અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ : નકલંકી ભજનો – બળવંત જાની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨. ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ :
નકલંકી ભજનો
બળવંત જાની

બૃહદ ગુજરાતની વિવિધ યુનિવર્સિટી-સંલગ્ન વિદ્યા-સંસ્થાનોમાં ગુજરાતી વિષયના અધ્યયન અને અધ્યાપનને વિશેષ તેજસ્વી બનાવવાના આદર્શને કેન્દ્રમાં રાખીને સ્થપાયેલ ‘ગુજરાતીનો અધ્યાપક, સંઘના ૫૯મા અધિવેશનના અધ્યક્ષપદે મારી બિન-હરીફ વરણી થઈ એ માટે આપ સૌ પરત્વે મારો ઋણભાવ પ્રગટ કરું છું. સત્યના પરમ ઉપાસક મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત વિદ્યા-વ્યાસંગની આ ભારે તેજોમય ભૂમિ ગૂજરાત વિદ્યાપીઠમાં આપણે સહુ મળી રહ્યા છીએ એની પ્રસન્નતા પ્રારંભે પ્રગટ કરું છું. આપણા આ સંઘ સાથે હું એકાદ દાયકા સુધી વિવિધ પદેથી સેવા માટે સંકળાયેલો રહ્યો છું. અપવાદે થોડાંક અધિવેશનો સિવાય મારી અધ્યાપક કારકિર્દી આરંભાઈ તે ગાળાથી એટલે કે ઈ.સ. ૧૯૭૬થી અધિવેશન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું બન્યું છે. આવાં અધિવેશનોમાંની ઉપસ્થિતિમાંથી જ મને સંશોધન-વિવેચન ક્ષેત્રે ક્રિયાશીલ થવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. મારા પૂર્વસૂરિ વિદ્વાન અધ્યક્ષોએ આ સ્થાને પ્રસ્તુત કરેલ અધીતના પ્રવાહમાં મારું નાનકડું બોયું વહતું મુકતા એ સર્વે પૂર્વ સૂરિઓને વંદું છું. છેલ્લા કેટલાક સમયથી હું અધ્યાપન સાથે સાથે કંઠસ્થ પરંપરાના લોકસાહિત્ય, સંતસાહિત્ય, ચારણીસાહિત્ય અને ધર્માંતરિતપ્રજાના સાહિત્યનો ઉપરાંત વિવેચનના વિવિધ અભિગમોનો વિદ્યાર્થી-અભ્યાસી રહ્યો હોઈને આ સંદર્ભે કશાક સિદ્ધાંતોને પ્રયોજીને એ વિષયે કંઈક કહીશ એવી સહજ રીતે મારી વરણી કરનારા સહુની અપેક્ષા હોય એ પણ સ્વાભાવિક છે. છેલ્લા દોઢેક દાયકાથી ગુજરાતની ધર્માંતરિત મુસ્લિમ ગણાતી પ્રજા વ્હોેરા, ખોજા, મુમના, મોલેસલામ, મતવા અને મીર જ્ઞાતિના સાહિત્ય તથા વિધિ-વિધાનોમાંથી પ્રગટતી સંસ્કૃતિનો સ્વાધ્યાય કરી રહ્યો છું. એ કારણે સારી એવી સામગ્રીનું એકત્રીકરણ પણ થયું છે. એને વર્ગીકૃત કરીને અભ્યાસ પણ આરંભ્યો છે. આમાં મને નિજારી-ઇસ્માઈલી ખોજાના પીર દ્વારા રચાયેલી ગિનાન રચનાઓથી અનુપ્રાણિત એવી ત્રણ સો જેટલી નકલંકી ભજન રચનાઓ પ્રાપ્ત થઈ છે. પીર સિવાયના રચયિતા ભક્તોએ રચેલી આ ભજન રચનાઓ ગિનાન કક્ષાની ન ગણાય, પરંતુ એમાંના અલી, આગાખાન, નકલંકના નિરૂપણને કારણે ગિનાનનો પ્રતિઘોષ પાડતી આ રચનાઓને ગિનાનના અનુસંધાને સ્વીકૃતિ મળી પણ જણાતી નથી. આપણે જેને અવહેલનાપ્રાપ્ત (Subaltern literary trasition) ગણવી જોઈએ એ ઇસ્માઇલી ગિનાનના અનુરણનરૂપ આ નકલંકી ભજનો એ રીતે ખરા અર્થમાં મને subaltern literature લાગ્યાં છે. મૂળ ભારતીય વિચારક રણજિત ગુહાએ વિશેષ પ્રસરાવેલ અને વિશ્વના અભ્યાસીઓને વિત્તવાળી જણાતી આ વિચારધારા એક અભિગમ રૂપે એ ત્રણ-ચાર દાયકાને અંતે સ્થિર થઈ છે. અહીં એની સૈદ્ધાંતિક પીઠિકા અનુસ્યુત જણાશે. પરંતુ એ સંદર્ભમાં મને આ ઇસ્માઈલી પીર સિવાયના, ખોજા સિવાયનાઓએ ઇસ્માઈલી પરંપરાને જાળવીને રચેલી નકલંકી ભજન રચનાઓ ન તો ઇસ્માઈલી ગિનાન પરંપરાના અભ્યાસીઓના અભ્યાસતો વિષમ બની કે ન તો ગુજરાતી સંતસાહિત્યના અભ્યાસીઓના ધ્યાનમાં આવી. આ વિષય સંદર્ભે હું કઈ રીતે અને કેમ આકર્ષાયો એની વિગતો નિર્દેશીને પછી એ સામગ્રીનો આસ્વાદ કરાવીને એની વિશિષ્ટતાઓ અને આગવાપણા પરત્વે અંગુલિનિર્દેશ કરવાનો ઉપક્રમ મેં મારા વ્યાખ્યાનમાં રાખ્યો છે.

ભૂમિકા :

કોઈ પણ એક પરંપરા ક્યારેય નષ્ટ થતી હોતી નથી, એ જીવંત રહે છે. જીવંત પરંપરા એ હકીકતે એના પ્રબળ અને વ્યાપક પ્રભાવની પરિચાયક છે. પરંપરા મોટે ભાગે જીવંત ત્યારે જ રહે જ્યારે એમાં વર્તમાન સમયને અનુકૂળ-અનુરૂપ તત્ત્વો ભળે, સ્વીકૃતિ મેળવે અને બદલાયેલું રૂપ મૂળ પરંપરા-પ્રવાહને જીવંત રાખે. ગિનાન રચનાની પરંપરા પીર પછી પણ નિજારી ઇસ્માઈલી ઇમામ શાહ પ્રેરિત સંતપંથીઓમાં પીર પદ ન ધરાવતા હોય એવા કર્તાઓ દ્વારા પરિવર્તિ રૂપે-સ્વરૂપે નકલંકી ભજન રૂપે પણ જીવંત પરંપરા તરીકે ચાલુ રહી. પરંતુ એ આપણા અભ્યાસનો વિષય ન બની અને ઈ.સ. ૧૯૪૭ના ભાગલા-વિભાજન પછી એ પરંપરા હિન્દુસ્તાનમાં જાણે લુપ્ત થઈ, એને પ્રોત્સાહન ન મળ્યું. પીર પછીની એ પરંપરા અહીં હિન્દુસ્તાનમાં-ભારતમાં ચાલુ હતી એનાં કેટલાંક પ્રમાણો અને દસ્તાવેજી સામગ્રી નકલંકી ભજનો રૂપે મને પ્રાપ્ત થયાં છે. આ નકલંકી ભજનોની વિષયસામગ્રી અવલોકતાં મને લાગે છે કે એ પરંપરા હકીકતે ગિનાન પરંપરાનું જ જીવંત સ્વરૂપ છે, પણ એનો ગિનાન સ્ટડીઝમાં કે નિજારી ઇસ્માઈલી-સતપંથ સ્ટડીઝમાં પણ સમાવેશ થયો જણાયો નથી. ઇસ્માઈલી ગિનાન ગરબી અને આખ્યાન જેવા કાવ્યપ્રકારોના માધ્યમથી રચાયાનાં પ્રમાણ પીર શમ્સની ‘ગરબીઓ’ અને ‘રાજા ગોવરચંદનો આખિયાન’ દ્વારા મળે છે. અહીં એ અંગેના પૂર્વાનુભવ રૂપી અનુભવમૂલક તથા દસ્તાવેજી આધારો પ્રાપ્ત કરીને પીર સિવાયના કર્તાઓ દ્વારા પણ ગિનાન પરંપરાની ભજન-પદ નામથી નકલંકી ભજન રચનાઓ રચાઈ છે એની વિગતો સ્થાપિત કરવાનો આશય છે, એ માટે મેં આ નિબંધને પાંચ ભાગમાં વિભાજિત કરેલ છે. પ્રથમ ભાગમાં આ વિષય સાથેનો મારો પૂર્વાનુભવ પરિકલ્પના સ્વરૂપે આલેખેલ છે. બીજા ભાગમાં ગિનાન સ્વરૂપનો પરિચય. ત્રીજા ભાગમાં જ્યાંથી મેં સામગ્રી પ્રાપ્ત કરી છે એ મૂળભૂત સંદર્ભ – સામગ્રીનો પરિચય કરાવ્યો છે. ચોથા ભાગમાં નમૂનારૂપ પંદર રચનાઓ સંપાદિત કરીને અને એનો અર્વાચીન ગુજરાતીમાં અનુવાદ કરીને પ્રસ્તુત કરેલ છે. પાંચમા ભાગમાં નકલંકી ભજનો ઇસ્માઈલી ગિનાનથી કેવી રીતે જુદા તરી આવે છે એ નિર્દેશીને નકલંકી ભજનની આગવી અનોખી એવી વિશિષ્ટ મુદ્રા પણ તારવી બતાવી છે. ઇસ્માઈલી ગિનાન પરંપરાની વિશિષ્ટ રચના તરીકેના સ્થાન-માન રૂપે નકલંકી ભજનો સ્થાપિત કરવાનો ઉપક્રમ છે. આ વિશિષ્ટ પ્રકારના ગિનાનમાં-નકલંકી ભજનોમાં – કેન્દ્રસ્થાને નકલંકની છબી છે. દશ અવતારમાંના કલ્કી એ જ નકલંકી. એને અલી તરીકે પણ દર્શાવાયા છે. પીર દ્વારા રચાયેલા અનેક ગિનાનમાં પણ અલીનો – નકલંકનો નિર્દેશ જોવા મળે છે. એટલે અહીં અભ્યાસમાં આ ભજનોને નકલંકી ભજનો તરીકે ઓળખાવ્યાં છે. ગિનાન લિટરેચરના ઊંડા અભ્યાસી પ્રોફે. અલી આસાની ગિનાન સંદર્ભે લખે છે કે : Typically, in ginans, such as a ‘classic’ Dasa avatara, the pirs, many of whom even took on local Indian names, represented themselves as guides who knew the whereabout of the awaited tenth Kalki avatara of Visnu. Through a process of mythopoesis, they created an ostensible correspondence between this Vausnava Hindu concept and the Ismaili concept of the imam. the tenth avatara of Visnu, renamed in the tradition as Nakalanki ‘the stainless one’, was indentified with ‘Ali, the first Shia imam.’૧ [1]

: ૧ :
પૂર્વાનુભવ અને પરિકલ્પના :

પ્રોફે. અલી આસાનીનો મુદ્દો ઘણો સાચો છે. મારો પોતાનો અંગત અનુભવ પણ આ પ્રકારનો છે. મારે પણ ખોજા કોમ્યુનિટીની ખૂબ નિકટ રહેવાનું બન્યું છે. મને ક્યારેય તેઓ આવા કારણે વિધર્મી લાગ્યા નથી. ખોજા જ્ઞાતિ સાથે અમારે ત્રણ પેઢીનો સંબંધ છે. આ સામાજિક સંબંધનો અસંપ્રજ્ઞાત પ્રભાવ મારા સ્વાધ્યાય-સંશોધનમાં અત્યંત સહજ રીતે પડ્યો છે. મને યાદ છે કે ચાલીશ વર્ષ પૂર્વે કરાંચીથી નીમજી આણંદજી એમના પરિવાર સાથે અમારે ઘેર (કમળાપુર, તા. જસદણ, જિ. રાજકોટ) આવેલા. તેઓ તેમની સાથે સ્વાદિષ્ટ મીઠાઈ કરાંચીનો હલવો લાવેલા. એમની સાથે મારા દાદાજીની આંગળી પકડીને હું પણ કબ્રસ્તાન ગયેલો. ત્યાં ઘણી મહેનતને અંતે તેમણે એમના વડવાની કબર ખોળી કાઢેલી. પછી ‘ખાનેશ્વર મહાદેવ’, કમળાપુર - જૂનું નામ મોટી અણિયાળી, ખોજાખાનાને એક ખૂણે શિવમંદિરનું નામ ખાનેશ્વર મહાદેવ છે, ત્યાં ગયેલા. ત્યાં શ્રીફળ-હલવો મારા દાદાજીએ ધરાવેલ. ખોજાખાનું તો હવે કરશનભાઈ ઉકરડાભાઈ આહીરે ખરીદી લીધેલ હોઈને ત્યાં કશું કરવાનું ન હતું, પણ તેમ છતાં એ ભવ્ય ઇમારતની એમની સાથે મેં મુલાકાત લીધેલી. પછી અમારા ઘરની બિલકુલ પાછળ રહેતા રજબઅલી ધારશી પીરાણીને ઘેર તેઓ ગયેલા અને એક ઓરડામાં બાજોઠ, પાટલા પર કંઈક પોટલું છોડીને કશીક વિધિ કરતા અને ‘ગિનાન ગાઈએ’ એમ સાંભળેલું. ત્યાર બાદ સમૂહમાં ગવાતા સાંભળેલા ગિનાનના પડઘા હજુ કાનમાં ગુંજે છે. રજબઅલી ધારશી ઊનના વેપારી. એમનાં પત્ની મણિમાએ તો મને સાવ નાનો હતો ત્યારે સાચવેલો. તેઓ મારા પિતાજીના પાકા સ્નેહી. એમના દીકરા સદરુદ્દીન, છોટુઅલી, અમીરઅલી મારા પણ ખાસ મિત્રો. અમે મેટ્રિક સુધી તો એકસાથે વાંચીને જ પરીક્ષા આપતા. સાથે જ ઊછરેલા એમ કહીએ તો ચાલે. હું નાનો હતો ત્યારે મારી બાની સાથે ‘હરણી રોજું’ પણ રહેલો. અમારા ગામ કમળાપુરમાંથી અંદાજે બસો-ત્રણસો ખોજા કુટુંબો વિભાજન બાદ પાકિસ્તાન ચાલ્યાં ગયાં. અમારા પડોશમાં રહ્યું માત્ર ‘રજુબાપુ’નું કુટુંબ. અમે રજબઅલીભાઈને ‘રજુબાપુ’ સંબોધતા. અહીં કમળાપુરમાં બાકી રહેલા બે-ત્રણ પરિવારો શુક્રવારે સાંજે રજુબાપુને ત્યાં એકત્ર થતા હોય અને એમના ગિનાન સાંભળવાનું મોટે ભાગે મારે બનતું જ. અમને વારસાગત હસ્તપ્રતો અને જૂનાં પુસ્તકોનો શોખ, મારા દાદાજીને પણ જૂના ગ્રંથો સાચવવાનો, જાળવવાનો શોખ, અને પોતે હસ્તપ્રતોના લહિયા હતા એટલે અમારી પાસેના ગ્રંથભંડારમાં ગિનાનની જૂની ચોપડીઓ, ખોજા વૃત્તાંતની ચોપડી તથા દાદાજીની હાથપોથીમાં પણ ઘણાં ગિનાનની નકલ હતી. સંભવ છે કે સાંઠેક વર્ષ પૂર્વે અમારે ગામથી કરાંચી ચાલ્યા ગયેલા નિજારી-ઇસ્માઈલી ખોજા, ગુપ્તી ખોજા કે સતપંથીઓએ મારા દાદાજીને આ ચોપડીઓ આપી હોય. તેમની પાસેના આવા ગ્રંથોમાં એક ‘શ્રી નકલંક ભજન સંગ્રહ ભાગ-૧’ અને ‘શ્રી નકલંકશાસ્ત્ર ભાગ-૨’૨ [2] નામના ગ્રંથો પણ છે. આ ગ્રંથોમાં પીરશમ્સ ઉપરાંત અન્ય પીરની રચનાઓ ગ્રંથસ્થ છે. ઉપરાંત ત્રિભોવન, હીરો, મનસુખ, લક્ષ્મણ, ત્રિકમ અને નાનો એવી નામછાપવાળી ૩૧૦ રચનાઓ છે. અહીં એ ગ્રંથોનો ટૂંકો પરિચય અને એમાંથી પસંદ કરેલી પંદરેક રચનાઓ પ્રસ્તુત કરીને આ રચયિતાઓ સંદર્ભે અને એ રચનાઓ સંદર્ભે મારો અભ્યાસ પ્રસ્તુત કરવાનો આશય છે. પરંતુ એ પૂર્વે આ નકલંકી ભજનો જે પરંપરાનાં છે એ ગિનાન પરંપરાનું પ્રયોજન અને સ્વરૂપનો પરિચય પ્રસ્તુત કરેલ છે.

: ૨ :
ગિનાન રચના : પ્રયોજન અને પરંપરા :

ખોજા પીરના ગિનાનોની સમાન્તરે પીરપદ પ્રાપ્ત ન હોય એવા કર્તાઓની ગિનાન પરંપરાની રચનાઓ પણ મળે છે. આ ગિનાન રચનાઓ વિષયે બહુ અભ્યાસ થયા નથી. ‘આપણું ગિનાન સાહિત્ય’ તાલિમે ઈસમાઇલિયા શ્રેણીનું છઠ્ઠું પુસ્તક છે જેમાં ગિનાન સાહિત્યની ઓળખ આપતાં જણાવ્યું છે કે – ‘આપણા પીરોએ હિન્દુસ્તાનમાં આવી અહીંની પ્રચલિત ધાર્મિક માન્યતાઓનો તેમ જ પ્રાચીન ધર્મશાસ્ત્રો અને ધાર્મિક સાહિત્યનો સંપૂર્ણપણે અભ્યાસ કરી, તેઓની માન્યતાઓને સહેજ પણ ઠેસ પહોંચાડ્યા વગર ઈસ્લામની દઆવત આપી ઝમાનાના ઇમામની શનાખત કરાવી. આ બોધ સચોટ અને સારી રીતે આપવા માટે પીરોએ “ગિનાનોની રચના કરી જે ૭૦૦ વરસોનો આપણો અમર વારસો છે.” હિંદમાં જે ધાર્મિક છંદો અને ભજનો સવારના પ્રભાતિયા રૂપે તેમ જ સાંજના મંદિરોમાં થતી આરતી સમયે ગવાતાં તેમાં માત્ર ઈશ્વરની સ્તુતિ અને ગુણગાન જ નહોતાં, પરંતુ પ્રાચીન સમયથી ચાલી આવતી બોધકથાઓ અને ધર્મની જુદી જુદી વાતો પણ આવતી. આપણા પીરોએ આ બધી જ બાબતોનો બારીકાઈથી અભ્યાસ કરી ગિનાનો રચી ઇસ્માઈલી ધર્મની ફિલસૂફી સમજાવી એક અલ્લાહની સનાખતનો સાચો માર્ગ બતાવી આપણા વડવાઓને દીને હક-સતપંથની સમજણ આપી. જેઓ સત્ય શોધ કરી રહ્યા હતા, તેઓને આલે નબી ઔલાદે અલી-ઝમાનાના ઇમામની ઓળખ આપી તેમના શરણે રહેવા ઉપદેશ આપ્યો. સમયના વહેણ સાથે સિંધ, ગુજરાત અને કચ્છમાં ઇસ્માઈલી ધર્મ ખૂબ જ ફેલાયો અને વધારે ને વધારે લોકોએ સતપંથ ધર્મનો સ્વીકાર કર્યો, જેમાં પીરો રચિત ગિનાનોએ ઘણો જ મોટો ભાગ ભજવ્યો. ગિનાનો રચવામાં પીરોએ અથાગ મહેનત લીધી હતી. તેમણે હિંદની પ્રચલિત પ્રાદેશિક ભાષાઓ અને માન્યતાઓનો અભ્યાસ કરી, લોકો સમજી શકે એવા ગિનાનો રચ્ચા.’૩ [3] આગળ ઉપર ભજન સ્વરૂપના સમીપવર્તી અને હિંદુ સંસ્કૃતિથી અનુપ્રાણિત ગિનાનની વધુ સ્પષ્ટ ચર્ચા કરતા એ જ ગ્રંથમાં આલેખવામાં આવ્યું છે કે – ‘આપણા પીરોનો ઉદ્દેશ ધર્મબોધ આપવાનો હતો, સાહિત્યનો વિકાસ કે કોઈ ભાષાને સમૃદ્ધ કરવાનો નહોતો. આમ છતાં ગિનાનોની રચનાથી ધાર્મિક સાહિત્ય તો સમૃદ્ધ થયું જ. સામાન્ય લોકો પણ સમજી શકે અને ધર્મનાં ગહન રહસ્યો તેઓની સમજશક્તિની બહાર ન રહે એ માટે આપણાં પીરોએ તળપદી ભાષા (પ્રચલિત ગામઠી ભાષા)ના શબ્દોનો પણ ગિનાનોમાં ઉપયોગ કરી તમામ વર્ગના લોકો સુધી ઇસ્માઈલી સતપંથ મઝહબનો સંદેશ પહોંચાડ્યો.’૪ [4] પીર પરંપરાની સાથોસાથ સ્થાનિક રીતે મુખી - કામડિયા દ્વારા ગતમાં ધાર્મિક ક્રિયાઓ થતી હતી. આ અંગેની વિગતો પણ એ જ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. તદ્‌નુસાર – ‘આપણી સર્વે ધાર્મિક ક્રિયાઓ ગતમાં મુખી – કામડિયા દ્વારા અને તેઓ સમક્ષ થાય છે, જેમના સાથે વાદ-વિવાદ ન કરવા પણ ગિનાનોમાં શિહદાયત અપાઈ છે. આપણે જાણીએ છીએ તેમ મુખી - કામડિયા ઇમામના પ્રતિનિધિઓ છે અને તેમની નિમણૂક ઝમાનાના ઇમામ તરફથી કરવામાં આવે છે. તેઓ ઇમામ તરફથી ઇમામના પ્રતિનિધિ તરીકે નિમાતા હોવાથી તેઓ ઇમામ વતી બૈઅત લેવાનો, ખાનાવાદન બોલવાનો, જમાતની એક ઉમેદો અને ભલી ઇચ્છાઓ પૂર્ણ થાય તે માટે દુઆ કરવાનો, ધાર્મિક ક્રિયાઓ કરાવવાનો વગેરે અધિકાર ધરાવે છે અને ઇમામ તરફથી તેમને આવી વિશાળ સત્તાઓ મળી છે. લોકશાહી ધોરણે જો મુખી - કામડિયાની ચૂંટણી થાય તો તેઓ ઇમામના નહીં પણ જેમણે ચૂંટ્યા હોય તેના પ્રતિનિધિ ગણાય અને લોકોના પ્રતિનિધિ જે કબૂલ કરે તે ઇમામ કબૂલ કરવા બંધાયેલ નથી. આથી જ મુખી-કામડિયા ઇમામ નીમે છે કારણ તેઓ ઇમામ વતી જમાતનાં કાર્યો કરે છે અને ઇમામ તે સ્વીકારે છે. મુખી-કામડિયાની નિમણૂકની આ પ્રથા થોડાક દાયકાઓ દરમ્યાન શરૂ થયેલી પ્રથા નથી પણ હિંદમાં ઇસ્માઈલી મઝહબની દઆવત કરવામાં આવી અને જમાતખાનાંઓ સ્થપાયાં ત્યારથી એટલે કે સદીઓથી મુખીની નિમણૂક થતી રહી છે જેની વિગતો ગિનાનોમાં મળે છે. પીર સદરદીન (રેહ.)ના ઇતિહાસ પરથી જાણવા મળે છે કે તેઓશ્રીના સમયમાં હ. ઇમામ શાહ ઈસ્મામશાહ (અ.સ.)ના હુકમથી પ્રથમ સિંધમાં કોટડા ગામે અને તે પછી પંજાબમાં અને કાશ્મીરમાં જમાતખાનાંઓની સ્થાપના થઈ હતી અને મુખી-કામડિયા નિમાયા હતા. પરંતુ જમાતખાનાંઓની સ્થાપના પીર સદરદીન (રેહ.)ના પણ પહેલાથી થઈ હતી જે પીર શમ્સ (રેહ.)ના ગિનાનમાંથી જાણવા મળે છે. પીર શમ્સ (રેહ.)એ પોતાના એક ગિનાનમાં લખ્યું છે કે – એજી સિત્તેર ખાના કરિયા, અને ત્રણ સો સાઠ મઠધાર, સરવે ગત ભેલી કરી, આવિયા રાજદ્વાર. પીર શમ્સ (રેહ.)ના આ ગિનાન પરથી જાણી શકાય છે કે તેઓશ્રીએ ૭૦ જમાતખાનાંઓની સ્થાપના કરી હતી અને ૩૬૦ જેટલા અમલદારો નિમ્યા હતા. પીર શમ્સ (રેહ.) રચિત એક બીજું ગિનાન “એજી ફરમાન કરી નરજી બોલીયા”માં પણ ગત જમાતની વિગત છે. હ. ઇમામ કાસમશાહ (અ.સ.) એ પીરને જમાતમાં જઈ કસોટી કરવા હુકમ કર્યો હતો જેમાંથી એક અંધ પાર ઉતર્યો હતો. આ પછી હ. ઇમામ કાસમશાહ (અ.સ.) એ જમાતને આબેશફાની નવાજેશ કરી હોવાની એ ગિનાનની હકીકત છે.૫ [5] આ વિગતો ઉપરથી સમજાય છે કે પીર દ્વારા સ્થપાયેલા જમાતખાનાંમાં મુખી-કામડિયાઓની નિયુક્તિ થતી અને બધાં વિધિવિધાન તેઓ કરાવતા હતા. અહીં અભ્યાસ માટે પસંદ કરેલ તમામ રચનાઓના રચયિતાઓની નામછાપમાં ક્યાંય કર્તાના આવા મુખી કે કામડિયાના પદનો પરિચય પ્રાપ્ત થતો નથી. એટલે કદાચ ઇસ્માઈલી સતપંથી અને ગુપ્ત ખોજા પરંપરાના તેઓ હશે એમ કહી શકાય કારણ કે આ તમામ રચનાઓની વિષય સામગ્રી તો સંપૂર્ણતયા ઇસ્માઈલી ખોજા ગત પાટ પરંપરાની છે. નકલંકનો –અલીનો – નિર્દેશ તમામ રચનાઓમાં થયેલો છે. એના ઢાળ-ઢંગ-તાલ તત્કાલીન લોકપ્રિય તળપદી ગુજરાતીના છે. જ્યાં જ્યાં રાગની પંક્તિનો નિર્દેશ કરાયો છે તે જોતાં તો તત્કાલીન લોકગીત-ભજનોની એ પંક્તિ જણાય છે. આ કર્તાઓ જે તે પ્રદેશની વ્યક્તિ હોવાને કારણે પીર કરતાં પણ વિશેષ પ્રાદેશિકતા તેમની પ્રસંગોપાત્ત રચેલ રચનાઓમાં પ્રવેશી હોય એ સ્વાભાવિક છે. આમ સમાજનો અન્ય એક એવો વર્ગ કે જે સતપંથી અથવા ગુપ્ત રીતે પણ પીરકથિત ગિનાનથી, ઇસ્માઈલી સતપંથીથી પ્રભાવિત થઈને સર્જન તરફ વળ્યો હોવાનું અનુમાન થઈ શકે. આમ સતપંથી અથવા ગુપ્ત ખોજાઓની જે એક પરંપરા છે તેમના અથવા તેમનાથી પ્રભાવિત હોય તેમણે આ રચનાઓ રચી હોવાની સંભાવના નકારી શકાતી નથી. ગિનાન પરંપરાના સ્વરૂપ પરિચય અને પ્રયોજન પરંપરાના અવલોકન પછી હવે રચનામાં જે ગ્રંથોમાંથી મળી છે એ ગ્રંથોનો ટૂંકો પરિચય મેળવીને પસંદ કરેલ રચનાઓનો અર્વાચીન ગુજરાતી અનુવાદ સાથે ઘનિષ્ઠ પરિચય મેળવીએ.

: ૩ :
નિજારી નકલંકી ભજનગ્રંથ : પરિચય અને પરીક્ષણ :

નિજારી ઇસ્માઈલી ખોજાઓ - સતપંથીઓના પરંપરિત રૂપના જૂના ગિનાનના ગ્રંથોમાં ‘શ્રી નકલંકશાસ્ત્ર’નામના બે ભાગ પણ મહત્ત્વના છે. ‘નકલંકશાસ્ત્ર જ્ઞાન પ્રસારક મંડળ’, મુંબઈ-અમદાવાદ તરફથી ઈ.સ. ૧૯૨૧ અને ઈ.સ. ૧૯૨૨માં પ્રકાશિત આ બંને ગ્રંથો મને વિશિષ્ટ પ્રકારનું પ્રકાશન જણાયેલ છે. પ્રથમ ભાગનું નામ “શ્રી નકલંક ભજન સંગ્રહ”૬ [6] છે. જ્યારે બીજા ભાગનું નામ “શ્રી નકલંકશાસ્ત્ર” છે. પ્રથમ ભાગમાં અંદાજે ૩૧૦ જેટલી રચનાઓ છે. આ રચનાઓના રચયિતાઓનાં નામ કૃતિના અંતે જ નામછાપ રૂપે હીરો, ત્રિભોવન, ત્રિકમ, લક્ષ્મણ, જીવણ મસ્તાન, પાંચો મકવાણો ઉર્ફે જીવણદાસ, મોરાર વગેરે પ્રાપ્ત થાય છે, એ રીતે પ્રથમ ભાગમાં નવ કર્તાઓની ૩૧૦ જેટલી રચનાઓ સંગૃહીત છે. કેટલીક રચનાઓ નીચે ‘ચકલાસી ગામે બોરસદનું મંડળ’ એવા ગામના ઉલ્લેખો પણ આવે છે. મુંબઈના શ્રી નકલંક જ્ઞાન પ્રસારક મંડળે ધ યુનિયન પ્રિન્ટિંગ પ્રેસ કંપની-લિમિટેડ, અમદાવાદમાં શાહ મોહનલાલ હિંમતલાલે આ ગ્રંથની ૨૦૦૦ નકલો છપાવેલી અને તેની કિંમત એક રૂપિયો નોંધાયેલ છે. પ્રગટકર્તાએ ગ્રંથના પ્રારંભે પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે, ‘આ કળિયુગમાં દશમ પ્રગટ અવતાર શ્રી સુલતાન મહંમદ શાહ આગાખાનનાં ભજનો જે-જે ભક્તહૃદય વડે રચાયાં છે તે અમોને પ્રાપ્ત થયા મુજબ આ સંગ્રહમાં દાખલ કર્યા છે ને જે કેટલાંક બાકી રહ્યાં છે તે બીજા ભાગમાં પ્રગટ કરી કૃતાર્થ થઈશું.’ (પૃષ્ઠ-૪) નિવેદનમાં નોંધ્યું છે કે, ‘આ કાવ્યસંગ્રહ સતપંથના મહાન પીરોનાં જ્ઞાન (ગિનાન) વાંચીને તથા તેમના મુખની વાણીથી લાભ થયો તે ઉપરથી લેવામાં આવ્યો છે.’ (પૃષ્ઠ-૫) અહીં આરંભે મંગળાચરણ રૂપે ‘અલી ઓમ નકલંકને...., નમીએ, નમીએ, નિશદીન આ અલી નકલંકને’ એવું ગ્રંથ અર્પણ કાવ્ય મુકાયું છે. ત્યાર બાદ દેવાયત પંડિતનું આગમ નકલંકી ભજન મુકાયું છે. ત્યાર પછીના પૃષ્ઠ ઉપર અખા ભગતનું ભજન મુદ્રિત છે. ત્યાર બાદ પ્રકાશનાર્થે તૈયાર થઈ રહેલા અને પ્રકાશિત થનારા ‘વરતેજી’ નામછાપના કર્તાના સંગ્રહ ‘વરતેજી વિલાસ’ના આઠેક છપ્પાઓ જાહેરાત સ્વરૂપે ઉદાહરણ રૂપે ત્રણ પૃષ્ઠ સુધી છાપ્યા છે. ઘણા જૂના લોકો પાસેથી સાંભળ્યું છે કે, ઇસ્માઈલી સમાજના શ્રેષ્ઠી ભાવનગર પાસેના વરતેજના મૂળનિવાસી શ્રી વરતેજી શેઠ ઇસ્માઈલીઓમાં ભારે પ્રખ્યાત હતા, તેઓ આ ‘શ્રી નકલંક જ્ઞાન પ્રસારક મંડળ’ સાથે ભારે નિકટતાથી સંકળાયેલા હોવાનું જણાય છે. એટલે કદાચ એમના ગ્રંથની જાહેરાત અહીં આરંભે મુકાઈ છે. એમાંનો ચોથો છપ્પો અવલોકીએ.

‘સને તેરસો બે હિજરી બેઠી જ્યારે
પેહરી ઇમામત તાજ-તખત બેઠા ત્યારે
સાત વરસનું સીત - ઝળકતું નૂર ખુદાઈ
સતપંથનો સરદાર - કીધી છે રાહનુંમાઈ
ફરમાવી ફરમાન શુભ - ખોલ્યાં મુક્તિ બારણાં
ધનધન સર સુલતાન શા - ‘વરતેજી’ લ્યે વારણાં.’
‘શ્રી નકલંક ભજનસંગ્રહ ભાગ-૧ (પૃષ્ઠ-૬)’

એ પછી અનુક્રમણિકા નથી પણ પ્રારંભે નવેસરથી પૃષ્ઠાંક છે એમાં ૧થી ૫૦ પૃષ્ઠ સુધીમાં હીરાકૃત કુલ ૧૦૦ રચનાઓ છે. પછી નવેસરથી કુલ પાછા પૃષ્ઠાંક છે જેનાં ૧થી ૧૨૪ પૃષ્ઠમાં પ્રારંભે ત્રિભોવનદાસકૃત કુલ ૧૩૧ રચનાઓ છે. ૧થી ૭૮ પૃષ્ઠ સુધી છે. પછી ૭૮થી ૮૩ પૃષ્ઠ સુધી પુનઃ હીરાકૃત સાત રચનાઓ છે. એ પછી મનસુખલાલકૃત ૯૨ પૃષ્ઠાંક સુધી સોળ રચનાઓ છે. પુનઃ ૯૭ પૃષ્ઠાંક સુધી ત્રિભોવનદાસની સાત રચનાઓ છે. એ પછી ૯૮થી ૧૧૭ સુધી લક્ષ્મણકૃત બાર રચનાઓ છે. પછી ૧૦૮ પૃષ્ઠાંક સુધી ત્રિકમકૃત ચાર રચનાઓ છે એમની ૧૧૦ પૃષ્ઠાંક સુધી મોરારકૃત ત્રણ રચનાઓ છે. અને એમાં નાનાકૃત અને બાપુસાહેબ કૃત એક એક રચના પણ છે. પછી ૧૧૨ પૃષ્ઠ સુધી જીવણ મસ્તાનની બે રચનાઓ છે. પુનઃ ત્રિકમકૃત બાવીસ રચનાઓ ૧૨૨ પૃષ્ઠાંક સુધી છે. એ પછી ૧૨૪ પૃષ્ઠાંક સુધી દાસ જીવણની ચાર રચનાઓ છે. આમ કુલ નવ કર્તાઓની મળીને કુલ ૩૧૦ રચનાઓ આ ગ્રંથમાં મુદ્રિત છે. આમાં ક્યાંક ભજન નિર્દેશ છે. ક્યાંક સ્તુતિ, છપ્પો, રેખતા કવાલી, ગરબો, આરતી, રાસડા એવાં ગુજરાતી કાવ્યપ્રકારોનાં નામકરણ પણ મુકાયાં છે. બીજા ભાગના ગ્રંથનું શીર્ષક ‘શ્રી નકલંકશાસ્ત્ર’૭ [7] છે અને પ્રગટકર્તા પણ શ્રી નકલંક જ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ છે. ગ્રંથમાં પ્રારંભે પીર સદરુદીનની ‘નકલંક આરતી’ છે. ત્યારબાદ ‘દશ અવતાર’ છે. ત્યાર બાદ પીર શમ્સની ‘શ્લોકો મોટો’ અને પીર સદરુદીનની ‘શલોકો નાનો’, ‘આરાધ’, ‘વિનોદ’, ‘ગાયત્રી’, ‘સુરત સમાચાર’, ‘ગિરભાવલી’, ‘ચંદ્રભાણ’, ‘સુરભાણ’, અને ‘હસ્તીનાપુર વેલ’ જેવી રચનાઓ છે તથા ‘પીર શમ્સ’, ‘રાજા ગોવરચંદનું આખ્યાન’ અને ‘ચંદ્રભાણ’, ‘સુરભાણ’ રચના પ્રસ્તુત થઈ છે. ઉપરાંત હસનકબીર પીરકૃત ‘કાનિફા જોગીનો સંવાદ’ પણ છે. છેલ્લે પીર સદરુદીન કૃત ‘સો ક્રિયા’ અને શમ્સકૃત ‘ગુરુ પ્રકાશ’ જેવી રચનાઓ છે. આ અનુક્રમણિકાને આધારે ખ્યાલ આવે છે કે અહીં પીર શમ્સ અને પીર સદરુદીનની રચનાઓ વિશેષ છે. આ બધી રચનાઓ દીર્ઘ સ્વરૂપની છે. કેટલીક કથામૂલક છે તો કેટલીક તત્ત્વદર્શનમૂલક છે. આ રચનાઓમાંથી સતપંથના નાથપંથ સાથેના, શૈવ સાથેના સંદર્ભો પણ પ્રકાશમાં આવે છે તથા સૃષ્ટિ ઉત્પત્તિનું કથાનક પણ ધ્યાનાર્હ બની રહે છે. બીજી રીતે પણ આ બંને ગ્રંથો બહુ મહત્ત્વના છે. કારણ કે અહીં લઘુ સ્વરૂપના ગિનાન કરતાં દીર્ઘ સ્વરૂપની ગિનાન રચનાઓ દૃષ્ટિગોચર થાય છે. ઇસ્માઈલી સતપંથની સાધનાધારા અને સિદ્ધાંતોનો એમાંથી પરિચય મળી રહે છે. અહીં પ્રથમ ભાગમાંથી જ પાંચ કર્તાની કુલ પંદર રચનાઓ અભ્યાસ માટે પસંદ કરી છે. તેની યાદી અત્રે પ્રસ્તુત કરી છે. અહીં યાદીમાં પ્રથમ કર્તાનું નામ તેમ જ શીર્ષક કે પ્રથમ પંક્તિની સૂચિ અને પૃષ્ઠાંક જણાવ્યાં છે.

: ૪ :
નકલંકી ભજનરચના અને ભાવવિશ્વ :

‘શ્રી નકલંક ભજનસંગ્રહ ભાગ-૧’માંના કર્તાઓની ૩૧૦ ભજનરચનાઓમાંથી પસંદ કરેલા પાંચ કર્તાઓની પંદર ભજનરચનાઓ સંપાદિત કરીને અત્રે મુદ્રિત કરેલ છે. સંપાદન ઉપરાંત અર્વાચીન ગુજરાતી ભાષામાં અનુવાદ પણ મૂકેલ છે. સંપાદનમાં દાખવેલો અભિગમ પણ આરંભે દર્શાવ્યો છે. અહીં નિર્દિષ્ટ પૃષ્ઠાંક ‘શ્રી નકલંક ભજન સંગ્રહ ભાગ-૧’ના છે.

(૧) હીરાકૃત રચનાઓ :

૧. નકલંકને નમન કરો દસમું દરસન છે - પૃષ્ઠ -૬ ૨. સાત વારનો ગરબો - પૃષ્ઠ-૮ ૩. પંદર તીથીનો ગરબો - પૃષ્ઠ-૯ ૪. પાંચ હજાર બાવીશ વરસથી ગુજર દેશમાં પડી છે રાત - પૃષ્ઠ-૮૦.

(૨) ત્રિભોવનકૃત રચનાઓ :

૫. આજે અલી મળવાનો જોગ મલ્યો તને સારો રે -પૃષ્ઠ -૧-૨ ૬. હાં રે મન પીરસા પીરસા તું જપ રે જપ રે હો - પૃષ્ઠ -૨ ૭. તું માન શીખામણ માયરી રે, ધીર શાહાનું એક જ ધ્યાન -પૃષ્ઠ-૪

(૩) મનસુખકૃત રચનાઓ :

૮. યા અલી ધણી, કરુણા કરી ઘણી - પૃષ્ઠ-૮૩-૮૪ ૯. તમે આવો ને નકલંકરાય રે, યા અલી અલબેલા - પૃષ્ઠ-૮૪ ૧૦. ઓમ અલીને પાય પડો સહુ - પૃષ્ઠ -૮૫

(૪) લક્ષ્મણકૃત રચનાઓ :

૧૧. જાગ જાગ નિરંજન નકલંક ભીડ પડી મેઘલી ગતને -પૃષ્ઠ-૯૮ ૧૨. કૃષ્ણની કળા જાગી રે આ નકલંક નાથ - પૃષ્ઠ -૯૮-૯૯ ૧૩. આરતી કરો ધરીને આનંદ રે ભાઈ મારા અલબેલાની આરતી - પૃષ્ઠ-૯૯ ૧૪. ગાંઠ વાળી ગોવિંદ વર સાથે, વ્હાલા છો વનમાળી જો ને - પૃષ્ઠ-૯૯-૧૦૦

(૫) ત્રિકમકૃત રચનાઓ :

૧૫. ઓમ ઓમ ઓમ અલી તું એક છે આધાર મારો - પૃષ્ઠ-૧૧૭ આ તમામ રચનાઓ અને અહીં એ રચનાઓના ભાવવિશ્વનો કડી ક્રમાનુસાર પરિચય કરાવવાનો ઉપક્રમ છે. આ પરિચયમાં વિષયસામગ્રી અને અભિવ્યક્તિનું સ્વરૂપ એમ બે મુદ્દાઓ પણ નજર સમક્ષ રાખ્યા છે. અહીં અભ્યાસ માટે ઉદાહૃત કરેલી રચનાઓનાં નકલંકી શીર્ષકો ભજનની પ્રથમ પંક્તિને આધારે મુકાયાં છે. ક્યાંક કડીક્રમાંક ન હતા ત્યાં દર્શાવાય છે. ચાર-પાંચ સ્થાને પરિચ્છેદમાં મુદ્રણ સંદર્ભે જરૂરી શુદ્ધિ કરે છે, એ અહીં દર્શાવી છે. ૦ છઠ્ઠી રચનાની પ્રથમ કડીમાં ‘કુડીરે માયા’ સુધારીને ‘કુડી રે માયા’ કર્યું છે. ઉપરાંત ‘જપરે’ અને ‘લપરે’ ને બદલે ‘જપ રે’, ‘લપ રે’ કર્યું છે. ૦ દશમી રચનામાં ટેકની કડીની પ્રથમ પંક્તિમાં ‘સહાયનકી’નું ‘સહાય નકી’ કર્યું છે. ત્રીજી કડીમાં આગમ વાંણીનું ‘આગમવાણીનું’ કર્યું છે. ૦ બારમી રચનાની પ્રથમ પંક્તિમાં ‘કૃષ્ણ નીકલા’ને બદલે ‘કૃષ્ણ નીકળ્યા’ કર્યું છે. ૦ પંદરમી રચનાની પ્રથમ કડીની બીજી પંક્તિમાં ‘મેં ઘડીને’ બદલે ‘મેઘડીને’ કર્યું છે.

૧. હીરાકૃત રચનાઓ :
(૧) નકલંકને નમન કરો
ગાનઢાળ : ભૈરવરાગ

નકલંકને નમન કરો દસમું દરસન છે,
મગ્ન મનમાં હશો તો પ્રેમથી પરશન છે; ...૧
ભજન કરો સજન મારા એ ખુદાનું નૂર છે,
છુપાવ્યો એ છૂપતો નથી હાજરા હજૂર છે. ...૨
અરૂપમાંથી રૂપ ધાર્યું ભુપનો એ ભૂપ છે,
વેદ વાણી વદી રહ્યા તેજનું સ્વરૂપ છે ; ...૩
ભક્તનો ભગવાન છે (ને) કાળિંગાનો કાળ છે,
પત્નીઓનો પતિ પ્યારો માવડીનો બાળ છે. ...૪
ભક્ત તણા કલંક કાપી નકલંક કહેવાય છે,
કાર્ય બધાં પૂરાં કરી તેજમાં સમાય છે; ...૫
હાથ જોડી હીરો કહે અલી મહારો આય છે,
જ્ઞાન ધ્યાન ગોતી ગુણ ગોવિંદના ગાય છે. ...૬
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના ક્રમાંક-૯, પૃષ્ઠ-૬.

નકલંકને નમન કરો. એ ઈશ્વરે લીધેલા નવ અવતારો પછીનો દશમો અવતાર છે. એના સ્મરણમાં તમારું મન મગ્ન હશે તો એ નકલંક પ્રેમથી તમારા પર પ્રસન્ન થશે.–૧ હે મારા સજન! એ નકલંક ખુદાનું નૂર છે, તેનું તમે ભજન કરો. એ સર્વવ્યાપી તત્ત્વ છે, તમે જ્યારે ને જ્યાં પણ એને યાદ કરો, ત્યારે ને ત્યાં એ તમારી સમક્ષ હાજર થાય એવો હાજરાહજૂર છે અને એને ક્યાંથી છુપાવ્યો હોય તોપણ એ છુપાતો નથી. –૨. મૂળ સ્વરૂપે તો એ અરૂપ હતો એ અવતાર ધરીને સરૂપ બન્યો છે એ તો રાજાઓનો પણ રાજા છે. વેદ જે વાણી વદે છે તેનું જ એ મૂર્ત થયેલું તેજરૂપ સ્વરૂપ છે.–૩ ભક્ત માટે એ ભગવાન છે ને દુષ્ટો-આતતાયીઓ માટે એ કાળ છે. પત્નીઓ માટે એ પતિ હોય એટલો પ્યારો છે અને માતાઓ માટે એ એના બાળક જેવો વહાલો છે.–૪ ભક્તોનાં કલંક એણે કાપ્યાં એથી એ ખુદ નકલંક કહેવાયો. અવતાર-કૃત્ય પૂર્ણ કર્યા પછી એ જે મૂળ તેજતત્ત્વમાંથી જન્મીને અવતારી થયો, એ એના મૂળ તત્ત્વમાં જ સમાઈ જવાનો છે.–૫ હાથ જોડીને હીરો કહે છે કે અલી મહારો છે. ભક્ત હીરો જ્ઞાનથી અને ધ્યાનથી ગોવિંદ ક્યાં છે તે શોધીને તેના ગુણ ગાય છે.

(૨) સાત વારનો ગરબો
ગાનઢાળ : જળ ભરવા દિયો

અલી આવો ને કળીયુગનાં કુડાં કરમોને ટાળવા,
દરશન દિયો પરશન થઈ અલીજી અને પાળવા; ટેક.
સોમવારે તે શામળીયાજી, મને મારગડામાં મળીયાજી,
દરશનથી દુઃખડાં ટાળિયાંજી ...અલી આવો ને. ..૧
મંગળવારે તે મન મારું, સમરણ કરતાં લાગે સારૂં,
જગ જૂઠું તે લાગે ખરું. અલી આવો ને. ..૨
બુધવારે બળ બુદ્ધિ આપો, સંકટ સ્વામી મારાં કાપો,
હું છોરું તમારૂં ને તમે બાપો. અલી આવો ને. ..૩
ગુરુવારે ગુણ ગાઈશું તારા, દસમા દરશનના છે વારા,
નકલંક નરહરિ ધણી છે મારા. અલી આવો ને. ..૪
શુક્રવારે સાચા સાથી, જળમાંથી છોડાવ્યો હાથી,
અળગા ના રહો અલી મારાથી. અલી આવો ને. ..૫
શનિવારે સુરતી હોય સારી, મુક્તિ મળશે મંગળકારી,
જોઈ જોઈને જાઉં છું હું વારી. અલી આવો ને. ..૬
આદિતવારે અંતરજામી, નકલંક નમું હું શીશ નામી,
ગુણ ગાય હીરો આનંદ પામી. અલી આવો ને. ..૭
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના ક્રમાંક-૧૪ પૃષ્ઠ-૮.

હે અલી, તમે કળિયુગના કૂડાં કર્મોને કાપવા, એને ટાળવા માટે આવો. અમારું પાલનપોષણ કરવા માટે હે અલીજી! તમે પ્રસન્ન થઈને અમને દર્શના આપો.–ટેક સોમવારે શામળિયા મને મળ્યા. એમનાં દર્શનથી મારાં દુઃખ ટળ્યાં. હે અલી તમે આવો.–૧ મંગળવારે તમે અમને બુદ્ધિ અને બળ આપો ને હે સ્વામી! તમે અમારાં સંકટ કાપો. તમે મારા પિતા છો અને હું તમારું સંતાન છું.–૩ ગુરુવારે અમે તમારા ગુણ ગાઈશું. દશમા અવતારનાં દર્શન કરવાનો આ વારો છે. નરહરિ નકલંક મારા ધણી છે.–૪ શુક્રવારે તમે અમારા સાથી છો, તમે જળમાં મગરે પકડેલા હાથીને મુક્ત કરાવ્યો હતો. તો હે અલી, તમે મારાથી અળગા ન રહો.–૫ શનિવારે સુરતા સારી હોય છે એથી અમને મંગળકારી મુક્તિ મળશે. તમારાં દર્શન કરતાં હું તમારા પર વારી જાઉં છું.–૬ રવિવારે હે અંતરયામી નકલંક! હું તમને શીશ નમાવીને નમન કરું છું. આનંદ પામીને હીરો તમારા ગુણ ગાય છે.–૭

(૨) પંદર તિથિનો ગરબો
રાધા હરી રમો એ રાગ

સરસ્વતી માતાને સમરું ગણપતને લાગું પાય,
વાણી આપો રે નર નકલંક તણી. ટેક.
પડવે પધારો પાટ, અમારી માટ ઉઘાડો ઘાટ,
વાટ હું જોતી રે નર નકલંક તણી. ...૧
બીજે શુકરવાર, નવસેરો હાર કર્યો તૈયાર,
ગળામાં નાંખો રે નર નકલંક તણા. ...૨
ત્રીજે ત્રિભુવન રૂપ, જગતના ભૂપ ગૂંથાવું ખૂંપ,
મૂકવા માથે રે નર નકલંક તણા. ...૩
ચોથે ચતુરા નાર, નીકળી બહાર, થઈ છે તૈયાર,
વરવા વરને રે નિરંજન નકલંકને. ...૪
પાંચમે પૂરો આસ, ધરી વિશ્વાસ, આવી છું પાસ,
કહીને ઉભી રે નર નકલંક કને. ...૫
છઠે વહાલા છેક, મૂક્યાં શું એક નહીંએ નેક,
ટેક ના તોડો રે નર નકલંક ધણી. ...૬
સાતમે કરજ્યો સાર, કરશો નહીં વાર થઈ છું તૈયાર,
તમારી માટે રે નર નકલંક ધણી. ...૭
આઠમનાં એંધાણ આગમની વાણ, માર્યાં હતાં બાણ,
પ્રીતીથી અમને રે નર નકલંક તમે. ...૮
નોમે નકલંક નાથ, ઝાલીને હાથ, ચાલોને સાથ,
કરગરી કહીએ રે નર નકલંક હમે. ...૯
દસમે દયાનું દાન, આપો ભગવાન ભુલાવો ભાન,
નહીં નારીને રે નર નકલંક ધણી. ...૧૦
એકાદશીનો વ્રત, કરીશ ત્રત, હતી એ શરત,
રાસમાં રમતાં રે નર નકલંક ધણી. ...૧૧
બારસે પકડો બાંય, નહીં રહેવાય, તમો વિણ ક્યાંય,
નથી સહેવાતું રે નર નકલંક ધણી. ...૧૨
તેરસે પરભુજી તરત, સંભારી શરત, જાઉં છું મૃત,
લોકમાં આજે રે નર નકલંક ધણી. ...૧૩
ચૌદસે ચાલ્યા આપ, છોડાવા પાપ, જગતના બાપ,
મેઘડીને મળવારે નર નકલંક ધણી. ...૧૪
પુનમે થયા પરસન, દસમું દરશન, ધણીને ધન્ય,
મેઘડીને મળિયા રે નર નકલંક ધણી. ...૧૫
અમારસે યા અલી, વાત બહુ ભલી, હીરાને મળી,
એંધાણી આજે રે નર નકલંક તણી. ...૧૬
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના ક્રમાંક-૧૫ પૃષ્ઠ-૯.

સરસ્વતી માતાનું આરંભે સ્મરણ કરીને હું ગણપતિને પાય લાગી પ્રાર્થના કરું છું કે મને નર નકલંકના ગુણગાન કરી શકું એવી વાણી આપો.–ટેક. પડવાને દિવસે તમે પાટ પર પધારો અને અમારા ઘાટ ખુલ્લા કરો. હું નર નકલંકની વાટ જોઈ રહી છું.–૧ બીજને શુક્રવારને દિવસે નવ સાંકળીઓવાળો ‘નવસેરો’ હાર તૈયાર કર્યો છે તે હે નર નકલંક તમે ગળામાં પરિધાન કરો.–૨ ત્રીજના દિવસે હે ત્રિભુવનરૂપ, જગતના સ્વામી, મેં તમારા માટે શીશ પરના વાળ માટેનું ખૂંપ નામનું આભૂષણ ધર્યું છે તે પરિધાન કરવા માટે પધારો નર નકલંક!–૩. ચોથના દિવસે તો ચતુર નાર શણગાર સજીને નિરંજન નકલંક વરને વરવા માટે બહાર નીકળી છે.–૪ પંચમી તિથિએ આશા અને વિશ્વાસ ધરીને તમારી પાસે આવી છું એવું કહીને નકલંકની પાસે ઊભી રહી છે.–૫ છઠ્ઠી તિથિએ કહું છું કે હે વહાલા, અમને છેક આમ તરછોડી ન દેવાય! તમે તો માગો એ મળશે એવું વચન આપ્યું છે તેવી તમારી ટેક તમારાથી ન છોડાય હે નકલંક ધણી!–૬ સાતમની તિથિ સાર કરજો, અર્થાત્‌ અમને જરૂર મળશો, વાર ન કરશો. તમને મળવાને હું તો આતુર ને તૈયાર છું, નર નકલંક ધણી!–૭ આઠમી તિથિએ હવે (તમારાં આગમનના એંધાણ અમને મળ્યાં છે. આગમવાણી કરીને તમે અમને મળવાનો વાયદો આપેલો તેથી રાહ જોતાં અમને પ્રીતિનાં બાણ માર્યા હતાં તેમને હે નકલંક ધણી.–૮ નવમી તિથિ હે નકલંક નાથ તમે અમારો હાથ પકડીને અમારી સાથે ચાલો, એમ નરનકલંકને અમે કરગરીને કહીએ છીએ.–૯ દશમી તિથિએ હે ભગવાન! તમે દયાનું એવું દાન આપો કે નવી નારીને, નવોઢાને, કે નકલંક ધણી, અમે સંસારનું ને તમારા સિવાયનું એ બધાનું ભાન ભૂલી જઈએ.–૧૦ એકાદશ તિથિએ તો હે નકલંક ધણી (કૃષ્ણવતારે તમે) રાસ રમતાં એવી શરત કરી હતી કે એકાદશીનું વ્રત તો તરત આપણે સાથે કરીશું!–૧૧ બારસની તિથિ આવી છે ત્યારે હવે તમે અમારો હાથ પકડો, કેમ કે હવે તો તમારા વિના નહીં રહેવાય. હે નકલંક ધણી હવે અમારાથી તમારા વિરહમાં એકલાં નથી રહેવાતું.–૧૨ તેરસની તિથિ આવી છે ત્યારે (મળવાની તમે કરેલી) ને મૃત્યુલોકમાં (અવતાર ધરીને) આજે જવાનું છે એ શરત સંભારો હે નકલંક ધણી.–૧૩ ચૌદસે જગતનાં પાપ છોડાવવા તથા મેઘડી નારને મળવા હે નકલંક ધણી તમે ચાલ્યા.–૧૪ પૂનમે પ્રસન્ન થયા, દશમો અવતાર ધરીને મેઘડીને મળ્યા એ નર નકલંક ધણીને ધન્ય છે.–૧૫ અમાસની તિથિએ યા અલી! હીરાને બહુ સારી વાત મળી ને આજે એને નર નકલંક ધણીની એંધાણી મળી.–૧૬

(૪) પદ શેર

પાંચ હઝાર* બાવીશ વરસથી ગુજર દેશમાં પડી છે રાત,
સુલતાંન મહમદશા ભાણ પ્રગટતાંએ રજની ટળી ભએ પ્રભાત;૧
કોટેક શસી કી શોભા, સુલતાંન શાહૈ;
બંદા કરાલે તોભા સુલતાન મહમદ શાહૈ. ૨
ધંન ધન દીવસ આજનો, ધન ઘડી પલવાર;
સુલતાંન સુર્ય પ્રગટ ભએ, વરત્યો જે જે કાર. ૩
જેજેકાર વરતાયો, આએ અલી અવતારી;
બંદો કા બંધ છોડાયો, આએ અલી અવતારી ૪
રવી ઉગે રજની ગળે, જીવ મોક્ષ હો જાય;
સુલતાંન મહમદ પ્રગટભએ, અનંત કોડનો રાય. ૫
અનંત કોડ ઓધારણ, નકલંક નિરંજન રાય;
ભજવાથી થાસે તારણ, નકલંક નિરંજન રાય. ૬
વેદ કીતાબ ભાંખી રહ્યા, ગીતા કરે પોકાર;
આ જમાને કા હાજર ઇમામ એ દસમે નકલંકી અવતાર. ૭
આગંમ તણા એંધાણ હંમકું બચાને આએ;
નકલંકી નરનીરવાણે, હંમકું બચાને આએ. ૮
શરકાર કે કીરતાર હે, સબ દેવંનકા દેવ;
હાથ જોડી હીરો કહે, દરશન કરો તતખેવ. ૯
દરશંન હમુકું મીલીઆ પરશંન થયા મંન મેરા;
ચોરાસી ફેરા ટળીઆ, પરશંન હુવા મંન મેરા. ૧૦
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના પદ-૪ પૃષ્ઠ-૮૦, ૮૧

  • કૃષ્ણાવતાર પછી બુધ (આદમ) અવતારથી આજ સુધી એટલે પ્રગટ નકલંક અવતાર ના. આગાખાનન જન્મ કરાંચીમાં (ઈ.સ. ૧૯૨૧ પહેલાં) ૪૩ વરસ ઉપર થતાં સુધીના વરસોનું પ્રમાણ છે. પ્રગટકર્તા.

પાંચ હજાર બાવીસ વર્ષથી ગુર્જર દેશમાં રાત પડી છે પરંતુ સાલતાન મહમદશા રૂપી સૂર્યનો ઉદય થતાં રાત ટળી અને પ્રભાત થયું.–૧ સુલતાન શાહમાં કોટિકોટિ શશીની શોભા છે તો હે બંદા! તું સુલતાન મહમદ શાહની શોભા કરી લે.–૨ ધન્ય છે આજના દિવસને, આજની ઘડીને – પળને. કેમ કે આજે સુલતાન રૂપી સૂર્ય પ્રગટ થયો અને તેનો ય જયકાર વર્ત્યો.–૩. અલી અવતારનો જય જયકાર થયો. બંદાઓનાં બંધન છૂટ્યાં અને અલી અવતારીનું આગમન થયું.–૪ રવિ ઉદય સાથે રાતને ગાળવા લાગે છે, એમ અનંત કોટિના રાજા સુલતાન મહમદના પ્રાગટ્ય સાથે જ (અજ્ઞાન રૂપી અંધકારે ઘેરાયેલા) જીવોનો મોક્ષ થયો.–૫. નકલંક નિરંજનરાય છે એનાં અનંત કોટિ એંધાણો છે. એ નકલંક નિરંજનને ભજવાથી જ સંસારી તરી જવાશે.–૬. વેદના ગ્રંથો ભાખે છે અને ગીતા પોકારીને કહે છે કે આ યુગના હાજરાહજૂર ઇમામ તે દશમો અવતાર નકલંક છે.–૭. આગમ એંધાણ આપે છે કે તે અમને બચાવવા આવ્યો છે. નકલંક નર નિર્વાણ તમને બચાવવા આવ્યો છે.–૮. સરકારનો પણ એ કિરતાર છે, બધા દેવોનો પણ દેવ છે. હાથ જોડીને હીરો કહે છે કે તત્ક્ષણ એનાં દર્શન કરો.–૯. એનાં અમને દર્શન થતાં જ અમારાં મન પ્રસન્ન થયાં. અમારા ભવોભવના ચોરાસી ફેરા ટળ્યા એથી અમારાં મન પ્રસન્ન થયાં.–૧૦.

૨. ત્રિભોવનકૃત રચનાઓ
(૫) આજે અલીને મળવાનો
ગાન ઢાળ : હરિ ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે એ રાગ.

આજે અલી મળવાનો જોગ મળ્યો તને સારો રે.
પામ્યો મોંઘો તું મનખા દેહ જાસે જનમારો રે. (ટેક.)
કર ભક્તિ તો ભવજળ પાર અલીજી ઉતારે રે,
તારી બુડતાં ઝાલસે બાંય વાલો ચઢી વ્હારે રે. આજે. ...૧
ખરો જન્મ મરણનો ભય સર્વને માથે રે;
જમ કિંકરો જાલસે ઝટ ત્યારે કોણ સાથે રે. આજે. ...૨
ખરેખર હિસાબના લેખાં અલી જ્યારે લેસે રે;
ત્યાં કોણ કરસે ત્હારી સહાય દંડ જ ઘણો દેસે રે; આજે....૩
તું તો મુક માયાનો ફંદ અનિતીના ધંધા રે;
કહે ત્રિભોવન ચેતો કોઈ શાહના બંદા રે. આજે. ...૪
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, ભજનક્રમાંક-૨ પૃષ્ઠ-૧-૨.

આજે તને અલીને મળવાનો સારો યોગ મળ્યો છે, કેમ કે તમને હવે મનુષ્યદેહ મળ્યો છે અને તેમાં તારો જન્મારો જાશે. તું ભક્તિ કરશે તો અલીજી તને ભવ જળની પાર ઉતારશે, તું સંસાર રૂપી સાગરમાં ડૂબતો હશે ત્યારે એ તારી વ્હારે ચઢી તારા હાથમા પકડશે.–૧. જન્મ અને મૃત્યુનો ભય સહુને માથે છે. યમદૂતો આવીને તરત તને પકડશે ત્યારે તારી સાથે બીજું કોણ હશે?–૨. અલી જ્યારે તારાં કર્મો રૂપી હિસાબનાં લેખાં-જોખાં કરશે ને તારો ભારે દંડ કરશે ત્યારે એ ભરનારમાં સહાય તને કોણ કરશે?–૩ તું માયાના ફંદામાંથી, બંધનમાંથી મુક્ત થા, અનીતિના ધંધા છોડી દે. ત્રિભોવન કહે છે કે શાહના બંદા તમે કોઈ ચેતો!–૪

(૬) હાં રે મન પીરસા
ગાનઢાળ : હાં રે સીતા રામસંગાતે સજ રે

હાંરે મન પીરસા પીરસા તું જપ રે જપ રે જપ રે હો,
મન પીરસા પીરસા તું તો જપ રે. ટેક.
કુડી રે કાયા તારી નથી રહેવાની, અંતે એ તો પડી જવાની;
એ તો જાણજે ખોટું બધું બધુ લપ રે. હો મન. ...૧
જુઠી રે સાધના છોડી દે મન તું, એમાથી પામીશું તું ન કશું;
એ તો જાણજે ખોટું બધુ ગપ રે. હો મન. ...૨
ઘર ગોતી તું બેસ ઠરીને, ઓળખ અલીને ભક્તિ કરીને,
કરી લે પીરસાનો જપ રે. હો મન. ...૩
ઓળખી લે નકલંક ધણીને, પરખીને તું પારસ મણીને;
કળીયુગનો જાણ તું જાપ રે. હો મન. ...૪
કહે ત્રિભુવન કાયા પડી જવાની, ભૂમિ ભળીને માટી થવાની,
એ તો હતી પંચભુતની ખરી લપ રે. હો મન. ...૫
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, ભજનક્રમાંક-૩, પૃષ્ઠ-૨

હે મન, તું પીરશાહ પીરશાહ એમ જપ કર. હે મન તું પીરશાહ પીરશા એવો જાપ કર. તારી કૂડી કાયા નથી રહેવાની, એ તો અંતે પડી જવાની છે. (આથી કાયા અને માયા એ બધું) ખોટું છે એ જાણ જે, લપ જેવું છે એમ જાણજે.–૧. કે મન, તું જૂઠી સાધના છોડી દે એમાંથી તું કશું જ નહીં પામે એ બધું જ ખોટું છે, ગપ જેવું છે એ જાણજે.–૨ (સાચી ભક્તિ રૂપ) તું ઘર ગોતીને, એમાં ઠરી ઠામ થઈને બેસી જા અને ભક્તિ કરીને અલીને ઓળખ. પીરશાહનો જપ કર.–૩ તું નકલંક ધણી જે (લોખંડનું સુવર્ણમાં રૂપાન્તર કરનાર) પારસમણિ છે તેને ઓળખી લે. એ જ તો કળિયુગમાં થયેલો અવતાર છે એ જાણ અને એને જપ.–૪ ત્રિભુવન કહે છે કાયા પડી જવાની છે, એ તો અંતે ભૂમિમાં ભળીને માટીમાં ભળી જવાની છે. એ કાયા તો પાંચ તત્ત્વોની જ બનેલી ખરી લપ છે.–૫

(૭) તું માન શિખામણ
ગાનઢાળ : ગરબી

તું માન શીખામણ માયરી રે, ધર શાહાનું એક જ ધ્યાન,
તો પીરશા પાર ઉતારશે રે. ટેક.
મુક ઝક ખોટી તું મનથી રે, રાખ ઠેકાણે તારૂં ભાન;
તો પીરશા પાર ઉતારશે રે. ...૧
અવર ન આપે કોઈ લાડવો રે, આપ ધીંગા ધણીને માન;
તો પીરશા પાર ઉતારશે રે. ...૨
ભમે ભવમાં શું તું ભુતડા રે, મુક માયાનું ખોટું તાન;
તો પીરશા પાર ઉતારશે રે. ...૩
પરમારથમાં તું પાય ધરીને દેવું હોંશે કરીને દાન;
તો પીરશા પાર ઉતારશે રે. ...૪
દાસ ત્રિભુવનની વિનતી રે, કરો અર્પણ અલીજીને જાન;
તો પીરશા પાર ઉતારશે રે. ...૫
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના ભજનક્રમાંક-૮ પૃષ્ઠ-૪

તું અમારી શિખામણ માન અને એક શાહનું ધ્યાન ધર તો પીરશાહ તને ભવપાર ઉતારશે. તું મનથી ખોટી ઝક મૂકી દે, તારું ભાવન ઠેકાણે રાખ તો પીરશાહ તને ભવપાર ઉતારશે.–૧ બીજો કંઈ તને (મુક્તિ રૂપી) લાડવો આપવાનો નથી. આમ સમજી તું ધીંગા-સમર્થ ધણીને માન તો પીરશાહ ભવપાર કરશે.–૨. તું ભૂતડાની જેમ ભવોમાં કેમ ભટકે છે? માયાની ખોટી લગની વળગી છે તે મૂકી દે તો પીરશાહ ભવપાર કરશે.–૩ પરમારથમાં પગ મૂકીને હોંશથી દાન દેવું, તેમ કરીશ તો જ પીરશાહ ભવપાર કરશે.–૪ દાસ ત્રિભુવનની વિનંતી છે કે અલીજીને જાન અર્પણ કરો, તો જ પીરશાહ ભવપાર કરશે.–૫

૩. મનસુખકૃત રચનાઓ
(૮) યા અલી ધણી, કરુણા કરી ધણી

યા અલી ધણી, કરુણા કરી ઘણી ; (ટેક.)
દયા કરી દાસ પરે, આવ્યા અમ ભણી. યા અલી ..૧
નર નકલંક નારાયણને વંદું વારંવાર;
સદ્‌બુદ્ધિ સેવકને આપો. દીનતણા દાતાર. યા અલી. ...૨
તમ ગુણ ગાવા જ્ઞાન જ આપો, દયા કરી દયાળ;
બાપા બાળ તમારા જાણી, સદા કરો સંભાળ. યા અલી. ...૩
સેવકના સંકટ કાપીને, સ્વામી કરજ્યો સહાય;
ભવસાગરમાં બુડતો દેખી આવી પકડો બાય. યા અલી. ...૪
ભક્તો ઉપર ભાવ કરીને, ધણી દયોને દરશન;
તમને મળવા તલપી રહ્યા છે, સેવકના તનમન. યા અલી. ...૫
અર્જ અમારી ધ્યાને ધરજયો, દયા કરીને દેવ;
મનસુખદાસ તમારો કહે છે, જોડીને કર બેવ. યા અલી. ...૫
‘શ્રી નકલંક ભજન સંગ્રહ’ ભાગ-૧, રચનાક્રમ-૧, પૃષ્ઠ- ૮૩-૮૪.

યા અલી સ્વામી! તમે અમારા પર ઘણી કરુણા કરી. દાસ પર દયા કરીને તમે અમારી તરફ આવ્યા. નર નકલંકને વારંવાર વંદન કરું છું. હે દીનના દાતાર! સેવકને તમે સદ્‌બુદ્ધિ આપો.–૧ દયા કરીને હે દયાળ, તમારા ગુણ ગાવા માટે અમને જ્ઞાન આપો. હે પિતા! મને તમારો પુત્ર માની સદા સંભાળ લો.–૨ તમારા સેવકના સંકટ કાપીને સદાય સહાય કરજો. ભવસાગરે મને ડૂબતો જોઈને તમે મારો હાથ પકડો.–૩ ભક્ત ઉપર ભાવ રાખી, દયા કરી દર્શન આપો. આ સેવકનાં તનમન તમને મળવા તડપી રહ્યાં છે.–૪ હે દેવ! દયા કરીને તમે અમારી અરજ ધ્યાનમાં લેજો. તમારો દાસ મનસુખ બે હાથ જોડીને તમને વિનંતી કરે છે.–૫.

(૯) તમે આવો ને નકલંક રાય રે
મારા સતપંથના સરદાર (એ રાગ)

તમે આવો ને નકલંકરાય રે, યા અલી અલબેલા,
તમદાસની કરવા સહાય રે, ધણી આવજો. વહેલા. (ટેક.)
ભક્તજનોને ઉદ્ધારવા, તમે પધારોને મહારાજ;
વહેલા આવી વીઠલા, તમે સુધારો સેવકના કાજ રે. યા અલી. ...૧
વાયદો ચોથા જૂગનો, તમે કર્યો હતો કીરતાર;
એ એંધાણ આવી મળ્યું, હવે વિલંબ ન કરસો લગાર રે. યા અલી....૨
દાસ સરવે આતુર છે, દરશન દયો દયાળ;
મન વાંચ્છિત ફળ આપવા, તમે કરૂણા કરો કૃપાળ રે. યા અલી. ...૩
દાસના દુઃખને ટાળજ્યો, ધણી આપીને ઓધાર;
મનસુખ ઉપર મહેર કરી, પ્રભુ ઉઘાડો મોક્ષનું દ્વાર રે. યા અલી....૪
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના ક્રમ-૨, પૃષ્ઠ-૮૪.

હે નકલંકરાય, યા અલી અલબેલા, તમે આવો. તમારા દાસને સહાય કરવા હે ધણી! તમે વહેલા આવજો. હે મહારાજ! ભક્તજનોને ઉદ્ધારવા તમે પધારો. હે વિઠ્ઠલ! તમે વહેલા આવી સેવકનાં કાર્યો સુધારો.–૧ હે કિરતાર! ચોથા યુગમાં અવતાર લેવાનો તમે વાયદો કર્યો છે. તે અવધ હવે આવી ગઈ છે તો હવે તમે જરાય વિલંબ ન કરતા.–૨ હે દયાળ! સર્વ દાસ તમારાં દર્શન કરવા આતુર છે તો વિલંબ ન કરો. મનવાંચ્છિત ફળ આપવા હે કૃપાળુ! તમે કરુણા કરો.–૩ હે ધણી! આધાર આપી, વાયદો પાળી તમે દાસનાં દુઃખ ટાળજો. મનસુખ ઉપર દયા કરીને હે પ્રભુ! મોક્ષનું દ્વાર ઉઘાડો.–૪.

(૧૦) ઓંમ અલીને પાય પડો
ગાનઢાળ : ગૌબ્રાહ્મણ પ્રતિપાળ મહારાજા

ઓમ અલીને પાય પડો સહું, ભજન કરોને ભાવ થકી,
નકલંક નર નિરંજન કેરૂં, ધ્યાન ધરો કરે સહાય નકી. ..ટેક
સહું મંડળ મળીને કરો ભજન ટંકાર,
તેથી વ્હાલો વેગે આવી કરે સહુની વ્હાર. ઓમ. ...૧
દયા નિધી છે દેવ એ તો સર્વનો સરદાર,
કાળીંગાને મારી કરસે, ભક્તોનો ઉધાર. ઓમ. ...૨
સતપંથ પ્રકાશી કેવું કર્યું સહુને જાણ,
આગમવાણીનું નિશ્ચે મળીયું એંધાણ. ઓમ. ...૩
દાસ પર દયા કરી આવ્યા દીનાનાથ,
મગ્ન થઈ મનસુખ કહે જોડી બેવ હાથ. ઓમ. ...૪
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચનાક્રમ-૩, પૃષ્ઠ -૮૫

ૐ અલીને પાય પડો બધા અને ભાવથી એમનું ભજન કરો. નિરંજન નકલંક નરનું ધ્યાન ધરો, એ ચોક્કસ સહાય કરશે. બધા મંડળ મળીને ભજનનો ટંકાર કરો (ધૂમ મચાવો) જેથી એ વ્હેલો વેગે આવે અને સહુની વ્હારે ચડે.–૧ સર્વનો સરદાર એવો તે દેવ દયાનિધિ. એ કળિયુગને મારીને ભક્તોનો ઉદ્ધાર કરશે.–૨ સતપંથ રૂપ પ્રકાશીને સહુને એમણે એમના પ્રાગટ્યની કેવી પ્રતીતિ કરાવી (જાણ કરી)! આગમવાણીમાં એમણે જે કહેલું તેનું જ એંધાણ નિશ્ચય મળ્યું છે.–૩ દાસ પર દયા કરીને દીનાનાથ આવ્યા છે. તેમની ભક્તિમાં મગ્ન થઈ બે હાથ જોડીને મનસુખ વિનંતી કરે છે.–૪

૪. લક્ષ્મણકૃત રચનાઓ
(૧૧) જાગ જાગ નિરંજન નકલંક
ગાનઢાળ : જાગ મહાદેવ

જાગ જાગ નિરંજન નકલંક ભીડ પડી મેઘલી ગતને,
ભાત ભાતના પંથ આવીને છોડવા બેઠો છે સત્યને. (ટેક.)
ઝડપ વહાલા મેઘડીના પરણનાર માહરા સીરદાર,
ઉઠો આવીને વ્હાલા કરો માહારી વાહાર. જાગ. ...૨
દસમુ રૂપે દેદાર ધરીને વ્હેલા આવો વારે ધાવા,
મેઘડી ગત સર્વ વાટ જુએ છે ૐ અલીનો કર સ્વાહા. જાગ. ...૩
ધન્યે ધરતીમાં ધામ ધણીને નિરાકાર નજરે દીઠા;
કૃષ્ણ રૂપે કળા કરીને આખર જ્યોતીમાં પેઠા. જાગ. ...૪
એ જ્યોતી બુધમાં આવી સંત જનોને ગયું ફાવી,
ઉઠ લખમણ અલી પધાર્યા મોતીડે લે તું વધાવી. જાગ. ...૫
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના ભજન-૧, પૃષ્ઠ-૯૮

હે નિરંજન નકલંક તું જાગ! જાગ! મેઘડી ગતને ભીડ પડી છે. જાત જાતના પંથ આવીને મૂળ સત્ય છે તેને છોડવા પ્રવૃત્ત થયા છે. મેઘડીને પરણનાર મારા સરદાર! તું ઝડપથી ઊઠીને આવ અને મારી વહારે ચડ.–૨. દશમો અવતાર લઈને દર્શન આપવા સાકાર બનો અને અમારી વહારે ચડો. બધી મેઘડી ગત (સતપંથીઓ) ૐઅલીનો હાથ પકડવા તેની રાહ જુએ છે.–૩. અમે ધન્ય છીએ કે આ પૃથ્વી પર જે નિરાકાર છે તેમને અવતારી રૂપમાં અમે અમારી નજરે જોઈ શક્યા! તમે પણ કૃષ્ણની જેમ કળા કરીને (અવતારકાર્ય પૂર્ણ થતાં) અંતે (નિરંજન, નિરાકાર પરબ્રહ્મરૂપ) જ્યોતિમાં પ્રવેશ્યા.–૪. એ જ્યોતિમાં સંતોને પ્રતીતિ થતાં ફાવી ગયું. હે લક્ષ્મણ! તું બેઠો થા. અલી (પોતે) પધાર્યા એને મોતીડે વધાવ.–૫.

(૧૨) કૃષ્ણ નીકળ્યા જાગી રે
ગાનઢાળ : ગોવિંદ ગુણ ગાવો રે! લાવણી. રાગ : પીલુ

કૃષ્ણ નીકળ્યા જાગી રે આ નકલંક નાથ,
રામા અવતારે વહાલા રાવણને માર્યો ને આપ્યું વિભિક્ષણ રાજ;
અલ્યાની સલ્યા થઈ પડી નિત્યે ઓધાર આપ્યો શિરતાજ. (ટેક.)
સવરી વનમાં રહેતી હતી ભીલડીના ખાધાં એઠાં બોર;
કૃષ્ણ રૂપે લીલા કરી કહેવાયા માખણના ચોર. કૃષ્ણ. ...૧
ગોવરધન ધારી વ્હાલા મહેર કરોને પ્રલેહાદના પ્રતિપાળ;
પાંચ વર્ષનો ઉગારી લીધો ધ્રુવ ઉગાર્યો નહાનો બાળ. કૃષ્ણ. ...૨
મળવાને ગતને વહેલા પધારજો ને ઓધારજો વર્ષ અઢાર;
નાથ હમારા પ્રગટ થઈને ઉતારો ભૂમિનો ભાર. કૃષ્ણ. ...૩
લક્ષ્મણ લક્ષવાર શીર નામી લીયે આવ્યો છે ૐઅલી દેવ;
સતપંથને સાચો જાણી હર્ષથી કરી લેને સેવ. કૃષ્ણ. ...૪
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના ભજન-૨, પૃષ્ઠ-૯૮-૯૯

કૃષ્ણ જાગીને નીકળ્યા અને નકલંકનાથ રૂપે અવતાર લીધો. રામાવતારમાં રાવણને મારી વિભીષણને રાજ્ય આપ્યું. અહલ્યા કાયમ માટે શિલા થઈને પડી હતી એને શિરતાજે આધાર આપ્યો. ભીલડી શબરી વનમાં હતી એનાં એઠાં બોર ખાધાં. અને કૃષ્ણ રૂપે લીલા કરી માખણચોર કહેવાયા.–૧ ગોવર્ધન ધારણ કરીને વ્હાલાએ મહેર કરી, પ્રહલાદની રક્ષા કરી પાંચ વર્ષનો નાનો બાળ હતો તે ધ્રુવને ઉગારી લીધો.–૨ ગત (સતપંથના ભક્ત સમૂહ)ને મળવા માટે, તેમનો ઉદ્ધાર કરવા માટે તમે (તમારા અવતારના) અઢારમા વર્ષે વહેલા પધારજો (પ્રગટ થશો.) તમે અમારા નાથ બનીને આ ભૂમિનો ઉદ્ધાર કરો.–૩ લક્ષ્મણ લક્ષ વખત શિશ નમાવીને ૐ અલીદેવના શરણે આવ્યો છે. સતપંથ જ સાચો છે એમ જાણીને તે હર્ષથી તેની સેવા કરે છે.–૪

(૧૩) આરતી કરો ધરીને આનંદ રે
ગાનઢાળ : ગરબી

આરતી કરો ધરીને આનંદ રે ભાઈ મારા અલબેલાની આરતી.
નરત ગુરૂજી સુરત ગુરૂજી અલખ પુરૂષ અવતાર,
ક્યારે ઓધારસો ગત મેઘલીને કોણ માસ ને કોણ વારે રે. (ટેક.)
લંગન લેવાસે ધણીના આસો માસમાં વાર થાવરને ભરણી;
કલંકી બીજના દીન જાન લાવસે મેઘારાણીને જસે પરણી. આરતી. ..૧
નેક નારા તમો હેતે વધાવો મેલાણ જાંબુ દ્વીપ માંય;
પટરાણીને પરણવા પ્રભુ પાટ પધારશે વરતાશે મંગળ ત્યાંય. આરતી ..૨
ધારમી ધણી સવરા મંડપમાં ચાલસે કંકણ બંધાશે ત્યાંય;
રઘુવર રાજ બીરાજશે ત્યારે નકલંક નામ ધરાય રે. આરતી ..૩
વાર ના કરશો વાલ્યમ મારા, આનંદ ઉપજાવી મન;
વીવા કરજો નાથ નકલંકી, મેઘારાણીનું પુરો મન. આરતી. ..૪
સેતાન કાળીંગાને ખડક તળે કાઢજો કરજો ગત ગંગાનો ઉધાર;
ધોળ ગાવા આવશે રત્નાવળી તારા દ્રુપદી કુંતા સતીયો તે દ્વાર. આરતી..૫
ળઘલ (બાધા) લઈ હરીના નામ તણી ત્યાં ભેગા થશે સર્વે દેવ;
છત્ર લઈ પાંચ પાંડવ આવશે હવે લક્ષ્મણ કરી લેને સેવ. આરતી. ..૬
‘શ્રીનકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચનાભજન-૩, પૃષ્ઠ-૯૯.

મારા ભાઈઓ, તમે આનંદ ધરીને મારા અલબેલાની આરતી કરો. નરત ગુરુજી અલખ પુરુષનો અવતાર છે. મેઘડીને (પરણવા) તે કયા માસ અને કયા વારે અવતાર લેશે? ધણીના મેઘડી સાથે આસો માસમાં થાવર વારે જ્યારે ભરણી નક્ષત્ર હશે ત્યારે લગ્ન લેવામાં આવશે. બીજના દિવસે નકલંક જાન લાવશે અને મેઘારાણીને પરણી જશે.–૧ જંબુદ્વીપમાં નેકનારા તમે હેતે મેલાણ વધારો. પટરાણીને પરણવા પ્રભુ પાટે પાટે પધારશે ત્યારે ત્યાં મંગળ વરતાશે.–૨. ધારમી ધણી શિવરા મંડપમાં આવશે ત્યારે ત્યાં કંકણ બંધાશે. રઘુવર રાજા (લગ્નમંડપમાં) બિરાજશે ત્યારે નકલંક નામ ધરશે.–૩. હે મારા વાલમ! વિલંબ ન કરશો. મનમાં આનંદ ઉપજાવીને મેઘારાણીની મનની ઇચ્છા પૂર્ણ કરીને હે નાથ નકલંક, તમે લગ્ન કરજો.–૪ શેતાન કળિયુગને તમે ખડ્‌ગથી પૂરો કરજો અને (સતપંથના ભક્તજનરૂપ) ગતગંગાનો ઉદ્ધાર કરજો.–૫ હરિના નામની બાધા લઈને ત્યાં સર્વે દેવ ભેગા થશે. પાંચ પાંડવો છત્ર લઈને આવશે. લક્ષ્મણ, હવે તું તેની સેવા કરી લે.–૬

(૧૪) ગાંઠ વાળી ગોવિંદ વર સાથે

ગાંઠ વાળી ગોવિંદ વર સાથે, વ્હાલા છો વનમાળી જોને
મન મગ્ન ના થસો ઉદાસી, નકલંક લેજો ન્યાળી જોને. ૧.
નામ તણો મહિમા છે મોટો, દુરબળનો દાતાર જોને
વસમી વેળાએ વ્હાલો મારો, ભગ્તોનો તારણહાર જોને. ૨.
લીન થઈને લગની લગાવે, કુડ કપટને ટાળી જોને
નારણ નામનું નાણું ઓરો, કાળ ક્રોધને ખાળી જોને. ૩.
મનુષ્યા દેહ તે મોંઘો મળ્યો, નકલંકને નીરખવા જોને
ડગમગ નહીં તું દીલ જ મારા, હેતે હરીજન થવા જોને. ૪.
લગા રહીને ક્યાં જાવ આઘા, મારા મનમાં જડ્યા જોને
નામ સમરતા ૐ અલીનું આગળ ઘણા નર સીધ્યા જોને. ૫.
યા અલીની આશા રાખો, નકલંકની નિશાણી જોને
અથરવેદનો આવ્યો વારો, જ્ઞાન ગાએ છે વાણી જોને. ૬.
લીયો વાણી પીર સદરદીનની વળી સમસ પીરની સાચી જોને
વારે વાર શું કહું તુજને વિષ્ણુંપુરી તું વાંચી જોને. ૭.
ચરાચર તેં ઈશ્વર ના જાણ્યા, ખેલ્યો બહુ ખુવારી જોને
જો જંજાળ માયાની છોડી, અંતે જાસો હારી જોને. ૮.
સાગરમાં જે પાકે મોતી ઝગમગ ઝગમગ જોતી જોને
હેત લાવીને હોંશે દાસી, હરીનો હાર પરોતી જોને. ૯.
બોલ બે મારા માન્ય કરજો, લક્ષ્મણ પર હેત ધરજો જોને. ૧૦.
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના ભજનપદ-૩, પૃષ્ઠ-૯૯-૧૦૦

(લગ્નરૂપી પ્રેમની) ગાંઠ ગોવિંદ રૂપી વરની સાથે વાળી છે. વનમાળી, તમે કેવા વહાલા છો! હે મન! તું એમાં મગ્ન થા, ઉદાસ ન થા ને નકલંકને નિહાળી લે.–૧ નામનો મહિમા મોટો છે. એ દુર્બળનો દાતાર છે. મારો વ્હાલો વસમી વેળાએ ભક્તોનો તારણહાર છે.–૨ એની ભક્તિમાં લીન થઈને એની લગની લગાવે તો તારાં કૂડકપટ ટળી જશે. નારાયણનાં નામ રૂપ નાણું ઓરવાથી કામ અને ક્રોધ અટકાવી શકાય છે.–૩ મોંઘો એવો મનુષ્ય તરીકેનો અવતાર મળ્યો છે તેનાથી તું નકલંકને નીરખી જો. હે મારા દિલ, તું ડગમગ નથી (સ્થિર થા) અને હેતથી હરિજન (ભક્તજન) થા.–૪ મારા મનમાં જ જે જડેલો છે તેનાથી અળગા રહીને આઘા ક્યાં સુધી જવાય? ૐ અલીના નામનું સ્મરણ કરતાં આગળ પર અનેક નરનાં કાર્ય સિદ્ધ થયાં છે. તે દૃષ્ટિમાં રાખ્યા અલીની આશા રાખો નકલંકની નિશાની જુઓ. (એની પ્રતીતિ કરો) અથર્વવેદનો હવે વારો આવ્યો છે. જ્ઞાન ગાય છે એ વાણી સાંભળ.–૫-૬. પીર સદરુદીનની વાણી લે. વળી, સમસ પીરની વાણી સાચી છે તે સાંભળ (પ્રતીતિ કર) વારે વારે તે મારે તમને શું કહેવું? તું જાતે જ વિષ્ણુપુરી (વિષ્ણુપુરાણ-ભાગવત) વાંચી જો.–૭. ચરાચર ઈશ્વર છે એ તો તેં જાણ્યું નહીં અને બહુ ખુવારી થાય એવા ખેલ ખેલ્યો એ જો ને! જો માયાની જંજાળમાં ફસાઈ જશો તો અંતે હારી જ જશો, એની ખાતરી રાખજો. સાગરમાં જેમ (સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પાણી પડે ને) મોતી પાકે છે ને તે જ સ્વયંપ્રકાશિત હોય છે, ઝગમગતા હોય છે એ વાત સમજજે! તું હૈયામાં હેત લાવી દાસી બનીને હરિનો હાર તો પરોવી જો! મારા બે બોલ માનજો અને આ લક્ષ્મણ પર હેત ધરજો.–૮-૯-૧૦

૫. ત્રિકમકૃત રચના
(૧૫) ઓમ ઓમ ઓમ અલી તું એક છે.
છંદ : હરિગીત

ઓમ ઓમ ઓમ અલી તું એક છે આધાર મારો. (ટેક.)
ગરીબોને પાળનાર અભણને ભણાવનાર
જમાતને જગાડનાર મેઘડીને પરણનાર ઓમ. ...૧
ઘાણીમાં પીલનાર શંખને વગડાવનાર
દીવાનો ધરાવનાર કાલીંગાને મારનાર - ઓમ. ...૨
શહેર મક્કાના કમાડ ઉઘડશે પાંડવોને બોલાવશે
મુવેલી અજા જીવતી કરશે ભક્તોનાં કલંક કાપશે - ઓમ. ...૩
મંગલા ચરણ કહું વારી વારી ત્રીકમ જાવું બલિહારી
વિનંતી ધરો હૃદય મારી ભવસાગર લેજો ઉગારી - ઓમ. ...૪
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, રચના ક્રમ-૧ પૃષ્ઠ-૧૧૭

ૐૐૐ અલી! તું એક જ મારો આધાર છે. તું ગરીબોને પાળનાર અને અભણને ભણાવનાર છે. જમાતને જગાડનાર અને મેઘડીને પરણનાર છે.–૧ તું (દુષ્ટો, આતતાયીઓને) ઘાણીમાં ઘાલીને પીલનાર અને શંખ વગાડનાર છે. તું દીવાનો ધરાવનાર (પ્રકાશન આપનાર) અને કળિયુગને મારનાર છે.–૨. તું જ મક્કાના (બંધ કમાડ ઉઘડાવશે અને પાંડવોને બોલાવશે. મરેલી બકરીને તું સજીવન કરશે અને ભક્તોનાં કલંક દૂર કરશે.–૩ મંગળાચરણ કરું છું ને હું ત્રિકમ તારી પર વારી જઈ બલિહારી લઉં છું. મારી વિનંતી હૃદય પર ધરીને મને ભવસાગરમાંથી ઉગારી લેજો.–૪

નકલંકી ભજનો અને ગિનાન : ભેદરેખા

(૧) અહીં અભ્યાસમાં લેવાયેલાં નિજારી ઇસ્માઈલી સંદેશને પ્રગટાવતાં નકલંકી ભજનો એ ગુજરાતી સંતવાણીનું ફંટાયેલું (ડેવિએટેડ) અને વિકસિત (ડેવલપ્ડ) ફોર્મ-સ્વરૂપ નથી પરંતુ મને લાગે છે કે એ સતપંથી નિજારી ઇસ્માઈલી ગિનાન ટ્રેડિશનનું – પરંપરાનું ફંટાયેલું (ડેવિએટેડ) અને વિકસિત (ડેવલપ્ડ) સ્વરૂપ પ્રકાર છે. (૨) ભજન પરિભાષા ગુજરાતી-ભારતીય છે. ગિનાન પરિભાષા નિજારી-ઇસ્માઈલી સાથે અનુસંધિત છે. ઇસ્લામિક પરંપરામાં ધર્માંતરિત થયેલ દરેક પ્રજાના ધાર્મિક ગીતોનાં અલગ અલગ નામકરણ જોવા મળે છે. જેમ કે ‘કસીદા’, ‘નસીહત’ જેવા છે. પરંતુ આ પ્રકારો ફારસી પરંપરાની દીર્ઘ ગઝલ પ્રકારના જણાયા છે, માત્ર એના વિષય સામગ્રીમાં (કન્ટેન્ટમાં) ભારતીય જીવનમૂલ્યો (ઇન્ડિયન ઈથોઝ) અને મિથ્સ નિરૂપાયેલ હોય છે. એ બધાથી ‘ગિનાન’ વિશિષ્ટ એવી આગવી મુદ્રા ધરાવે છે એની અભિવ્યક્તિનું સ્વરૂપ અને એની કથનકળા પૂરી ભારતીય જણાઈ છે. (૩) મોટા ભાગની ધર્માંતરિત પ્રજાનું સાહિત્ય ગુજરાતી ભાષાના બંધારણ પ્રકારનું જણાયું છે પરંતુ એની લિપિ એરેબિક હોય છે. જ્યારે ગિનાન રચનાઓની ભાષા ગુજરાતી છે પણ એરેબિકને બદલે એની પોતીકી આગવી લિપિ ખોજકી છે જે થોડે ઘણે અંશે સિંધી અને કચ્છીને મળતી આવે છે. (૪) ગિનાન રચનાઓ બહુધા પીર દ્વારા જ રચાઈ છે. અપવાદ રૂપે સહદેવ, પ્રહ્‌લાદ અને ધ્રુવ નામછાપની ગિનાન રચનાઓ ઉપલબ્ધ છે. એ પરંપરાનું અનુકરણ આ નકલંકી ભજન પ્રકારની વિશિષ્ટ ગિનાન રચનાઓ સુધી લંબાયેલું જણાય છે. સહદેવ, પ્રહ્‌લાદ અને ધ્રુવની ગિનાન રચનાઓ ગુજરાતી સંતવાણીમાં પણ ભળી ગયેલી જોવા મળે છે પરંતુ આ નકલંકી ભજનો કે એના ઢાળ ગુજરાતી સંતવાણીમાં ક્યાંક ભળેલા દૃષ્ટિગોચર થતા નથી. આ કારણથી આ રચનાઓનો અભ્યાસ ગુજરાતી સંતવાણીમાં ન થયો. પરંતુ જેની સાથે અનુસંધાન છે એ ઇસ્માઈલી ગિનાન પરંપરામાં પણ ન થયો. (૫) ગિનાન બહુધા લઘુ સ્વરૂપનાં હોય છે, થોડાં દીર્ઘ રૂપનાં પણ છે. ગિનાનમાં ક્યાંક ક્વચિત ઢાળ નિર્દેશાયેલ હોય છે. જ્યારે નકલંકી ભજન-ગિનાન લઘુસ્વરૂપનાં જ અને બધે જ ઢાળ-કીર્તન ધોળ પદના પ્રયોજાયેલા હોય છે. ક્યાંક શાસ્ત્રીય રાગ પણ પ્રયોજાયેલ છે. આનું સ્વરૂપ પણ પ્રમુખતયા ગુજરાતી કંઠસ્થ પરંપરાનું છે. ૧૩મી અને ૧૪મી રચનામાં તો પ્રત્યેક પંક્તિના પ્રથમ આદ્ય વર્ણમાંથી ‘આ નકલંકને પાટે પધારવા વિશે ધોળ છે’ તથા ‘ગામ નાવલીના મંડળના આ અલી વાંચજો સાહેબા’ એવું લખાણ પ્રગટે છે. (૬) ગિનાનનું અનુસંધાન ગુજરાતી મધ્યકાલીન પદધારા સાથે જણાય છે. જ્યારે નકલંકી ભજન રચનાઓનું અનુસંધાન ગુજરાતી કંઠસ્થ પરંપરાની ભજનધારા સાથે જણાય છે. ઇસ્માઈલી ગિનાનમાં આખિયાન, ગરબી, આગમ, નવરોજ (પ્રભાતિયાં) અને આરતી જેવા પ્રકારો છે. જ્યારે નકલંકી ભજનોમાં ધોળ, કીર્તન, રેખતા, પદ અને છપ્પા જેવા પ્રકારો દૃષ્ટિગોચર થાય છે. ગિનાનની લિપિ ખોજકી છે જ્યારે નકલંકી ભજનની લિપિ ગુજરાતી છે. આવી બધી ભેદરેખાઓથી ગિનાનને આંશિક (પાર્ટલી) કમ્પોઝિટ લિટરરી ટેકસ્ટ તરીકે ઓળખાવાય. જ્યારે નકલંકી ભજનો પૂર્ણતયા (કમ્પ્લીટલી) કમ્પોઝિટ લિટરરી ટેક્સ્ટ તરીકે ઓળખાવાનું બને છે.

નકલંકી ભજનો : આગવી - અનોખી મુદ્રા :

(૧) પીર શમ્સ, સદરુદીન પીર, હસનકબીર પીર, તાજદીન પીર આદિના ગિનાનમાં ક્વચિત દૃષ્ટિગોચર થતું અવતારનું નિરૂપણ અહીં જરા વિશિષ્ટ રીતે છે. એ રીતે ઇસ્માઈલી ખોજા - સતપંથમાં અવતાર પરંપરાનું અલ્પ આલેખન છે એનો આ રચનાઓમાં વિશેષ સંખ્યામાં અનેક સ્થાને નિર્દેશ છે. ધ્રુવ અને પ્રહ્‌લાદ પણ ઘણે સ્થાને નિરૂપાયેલા દૃષ્ટિગોચર થાય છે. અહલ્યા ઉદ્ધાર, ગજેન્દ્ર મોક્ષ જેવી પુરાકથા (મીથ)નું નિરૂપણ પણ જોવા મળે છે. અવતાર ધારણ કરીને ભક્તોને કરેલ સહાયનો નિર્દેશ તથા યમરાજાનો નિર્દેશ આ રચનાઓની આગવી વિશિષ્ટતા છે. (૨) પીર પરંપરામાં સાહિત્યિક સ્વરૂપ પણ ગરબી, સિવાય પ્રભાતિયાં ભજન એમ બહુ વિવિધતા નથી. જ્યારે અહીં એ વૈવિધ્ય પણ દૃષ્ટિગોચર થાય છે. ધોળ-ભજન જ વિશેષ છે. આરતી પણ વધુ માત્રામાં છે. પંદર તિથિ અને સાત વાર છપ્પા, રાસડા, રેખતા સ્વરૂપની રચનાઓ પણ દ્રષ્ટિગોચર થાય છે. કાવ્યરચના રીતિના પ્રયોગોમાં પણ તળપદી ગુજરાતી તરકીબ, પ્રાસ યોજના, પ્રથમ પંક્તિના પ્રથમ અક્ષરમાંથી પ્રગટતી પ્રતિબદ્ધતા તથા પરંપરિત પ્રચલિત ઢાળના ભાવને અનુરૂપ રીતે પ્રચુર માત્રામાં વૈવિધ્યપૂર્ણ રીતે વિનિયોગ અહીં દ્રષ્ટિગોચર થાય છે. અભિવ્યક્તિનું આ સ્વરૂપ નિજારી ઇસ્માઈલી પીર પરંપરાથી થોડું અનોખું છે અને એથી આગવું જણાયું છે. (૩) પ્રેમલક્ષણા ભક્તિના અનેક પ્રયોગો પણ વિવિધ સ્થાને જોવા મળે છે. પરમતત્ત્વ-અલી-નકલંક તરફની પ્રગાઢ ભક્તિ એમાંથી પ્રગટે છે. ‘અળગા ન રહો અલી મારાથી’ (૬) કે ‘જોઈ જોઈને જાઉં છું વારી’(૬)માંથી સખ્ય ભાવ પ્રગટે છે. તો વળી, વાત્સલ્યભાવને પ્રગટાવતી કેટલીક પંક્તિઓ પણ મળે છે જેમ કે ‘હું છોરું તમારું ને તમે મારો બાપો’(૬), ‘બાપા બાળ તમારા’ (૧૧). ‘ચતુરાનાર, થઈ તૈયાર વરવા વરને રે નિરંજન નકલંકને’(૫) જેવામાંથી પ્રિયતમ ભાવ પણ પ્રગટે છે. આમ સખ્યભાવ, વાત્સલ્ય ભાવ અને પ્રેમભાવના નિરૂપણના વિપુલ દૃષ્ટાંતો દૃષ્ટિગોચર થાય છે. ભાવનું આવું નિરૂપણ પણ મને આગવું લાગે છે. (૪) અહીં આઠમી રચનામાં નામદાર આગાખાન જ નકલંક સ્વરૂપે છે એમ જણાવેલું છે. આ મુદ્દો પણ ખૂબ જ વિશિષ્ટ છે. કેટલેક સ્થાને અલીને પણ નકલંકના રૂપ તરીકે ઓળખાવાયા છે. કેટલેક સ્થાને નારાયણ એવો પણ નિર્દેશ છે. ક્યાંક પીર અને ક્વચિત શાહ એવું સંબોધન પણ દૃષ્ટિગોચર થાય છે. અમુક સ્થાને મક્કાનો નિર્દેશ મૃત બકરીને જીવન પ્રાપ્ત કરવાનો પણ નિર્દેશ છે. આમ અવનવાં વિવિધ નામો એની વ્યાપકતાનો પરિચય કરાવે છે. (૫) યા અલીનો સતત નિર્દેશ અને પીર શમ્સ, સદરુદીન, અથરવેદ વગેરે સંદર્ભોને કારણે ઇસ્માઈલી ખોજા અને પીર પરંપરાની સાથે સધાયેલું અનુસંધાન અવશ્ય દૃષ્ટિગોચર થાય છે. પરંતુ મુક્તિનું નિરૂપણ એમાં થયેલું છે એ મુદ્દો વિચારણીય છે. ‘મુક્તિ મળશે મંગળકારી’(૬), ‘પ્રભુ ઉઘાડો મોક્ષનું દ્વાર રે’ (૭) એ નિરૂપણથી ગુજરાતી સંતવાણીની લગોલગ આ રચનાઓને મૂકી શકાય. આ પ્રકારના અન્ય નિર્દેશો પણ થયેલા છે. ‘અરૂપમાંથી રૂપ’ (૭), ‘કાળીંગાને મારી કરશે ભક્તનો ઉદ્ધાર’(૯), ‘વાયદો ચોથા યુગનો’ (૧૦), ‘ભારતીય કાલગણના’ (યુગમૂલક)નો સ્વીકાર જોઈ શકાય છે. ‘ખરો જન્મમરણનો ભય સર્વને માથે રે’ (૧૨)માં પુનરજન્મની માન્યતાનું નિરૂપણ જોઈ શકાય છે. ‘એ તો હતી પંચભૂતની ખરી લપ રે’ (૧૩)માંથી પ્રગટતી મનુષ્યદેહની પંચમહાભૂતમાં ભળી જવાની પરંપરાગત માન્યતાનું નિરૂપણ અહીં જોવા મળે છે. એ બધા કારણથી આ રચનાઓનો સંતવાણી - ભજનોની સાથેનો ગાઢ સંબંધ છે એમ કહેવાનું થાય છે. (૬) સંતવાણી પરંપરાથી અનુપ્રાણિત આ રચનાઓ કે કર્તાઓ ગુજરાતી સંતવાણીમાં ક્યાંય દૃષ્ટિગોચર થતા નથી. કોઈ ભજનસંગ્રહમાં પણ આ રચનાઓ ક્યાંય ઉલ્લેખાયેલી નથી. એમાં નિર્દેશાયેલા ઢાળ સંતવાણીના છે એમ ગિનાનના પણ છે. ‘સખી રે મહાપદ કેરી વાત’ એ ગિનાન ઢાળ ભજન રૂપે મહાપંથી વાણીમાં મળે છે. પણ આમાંની કોઈ રચના અન્ય ગિનાન માફક ભજનવાણીમાં ઉપલબ્ધ નથી. એ રીતે આ રચનાઓ માત્ર ને માત્ર અહીં જ મુદ્રિત છે. આઠ-નવ દાયકાથી પ્રચલિત આ રચનાઓ માત્ર સતપંથ કે ગુપ્તખોજા પૂરતી મર્યાદિત હશે અન્યથા આમાંની કોઈ રચનાને ઢાળ તરીકે પણ કોઈએ પ્રયોજી હોત. પણ આવાં ઉદાહરણો ગુજરાતી સંતવાણી પરંપરામાં મળતાં નથી. પીરકૃત રચનાઓમાં મધ્યકાલીન ગુજરાતી પદ સંસ્કૃતિનું દર્શન થાય છે. જ્યારે આ પીરપદ સિવાયના કર્તાઓની રચનાઓમાં કંઠસ્થપરંપરાની તળપદી ગુજરાતી ભજન સંસ્કૃતિનું દર્શન થાય છે. ગુજરાતની તળપદી ભાષા-બોલી પ્રયોગો, માન્યતાઓ, અહીં નિહિત છે. એ રીતે આ બધી રચનાઓ નિજારી ઇસ્માઈલી સતપંથી કે ગુપ્તખોજા પરંપરાની હોવા ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક-સામાજિક અધ્યયનમાં પણ મહત્ત્વની કડી તરીકે ખપમાં લાગે તેમ છે. ઇસ્માઈલી ગિનાન સંદેશને, સતપંથી સંદેશને પાછળથી એમના અનુયાયીઓએ પોતાની ભાવનાને કેવી રીતે ઉદ્‌ઘાટિત કરી છે અને ઇસ્માઈલી ગિનાન સંદેશ કેવા આગવા રૂપે કેટલો વ્યાપકપણે પ્રસરેલો છે એનું ઉદાહરણ આ બધી નકલંકી ભજન રચનાઓ જણાય છે. એટલે મારે કહેવાનું થાય છે કે ગિનાનને મધ્યકાલીન ગુજરાતી પદપરંપરાના લંબાયેલા કાવ્યપ્રકાર તરીકે તથા આ સતપંથી પરંપરાની તમામ રચનાઓને કંઠસ્થ પરંપરાની ગુજરાતી સંતવાણીના આગવા ભજન કાવ્યપ્રકાર સંદર્ભે ઇસ્માઈલી ગિનાન પરંપરામાં અને ગુજરાતી ભજન પરંપરામાં પણ અભ્યાસમાં – સંશોધનમાં ઉમેરવાં જોઈએ, સ્થાપવાં જોઈએ.

અમદાવાદ, ૨૦૧૦
(અહીં પ્રથમ પ્રકાશિત)


Notes :

  1. ૧. ‘Devotional Literature in South Asia’, ed. R.S. Megregar, Cambridged University press, ૧૯૯૦, ‘The Ismaili Ginans as devotional Literature’, Artical by Ali S. Asani, Page-૧૦૨
  2. ૨. શ્રી નકલંક શાસ્ત્ર ભાગ-૨, પ્રકાશક નકલંક જ્ઞાન પ્રચારક મંડળ, મુંબઈ-અમદાવાદ (ઈ.સ. ૧૯૨૨)
  3. તાલિમે ઇસમાઇલિયા, પુસ્તક-૬, ‘આપણું ગિનાન સાહિત્ય’, પૃષ્ઠ : ૪, ૫ ઈસ્માઈલિયા એસોસિએશન ફોર ઇન્ડિયા (મુંબઈ) અમદાવાદ, આવૃત્તિ : બીજી (ઈ.સ. ૧૯૭૫)
  4. એજન, પૃષ્ઠ : ૬
  5. એજન, પૃષ્ઠ : ૧૧૦-૧૧૨
  6. ‘શ્રી નકલંક ભજનસંગ્રહ ભાગ-૧’ : પ્રકાશક, નકલંક જ્ઞાન પ્રસારક મંડળ, (મુંબઈ) અમદાવાદ, આવૃત્તિ : ૧લી, (ઈ.સ. ૧૯૨૧)
  7. એજન, ક્રમાંક બે મુજબ.