અનુક્રમ/અભિમન્યુ આખ્યાન
૫૧ કડવાંનું આ આખ્યાન પણ પ્રેમાનંદનું મધ્યમકક્ષાનું સર્જન છે. કથા બે ભાગમાં સ્વાભાવિક રીતે વહેંચાઈ જાય છે. અભિમન્યુના પૂર્વજન્મની કથા અને ખરેખરી અભિમન્યુકથા. પૂર્વજન્મની કથા એટલે કે અહિલોચનવૃત્તાંતને પ્રેમાનંદે જેટલું ખીલવ્યું છે તેટલું બીજા કોઈ આખ્યાનકારે ખીલવ્યું નથી. એમાં કૌટુંબિક અને અન્ય તળપદા ભાવોને ગૂંથવાની – વર્ણવવાની તક એ છોડતો નથી. અહિલોચન-કૃષ્ણના મિલન-પ્રસંગને તો એણે કેટલો નાટ્યાત્મક બનાવ્યો છે!
અહિલોચનવૃત્તાંત એ ગુજરાતી અભિમન્યુકથાનો એક લાક્ષણિક વિકાસ છે. અભિમન્યુના મૃત્યુમાં કૃષ્ણનો હાથ હોવો એ જ એક નવી કલ્પના છે. અભિમન્યુના મૃત્યુની અસંભાવ્યતા દર્શાવવા આ કલ્પના થઈ હશે? કે લોકપરંપરાના કૃષ્ણચરિત્રના કપટ-અંશે આવી કલ્પના પ્રેરી હશે? અભિમન્યુ પૂર્વજન્મનો અસુર હોવાની વાત અને એને અનુષંગીને અહિલોચનવૃત્તાંત કદાચ એના મૃત્યુમાં કૃષ્ણે ભજવેલા ભાગના ખુલાસા તરીકે ગોઠવાયાં હોય.
અભિમન્યુકથાના પણ ખરેખર બે ભાગ પડી જાય છે : પ્રસૂતિ, મોસાળું, સામૈયું આદિ અંગેના ગુજરાતી વ્યવહારોનું દર્શન કરાવતો અને કેટલાંક તળપદાં ગુજરાતી કહેવાય એવાં જનસ્વભાવચિત્રો દોરતો અભિમન્યુના ગર્ભપ્રવેશથી લગ્ન સુધીનો એક ભાગ અને યુદ્ધકથાનો બીજો ભાગ. મોસાળાના પ્રસંગમાં પ્રેમાનંદ ભીમને ‘હાથ ન પહોંચે હલધરજી, તો અમારું લઈ છાબે ભરો’ એવો નાગરી કટાક્ષ કરતો અને દ્રૌપદીને પહેરામણીમાં પોતે રહી જવાથી શાપ આપવા સુધી જતી વર્ણવે છે એ બતાવે છે કે મધ્યકાલીન ગુજરાતી જીવનના રસથી જ પ્રેમાનંદ આ બધું આલેખી રહ્યો છે. સુભદ્રાની ભાભીઓની કૌતુકવૃત્તિને પણ પ્રેમાનંદે સારી રીતે બહેલાવી છે.
ઉત્તરાની કથા પણ મધ્યકાલીન ગુજરાતી સમાજમાં પોતાનું વિશેષ રૂપ અને આકર્ષણ લઈને આવી છે યુદ્ધમેદાન પર ઉત્તરા-અભિમન્યુનું પહેલું મિલન એ એક નવી જ કલ્પના છે. એને અનુષંગે ઉત્તરા-અભિમન્યુ આટલો સમય કેમ અળગાં રહ્યાં એના કારણરૂપે આખ્યાનકારોએ (પ્રેમાનંદે નહિ) કૃષ્ણે કરેલી બનાવટની વાત મૂકી છે અને ઉત્તરાના આણાના પ્રસંગને તો આખ્યાનકારોએ રોમાંચક રીતે બહેલાવ્યો છે. સ્ત્રી-પુરુષના યૌવનસહજ મિલનૌત્સુક્યના મુગ્ધ કોમળ ભાવો અને પ્રેમાવેશને નિરૂપવાની તક આ કથાપ્રપંચમાં કથાકારોને મળી છે. આમાં પ્રેમાનંદ પોતાની કોઈ આગવી વિશેષતા બતાવતો નથી.
પ્રેમાનંદની સર્જકતા અહિલોચનની પ્રતાપી ભયપ્રેરક ગતિના અને કૃષ્ણના તુચ્છ, દીન, જુગુપ્સાજનક બ્રાહ્મણરૂપના વર્ણનમાં, કૃષ્ણના ચાતુર્યયુક્ત નાટ્યાત્મક – ક્યારેક નાટકી પણ ખરા – વર્તનના નિરૂપણમાં, અભિમન્યુની સરળ, મુગ્ધ, સુન્દર વીરમૂર્તિને પ્રત્યક્ષ કરાવવામાં અને એના મૃત્યુનું કોમળ કારુણ્ય કેટલાક અલંકારો વડે આપણા ચિત્ત પર અંકિત કરી આપવામાં રહેલી છે. જોકે અભિમન્યુના મૃત્યુનો પાંડવોને આઘાત લાગે છે તેનું વર્ણન પ્રમાણમાં રૂઢ હોઈ ઓછું અસરકારક લાગે છે, એ નોંધપાત્ર છે કે કૃષ્ણની તુલનાએ અભિમન્યુનું ચરિત્ર આ કાવ્યમાં ઉજ્જ્વળ અને ઉદાત્ત લાગે છે.
પૂર્વજન્મનાં જ વેર, છતાં અભિમન્યુ તો પોતાના વેરભાવને એક વખત જ સૂચવે છે, કૃષ્ણ સતત વેરભાવે વર્તે છે. આમ છતાં પ્રેમાનંદે લગ્ન વખતે વરકન્યાને ભરમાવી કૃષ્ણે આંખે પાટા બંધાવ્યાની વાતનો અસ્વીકાર કર્યો છે અને અભિમન્યુ-ઉત્તરાના અળગા રહેવાનું કારણ જતું કર્યું છે તે આશ્ચર્યજનક છે.
યુદ્ધવર્ણનો પરંપરાગત શૈલીનાં છે પણ કેન્દ્રમાં અભિમન્યુ હોવાથી એમાં કંઈક આપણો રસ જળવાઈ રહે છે. આમ છતાં યુદ્ધવર્ણનમાં શું કે, રીતરિવાજોના વર્ણનમાં શું કે કથાપ્રસંગોના નિરૂપણમાં શું – પ્રેમાનંદ આ આખ્યાનમાં કંઈક નિરાંતથી ચાલ્યો છે. એથી વસ્તુપ્રવાહ સુરેખ છતાં આછો વહે છે અને રસની ઘનતા સિદ્ધ થતી નથી.
[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ બીજો, ૧૯૭૫માંથી સંવર્ધિત]