકુન્તલ'માં જુએ, પણ ‘એ જ જીવનનું ખરું મંગલ છે એવો વિશેષ વ્યાપ્તિભાવ ન પણ સ્વીકારે. તો કોઈ તપને બદલે સત્યથી શુદ્ધ થયેલો પ્રેમનો મહિમા' જ ‘શાકુન્તલ'માં જુએ. તો કોઈ એવી વેદનાથી પરિશુદ્ધ થયેલા પ્રેમ આગળ તપ પણ પાછું પડે છે' ‘–એવી વ્યાપ્તિ બાંધવા પણ પ્રેરાય. કોઈ ‘સમષ્ટિનિષ્ઠ દામ્પત્યમાં વ્યક્તિનિષ્ઠાનો અનાદર ન હોય' એવું અર્થઘટન પણ કરે. એટલે આવા એકબે-વાક્ય-ગ્રથિત વિધાન પર વધુ પડતો ભાર મૂકી એમાં જ કૃતિનું ભાવસર્વસ્વ રહસ્ય આવી જાય છે એમ માનવું કોઈને કૃતિના ૨સ-સૌન્દર્યની દૃષ્ટિએ એકાંગી કે અનુપપન્ન પણ લાગે. કેવળ રસદૃષ્ટિએ કૃતિનું તારતમ્ય દર્શાવાય તો તેમાંયે કંઈ અઘટિત નથી; પણ એને બદલે રહસ્યદર્શન તરફ વળી જવાથી કૃતિના રસતત્ત્વની ઉપેક્ષા ન થાય એમ આપણે ઇચ્છીએ. તેમ રસદૃષ્ટિનો પણ અતિરેક ન થાય. રસસિદ્ધાંતમાં જ કૃતિનું સારસર્વસ્વ આવી જાય છે એવી જડતા ન આવે એ જોવુંયે એટલું જ આવશ્યક છે. કૃતિનો ભાવદૃષ્ટિએ મહિમા કરીએ ત્યારેયે કૃતિ રસગર્ભ કલાકૃતિ કેવી રીતે બની છે, શબ્દાર્થના વિચ્છિત્તિવિશેષ દ્વારા કવિએ સમગ્ર કૃતિમાં વૈચિત્ર્ય કેવી રીતે સિદ્ધ કર્યું છે એ તો જોવાનું રહે જ. ઉપરની વિચારણાના સંદર્ભમાં બ્રેડલીનું મંતવ્ય નોંધપાત્ર છે. એ લખે છે : "there are readers again who retain only what they would call the 'idea' of the poem, and the poem. may have begun from such an idea. Others will forget all the words and will not profess to remember even the 'meaning', but believe that they possess the &spirit of the poem. And what they possess may have, I think, an immense value. The poem, of course, it is not, but it may answer to the state of imaginative feeling or emotional imagination which was the germ of the poem.

(Oxford Lectures on Poetry, P. ૩૨)