અનુક્રમ/કૃતિ બે ફરાસખાનામાં


કૃતિ બે ફરાસખાનામાં

‘ફરાસખાના અથવા ચુંબન અથવા ચાર અક્ષરનો શબ્દ વરસાદ’ લે. મધુ રાય, કૃતિ વર્ષ બીજું, અંક બીજો, ઑગસ્ટ ૧૯૬૭ (સંપા. મુકુન્દ પરીખ, સુભાષ શાહ, લાભશંકર ઠાકર : કાયચિકિત્સા, સારંગપુર ચકલા, અમદાવાદ—૧), ‘રૂપકથા’ ૧૯૭૨માં ‘ચ્યુમ્મબન્ન’ એ નામથી ગ્રંથસ્થ. મધુરાયભાઈ, બાય યૂ, તમે કર્યું શુંનું શું! વરસાદની વાત તો સૌ કરે, તમે વરસાવ્યો વરસાદ, આશ્ચર્ય મુંને એ થયું, રહ્યું પાનું આબાદ, તમને ઘટે ઘણા ધન્યવાદ. સર્જકનું કામ કથન કરવાનું નથી, પ્રત્યક્ષ કરાવવાનું છે. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયગમ્ય, બુદ્ધિને અગમ્ય, અનર્થરમ્ય, શબ્દમૂલસ્વભાવજન્ય. શબ્દમાંથી વરસાદનો અવાજ ઊભો થયો, ગધેડાનો કાન ઊંચો થયો, બુદ્ધિશાળી બૂચો થયો, ગધેડાએ માંડ્યું નાચવા, બુદ્ધિશાળી મંડ્યો જાંચવા (જે હતું નહિ એને). ઈશ્વરની યોજના એવી છે કે સૌને સૌને યોગ્ય મળી રહે છે, કોઈ આનંદે, કોઈ પડે ફંદે. વિવેચકો બબૂચકો છે, અધ્યાપકો ઉલ્લૂ છે, વાચકો બિચારા અવાચક બની જાય છે. દરેક બાળકની જેમ દરેક સર્જક નવી ભાષા લઈને આવે છે. એનું ઉં—ઉં કોઈ સમજી શકતું નથી, કદાચ પોતે પણ સમજી શકતો નથી. પણ તેથી શું થયું? સંવેદનનો એ જ શુદ્ધ સાક્ષાત્‌ વૈયક્તિક આવિષ્કાર છે. સરજવા ઉપરાંત સમજવાનું હોતું નથી. સમજવું એટલે સરજવું. તમે સરજી શકશો? તો ફરાસખાનામાંથી ગાદલાં રજાઈ કઢાવો, દીવાબત્તી પેટાવો, ગુલબંકાવલીને પોઢાડો. વરસાદને વરસાવો. જીવનનો રોમાન્સ રચો. પછી આજુબાજુ મનુસ્મૃતિના શ્લોકો લલકારો, દેશનેતાનાં ભાષણો કરાવો, જાહેરાતના અવાજો ઉભરાવો, એને લૉંગ ક્લોથ અને છીંટ ઓઢાડો, એની પાસે અથાણાં અને મરીમસાલાના ડબ્બા ગોઠવો. પ્રાચીન જીવનના રોમાન્સને અર્વાચીન જીવનનો રોગાન લગાવો. એનું આગવું સંવેદન અનુભવાવો. એનું નામ જ સર્જન, માને કે કૃતિ. સંસ્કૃતિ નહિ, ઝંકૃતિ નહિ, અલંકૃતિ નહિ, ધૃતિ નહિ, પૃતિ નહિ, સૃતિ નહિ. સંસ્કૃતિ ડોકાતી લાગે તો એની ડોક મરડી નાખજો. અને કૃતિને જીવતી રાખજો. કૃતિના પ્રાણને સંસ્કૃતિના અસ્થિની જરૂર નથી, એનું અસ્તિત્વ આધ્યાત્મિક છે. આને તમે શું કહેશો, વારતા? વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાંને સમજાવતા, થોડાં કાચાં થોડાં પાકાં, એના કરવા સૌએ ફાકા, એક છોકરો રિસાણો, બીજો છોકરો રિસાણો, ત્રીજો છોકરો...ચોથો... ત્રણ છોકરા ડાહ્યા, એને બોર ભાવ્યાં, સૌની પાસે લાવ્યા. સમજી ગયા તે સુખી થયા, ન સમજ્યા તે ભૂખી રહ્યા. એક ભાભો ને ત્રણ છોકરા નીકળ્યા એ શૂરવીર ખરા, કાચાંને કીધાં ત્યાં સાચાં, કોઈ કરે એમાં શું ચૂચાં, આ તો સાધ્યાં શિખરો ઊંચાં...... તીખી રાઈ ને મીઠું મધુ, એનું તો મેં સરબત કીધું. પી ઘટક ઘટ, પી ઘટક ઘટ. જો કોઈનેયે અરુચિ થાય, તો તે કાયચિકિત્સા જાય.

તા. ૮-૧૧-૬૭ [ઉન્મૂલન, વર્ષ ૧, અંક ૩]