અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/ભાષા-સાહિત્યના અધ્યાપનમાં સર્જનાત્મક અભિગમ
પહેલીમાંનો અક્ષર પહેલો ‘બા' – ‘બા’ - ‘બા' શીખતાં જ આપણે સૌ કોઈ ને કોઈ શીખવનાર શિક્ષક-અધ્યાપકની સંનિધિમાંયે મુકાયા હોઈએ – એના સંપર્કમાં આવ્યા હોઈએ એ સ્વાભાવિક છે. જેમ માતાપિતા સાથેનો તેમ શિક્ષક-અધ્યાપક-ગુરુ સાથેનો આપણો સંબંધ પણ સાહિજક-શો સ્વાભાવિક ન લાગે તો જ નવાઈ. मातृदेवो भव, पितृदेवो भव સાથે જ आचार्यदेवो ભવની ભાવના છે જ. નવકારમંત્રમાંની ધર્મગુરુને ઉપાધ્યાયને નમવાની વાત પણ આ સંદર્ભમાં યાદ આવે. શિક્ષણ-કેળવણીના સમારંભ સાથે જ ગુરુ-શિષ્યના વિદ્યાચાર્ય-વિદ્યાર્થીના અધ્યાપક-અધ્યેતાના પ્રગાઢ ભાવસંબંધનોયે સંકેત થતો રહે છે. મનુષ્ય મનુષ્યના જે કેટલાક ઉત્તમ સંબંધો લેખાય એમાંનો તે એક છે. એ સંબંધ ભાવાત્મક ને ભાવનાત્મક, ગુણાત્મક ને ગૌરવપૂર્ણ, અર્થપૂર્ણ ને આધ્યાત્મિક ને ખાસ તો રચનાત્મક સર્જનાત્મક હોય છે. એવો સંબંધ જો સાંપ્રત સમયમાં ન પ્રતીત થયો હોય તો વિપરીત કાળબળનું જ પરિણામ લેખવું રહ્યું. અન્યથા સર્વ વિદ્યાસંસ્થાઓમાં પછી તે પૂર્વપ્રાથમિક હોય કે પ્રાથમિક, માધ્યમિક હોય કે ઉચ્ચ, સર્વમાં ગુરુશિષ્ય વચ્ચેના શુદ્ધ ગાઢ સ્નેહાર્દ્ર સંબંધની ગુરુશિષ્ય વચ્ચેના વાત્સલ્યપૂર્ણ ને વિનયપૂત વ્યવહારની અપેક્ષા હંમેશાં રહે છે. શીખતાં શીખતાં શીખનારો શીખવનાર થાય ને શીખવતાં શીખવતાં શીખવનારો શીખનારોયે બને-રહે એ ઇષ્ટ પરિસ્થિતિ છે. શીખવવાનું અધ્યાપનનું કાર્ય કરતાં કરતાં, શીખવવાનાં સાધનોનું અધ્યાપનસામગ્રીનું પાઠ્યસામગ્રીનું નિર્માણ કરતાં કરતાં, શિક્ષણ-અધ્યાપનમાં કેવી મોટી કળા રહેલી છે, એ કેવી ઉમદા જવાબદારી છે તેનુંયે યત્કિંચિત્ ભાન થતું ગયું; ‘મહેતાજીના ધંધા' વિશે અધ્યાપનકાર્ય વિશે કંઈક વિચારવાનુંયે બન્યું અને ભાષા-સાહિત્ય જેવા વિષયોનો વ્યષ્ટિ-સમષ્ટિ સાથે જીવન ને જગત સાથે – સમસ્ત સંસાર–સૃષ્ટિ સાથે કેવો અનુભવમૂલક ગહન અને સંકુલ સંબંધ છે તેનીયે ઝાંખી થતી રહી. ભાષા તેમ જ સાહિત્ય બંનેય સમસ્ત સંસારને વિશ્વને ઉચ્છિષ્ટ કરનારી બાબતો છે એમ ખુશીથી કહી શકાય. ભાષા-સાહિત્યના પ્રસ્ફોટન ને પ્રફુલ્લનમાં સંસ્કાર-સંસ્કૃતિનું મહત્ત્વનું ને અનિવાર્ય પ્રદાન દૃષ્ટિગોચર થાય છે. ભાષા પ્રયોજતાં પ્રયોજતાં ભાષક ભાષાનીયે પારના પ્રદેશોની વિચારણા-કલ્પનામાં ન સરે તો જ નવાઈ. મનુષ્યની વાક્ચેતના શબ્દના સાહિત્યની સહારે શબ્દાતીતનાયે સંકેતો ગ્રહવા તત્પર થતી જણાય છે શબ્દાર્થની કલાના ક્ષેત્રે તો ખાસ. મનુષ્યની ભાવચેતના કલામય શબ્દાર્થયોગે કેવો તો આહ્લાદક આત્મવિસ્તાર સાધે છે એ તો સ્વાનુભવે જ પ્રતીત થાય. નિઃશબ્દતામાંથી શૂન્યમાંથી શબ્દનો પ્રભવ થવો – કલામય ભૂમિકાએ તે શબ્દમાંથી પ્રભાવનો વિસ્તાર થવો ને यतो वाचो निवर्तन्ते – એ ભૂમિકાએ વળી પાછો એ શબ્દ મૌનમાં સંક્રાન્ત થવો – આ રીતે શૂન્ય અને નૈતિને જોડનારી એક શૃંખલા રૂપે એ બે તટને જોડનારા સેતુ રૂપે સાહિત્યના શબ્દનો સાક્ષાત્કાર કરવો એમાં જ ભાષા-સાહિત્યના અધ્યયન-અધ્યાપનની ચરમ સાર્થકતા હોવાનું સમજાય છે. ભાષા-વૈખરી પરામાંથી પ્રભવી સાહિત્ય દ્વારા પરાને જ લક્ષતી વરતાય છે. ભાષા અને સાહિત્યના અધ્યયન-અધ્યાપન દ્વારા છેવટે પહોંચવાનું ક્યાં? પામવાનું શું? આવા પ્રશ્નો કોઈ ને કોઈ તબક્કે આપણને સૌને થતા રહે છે. આપણી આત્મચેતના શબ્દચેતનામાં રૂપાંતર પામતી કલામય સૌન્દર્યનો આપણને પ્રસન્નકર ભાવબોધ કરાવે તો ભયો ભયો! એક પ્રકારની ઊંડી સાર્થકતા – કૃતાર્થતા એથી લાગે છે. બત્રીસ પૂતળીઓના સિંહાસન પર બેસતાં જેમ બેસનાર વ્યક્તિમાં વિક્રમી શક્તિનો સંચાર થતો હતો તેમ કવિ-કલાકારના જિહ્વાસન પર ચડતાં જ શબ્દમાં વિશેષ પ્રકારની ઊર્જાનો સંચાર થાય છે; સાહિત્યિક કલાના પારસસ્પર્શે શબ્દ સુવર્ણ-પંખાળો થાય છે, અને તે વ્યષ્ટિ-સમષ્ટિના ચિદાકાશને ઉદ્ભાસિત કરતો અર્થપ્રકાશ અર્પી રહે છે. એ શબ્દની શક્તિના – સારસ્વત વિભૂતિતત્ત્વના આપણે સૌ અધ્યાપકો આરાધકો સાધકો છીએ અને તેથી જેમ સર્જકના કવિના માથે તેમ આપણાયે માથે મહાન ભાર છે. શિક્ષણ-અધ્યાપનના ક્ષેત્રે દ્વિવચનનો ભારે મહિમા છે. જેમ પત્ની વિના પતિ નહીં તેમ શિષ્ય વિના ગુરુ નહીં અધ્યેતા વિના અધ્યાપક નહીં. અધ્યાપકેય અધ્યેતા બની જાણવું જોઈએ, એક કાવ્યમાં ‘હું છું શિક્ષક’માં ઉમાશંકર જેમ પોતે પોતાના શિક્ષક બને છે તેમ. શબ્દ એટલે બે જણ બોલનાર ને સાંભળનાર, સાહિત્ય એટલેય બે જણ સર્જક અને ભાવક તેમ અધ્યાપનમાંયે બે જણ અધ્યાપક અને અધ્યેતા. અધ્યાપન દ્વારા અધ્યાપકે અધ્યેતાને મળવાનું છે ને અધ્યયન દ્વારા અધ્યેતાએ અધ્યાપક સુધી પહોંચવાનું એને મેળવવાનો છે. મનુષ્ય મનુષ્ય વચ્ચે અર્થપૂર્ણ સંવાદસેતુ – ભાવસેતુ રચાય એમાં જેમ ભાષા-સાહિત્યની તેમ શિક્ષણની – કેળવણીની – અધ્યાપનનીયે સાર્થકતા. અંતતોગત્વા વિદ્યા માત્રની – જ્ઞાન માત્રની સાર્થકતા स्व અને सर्व વચ્ચેના સંવાદ-સંબંધનો મર્મ પામવામાં છે. વિદ્યાર્થી પોતાના વયોવિકાસ ને મનોવિકાસ સાથે ક્રમશઃ ઉપર્યુક્ત મર્મને પકડવા-પામવામાં વધુ ને વધુ સક્ષમ ને સફળ થાય એમાં જ અધ્યયન-અધ્યાપનની તેજસ્વિતા અધિષ્ઠિત છે. સાહિત્યક્ષેત્રે નિજાનંદની બોલબાલા છે. આ નિજાનંદનો અધ્યાપનક્ષેત્રે નિષેધ નથી, બલકે એ નિજાનંદ સર્વાનંદમાં પરિણતિ સાધે તે માટેનો મજબૂત અનુરોધ હોય છે. અધ્યાપનમાં છાત્રહિતનો ભાવ સતત વિદ્યમાન હોય છે. અધ્યાપકની કોશિશ અધ્યેતાના ભીતરના સંચ કેમ ખૂલે તે માટેની હોય છે. તે પોતાની પાસેની જાતભાતની ચાવીઓ અજમાવી અધ્યેતાના મનનું તાળું ખોલવા મથે છે. આ મથામણ તે એકાગ્રભાવે, રસપૂર્વક કરે છે. અધ્યાપકની ઇષ્ટદેવતા ભલે સરસ્વતી હોય, પરંતુ તેની ઝાંખી – તેનું દર્શન એણે કરવાનું હોય છે અધ્યેતાઓની આંખોમાં. વિદ્યાર્થીઓના – અધ્યેતાઓના દિલમાં દીવો કરવાનું – એમનામાં રહેલી જ્ઞાનની જ્યોતને સંકોરવાનું એનું કાર્ય છે; વિદ્યાર્થીઓનાં ચિત્તમાં તમસ્ દૂર કરી જ્યોતિ તરફ તેમને પ્રેરવાના છે; પરંતુ અધ્યાપકનું પોતાનું જ કોડિયું જો ચેતેલું નહીં હોય તો તે વિદ્યાર્થીઓનાં કોડિયાં નહીં ચેતાવી શકે. રામ બતાવવા તૈયાર થતાં પૂર્વે પોતે તો રામ જોયેલા જ હોય. ભાષા-સાહિત્યનો સાક્ષાત્કાર પોતાને જ ન હોય તો વિદ્યાર્થીને તેનો સાક્ષાત્કાર કેવી રીતે કરાવી શકશે? વિદ્યાર્થીઓને માટે અધ્યાપકે आत्मदीपो भवની ભાવના પોતાના ચારિત્ર્યકર્મમાં ઉતારવી જ રહી. ભાષા-સાહિત્યના ક્ષેત્રે વિદ્યાર્થીના ઘડતર-વિકાસનો પ્રશ્ન લેતાં બાળપણનું એક દૃશ્ય તાજું થાય છે. તે વખતે ગામમાં ને ઘરમાં વીજળી નહોતી, ફાનસ-કોડિયે કામ ચાલતું. સાંજ પડ્યે મા ચીમની-ફાનસ-કોડિયાં લઈને બેસે. ચીમની-ફાનસના કાચના ગોળા રાખથી બરાબર સાફ કરે. વાટ પણ સરખી કરે; જરૂરી ઘાસતેલ, દિવેલ ભરે અને અંધારું ઊતરતાં ફાનસ-કોડિયાં પેટાવવા દીવાસળીયે તૈયાર રાખે. દીવો પેટાવવા પૂર્વે તેને તૈયાર કરવો એય એક કામ છે. એક સાચા અધ્યાપક માટે એક શુદ્ધ અધ્યાપકચેતના માટે તો વિદ્યાર્થી જ પરમ આસ્થા ને શ્રદ્ધાનું કેન્દ્રસ્થાન બની રહે છે. એ સ્થાન ભ્રષ્ટ ન થાય, બલકે એવી સ્વચ્છતા-સુંદરતા બની રહે જળવાઈ રહે એ એની ઊંડી નિસબત બને છે. પવિત્ર ગંગાજળ ભરતાં પહેલાં તાંબાના કળશને બરોબર રીતે માંજવામાં આવે છે તેમ વિદ્યાર્થીઓનેય વિદ્યાજ્ઞાનનાં યોગ્ય પાત્ર તરીકે તૈયાર કરવા માટે કેટલીક સફાઈ-શુદ્ધિ જરૂરી બને છે. એમના કાનમાં કોલાહલનો કચરોયે ભરાતો હોય. એમની આંખોમાં વરવાં દૃશ્યોનો મેલ પણ ઊભરાતો હોય. પ્રદૂષણની દુર્ગંધ એમના શ્વાસ-પ્રાણને મલિન કરે રૂંધે એમ પણ બને. વિકૃતિઓનાં ચકામાં એમની ત્વચા પર ઊપસે એવુંયે થાય. આવી પરિસ્થિતિમાં અધ્યાપકનું પ્રથમ કર્તવ્ય વાતાવરણશુદ્ધિનું ને તે સાથે વિદ્યાર્થીના માનસમુકુરની શુદ્ધિનું એની ઇન્દ્રિયોની કેળવણીનું છે. અધ્યાપન દરમિયાન વિદ્યાર્થીઓની ઇન્દ્રિયશક્તિ દબાય એનું દમન થાય એ કોઈ પણ રીતે વાંછનીય નથી. તેમની ઇન્દ્રિયશક્તિનું યોગ્ય રીતનું સંયમન-નિયમન, બેશક, જરૂરી છે. તેમનાં ઇન્દ્રિયોરૂપી ઉપકરણો ૫૨ વળી ગયેલી છારી સાફ કરવાનો ઉપક્રમ અધ્યાપકે પહેલાં યોજવો પડે. કોઈક રીતે વિદ્યાર્થી ખોટું ભણ્યો હોય તે પહેલું ભૂંસવું પડે. વિદ્યાર્થીની ઇન્દ્રિયશક્તિની ધાર કાઢવી પડે. એની સંવેદનશીલતા કેળવાય એવું કરવું પડે. વિદ્યાર્થી માહિતી ભરવાનો કોથળો, કોઠી કે પાત્ર નથી; એ એથી ઘણું વિશેષ છે. એ એવી સંવેદનશીલ હસ્તી છે કે તેની પૂરી ને પાકી માવજત કરવી પડે જેવી એક ગુલાબના રોપાને ઉછેરવામાં કરવામાં આવે છે. જીવન કેટલું ઇષ્ટ ને ઉત્તમ રીતે જીવી શકાય એ માટે આપણે કેટલુંક સંકલ્પપૂર્વક કરવાનું રહે છે. ગાંધીજીને પ્રિય પેલા ત્રણ ચીની વાંદરાઓનો દાખલો અત્રે સ્મરણીય છે. એ વાંદરાઓનો ‘બૂરું જોઈશ નહીં, બૂરું સાંભળીશ નહીં ને બૂરું બોલીશ નહીં' એવો સંકલ્પ જોવા મળે છે. વિદ્યાર્થીઓ પણ એવો સંકલ્પ કરી શકે. જોકે એ સંકલ્પ પાછળ ‘સારું જોઈશ, સારું સાંભળીશ ને સારું બોલીશ' એવા દૃઢ મનોવ્રતનું બળ પ્રેરક હોય એમ લાગે છે. ખરેખર તો વિદ્યાર્થીઓ સારાબૂરાનો પરિચય મેળવી સારા પ્રત્યે વળે ને પ્રવૃત્ત થાય એ અપેક્ષિત છે. એ માટે વિદ્યાર્થીઓમાં સુરુચિનું નિર્માણ થાય, એમનામાં ઊંડો જીવનવિવેક ને કલાવિવેક આવે તેવું કરવાનું રહે છે. એવું સુરુચિનિર્માણ ને વિવેકઘડતરનું કાર્ય તો સાહિત્યકળા જ સર્વોત્તમ રીતે બજાવી શકે. અધ્યાપકે ભાષા-સાહિત્યના શિક્ષણને વિવેકની કેળવણી સાથે અનિવાર્યતયા સાંકળવાનું રહે છે. જેમ પથ્ય ભોજનમાં આસ્વાદ-૨સનું વૈવિધ્ય સાચવવા સાથે એ બધા રસો વચ્ચે એક સૂક્ષ્મ સંતુલન પણ સાચવવામાં આવે છે તેમ સાહિત્યના આસ્વાદમાંયે વિદ્યાર્થીઓને પથ્ય એવું રસસંતુલન સચવાય એ ઇષ્ટ છે. અધ્યાપકે ભાષા-સાહિત્યનું અધ્યાપન કરતાં વિદ્યાર્થીના આનંદરસની ચિંતા કરવાની રહે છે. જેમ હુતુતુતુ કે ખોના મેદાનમાં વિદ્યાર્થીને આનંદ આવે એવો આનંદ વર્ગમાં ન આવી શકે? જેમ પત્તામાંથી કોઈ મહેલ બનાવવાની મજા આવે એવી મજા શબ્દોના આધારે કોઈ અવનવી કૃતિ-તરેહ રચવામાં વિદ્યાર્થીઓ ન મેળવી શકે? જેમ અંતકડી કે અંતાક્ષરીની મજા આવે એવી શબ્દરમતોનીયે મજા ન આવી શકે? અંગ્રેજીમાં શબ્દરમતોનું એક અલગ પુસ્તક છે, આપણે ત્યાંય વરત-ઉખાણાં-જોડકણાંથી માંડીને શબ્દોની જાતભાતની રમતો છે, એનો લાભ ખાસ તો શરૂઆતનાં ને નીચલાં ધોરણોમાં ને જરૂર જણાય તો ઉપલાં ધોરણોમાંયે ન લઈ શકાય? વર્ગશિક્ષણ વર્ગરમત બની રહે, ઔપચારિક ન રહેતાં અનૌપચારિક બની રહે એવું ન થાય? કમભાગ્યે, આપણે અંગ્રેજોએ આપેલું એક ચોકઠાબંધી તંત્ર લઈને ચાલીએ છીએ. આપણા દેશની આબોહવાને અનુકૂળ એવાં સમયપત્રક નથી રચાતાં, નથી રજાઓ ગોઠવાતી. અધ્યાપકો-વિદ્યાર્થીઓ જાણે ઘડિયાળને કાંટે ધકેલાતા ન હોય! આપણી પરંપરામાં જે ગુરુકુલપતિ હતી તેનો લાભ લઈ સાંપ્રત જમાનાના સંદર્ભમાં જે પ્રકારનું કેળવણીનું કાર્યસાધક માળખું ગોઠવવું જોઈએ એવું ન ગોઠવાયું. કેળવણીનાં કેન્દ્રો જાણે રોજગારી માટેનું લાઇસન્સ (પરવાનો) આપનારાં કેન્દ્રો બની રહ્યાં. શિક્ષણ સેવા-કર્તવ્ય નહીં પણ ધંધો-વ્યવસાય બની રહ્યું. સરસ્વતી લક્ષ્મીની બાંદી બની રહી. તાસ–પરીક્ષાના જડ બની ગયેલા માળખામાંથી પહેલાં તો અધ્યાપકે વિદ્યાર્થીએ બહાર આવવાનું રહે છે. કેળવણી માટેનાં મકાનોનું આયોજન-રંગરોગાન-સગવડો આ સર્વ પ્રદૂષિત પર્યાવરણમાંથી કેમ મુક્ત થવાય એ દૃષ્ટિએ કરવાનાં એ જોવાનું રહે છે. અધ્યયન કે અધ્યાપન માટેના અધિકાર વિશેય મૂલગામી વિચાર કરવાનો રહે છે. શિક્ષકો કે અધ્યાપકોની ખરીદી ન ચાલે. વિદ્યાર્થીઓને નાણાના જોરે પ્રવેશાધિકાર ન મળે. સરકારી ને બિનસરકારી શિક્ષણતંત્રોએ જડતા અને ભ્રષ્ટરીતિઓ છોડી, નીતિશુદ્ધિથી કાર્યદક્ષ સંચાલન માટે ઉત્કટ મથામણો કરવી જોઈએ. આ બધું ક્યાં છે? જ્યારે શરીર બગડે છે પેટ બગડે છે ત્યારે તેની અસર જીભ પર થાય છે. આજે જે કંઈ પ્રદૂષણો આપણા સામાજિક-ધાર્મિક-રાજકીય વગેરે માળખામાં પડેલાં છે તેની સીધી અસર શિક્ષણ પર પડી છે. શિક્ષણતંત્રનો સડો સામાજિક સડાની ચાડી ખાય છે. આ બધું સાફ થવું જોઈએ. જેમ ઘરમાં દેવસેવાની ઓરડીનાં જતન-જાળવણી થાય છે તેમ જ શિક્ષણસંસ્થાઓનાં જતન-જાળવણી થવાં જોઈએ. એમ નહીં થાય તો શિક્ષણના કે આ કે તે વિષયના શિક્ષણના સુધારા ધૂળ પરના લીંપણ જેવા જ થવાના રહેવાના. શિક્ષણ લેનારો વિદ્યાર્થી અને આપનાર અધ્યાપક આ બંનેયની પાત્રતાનો પ્રશ્ન મહત્ત્વનો છે. વિદ્યાર્થીમાં જિજ્ઞાસા, રુચિ, સ્ફૂર્તિ, એકાગ્રતા વગેરે જોઈએ જ. વિદ્યાર્થી એના અધ્યયનમાં એકાગ્ર થાય એવા કીમિયા અધ્યાપકે વાલીઓ માબાપોએ કે ગૃહપતિ કે ગૃહમાતાઓ વગેરેએ કરવા જોઈએ. વિદ્યાર્થીનાં આંખ-કાન નિર્ધારિત સમયમર્યાદામાં કેટલાં દૃશ્યોની, કેટલા અવાજોની નોંધ લે છે તેનો ક્યાસ કાઢી શકાય. વિદ્યાર્થીઓની શ્રવણશક્તિ, નિરીક્ષણશક્તિ સંવેદનશક્તિ વગેરેના પાયાના વિકાસ પરત્વે ભાષા-સાહિત્યનો અર્થની શક્તિ સાથે ઇન્દ્રિયોની અંતઃકરણની શક્તિનો યોગમેળ થાય તે બળવન્તર થાય એ તો જોવું જ પડે. કાવ્યના શબ્દગત સંગીતની કે ગદ્યના લયાત્મક સંવાદની સાચી શક્તિનો અંદાજ વિદ્યાર્થી એની ઇન્દ્રિયશક્તિના એની માનસિક ગ્રહણશક્તિના વિકાસ વિના કેવી રીતે કાઢી શકશે? વિદ્યાર્થીની સાવધતા, ચપળતા, ઝીણવટ, ચીવટ, ધૃતિ-સ્ફૂર્તિ – આ બધી ગુણસંપત્તિના વિકાસને અનુલક્ષીને ભાષા-સાહિત્યના કેટલાક સ્વાધ્યાય-કાર્યક્રમો નિયોજી શકાય. અમુક નિર્ધારિત સમયગાળામાં વિદ્યાર્થીના ચિત્તપ્રદેશમાં કેવાં કેવાં વિચારો-સ્મરણો-સંવેદનોનાં બુદ્બુદ ઊઠે છે તે વિશે તેને સભાન કરી શકાય. શબ્દ શબ્દ વચ્ચે અર્થ કે અર્થચ્છાયાને કારણે કે અન્ય કારણોએ કેવી ભિન્નતા કે વિશિષ્ટતા સિદ્ધ થાય છે તેનોયે અનુભવ આપી શકાય. કોઈ વિશિષ્ટ ભાવપ્રસંગે વિદ્યાર્થીના ચિત્તમાં ચાલતાં સંચલનોનો નકશોયે શબ્દમાં ઉતારવાનું સૂચવી શકાય. ભાષા-સાહિત્યના અધ્યાપનમાં જ્ઞાન-ગુમાનની ગાંસડીઓ બાંધી બાંધીને વિદ્યાર્થીને ભારે મારવાનું ટાળવું જ પડે. વિદ્યાર્થીને આપણે આપણા વિચારો પ્રતિભાવો વગેરે જ્યાં લટકાવાય એવી ખીંટી બનાવવાનો નથી. વિદ્યાર્થી પોતે વિચારતો થાય, સ્વતંત્રપણે પોતાના પ્રતિભાવો પ્રગટ કરતો થાય એવું કરવાનું રહે છે. તેને ભાષાસાહિત્યની માહિતી જ નહીં તેનો પ્રત્યક્ષ અનુભવ જ થાય એવો ઉપક્રમ રચાવો જોઈએ. વળી પ્રત્યેક વિદ્યાર્થી પાસે પોતાનો કંઈ ને કંઈ આગવો અનુભવ તો હોવાનો જ. એ અનુભવમાં સાહિત્યની સામગ્રી થવાની ક્ષમતા પણ હોય છે. એ ક્ષમતાનો લાભ લેવાનું આયોજન પણ અધ્યાપનમાં કરાય તે ઇચ્છવાયોગ્ય છે. જેમ લખતાં લખતાં લહિયો થાય, પાણીમાં છબછબિયાં કરતાં તરવૈયો થાય તેમ વિદ્યાર્થી પોતાના અનુભવને બને તેટલી સારી રીતે – અસરકારક રીતે ભાષામાં મૂકવાની મથામણ કરે તો સંભવ છે કે તે એના લખાણમાં – એની અભિવ્યક્તિમાં કેટલીક સાહિત્યિક વિશેષતાઓ પણ લાવી શકે. કેવળ તરવાનું શાસ્ત્ર ગોખવાથી તરવૈયો ન થાય તેમ કેવળ સાહિત્યનું શાસ્ત્ર પઢાવવાથી સાહિત્યની શક્તિનો વિદ્યાર્થીને યથાતથ ખ્યાલ નહીં આવી શકે. બહેતર એ છે કે એને સાહિત્યના સર્જન-ભાવનનો સીધો અનુભવ મળે. અખાડામાં ઊતર્યા વિના કુસ્તી ન શિખાય તેમ જ સાહિત્યના પ્રત્યક્ષ અનુભવમાં આવ્યા વિના સાહિત્યના સર્જન-ભાવનની શક્તિ પણ ન ખીલે, ન કેળવાય. વિદ્યાર્થીની નાભિમાં જ કસ્તૂરી છે તેનું તેને ભાન કરાવવું જ રહ્યું. વિદ્યાર્થીમાં ભાષા રમણીય રીતે કે અસરકારક રીતે પ્રયોજવાની શક્તિ સુષુપ્ત પડેલી છે તેનું ભાન તેને થાય એવું કરવું જોઈએ અને એ શક્તિ પ્રગટ થવા પૂરતો અવકાશ મળે – ‘એક્સ્પોઝર' મળે એ બાબતેય વિચારવું જોઈએ. આ સંદર્ભમાં વિદ્યાર્થીને રોજનીશીનું લેખન ફરજિયાતપણે કરવાનું સોંપી શકાય. સોંપેલું અમુક લખાણ નિયમિતપણે મળે, તે નિયમિત રીતે જોવાય-ચકાસાય એવી વ્યવસ્થા ગોઠવવી પડે. ભાષા-સાહિત્યના મોટા વર્ગોને બદલે આઠ-દસ વિદ્યાર્થીઓનાં જૂથ-વર્તુળોની યોજના કરવી પડે. હાજરીને વિદ્યાર્થીના લેખનકાર્ય સાથેય સાંકળી શકાય. વિદ્યાર્થી જેમ રોજેરોજ પોતાની સિકલ અરીસામાં જોવાનો રસ ધરાવે છે તેમ રોજનીશીના પાના પર પોતાના દરેકેદરેક દિવસને જોવા ટેવાય તો તે ઇષ્ટ છે. આત્મનિરીક્ષણથી માંડી આત્માભિવ્યક્તિની શક્તિ સુધીનો એનો વિકાસ તેથી થઈ શકે. વિદ્યાર્થીની આત્મસંપદા તેથી ઠીક ઠીક વધે. કોઈનું ગોખેલું બોલવું તે ખરા અર્થમાં બોલ્યું ન ગણાય. પોતાના અનુભવથી બોલવું એ જ સાચું બોલવું છે. વિદ્યાર્થીને સાચા અર્થમાં પોતાની રીતે વિચારતો બોલતો કરવાનો છે. ભાષાસાહિત્યના અધ્યાપનમાંયે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. વિદ્યાર્થીના ચિત્તનો ડાઇનેમો જે તે મુદ્દાના સંદર્ભે વિચારતો કામ કરતો થાય એ જરૂરી છે. આ માટે વિદ્યાર્થીને ગૃહલેખન તેમ જ તત્કાલલેખનમાં એવા એવા મુદ્દાઓ પર લખવાનું સોંપવું જોઈએ, જેના વિશે અન્ય કોઈનું વિચારેલું તૈયાર ન મળે ને વિદ્યાર્થીને જ પોતાની રીતે વિચારવાની ફરજ પડે. વિદ્યાર્થીનું ચિત્ત વિચાર કરતું, અનુભવ-સંવેદનમાંથી પોતાની રીતે પસાર થતું રહે એ અનિવાર્ય છે. એ કરવા સાથે જ એની ભાષા-સજ્જતા તથા અભિવ્યક્તિક્ષમતા માટેની કેળવણી-તાલીમ પણ અપાતાં જાય તે જરૂરી છે. વિદ્યાર્થીઓને શબ્દગત ભાષાગત તાલીમ માટેની અનેક રમતો ને એવાં સ્વાધ્યાયકાર્યો આપી શકાય. ગતિની સાથે સંકળાયેલાં ક્રિયાપદો, પગ અથવા હાથની સાથે સંકળાયેલાં ક્રિયાપદો, અવાજની સાથે સંકળાયેલા શબ્દો, રૂપની સાથે સંકળાયેલાં વિશેષણો, અમુક પ્રકારના સમાનાર્થી કે વિરુદ્ધાર્થી શબ્દો રૂઢિપ્રયોગો ને કહેવતો, લાક્ષણિક શબ્દ-પ્રયોગો વગેરેને આવરી લેતાં લેખનકાર્યો વિદ્યાર્થી કરે એ જરૂરી છે. આપણા હાલના ગુજરાતીના અભ્યાસક્રમમાં વાચન પર જેટલો ભાર જાય છે તેટલો મનન લેખન પર જતો નથી. વળી એમાં વિદ્યાર્થીની ભાષા-સાહિત્ય પરત્વેની સર્જકતાને પ્રકટવાનો જોઈએ તેટલો અવકાશ રહેતો નથી. વિદ્યાર્થીને અધ્યાપકે શીખવવાનું છે એ ખરું પણ એમાંયે વિદ્યાર્થી આપમેળે શીખતો થાય એવું જ ખાસ તો કરવાનું રહે છે. વિદ્યાર્થીને તો જ વિદ્યા ચડશે. વિદ્યાર્થીની બુદ્ધિ પરપ્રત્યયનેય રહે એ તો કરુણતા જ લેખાય. વિદ્યાર્થીને ભાષામાં સાહિત્યમાં રસ પડે અને એ ક્ષેત્રે એને જાતભાતના સર્જનાત્મક પ્રયોગો કરવાની તક મળે એવું એક વિષયક્ષેત્ર હોવું જોઈએ. વિદ્યાર્થીને માટે અધ્યાપકે ક્યારેક ‘કેટલિક એજન્ટ’ જેવા બની રહેવું જોઈએ. અધ્યાપકે વિદ્યાર્થીને પ્રતીત કરાવવું જોઈએ કે જે રસની એ બહાર શોધ કરે એ રસ એની ખુદની અંદર જ છે. પોતાની ભીતર જ પાતાળકૂવો છે, પણ બાપડા વિદ્યાર્થીને એની જાણ નથી ને તેથી તે ઘડો લઈ પાણી ભરવા આમતેમ પનઘટોની શોધ કરતો ફરે છે! ખગોળની ઘણી ખૂબીઓ વિદ્યાર્થીની આસપાસ બ્રહ્માંડમાં ને મીરાંની જેમ સૂક્ષ્મતયા જોઈએ તો એના પિંડમાંયે છે, પણ આપણે તો ખગોળના નકશા એની સામે એવી રીતે ધરી દીધા છે કે એ નકશામાંથી છૂટી કશામાં જવા-પહોંચવા વૃત્તિ-હામ-સાહસ વગેરે એનામાં પ્રગટતાં જ નથી. એના મનનો પંખો બિડાયેલો જ રહે છે. ખગોળમાં ઊડવા માટે અવતરેલું પંખી પિંજરમાં જ જીવતરના જામ વેડફતું જીવે છે. વિદ્યાર્થીને આપણે ઘણુંબધું એની મેતે કરવા દેવા પ્રોત્સાહિત કરવો જોઈએ. સાહિત્યક્ષેત્રે તૈયાર અલંકારો આપી દેવાને બદલે એ અલંકારો તે પોતે રચે એવા કીમિયા કરવા જોઈએ. ચંદ્ર કે સૂર્ય જેવું ઉપમાન લઈ વિદ્યાર્થી પોતે પચીસ-ત્રીસ ઉપમાવાક્યો ન લખી શકે? છંદોનું બંધારણ ગોખાવવાનો લાભ કેટલો? એથી બહેતર તો વિદ્યાર્થી પોતે જ લયતત્ત્વનો છાંદસતત્ત્વનો સાક્ષાત્કાર કરતાં કરતાં છંદનો પરિચય સાધે એ છે. વિદ્યાર્થીને ચોપાઈ કે દોહરા જેવી રચના કરવા ન પ્રેરી શકાય? પ્રાસનાં લક્ષણો ગોખાવવા કરતાં પ્રાસ મેળવવાનું કોઈ મનોયત્ન એને ન આપી શકાય? ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’એ શાળાકક્ષાએ કેટલાક વિદ્યાર્થીઓને સફળતાથી હાઈકુની લીલામાં સંડોવ્યા હતા. વિદ્યાર્થીઓને અમુકતમુક પાત્રાલેખન વિશે પૂછવામાં આવે છે; એમ ભલે થાય, પરંતુ તે સાથે એ પોતે જ પાત્રસર્જન કરે એવું ન કરી શકાય? બસમાં ચડતાં રહી ગયેલી એક ડોશી વિશે આપણો વિદ્યાર્થી એકબે પાનાં લખે તો? ખાદીહાટમાં મળતી ચંપલની જોડી જોઈ, ક્રમશઃ એ પહેરનાર પાત્રનુંયે નખશિખ ચિત્રણ એ કરે તો? વિદ્યાર્થીઓનું એક જૂથ પોતે જ કોઈ એકાદ ઘટનાથી શરૂ કરી, એમાં પૂર્તિ કરતાં કરતાં વાર્તા જેવો કોઈ નમૂનો ઉપજાવી શકે. વિદ્યાર્થી ટૂંકી વાર્તાનાં લક્ષણો સમજે એ માટે તે ટૂંકી વાર્તા લખવાની કામગીરીમાં સંકળાય તો તે વધુ ઇચ્છનીય નહીં? જણતરની પીડા જનેતા જ જાણે એમ સર્જનની કેટલીક ખૂબીઓ તો સર્જનની પ્રક્રિયામાં સંડોવાતાં જ પ્રતીત થાય. આપણા વર્તમાન અભ્યાસક્રમમાં આપણે નિબંધલેખનથી ઝાઝું આગળ વધ્યા નથી. સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં સર્જનાત્મક ભૂમિકાએ વિદ્યાર્થીઓ સક્રિય થાય એ મને તો ખૂબ જરૂરી લાગે છે. વિદ્યાર્થીઓ જ એમની કલ્પનાશક્તિને સંકોરીને તેની સહાયથી તાળું-કૂંચી, પડદો-બારી, ફૂલ-પતંગિયું, કીડી-કબૂતર વગેરે વચ્ચેના સંવાદની રચના કરે તો કેટલું સારું! એવી રચનાઓ અધિકારી માર્ગદર્શક અધ્યાપક આગળ વંચાય અને તારતમ્યભાવે તેના ગુણદોષોની ચર્ચા થાય એ પણ આવશ્યક છે. વિદ્યાર્થીઓ લખવા ખાતર લખે એ જરાયે ઇષ્ટ નથી. તેઓ હોંશથી રસથી કંઈક સુંદર લખવા પ્રેરાય એવું આયોજન વર્ગખંડમાં ને કસોટીઓમાં હાથ ધરાવું જોઈએ. વિદ્યાર્થીઓ આગળ ઉત્તમ સાહિત્યકૃતિઓના નમૂના અનિવાર્યતયા રજૂ થવા જોઈએ; પણ તે રજૂ કરવાની પદ્ધતિ બને તેટલી અનૌપચારિક રહેવી જોઈએ. કોઈ હાઈકુ લખનાર વિદ્યાર્થીને જાપાની કવિ બાસોના સુંદર હાઈકુનો નમૂનો કે ઘરઆંગણે સ્નેહરશ્મિના હાઈકુનો નમૂનો આપણે બતાવી શકીએ. વળી એક જ વિષય પર વિવિધ સર્જકો કલમ અજમાવે ત્યારે વૈવિધ્ય ને નાવીન્ય લાવે છે તેય નમૂનાઓ એકત્રિત અને સંકલિત કરીને બતાવી શકીએ. ઉત્તમ સાહિત્યકૃતિની ઉત્તમતા ક્યાં રહી છે તે સહૃદયતાથી ઉત્સાહથી બતાવવું જોઈએ. આ માટે ભાષા-સાહિત્યનો અધ્યાપક એ કારકિર્દીનો ભૂખ્યો નહીં પણ સાહિત્યપદાર્થનો ભૂખ્યો ને રસિયો હોવો જોઈએ. શબ્દના ખરેખરા ઘાયલો જ શબ્દનો છંદ-રસ-ચેપ અન્યને લગાડી શકે. જે કમબખ્ત પોતે પ્યાલી પીધી ન હોય એ અન્યને એનો ચસકો ક્યાંથી લગાડી શકે? વિદ્યાર્થીઓને અધ્યાપકે કોઈક રીતે સાહિત્યના વાતાવરણમાં રાખવા જોઈએ. એ માટે જે કંઈ કરવું ઘટે તે કરવું જોઈએ. વિદ્યાર્થીઓ સાહિત્યના કાર્યક્રમોમાં રસ લે એવું કરવું જોઈએ. ખાસ તો પ્રત્યેક વિદ્યાર્થીને કોઈ ને કોઈ સાચા ઉમદા સાહિત્યકારનો સંપર્ક સાધવા ને એના સાંનિધ્યનો લાભ લેવાનુંયે સૂચવી શકાય. વિદ્યાર્થીઓ સાહિત્યની પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ એના અનુભવો લેખનમાં મૂકતા થાય એવુંયે કરી શકાય. ‘કાવ્યજ્ઞશિક્ષા' ને ‘અભ્યાસ' જેવી બાબતોનો મહિમાયે ચીંધી શકાય. રાજશેખરકૃત ‘કાવ્યમીમાંસા'માં નિરૂપિત કવિચર્યાનો ખ્યાલ પણ આપી શકાય. રિલ્કેએ નવકવિને આપેલ શીખનો કે ‘રાઇટર્સ એટ વર્ક’માં નિરૂપિત મુલાકાતો વગેરેનો મર્મ-પરિચય પણ વિદ્યાર્થીઓ આગળ રજૂ કરી શકાય. એ વાત સાચી છે કે બધા વિદ્યાર્થીઓને ભાષા-સાહિત્યમાં એકસરખો રસ ન હોય. કેટલીક ભાષાનો ઉપયોગ કેવળ વ્યાવહારિક ભૂમિકાએ બરોબર થાય તો એથી સંતોષ પામનારા હોય. એ માટે ભાષા-અધ્યાપનની નીતિરીતિમાંયે ઘટતા ફેરફારો કરવા પડે; પરંતુ જે વિદ્યાર્થીઓ ભાષાનો સાહિત્યિક ભૂમિકાએ પરિચય સાધવા માગે છે અને જેમને સાહિત્યપદાર્થ માટે કૌતુક–જિજ્ઞાસા ને રસ-રુચિ છે તેમને માટે તો સંગીત-નૃત્યની ઘરાણા-શૈલી કદાચ અમુક અંશે સવિશેષ ફલદાયી થાય. જેમ સંગીત-નૃત્ય બધાં માટે નથી હોતું તેમ કાવ્યસાહિત્ય પણ બધાં માટે ન હોય. તેથી આ ક્ષેત્રે અધ્યાપન કરવા કે અધ્યયન કરવા ઇચ્છનાર સૌ માટે પ્રવેશાધિકાર ઘણો ઊંચો ને કડક રાખવો જોઈએ. એમ કરવા જતાં સામાજિક, આર્થિક વગેરે અનેક સમસ્યાઓ પણ પેદા થાય. એ સામે બરોબર પડકારપૂર્વક કાર્ય કરવાની તૈયારી હોય તો જ ભાષા-સાહિત્યનું જડ બનતું અધ્યયન-અધ્યાપન સચેત કરવાના પ્રયોગો થઈ શકે. મને લાગે છે કે સર્જનાત્મક ભૂમિકાએ મોકળાશથી કામ કરવા માટે કેટલીક સામાજિક-વિદ્યાકીય સંસ્થાઓએ સ્વૈચ્છિક રીતે આગળ આવવું જોઈએ અને એમને એમની રીતે કેળવણી-પ્રયોગો કરવા માટે સંપૂર્ણ છૂટછાટ મળવી જોઈએ. પ્રમાણપત્રોના આધારે જ રોજગારી આપવાના ગઠબંધનનેય કદાચ તોડવું પડે. અનુદાનની શરતોના ને સરકારી માન્યતાના સવાલોનોય સામનો કરવાનો આવે. આમ છતાં ભાષા-સાહિત્યની કેળવણી આપતી કેટલીક સંસ્થાઓએ ‘સીડફાર્મ' (બીજક્ષેત્ર)ની રીતે કાર્ય કરવા આગળ આવવું જોઈએ. ‘કુમાર’ની બુધસભા, ઓમિસિયમ, હૉટેલ પોએટ્સ, આકંઠ સાબરમતી જેવી કેટલીક સંસ્થાઓને એવાં કેટલાંક વર્તુળોને હું જાણું છું, જેમણે કોઈ યુનિવર્સિટીનાં ભાષા-સાહિત્યનાં ભવનોથી જરાયે ઓછું નહીં, બલકે કેટલીક બાબતમાં વિશેષ સાહિત્યનું કામ કર્યું છે. આપણને તો બંનેયની ગરજ યુનિવર્સિટીનાં ભાષાસાહિત્યનાં વર્તુળોની, તેમ કાવ્યગોષ્ઠિ ચલાવતાં સાહિત્યિક વર્તુળોની પણ. આપણે ઇચ્છીએ કે ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસક્રમમાં પઠન, લેખન, સર્જન વગેરેનાં પાસાંને આજે છે તેથી ઘણું વધારે મહત્ત્વનું સ્થાન મળે અને એ અંગેના કાર્યક્રમોના રૂડા સંચાલન-પ્રસાર માટે જરૂરી બધી જ સહાય, પ્રોત્સાહન ને માર્ગદર્શન પણ અધિકારી સાહિત્યિક વર્ગ દ્વારા ને સમાજ દ્વારા મળતાં રહે.