અનુનય/નહીં બોલું-નું બોલકું ગીત
Jump to navigation
Jump to search
નહીં બોલું-નું બોલકું ગીત
નહીં બોલું લો બસ, અક્ષર જો એક કહું તો ક્હેજો
હોઠ સીવી લઉં સજ્જડ, ટાંકો એક તૂટે તો ક્હેજો!
નાની અમથી વાતની અમને રઢ ને તમને ચીડ,
ભલે રહી ભોંકાતી સહશું મૂંગી પ્રીતની પીડ;
તમને પીડનાં પાણી પદમણી લેશ અડે તો ક્હેજો!
હેત વિનાનાં હળવાંમળવાં આ મનખાને મેળે;
અમથો કરવો તંત, તાણવાં તમને બેળે બેળે;
તમે સાંભળો એમ વાંસળી વજાડીએ તો ક્હેજો!
તમે જ્યારથી મોડ્યું છે મુખ અમે ત્યારથી મૂંગા;
બધા ડાયરા બંધ, બંધ સૌ અમલકસુંબા ઠૂંગા,
અમે ભૂલથી ભૂલી જાતને
સમણામાંયે જૂની વાતને જગાડીએ તો ક્હેજો!
૯-૬-’૭૬