અનુનય/બંધના તૂટવા વિષે –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બંધના તૂટવા વિષે ––

જ્યારે
બંધ તૂટી ગયો છે, ને
સુંવાળી પાતળી નદી
એના બંને કાંઠા સાથે તણાઈ રહી છે ––
મોજાંમાં ઉગમણીપાની
સ્તન જેવી ડુંગરીઓ
ખેંચાતી ખેંચાતી ગળચિયાં ખાય છે ––
ટટ્ટાર ઊભેલાં તરુઓ
મૂળમાંથી હચમચીને
પહોળા હાથ કરીને અવશ થઈ ઢળી પડે છે ––
વમળના ઘમ્મર વલોણાના ફીણમાં
અક્કડ ઊભેલા અણિયાળા પથ્થરો
ઊંડા ઊતરી જાય છે —

જ્યારે આકાશ અને પૃથ્વી
પ્રલયના સઘન આશ્લેષમાં એકાકાર છે ––
ત્યારે
આ૫ણી જુદાઈને અકબંધ લઈને
આપણે ક્યાં સ્થળાન્તર કરીશું?!
ક્યા કિનારે લાંગરીશું?

૧૯-૬-’૭૫