અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રમુખીય પ્રવચનો

: ૩ :

Adhit Title art.png

ગુજરાતીનો અધ્યાપક સંઘ

Gujaratino Adhyapak Sangh - Logo.jpg

સંપાદકો

અજય રાવલ ● રાજેશ મકવાણા ● ભરત પરીખ
જે. એમ. ચંદ્રવાડિયા ● ભરત પંડ્યા



કિંમત: રૂ. 120

પહેલી આવૃત્તિ : જાન્યુઆરી 2010


Pramukhiya Pravachano : 3
Presidencial Lectures delivered at Annual Conferences of
Gujaratino Adhyapaksangh, between 1998 and 2010
Edited by Ajay Raval, Rajesh Makwana, Bharat Parikh,
J. M. Chandravadia, Bharat Pandya

ISBN 978-81-8480-308-2

પૃષ્ઠ : 10+178

■ પ્રકાશક : ગુજરાતીનો અધ્યાપક સંઘ વતી અમર ઠાકોરલાલ શાહ

સંપાદકીય

શ્રી ડોલરરાય માંકડના વિચારમાંથી, નવેમ્બર, ૧૯૪૭થી અસ્તિત્વમાં આવેલો ગુજરાતીનો અધ્યાપકસંઘ આગવી પરંપરાથી, વિધવિધ પ્રવૃત્તિઓથી અલગ ઓળખ ધરાવે છે. અધ્યયન અને અધ્યાપન તેજસ્વી કઈ રીતે બને એ વાત અધ્યાપકસંઘની દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં છે. આ માટે સંઘ સ્વાધ્યાયપરાયણ વાર્ષિક અધિવેશન, અભ્યાસક્રમ – ઘડતર – સુધારણા, વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા, અધ્યાપક સજ્જતા શિબિર, ‘અધીત’ સંઘના વાર્ષિક – નું પ્રકાશન અને અન્ય ગ્રંથ-પ્રકાશનો વગેરે પ્રવૃત્તિઓ સાતત્યથી કરે છે. ‘ગુજરાતીનો અધ્યાપકસંઘ’ના રજતજયંતી અધિવેશન પ્રસંગે સંઘના પ્રમુખોએ આપેલાં વ્યાખ્યાનોનો સંચય ‘અધીત’ – (સં. ચિમનલાલ ત્રિવેદી, ચિનુ મોદી) નવેમ્બર, ૧૯૭૪માં પ્રકાશિત થયો હતો. સુવર્ણજયંતી અધિવેશન પ્રસંગે પ્રમુખીય પ્રવચનોનો બીજો સંચય ‘અધીત : પ્રમુખીય પ્રવચનો’ (સં. ચન્દ્રકાન્ત શેઠ, જયદેવ શુક્લ, ભરત મહેતા, જગદીશ ગૂર્જર) ડિસેમ્બર, ૧૯૯૭માં પ્રકાશિત થયો હતો. આ ગ્રંથોના અનુસંધાને ‘અધીત : પ્રમુખીય પ્રવચનો : ૩’નું આજે ફેબ્રુઆરી, ૨૦૧૦માં પ્રકાશન થઈ રહ્યું છે, એ પ્રસન્નકર ઘટના છે. ચિનુ મોદી – (૧૯૯૮)થી બળવંત જાની – (૨૦૧૦) સુધીના બાર પ્રવચનો એકસાથે ઉપલબ્ધ થાય, અને, એ રીતે આજ સુધીનાં બધા પ્રમુખોનાં પ્રવચનો ગ્રંથસ્થ થાય, એ હેતુથી આ ગ્રંથ આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. સંઘના આરંભે જ શ્રી રામનારાયણ વિ. પાઠક જેવા તેજસ્વી અભ્યાસી અધ્યાપકનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. ત્યાર બાદ ઉત્તરોત્તર એવા અભ્યાસીઓ પ્રમુખસ્થાને આવતા રહ્યા, ને એક ઉત્તમ પરંપરા ઊભી થઈ. તો, આ પ્રમુખીય સ્થાન માત્ર શોભાકર ન રહેતા, સ્વાધ્યાયલક્ષી પ્રવચનોથી ગૌરવવંતું પણ થયું. આ પ્રવચનો ગ્રંથસ્થ થાય એટલે અનેક અધ્યાપકો-અભ્યાસીઓએ માટે પ્રેરક અને ઉત્તેજક પણ થાય. આ ગ્રંથનાં પ્રવચનોમાંથી પસાર થતાં એ કેવો તો ઉત્તમ સ્વાધ્યાયનો નમૂનો છે એ પ્રતીતિ સહુ કોઈને થશે જ. અનુક્રમ પર નજર કરતાં એના વિષયનો વ્યાય કેવો તો વૈવિધ્યસભર છે એ જણાશે. આ પ્રમુખો – અભ્યાસીઓએ કાવ્યશાસ્ત્ર, સાહિત્યસિદ્ધાંત, પ્રત્યક્ષ વિવેચન, સાહિત્યસ્વરૂપો, સાહિત્યશિક્ષણ, કથનશાસ્ત્ર, બહુસંસ્કૃતિ, કોશવિજ્ઞાન, ધર્માન્તરિત પ્રજાનું સાહિત્ય – એમ અનેક ક્ષેત્રે કલમ ચલાવી છે. ચિનુ મોદીએ ઇસ્લામી કાવ્યશાસ્ત્ર અને આપણા કાવ્યશાસ્ત્રની તુલના કરીને, ગઝલને આપણા કાવ્યશાસ્ત્રથી તપાસીએ ત્યારે કેવી તો સાવધાની રાખવી જોઈએ – એ મુખ્યત્વે સ્પષ્ટ કર્યું છે. જયંત ગાડીતે જયંત કોઠારીની પ્રત્યક્ષ વિવેચનાના સંદર્ભમાં તેમના સિદ્ધાંત વિવેચનની સૂક્ષ્મ દૃષ્ટિએ તપાસ કરી છે. તેમના મતે ઘણી વખત મોટા વિવેચકોએ સિદ્ધાંતચર્ચા ખાસ ન કરી હોય તોપણ એ પોતાના પ્રત્યક્ષ વિવેચન દ્વારા કોઈ સિદ્ધાંત તરફ ગતિ કરતા હોય. આ ભૂમિકાએ તેઓ જયંત કોઠારીની સૈદ્ધાંતિક ભૂમિકા – સાહિત્યિકરુચિ પર પ્રભાવને સ્પષ્ટ કરે છે. સિતાંશુ યશશ્ચંદ્રએ – પરાત્પર પરબ્રહ્મ સહી, પણ મન અને વાણી પોતે કેવાં દુર્ગમ્ય છે, મન અને વાણી પરસ્પર કેવાં સંકળાયેલાં છે એની શાસ્ત્રીય ચર્ચા ભારતીય અને પાશ્ચાત્ય વિચારણાના મહત્ત્વના વિચારકોને ટાંકતાં – અર્થઘટનોનું અર્થઘટન કર્યું છે. સુમન શાહે ‘દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા’માં વાર્તાના મહત્ત્વના ઘટક અંગે – એ નિમિત્તે મૂળગામી ચિંતનાત્મક મીમાંસા કરી છે. તેઓ ‘ચૈતન્ય’ અને ‘તન્ત્ર’; ‘સાધારણીકરણ’ અને ‘વિશેષીકરણ’ એ મૉડેલ વડે – ટૂંકી વાર્તાની ભાષાને સ્પષ્ટ કરી આપે છે. ટૂંકી વાર્તામાં ભાષાનો વિનિયોગ અનુવાદશીલ, કથનશીલ, આલેખનશીલ કે સર્જનાત્મક હોય છે. શિષ્ટમાન્ય ભાષા અને બોલી – એ બેમાંથી કોઈ એકનો પક્ષ ન કરતાં બેયનું સાયુજ્ય તેઓ ઝંખે છે. માય ડિયર જ્યુએ ગદ્યવિધાન વિશે કેટલાક સંકેતો મૂકી આપ્યા છે. ગદ્યની સિદ્ધિ-અસિદ્ધિ માટે આપણે સભાન નથી. ગદ્ય કોઈ ખંડરૂપ નહિ કૃતિનું આમૂલાગ્ર ‘પોત’ હોય છે, એ તારણ ઉપર તેઓ આવે છે. શિરીષ પંચાલ ‘સાહિત્ય અને સાહિત્યશિક્ષણના પ્રશ્નોની છણાવટ કરતાં સાહિત્યના શિક્ષકની સજ્જતા, માનવવિદ્યાઓના અસ્તિત્વને ટકાવવાની ચિંતા, વર્ગખંડના પ્રશ્નો, સાહિત્ય ઇતિહાસ – વિવેચન, સૌંદર્યશાસ્ત્ર એમ અનેક મુદ્દાઓને સ્પષ્ટ કરતાં સાહિત્ય-કલા દ્વારા મનુષ્યને સંસ્કારી શકાય? એવો પ્રશ્ન ઊભો કરે છે. નરેશ વેદ ભારતીય કથનશાસ્ત્રલેખમાં કથાકથનનું શાસ્ત્ર રચવા ભારતીય કથનશાસ્ત્રની મહત્તા પ્રમાણીને – એ ઇયત્તા, ગુણવત્તા અને વિવિધતામાં કેવી હતી એની વિસ્તૃત ચર્ચા કરતાં, તેના દશ પ્રકારો, એની વિશેષતા, બંધારણ, વ્યાવર્તક લાક્ષણિકતાઓ, એમાં પ્રયોજાયેલી પ્રયુક્તિઓ વગેરે સ્પષ્ટ કરે છે. સતીશ વ્યાસ વર્તમાન શિક્ષણની ચિંતા કરવાની સાથે નાટકના શિક્ષણ વિશે નાટકપઠન, પ્રસ્તુતિ, વર્ગમાં કાલ્પનિક મંચ, અભિનયનાં અંગો, નાટકની ભાષાની વાત કરતાં, નાટકનો અભ્યાસ, શિક્ષણના અન્ય વિકલ્પો માટે કેવો ઉપકારક બની રહે એ ઉદાહરણ સાથે ચર્ચે છે. પ્રવીણ દરજીનો લેખ ‘સંસ્કૃત, બહુસંસ્કૃતિ અને સાહિત્ય’ – એ અનુઆધુનિકતાના સમયમાં વિશેષ ધ્યાનાર્હ બનેલા વિષય પર પ્રકાશ પાડે છે. તેઓ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, બહુસંસ્કૃતિ, એની કળા-સાહિત્યસંદર્ભે ભૂમિકા, સાહિત્યનું – સાહિત્યકારનું કાર્ય વગેરે મુદ્દાઓને લઈને વિસ્તૃત છણાવટ કરે છે. વિજય શાસ્ત્રીએ રૉનાલ્ડ પિકોકની વિચારણાના આધારે સાહિત્યના બહુઆયામીપણાની, સાહિત્યિક વાચનાના ભાવનની, ભાવકચિત્તના વિશ્લેષણની, ભાવકપ્રક્રિયા, બે પ્રકારની વિવેચનપ્રક્રિયા વગેરે મુદ્દાઓ સ્પષ્ટ કરતાં સાહિત્યિક વાચનાના ભાવન-વિવેચન વિશે સિદ્ધાંતચર્ચા કરી છે. રમણ સોનીએ કોશરચના-વિજ્ઞાન વિશે – માહિતી, માહિતી નિયંત્રણ માટે સૂચિ, સૂચિઓની સૂચિ, સૂચિવિદ્યા-સૂચિકારોનો મહિમા વગેરેની વાત કરતાં માહિતી નિયંત્રણ માટે કોશવિદ્યા-વિજ્ઞાન કઈ રીતે ઉપકારક થાય એની સાધાર ચર્ચા કરી છે. પશ્ચિમમાં આ દિશામાં થયેલા કાર્યો, પ્રકાશનો, કોશરચનાના આધુનિક વલણો, એની તાસીર, ગુજરાતીમાં થયેલા કોશકાર્ય વગેરેનો નિર્દેશ કર્યો છે. બળવંત જાનીએ ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ : નકલંકી ભજનો એ સ્વાધ્યાયલેખમાં નિજારી-ઇસ્માઇલી ખોજાના પીર દ્વારા રચાયેલી ગિનાન રચનાઓથી અનુપ્રાણિત નકલંકી ભજનોનો – ધર્માન્તરિત પ્રજાના – અવહેલના પામેલા સાહિત્ય તરીકે જોઈને, એનાં સાંસ્કૃતિક પાસાં પ્રગટ કર્યાં છે. અહીં તો આ અભ્યાસલેખ અંગે સહેજ નિર્દેશ જ છે, એ જ અપેક્ષિત છે. આ અભ્યાસલેખોમાં સ્વાધ્યાયનું ઊંડાણ, વિવેચનસૂઝ, તેમ જ સાહિત્યપદાર્થને જોવા-પ્રમાણવાની દૃષ્ટિનો પરિચય ધ્યાનપાત્ર છે. તેથી જ અગાઉના સંચયોની માફક આ સંચય ઉપયોગી થશે જ, ને, અધ્યાપકો-અભ્યાસીઓ માટે અનિવાર્ય પણ. આ પ્રવચનો આ પૂર્વે સંઘના વાર્ષિક ‘અધીત’માં પ્રસિદ્ધ થયા હતા. એવી વિગત જે-તે લેખના અંતે મૂકી છે. બળવંત જાનીનું પ્રવચન અહીં પહેલી વાર પ્રકાશિત થાય છે, આ રીતે, આજ સુધીનાં પ્રમુખીય પ્રવચનો પ્રકાશિત થઈ રહ્યા છે એનો આનંદ અને સંતોષ છે. ગ્રંથમાં મુકાયેલી પ્રમુખીય પ્રવચનો – એક અને બેની સૂચિ અભ્યાસીઓને સંદર્ભ તરીકે ઉપયોગી થશે. અહીં સમાવેશ થયેલા પ્રવચનો – અભ્યાસલેખોને સંચય રૂપે મૂકતાં અમો સંઘના સહુ પ્રમુખો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ, એ સહુ પૂર્વસૂરિઓના અમો ઋણી છીએ. આ ગ્રંથ-પ્રકાશન વખતે સંઘના પ્રમુખ રમણ સોની, વરાયેલાં પ્રમુખ બળવંત જાની તેમ જ કારોબારીસભાના સભ્યોનો અમે આભાર માનીએ છીએ. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહ તેમ જ ગ્રંથનું સુંદર-સુઘડ મુદ્રણ કરનાર શ્રી રોહિત કોઠારીનો તેમ જ ગ્રંથને આ સ્વરૂપ આપનાર સહુ કોઈનો હૃદયપૂર્વક આભાર માનીને, વિરમીએ છીએ.

ફેબ્રુઆરી ૨૦૧૦
અજય રાવલ, રાજેશ મકવાણા, ભરત પરીખ, જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા
સંપાદકો
 

અનુક્રમ [સંઘ દ્વારા અગાઉ પ્રકાશિત થયેલા ‘અધીત : પ્રમુખીય પ્રવચનો’]

ગ્રંથ : ૧
(પ્રકાશનવર્ષ : ૧૯૭૪)

S ગુજરાતીનો અધ્યાપકસંઘ : ૧૯૪૭–૧૯૭૪ ચિમનલાલ ત્રિવેદી
S ગુજરાતીના અધ્યાપકોનું કાર્યક્ષેત્ર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
S ગુજરાતી અભ્યાસક્રમો ઉમાશંકર જોશી
૧. રસાભાસ : તેનું સ્વરૂપ અને કાવ્યમાં સ્થાન નગીનદાસ પારેખ
૨. ગુજરાતી કોશ ભોગીલાલ સાંડેસરા
૩. ગુજરાતી સાહિત્યમાં અનુષ્ટુપ સુંદરજી બેટાઈ
૪. કાવ્યમાં ધ્વન્યાત્મક પ્રતીકોનો વિન્યાસ કાન્તિલાલ વ્યાસ
૫. ભાષા અને વ્યાકરણ કેશવરામ શાસ્ત્રી
૬. સ્નાતક-અનુસ્નાતક અધ્યયન-સંશોધન (થોડીક પુનર્વિચારણા) હરિવલ્લભ ભાયાણી
૭. મધ્યકાલીન સાહિત્યમાં શૃંગારરસ પ્રેમશંકર ભટ્ટ
૮. કાવ્યમાં રહસ્ય, ઘટકાંશ અને કાર્યપ્રયોજન – એનો આંતરસંબંધ હીરાબહેન પાઠક
૯. નવલકથામાં પ્રથમપુરુષપ્રયોગ ધીરુભાઈ ઠાકર
૧૦. ગુજરાતીના અભ્યાસક્રમમાં નાટકનું શિક્ષણ ચંદ્રવદન મહેતા
૧૧. અર્વાચીન સંદર્ભમાં સાહિત્યનું અધ્યાપન સુરેશ જોષી

ગ્રંથ : ૨
(પ્રકાશનવર્ષ : ૧૯૯૭)

૧. યુનિવર્સિટી કક્ષાએ ‘ગુજરાતી’નો અભ્યાસક્રમ આચાર્યશ્રી મોહનભાઈ પટેલ
૨. થોડોક કાવ્યવિચાર ડૉ. ઉપેન્દ્ર છ. પંડ્યા
૩. ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ ડૉ. ચંદ્રકાન્ત મહેતા
૪. અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી ઉશનસ્‌
૫. કવિતા : વસ્તુ અને વ્યાકરણ (થોડીક વિચારણા) ડૉ. જયન્ત પાઠક
૬. સાહિત્યમીમાંસાના બે સિદ્ધાંતો : સાધારણીકરણ અને Objective Correlative ડૉ. ઈશ્વરલાલ ર. દવે
૭. પરાવ્યક્તિ અને સંદિગ્ધતા (Paraphrase and Ambiguity) ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા
૮. સેટાયર : તેનું સ્વરૂપ : વિદેશી ને ગુજરાતી સાહિત્યમાં તેનું ખેડાણ ડૉ. મધુસૂદન પારેખ
૯. લોકવાઙ્‌મયની દિશામાં થોડા વિચારો પ્રા. કનુભાઈ જાની
૧૦. સર્જન-વિવેચનના સંબંધો ડૉ. રમણલાલ જોશી
૧૧. નાટક : લેખકથી પ્રેક્ષક સુધી કેટલાંક નિયામક પરિબળો : કેટલાક પડકારો આચાર્ય શ્રી વિનોદ અધ્વર્યુ
૧૨. આપણા માત્રિક છંદો (ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં) ડૉ. ચિમનલાલ ત્રિવેદી
૧૩. વિવેચન – વિવેચક – વિચાર પ્રા. જશવંત શેખડીવાળા
૧૪. ગુજરાતી વિવેચનને એક દિશાસૂચન પ્રા. જયંત પારેખ
૧૫. બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોકસાહિત્યમાં બારમાસી ડૉ. પ્રભાશંકર તેરૈયા
૧૬. સાહિત્યસ્વરૂપ (literary Genre)ની નવી વિભાવના : કૃતિવિવેચનમાં તેનો નવેસરથી વિનિયોગ ડૉ. પ્રમોદકુમાર પટેલ
૧૭. કાવ્ય – સર્જનથી અવબોધ સુધી ડૉ. હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’
૧૮. તુલનાત્મક સાહિત્યનો શૈક્ષણિક અભિગમ ડૉ. ધીરુ પરીખ
૧૯. ગ્રંથાવલોકન, પરંપરા અને પ્રયોગ આચાર્યશ્રી ગંભીરસિંહ ગોહિલ
૨૦. સ્વાધ્યાયને નથી સામા તીર આચાર્યશ્રી નરોત્તમ પલાણ
૨૧. ભાષા-સાહિત્યના અધ્યાપનમાં સર્જનાત્મક અભિગમ ડૉ. ચંદ્રકાન્ત શેઠ

[અભ્યાસીઓના સંદર્ભ માટે]