અનંતરાય રાવળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

રાવળ અનંતરાય મણિશંકર (૧-૧-૧૯૧૨, ૧૮-૧૧-૧૯૮૮): વિવેચક, સંપાદક. જન્મ મોસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. દરમિયાન ૧૯૩૨થી બે વર્ષ શામળ દાસ કૉલેજમાં ફેલ રહ્યા પછી મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામક પદેથી નિવૃત્ત. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષપદેથી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લેં કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના, વડોદરામાં ૧૯૮૦માં મળેલા ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૪ નો સાહિત્ય અકાદમીનો ઍવોર્ડ. એમને પ્રથમ વિવેચનસંગ્રહ ‘સાહિત્યવિહાર' ૧૯૪૬માં પ્રગટ થયેલ; તે પછી અનુક્રમે ‘ગંધાક્ષત' (૧૯૪૯), ‘સાહિત્યવિવેક’ (૧૯૫૮), ‘સાહિત્યનિકષ' (૧૯૫૮), ‘સમીક્ષા' (૧૯૬૨), સમા લેચના'(૧૯૬૬), ‘ગ્રંથસ્થ વાઙ્મય' (૧૯૬૭), ‘તારતમ્ય’ (૧૯૭૧), ‘ઉન્મીલન (૧૯૭૪) પ્રગટ થયા. એમણે કોઈ એકાદ સાહિત્યસ્વરૂપનું જ વિવેચન કર્યું નથી; એમની વિવેચક તરીકેની ગતિ લલિત ને લલિતેતર બંને પ્રકારનાં સાહિત્યસ્વરૂપમાં લગભગ એકસરખી છે. એમના વિભિન્ન વિવેચનસંગ્રહોમાં કવિતા, નાટક, ટૂંકીવાર્તા, નવલકથા, ચરિત્ર વગેરે વિવિધ સાહિત્યપ્રકારનાં પુસ્તકોના પ્રવેશકો છે; અધ્યયનગ્રંથો માટે લખાયેલા લેખો તથા યુનિવર્સિટી વ્યાખ્યાનો છે; આકાશવાણી માટે અપાયેલા વાર્તાલાપ છે તથા સામયિકોમાં કરેલાં લાંબા-ટૂંકાં અવલોકનો છે. ગુજરાત સાહિત્ય સભા માટે એમણે ૧૯૩૭, ૧૯૪૫, ૧૯૪૬, ૧૯૪૭ની વાર્ષિક વાડમયસમીક્ષાનું કાર્ય કરેલું. આ ચારેય વાર્ષિક સમીક્ષાઓ ‘ગ્રંથસ્થ વાઙ્મય' (૧૯૬૭)માં પ્રગટ થઈ છે. કવિવર્ય ન્હાનાલાલ (૧૯૮૫)માં એમને કવિ ન્હાનાલાલ પરનો સર્વગ્રાહી અભ્યાસ છે. ઊંડી નિષ્ઠા, સાંગોપાંગ નિરૂપણ, ઝીણું અને ઊંડું નિહાળતી વેધક દૃષ્ટિ, વિશાળ સમભાવ એ એમના વિવેચનની લાક્ષણિકતા છે. ‘ઉપચય' (૧૯૭૧) એમને વિવિધ પ્રયોજને લખાયેલાં શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્યવિશેનાં તથા સાહિત્યકારોને અદયરૂપ લખાયેલાં છત્રીસ લેખો-પ્રવચનોનો સંગ્રહ છે. સંગ્રહમાંનાં સાહિત્યેતર લખાણોના કેન્દ્રમાં પણ તેઓ સાહિત્યમીમાંસક જ રહેલા છે.