અનુનય/તરસથી તૃપ્તિ લગીની ક્ષણોનું કાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તરસથી તૃપ્તિ લગીની ક્ષણોનું કાવ્ય

પછી આકાશોના ગહન વનના સુપ્ત પવનો
સર્યા જાગી, જાણે પ્રથમ જ સર્યો શ્વાસ મુખથી;
ધરામાં નીચે સૌ જલ સ્ખલી ઊઠ્યાં સહેજ સુખથી
અને મોજાંઓનું દલ ધસમસ્યું ઘેરી ભવનો.

તરંગોમાં એવી તરસ ચઢી હેલે, ચઢી ચઢી
કિનારાને નાખ્યો નખક્ષતથી આખો ખણી ખણી;
ક્ષતોની પીડાને સુખ કણસતી ઘાયલ જમી;
અહો શી તોફાની તરસ બની પ્રલ્લેજલ રમી!

હું ચારે બાજુથી જલજલથી ઘેરાઈ જઉં છું;
મટોડી શો જાણે કણુંકણું વિખેરાઈ જઉં છું;
પ્રસારીને બેઉ કર શરણને કોઈ ઢૂંઢૂં છું;
અને આંખો મીંચી અવશ તવ અંગે વળગું છું.

તૃષાના તોફની જલની વચમાં દ્વીપ પર છું;
હું જાણે મોતીને પ્રસવતી ભીની છીપ પર છું!

૧-૧૦-’૭૬