અનુબોધ/ઉશનસ્‌ના કાવ્યવિશ્વમાં પુનઃપ્રવેશ


ઉશનસ્‌ના કાવ્યવિશ્વમાં પુનઃપ્રવેશ


‘શું વૃક્ષને પાંદડાં બહારથી આવે છે? એ આવિર્ભાવ છે, બહાર દેખાતું
પ્રગટીકરણ છે, પણ બાહ્ય નથી. જીવતા વૃક્ષને જ વસંત આવે છે. અને
વસંત ઋતુ માટે રાહ જોવી પડે છે. એ વૃક્ષને વાત નથી જ.
એમ એક જીવતા સંવેદનશીલ સંવેદનપટુ એવા કવિના ચિત્તમાં જ કાવ્ય
સ્ફુરી શકે છે.’
– ઉશનસ્‌

આપણી ભાષાના કેટલાકએક જીવતા સંવેદનશીલ અને સંવેદનપટુ કવિતાઓમાં શ્રી ઉશનસ્‌નું આગવું સ્થાન છે. ઈ.સ. ૧૯૩૮-૩૯નાં વર્ષોમાં આરંભાયેલી એમની કાવ્યપ્રવૃત્તિ હવે સાડાપાંચ દાયકા જેટલા લાંબા ગાળાને આવરી રહે છે અને તેમની કવિત્વશક્તિ હજુય તાજગીસભર ઉન્મેષો પ્રગટાવીને તેની જીવંતતાના અણસારો આપતી રહે છે. તેમની કવિતાની વિપુલતા, સત્ત્વસમૃદ્ધિ અને ઓજસ્વિતા મર્મજ્ઞ ભાવો અને વિવેચકોને પ્રભાવિત કરતી રહી છે. તેમની કવિતામાં અનેક સ્થાને અભિવ્યક્તિની નાનીમોટી મુશ્કેલીઓ તરફ તેઓ નિર્દેશ પણ કરતા રહ્યા છે, પણ સાથોસાથ તેમની પ્રતિભાના ખરેખર રમણીય અને પ્રાણવાન એવા વિશિષ્ટ ઉન્મેષોની તેમણે જે નોંધ લીધી છે તેય ઓછી સૂચક નથી. વાસ્તવમાં તેમની કવિતામાં તેમની એકદમ નિજી અને વૈયક્તિક મુદ્રા ઊપસી છે. અને છેલ્લાં પાંચ-સાડાપાંચ દાયકાની આપણી કવિતાની ત્વરિત બદલાતી રહેલી ગતિવિધિઓ વચ્ચેય આગવા ભાવજગત અને આગવી સંવેદનશીલતાથી તે આગવો રંગ અને રણકો જગાડતી રહી છે. આ ભાવકે બે-એક દાયકા પહેલાં એ સમય સુધીની તેમની સમગ્ર કવિતાને દૃષ્ટિફલકમાં રાખી ‘શ્રી ઉશનસ્‌ની કવિતાના મર્મકોષોમાં’ એ શીર્ષકથી એક રસલક્ષી લેખ પ્રગટ કરેલો. એમાં ઉશનસ્‌ની કવિતાના મર્મકોષોમાં* એ શીર્ષકથી એક રસલક્ષી લેખ પ્રગટ કરેલો. એમાં ઉશનસ્‌ની કવિતાના રસસ્રોતો અને રસતંતુઓનો પરિચય આપવાનો નમ્ર પ્રયત્ન હતો. એમાં, દેખીતી રીતે જ, આરંભના ‘પ્રસૂન’, ‘નેપથ્યે’, ‘મનોમુદ્રા’, ‘આર્દ્રા’, ‘તૃણનો ગ્રહ’, ‘સ્પંદ અને છંદ’, ‘અશ્વત્થ’ અને ‘રૂપના લય’ સુધીના કાવ્યગ્રંથો મારા વિવેચનવિચારમાં આવ્યા હતા. આ લેખમાં, તેમના એ પછીના કાવ્યગ્રંથો ‘વ્યાકુલ વૈષ્ણવ’, ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે,’ ‘શિશુલોક’, ‘આરોહ-અવરોહ’ અને ‘પૃથ્વીગતિનો છંદોલય’ની રચનાઓય ચર્ચામાં લીધી છે. ઉશનસ્‌ના ભાવજગતનો વિકાસવિસ્તાર, તેમાંનાં સાતત્યો અને નવોન્મેષો, એ સર્વ લક્ષમાં લેતાં તેમની કાવ્યકળાનાં રહસ્યો વિશે કંઈક નવી દૃષ્ટિએ વિચારવાનું પણ પ્રાપ્ત થયું છે, જો કે અગાઉનાં મારાં વિવેચનાત્મક અવલોકનોમાં ઝાઝો ફેર પડ્યો નથી. ઉશનસ્‌ની કવિતાના કાળત્મક વિષયોને યથાર્થરૂપે પામવાને ત્રીસીના અંત અને ચાળીસીના આરંભના વર્ષોમાં આપણી કવિતાની બદલાતી પ્રેરણાઓ અને બદલાતી કાવ્યરીતિનું નિકટતાથી અવલોકન કરવાનું મને ઘણું અનિવાર્ય લાગ્યું છે. ત્રીસીના દાયકામાં વિરલ પ્રભાવ પાડતા આપણા બે અગ્રણી કવિઓ ઉમાશંકર જોશી અને સુંદરમ્‌ની કાવ્યપ્રવૃત્તિથી ઉત્તરાર્ધમાં લખતા થયેલા પ્રહલાદ્‌ પારેખ, રાજેન્દ્ર શાહ, બાલમુકુન્દ, વેણીભાઈ, ઉશનસ્‌, જયંત પાઠક, હરિશ્ચદ્ર ભટ્ટ, નિરંજન ભગત, પ્રિયકાંત, હરિન્દ્ર આદિની કવિતામાં કંઈક પ્રશાન્તપણે કાવ્યસૌંદર્યની નવી સૂક્ષ્મ છટાઓને કારણે કંઈક જુદો જ વળાંક આરંભાતો દેખાય છે. ઉમાશંકર સુંદરમ્‌ની આરંભની કવિતામાં રાષ્ટ્રીય મુક્તિઆંદોલન, દલિતપીડિત વર્ગ માટેની સહાનુકંપા અને તેથી પ્રેરિત સામાજિક-રાજકીય અભિજ્ઞતા અને સામાજિક ક્રાંતિ માટેની ઝંખના વ્યાપકપણે પ્રગટ થતાં રહ્યાં છે. હકીકતમાં ઉમાશંકર-સુંન્દરમ્‌ની પેઢીના કવિઓમાં પ્રબળ વલણ ગાંધી, બુદ્ધ અને ઈશુના ઉદાત્ત વિચારો અને મૂલ્યોનું પુનઃપુનઃ ઉદ્‌ગાન કરવાનું હતું. એમની કવિતા વિશેષતઃ વિચાર કે મૂલ્યપ્રેરિત અને એ વિચાર કે મૂલ્યના રટણમાં શમી જતી દેખાય છે. પ્રકૃતિના પદાર્થો-દૃશ્યોમાં કોઈ ને કોઈ નૈતિક વિચાર ગૂંથવાનું બળવાન વલણ એ સમયે કામ કરી રહ્યું હતું. એ કારણે કેટલીયે રચનાઓ રૂપકગ્રંથિના માળખામાં બંધાઈ ગઈ છે. પ્રહ્‌લાદ-રાજેન્દ્રથી આરંભાતી પેઢીમાંય ચિંતનપ્રણીત કવિતાનો તંતુ જોવા મળે છે. અને ગાંધીબુદ્ધ આદિના ઉન્નત વિચારો હજુય પ્રેરણાસ્રોત બનતા દેખાય છે. પણ આ કવિઓમાં પ્રાચીન આધ્યાત્મિક ચિંતન તરફ ઝોક વરતાવા લાગે છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે નવી પેઢીના કવિઓ કાવ્યમાં વિચારોની મુખરતાથી અળગા થઈને સક્રિયપણે mediate કરે, સર્જકચેતનાની નિજી તીક્ષ્ણ ધાર તેનું પ્રતિફલન કરે, અને કવિનું ગૂઢ આંતરસત્ત્વ છતું થાય એ દિશામાં એ કાવ્યપ્રવૃત્તિ હતી. ભાવસંવેદનની સૂક્ષ્મતર સંચલનાઓ, તેના બદલાતા ગતિલયો અને તેના વિકાસવિસ્તારને સજીવ રૂપમાં બાંધવાની એમાં પ્રવૃત્તિ હતી. કૃતિનો એકેએક શબ્દ સજીવ લયસંવાદમાં બંધાય, બલેક સ્વયં એક વ્યંજનાસભર વિશ્વ બની રહે એ સભાનતા સાથે એમાં સહજ જ ઐન્દ્રિયિક સમૃદ્ધિવાળાં કલ્પનો/કલ્પનશ્રેણીઓ અને અર્થસઘન પ્રતીકોનો વ્યાપક સ્વીકાર થતો ગયો. એમ લાગે કે કાવ્યસૌંદર્ય વિશે ટાગોરની વિચારણાનો સૂક્ષ્મ પ્રભાવ એમાં કામ કરતો રહ્યો છે. આપણી કવિતાની બદલાતી ગતિવિધિઓના સંદર્ભે પ્રચલિત કાવ્યસ્વરૂપો, કાવ્યરીતિઓ, શૈલીઓ અને પદબંધો (diction)અને પદ્યરચનામાં આ તબક્કે આવેલાં પરિવર્તનોનું ઝીણવટભર્યું અવલોકન આવશ્યક બની રહે છે. છંદોબદ્ધ દીર્ઘ રચનાઓ, ખંડકાવ્યો, સૉનેટો, મુક્તકો જેવાં સ્વરૂપો ત્રીસીમાં વિશેષ ખેડાયાં છે. નવી પેઢીમાં કેટલાય કવિઓ સૉનેટ પ્રતિ ઊંડો લગાવ ધરાવે છે. છંદોબદ્ધ દીર્ઘ રચનાઓય ખેડાતી રહે છે, પણ ગીતપ્રકાર હવે વ્યાપકપણે અભિવ્યક્તિનં માધ્યમ બન્યો છે તે સૂચક છે. ત્રીસીના અક્ષરમેળ છંદોના ચુસ્ત પદ્યબંધ અને શ્લોકબંધના સૌષ્ઠવભર્યા આકાર માટેનો બળવાન આગ્રહ હતો, નવી પેઢી પરંપરિત ઝૂલણા, પરંપરિત હરિગીત, કટાવ, વનવેલી જેવા માત્રામેળી લયબંધ તરફ ઝૂકે છે. કલ્પનનું સમૃદ્ધ એકમ હવે કાવ્યપંક્તિનું નિયામક તત્ત્વ બને છે. અલબત્ત, રાજેન્દ્ર, પ્રહ્‌લાદ, નિરંજન, હરિશ્ચન્દ્ર ભટ્ટ કે ઉશનસ્‌ દરેક પ્રતિભાસંપન્ન કવિ આગવા આગવા માર્ગે ગતિ કરે છે. છઠ્ઠા દાયકામાં આધુનિક કવિતાનું આંદોલન જન્મ્યું અને આધુનિક સંવેદનાની પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ એ કવિઓ નિજની આસ્થા લઈને પ્રવૃત્ત થયા છે. ઉશનસ્‌ની કવિતા, હકીકતમાં, નિકટના અને અતીતના અનેક પ્રશિષ્ટ કાવ્યસાહિત્યમાંથી પ્રેરણા લઈને વિકસતી રહી છે. અર્વાચીનોમાં કાન્ત, બળવંતરાય, ઉમાશંકર, સુન્દરમ્‌, અને રાજેન્દ્ર પ્રહ્‌લાદના સૂક્ષ્મ સંસ્કારો તેમની કવિતાએ ઝીલ્યા છે, પણ તેથીય વધુ ગાઢ સંસ્કાર પ્રશિષ્ટ સંસ્કૃત કવિતાનો રહ્યો છે. તેમની અનેક ઉત્કૃષ્ટ રચનાઓની ભાવસમૃદ્ધિ અને અલંકારોના સત્ત્વમાં ઊંડે ઊતરતાં તેમાં સંસ્કૃત કવિતાનાં સૌંદર્યબીજો મળી આવશે. એમાં ભાવનાની ઉદાત્તતા, વિશાળતા અને આભિજાત્ય પાછળ ભારતીય સંસ્કારિતા રહી છે. ઉશનસ્‌ની કવિતા, જો કે પરંપરામાં કુંઠિત થઈ નથી; પણ પરંપરાનાં પ્રાણપ્રદ અને પોષક તત્ત્વોને આત્મસાત્‌ કરીને વિકસતી રહી છે. નિજી સંવેદનશીલતાના જીવંત બળવાન સ્પર્શે એમાં તેમનું ભીતરી સત્ત્વ ઊઘડતું રહ્યું છે. વિશ્વપ્રકૃતિ પરત્વે જે વિસ્મય અને મૌગ્ધ્ય તેમની રચનાઓમાં છતું થયું છે. તેમાં જ તેમની પ્રતિભાને વિશેષ ઉન્મેષ પણ પ્રત્યક્ષ થાય છે. સમકાલીન બનાવો, સામાજિક સંઘર્ષો, કે માનવઇતિહાસની બાહ્ય ગતિવિધિઓ પરત્વે તેમની કવિચેતના એટલી પ્રતિભાવસભર નથી, જેટલી વિશ્વપ્રકૃતિનાં પંચમહાભૂતોની લીલા પરત્વે રહી છે. તેમની સર્જકતાની સંચલના આદ્ય સૃષ્ટિના બૃહત્‌ પ્રસાર તરફ ઝૂકતી રહી છે. તેમની સંવેદનપટુ ચેતના વિશ્વપ્રકૃતિના ક્ષણક્ષણાર્ધમાં પ્રગટ થતા ચિરંતન તત્ત્વને એકાદ ઝબકારમાં પામવા ઝંખે છે. તેમણે પોતાની સર્જનપ્રેરણાની કેફિયત આપતાં પ્રેરણાનો જે સ્વીકાર કર્યો છે તે તેમની કાવ્યપ્રક્રિયાને સમજવામાં ઉપકારક બને છે. ‘પ્રસૂન’, ‘નેપથ્યે’, ‘મનોમુદ્રા’ અને ‘આર્દ્રા’ જેવા આરંભના સંગ્રહોમાં કવિચેતનાના કેટલાક નવીન ઉઘડો, છતાં, એકંદરે એ રચનાઓ વધુ પરંપરાભિમુખ રહી છે. તેમની સંવેદનશીલતાના સજીવ અંગો જેવા મુખ્ય વર્ણ્યવિષયો (themes) – પ્રકૃતિદર્શન, ઋતુસંવેદન, માતૃપ્રેમ-કુટુંબપ્રેમ-વતનપ્રેમ, પરમતત્ત્વની આરાધના, અંગત પ્રણયઝંખના અને પ્રણયવૈફલ્યનો વિષાદ – આ તબક્કે જ સ્પષ્ટ આકાર લેતા દેખાય છે. ગાંધી-બુદ્ધની ભાવના, ઐતિહાસિક સ્થળોની યાત્રાના અનુભવો કે એવા બીજા ત્રુટક વિષયો પર પણ કાવ્યલેખન તેમણે કર્યું છે, પણ તેમના સજીવ સંવેદનતંત્રના એ મુખ્ય ઘટકો નથી. આ તબક્કે ઘણીખરી રચનાઓ સંસ્કૃત વૃત્તોના ચુસ્ત તંત્રમાં રજૂ થઈ છે. એમાં તત્સમ શબ્દો યોજવાનું દબાણ પણ એટલું જ પ્રબળ રહ્યું છે. વ્યાપકપણે તત્સમ શબ્દોની યોજનાથી પદબંધમાં અનેક સ્થાને લયભંગ કે અર્થબોધની ક્લિષ્ટતા વરતાય છે. એ પછી ‘તૃણનો ગ્રહ’, ‘સ્પંદ અને છંદ’, ‘અશ્વત્થ’ અને ‘રૂપના લય’ વગેરેમાં તેમની સર્જનાત્મક ગતિ ઠીક ઠીક બદલાતી દેખાશે. એમાં પણ, અલબત્ત, આરંભના તબક્કામાં ઊપસેલા કેન્દ્રવર્તી વર્ણ્યવિષયો – પ્રકૃતિદર્શન, ઋતુસંવેદન, માતૃપ્રેમ આદિ – અવનવી અનુભૂતિઓના યોગે નવોન્મેષો દાખવતા રહે છે. અભીવ્યક્તિનાં વૈચિત્ર્યસભર કલ્પનો અને પ્રતીકોના વિનિયોગથી નવાં ઐન્દ્રિયિક અનુભૂતિનાં પરિમાણો એમાં વિસ્તરે છે, કવિ ઉશનસ્‌નું ભાવજગત હવે એ કલ્પનો/પ્રતીકો/પુરાણતત્ત્વો દ્વારા નિજી અસ્તિત્વના ગહનસ્તર પ્રવાહોને ખુલ્લા કરવા સક્રિય બને છે. દૃશ્ય અને શ્રુતિકલ્પનોની સાથે ગંધ, સ્પર્શ, રસાર્દ્રતા, ગતિ, વિસ્તૃતિ જેવી ઐન્દ્રિયિક સંવેદનાઓ રજુ કરતાં કલ્પનોય ગૂંથાતા આવે છે. મુક્ત પદ્ય અને અછાંદસની રચનારીતિ તરફ તેઓ વળે છે, એમાં એક પ્રબળ વલણ તે સરળ પ્રાસાદિક બાનીને ખપમાં લેવાનું દેખાય છે. જોકે તત્સમ શબ્દો તરફ પણ ફરી ફરીને વળ્યા છે. ‘આરોહ-અવરોહ’ અને ‘પૃથ્વીગતિનો છંદોલય’ની રચનાઓમાં આરંભની કાવ્યબાની સાથે ફરી અનુસંધાન થવા પામ્યું છે. આમ જુઓ તો, આરંભમાં વ્યાપકપણે ખેડેલા સૉનેટ પ્રકારમાં પાછળથીય એકધારું કામ તેમણે કર્યું છે. ‘નેપથ્યે’ની દીર્ઘ રચનાઓ સાથે બેસી શકે એવી બે દીર્ઘ રચનાઓ ‘ઈન્દ્રોર્વશીય સંવાદ’ અને ‘યુધિષ્ઠિરનું ઉત્તરસ્વર્ગારોહણ’ પણ તેમની દીર્ઘકવિતાની ખોજમાં મહત્ત્વનું સ્થાન લે છે. ઉશનસ્‌ની કાવ્યપ્રવૃત્તિમાં છંદોબદ્ધ કાવ્યરચના, રૂઢ પ્રચલિત પદ્યબંધ અને તત્સમ શબ્દોના વ્યાપક સ્વીકાર સાથે કેટલાક અભ્યાસીઓમાં એવી એક છાપ બંધાવા પામી કે તેઓ પરંપરામાં બદ્ધ રહ્યા છે. પણ આ પ્રકારના પ્રતિભાવની ફરી સમીક્ષા કરવાનું આવશ્યક બન્યું છે. હકીકતમાં, આરંભની રચનાઓમાં રૂઢ પદ્યબંધ અને તત્સમ શબ્દો તેમને સ્વચ્છ સુરેખ અભિવ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક અંતરાયરૂપ નીવડ્યા છે, એમ સ્વીકારીએ, તો પણ એ ય એટલી જ મહત્ત્વની ઘટના છે કે ‘તૃણનો ગ્રહ’ અને ‘સ્પંદ અને છંદ’ની ઘણીએક રચનાઓ એવા રૂઢ પદ્યબંધ અને તત્સમ શબ્દોનો વિનિયોગ કરતી છતાં એકંદરે ઘણી સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિ સાધી શકી છે. સંસ્કૃત શબ્દોના યોગે પ્રાચીન સાંસ્કૃતિક અર્થો અને અર્થસાહચર્યોને કારણે વ્યંજનાની વિશેષ સમૃદ્ધિ એને મળી છે. અક્ષરમેળ વૃત્તોના ચુસ્ત પદ્યબંધને કારણે વળી એનું રચનાશિલ્પ સઘન-નક્કર અને અસાધારણ કૌવતવાળું બન્યું છે. આથી ભિન્ન, પાછળની અનેક માત્રામેળી કે અછાંદસ રીતિની રચનાઓમાં સરળ પ્રાસાદિક બાનીને કારણે જીવંત કાકુનો લાભ મળ્યો છે. પણ પદ્યબંધની શિથિલતાને કારણે અભિવ્યક્તિનો પ્રસ્તાર પણ થયો છે, અભિવ્યક્તિનું પોત વત્તેઓછે અંશે પાતળું પડ્યું છે અને તત્સમ શબ્દોની અર્થસમૃદ્ધિનો લાભ જતો કરવો પડ્યો છે. વચગાળાના કાવ્યસંગ્રહો ‘તૃણનો ગ્રહ’, ‘સ્પંદ અને છંદ’, ‘અશ્વત્થ’ અને ‘રૂપના લય’ની રચનાઓમાં પ્રકૃતિ અને ઋતુસંવેદનની સાથે કવિતા અંગત જીવનમાંથી ઊઠતી વૈયક્તિક અનુભૂતિઓનું વિશ્વ પણ કંઈ નાનુંસૂનું નથી. કુટુંબ અને વતનના ભાવસંદર્ભો, પ્રણયઝંખના અને તેના વૈફલ્યની લાગણીઓ, પ્રૌઢ વયની સાથે અહેસાસ થતી દેહની જીર્ણતા અને મુમૂર્ષાની મનોદશા અને ખાસ તો શ્વાસના વ્યાધિને કારણે સખ્ત ઠંડીમાં જન્મતી દેહપ્રાણની તીવ્ર રૂંધામણો અને વસંતના તડકાઓની સુક્કી હૂંફાળી હવામાં અનુભવાતી અપૂર્વ આનંદસમાધિ(ecstasy)– એવા વિલક્ષણ અનુભવોની રચનાઓ પણ વિશેષ ધ્યાન ખેંચે છે. આ પ્રકારની રચનાઓમાં, ખરેખર તો, આગળની કવિતાના વર્ણ્યવિષયો અને તેની અંતર્ગત અંકુરિત થતાં અને વિકસતાં પ્રતીકો અને પ્રતીકાત્મક સંરચનાઓ એકબીજામાં જ જોડાતાં રહે છે, અને કલ્પનો/પ્રતીકો/પુરાણતત્ત્વોના નવા નવા સંદર્ભે નવી રહસ્યદૃષ્ટિ સાથે યોજાતાં રહે છે. ઉશનસ્‌ની સમગ્ર કવિતા તેમની ચિતિગર્ભ(ceuvre)માં કોઈ બીજા કુંરોના પ્રચ્છન્ન પુદ્‌ગલરૂપે પડી હોવાનું સમજાય છે. ગહન સૂક્ષ્મ અર્થસંસ્કારો ધરાવતાં પ્રતીકો અને પ્રતીકાત્મક ઘટનાઓ તેમની ઊઘડતી ને વિકસતી કવિતામાં જુદા જુદા સ્તરે જોડાતાં ને બીજભૂત અર્થોના નવા નવા આવિર્ભાવો સાધતાં જોવા મળે છે. જેમ કે, અનંત યુગોને વીંધીને લંબાતી જનમોજનમની ઘટમાળ ‘પુષ્પ’(મનોમુદ્રા) શીર્ષકની રચનામાં આ રીતે રજૂ થઈ છે :

તે મને જાતી હરી
પાંખો પરે બેસાડીને જાણે પરી
કાળમાં ક્યાંયે સુદૂર પરી... પરી...
હું હવે એનો અતિથિ!
પંચાંગુલિ પકડી ઘૂમું વનવનતણી,
યુગયુગતણી વીથિવીથિ!
પાછી જીવું મારા હજારો જન્મની જાતકકથા.

—તરંગમય લાગતી આ અતિપ્રાકૃત ઘટના ‘કાળડૂબકી – એક તંદ્રા’ (સ્પંદ અને છંદ) રચનામાં અર્થઘટન કલ્પનાના બળે નવા વસ્તુસંદર્ભમાં ગૂંથાઈને નવું રહસ્ય પ્રાપ્ત કરે છેઃ

અધોધઃ ઓ ચાલ્યું પરણ વીંધતું પ્હાડપથરા,
સિઝાતું લાવામાં, વનવન નવો જન્મ ધરતું,
ખરી જાતું પાછું ફૂદડી ફરતું, ચાળણી થતું,
નવા સૂર્યે ફાડી હિમપડ ઊગે વર્ણથી હરા!
સમાધિ તૂટે ત્યાં નીરખું, વિટપે પર્ણ સ્ફુટિત!
હું યે ના એ, મારા શતશત અહો જન્મ વ્યતીત!

–પ્રાચીન ભારતીય જીવનચિંતનમાં જન્મ, સ્થિતિ, લય અને પુનર્જન્મ એવી અનંત ઘટમાળનો કેન્દ્રસ્થાને સ્વીકાર છે. વિલય કે સંહાર એ કોઈ અંતિમ સ્થિતિ નથી : એવી સ્થિતિના હાર્દમાંથીય નવસર્જનનો સ્પંદ ફરકી રહે છે. ઉપરની બંને રચનાઓ મૂળગત રીતે એક જ બીજરૂપ પ્રતીકનો આગવી રીતે વિસ્તાર સાધે છે. ‘ઉપેક્ષક પ્રિયાને’ (તૃણનો ગ્રહ)માં પ્રિયાના અબોલાથી સ્તબ્ધ અને વ્યથિત કાવ્યનાયક પોતામાં પીપળવૃક્ષનું આરોપણ કરે છે :

અબોલા લૈ બેઠી મુજ સહ! થયો મૂક પીપળો
મહારો જે લાખ્ખો પરણથકી ર્‌હેતો પલપલી.

—‘અશ્વત્થભાવ’ — ‘અનહદની સરહદે’ (સ્પંદ અને છંદ)માં ગાઢાં અરણ્યો વચ્ચે આશ્રર્યમૂઢ કાવ્યનાયક સ્વયં બરહ્માંડવ્યાપી અશ્વત્થ સાક્ષાત્કાર કરે છે. વ્યક્તિચેતનાનો લોપ થતાં વિરાટ અશ્વત્થનો સમયાતીત પ્રસાર માત્ર કવિ અનુભવી રહે છે. ‘અશ્વત્થ’માં, અલબત્ત, આગલી રચનાની તુલનામાં અસાધારણ ઓજસ્વતી પ્રતિભાનો આવિર્ભાવ થયો છે.

મને ચારે બાજુ શિરથી, કરથી, સ્કંધથી ફૂટે
ભૂરાં આકાશોની જટિલ વિટપો શૂન્ય વીંઝતી
જતી ઊંચી ઊંચી વિહગ રવથી આકુલ થતી
ખચી તારાઓની બણબણથી જ્યોતિર્મધુપુટે!
અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો
ઊભો છું રાતોડી – કીડી ઊભરતી – પોપડીભર્યો.

—સમગ્ર બ્રહ્માંડના વિસ્તારને વ્યાપી લેતું અશ્વત્થનું પ્રતીક ભારતીય ધર્મચિંતન અને પુરાણદર્શનમાં વ્યાપકપણે પ્રતિષ્ઠિત થયેલું છે. એના વિનિયોગથી બંને રચનાઓને વ્યંજનાની વ્યાપકતા અને અનંત ગહરાઈ પ્રાપ્ત થઈ છે. ઉશનસ્‌ના કાવ્યવિશ્વમાં દીર્ઘકાળ સુધી ગૂંથાતું રહેલું ‘તૃણ’નું પ્રતીક પણ નવા નવા અનુભવસંદર્ભે થોડું રૂપાંતર પામતું અને એમાં નવા જ રહસ્યની છટાઓ પ્રગટાવતું રહ્યું છે. ઉશનસ્‌ની કવિતામાં, ખરેખર તો, ‘તૃણ’નો અલગ વિચાર કરવાનું પર્યાપ્ત નથી : પૃથ્વી ધરતી, પવન, ઘાસ, અરણ્ય/વન, પ્રકૃતિ, સમય, ચૈતનસ્ફુરણ એ સર્વ આવિર્ભાવો સાથે જોડાઈને, અવનવી અર્થચ્છાયાઓ એ પામતું રહ્યું છે. આરંભની રચનાઓમાં ‘તૃણ’/ ‘ઘાસ’ એ એક સ્થૂળ vegetation રૂપે દેખા દે છે. પણ વતનના ઘરઆંગણાનું ‘તૃણ’ ફેલાતું ફેલાતું ઘરની ભીંત, છત અને પછીતને આવરી લે છે ત્યાં એકી સાથે બેત્રણ ભાવસંવેદનાઓ અંકુરિત થઈ ઊઠે છે : ભીંત પરના તૃણશષ્ય પર નાનકડા પુષ્પનો જન્મ – એ ચૈતન્યસ્ફુરણની ઘટના કવિચેતનાને સ્પર્શે છે. ઘરની બહાર અંદર ફેલાતા તૃણ/ઘાસમાં વિશ્વતત્ત્વનું વિભુતરૂપ દર્શન ચૈતન્યવિસ્તાર સાધે છે. તૃણ/ઘાસ રૂપે વિશ્વનું કોઈ અકળ ગૂઢ આદિમ સ્પંદન પ્રત્યક્ષ થાય છે તો ઘરની જીર્ણદશામાં નિમિત્ત બનતું તૃણ સ્વયં કાળનું જ અનોખું રૂપ બને છે. નગરસંસ્કૃતિના ઉપરછલ્લા વિસ્તાર સામે તૃણ/ઘાસ આ વિશ્વજીવનની કોઈ આદિભૂત શક્તિ અને સર્જકતાનું પ્રતીક બની રહે છે. ‘હરિયાળી’ (તૃણનો ગ્રહ)માં આ તૃણવિસ્તાર સ્વયં આ પૃથ્વીના પ્રાકૃતિક જીવનમાં ઊંડે ઊંડે સંવાદી લય રચે છે. આ પૃથ્વીમય જીવનમાં જે કંઈ હર્યું ભર્યું છે. પ્રાણશક્તિથી ભરચક છે, રસથી તરબતર છે તેમાં ‘તૃણ’ નો જ વિશિષ્ટ આવિર્ભાવ છે. કવિચેતના, આથી, આનંદસમાધિની ક્ષણોમાં સ્વયં તૃણરૂપ બની રહે છે.

હુંયે પૃથ્વી, માટી; તૃણપુલક અંગે અનુભવું!
રૂંવાડામાં લીલા વરણતણું માણું ફરકવું!

—‘ઘાસ અને કાળ’ (તૃ.ગ્ર)માં ‘તૃણ’ સમયના આદ્યસંચલનરૂપે પ્રતીત થાય છે. અલબત્ત, કાલનું કરાલભીષણ રૂપ નહિ, મૃદુમધુર રૂપ જ તેમને એમાં અભિપ્રેત છે. ‘હવે આ રસ્તાઓ ઉપર’ (તૃ.ગ્ર)માં ‘તૃણ’ની સંવેદનાનો સંદર્ભ પ્રિયાના મુખ સાથે સંકળાઈ જતો જોવા મળે છે. ‘સ્પંદ અને છંદ’ની રચનાઓમાં ‘તૃણ’ વિશ્વરચનાનો જ એક જીવંત અંશ બની રહે છે. ‘તૃણ અને તારકો’ની અનુભૂતિમાં ‘તૃણ’ અને ‘તારકો’ વૈશ્વિક જીવનના બે પ્રતીકાત્મક આવિર્ભાવો છે :

હું તારકો ને તૃણની બિચોબિચ,
છું તારકો ને તૃણથી ખીચોખીચ!

—કવિચેતના જે ‘તારકો’ અને ‘તૃણ’ વચ્ચેના સ્થિત્યંતરમાં હતી તે સ્વયં બૃહદ્‌ રૂપ પોતાને ‘તારકો’ અને ‘તૃણ’થી ભરીભરી નિહાળે છે. વિશ્વનાં આ બે મૂળભૂત સત્ત્વોને દ્વૈતનો કવિપુરુષ અતિક્રમી જાય છે. ‘પૃથ્વીગતિનો છંદોલય’માં કવિ ઉશનસ્‌ નિજી વિશ્વદર્શનની ઝાંખી આ રીતે વર્ણવે છે :

હવે હું અર્ધો છું અધસ, અરધો ઊર્ધ્વ પણ છું.
હવે હું અર્ધો છું પૃથિવી, અરધો આભ પણ છું.
હવે હું અર્ધો’ર્ધો તૃણપુરુષ, તારાપુરુષ છું.
જટામાં તારા છે, રજખરડવાળો ચરણ છું.

—વતનના ઘરઆંગણનું ‘તૃણ’ હવે ‘તૃણપુરુષ’ બની રહે છે, અને આકાશના તારકો ‘તારાપુરુષ’ બની રહે છે. એક અખિલ પુરુષના જ એ બે આવિર્ભાવો છે. અહીં પ્રસ્તુત એ છે કે ઉશનસ્‌ના કાવ્યવિશ્વમાં ‘તૃણ’ અને ‘ઘાસ’ એ કોઈ સ્થગિત જડ પ્રતીક નથી : નવી નવી અનુભૂતિઓમાં કંઈક આગવું રહસ્ય લઈને પ્રગટ થતું એ જીંવત, ગતિશીલ, અને રૂપાંતરશીલ પ્રતીક રહ્યું છે. નારીસ્નેહની ઝંખના રજૂ કરતં કાવ્યોમાં ઉશનસ્ની સૌમ્ય અભિજાત દૃષ્ટિ છતી થાય છે. એમાં લાગણીની ઉત્કટતા અને આવેશ પણ પ્રગટ થયાં છે. પણ સંસ્કારી સંયમ એમાં પ્રવર્તે છે. તેમની કોઈ કોઈ રચનામાં પ્રિયતમા તરફનું લૌકિક આકર્ષણ અને લૌકિક એષણા વ્યક્ત થયાં છે. પણ ઘણીએક રચનાઓમાં પ્રણયનું સૂક્ષ્મ સત્ત્વ જ આરાધનાનો વિષય રહ્યું છે. અને પ્રણયમૂર્તિના સમગ્ર દેહલાવણ્ય રૂપે નહિ, કેવળ ‘મધુર નમના ચહેરા’ રૂપે જ પ્રત્યક્ષ થતી વર્ણવાઈ છે. બલકે એ ‘ચહેરો’ જુદી જુદી રચનાઓમાં ફૂલ, વસંતવેલ, પ્રકાશ, મધુ કે દીપજ્યોતિ રૂપે પ્રત્યક્ષ થાય છે. ‘રસ્તો અને ચહેરા’(તૃ.ગ્ર) માં માર્ગમાંનાં સુરખીભર્યા કુસુમદલો અને મધુર નમણા ચહેરાઓ એકરૂપ બની રહેતાં દેખાય છે :

મધુર નમના ચ્હેરાઓની હવામહીં પ્યાલીઓ
ગગન કરી દે કેફે રાતું કસુંબલ આસવે.
*
મધુર નમણા ચ્હેરાઓનો ભવોભવનો ઋણી;
મુજ જીવનના પંથે છાયા-દ્રુમો સમ જે હસ્યા,
નયન ઊતરે, ઊંડે ઊંડે અતીત વિશેય તો
મધુર નમણા ચ્હેરાઓના દીપે પથ ઊજળો!

—મધુર નમણા ચહેરાઓનું દ્યુતિવલય કાવ્યનાયકના જીવનપંથને અજવાળતું રહે છે. અન્ય એક અનુભૂતિસંદર્ભમાં ‘કળી’ ‘ફૂલ’ અને ‘ગગનરસ’ વચ્ચે સૂક્ષ્મસ્તરનો વૈશ્વિક સંબંધ આ રીતે વ્યક્ત થયો છે :

ગગન રસનું રોમે રોમે ઝમંત રસાયન
દલ દલ વિશે ખૂલી જાતું કળી સરખું મન
રસ પ્રસરતાં આખે ક્ષેત્રે ત્વરા થકી સૂક્ષ્મ કો
પુલક ’નુભવે આત્માએ જે સ્વયં પણ ફૂલ શો!

—‘તડકિત કૃતિઓ’(અશ્વત્થ)માં ‘તડકો’ સ્વયં કોઈ અપાર્થિવ નારીપ્રતિમાનો પ્રક્ષેપ કરે છે – અલૌકિક સૌંદર્યમૂર્તિ અહીં તડકાના પુંજમાં સાકાર થાય છે :

ચળક પુલકો : રૂંવે રૂંવે તગે તડકા-કણો
ચળક ચળકે નીલી ઝાંયે ગીલી ગીલી પાંપણો

—કવિના અસ્તિત્વમાં ‘તનિક તડકી’ના અંતઃપ્રવેશથી તેમની અંદરનું રહસ્યભર વિશ્વ ઊઘડી આવે છે :

તરત મનનાં પાતાળોમાં સૂતાં જળ કલ્કલે,
તરત મનની વાવે કોઈ બીડ્યાં કમળો ખીલે,
તરત થયું કે હુંયે મૂળે કશો તડકો જ; – ને
અસલ રૂપ મારુંયે કોઈ ક્યંહી તડકા-પૂરે;
અગર નહીં તો, આવું ક્યાંથી? હયાતી જ ફૂલ શી
તડતડી ઊઠે તડ્‌કે કોઈ દ્યુતિસ્ફુટ કેસરે!
અગર, નહીં તો ક્યાંથી આવું! જરી તડકે અડી
નજરડૂંખ કે ફૂલો ફૂલો ! ફૂલે લચી પાંપણો!
અતલ ગહને ફૂટી રાતી ટીશે દ્યુતિ-કંપનો!

–ઉશનસ્‌ના કાવ્યવિશ્વનું રહસ્ય પામવા મથતા ભાવકે તેમાં પૂર્વાપર યોજાયેલાં પ્રતીકો અને પ્રતીકાત્મક સંદર્ભોનાં કવિકલ્પનાના બળે સધાતાં નવાં નવાં રૂપાંતરો પર સતત લક્ષ કેન્દ્રિત કરવું જોઈએ એવી મારી પ્રતીતિ છે. ઉપર ઉતારેલા ખંડમાં ‘તડકો’ કોઈ રહસ્યસભર સત્ત્વ (mystic element) બની રહે છે. ‘વસંત-તડકો’ના એક સંદર્ભમાં સમગ્ર વિશ્વ ‘તડકા’રૂપે પ્રત્યક્ષ તાય છે : દ્રષ્ટા અને દૃશ્ય સર્વ અહીં તડકામય બની રહે છે. ‘સૂરજ’, ‘તડકો’ અને ‘ચહેરો’ સર્વ એકાકાર રૂપે પ્રતીત થાય છે. એ રચનાના બીજા એક સંદર્ભમાં એનો વિસ્તાર જુઓ :

ક્ષણોનાં કોળે તે કુસુમ, તડકાઓ કુસુમથી!
ફૂટે છે જાણે કો ગગન તડકે!
તડકામાં મુખ નમ!
ફૂલોની રેખાઓ મુખથી, મુખથી વળી ફૂલે ભળી જતી!
તમારા ચ્હેરાની મધુર તડકાતંદર મહીં,
હે રૂપમતી!

—‘શરદ તડકા’(અશ્વત્થ)માં એ ‘તડકો’ વનસ્પતિ/ધનધાન્યમાં પરિપક્વ બનતું પ્રાણતત્ત્વ છે : કણસલાંના દૂધમલ દાણારૂપે એ પ્રત્યક્ષ થાય છે. ‘ધી અસ્થ્મૅટિક્સ ઍન્ડ ધી એસ્કેઈપ’નાં એ સૉનેટોમાં તેમ જ વસંત તડકા વિશેનાં કાવ્યોમાં પ્રકાશ-તડકોઉપમા એ જીવનપ્રદ તત્ત્વરૂપે દેખા દે છે. પ્રકૃતિના પદાર્થો/દૃશ્યો અને ઋતુઓની સંવેદનાની રચનાઓમાં વર્ણ્યવિષયો તો પરિચિત લાગશે, પણ તેમને અભિપ્રેત કેન્દ્રવર્તી પ્રતીકો અને તેની સાથે વિકસતા પ્રતીકાત્મક સંદર્ભો વારંવાર વિસ્મયકારી ભાવસંવેદનાઓ અને અર્થો નિર્માણ કરે છે. ઉશનસ્‌ની સમગ્ર કવિતામાંથી એક વાર સહૃદયભાવે પસાર થયા હો તો એ દરેક પ્રતીક/પ્રતીકાત્મક સંદર્ભનાં અર્થવલયો વિસ્તરતાં જ રહે છે. આરંભમાં નિર્દેશ કર્યો છે તેમ ઉશનસ્‌ની સમગ્ર કવિતામાં પ્રકૃતિ અને ઋતુઓ વિશેની રચનાઓ મોટી સંખ્યામાં છે. સંસ્કૃતની આ વિષયની કવિતા આરંભમાં તેમની સીધી પ્રેરણા રૂપે બની છે. પણ ઉશનસ્‌ની પ્રતિભાના ઉઘાડ સાથે તેમનું અંગત સંવેદન એમાં જોડાતું રહ્યું છે. અને તેમની તરલ ઓજસ્‌વતી કલ્પના એમાં સમૃદ્ધ ચિત્રાંકનો રચતી રહી છે. અહીં મારે જે સૂચવવું છે તે એ છે કે પ્રકૃતિ/ઋતુવિષયક રચનાઓમાં સંસ્કૃતિ કવિતાના સંસ્કારો તેમની કલ્પનામાં સહજ જોડાતા રહ્યા છે – વિશેષત : અલંકારનિર્મિતિમાં તે વ્યાપકપણે કામ કરતા રહ્યા છે. જેમ કે,

પૃથ્વી જ્વાલાવતી દીએ, યજ્ઞકુંડની વેદી શી!
*
વૃક્ષો ઋત્વિજ શાં ઊભાં વ્યોમમંડપની નીચે
પર્ણો પલ્પલતાં જાણે હોઠ માત્રે થતો જપ!

પણ ઉશનસ્‌ની વિકસતી દૃષ્ટિમાં પ્રકૃતિ કોઈ અલગ સત્તા રૂપે નહિ, વિશ્વરચનાની સજીવ શક્તિરૂપે, આદિમ સંચાલક બળ રૂપે પ્રગટ થતી આવે છે. ‘તૃણનો ગ્રહ’ની અનેક રચનાઓમાં બાહ્ય પ્રકૃતિના વિસ્તારને ભેદીને કવિ તેની પાછળ રહેલી શાશ્વતીની ઝાંખી કરવા મથ્યા છે. બાહ્યરૂપોને ઘડીક વિસ્મરીને આદિમ સૃષ્ટિનો ગતિલય સાંભળવા તેઓ વધુ ને વધુ અંતર્મુખ બન્યા છે. એ રીતે બાહ્ય જીવનનો કલરવ ભેદીને સમયનો પ્રશાન્ત નીરવ સંસાર સાંભળવા તેઓ સમર્થ બન્યા છે. ‘પ્રશાન્ત ક્ષણ’ (તૃ. ગ્ર.) અને ‘પ્રભાતધ્વનિ’ (તૃ. ગ્ર.) જેવી રચનાઓમાં રાત્રિના નિઃશબ્દ પ્રસાર નીચેની સૃજનશીલ બળોનું સંચારણ કવિએ આલેખ્યું છે :

અરવ શાન્ત પ્રશાન્ત રાત્રિમાં
કેવું તૂફાન મૃદુલ ધ્વનિઓનું ચાલે!
*
ભૂમિ નીચે
ધાણી ફૂટેલ ત્યમ તડાતડ બીજ ફાટે
કાલે હશે તૃણ કૂણું લીલું જ પરોઢે;
ને સાંભળ્યું સ્ખલન ભૂ-પડની નીચે ઝરા!
શ્રવણ જ્યાં અડક્યાં દિશે,
એ ભીંતમાં ખળકતો ધ્વનિનો પ્રવાહ!
*
કોઈ
તારો ખરે, ખલલ નોંધું છું આભ રિક્તે!
*
પડખું પુનઃ શ્રવણ વક્ષપ્રદેશ કોકને!
કો વિશ્વવક્ષ ધડકંત ભરી ત્રિલોકને!

—કવિચેતના અહીં વિશ્વચેતનાની ધડકન સાથે સંવાદ કેળવી લેતી દેખાય છે. ઉશનસ્‌ની કવિતામાં વારંવાર એક અસામાન્ય ઘટના જોવા મળે છે. કવિપ્રતિભા બાહ્ય વિશ્વના દૃશ્યના ગ્રહણ સાથે એકાએક ત્વરાથી અંતર્ગતિ કરે છે. વર્તમાનની ક્ષણ જાણે કોઈ વિસ્ફોટ સાથે ભીતરનું આદિમ પરિવેશયુક્ત વિશ્વ તાગી રહે છે. જે કંઈ સ્થૂળ છે, પ્રાકૃત છે, સીમિત છે તેને ભેદીને કોઈ અસીમતા, કોઈ બૃહત્‌તાને તેમની પ્રતિભા એકાએક વ્યાપી લે છે. એમાં તેમની રહસ્યવાદનો અણસાર આપતી દૃષ્ટિનો પરિચય થાય છે. ‘નિશીથદર્શન’ (તૃ. ગ્ર.)માં સૃષ્ટિપ્રલય જેવાં મહાભીષણ દૃશ્યોનું વર્ણન નોંધપાત્ર છે.

વિજય રજનીટાણે સૂના સમુદ્રતટો પરે
જળભરતીઓ ફુગ્ગા જેવી ફૂલી ફૂટી ઓસરે!
વિજન મઝધારે જ્યાં સાક્ષી ન કો જનનાં દૃગો
ભભૂકી ઊઠતા ને હોલાતા મુખે જળતા નગો!
ડબ દઈ જળે ટાપુ ડૂબે ફટાક ફૂટે ગિરિ!
મરુપથ વિશે સૂના, ઊઠે શમે ધૂળડમ્મરી!

‘બે મન’(આર્દ્રા)માં કાવ્યનાયક અનંત બ્રહ્માંડની ખોજમાં રઝળપાટ કરતા પોતાના એક ‘મન’ની ગતિનો પરિચય આ રીતે આપે છે :

અમારું મન એક ચાલ્યું અવકાશયાત્રા દિશે,
ગ્રહેથી ગ્રહ, ઊર્ધ્વ ઊર્ધ્વતર, કૂદતો મદ્યપી
ન હોય બસ સૂર્યમાળ થકી સૂર્યમાળે કપિ
વિરાટ વિટપી નભોવટની ટેટી ટેટી વિશે!
વટાવતું પથાંતરાલમહીં આંધીઓ ઊઠતી
અનંત ઊડુઓની, ચંડ ધૂમકેતુ સ્વર્ગંગની
નવાં ઊઘડતાં નભો! ફૂટતી શ્રેણીઓ પૃથ્વીની!

‘વૈશાખી સીમ’(સ્પંદ અને છંદ) રચનામાં પ્રત્યેક ગામવાસીને પરિચિત એવી સીમ વૈશાખના ઉગ્ર જ્વાલામય પરિવેશમાં નવું કરાલ રૂપ ધારણ કરે છે :

બપોર, ભરભોંખળાની કૂંળી સૌમ્ય સીમો અવ
સ્મશાન, ભડથું થયેલ દિનની ચિતા ભડ્‌ભડે
અને અનલ-શેષનાગ નિજ લક્ષ જિહ્‌વા વડે
લિહે દશ દિશાનું ભક્ષ્ય બધું ભૂખથી ભૈરવ;
તડકા તૂટતી નસો, સ્ફુરત હાડનો ગંધક
ફટાક કરી ફાટી તે સુણીય મેં ખરી ખોપરી...

—પ્રકૃતિમાં કરાલનું દર્શન ઘણી પ્રભાવક અભિવ્યક્તિ સાધી શક્યું છે. ઉશનસ્‌ની પ્રાણસભર કલ્પનાશક્તિ પરિચિત દૃશ્યનું નવા પ્રતીકાત્મક સંદર્ભમાં રૂપાંતર સાધે છે. એમાં અનલ-શેષનાગનો સંદર્ભ પૌરાણિક સાહિત્યમાંથી પ્રેરણા પામતો જણાય છે. આ રચનાની અંતિમ પંક્તિઓ આ પ્રમાણે છે :

ને ઠરતી ચેહ જ્યાં સાંજુકા
ખૂલંત શિવભાલમાં સુખડ-બીજ-ને જીવન!
કૃપાળુ પ્રભુ છાંટતા ભસમને સુધાપ્રોક્ષણ!

—સંધ્યાટાણે ચેહનો અગ્નિ ઠરે છે ત્યાં ભગવાન શિવના ભાલેથી શાતાદાયી અમૃત ઝમે છે. વિશ્વની ઘટમાળમાં મૃત્યુની ક્ષણે જ નવજીવનનો સંચાર કરતું અમૃત પ્રગટે છે એવી આસ્થા સાથે રચના પૂરી થાય છે. ‘અનહદની સરહદે’ (સ્પંદ અને છંદ) ના પ્રસિદ્ધ સૉનેટગુચ્છમાં પ્રકૃતિદર્શન નિમિત્તે કવિચેતનાનો વળી એક વિસ્મયકારી નવો ઉઘાડ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના સાપ-ઉતારા પ્રદેશનાં ગાઢાં અરણ્યોના દર્શનથી એક આદિમ વિશ્વ છતું થયું છે. ‘હદ’ અને ‘અનહદ’ના સંધિસ્થાને ઊભેલા કવિને આદિચેતનાનો ધબકાર સંભળાય છે. આખું સૉનેટગુચ્છ તેમની કવિત્વશક્તિનો અસાધારણ પ્રાણસભર ઉન્મેષ દાખવે છે. એમાંય ‘અશ્વત્થભાવ’, ‘પ્રશાન્ત સુષમા’, ‘કાળડૂબકી – એક તંદ્રા’ અને ‘પહાડોની પેલે પાર’ જેવી રચનાઓ ઘણી હૃદયંગમ, ઘણી પ્રભાવક બની આવી છે. ‘અશ્વત્થભાવ’માં કવિચેતના સ્વયં અનાદિ ઘેઘૂર પીપળારૂપે પોતાનો સાક્ષત્કાર કરે છે. બ્રહ્માંડવ્યાપી એ અશ્વત્થની પ્રેરણા દેખીતી રીતે જ, ઉપનિષદના અશ્વત્થમાં રહી છે. પણ ઉશનસ્‌ના અશ્વત્થમાં માનવીય સત્ત્વનું ઊર્ધ્વતમ રૂપ છતું થયું છે, અને તેમનો દૃષ્ટિવિશેષ એ સંકુલ રહસ્યસભર પ્રતીકના નિર્માણમાં રહ્યો છે. ‘કાળડૂબકી – એક તંદ્રા’માં રહસ્યવાદને માર્ગે ગતિ કરતાં મનસ્‌ની લોકત્તર અનુભૂતિ થાય છે. અરણ્યોની આદિમતાના તીવ્ર બોધ સાથે કવિની સંવિત્તિમાં પ્રાચીન કૃષિસંસ્કૃતિ અને આજની નગરસંસ્કૃતિ વચ્ચેનો ભેદ પણ પ્રબળપણે ઊપસે છે. ઈંટ, પથ્થર, સિમેન્ટથી બંધાયેલી નગરસંસ્કૃતિ વિશાળ વૈશ્વિક જીવનમાં બહુ ઉપરછલ્લો આવિર્ભાવ છે. આદિમ સૃષ્ટિનો અણતાગ્યો પ્રાણશક્તિમય વિસ્તાર એના તળમાં વિસ્તર્યો છે. વર્તમાન યંત્રશક્તિ અને તાના પર નિર્ભર યંત્રસંસ્કૃતિએ માણસને એના સાચા જીવનસ્રોતથી વિચ્છિન્ન કરી દીધો છે. એ દૃષ્ટિએ પ્રકૃતિની ગોદમાં ખીલેલી પ્રાચીન કૃષિસંસ્કૃતિમાં તેમની શ્રદ્ધા ઠરતી દેખાય છે. ‘અનહદની સરહદે’માં ખુલ્લી થયેલી દૃષ્ટિક્ષિતિજ ‘પૃથ્વીગતિનો છંદોલય’ની સૉનેટમાળામાં સ્પષ્ટ આકાર ધરે છે. જોકે ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’માં ઇંગ્લૅન્ડ-અમેરિકાના મહાનગરોનો બાહ્ય સંદર્ભ છે. ત્યાંયે ઉશનસ્‌ની અભીપ્સા તો માનવમાનવના હૃદયની એકતા માટેની છેઃ અંગત પ્રણયભાવનાં સંવેદનોય એમાં વ્યક્ત થયાં છે : પણ ત્યાંની નગરસંસ્કૃતિ તેમના અંતરને કોઈ રીતે સમાધાનકારી નથી. અલબત્ત, આપણા પ્રજાજીવનની નિર્માલ્યતા અને એની મલિનતાઓથી કવિચિત્ત અવસ્થતા અનુભવે છે. પણ તેમના અંતરમાં અહીંની પ્રકૃતિનાં રોમાંચક દૃશ્યો અને ઋતુઓના રંગરાગ પ્રતિ ઊંડો લગાવ છે. ‘પૃથ્વીગતિનો છંદોલય’ની રચનાઓમાં પુરાતન કૃષિસંસ્કૃતિ માટેનું તેમનું શ્રદ્ધાવચન સ્પષ્ટપણે ઉચ્ચારાયું છે. માનવસંસ્કૃતિ ‘ત્રીજા ધુમાડા’ના યુગમાં પ્રવેશી છે. અને તે સાથે અનેકવિધ સંહારક બળો મુક્ત થયાં છે, એ પ્રકારની સભાનતામાં વિષાદ અને ગ્લાનિ ઘૂંટાતાં રહ્યાં છે. પણ આ પૃથ્વી પાછવે પગલે પુરાતન અરણ્યની સંસ્કૃતિમાં જઈ ઠરશે એવી શ્રદ્ધાના ઉદ્‌ગાન સાથે આ સૉનેટમાળા પૂરી થાય છે. ચિંતનપ્રણીત આ રચનાઓમાં તેમની અગાઉની કવિતાનાં ‘પૃથ્વી’, ‘તૃણ’, ‘આરણ્યક’ વગેરે પ્રતીકો અને પ્રતીકાત્મક સંદર્ભો ગૂંથાયા છે. પણ સર્જનાત્મક કલ્પનાના ચમત્કૃતિભર્યાં આવિર્ભાવો કરતાં વિચારપ્રણીત કલ્પનોનું જ અહીં વધુ પ્રવર્તન રહ્યું છે. આરંભમાં ઋતુઓવિષયક રચનાઓમાં દરેકની આગવી આગવી આબોહવામાં સંવેદનો રજૂ થયાં છે. તેમાં પ્રકૃતિ, સીમ, અને વનવગડાનાં લાક્ષણિક ચિત્રાંકનો ઊપસી આવ્યાં છે, પણ પછીથી કવિની વૈયક્તિક સંવિદ્‌ તેમાં પ્રબળપણે પ્રવેશતી રહી છે. તરલ, ચંચલ, અને સદોદ્યુક્ત કલ્પના પદાર્થ કે દૃશ્યના એકાદ પ્રાણવાન ઉદ્રેકના સ્પર્શે એકાએક ગતિશીલ બની રહે છે. દૃશ્ય અને શ્રુતિનાં કલ્પનોની સાથે ગંધ, સ્પર્શ, ગતિ, વિસ્તૃતિ, રસાર્દ્રતા, કે દેહાવસ્થાબોધની સૂક્ષ્મ તરલ અભિજ્ઞતા જોડાતી રહે છે. પાછળને તબક્કે શિશિર અને વસંત ઋતુઓની જુદી જ અનુભૂતિઓ જન્મી આવી. શ્વાસના વ્યાધિને કારણે શિશિરની કઠોર ઠંડી તેમના શ્વાસને રૂંધે છે અને એવી ક્ષણે મુમૂર્ષાની લાગણી આકાર લે છે. એથી ઊલટું, વસંતના તડકાની ઉષ્મા થીજી ગયેલા પ્રાણમાં વિસ્ફોટ સાથે નવસંચાર જગાડે છે. તડકાની કેફી પાનથી ચૈતન્ય સ્વયં આનંદસમાધિ(ecstasy)માં લીન બને છે. બંને ભાવસ્થિતિઓના વર્ણનમાં ઉશનસ્ની સર્જકતા સતત વૈચિત્ર્યભર કલ્પનો/પ્રતીકો સહજ નિપજાવી ચાલે છે. ‘એક શિશિર રાતે’(અશ્વત્થ)માં ઠંડીના પ્રસાર વચ્ચે શ્વાસની રુધામણ સાથે અનુભવાતી સ્થગિતતા, બોજિલતા અને સમયહીનતાની સંપ્રજ્ઞતાનું હૃદ્ય ચિત્ર કવિએ આંકી દીધું છે. તે સાથે નરી નીરવતા વચ્ચે કાડાંઘડિયાળનો ટિક્‌ટિક્‌ ધ્વનિ સંભળાય છે અને એ ટિક્‌ટિક્‌ ધ્વનિમાં શાશ્વતીની ગતિનો થડકો પ્રત્યક્ષ થાય છે. એ રીતનું આલેખન છે.

અહો, ચારે બાજુ સમયહીનતા સ્તબ્ધ, સ્થગિત
ચણાઈ ભીંતો શી અવિચલ ઊભી છે અડીખમ!
શું આ પ્રલ્લે-મૂર્છા? ધરતી-ગતિ થીજી ગઈ, શકે!
– અને ત્યાં કાંડા પે ટિક્‌ટિક્‌ અહો, સક્રિય કશું!

‘ધી અસ્થ્મૅટિક્સ ઍન્ડ ધી એસ્કેઇપ’ની સૉનેટમાળાની પહેલી રચનામાં શ્વાસના રૂંધામણની ઘટનાનું એવું જ બલકે એથીય વધુ સામર્થ્યવાળું વર્ણન મળે છે. દેહના અસ્તિત્વના તળમાં ઊઠતી આંધીઓનું ચિત્રણ ઉશનસ્‌ની આગવી સંવેદનમાંથી જન્મ્યું છે. હવડ ઘરની ભીની બોજિલ હવાની રૂંધામણમાં જન્મતી વિભીષિકાનું કવિ આ રીતેક વર્ણન આપે છેઃ

વિપુલ કદનું જાણે કોઈ મહાદલ રાક્ષસી
કુસુમ વગડાઉ બિડાતું સદંષ્ટ્ર-દલેદલ
જરીક હું-ભણી લંબાવીને મને ગ્રહવા મથે.

—પણ ભાગી છૂટેલો જીવ તડકાથી છલોછલ સુક્કી હવામાં પહોંચે છે ત્યાં મુક્તિનો અનુભવ થતાં અસ્તિત્વના કણેકણમાં આનંદનો કેફ વ્યાપી વળે છે :

પવન-પગલો આયુકેરો, ભૂખ્યો-તરસ્યો હું તે
પવન-તડકે આળોટું, ને ભરી ભરી પોશને,
પવન ઘૂંટડે ઘૂંટે પીઉં, દૃગે દઉં છાલકો,
પવન નસકોરાં બે પ્હોળાં કરી શ્વસું-ઉચ્છ્‌શ્વસું;
પવન જીભથી ચાટું, મુઠ્ઠી ભરી બૂકડા ભરું.

—ઋતુસંવેદનની રચનાઓમાં વસંતની અનુભૂતિ કવિની ચેતનાના આદિમ અંશને વિસ્મય સાથે જગવી દે છે. ‘વસંતપંચમી’ શીર્ષકના સૉનેટપંચકમાં આરણ્યક પરિવેશનું હૃદયસંગમ ચિત્રણ થયું છે. બીજા સૉનેટ ‘ફૂલોને અજવાળે’ની થોડીક પંક્તિઓ :

ન-ગહનનાં અંધારાંમાં ફૂલોથી જરા દ્યુતિ!
ટગુમગુ થતી જ્યોતે ઝાંખું જરાક મૃખાકૃતિઃ
તિમિર રૂપસી આદિવાસી અહો વનદેવતા!
અબીલ શબલા મૂર્તિ કંકુગુલાલથી ચર્ચિતા!

વન-ગહનના અંધારાઓ અવાવરુ ઓગળે
પીગળી પીગળી એના આજ્યે સહસ્ર શગો જળે :
ભડભડી ઊઠી ઓચિંતાની શી શગો બધી સામટી,
ગગન ભભૂકી ઊઠ્યું એની રતુંબડ ઝાળથી!
વન-કુસુમના અજ્‌વાળે ર્‌હૌં ઉકેલી પ્રભુકૃતિ :
લિપિ સુ-વરણિ પાને પાને લખી, શીય સંસ્કૃતિ!

વનદેવતાની વિલક્ષણ પ્રતિમાની ઝાંખી – આદિમ વિશ્વ તેમની ખોજની પ્રાપ્તિ છે. ‘અનહદની સરહદે’માં વર્ણવાયેલાં અરણ્યોના આદિમ પરિવેશ સાથે એનો માર્મિક સંબંધ જોઈ શકાશે. ઉશનસ્‌ની કવિતામાં માતાપિતા પ્રત્યેનો ભક્તિભાવ અને નિર્મળ પ્રીતિ, કુટુંબસ્નેહ અને વતનપ્રેમની રચનાઓ એક સત્ત્વસમૃદ્ધ કાવ્યધારા રચે છે. માત્ર ઉશનસ્‌ની કાવ્યપ્રવૃત્તિમાં જ નહિ, આપણી સમગ્ર અર્વાચીન કવિતામાં એ નોખી મુદ્રા રચે છે. એમાં માતાપિતા પ્રત્યેની ભક્તિ અને પ્રીતિના આલેખનમાં ભારતીય સંસ્કારિતાનું પરમોજ્જવલ દર્શન ગૂંથાયું છે. માનવહૃદયના વિશુદ્ધ સત્ત્વોદ્રેકની ઝલક એમાં પ્રગટી છે. ‘વળાવી બા આવી’(પ્ર.) અને ‘પ્રથમ શિશુ’(પ્ર.) જેવી બિલકુલ આરંભની રચનાઓમાં કવિ ઉશનસ્‌ની આગવી સંવેદના પ્રગટ થઈ હતી. પહેલી રચનામાં મંગળ પર્વે એકત્ર થયેલાં સંતાનોને ભારે હૈયે વિદાય આપતી માતાની મંગળમૂર્તિ રજૂ થઈ છે. બીજીમાં પહેલીવાર માતૃત્વ પામતી માતા અને તેના નવજાત શિશુનું ભાવાનાત્મક ચિત્ર એમણે આલેખ્યું છે :

પ્રથમ શિશુ સૌ ક્‌હાનો, માતા બધી જ યશોમતી
મૃદમિલન મોમાં બ્રહ્માંડો અનંત વિલોકતી!

કૃષ્ણની બાળલીલાના પૌરાણિક સંદર્ભથી રચનાને નવું જ પરિમાણ મળ્યું છે. ‘દિવાળીની રજામાં વતન તરફ’(મનો.) અને ‘ફરીથી વતન’(આર્દ્રા) જેવી રચનાઓમાં કુટુંબ અને વતનનાં સંવેદનો જોડાતાં રહ્યાં છે. કાવ્યનાયક વતનઘરની માર્મિક અનુભૂતિઓ રજૂ કરે છે. ‘પૂ. બાપા જતાં’(તૃ. ગ્ર.)ના સૉનેટગુચ્છમાં વાત્સલ્યમૂર્તિ બાપાના અવસાનને અનુલક્ષીને કરુણપ્રશસ્તિ રચાઈ છે. વેદાન્તનું રહસ્ય જાણનારા બાપાની એક સારસ્વત તરીકેની છબી અહીં સુપેરે અંકિત થઈ છે. તેમનાં અસ્થિફૂલનું દર્શન કરતાં કવિચેતના આ રીતે ઉચ્ચારે છે :

વિભૂતિ જેવા તે ભભૂત ચપટી આટલી જરા!
જીવંતાં અસ્થિનું વજર નિરમી જે દધીચિનાં
અમે ઘૂમ્યાં જંગો ભવરણ વિશે, તે ફૂલ હવે!
અશી થોડી ચપ્ટી કિરચ બસ! એ વજ્રની રજ!
અમે જેને સ્કંધે ચઢીઊછરિયા વેલ સરખા!
અમારી ખાંધે તે તરુવર સ્વયં રે ચઢી ગયા!

—ભાવની તીવ્રતા સાથે દધીચિ ઋષિના મહાસમર્પણનો પૌરાણિક સંદર્ભ સહજ રીતે ગૂંથાઈ ગયો છે. આ પૌરાણિક પાત્રના સંદર્ભથી કૃતિના ભાવસંવેદનમાં ગહરાઈ આવી છે, અને અભિવ્યક્તિ વધુ પ્રૌઢ અને ઓજસ્વતી બની આવી છે. ‘હું મુજ પિતા!’ શીર્ષકના આઠમા સૉનેટમાં કવિચેતના સદ્‌ગત પિતાની આકૃતિ રૂપે પોતાને પ્રત્યક્ષ કરે છે :

અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોર સૂઈ ઊઠ્યો.
– પિતાજીની ટેવે! – અશી જ પ્રગટી પત્રની તૃષા!
સૂતા રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ!
નનામીયે મારી નીરખું પછી – ને ભડ્‌ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!

—પિતાની વિભૂતિ સાથે અભેદનો અનુભવ કોઈ આગંતુક અંશ નથીઃ કવિ ઉશનસ્‌ની પ્રબળ અનુભૂતિનું એ લાક્ષણિક પ્રગટીકરણ છે. પણ આ અનુભવના મૂળમાં પિતૃભક્તિની સદીઓ જૂની ભારતીય પરંપરા રહી છે એમ પણ જોઈ શકાય. ‘વળી પાછા વતનમાં’ સૉનેટગુચ્છની પહેલી રચનામાં વતનઘરની જીર્ણ દશાનું અસરકારક ચિત્રણ છે. ‘સમયરથ’ના પ્રતીકમાં પાર્થિવ જીવનને ગતિમય રાખનારા સમયતત્ત્વનું દર્શન છે. ‘ગૃહપ્રવેશે’ શીર્ષકની બીજી રચનામાં જીર્ણ ઘરનું હવડ વાતાવરણ વેધક રીતે આલેખાયું છે. અવાવરુ ઘરના જીર્ણ થઈ ચૂકેલા અસબાબની વાસ્તવદર્શી વિગતો જ અહીં ચમત્કૃતિ સર્જે છે. ઉશનસ્‌ની કવિદૃષ્ટિનો વિશેષ એ છે કે જીર્ણતા અને વિનાશની વચ્ચેય નવા જીવનનો ધ્વનિ સાંભળી લે છે! ‘દીઠા ફોટે ફોટે નીડ ચકલી કેરા તૃણગૂંથ્યા’ – પંક્તિમાં નવજન્મનું દર્શન છે. તેમનું પ્રિય પ્રતીક ‘તૃણ’ અહીં એકાએક નવા જ સંદર્ભે ગૂંથાઈ આવ્યું છે. ‘ઘાસ અને કાળ’ રચનામાં માતાના બિછાના પર ફરી વળતા ‘તૃણ’નો ભાવબોધ રજૂ થયો છે :

સેજ-કબરે
સૂતેલી મિટ્ટીપે નવલ તૃણ રોમાંચ લહરે!
જનેતાનું જોઈ તૃણરૂપ વિભુ આ શિર ઢળે.

માતૃપ્રેમ અને વતનઘરનાં બાવસંવેનોમાં તૃણ/ઘાસનો પ્રસાર, અગાઉ નિર્દેશ કરી ગયા છીએ તેમ, મહાકાળની ગતિ સૂચવે છે. પણ આસ્તિકભાવ ધરાવતા કવિ એમાં મૃદુતાનો અનુભવ કરે છે. ‘વળાવી બા, આવ્યા’ (સ્પંદ અને છંદ)ના સૉનેટગુચ્છમાં માંગલ્યમૂર્તિ માતાના અવસાન નિમિત્તે રચાયેલી અગિયાર કૃતિઓ એક અખંડ ભાવવિશ્વ રચે છે. આપણા કાવ્યસાહિત્યમાં માતૃવંદનાને લગતી કવિતામાં એની સાવ નોખી જ મુદ્રા ઊપસે છે. કવિકર્મની પ્રૌઢિ એમાં અસરકારક છે જ, પણ તેથીય વધુ તો માતાની સંવેદનામાં ભારતીય સંસ્કારનો પ્રબળ સ્પર્શ એમાં અનોખી હૃદ્યતા આણે છે. ચિતા પર પોઢેલી જનનીને અગ્નિદેવે પણ મૃદુ હાથે સ્વીકારી એ વર્ણનમાં પૌરાણિક અગ્નિદેવનો સંદર્ભ ઘણો અર્થસભર છે. ચિતા પર અગ્નિદેવની સહજ રમણા પછીની પરિસ્થિતિનું ચિત્રણ ઉશનસે અપૂર્વ કળાત્મકતાથી કર્યું છે. દૃશ્ય અને શ્રુતિ કલ્પનોની સાથે ગતિ અને વિસ્તૃતિનાં કલ્પનો ય સહજ સંકળાઈ આવ્યાં છે :

હવે એ જ્વાલાઓ કજળતી’તી એકાંત વગડે
સણું છું કાષ્ઠોમાં દૂર દૂરથી થોડી તડતડે,
વિભૂતિ ઊડીને – નીરખું – અવકાશે ભળી જતી
અને મેં સાંજે તે ગગનભરી દીઠા શિવ-પિતા
કપાળે ખીલી’તી બીજ જનની કેરી ચરચિતા!

માતાનો પાર્થિવ દેહ નષ્ટ થતાં તેની અપાર્થિવ મૂર્તિ હવે પિતાના સ્મરણ સાથે જોડાઈ જાય છે. એ અપાર્થિવ મૂર્તિમાં હવે કરુણા અને વાત્સલ્યથી સભર વિશ્વજનની ઝલક વરતાય છે. માતાના સ્મરણમાં ભારતીય કુટુંબોમાં પ્રેરણારૂપ તુલસીક્યારો ઝળહળી ઊઠે છે :

તને હંમેશાંયે વતનઘર વંટોળ વચમાં,
ભીંજાતી ભીંતોમાં ટગુમગુ થતી દીવડી સમી
અને સંધ્યાકાળે તુલસીતણી ડોલે ઘૃતતણા
દીવારૂપે શીળી પ્રસરતી પ્રભા ક્યાં દીઠી ન’તી?
પિતાના પૂજાપે પમરતી ન’તી ધૂપસળી તું?

માતાની પાવનકારી સ્મૃતિની આસપાસ કવિનાં ભિન્નભિન્ન સંવેદનો નીખરતાં રહે છે. ‘જાતકકથા’ શીર્ષકની રચનામાં જનની-સંતાનના માનુષી ભાવસંબંધો સૂક્ષ્મતર બનીને વિશ્વપ્રકૃતિમાં નવા નવા સંદર્ભે વ્યક્ત થાય છે :

હતી તું વ્યાપેલી બીડ સરખી મા, કો ભવવિશે,
હતો હું ત્યાં દાણો દૂધભર લચ્યો કો કણસલે!

મનુષ્યના જીવનચક્રને અતિક્રમી કવિની ચેતના વિશાળ પ્રાકૃતિક જીવનને આશ્લેષમાં લે છે. કૃતિનું શીર્ષક ‘જાતકકથા’ સૂચવે છે તેમ કવિચેતનાના પૂર્વજન્મનો અહીં ઉલ્લેખ છે. આ આખી કલ્પના, દેખીતી રીતે જ, ભારતીય દર્શનમાંથી બળ મેળવે છે. છેલ્લા સૉનેટ ‘સાંજનો સાદ’માં સંસારનાં સુખોદુઃખોના ભાનથી જન્મતી વિરતિ અને વિશ્વજીવનના આદ્ય તત્ત્વમાં શાતા પામવાની એષણા પ્રભાવક બાનીમાં રજૂ થઈ છે.

સુણું : કો આમંત્રે વિરહી સ્વર ઓ પાર નીડની,
પિછાણું : માટીનો રુધિરસ્વર એ આદ્યધરણી;
ફરી પાછા નીડે, નીડથી ધરતીમાં મળી જવું,
ફરી પાછા ઇંડે જનની, તવ જન્મી ફરકવું.

પાછળની ‘વતન એટલે’(અશ્વત્થ) રચનામાં બાનો ચહેરો અને વતન એકાકાર થઈ જાય છે! ઉશનસ્‌ની કવિતામાં પરમતત્ત્વની ઝંખના અને ગૂઢ આધ્યાત્મિક વૃત્તિથી પ્રેરિત રચનાઓની એક ધારા કંઈક પ્રશાન્તપણે વહેતી રહી છે. ખાસ કરીને આરંભના કાવ્યસંગ્રહો ‘પ્રસૂન’, ‘મનોમુદ્રા’ અને ‘આર્દ્રા’માં આ વિશેની ઠીક ઠીક રચનાઓ મળે છે પાછળના સંગ્રહ ‘વ્યાકુલ વૈષ્ણવ’માં પ્રેમલક્ષણા ભક્તિના જીવંત સંસ્કારોવાળી રચનાઓ એકસાથે મૂકી છે. અધ્યાત્મ અને ભક્તિવૃત્તિમાં પ્રચ્છન્નપણે બે ધારાઓ અલગ પડતી જોઈ શકાશે. અરંભની કેટલીએક રચનાઓમાં ઉપાસ્ય તત્ત્વ નિગૂઢ સત્તારૂપે દેખા દે છે. એમાં રહસ્યવાદી દર્શનનો સ્વર પણ કેટલીક વાર ભળી જતો વરતાય છે. ‘ચરમ લક્ષ્ય’(પ્ર.)માં વિશ્વચૈતન્યને એક અપાર્થિવ મોહિની રૂપે તેઓ પ્રત્યક્ષ કરે છે. ‘ક્ષણિકતાનું કાવ્ય’(પ્ર.)માં ‘પૃથ્વી’ સ્વયં નવવધૂરૂપે મંડિત બની હોય અને પરમ પ્રભુ એ ‘પૃથ્વી’ને આલિંગન દેતા હોય એવી આકર્ષક દેખા દે છે.

પ્રભો, આ પૃથ્વીએ અઢળક ઢળ્યો તું, ક્ષણિકતા
દીધી તેં, પૃથ્વીએ પ્રિયકરની એ ભેટ ગણીને
વધાવી લીધી છે ઉરસરશું આલિંગન દઈ
બની એ બેઠી છે નવવધૂ સમી મંડિત થઈ
નિજાંગાંગે ઓપી ઊઠી ક્ષણિકના આભરણથી...

—ઉશનસ્‌ની કવિતામાં, આમ જુઓ તો, ‘પૃથ્વીસત્ત્વ’ આગવું માહત્મ્ય કરે છે. પ્રભુની એ ‘નવવધૂ’ને ‘ક્ષણિકતા’નું વરદાન છે. ‘પૃથ્વી’ના ક્ષણક્ષણના દરેક લીલારૂપ આવિર્ભાવમાં એ પ્રભુની ઝલક વરતાય છે. એટલે જ વિશ્વપ્રકૃતિના દરેક ક્ષણિક આવિર્ભાવને કવિચેતાન અપાર મૌગ્ધ્ય અને વિસ્મયથી નિહાળી રહી છે! જે કંઈ શાશ્વત છે તેની ઝાંખી ‘ક્ષણ’ના ક્રાન્તદર્શનમાં જ સંભવે છે. ‘મુદાનું આલિંગન’(પ્ર.)માં પ્રભુની મુદાના વર્ષણથી પૃથ્વી સૌભાગ્યવતી બની છે એવો ભાવ રજૂ થયો છે. એ જ મુદા કવિના આંતર વિશ્વને ભેદીને તેનાં ગહન રહસ્યો ઉદ્‌ભાસિત કરી આપે છે એમ પણ એમાં સૂચિત છે. ‘પ્રસૂન’માં સંગૃહીત ‘ઝંખના’, ‘માનિનીપ્રીત’, ‘મીરાંનો શણગાર’, ‘તોરી સૂરત’ અને ‘ધન્ય ભાગ્ય’ વગેરે રચનાઓમાં વૈષ્ણવપરંપરાની ભક્તિકવિતાની પ્રેરણા છે. બંને ધારાની રચનાઓમાં પ્રભુનું અમૃતમય, સુધામય, રૂપ વિશેષ આરાધ્ય રહ્યું છે. પછીથી પ્રકૃતિમાં કળી/ફૂલ/કુસુમદલમાં મધુતત્ત્વ રૂપે, આકાશમાં તારક જ્યોતિના મધુરૂપે અને પ્રિયજનમાં મધુર નમણા ચહેરાની સુધાદ્યુતિરૂપે એ પરમક સત્ત્વ નીખરતું રહ્યું છે. ‘એક શિખરે’(મનો.), ‘હે નિગૂઢ’(મનો.), ‘આત્માનું ઐશ્વર્ય’(આર્દ્રા), ‘ચૈતન્યલીલા’(આર્દ્રા) ‘અદીઠ સહચરને’(આર્દ્રા) ‘ઊગે ચરણે’(આર્દ્રા), ‘ભગવાન આપો’(આર્દ્રા), જેવી રચાનાઓમાં કવિ જુદા જુદા મનોભાવથી પરમ તત્ત્વની ઉપાસના કરે છે. એમાં કોઈ એક આધ્યાત્મિક દર્શનનો તંતુ નહિ, પરંપરાનાં ભિન્ન ભિન્ન દર્શનો અને અનુભવોનું રસાયન થયું છે. આ રચનાઓ ઘણુંખરું વિચારગ્રથિત રહી છે. પરંપરાગત પ્રતીકો અને પુરાણતત્ત્વો તેની અભિવ્યક્તિમાં સંકળાતાં રહ્યાં છે. કળાત્મક સ્ફુરણો કરતાં આધ્યાત્મિક એષણાઓ અને ઝંખનાઓ એમાં ચિત્તસ્પર્શી અંશો છે. આ વિષયની ગીતરચનાઓમાં ભક્તિ આધ્યાત્મિકતાની વૃત્તિ અનેક સ્થાને મનોહર પંક્તિઓ/અંતરાઓ રચતી હોવા છતાં એકંદર એ રચનાઓ ક્યાંક રુંધાતી હોવાનું પ્રતીત થાય છે. ‘વ્યાકુલ વૈષ્ણવ’ની રચનાઓમાં આરાધ્ય દેવતા અને ભક્તજન વચ્ચેના પ્રેમસંબંધનો જરા જુદો સ્વર અને જુદો રણકો વરતાય છે. ભક્તિસંવેદન અહીં ઠીક ઠીક આર્જવ અને સૌમ્યતાભરી બાનીમાં વ્યક્ત થયાં છે. માત્રામેળી લયબંધમાં સરળ પ્રાસાદિક અભિવ્યક્તિને સારો અવકાશ મળ્યો છે :

(૧) પડવાની ઝીણી વાટ પાતળી મૂકી કોડિયે બાંકી, વિરહિણી કોઈ દીપ પેટવી વ્રેહની કરી લે ઝાંખી (પૃ. ૧) (૨) દ્યો અમને તમ પ્રીત, પ્રીતને દિયો વાણીનાં દાન, વાણીને વરદાન દિયો, એક કરે આપનું ગાન. (પૃ. ૨) (૩) સબ સૂનકારે તંબૂર તારે હું તારી ગમ આવ્યા કરું છું ભણકારે ભણકારે. (પૃ. ૧૦) (૪) દિન ઢળે ને તુલસીક્યારે પ્રગટી ઊઠે રેન, દીપક-જ્યોતે દીપ શાં પાવન ટમકી ર્‌હે દોઈ નેન. (પૃ.૧૧) (૫) સપનનદીમાં વહી આવ્યો કોઈ સોનપરીનો વાળ, તે ક્ષણથી રઢ લાગી ગઈ ને જીવ અહીં અંતરિયાળ. (પૃ. ૧૨) (૬) ગોખથી ઊખડ્યો દીપ આંખમાં એ પર બે આંખડીઓ! એક છોડ અમારી આંખમાં ઊગ્યો ઉપર બે પાંદડીઓ! (પૃ. ૧૭) (૭) પ્હો ફાટે ફટ્ટ ફૂટે, ટપ સાંજે પડ્યે ગરી જાય, સાંજ પડ્યે પ્રિય, વાસરફૂલની પાંખુરીઓ ખરી જાયે. (પૃ. ૨૫) (૮) મઘમઘ મઘમઘ અંધકારનો પીમળે પારિજાત, ગંધભારથી લાદી પોઠે સ્ખલતી માઝમ રાત (પૃ. ૭૧)

આખાય સંગ્રહની રચનાઓમાં ભક્તિપ્રણીત અંતરની સહજ અભિવ્યક્તિ છે. પણ મધ્યકાલીન સંતોની રચનામાં પ્રતીત થતી વેધકતા અને ગહરાઈ અહીં ઓછી વાર અનુભવાય છે. આમ જુઓ તો પ્રકૃતિદર્શન, ઋતુસંવેદન, માતાપિતાપ્રેમ, વતનપ્રેમ કે ઐતિહાસિક સ્થાનોની મુલાકાત જેવા વર્ણ્યવિષયોમાં જે વિશેષ કાવ્યસમૃદ્ધિ જન્મી છે, જે રસકીય ચમત્કૃતિ સિદ્ધ થઈ છે તેના મૂળમાં કવિ ઉશનસ્‌ની નિજી સંવેદનશીલતા અને આંતરિક સત્ત્વસમૃદ્ધિ રહી છે. પણ એવા વર્ણ્યવિષયોા નિમિત્ત સિવાય પણ તેમનાં આત્મગત ભાવસંવેદનો જુદી જુદી રીતે વ્યક્ત થતાં રહ્યાં છે. પ્રણયની ઉત્કટ ઝંખના સાથે પ્રણયવૈફલ્યની મનોદશા, ઉત્તરાવસ્થામાં વૃદ્ધત્વનું ભાન, દેહના વ્યાધિમાંથી જન્મતી અસ્તિતવપરક સંવેદના, સમયના સંચલનની અભિજ્ઞતા વગેરે અંગત ભાવદશાઓની રચનાઓ પણ સારી સંખ્યામાં મળે છે. એ પૈકી પ્રણય અવસ્થા કે વ્યાધિની સંવેદનાઓના કેટલાક અંશો પ્રકૃતિ, ઋતુ અને વતન વિશેની રચનાઓની ચર્ચામાં ઉલ્લેખાયા છે. એ ચર્ચામાં આપણે નોંધી ગયા છીએ કે કવિની પ્રણયઝંખના જગાડનારી નારી આ લોકની વ્યક્તિ હોય તો પણ એ લૌકિક સંબંધોના સ્તરેથી નહિ, પ્રણયના સૂક્ષ્માતિસૂક્ષ્મ સત્ત્વને જ કાવ્યવિષય બનાવતા રહ્યા છે. માનુષી પ્રેમ, પૃથ્વી તૃણ ફૂલ તડકા અને મધુ અંશથી સભર અપાર્થિવ તત્ત્વમાં રૂપાંતરિત થતો રહ્યો છે. મધુર નમણા ચહેરા કવિના અંતરમાં સાત્ત્વિક ભાવો જગાડતા રહ્યા છે. એ ચહેરા દ્વારા થતું પ્રત્યાખ્યાન કવિના અંતરમાં અસાધારણ વ્યથા અને વિહ્‌વળતા જન્માવે છે. આ ભાવસંવેદનને ઝીલતા થોડાએક સંદર્ભો :

જવા દો. આજે એ મુખની પૂરી યાદે નથી રહી,
ગયો છું ભૂલી એ ક્ષણ ક્ષતની તોયે રહી રહી
ઉનાળુ કો કાચા ઘટ સમ હજી રન્ધ્ર શતથી
ભીની માટીગંધે ઉશનસતણો પ્હાડ ઝમતો. (તૃ. ગ્ર. પૃ. ૭૯)

પ્રિયાનો ચહેરો તો હવે તો લુપ્ત થવા આવ્યો છે પણ એની લયરેખાઓ ય કવિના અંતરમાં આંધી સરજી રહે ચે :

ગયાં રૂપો – એના લય અહીં ઊડે માત્ર જીવને,
સ્મશાને લ્હેરાઈ ભૂખની રજમાં ઓકળી કરે,
કણોમાં ધૂલિના ઊઠતું મનનું પ્રેત પવને
ઉથાપે ને થાપે, અસલ રૂપ રાખે મળે? (તૃ. ગ્ર. પૃ. ૮૦)

—પ્રિયાના અકળ મૌનથી કાવ્યનાયક આકુળવ્યાકુળ બને છે, પ્રિયાની પૂર્વસ્મૃતિ સળવળે અને પોતાને ઓળખે એ માટે અધીરો કાવ્યનાયક તેને ઉન્મત્તપણે ઢંઢોળે છે, પણ કોઈ પ્રતિભાવ મળતો નથી. ક્યાંક અન્ય ચહેરામાં એ રેકા ફૂટી નીકળતી જોઈ તે વળી વધુ રિબાય છે :

અરેરે, જે ક્યાંયે મલકમહીં ન્હોતી, ક્યહીંથી તે
કિયા પાતાલેથી ફૂટતીક તરે રેખ ગગને! (સ્પંદ અને છંદ, પૃ. ૯૭)

—પ્રિયાના ચહેેરાની એ રેખાઓના આદિસ્રોતમાં રઝળતી કવિચેતના વિશ્વપ્રકૃતિના તળને તાગી રહે છે :

ન જાને, ક્યાંથી એ તરતી તરતી આવી જ પૂગે?
અમાસી પ્હાડોનું વજર તરડી નાખતી ઊગે
શશીલેખા જેવી – તનુ ધવલ દૂર્વાંકુર સમી–
વળાંકે એ મારાં નયન રચી દે પૂનમ પછી;
અને મારે હૈયે ખળભળી ઊઠે અબ્ધિ અધીરો.
*
ક્યહીં, કો પાતાલે, વિવર, સર એ રૂપકમલ
ખીલ્યું છે? જે આંહી રહી રહી જ ઊંચે દલદલ
ઉછાળીને ફેંકે છૂટક છૂટકે અંબર તલે?
કિયા તોફાનીનું ટીખળ? ઠરવા દે ન જ પલે.
*
શું પાતાલે કોઈ રૂપજગતનનું સત્ર ચલતું!
ઊડી ઊડી વેદી ઉપર લયમાં ઝાળ લપકે
લપાઈ જે કુંડે તરત જતી જ્યાં આંખ પલકે;
*
તમે ક્યાં છો? કેવા? કવણ ભવનાં સ્નેહી રૂપસી?
છૂટી રેખાઓ આ રઝળતી, રચે ના’કૃતિ કશી. (સ્પ. છં. પૃ. ૯૮)

કાવ્યનાયકની ઉત્કટ વેદનાને પૌરાણિક તત્ત્વોથી સંપૃક્ત ઓજસ્વી કલ્પનાનું બળ મળ્યું છે. પ્રણયનું સૂક્ષ્મ સત્ત્વ સ્વયં એક હૃદ્ય તત્ત્વ છે, પણ અહીં એના આદ્યસ્રોતની ખોજ કરતાં કવિચેતના ‘પાતાળ’માં વિસ્તરે છે. ગહન પાતાળલોકમાં રૂપકમલનું દર્શન વળી યોગીઓના રહસ્યવાદી વિશ્વની ઝાંખી કરાવે છે. ઉશનસ્‌ની કવિતામાં જે સત્ત્વસમૃદ્ધિ વિસ્તરી છે તેનું રહસ્ય પામવાને તેમની પારગામી કલ્પનાશક્તિના સર્વ ઉન્મેષો લક્ષમાં લેવાન રહે. પાછલી અવસ્થામાં વૃદ્ધત્વનું ભાન, મૃત્યુ-ઇચ્છા અને તીવ્ર અસ્તિત્વબોધ એ વિષયની કેટલીએક રચનાઓ તેમની પ્રાણવાન ઓજસ્‌વતી કલ્પનાશક્તિના યોગે ઘણિ હૃદ્ય બની આવી છે. ‘તૃણનો ગ્રહ’માં ‘હું અંતરિયાળે છું’ ‘વૃદ્ધપ્રીતિ’ અને ‘શબ’ રચનાઓમાં અસ્તિત્વમૂલક સંવેદનાની બળૂકી અભિવ્યક્તિ જોવા મળે છે. ‘અષાઢની અનુભૂતિઓ’(સ્પંદ અને છંદ)માં જન્મ-સ્થિતિ-લયના વૈશ્વિક ઘટનાચક્રનું હૃદ્ય ચિત્રણ છે. એ ગુચ્છના ‘વિસર્જન’ શીર્ષકના ત્રીજા સૉનેટમાં કવિચેતના બૃહદ્‌ વિશ્વ સાથે આત્મૈક્ય સાધી સીમિત ‘સ્વ’નું વિસર્જન નિહાળે છે. ‘તૃણ અને તારકો’ શીર્ષકની પ્રસિદ્ધ રચનામાં કવિ જુદી જ ભૂમિકાએથી બૃહદ્‌ સાથે ઐક્ય સાધે છે. આથી ભિન્ન ‘હવે ચાળીશીએ’, ‘મોતીયો’, ‘પોઠ’, ‘આ વેળા તો જુદો અનુભવ’, ‘વૃદ્ધ’ વગેરે રચનાઓ અસ્તિત્વની દુર્ઘર્ષ સત્તા લક્ષે છે. કશીક વિરતિ, કશીક નિર્ભ્રાન્તિ કવિચેતનામાં ઘૂંટાતી રહી છે. અહીંથી ઊખડી જવાની ઉત્કટ અનુભૂતિ ‘આ વેળા તો...’ સૉનેટમાં વ્યક્ત થઈ છે. અંદરની જીર્ણતા, વેરાણપણું અને મૃત્યુની વિભીષિકા બળૂકાં પ્રતીકો દ્વારા વેધકતાથી રજૂ થઈ છે. સંવેદનાનો ગતિલય હરિણી છંદના બંધમાં પૂરો સંવાદ સાધીને પ્રવર્તે છે :

પગ ઊપડતાં આ વેળા તો જુદો જ અનુભવ!
પગલું ભરું કે જૂની ભીંતે પડે ખરી પોપડી,
પગલું ભરું : ઇંટો વચ્ચેથી ખરે કંઈ કાંકરી,
જજરી ગઈ પ્રીતિ, શબ્દોના પડે પડઘા નવ;
*
જરઠ દૃગને કાચે મારી છબી જઉં ભૂંસતો,
તરત પડતા તૂટી મોટી તિરાડથી આયના;
પણ ઊંચકું કે માટીલોચો તળે તૃણ-મૂળના
ધવલ જીવતા તંતુઓનું ધરુ ગ્રહી આવતો;
*
મુજ શરીરમાં જ્યાં જોઉં તો સ્મશાન જ ભૂખરું ;
જળી કજળી ગૈ ચેહો, અસ્થિ પડ્યાં વીખરાયલાં,
મરણ ચૂસતું પોલા શીળી લહેર થકી નળા,
મુજ હૃદયને ચાટે કોઈ પીંખી વીંખી કૂતરું;
*
મુજ મરણની વાર્તા જાણે સુણી રહું પ્રેત હું;
પગ ઊપડતા કે
પછી ઊખડતા આ વેળા તો મૂલાન્તસમેત શું? (સ્પં. છંદ. પૃ.૬૬)

—‘અશ્વત્થ’માં સંચિત ‘પયોન્મત્ત’, ‘આ ક્ષણે’, ‘આ શૂન્ય તે વળી હશે શું?’, ‘નિર્વેદઋચાઓ’, ‘અગાઉ જાણે હું’, ‘ન છૂટે નેડો રે’ અને ‘બ્રહ્માંડના વતની’(૧-૨-૩) તેમ જ ‘રૂપના લય’ની ‘ખાલી આંખ’, ‘કાલે કદાચ’, ‘જે દિન’, ‘થાપણ’, ‘ખમતીઘર’, ‘ઘરમાં પાછો વળતો વૃદ્ધ’, ‘ચણે છે ચિંતાઓ ઘર મુજ’, ‘સાંજકું ઘર’, ‘કર્મનો છંદોલય’, ‘થાકની એક દોહ્યલી પળે’ અને ‘વાર્ધક્ય’ જેવી રચનાઓ ચિત્તસ્પર્શી બની આવી છે. અવનવાં કલ્પનો અને પ્રતીકોની અર્થદ્યુતિ એમાં સમર્પક બનતી રહી છે. ઉશનસ્‌ના કવિકર્મની એક મોટી ખૂબી એ છે કે અગાઉની રચનાઓમાં યોજાયેલાં કલ્પનો અને પ્રતીકો નવી ઉત્કટ અનુભૂતિના બળે નવી ચમત્કૃતિ પામે છે. કવિતાના વિશ્વમાં પોતીકી રીતે ગતિ કરતા કવિ ઉશનસ્‌ સમય જતાં કવિ તરીકેની પોતાની ભૂમિકા વિશે આગવી પ્રતીતિ કેળવી લે છે. એ વિશેની તેમની થોડી એક રચનાઓ નોંધપાત્ર છે. ‘અમે કવિઓ’(અશ્વત્થ) નો આ એક વિલક્ષણ અવાજ –

અમે કવિઓ,
અર્ધ આરણ્યકો;
ઊગી નીકળતા વરસાદી જંગલી છોડ
તમારા સાફસૂથરા ઘરની પછીતે,
કાપો, કાપો, ને અમીટ;
તમારી સંસ્કૃતિ ઉપર ઊગી નીકળતું
અમે તો સનાતન ઘાસ, લીલુડો ટહુકો;
તમારી સખ્ત દીવાલોમાં આવતી કાલની
તિરાડ, તે અમે જ;
અમે જ ભીંત ફાડીને ઊગી નીકળતો
પીપળો — લીલો બળવો...(પૃ. ૧૨૨)

—આ રચનામાં પણ ઉશનસ્‌ની સંવેદનામાં ઊંડે રોપાયેલાં ‘આરણ્યક’, ‘તૃણ’ અને ‘પીપળો’ ફરી નવી વ્યંજના સાથે ગૂંથાઈ આવ્યાં છે. ‘ભારતદર્શન’ સૉનેટમાળા (આર્દ્રા), ‘અમદાવાદના સ્કેચિઝ’ (તૃણનો ગ્રહ), ‘ઇતિહાસની આ બાજુએથી’ સૉનેટગુચ્છ (સ્પંદ અને છંદ), ‘ગળતેશ્વરના દર્શને’ (સ્પંદ.) ઉપરાંત ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ની રચનાઓમાં જુદા જુદા પ્રવાસનાં સંવેદનો રજૂ થયાં છે. પ્રવાસસ્થળ કે પ્રદેશના પ્રથમ દર્શને તેમના અંતરમાં તત્ક્ષણ જન્મી પડતી અનુભૂતિ એમાં કાવ્યવિષય બન્યો છે, પણ એ રચનાઓમાંય તેમની ઉત્કટ સંવેદનશીલતા સાથે વારંવાર વૈચિત્ર્યપૂર્ણ રંગરાગી કલ્પના જોડાતી રહી છે. ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’માં તેમના ઇંગલેંડ-અમેરિકાના પ્રવાસના જે અનુભવો વર્ણવાયા છે તેમાં તેમની વૈયક્તિક સંવેદનાનું આગવું સત્ત્વ પ્રગટ્યું છે. સહજ જ ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિની મૂળગત ભિન્નતા તેમની કવિચેતનાને સ્પર્શી રહે છે તે સાથે ઉશનસ્‌ના ચિંતનસંવેદનમાં વિશેષ મુદ્રા ઊપસે છે. પણ સૌથી રસપ્રદ વાત કદાચ એ છે કે આ રચનાઓમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે તેમને પ્રિય પ્રાકૃતિક જીવનનાં પ્રતીકો/કલ્પનો ગૂંથાતાં રહ્યાં છે. વુડલૅન્ડ ન્યૂયૉર્કની હરિયાળીનું દર્શન થતાં કવિને તત્ક્ષણ તેની સાથે આત્મીયતા બંધાય છે : ‘હે તૃણદેવી!’ એવા શીર્ષકની રચનામાં, શહેરી જીવનની કોલાહલભરી માનવપ્રવૃત્તિઓનું નહિ, પ્રશાન્ત સુષમા પ્રગટાવતી હરીભરી પ્રવૃત્તિનું ચિત્રણ થયું છે. પ્રભાતના ભીના નીલવર્ણા ઉજાસમાં હરિયાળીનો પરિવેશ કવિના અંતરમાં કશીક આધ્યાત્મિક વૃત્તિને સ્પર્શી જાય છે. ‘વિશ્વશાંતિ – એક તંદ્રા’ રચનામાં વિશ્વશાંતિના વિચારમાત્રથી કવિમાં પ્રેમ અને કરુણાની લાગણી હલી રહે છે. ભારતીય ધરતીઆકાશ અને અમેરિકાનાં ધરતીઆકાશ બંને વિશ્વો ગૂઢપણ કવિને ખેંચી રહે છે. ઊંડે ઊંડે કશી દ્વિધાય જન્મે છે : ‘ઉન્મૂલન’ – ૨ શીર્ષકની રચનાનો આ સંદર્ભ :

બહારથી ઘેર આવીને જોયું તો
હું અહીંથી મૂળસોતો ઊખડી ગયો હતો!
મૂળિયાંના ભીના -કાદવિયા લીલા તાંતણા
સુકાઈને લાકડું થઈ ગયા હતા!
હવે હું અહીં ક્યાંક ફરીથી મૂળિયાં નાખવા
મારા સુક્કા છોડને મૂળસોતો ઊંચકી ઊંચકીને ફરું છું (પૃ. ૩૭)
*

ઉશનસ્‌ના દીર્ઘકાવ્યો અને સૉનેટગુચ્છોનો સંગ્રહ ‘આરોહ-અવરોહ’ ઈ.સ. ૧૯૮૯માં પ્રગટ થયો. તેમના દીર્ઘકાવ્યોનો પહેલો સંગ્રહ ‘નેપથ્યે’ ઈ.સ. ૧૯૬૫માં પ્રગટ થયેલો. ‘નેપથ્યે’માં ગ્રંથસ્થ રચનાઓમાં ‘અણુરહસ્ય’ને બાદ કરતાં બીજી રચનાઓ પૌરાણિક વૃત્તાંતોને આગવું રહસ્યઘટન કરીને રજૂ કરે છે. સ્વરૂપદૃષ્ટિએ એમાં કેટલુંક વૈવિધ્ય હતું. એમાં ખંડકાવ્ય, પ્રસંગકાવ્ય, કે સંવાદકાવ્યની રીતિઓ યોજાઈ હતી. ‘દેવયાનીની પ્રસ્થાનરાત્રિ’માં સ્થૂળ જળતૃષાની ક્ષણ નિમિત્તે દેવયાનીના અંતરની સૂક્ષ્મ તરસ સરસ રીતે વ્યક્ત થઈ છે. સંસ્કૃત કવિતાનાં પ્રકૃતિવર્ણનોનો એમાં ગાઢ સંસ્કાર બેઠો છે. તત્સમ શબ્દોના પ્રયોગે બાની પ્રૌઢ અને ઓજસ્વી બની છે. ‘ઉષાનો નિશ્ચય’માં શિવના તપમાં ભંગ પાડવાનો કામદેવનો પ્રયત્ન નિષ્ફળ જતાં ચિંતાતુર પાર્વતીની મનોદશા તેની આત્મોક્તિએ રજૂ થઈ છે. ‘રામવિલાપ’, ‘લક્ષ્મણનું આગમન’, ‘કૃષ્ણ-રુક્મિણી’ અને ‘કર્ણ-કુંતી’ વગેરે રચનાઓમાં ઉશનસ્‌નું નિજી ભાવનાત્મક સંવેદન ગૂંથાતું રહ્યું છે. ‘આરોહ-અવરોહ’માં પેહલી બે દીર્ઘ કૃતિઓ ‘ઇન્દ્રોર્વશીય સંવાદ’ અને ‘યુધિષ્ઠિરનું ઉત્તરસ્વર્ગારોહણ’ સંવાદકાવ્યના ઢાંચામાં ઢળાયેલી છે; જ્યારે પાછળની ‘અવતરણ’ અને ‘પાણ્ડુની પ્રતોક્તિ’ શીર્ષકની રચનાઓ સૉનેટગુચ્છો છે. એ પૈકી ‘ઇન્દ્રોર્વશીય સંવાદ’માં પુરાણપ્રસિદ્ધ પુરુરવા-ઉર્વશીના વિરલ પ્રણયસંબંધનો એક અંશ નવા અર્થઘટન સાથે રજૂ થયો છે. આ વિષયની નાટ્યકૃતિમાં કાલિદાસે જે રીતનું સંવિધાન રચ્યું છે તેને જ અહીં ઉશનસ્‌ અનુસર્યાં છે, પણ પ્રસંગમાં થોડો ચમત્કૃતિભર્યો ફેરફાર કરી લીધો છે. શાપથી મુક્ત થયેલી ઉર્વશી ઇન્દ્રને આવી મળે છે ત્યારે મુગ્ધભાવે પૃથ્વીલોકનો અને તેના માનવીનો મહિમા કરતી રહે છે. ઉર્વશીના મનોભાવથી અત્યંત ખિન્ન બનેલો ઇન્દ્ર ફરીથી શિક્ષાત્મક પગલા રૂપે તેને પૃથ્વી પર મોકલે છે. એ રીતે ઉર્વશી પોતાના સ્વામી પુરુરવા અને સંતાનને ફરીથી પામે છે. આખોય પ્રસંગ સંવાદ રૂપે રજૂ થયો છે. બંનેની ઉક્તિઓ પ્રવાહી લયબંધમાં વહે છે. રચનામાં સૂક્ષ્મ સ્તરે નાટ્યાત્વને અનુરૂપ કાકુઓ પ્રગટ્યા છે. બીજી કૃતિ ‘યુધિષ્ઠિરનું ઉત્તરસ્વર્ગારોહણ’ પણ સંવાદરીતિનું કાવ્ય છે. યુધિષ્ઠિરને સ્વર્ગલોકમાં બ્રાહ્મશરીરધારી શ્રીકૃષ્ણનું મિલન થાય છે એ પ્રસંગ અહીં કેન્દ્રમાં છે. કૃષ્ણ તો સ્વયંપૂર્ણ પુરુષ, કોઈ વ્યાધના બાણે તેમનું મૃત્યુ કેમ સંભવે એવો યુધિષ્ઠિર પ્રશ્ન કરે છે. એના ઉત્તરરૂપે કૃષ્ણ તેમને ધર્મ-મહાધર્મનાં ગૂઢ રહસ્યો સમજાવે છે. આપણી ચિંતનાત્મક દીર્ઘ કૃતિઓમાં આ રચના એમાંના તેજસ્વી ચિંતનના સંયોગે નોખી તરી આવે છે. મહાભારતના મહાયુદ્ધમાં પોતે જે ભૂમિકા નિભાવી તે સંદર્ભમાં વિકસતું સંવેદનચિંતન બાનીની પ્રૌઢિ સાથે ભવ્યતાનો સંસ્પર્શ પામી છે. મહાભારતમાં અર્જુનના વિષાદના પ્રસંગે કૃષ્ણપ્રભુએ પરમ કલ્યાણનો ધર્મમાર્ગ તેને બતાવ્યો હતો : અહીં સ્વર્ગલોકમાં ધર્મરાજ યુધિષ્ઠિરના મનના સંશયને ટાળવા કૃષ્ણપ્રભુ ફરીથી ધર્મનું હાર્દ સ્પષ્ટ કરી આપે છે. ‘પાણ્ડુની પ્રેતોક્તિ’ શીર્ષકના સૉનેટગુચ્છમાં નવ કૃતિઓ રજૂ થઈ છે. પાણ્ડુના પૌરાણિક પાત્રનો વૃત્તાંત એ સર્વને સાંકળી આપે છે. મહાભારતમાં અભિશાપિત પાણ્ડુનો વૃત્તાંત છે. અરણ્યવાસ દરમ્યાન કામાતુર પાણ્ડુનું માદ્રી સાથે સંભોગ કરવા જતાં મૃત્યુ થાય છે. આ વૃત્તાંત લઈ કવિ કાન્તે અસાધારણ પ્રભાવ પાડતું ગહન-કરુણ ખંડકાવ્ય રચ્યું છે. જેનો આપણે માર્મિક પરિચય મેળવ્યો છે. કવિ ઉશનસે પાણ્ડુના પ્રેતને રઝળતું કલ્પી તેની ઉક્તિઓ રૂપે આ રચનઓ કરી છે. અહીં તેની ઉક્તિઓમાં મહાભારતના યુદ્ધની અને તે પૂર્વેની કેટલીક વિષમ ક્ષણોને લક્ષીને તેનું ચિંતનસંવેદન રજૂ થયું છે. પાણ્ડુની વ્યથાના ભાવસંદર્ભો મર્મવેધક બની આવ્યા છે. ‘અવતરણ’ ગુચ્છમાં બધું મળીને પંદર કૃતિઓ સંકળાઈ છે. શ્રાદ્ધતર્પણના વિધિ નિમિત્તે કવિ હિમાલયનું દર્શન કરી કાશીમાં પહોંચે છે એ યાત્રાનો અહીં સંદર્ભ છે. હિમાલયનાં સોનલવરણાં શૃંગોનું દર્શન કવિને અપૂર્વ આનંદાશ્ચર્યમાં લીન કરી દે છે, તો કાશીના તીર્થમાં જોવા મળેલી મલિનતા અને વિકૃતિઓથી તેમનું મન ઉબાઈ જાય છે. એ નિમિત્તે પ્રાચીન ભારતની નિર્મળ તેજોમય સંસ્કૃતિનું પાવનકારી સ્મરણ ચિત્તમાં જન્મી પડે છે અને વર્તમાન સંસ્કૃતિની ભ્રષ્ટતા તેમના આત્માને રૂંધી રહે છે. હિમાલયદર્શન સાથે આધ્યાત્મિકતાનું દર્શન, તે પછી સંસ્કૃતિના પતનના ભારથી ઘેરો અવસાદ અને અંતે અંતરના ઊંડાણમાંથી સ્ફુરી આવતી શ્રદ્ધા એ રીતે કવિના અંતરની આધ્યાત્મિક ગતિશીલતાનો અહીં હૃદ્ય પરિચય મળે છે. અભિવ્યક્તિની અસરકારકતા સર્વ રચનાઓમાં મળે છે, પણ ‘ગર્ભાગારના અંધારામાં’ એ રચના ઉશનસ્‌ના વાણીસામર્થ્યનો વિરલ આવિષ્કાર છે :

અરે, ક્યાં છે? ક્યાં છે દ્યુતિકરણ? ભાલેન્દુય ક્યહીં?
હરી લૈને કાળે, અવ નીરખું, મૂક્યો શિર મહીં
પડોશી મિનારે? ક્યહીં ગયું તમારું ત્રિશૂલ તે!
તમે હે સોમૈયા, ડમરુ બજવી શંખ ફૂંકતે...
થતું ગર્ભાગારે ધસી જઉં? ફૂંકું શંખ ઝૂંટવી?
હથોડા ઝીંકીને ભયસૂચક દૌં ઘંટ બજવી? (પૃ. ૩૯)

—‘નવેસરથી સિસૃક્ષા’, ‘દ્યૌ અને દ્યુતિભણી’ અને ‘નૂતન શિવની ઉપલબ્ધિ’ એ છેલ્લાં ત્રણ સૉનેટોમાં કવિ ઉશનસ્‌ના અંતરમાં ફરી ઝળહળી ઊઠતી શ્રદ્ધાનું શાતાદાયી ઉદ્‌ગાન છે. તેમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિમાં આ આધ્યાત્મિક/સાંસ્કૃતિક ચેતનાનું ફરીફરીને અનુરણન સંભળાયા કરે છે. ભાવકની ચેતનાને એ અપૂર્વ સત્ત્વથી પ્રજ્વલિત કરવા સમર્થ છે.

* ઉશનસ્‌ અધ્યયનગ્રંથ(૧૯૯૬)-માં પ્રકાશિત

* * *