અનુનય/વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો


પ્રસિદ્ધ કવિ-વિવેચક મૅકલીશની પેલી જાણીતી પંક્તિ–A poem should not mean but be–આપણે વિવેચનમાં અવારનવાર પ્રયોજીએ છીએ. પણ આપણા કવિ-વિવેચક જયન્ત પાઠકે તો આ પંક્તિ કાવ્યમાં ગૂંથી લીધી છે. બાળકે કાગળમાં આડાઅવળા લીટા કરેલા છે અને કવિ એની વચ્ચે કવિતા લખવાનો પ્રયત્ન કરે છે, તેમને આનંદવર્ધન અને મૅકલીશની વ્યાખ્યાઓ યાદ આવે છે પણ અંતે એ કવિતા લખવાનું માંડી વાળે છે. શિશુના લીટા જ એમને મન સાચી કવિતા થઈ રહે છે અને હારબંધ શબ્દો ગોઠવવાની પોતાની સંકલ્પમૂલક પ્રવૃત્તિ આડાઅવળા લીટા જેવી લાગે છે! આમ ભાવનો વ્યુત્ક્રમ થઈ જાય છે. પ્રસંગ સાદોસીધો છે, પણ કવિના કવિતા અને જીવન પ્રત્યેના અભિગમને એ પ્રગટ કરી દે છે.

‘અનુનય’માં મૂકેલી છેલ્લાં પાંચેક વરસની કવિતા જોતાં પહેલી છાપ ચિત્ત પર એ પડે છે કે જયંતભાઈ આપણા એક નીવડેલા કવિ તો છે જ પણ એ સતત વિકસતા રહેલા કવિ પણ છે. અવનવા આકારોમાં તે પોતાની અનુભૂતિને શબ્દબદ્ધ કરે છે. આ કે તે કાવ્યરીતિનો તેમને પક્ષપાત કે છોછ નથી. તેમના પુરોગામી સંગ્રહ ‘અંતરીક્ષ’માં જોવા મળેલી અભિવ્યક્તિની તાજગી અહીં અકબંધ જળવાઈ છે.

ઉમાશંકરે કવિતાને “ધરા પર અમૃતસરિતા” કહી, બીજા કવિઓ પણ કવિતા વિશેની પોતાની વિભાવનાને અને વિસ્મયને વ્યક્ત કરતા રહ્યા છે. જયન્ત પાઠક કહે છે :

ધરાથી થોડા અધ્ધર રહેવાનો ઝૂલો,
વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો.

સેલિનકોર્ટે On Reading Poetryમાં જી. એફ. બ્રૅડલીનું એક વાક્ય ટાંક્યું છે કે, ‘Poetry is in the world but not of the world.’ કવિતા પૃથ્વી પર છે પણ એ પાર્થિવ પદાર્થ નથી. દૈવી વસ્તુ છે. મનુષ્ય ધરા પર છે, ધરાને અને એના સૌન્દર્યને ચાહે છે; પણ કેવળ ધરા પર રહીને તે જીવી શકતો નથી. જીવવા માટે – સાચી રીતે જીવવા માટે એને બીજી વસ્તુઓની પણ જરૂર રહે છે. આમાં કળાના આનંદનું મૂલ્ય ઘણું મોટું છે. કળાકારો માનવજાતિની એક આધ્યાત્મિક જરૂરિયાતને સંતોષે છે અને એથી જ માનવજાતિ સદીઓથી તેમના પ્રત્યે એક પ્રકારનો ઓશિંગણભાવ અનુભવતી રહી છે. ઉપર ટાંકેલી પાઠકની પહેલી પંક્તિ કવિતાસામાન્યને અનુલક્ષે છે તો બીજી પંક્તિ ‘અનુનય’ની કવિતાને વિશેષરૂપે અનુલક્ષે છે.

જયન્ત પાઠકની કવિતામાં વિષાદ-વેદનાનો ભાવ ચાલુ ઘૂંટાયા કરે છે. પણ આશ્વાસક વસ્તુ એ છે કે કવિ આપણને ભેટ તો ધરે છે રૂપાળાં કાવ્યપુષ્પોની. કવિમાત્ર આ કરતો આવ્યો છે. અનેક લાગણીઓ, સંવેદનો અને સંવેગોમાં આમ તેમ ફંગોળાતો કવિ મનુષ્ય તરીકે તો એનું જે કરતો હોય તે, પણ આપણે માટે તો તે લઈ આવે છે ચંપાનું ફૂલ. (જુઓ, ‘મર્મર’માં ‘ચંપાનો છોડ’) ‘અનુનય’માં આવાં કાવ્યકુસુમોનો આહ્લાદક ગજરો મળી આવશે.

વેદના જીરવવી કેટલી કઠણ તે તો અનેક કાવ્યોમાં કવિ બતાવે છે :

વેદનાનું હાડકું તો કઠ્ઠણ કઠ્ઠણ
                     એટલે
દાંતમાંથી નીકળતા લોહીને ચાટ્યા કરીએ

*
જિંદગીને ખભે બેસાડીને

જાળવી જાળવી ચાલીએ
ને ચાલી ચાલીને આવીએ
આખરે તો
એક નાજુક ટેકે ટેકવાઈ રહેલી
મરણની ભેંકાર ભેખડ ઉપર!
આપણી ધારણાઓની ધાર
વારે વારે વાગ્યા કરે
ને આપણે
લોહીલુહાણ… લોહીલુહાણ…

કવિ માને છે કે આપણે માણસ છીએ એટલે વેદનાનું વાદળ પહેરીને જ ફરવું પડે. આ વેદના વૈયક્તિક છે, વિશિષ્ટ છે એટલી સાંપ્રત જીવનરીતિની પણ છે. અત્યંત વેધકતાથી આ ભાવ તેમણે અભિવ્યક્ત કર્યો છે :

પછી જ્યારે
મારો મૃતદેહ તરીને કાંઠે આવ્યો
ત્યારે સમજાયું કે
ભાર લાગતો હતો
તે શરીરનો નહોતો
શ્વાસનો હતો.

કેવી પરિસ્થિતિમાં આજનો મનુષ્ય જીવી રહ્યો છે એનાં ઇંગિતો કશા પણ અભળખા કે આળપંપાળ વગર તેમણે આપ્યાં છે. ‘વેદનારસ’ શબ્દ તેમણે અમસ્તો નિપજાવ્યો નથી! કવિમાત્ર મનુષ્યને બરોબર પ્રીછે છે, એની પરિસ્થિતિ અને પ્રકૃતિને જાણે છે અને છતાં ક્યારેય પણ એના પ્રત્યે સહાનુકંપાની કમીના હોતી નથી. બલકે ‘વિસ્મય’માં તેમણે ગાયેલું – માનવીય ગૌરવપૂર્વક ગાયેલું – તેમ

હું ય ભલા માણસ, માણસ છું,
લાખ્ખો વરસ તણો વારસ છું.
ક્ષણની ધોરી ધબકતી નસ છું!
કાળકાટ પર એવી જણસ છું.

જઞન્મોહિનીના કરથી જે કાંઈ વિષ કે અમૃત મળે તે ખુશીથી સ્વીકારીને પણ રમમાણ તો રહેવાનું છે શિવત્વમાં, એ વાત પણ તેમણે કહેલી જ છે.

માણસની જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ભૂતકાળનું આકર્ષણ પ્રબલ બને છે. ‘અતીતની થાપણ’ને તે ઉલ્લેખે છે :

સમયના વણજારાએ સંતાડેલી
અહીં અતીતની થાપણ–
સાચવવા મૂકેલી પળની સળવળ સાપણ.

બને એ ઉગારો શોધે છે ગૃહજીવનના માધુર્યમાં. શૈશવનાં સુખદ સંસ્મરણો તેમણે ઉમંગપૂર્વક આલેખ્યાં છે. બાળપણને કવિએ મોકલેલું ‘કહેણ’ એની સ્વાભાવિકતાથી રોચક નીવડ્યું છે. ‘પાછો વળું’માં ગ્રામસંસ્કૃતિ પ્રત્યેનો સાચકલો અનુરાગ હૃદયસ્પર્શી અભિવ્યક્તિ પામ્યો છે. પહેલાં અરણ્યો, પહાડો, ખીણો, નદીઓ, ફૂલો, વગડાઉ પ્રાણીઓ વચ્ચે કવિ વસતા હતા, પણ હવે આ બધાં તેમનામાં આવી વસે છે. આ પરિવર્તન કેટલું વ્યથાજનક બનતું હશે! નગરમાં વસવા છતાં, નગરજીવન સાથે સમરસ થયાં છતાં કવિ ઝંખી તો રહે છે પોતાના ગ્રામજીવનને. તેઓ પોતાનું શૈશવ એવી સઘન રીતે જીવ્યા લાગે છે કે એની પ્રકૃતિ સમેત સમગ્ર પરિવેશ તીવ્ર ઝંખના રૂપ બનીને તેમનામાં કાંઈક મધુર વ્યથા જન્માવે છે. જયન્તભાઈ છે પંચમહાલનું સંતાન. પંચમહાલનો વગડો અને નદીનાળાં, આદિવાસી ભીલ કન્યાઓ, ખેતરમાં લહેરાતા પાક આ બધું શું હવે તો એક અતીતનું સંભારણું બની રહેશે? જવાબ ‘ના’માં આવે છે. કવિ મનોમન અહીંથી પાછા વળવાનું વિચારે છે. મનુષ્યની પાંચે ઇન્દ્રિયો – કાન, આંખ, ત્વચા, નાક અને જીભ – જાણે પાછળ મૂકીને નીકળેલો ‘હું’ હજીય પાછો વળું તો એેવો પ્રશ્ન તેમને થયો છે. એ પાંચે ઇન્દ્રિયોના વિષયો છે : (૧) મધરાતના જંગલની અંધારી ત્રાડનો અવાજ, (૨) દૂર દૂર દેખાતી આદિવાસી કન્યાના જીંથરિયા વાળ વચાળે સેંથી જેવી વાંકીચૂકી વગડાની કેડીએ, (૩) સ્પર્શી જતી નાનકડી નદીની પવન સુંવાળી ઓઢણી, (૪) સીમખેતરના લીલા મગફળીના છોડની સોડમ અને (૫) ગામની વાઠીનાં ગજવામાં ભરેલાં ખટમીઠાં બોરનો સ્વાદ. અહીં ગ્રામજીવનની મધુરિમા અને શૈશવનું આકર્ષણ એકસાથે ગૂંથાઈ ગયાં છે. પણ હવે આ બિંદુએ પાછા વળવું કદાચ શક્ય નથી, કદાચ રુચે અને નય રુચે – આવો. અવઢવનો મિશ્રભાવ એવી જ નાજુક રીતે વ્યક્ત થાય છે ત્યારે ગ્રામજીવનનો ઠાલો મહિમા કરનારા કાવ્યાભાસી ઉદ્ગારોને પડછે આવી સહૃદય સંવેદના સ્વયમેવ આસ્વાદ્ય નીવડે છે. ‘મારી આસપાસ’ના આરંભે

મારી આસપાસ
અડાબીડ જંગલ ઊગી જાય
તો મને ગમે;
એમ કહ્યા પછી અંતમાં
ચાર દીવાલો વચ્ચે વગડો ઊગી જાય
તે મને ના ગમે;
મેંદીની વાડ સાવ ઊખડી જાય
તે મને ના ગમે!

–એમ સાચકલાઈપૂર્વક કહ્યું છે તે પ્રતીતિ જન્માવે છે. પછી અંતમાં આ ન કહ્યું હોત તોપણ વાચકને એ સમજવું-અનુભવવું દોહ્યલું ન નીવડત :

હું અને વગડો
હવે ક્યારેક ક્યાંક
સામસામા મળી જઈએ છીએ ત્યારે
ચિરપરિચિતોની જેમ ભેટી પડીએ છીએ,
અપરિચિતોની જેમ અતડા રહીએ છીએ–
આપણી વાસનાઓના કેટકેટલા સ્તર હોય છે!

આખો પ્રશ્ન સંસ્કૃતિ અને પ્રકૃતિનો છે. સાચી સંસ્કૃતિ ક્યાં છે તે કવિ બરોબર જાણે છે. પણ સમૂળગો વિચ્છેદ તે વાંછતા નથી. તેમનાં આ વૃત્તિવલણનો ખુલાસો આધ્યાત્મિક માનસમાં જોઈ શકાય. આ આધ્યાત્મિકતા કોઈ સભાન અભિનિવેશ કે સાંપ્રદાયિક પ્રતિબદ્ધતા નથી. સામાન્ય રીતે એ તરત દેખી શકાય એવી પણ નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે હરકોઈ ચિંતનપરાયણ કવિને આવશ્યક એવો આધ્યાત્મિક મિજાજ આ કવિમાં છે. (‘જવાનું’, ‘સંબંધ’, ‘આમ-તેમની વચ્ચે’) આ અભિગમ જીવનનાં અનેક વિષને બરદાસ્ત કરવાની શક્તિ અર્પે છે. ‘સ્વ’ અને ‘પર’નાં બધાં દુઃખો સહ્ય બનાવે છે, એમાંથી પણ કશુંક ઉપલબ્ધ કરાવે છે. ઘરમાં બાળકના આગમનને ચીલેચાલુ પ્રશસ્તિ વચનોથી નહિ, પણ સમગ્ર વાતાવરણને ચિત્રિત કરીને વધાવતા કવિ દેખાય છે. ગોઠવાણપૂર્વકની વ્યવસ્થા કરતાં આ ‘લીલા’ તેમને હૃદ્ય નીવડે છે. ‘દીકરીના લગ્ન પછી, ઘરમાં’ પ્રસંગ ઊકલી ગયાનો આનંદ માતાની આંખમાંથી જાણે હમણાં “ભારી દીકરી ક્યાં?” એ પ્રશ્ન ટપકું ટપકું થઈ રહ્યો છે એથી કેવો નંદવાઈ જતો બતાવ્યો છે! કુટુંબભાવોની એવી જ રમતિયાળ અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. આમેય અભિવ્યક્તિની આવી હળવાશ સ્વભાવોક્તિભર્યાં વર્ણનોમાં ખીલી ઊઠે છે.

દક્ષિણ ગુજરાતમાં વસતા આ કવિને માટે રેલ કે ધોધમાર વર્ષાનો અનુભવ સાવ સ્વાભાવિક ગણાય. ‘મર્મર’ કે ‘વિસ્મય’માં એનાં કાવ્યો ઠીક ઠીક છે. આ સંગ્રહના ‘પહેલી વર્ષા’ કાવ્યમાં કવિ માટીમાંથી નીકળતી સુંગધને ચાખી જોવાનું કહે છે :

ભૂખરાં ભરભર ઢેફાં
આજે સુગંધભીનાં
જરા નાકથી ચાખો
કેવાં ગળ્યાં ગળ્યાં!

આ પંક્તિઓમાંનો ઇન્દ્રિયવ્યત્યય અનુભૂતિની તીવ્રતાનો વ્યંજક બને છે. (વળી જુઓ “મેં દરિયાને સૂઘી લીધો.”) પણ પછી છાપરું તો ગમતું નથી ને, બારીઓ તો બધી બંધ છે તે ખાતરી કરી લે છે અને અંતે “કોરી કોરી પથારીઓમાં પળ્યાં!” એ અંતિમ પંક્તિનો ગર્ભિત કટાક્ષ ઘણું ઘણું સૂચવી દે છે. (આમેય પાઠકમાં કટાક્ષની નૈસર્ગિક શક્તિ છે પણ એનો તેમણે કાવ્યેતર બાબતોમાં ઉપયોગ કર્યો નથી એ નોંધવું જોઈએ.) ‘હેલી પછી’ એ એક અત્યંત સંતર્પક રચના છે. આજકાલ પ્રકૃતિ કાવ્યો ઝાઝાં લખાતાં નથી. આપણો કવિ જાણે સ્વ-કેન્દ્રી બન્યો છે. હતાશા, નિરર્થકતા અને વ્યર્થતાનું ઉછીનું ગાણું ગાતાં તે થાકતો નથી એ પરિસ્થિતિમાં જયન્ત પાઠક જેવા કવિઓ પાસેથી અનવદ્ય પ્રકૃતિ-પ્રેમનાં કાવ્યો મળે એ વસ્તુસ્થિતિ આશ્વાસક લેખાવી જોઈએ. કાવ્ય સંઘેડા ઉતાર થયું છે. કવિએ આપેલાં શબ્દચિત્રો ચિત્તમાં અંકાઈ જાય છે.

સાત સાત દિવસ પછી, હાશ–
આજે સૂરજ ઊગ્યો ખરો!
ભીનાં પાનની હથેળીઓમાં ચમકે
શત શત મોંઘા મૃલના મણિ!
ચાંદીની પાટોની પાટો
ઉપરતળે થતી
વહી જાય દરિયા ભણી!
લીલી ફ્રેમે મઢ્યાં તલાવડીઓનાં દર્પણ
ઝગમગ ઝગમગ
આંગણામાં આડિયું ભરીને વેરેલા કણ
પાંખોની ફડફડ, ચાંચોની ચણ ચણ
ભીનાં પીછાં પર ભભરાવેલો તડકો
પ્રલયનાં ઓસરતાં પાણીમાં સરે
ધીરે ધીરે તરંગની તરી
સૂરજનો સફેદ સઢ ફરફરે!

રૂઢ-અરૂઢ લયની સૂઝનાં ઉદાહરણો વિરલ નથી. જુઓ,
જુઓ પર્ણે ફૂલે
કશા વર્ણે ઝૂલે સમય નિજ છંદે અનુકૂલે!
અને આ ભૃંગોનાં ગીત ઊઘડતાં શાં દલદલે!

*
ઉઘાડું આંખો તો સજલ ઘનના આવરણમાં!

બધાં અંગો રંગો થઈ ઊઘડતાં ઇન્દ્રધનુમાં!

*
વાલમનો વારંવાર કાગળ વાંચું ને

હું તો સોનેરી શાઈ જોઈ રાચું;
અણભાળી આંગળીના મીઠા મરોડમાં
મરડાતું મન મારું કાચું.

‘મને આ પ્રીતિનું વળગણુ પુરાણું પ્રિયતમે’ એમ કહેનાર કવિ પ્રણયની વિવિધ ભાવભંગિઓ ન આલેખે તો જ આશ્ચર્ય થાય. સંસ્કૃત ધાટીનાં શૃંગાર કાવ્યો આપવાની ફાવટ કવિને છે. ‘અભિસાર’ તો નિતાન્ત એ શૈલીનું જ છે. ‘તરસી તરસી’, ‘કાગળ’, ‘છેવટનું ગીત’ પણ ખાસ ઉલ્લેખ માગી લે છે. પરંતુ હવે વિષાદનો ભાવ ઘેરો બને છે. ‘સળગેલાં સુખડાંની તાપણીએ બેઠી, હવે છેવટનું ફૂંકી લઉં છાણું!’માં એ માર્મિક પણ બને છે. ‘જાતકકથા’માં તે કહે છે :

બધા આનંદોની પરિણતિ – હવે વ્યાપક વ્યથા;
જુદી સંબુદ્ધોથી મુજ જન્મની જાતકકથા.
પ્રિય પાત્રથી મન વાળી લીધા પછી પણ શેષ તો રહે છે વેદના જ :
એમ અમે વાળી લીધું તમારાથી મન,
આંખથી વિખૂટું જેમ એક અંસવન.

ઉશનસ્ અને જયન્ત પાઠક – આપણા આ બંને કવિઓની કવિતામાં કેટલુંક સામ્ય તરત અભ્યાસીઓના ખ્યાલમાં આવશે. બંને પ્રણય અને પ્રકૃતિનાં વિવિધ રૂપો આલેખે છે ત્યારે ધીંગી બળકટ ઊર્મિઓને શબ્દબદ્ધ કરે છે, બંને રાગાવેગનાં ચિત્રો આપે છે, બંનેને બાળપણનું આકર્ષણ છે. પણ નિરૂપણરીતિ પરત્વે ઉશનસનો વિશેષ બરછટતામાં છે જ્યારે જયન્ત પાઠકનો પરિષ્કૃતિમાં પ્રગટ થાય છે. સંગ્રહમાં પ્રકાર પરત્વે સૉનેટ, ગઝલ અને ગીત પણ મળે છે. વિષય અને પ્રકારનું વૈવિધ્ય જેટલું સધાયું છે તેટલું નિરૂપણરીતિનું નથી. બોલચાલની છટાઓ ક્ષમતાપૂર્વક પ્રયોજાઈ છે. તેમનું એક કાલ્પનિક પાત્ર(?) ‘ભલાજી’ પણ અહીં ઉપસ્થિત છે જ. જયન્ત પાઠકની પદાવલિ એકંદરે સ્વચ્છ છે, તેમ છતાં ક્યારેક ‘પ્રલ્લે’, ‘તયેં’, ‘સરેરાશિયો’ જેવા શબ્દો તે તે સ્થાને સંતર્પક લાગતા નથી; ક્યાંક લયપ્રવાહ તૂટતો લાગે એવા શબ્દોનો ઉપયોગ ખટક્યા વગર રહેશે નહિ. પરંપરાગત ગઝલ કરતાં અત્યારે લખાતી ગઝલોનો ઉન્મેષ અહીંની કેટલીક કૃતિઓમાં મળશે. સંગ્રહમાં ગીતોનું પ્રમાણુ થોડું ઘટ્યું છે પણ જે છે તે કવિનાં ઉત્કૃષ્ટ ગીતોમાં સમાવિષ્ટ થઈ શકે તેવાં છે.

‘વિસ્મય’ સંગ્રહના ‘અનુનય’ અને ‘પ્રીતિ’ જેવાં કાવ્યોમાં કાવ્યો પ્રેયસીને અનુનય કરે છે, પણ આ સંગ્રહની કવિતાને સુજ્ઞ કાવ્યપ્રેમીએ અનુનય કરવાની કશી જરૂર નહિ રહે એમ અવશ્ય કહી શકાય. કવિની ‘શબ્દની શોધ’ સંકેલાઈ ગયા પછી આકાશ તારાઓથી ઊભરાવા લાગ્યું એ હકીકત શું ઓછી આનંદપ્રદ છે?


અમદાવાદ–૯
૧૦ માર્ચ, ૧૯૭૮
–રમણલાલ જોશી