અનુબોધ/નિવેદન

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નિવેદન

વિવિધ સામયિકોમાં અને અધ્યયનગ્રંથોમાં પ્રકાશિત થયેલા સ્વ. ડૉ. પ્રમોદકુમાર પટેલના વિવેચનલેખોનો સંભવતઃ આ છેલ્લો ગ્રંથ છે. હવે બહુ જૂજ લખાણો ભાઈ યોગેશ પાસે પડેલાં છે પણ એ આ ગ્રંથમાં બંધ બેસે એમ ન હોવાથી સમાવ્યાં નથી. હજુ થોડાંક વધુ લખાણો કોઈ સામયિકોમાંથી મળી આવે તો કદાચ એક નાનકડો સંગ્રહ થાય. પણ એ ભવિષ્યની વાત. પ્રમોદભાઈના અવસાન પછી પાર્શ્વ પબ્લિકેશને, ગૂર્જર પ્રકાશને તથા ગુજરાતી સાહિત્ય પરિષદે એમનો એકએક વિવેચનસંગ્રહ પ્રકાશિત કરવા સ્વીકારેલું એ પણ હવે પ્રકાશિત થઈ ચૂક્યા છે, એ પછી પણ બાકી રહેલા લેખો યોગેશે મને સોંપેલા – એમના પરિવાર તરફથી ગ્રંથસ્થ કરવાના સંકલ્પ સાથે. એમાંથી, ગયે વરસે પ્રમોદભાઈના ઉત્તમ સૈદ્ધાન્તિક અનુવાદ-લેખોનો એક સંગ્રહ ‘તત્ત્વસંદર્ભ’ પ્રકાશિત થયેલો. અને હવે આ ‘અનુબોધ’. આમાં, પ્રવાહદર્શનના, સર્જક-અભ્યાસના તેમજ કૃતિચર્ચાના લેખો છે, ને એ પ્રમોદભાઈની એક વિવેચક તરીકેની શક્તિઓનો ને એમની રુચિના વ્યાપનો ખ્યાલ આપે છે. ઊંડા અને ઝીણવટભર્યા અધ્યયનને કારણે તથા સાહિત્યના નાના-મોટા પ્રશ્નોની સતત વિચારણાને લીધે પ્રમોદભાઈ પાસેથી અભ્યાસીઓને તૃપ્ત કરનારું વિવેચન મળતું રહેલું. નિઃશેષ કથનને લીધે એમનામાં દીર્ઘસૂત્રિતા લાગે પણ વિચારણીય મુદ્દાઓને અવશ્ય ઉપસાવી આપનારી એમની સમજભરી નિષ્ઠાને કારણે એની મૂલ્યલક્ષી ઉપયોગિતા ઘણી મહત્ત્વની બની રહે છે. આ ગ્રંથને અંતે પરિશિષ્ટ રૂપે પ્રમોદભાઈના આજસુધીના સર્વ વિવેચનસંગ્રહો અને એના લેખોની યાદી આપી છે. પ્રમોદભાઈની વિવેચનાના વિષયવ્યાપનો અને વૈવિધ્યનો ખ્યાલ આપનારી એ યાદી અભ્યાસીઓને કોઈ ને કોઈ રીતે ઉપયોગી નીવડશે. યોગેશ એના પિતા પ્રમોદભાઈ માટેના આદરભાવથી તો ખરું જ, ઉપરાંત એક શિક્ષકની ચોકસાઈથી પ્રમોદભાઈનાં બધાં લખાણો – છપાયેલાંની પ્રતો તેમજ હાથપ્રતો – સાચવ્યાં હતાં; એને ગોઠવી રાખ્યાં હતાં ને લેખોની વ્યવસ્થિત યાદીઓ સુધ્ધાં કરી હતી. પ્રકાશન માટે વર્ગીકૃત કરતી વખતે, એથી, સરળતા વધી હતી. આવી કાળજી ઉદાહરણીય ગણાય. પ્રમોદભાઈની ચોથી પુણ્યતિથિએ પ્રગટ થતા આ ગ્રંથથી પ્રમોદભાઈનાં કુટુંબીજનો તો કૃતકૃત્ય થશે જ – આ એમની ખરી શ્રદ્ધાંજલી છે – અને અભ્યાસીઓને પણ, અગાઉના એમના ગ્રંથોની જેમ આ ગ્રંથ પણ ગમશે.

— રમણ સોની
વડોદરા, ૨૪-૫-૨૦૦૦