અનુબોધ/ભારતીય નવજાગરણ...અને ગુજરાતી સાહિત્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ભારતીય નવજાગરણ અને તેનાં વિવિધ પરિમાણો :
ગુજરાતી સાહિત્યના વિશેષ સંદર્ભમાં

આધુનિક ભારતના ઇતિહાસમાં ‘નવજાગરણ’(Renaissance કે Re-awakening) તરીકે ઓળખાતી ઘટના, દેખીતી રીતે જ, આપણી પ્રજાકીય ચેતનાને ગહનતમ સ્તરોએથી અસર કરતી એક અતિ વ્યાપક અને અતિ સંકુલ પ્રક્રિયાને અનુલક્ષે છે. પણ એ કારણે જ એ ઐતિહાસિક સાંસ્કૃતિક પરિવર્તનપ્રક્રિયાનું સાચું સ્વરૂપ ઓળખવામાં તેમ તેની વ્યાખ્યા કરવામાં મતભેદો ય ઊપસ્યા છે. કેટલાક અભ્યાસીઓના મતે નવજાગરણની ઘટના મુખ્યત્વે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જીવનવિચારની પ્રેરણા અને પ્રભાવનો પ્રશ્ન છે, બીજા કેટલાક એમાં ભારતીયતાનાં – ભારતીય સંસ્કૃતિનાં મૂળની ખોજ પર ભાર મૂકે છે, તો બીજાઓ વળી પાશ્ચાત્ય અને ભારતીય સંસ્કૃતિના સમન્વયની પ્રક્રિયાને વધુ ઉપસાવવા ચાહે છે. તો, વાસ્તવમાં, ભારતીય નવજાગરણમાં આ સર્વ પ્રવૃત્તિઓ સમાઈ જાય છે એમ સ્વીકારીને ચાલવું વધુ ઉચિત રહેશે એમ હું માનું છું. એ તો સુવિદિત છે કે પરિવર્તનની આ પ્રક્રિયા ગઈ સદીમાં અંગ્રેજી શાસન નીચે મુખ્યત્વે પાશ્ચાત્ય ઢબની કેળવણીની શરૂઆત સાથે આરંભાઈ. આરંભમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અને ઇ.સ. ૧૮૫૭માં કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં સ્થપાયેલી યુનિવસિટીઓ એમાં મુખ્ય પ્રેરક અને ઉદ્‌ભાવક બળ બની રહી. પાશ્ચાત્ય કેળવણી લઈને બહાર આવેલા નવશિક્ષિતોને પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સાહિત્યનો તેમ તેમાં મૂર્તિમંત થયેલાં જીવનમૂલ્યોનો જે રીતે સંપર્ક થયો તે સાથે નવજાગરણની ચેતના સળવળી ઊઠી હતી. એ ય નોંધવું રહ્યું કે પશ્ચિમની એ પ્રજા રાજ્યતંત્ર, સમાજવ્યવસ્થા, ધર્મભાવના, તત્ત્વજ્ઞાન, કાનૂન, નીતિવિચાર, અર્થતંત્ર, કેળવણી, સાહિત્યાદિ કળાઓ, સૌંદર્યભાવના અને વિવિધ જ્ઞાનવિજ્ઞાન એમ સર્વ ક્ષેત્રમાં મહાન વારસો ધરાવતી હતી. એનો જીવનવિચાર, એની સંસ્થાઓ,અનેએની પરંપરાઓ આગવી રીતે વિકસ્યાં હતાં. આમ જુઓ તો, પ્રાચીન ગ્રીસ અને રોમની સંસ્કૃતિઓમાં એના મુખ્ય પ્રેરણાસ્રોતો રહ્યા છે; છતાં સોળમી-સત્તરમી સદીમાં યુરોપીય પ્રજાજીવનમાં નવજાગરણ અને સુધારાવાદની નવ્ય વિચારણાઓએ મોટો ફેરફાર આણ્યો હતો. આધુનિક યુરોપીય સંસ્કૃતિમાં ખરેખર તો રૂઢિચુસ્ત ખ્રિસ્તી ધર્મ અને ચર્ચની સંસ્થાઓનું બૌદ્ધિકતાવાદ, ઐતિહાસિકતાવાદ અને વિજ્ઞાનવાદનો મોટો નિર્ણાયક પ્રભાવ પડવા માંડ્યો. ફ્રેંચ ક્રાંતિએ સમાનતા ન્યાય અને ભ્રાતૃભાવ જેવાં મૂલ્યોને વિશેષ રીતે ઉપસાવ્યાં. વ્યક્તિજીવનના પૂર્ણતમ વિકાસ અર્થે તેની અમર્યાદ સ્વતંત્રતાની અસાધારણ પ્રાણપ્રતિષ્ઠા થઈ અને એ સાથે પરાક્રમી પુરુષાર્થી અને પ્રવૃત્તિપરાયણ જીવનનો આદર્શ ત્યાં પ્રચારમાં આવ્યો. ઐહિક સુખસમૃદ્ધિ અને ભૌતિકતાવાદી મૂલ્યોના પાયા પર એ આધુનિક સંસ્કૃતિનાં મંડાણ થયાં. પાશ્ચાત્ય ઢબની કેળવણી દ્વારા આપણા નવશિક્ષિતો એ સંસ્કૃતિના ગાઢ સંપર્કમાં આવ્યા. એ રીતે નવજાગરણની પ્રક્રિયામાં પાશ્ચાત્ય કેળવણી મોટું પરિબળ બની રહી. એ સમયના આપણા પ્રજાજીવનની મોટી વિષમતા એ હતી કે એમાં ભારે બંધિયારપણું આવી ચૂક્યું હતું. હિંદુ સમાજ અને ધર્મ ઘણી રીતે અવનતિ પામ્યો હતો. ધર્મને નામે સ્થૂળ કર્મકાંડો, બહુદેવત્વવાદ, અને બહુસંપ્રદાયવાદ, વહેમ, અંધશ્રદ્ધા અને અજ્ઞાન, જીર્ણશીર્ણ રૂઢિઓ અને કુરિવાજો, જ્ઞાતિધર્મની અને ન્યાતજાતની ચુસ્ત વાડાબંધી અને અતિ સંકુચિત માનસિકતા – એમ અનેકવિધ અનિષ્ટોથી પ્રજાજીવન સર્વત્ર રુંધાઈ રહ્યું હતું. ધર્મસંસ્થાઓમાં દંભ વિલાસ અને દુરાચારો પોષાઈ રહ્યા હતા. જૂની વર્ણવ્યવસ્થાનો હ્રાસ થવા આવ્યો હતો અને અસંખ્ય જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓમાં સમગ્ર દેશ વિભાજિત થઈ ચૂક્યો હતો. પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિનાં પરમ શ્રેયસ્કર તત્ત્વો જડ પરંપરાઓ અને રૂઢિઓના રાફડાઓ નીચે ક્યાંક પ્રચ્છન્ન બની ચૂક્યાં હતાં. ઋષિઓ-આચાર્યોએ રજૂ કરેલા ઉન્નત આદર્શો અને મૂલ્યોને સ્થાને જીર્ણ કર્મકાંડ ટકી રહ્યા હતા. એવી વિષમ પરિસ્થિતિમાં તરુણ શિક્ષિતો પશ્ચિમની સંસ્કૃતિ અને તેના જીવનાદર્શોને કંઈક અહોભાવથી નિહાળી રહ્યા હોય એ સ્વાભાવિક છે. એ આદર્શો અને મૂલ્યોથી આકર્ષાઈ તેઓ હિંદુ સમાજમાં પણ એ રીતનો ફેરફાર ઝંખતા થયા. હિંદના પ્રજાજીવનમાં ‘સુધારો’ કરવાની તેમને જરૂરિયાત વરતાવા લાગી. અલબત્ત, ‘સુધારો’ સંજ્ઞા પહેલી નજરે દેખાય છે તેવી સાદીસરળ નથી. સુધારાની પ્રવૃત્તિ વત્તેઓછે અંશે રાજ્યતંત્ર, સામાજિક બંધારણ, ધર્મભાવના, શિક્ષણવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા જેવી બધી જ પાયાની બાબતોને સ્પર્શે છે. દેશના જુદા જુદા પ્રાંતોમાં નવશિક્ષિતો દ્વારા સંસાર-સુધારાઓની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે એમાં ખ્રિસ્તી ધર્મ અને પાશ્ચાત્ય સમાજના વિચારોની પ્રેરણા જોઈ રૂઢિચુસ્ત હિંદુ સમાજે એ સુધારાપ્રવૃત્તિ સામે તીવ્ર પ્રતિક્રિયા દાખવી. દરેક પ્રાંતમાં એ રીતે સુધારકો અને રૂઢિચુસ્તોનાં જુદાં તડાં પડ્યાં હતાં એમ જવા મળશે. પ્રાચીન મતવાદીઓ અને નવીન સુધારાવાદીઓ વચ્ચે વાદવિવાદ અને સીધા વૈચારિક સંઘર્ષો આરંભાયા. વળી અંગ્રેજી શાસકો અને તેમના નેજા હેઠળ પ્રવૃત્તિઓ કરતા ધર્મપાદરીઓએ હિંદુ ધર્મ અને સમાજ વિશે ઘણી અણગમતી ટીકાઓ કરી. ખાસ તો બહુદેવતાવાદ અને બહુસંપ્રદાયવાદની તેમણે કઠોર સમીક્ષાઓ કરી. હિંદુ સમાજનો આત્મા એથી દુભાતો રહ્યો. આવા વિરાટ રાષ્ટ્રનો આત્મા ઊંડ ઊંડે સંક્ષુબ્ધ બન્યો. આવી ક્ષણોમાં યુનિવર્સિટી શિક્ષણ લેનારા તરુણો સંસ્કૃતિ, સાહિત્ય અને તેમાં ખેડાયેલી વિવિધ વિદ્યાઓ દ્વારા પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું શુદ્ધ ઉજ્જવલ રૂપ જોવા શક્તિમાન બન્યા. માનવવ્યક્તિ અને સમષ્ટિના પરમ કલ્યાણ અર્થે એમાં જે ગહનાતિગહન સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન અને દર્શન રજૂ થયું હતું તે આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં ય કંઈક વિશેષ સત્ત્વપોષક અને શ્રેયસ્કર છે, અને ભારતીય સમાજની નવરચના અર્થે એ એટલું જ બલકે એથી ય વધુ ઉપકારક બની રહે એમ છે એવી તેમને પ્રતીતિ થવા લાગી. આધુનિક સમયમાં હિંદુ સમાજ અને સંસ્કૃતિનો ઘણી રીતે હ્રાસ થયો છે એ સાચું, પણ એના જીર્ણ નિસ્તેજ શરીરમાં પ્રાચીન ધર્મસંસ્કાર અને પરંપરાઓ હજી ય ઊંડે ઊંડે ધબકે છે, અને એ ચેતના સાતે પુનઃ સંધાન કેળવીને જ સાચો ‘સુધારો’ સંભવી શકે એવી પ્રતીતિ જન્મી. આમ, બિલકુલ આરંભકાળમાં જ પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિનું શુદ્ધતર રૂપ જોવાની જે ઝંખના જન્મી હતી તે સમય જતાં હિંદુ ધર્મના શોધન અને સમીક્ષાની વ્યાપક પ્રવૃત્તિમાં પરિણમી. અને ધર્મશોધનની પ્રવૃત્તિ કંઈ એના સીમિત ક્ષેત્રમાં રહે એ શક્ય નહોતું. હિંદુ સમાજવ્યવસ્થા અને આચારવિચાર સર્વ ધર્મભાવના સાથે જોડાયેલાં રહ્યાં છે. એટલે સમાજસુધારાની પ્રવૃત્તિઓ અને તેને લગતી તાત્ત્વિક વિચારણા એની સાથે જ સંકળાઈને ચાલી. નોંધવાની બાબત એ છે કે ધર્મશોધન અને સમાજસુધારાની સર્વ પ્રવૃત્તિઓ પાછળ આપણા ભારતરાષ્ટ્રની અસ્મિતાનો ખ્યાલ પ્રબળપણે સક્રિય બન્યો. ધર્મશોધ અને સમાજસુધારાના આચાર્યો, સ્વાભાવિક રીતે જ, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિ બંનેના આદર્શો અને મૂલ્યોની ઓળખ કરી બંનેના તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરવા પ્રેરાયા. ખાસ તો આધુનિક સમયની ભારતીય મનોદશાજોતાં એમાં ક્યા આદર્શો અને ક્યાં મૂલ્યો ટકાઉ અને શ્રેયકર નીવડી શકે એ વિશે પરિક્ષણદૃષ્ટિ પણ એમાં નિર્ણાયક બની. ધર્મભાવના, સમાજસંગઠન, કુટુંબજીવન, શિક્ષણવ્યવસ્થા આદિ દરેક ક્ષેત્રમાં તાત્ત્વિક દૃષ્ટિએ તુલના જારી રહી. એ રીતે વધુ વ્યાપક અને વધુ સમાવીય દૃષ્ટિએ શોધન ચિંતનની પ્રવૃત્તિ આકાર લેતી રહી. ભારતીય નવજાગરણની આ ઘટનાા પાશ્ચાત્ય દેશોમાં ઉદ્‌ભવેલી નવજાગરણની પ્રક્રિયાથી દેખીતી રીતે જુદી પડે છે. ઈંગ્લેંડ ફ્રાંસ જર્મની અને ઇટાલી જેવા દેશોમાં પુનર્જાગરણ એ તેમને માટે પોતાના જ પ્રાચીન પ્રેરણાસ્રોતો તરફ જવાની બાબત હતી. નવજીવનની પ્રેરણા અર્થે તેઓ પ્રાચીન ગ્રીસ અને પ્રાચીન રોમના પ્રશિષ્ટ સાહિત્ય અને વિદ્યાઓ તરફ વળ્યા હતા. આથી ભિન્ન, ભારતીય નવજાગરણમાં આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ થયું ત્યારે પ્રજાજીવનના પુનરુત્થાન અર્થે પરસ્પરથી ઘણી ભિન્ન એવી બે સંસ્કૃતિઓના સંઘર્ષ વચ્ચેથી માર્ગ કંડારવાનો પ્રશ્ન હતો. અને ભિન્ન ભિન્ન પ્રાંતના ધર્મચિંતકો સમાજસુધારકો અને સાહિત્યકારો એવી સંસ્કૃતિક કટોકટીની ક્ષણે કેવાકેવા અભિગમો વિચારે છે તે ઘણી રસપ્રદ બાબતો છે. વળી ‘બ્રહ્મોસમાજ’(સ્થાપના ઈ.સ. ૧૮૨૮). ‘પ્રાર્થનાસમાજ’ (ઈ.સ. ૧૮૬૭) ‘આર્યસમાજ’(ઈ.સ. ૧૮૭૫) અને મેડેમ બ્લેવેટ્‌સ્કી અને કર્નલ ઓલકોટ દ્વારા આરંભાયેલી ‘થિયોસોફીકલ સોસાયટી’ (ઈ.સ. ૧૮૭૫) જેવા અગ્રણી ‘સમાજો’ ઉપરાંત સમગ્ર દેશમાં ઠેરઠેર જન્મેલી બીજી અસંખ્ય સંસ્થાઓની વિચારસરણી પણ આ દૃષ્ટિએ સમીક્ષાપાત્ર છે. આખા ય નવજાગરણના તબક્કામાં આમ જુઓ તો બે આત્યંતિક વિચારવલણો ય જોવા મળશે. એક બાજુ છે કેવળ ઉચ્છેદક વર્ગ, જેઓ આધુનિક ભારતીય સમાજના પુનરુત્થાન અર્થે પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિમાંથી કશું ઉપયોગી નહિ બને એમ માની તેના આચારવિચારો, પરંપરાઓ, માન્યતાઓ આદિનો ઉચ્છેદ ચાહે છે. બીજે છેડે છે ચુસ્ત રૂઢિસંરક્ષક વર્ગ, જે એમ માને છે કે ભારતીય સમાજના પુનરુત્થાન અર્થે આપણા પ્રાચીન આદર્શો અને મૂલ્યોનું પુનરુજ્જીવન પૂરતું છે, બહારથી કશું લેવાનો સ્વીકારવાનો પ્રશ્ન રહેતો નથી. પણ આવા અંતિમવાદીઓ વચ્ચે ભિન્ન ભૂમિકાવાળા ચિંતકો અને સુધારકો મળે છે એમાં એક વર્ગ અલ્પ અંશે સંરક્ષક અને વિશેષાંશે ઉચ્છેદક તો બીજો વર્ગ અલ્પ અંશે ઉચ્છેદક અને વિશેષાંશે સંરક્ષક છે. પણ આવાં સ્થૂળ વર્ગીકરણો આપણને ઝાઝાં ઉપયોગી બને એમ નથી. આ જાતના અભિગમો પાછળ વર્તમાન સમાજની વાસ્તવિકતા અને ભાવિ સમાજના દર્શનની આગવીઆગવી ધારણાઓ રહી છે. રાજા રામમોહન રાય, કેશવચંદ્ર સેન, દેવેન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, વિવેકાનંદ, મહાદેવ ગોવિંદ રાનડે, લોકમાન્ય ટિળક અને ગોખલે, મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ – એ સર્વ અગ્રણી ચિંતકો ભારતીય સમાજના પુનરુત્થાન અર્થે આગવીઆગવી રીતે વિચારી રહ્યા હતા; નવી જીવનવ્યવસ્થામાં ધર્મ, સમાજ, શિક્ષણ અને નીતિ પરત્વે આગવી દૃષ્ટિએ એ દરેકનું સ્થાન નક્કી કરતા હતા. આમ, નવી જીવનવ્યવસ્થાના સંદર્ભે પ્રાચીન ભારતીય સંસ્કૃતિના આદર્શો કેટલે અંશે સ્વીકારી શકાય તેમ છે, અને પાશ્ચાત્ય જીવનના કયા આદર્શો અને ક્યાં મૂલ્યો એમાં યોજી શકાય છે, એનું તેમણે સ્વતંત્ર રીતે મંથન કર્યું છે. અંગ્રેજી શાસનને આરંભ ભારતના જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા સમયે થયો એ હકીકત પણ ખરી, પણ એથી વધુ તો, જુદા જુદા પ્રાંતોમાં રાજ્યતંત્રનો ફેર હોય, ભિન્નભિન્ન વર્ણો અને જ્ઞાતિઓના માળખામાં ફેર હોય, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ અને પરંપરાઓનો ફેર હોય, આર્થિક ઢાંચામાં, શિક્ષણવ્યવસ્થામાં કે પછી પ્રજાકીય પ્રકૃત્તિનો ફેર હોય એ કારણે જુદા જુદા પ્રાંતોમાં નવજાગરણની પ્રક્રિયા કંઈક વહેલી કે મોડી આરંભાતી દેખાશે. આમ છતાં, નવજાગરણકાળની સમગ્ર પ્રવૃત્તિઓ, સંચલનાઓ, સંઘર્ષો, આઘાતો, પ્રત્યાઘાતો આદિનો એકસાથે વિચાર કરીએ ત્યારે એમાં દેખીતી ભિન્નતાઓ છતાં તેની નીચે પ્રાચીન સંસ્કૃતિની વિશાળ એકતાની ઝાંખી થશે. આપણે ભારતીય નવજાગરણના વ્યાપક સંદર્ભે જ્યારે ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓનું અવલોકન કરવા પ્રવૃત્ત થઈએ ત્યારે એનાં કેટલાંક વિશિષ્ટ પરિમાણો ખૂલતાં હોવાનું જણાશે તો વિશાળ રાષ્ટ્રના નવજાગરણની વ્યાપક ભૂમિકા સાથે એનું અનુસંધાન જણાશે.

ગુજરાતી સાહિત્યનો અર્વાચીન તબક્કો ઈ.સ. ૧૮૫૧ની આસપાસમાં આરંભાતો હોવાનો મત આ વિષયના લગભગ બધા જ ઇતિહાસકારો ધરાવે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ યુગ સામાન્ય રીતે ઈ.સ.૧૮૫૧થી ઈ.સ. ૧૮૮૭ સુધીનો રેખાંકિત કરવામાં આવ્યો છે. આ યુગને ‘સંસારસુધારાનો યુગ’ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. એ પછી બીજો યુગ ઈ.સ. ૧૮૮૭ થી ઈ.સ. ૧૯૧૫નો લખાયો છે. એ યુગને ‘સાક્ષર યુગ’ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. આપણે માટે મહત્ત્વની વાત એ છે કે ગુજરાતી સાહિત્યમાં નવજાગરણનો તબક્કો આ સાક્ષરયુગને ય આવરી રહે છે. અહીં યુગબોધને અનુલક્ષીને એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ-૩માં અર્વાચીન ગુજરાતી સાહિત્ય ભૂમિકા બાંધતાં જાણીતા અભ્યાસી શ્રી યશવંત શુકલે ‘અર્વાચીન યુગ’નો આરંભ ઈ.સ. ૧૮૧૮ થી ગણાવ્યો છે. પણ એમનો મત થોડો ચિંત્ય રહી જાય છે. ઈ.સ. ૧૮૧૮ થી ઈ.સ. ૧૮૪૫ના ગાળામાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય નહિ, તેનાં પ્રેરક વિધાયક કે ઉદ્‌ભાવક બળો જન્મ્યાં છે. શાળાના પાઠ્યપુસ્તકો અર્થે મરાઠી પુસ્તકોના અણઘડ તરજુમા રૂપે ખેડાતું થયેલું ગદ્ય, પારસી પત્રકારો દ્વારા ખેડાતું થયેલું પારસી બોલીની છાંટવાળું ગદ્ય, છાપખાનની શરૂઆત અને સુધારા અર્થે સંગઠનની શરૂઆત – આવી ઘટનાઓ ઈ.સ.૧૮૪૪ પહેલાં જોવા મળે છે. સાહિત્યિક ગદ્યનો કંઈક અણસાર આપતું દુર્ગારામનું રાજનિશીનું ગદ્ય ઈ.સ. ૧૮૪૩-૪૪માં દેખા દે છે. અર્વાચીન વિષય લઈને રચાયેલી કવિ દલપતરામની પહેલી કાવ્યરચના ‘બાપાની પીપર’ ઈ.સ. ૧૮૪૫માં લખાયેલી. કવિ દલપતરામનો ‘ભૂત’ વિષયક પ્રસ્તારી નિબંધ સુધારાની વિચારણાનો નોંધપાત્ર પ્રયત્ન છે. ઈ.સ. ૧૮૫૧ માં કવિ નર્મદનો નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’ ગુજરાતીમાં ચિંતનાત્મક નિબંધનો સીમાવર્તી આવિષ્કાર છે. વિષયવસ્તુની સીધી લક્ષ્યગામી, સફાઈદાર અને સુગ્રથિત નિબંધનરીતિ, નર્મદની લાક્ષણિક ઉદ્‌બોધનશૈલી અને તેના રોમેન્ટિક વ્યક્તિત્વનો પ્રબળ ઉદ્રેક – એ સર્વ લક્ષણો એ નિબંધને ચોક્કસ સાહિત્યિક ગુણવત્તા અર્પે છે. ઈ.સ. ૧૮૫૧ થી આરંભાતા દાયકામાં જ કવિતા, નિબંધ, નાટક આદિ સાહિત્યસ્વરૂપો ખેડાવા લાગે છે. ૧૮૧૮થી ૧૮૪૪નો તબક્કો સાહિત્યનિર્માણ પૂર્વે સંસ્થાઓ અને સાધનોના ઉદ્‌ભવવિકાસનો ગાળો છે. નવજાગરણની ચેતનાથી પ્રેરાયેરું, એ ચેતનાને સંકોરતી ઝીલતું અનેએ ચેતનાને વધુ નેવધુ પ્રોજ્જવલ કરનારું સાહિત્ય ઈ.સ. ૧૮૪૪ પછીથી પ્રગટ થવા લાગે છે. અહીં એક મહત્ત્વની હકીકત એ નોંધવાની રહે છે કે ગુજરાતી સહિત્યમાં નવજાગરણની પ્રવૃત્તિ અને પ્રક્રિયાનું મહાન પ્રેરણા કેન્દ્ર મહાનગર મુંબઈ જ રહ્યું છે. સુરત અને અમદાવાદમાં નવજાગરણની જે પ્રવૃત્તિઓ થઈ તેનું મુખ્ય સંચાલક બળ મુંબઈ રહ્યું છે. આ સંદર્ભે એ ય નોંધવાનું રહે કે ઈ.સ. ૧૮૧૮માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ગુજરાતનો ઘણો એક વિસ્તાર મરાઠા સરદારો પાસેથી મેળવીને તે સમયના બૃહદ્‌ મુંબઈ ઇલાકામાં તેને સમાવી લેવામાં આવ્યો. ઉદ્યોગધંધા, વેપાર, વિદ્યાકળા, સાહિત્ય અને જ્ઞાનવિજ્ઞાન એમ હરેક ક્ષેત્રમાં મુંબઈ ઘણી ઝડપથી વિકસતું રહ્યું. ગઈ સદીના ઉત્તરાર્ધમાં રેલ્વે તારટપાલ છાપખાનાં આદિના વિસ્તરણ સાથે પાશ્ચાત્ય જ જીવનરીતિ અને વિચારણાનું એ મોટું કેન્દ્ર બન્યું. ખાસ તો ઈ.સ. ૧૮૫૭માં સ્થપાયેલી મુંબઈ યુનિવર્સિટી નવજાગરણના આંદોલનનું મોટું ઉદ્‌ભાવક બળ બની રહી. ગુજરાતી તુરણોએ મુંબઈના નવા સાંસ્કૃતિક પરિવેશમાં સુધારા અને સાહિત્યક્ષત્રની પ્રવૃત્તિઓ આરંભી. અહીંથી જ પાશ્ચાત્ય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યોનો પ્રસાર આરંભાયો, અને અહીંથી જ હિંદુ સમાજ અને સંસ્કૃતિનું પુનર્શોધન અને તેની પ્રાણપ્રતિષ્ઠા આરંભાઈ. ગુજરાતી સાહિત્યમાં ઈ.સ. ૧૮૫૧ થી ૧૮૮૭ સુધીનો પ્રથમ યુગ સામાન્ય રીતે ‘સંસારસુધારાનો યુગ’ તરીકે ઓળખાવાયો છે. કેટલાક ઇતિહાસકારો ગુજરાતમાં સંસારસુધારાના ક્ષેત્રે અસાધારણ જોમ અને ઉત્સાહથી બલકે યુયુત્સાવૃત્તિથી પ્રવૃત્તિ કરનાર કવિ નર્મદના નામને આ યુગ સાથે જોડી તેને ‘નર્મદ યુગ’ તરીકે પણ ઓળખાવે છે. અર્વાચીન ગુજરાતીમાં નવી રીતિની કવિતા તેણે લખી, તે ઉપરાંત નિબંધ, વિવેચન, કવિચરિત્ર, કોશ, નાટક, ઇતિહાસલેખન આદિ અનેક વિષયોમાં તેણે ખરેખર નવપ્રસ્થાન આદર્યું, પણ સક્રિયપણે તે સુધારાપ્રવૃત્તિઓમાં જોડાયો. એમના સમકાલીનોમાં દુર્ગારામ મહેતાજી, કરસનદાસ મૂળજી, મહીપતરામ નીલકંઠ, દાદોબા પાંડુરંગ, દિનમણિશંકર શાસ્ત્રી, અને દલપતરામ માસ્તર જેવા સુધારકો ય સુધારાની પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા હતા. સુધારાની સંસ્થાઓના મંચ પરથી વ્યાખ્યાનો કરીને, સુધારા વિશેના લેખો, પુસ્તિકા કે ચોપાનિયા રૂપે પ્રગટ કરીને, અને ચૌટેચકલે કે શેરીઓમાં પોતાને અભિમત સુધારો સિદ્ધ કરવાના કાર્યક્રમો યોજીને તેઓ કાર્યરત રહ્યા. જ્ઞાતિઓનાં બંધન તોડવા, વિધવાનાં પુનર્લગ્ન યોજવા, બાળલગ્નો અને તેની સાથે સંભવતાં કજોડાંઓ અટકાવવા, કન્યાઓને કેળવણી આપવા, બાળલગ્નો અને તેની સાથે સંભવતાં કજોડાંઓ અટકાવવા, કન્યાઓને કેળવણી આપવા, વહેમ અને અંધશ્રદ્ધાથી મુક્ત થવા, લગ્ન શ્રાદ્ધ જેવા પ્રસંગોએ જ્ઞાતિભોજનના ઉડાઉ ખરચ ન કરવા, નવજાત બાળકીઓને ‘દૂધ પીતી કરવાનો’ અમાનુષી રિવાજ અટકાવવા, વૈષ્ણવ હવેલીના મહારાજોના મુગ્ધ ભક્ત સ્ત્રીઓ સાથેના ધાર્મિક વ્યવહારોને નામે ચાલતા વ્યભિચારો રોકવા, આળસ છોડી ઉદ્યમ કરવા, જુદાં જુદાં ક્ષેત્રોમાં મંડળીઓ રચી સંગઠનો કરી દેશહિતનાં કામો કરવા અને વિદ્યા અને કેળવણીનો સાર્વત્રિક પ્રસાર કરવા – એમ સર્વ બાજુએથી સુધારો કરવા તેઓ ઠેર ઠેર જાહેરમાં ઉપદેશ આપતા રહ્યા. તે સાથે કવિતા નિબંધ ચરિત્રલેખન પ્રવાસ કથા જેવાં વિભિન્ન સ્વરૂપમાં તેમનાં લખાણોમાં ય તેઓ તેમના સુધારાના વિચારો ગૂંથી લેતા રહ્યા. આ યુગના જાણીતા કવિ દલપતરામ, વિદ્વાન વિવેચક નવલરામ પંડ્યા, ‘કરણઘેલો’ જેવી પ્રથમ ઐતિહાસિક નવલકથાના લેખક નંદશંકર મહેતા, પ્રાર્થના સમાજના અગ્રણી ભોળાનાથ દિવેટિયા અને રંગભૂમિ માટે નાટકો લખનાર રણછોડભાઈ ઉદયરામ જેવા લેખકો ય સુધારાપ્રવૃત્તિમાં સહભાગી બન્યા છે, સક્રિય રીતે કદાચ ઓછા, પણ પોતાની કૃતિઓમાં તેઓ સુધારાના વિચારો ગૂંથી લેતા રહ્યા છે. કવિ દલપતરામની કવિતા એ સમયની સુધારાપ્રવૃત્તિના એકેએક વિચારોને અને પ્રવૃત્તિઓને વર્ણવવા ચાહે છે. એમાં કાવ્યાનુભવ તો અલ્પ જ છે, પણ એ સમયે સુધારાનીક પ્રવૃત્તિ સાથે જન્મેલા વ્યવહારુ બોધ-ઉપદેશનો સર્વગ્રાહી દસ્તાવેજ મળે છે, વળી દલપતરામ નર્મદ દુર્ગારામ કરસનદાસ અને મહીપતરામના નિબંધો લેખો આદિ ગદ્ય લખાણોમાં ય સંસારસુધારાના લગભગ બધા જ પ્રશ્નો સ્પર્શાયા છે. નંદશંકરે ‘કરણઘેલો’ નવલકથામાં, એનો કથાવૃત્તાંત મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસનો હોવા છતાં, સમકાલીન સંસારસુધારાના વાદવિવાદો ગૂંથી લેવાનો ઉત્સાહભર્યો પ્રયત્ન કર્યો છે. રણછોડભાઈનાં સામાજિક નાટકો ય સંસારસુધારાના પ્રશ્નો લઈને રચાયાં છે. પણ આ યુગના સુધારકો અને લેખકોએ સુધારાને લગતો જે કંઈ ઉપદેશ આપ્યો તેમાં ધર્મ સમાજ કે કેળવણી કોઈ પણ ક્ષેત્રના તાત્વિક પ્રશ્નો ઉપસ્થિત કરવાનું કે પૂર્વપશ્ચિમની સંસ્કૃતિના મૂળમાં ઊતરવાનું કોઈ ખાસ વલણ નહોતું. સંસારની સુધારણા અર્થે જે જે વિચાર તેમને ઈષ્ટ લાગ્યો, શાણપણભર્યો લાગ્યો, તેનો વ્યવહારુ અમલ કરાવવામાં તેમનો મુખ્ય રસ રહ્યો. તેમની સુધારાની ચર્ચાવિચારણા, દેખીતી રીતે જ, આચારવિચાર રીતભાત કે સંસ્કારિતાના મુદ્દાની આસપાસ ચાલી છે. એમાં બુદ્ધિગમ્ય વિચારણા પ્રત્યે તેમનો સહજ પક્ષપાત રહ્યો છે. પ્રાચીન હિંદના સમૃદ્ધ વારસાના ઉલ્લેખો કે તેનું ગૌરવગાન પ્રસંગેપ્રસંગે આ સુધારકોનાં લખાણોમાં ય જડી આવશે. પણ સંસારસુધારાની દૃષ્ટિએ પ્રાચીન આદર્શો અને મૂલ્યોની ઉપયોગિતાનો વિચાર કરવાનું કોઈ ખાસ વલણ દેખાતું નથી. અલબત્ત, એમાં ઝાઝું આશ્ચર્ય કરવા જેવું ય નથી. પહેલી પેઢીના ઘણા એક સુધારકો તો પ્રાથમિક કે માધ્યમિક શાળાના શિક્ષકો હતા. મુંબઈ યુનિવર્સિટીની ઉચ્ચ શિક્ષણનો તેમને કોઈ લાભ મળ્યો નહોતો. શિક્ષિત સાથીઓના સંપર્કથી અને વધુ તો નિષ્ઠા અને ખંતભરી સ્વાધ્યાયપ્રવૃત્તિથી પશ્ચિમના અમુક સાહિત્યનો તેમ કેટલીક વિચારણાઓનો ઓછોવત્તો પરિચય તેમણે કેળવી લીધો દેખાય છે. વિદ્યાઓના સાર્વત્રિક પ્રસાર દ્વારા આ દેશમાં સુધારો થઈ શકાશે એવી તેમની સૌની દૃઢ પ્રતીતિ રહી છે. કવિતા નવલકથા નાટક ચરિત્ર આદિ સ્વરૂપોના ખેડાણ સાથે મધ્યકાલીન કૃતિઓનાં સંશોધન સંપાદન, પિંગળ, કોશ, ઇતિહાસ આદિ વિષયોની પ્રવૃત્તિઓ પણ આવા ઉદ્દેશથી એકસાથે આરંભાઈ છે. જોકે પાશ્ચાત્ય કેળવણીના પ્રચાર સાથે જન્મેલા સંક્ષોભ અને સંચલનાઓને લક્ષતી વિચારણાઓ સીધેસીધી અને સર્વગ્રાહી રૂપે તો નિબંધ સ્વરૂપમાં જ ઝીલાઈ છે. ગુજરાતીમાં નવજાગરણની પ્રક્રિયાનો અને તેના વિશેષદ પરિમાણનો વિચાર કરીએ ત્યારે ‘સાક્ષરયુગ’ (ઈ.સ. ૧૮૮૮થી ઈ.સ. ૧૯૧૫) ના ગાળાના ગુજરાતી સર્જકો અને સાક્ષરોની લેખનપ્રવૃત્તિ એટલી જ બલકે વધુ ધ્યાનાર્હ છે. સાક્ષરમૂર્તિ ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ નભુબાઈ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા, મનઃસુખરામ ત્રિપાઠી, કેશવલાલ હ. ધ્રુવ, મણિશંકર રત્નજી ભટ્ટ (કવિ કાન્ત), સુરસિંહજી ગોહિલ, (કવિ કલાપી), બળવંતરાય ઠાકોર, ન્હાનાલાલ, આનંદશંકર ધ્રુવ, આદિ અનેક પ્રતિભાસંપન્ન સર્જકો-ચિંતકોની મહાન પેઢી આ સમયગાળામાં લેખનપ્રવૃત્તિ કરે છે. એ પૈકી રમણભાઈ, નરસિંહરાવ, બળવંતરાય, ન્હાનાલાલ અને આનંદશંકરની સાહિત્યપ્રવૃત્તિ આ સદીમાં ગાંધીયુગના આરંભ પછીયે જારી રહી છે, પણ તેમની મનોઘટના અને તેમનાં વિચારવલણો વધુ તો સાક્ષર પેઢી સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે આ પેઢીના સાક્ષરો અને સાહિત્યકારો મુખ્યત્વે મુંબઈ યુનિવર્સિટીની સરજત છે. યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લઈને બહાર આવેલી એ પહેલી પેઢીની સર્જનચિંતનની પ્રવૃત્તિ ઈ.સ. ૧૮૮૧ની આસપાસનાં સમૃદ્ધ ફાળો આપવા માંડે છે. પશ્ચિમનાં સાહિત્ય અને વિવિધ વિદ્યાદઓનો ઊંડો તત્ત્વગ્રાહી અભ્યાસ કરવાની તેમને તક મળી છે તો સાથે સાથે સંસ્કૃત સાહિત્ય અને તેની પ્રાચીન વિદ્યાઓને નવી દૃષ્ટિએ સમજવાનો તેમને અવકાશ મળ્યો. સહજ જ પૂર્વપશ્ચિમની સંસ્કૃતિઓના તુલનાત્મક અધ્યયનની ભૂમિકા તેમને મળી. તેમની રસદૃષ્ટિ ઘણી સૂક્ષ્મ ઉદાર અને ઉજ્જવલ બની તો તેમની વિદ્વતા વધુ પર્યેષક દૃષ્ટિની અને વધુ તત્ત્વગ્રાહી બની. આ બીજા તબક્કામાં સાહિત્યસર્જનની પ્રવૃત્તિ અને દિશામાં પાંગરતી રહી. ગોર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ (ભાગ. ૧-૪) નરસિંહરાવની પાશ્ચાત્ય ઢબની ઊર્મિકવિતા, મણિલાલનું ઊંચી કોટિનું શિષ્ટ નાટક ‘કાન્તા’, કવિ કાન્તનાં કરુણરસનાં વિશિષ્ટ આકારના ખંડકાવ્યો, રમણભાઈની હાસ્યપ્રધાન કથા ‘ભદ્રંભદ્ર’, કલાપીનાં ઊર્મિકાવ્યો, બ.ક. ઠાકોરનાં સૉનેટો, અને ન્હાનાલાલનાં ‘રસ’ સંજ્ઞાથી ઓળખાવાયેલાં ઊર્મિકાવ્યો વગેરે કૃતિઓ માત્ર નિર્દેશ પૂરતી અહીં નોંધી છે. સંસ્કૃત અલંકારશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચનમાંથી ઇષ્ટ અંશ લઈ નવા સાહિત્યને અનુરૂપ નવા કાવ્યશાસ્ત્રની રચના કરવાના ય કેટલાક મહત્ત્વના પ્રયત્નો થયા. નર્મદયુગનાં કાવ્યનાટકાદિની તુલનામાં આ યુગનું સાહિત્ય વધુ સત્ત્વસમૃદ્ધ અને વધુ રસલક્ષી બન્યું છે. ગહન જીવનચિંતન, રંગરાગી સંવેદના અને વિશાળ ભવ્ય કલ્પનાના યોગે આ સાહિત્ય અવનવી ઊંચાઈઓ સિદ્ધ કરે છે. પણ આ સાક્ષરોમાં અનેકની ચિંતન પ્રવૃત્તિ અહીં આપણે માટે કંઈક વધુ પ્રસ્તુત છે. આ ગાળામાં જ સંસારસુધારાના વિચારોની ગહન તત્ત્વગ્રાહી તપાસ આરંભાય છે. ધર્મ સમાજ નીતિ કેળવણી આદિ વિષયોમાં પૂર્વપશ્ચિમની વિચારણાઓનું સંશોધન-વિશોધન આરંભાય છે. પ્રાચીન વેદઉપનિષદો અને ગીતાનું રહસ્યદર્શન, રામાયણમહાભારત જેવાં મહાકાવ્યો અને પુરાણોનું અર્થઘટન, સમાજશાસ્ત્રીઓ અને આચાર્યોની ધર્મવિચારણા અને સ્મૃતિઓનું અર્થઘટન અને સંસ્કૃતિ સાહિત્યકૃતિઓનું રસગ્રહણ – એ સર્વ પ્રવૃત્તિઓ વધુ તો પ્રાચીન ભારતીય સંસ્કૃતિની યથાર્થ ઓળખ અર્થે આરંભાય છે. ગોવર્ધનરામે વેદાંતમાંથી રચેલું લક્ષ્યાલક્ષ્ય દર્શન, શંકરાચાર્યના અદ્વૈતદર્શન પર આધારિત મણિલાલ આનંદશંકર મનઃસુખરામ આદિની ધર્મ અને નીતિપરક વિચારણા, રમણભાઈ અને નરસિંહરાવની પ્રાર્થનાસમાજની વિચારધારાથી પ્રેરિત ધર્મનીતિની ચર્ચા, એમ આ યુગના સાક્ષરો પોતપોતાની તાત્ત્વિક ભૂમિકા સ્થાપીને ધર્મ નીતિ સમાજરચના આદિની ચર્ચાવિચારણા વિકસાવવાનો પ્રશસ્ય પુરુષાર્થ આદરે છે. સંસારસુધારાની સમગ્ર પ્રવૃત્તિ અર્થે સાચો અને ટકાઉ આધાર કયા દર્શનમાં મળી શકે એમાટે મહાન ખોજ આ સાથે આરંભાઈ છે. ‘સુધારો’ પોતે શું છે, એનું પ્રેરક ઉદ્‌ભાવક બળ કયું, અને ધર્મ કે આધ્યાત્મબોધ સાથે તેને ખરેખર કોઈ સંબંધ છે, અને એવો કોઈ સંબંધ હોય તો તેમાં નિર્ધારક તત્ત્વ કયું, એવા એવા સાદા બુનિયાદી પ્રશ્નોની તાત્ત્વિક તપાસ હવે આરંભાઈ છે. સંસારસુધારો એ સાથે વ્યવહારની ભૂમિકાએથી ઊંચકાઈને તાત્ત્વિક તપાસના ક્ષેત્રમાં પ્રવેશે છે. પણ રસપ્રદ મુદ્દો એ છે કે સાક્ષરોની દાર્શનિક દૃષ્ટિમાં ફેર છે. એટલે મણિલાલ, આનંદશંકર ધ્રુવ આદિ ચિંતકો પોતપોતાની રીતે અદ્વૈતવાદની ભૂમિકાએથી હિંદુ ધર્મ અને સંસ્કૃતિનું વિશુદ્ધ રૂપ સ્પષ્ટ કરી સુધારાના પ્રશ્નો ચર્ચે છે, તો રમણભાઈ અને નરસિંહરાવ પ્રાર્થનાસમાજની વિચારણામાંથી પ્રેરણા લઈ સુધારાની તત્ત્વચર્ચા કરે છે. પણ એ વિશે પછીથી કંઈક વિગતે ચર્ચા હાથ ધરીશું.

આરંભની ચર્ચામાં એક પ્રસંગે આપણે એમ નિર્દેશ કર્યો છે કે ભારતીય નવજાગરણની પ્રક્રિયામાં ધર્મશોધન અને સમાજસુધારાને લગતી જે વિચારણા વિકસતી ગઈ તેમાં એક રાષ્ટ્ર તરીકે ભારતની અસ્મિતા અને એકતાનો બોધ જુદી જુદી રીતે પ્રગટતો રહ્યો છે. આધુનિક સમયમાં યુરોપના દેશોમાં ‘રાષ્ટ્ર’(Nation)ની જે વિભાવના ઊપસી છે તે આ ભારતીય અસ્મિતાના બોધમાં પ્રેરણારૂપ રહી હોવાનું સમજાય છે. પણ યુરોપીય રાજકારણમાં આધુનિક રાષ્ટ્ર-રાજ્યનો જે ખ્યાલ ઊપસ્યો છે તે ધ્યાનમાં લેતાં ભારતના દીર્ઘ ઇતિહાસમાં અગાઉ એવું કોઈ રાષ્ટ્રરાજ્ય અસ્તિત્વમાં હતું કે કેમ એવો પ્રશ્ન રહે છે એ તો દેખીતું છે કે આ દેશના સંતો કવિઓ ચિંતકો દ્વારા વિશાળ હિંદના એૈક્યનો ખ્યાલ જે રીતે રજૂ થતો રહ્યો છે તે ખરેખર તો આપણા દેશની મૂળભૂત સાંસ્કૃતિક એકતાને અનુલક્ષે છે. નવજાગરણ કાળમાં ભારતની રાષ્ટ્રીય અસ્મિતા ક્રમશઃ રાષ્ટ્રરાજ્યના ખ્યાલમાં પરિણમતી દેખાય છે. વિધિની વક્રતા કહો કે ઇતિહાસની વક્રતા કહો, એવા કોઈ રાષ્ટ્ર રાજ્યનો ખ્યાલ અંગ્રેજી શાસન નીચે ઉદ્‌ભવ્યો અને વિકસ્યો છે. ભારતીય સ્વાતંત્ર્યની દીર્ઘ લડત તેનું અનિવાર્ય પરિણામ છે. એ લડત આરંભાઈ તે પૂર્વે અને તે પછીય બ્રિટીશ શાસકો પ્રત્યે શિક્ષિત હિંદીઓએ અને હિંદના અગ્રણી નેતાઓએ જુદું જુદું વલણ લીધું છે, અને સ્વશાસન માટે સમગ્ર હિંદની પ્રજાને કેવી રીતે કેળવવી તે અંગેય જુદી જુદી સમજ પ્રગટ કરી છે. ભારતના પુનરુત્થાન અર્થે રાજકીય સ્વાતંત્ર્ય પહેલું કે એવા સ્વાતંત્ર્ય અર્થે પ્રજાની કેળવણી પહેલી એવો ગહનગંભીર પ્રશ્ન આપણે ત્યાં ચર્ચાયો છે. એટલે પુનર્જાગરણકાળમાં રાષ્ટ્રીય અસ્મિતાનું ભાન અને બ્રિટીશ શાસન પરત્વેનું વલણ એ બાબતો ય આપણા ધાર્મિક સામાજિક પ્રશ્નોના ચિંતનમાં અમુક અંશે પ્રગટપણે તો અમુક અંશે પ્રચ્છન્નપણે નિર્ણાયક બનતી દેખાય છે. ગુજરાતમાં નવજાગરણના આરંભકાળની રાજકીય પરિસ્થિતિ કોઈ રીતે સારી નહોતી. ઈસ્ટ ઈંડિયા કંપનીએ ઈ.સ. ૧૮૧૮માં ગુજરાતના અનેક વિસ્તારો મરાઠા શાસકો પાસેથી હસ્તગત કર્યા એ સમયે એ વિસ્તારોમાં શાસનની અંધાધૂંધી હતી. પૂર્વ અને ઉત્તર સરહદો પર પીંઢારાઓ અને ઠગોની ભારે લૂંટફાટ હતી. કાયદો અને વ્યવસ્થા તૂટી પડ્યાં હતાં. એવા કપરા સમયમાં ઈસ્ટ ઈંડિયા કંપનીના શાસન નીચે પ્રજાને જે શાંતિ સુરક્ષિતતા અને વ્યવસ્થાનો અનુભવ થવા લાગ્યો તેથી એ પરદેશી શાસન પરત્વે ય અહોભાવ જન્મ્યો હોય એ સમજવાનું મુશ્કેલ નથી. પણ સાથે એ ય સ્વીકારવું જોઈએ કે ગુજરાતી પ્રજા સ્વયં વેરવિખેર હતી. આમ પણ વર્તમાન ગુજરાતના વિસ્તારમાં નાનાંમોટાં અસંખ્ય દેશી રાજ્યો અસ્તિત્વમાં હતાં. અને દેશી રાજ્યોની પ્રજા પોતપોતાના રાજવીઓ તરફ પોતાની વફાદારી પ્રગટ કરતી હતી. સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ જોઈએ તો ભારતના બીજા કોઈ પણ રાજ્ય કરતાં અહીં ન્યાતજાતની સંખ્યા મોટી રહી છે. એવા સંજોગોમાં ગુજરાતી પ્રજાની સાચી અસ્મિતા પણ નવજાગરણમાં જ વિકસી શકી એમ કહેવું જોઈએ. નવજાગરણના બે અગ્રણી કવિઓ કવિ દલપતરામ અને કવિ નર્મદ બંનેના અંગ્રેજી શાસકો પ્રત્યેના વલણમાં કેટલોક ફેર છે. દલપતરામ પ્રકૃતિએ જ શાંત ઠરેલ અને વ્યવહારુ વૃત્તિન હતા. કેટલીક રચનાઓમાં તેમણે પ્રગટપણે રાજભક્તિનું ગાન કર્યું છે. ખાસ તો મહારાણી વિક્ટોરિયાએ ‘ક્યસરે હિંદ’નો મોભો ધારણ કર્યો ત્યારે તેમણે તેમની પ્રશસ્તિ રચી હતી. ‘હિંદ ઉપર ઉપકાર વિશે’ શીર્ષકની બીજી એક રચનામાં તત્કાલીન ગુજરાતમાં વ્યાપી રહેલા જુલ્મો અત્યાચારો અને અરાજકતાઓનું જે ઘેરું ઉત્કટ ચિત્ર રજુ કર્યું છે તે જોતાં ઈસ્ટ ઈંડિયા કંપનીના શાસનને આવકારવાનું તેમનું વલણ સમજાય તેવું છે. અલબત્ત, બીજી અનેક રચનાઓમાં તેમની સ્વદેશપ્રીતિ અને દેશહિતની ચિંતા પ્રગટ થઈ છે. હિંદના લોકો સંપથી જીવે, કુરિવાજોથી મુક્ત થઈ, ન્યાતજાતના ભેદભાવો ભૂલી ઉદ્યમ કરે, સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભ ભાવના તેઓ ફરીફરીને રજૂ કરે છે. ‘હુન્નરખાનની ચઢાઈ’ શીર્ષકની રૂપકગ્રંથિરૂપ રચનામાં હિંદમાં નવાનવા હુન્નરો દાખલ થાય અને સમૃદ્ધિ ભાવિ રચાય એવી ભાવના ગૂંથી અંગ્રેજી શાસનની સાથે શાળા પુસ્તકાલયો આદિ વિદ્યાનાં સાધનો ઉપલબ્ધ બન્યાં તે સર્વ સાધનોને પોતાની રચનાઓમાં ઉમળકાભેર બિરદાવતા રહ્યા છે. ક્યારેક અંગ્રેજી શાસનના દોષો ય તેમણે દર્શાવ્યા છે, પણ વાસ્તવમાં બ્રિટીશ શાસનમાં તેમની ઊંડી આસ્થા રહી છે. બ્રિટીશ શાસન પ્રત્યે કવિ નર્મદનું વલણ કંઈક સંદિગ્ધ રહી જતું લાગે છે. અંગ્રેજ પ્રજાજનો પરત્વે તે સમભાવ પ્રગટ કરતો ય દેખાશે, અને તેમના શાસન સાથે આપણા દેશમાં નવજાગૃતિનો પ્રકાશ ફેલાયો એ વાતનો તે સ્વીકાર કરતો ય જણાશે. પણ તેની ઐતિહાસિક અભિજ્ઞતા વધુ તીવ્ર હતી. તત્કાલની રાજકીય વાસ્તવિકતાને વધુ યથાર્થ રૂપમાં તે ગ્રહણ કરી શક્યો છે. ગુજરાતીમાં ‘દેશાભિમાન’ શબ્દ તેણે પહેલીવાર પ્રચારમાં આણ્યો હતો. કુળનું હિત, જ્ઞાતિનું હિત, પોતાના નગરનું હિત એમ નવા વર્તુળોને ક્રમશઃ ઓળંગી જઈ આખા દેશના હિતનો વિચાર શરૂ કરીએ અને એવા દેશહિતને માટે જરૂરી સાધનો સંસ્થાઓ આદિનો વિચાર કરીએ ત્યારે જ સાચા અર્થમાં દેશાભિમાન જન્મે છે. નર્મદે રાજકીય સ્વતંત્રતાનું સ્વપ્ન જોયું છે પણ તેનાં લખાણોનો એક પ્રબળ સ્વર એ છે કે રાજકીય સ્વાતંત્ર્ય એ ઘણી મોંઘેરી વસ્તુ છે એ પ્રાપ્ત કરવાને પ્રજા સર્વ બંધનોમાંથી મુક્ત થવી જોઈએ. અંગ્રેજ પ્રજાએ વ્યક્તિસ્વાતંત્ર્ય, આત્મસન્માન, પ્રતાપીપણું, સમાનતા અને ન્યાયભાવના પોતાના જીવનમાં ઉતારી હતી, એ સદ્‌ગુણો આપણા દેશબાંધવો ય કેળવે એમ તે ઝંખતો હતો. વ્યક્તિસ્વાતંત્ર્યનો તો તેણે ભારે મહિમા કર્યો છે, જો કે સ્વાતંત્ર્ય તે નરી મનસ્વિતા નહિ, વિવેકબુદ્ધિનો તેમાં યોગ હોય એમ પણ તે ઇચ્છે છે. સીતામાતા જે રીતે અગ્નિકસોટીમાંથી પસાર થયા અને પોતાના વિશુદ્ધ શીલની પ્રતીતિ કરાવી, તેમ જુલ્મોના અગ્નિમાંથી દીપ્તિમંત બની આવેલી સ્વતંત્રતા પણ ‘વિવેકપૂર્ણ મરજીશક્તિ’– a will-power with a sound judgeme –થી જોડાયેલી હોય એ જરૂરી છે. પ્રાચીન સમયમાં આ દેશમાં વિદ્યા, કળા, હુન્નર, ધર્મ, સમાજ આદિ દરેક ક્ષેત્રમાં મહાન પ્રતિભાઓ કાર્યરત થઈ હતી. પણ આજે એ દેશ બધી રીતે અવનતિ પામ્યો છે. એમ તે વ્યથિત હૈયે કહે છે. બ્રિટીશ શાસન દ્વારા ભારતનું જે રીતે આર્થિક શોષણ થઈ રહ્યું હતું, અને તેમની રાજનીતિમાં જે કુટિલ વ્યવહારો ચાલતા હતા તેથી તે વિશેષ ખિન્ન બન્યો હ તો. પણ એ સમયની આખી ય ઐતિહાસિક રાજકીય પરિસ્થિતિનો તેણે પોતાની રીતે અંદાજ બાંધી લીધો હશે, એટલે રાષ્ટ્રીય મુક્તિ અર્થે તે વિનીત માર્ગે જવાનું સૂચવે છે. રાજકીય મુક્તિ પહેલાં વ્યાપક સર્વગ્રાહી પ્રજાકીય સુધારાઓની તેને અનિવાર્યતા વરતાય છે. ‘દેશાભિમાન’ શીર્ષકની રચનામાં તેનું લાક્ષણિક દૃષ્ટિબિંદુ આ રીતે રજૂ થયું છેઃ

નિજ દેશનું અભિમાન તે શૂં,
નિજ સ્વતંત્રતા થશે તે શૂં,
એને જાણી ઉદ્યમી થાઓ ખંતે,
જુદ્ધે થયે નક્કી જય અંતે.
મૂકી સંતોષ રહો ઊંચી આશે,
નડતાં બંધન કાપો રોષે
એ જ ઇચ્છતો નર્મદ હોંસે.

સાક્ષરયુગના મહાન સાક્ષર અને સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીને ભારતમાં અંગ્રેજોનું આગમન વિધાતાની મહાન યોજનાના ભાગરૂપ પ્રતીત થયું છે. અંગ્રેજોના સંપર્કે જ, અવનતિ પામેલી આપણી પ્રજાનું પુનરુત્થાન થાય એવો કોઈ વિધાતાનો આશય તેઓ એ ઘટનામાં વાંચે છે. નવજાગરણ સમયના આપણા દેશના ધાર્મિક સામાજિક આદિ સર્વક્ષેત્રીય પ્રશ્નો વિશેના પોતાના ચિંતનને રજૂ કરવા તેમણે ‘સરસ્વતીચંદ્ર’ જેવી બૃહત્‌ નવલકથા રચી છે. એમાંનાં અન્ય પાસાંઓને બાજુએ રાખી તેમની રાષ્ટ્રભાવનાનો જ અહીં નિર્દેશ કરીશું. એ સંદર્ભે ત્રીજાચોથા ભાગમાં જુદા જુદા શિક્ષિત પાત્રોની વિવાદવિચારણાઓ અને નાયકનાયિકા સરસ્વતીચંદ્ર અને કુમુદના સિદ્ધલોકનાં દર્શનો વગેરે લક્ષમાં લેતાં એવા કોઈ તારણ પર આવવાનું રહે કે બ્રિટીશ શાસનને હઠાવી ભારતમાં એક પૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર રચવાનો ખ્યાલ તેમને ખાસ સ્પર્શી શક્યો નથી. એ ખરું કે એકાદ બે સંદર્ભે સુખસમૃદ્ધિથી ભરપૂર દેશવાસીઓનું આછેરું સ્વપ્ન જગત તેમણે આલેખ્યું છે, અને બીજા એક સંદર્ભે જગતની જુદી જુદી પ્રજાઓ ઐક્ય ઝંખતી હોય એવું ભાવિદર્શન પણ મૂક્યું છે. છતાં રાષ્ટ્રના પુનરુત્થાન અર્થે બ્રિટીશ શાસનથી મુક્ત થવાના વિચારો એમાં કાસ સમર્થન પામ્યા નથી. યુરોપમાં એ સમયે રાષ્ટ્રવાદીક પરિબળો વચ્ચેના ઉગ્ર સંઘર્ષોને કારણે કદાચ ભારતના ભાવિ રાષ્ટ્રની કલ્પના તેમને ચિંત્ય જણાઈ હોય. ગમે તેમ ગોવર્ધનરામને અંગ્રેજી શાસનમાં આસ્થા રહી છે. ભારતીય પ્રજાના કલ્યાણકાર્યમાં અંગ્રેજ શાસકો અને આપણા દેશના વિદ્યાપુરુષો જ સૌથી મોટું પ્રદાન કરી શકશે એમ તેઓ માનતા હતા. નવલકથાના ચોથા ભાગમાં વિવિધ ક્ષેત્રના વિદ્વાનો માટે કલ્યાણગ્રામની જે યોજના તેમણે રજૂ કરી છે તેની પાછળ સાક્ષરધર્મમાં રહેલી તેમની ઊંડી શ્રદ્ધા પ્રગટ થાય છે. હકીકતમાં દેશહિતની તેમની વિચારણામાં વ્યક્તિ અને સમાજના નૈતિક આધ્યાત્મિક ઉત્કર્ષ પર તેમની દૃષ્ટિ મંડાયેલી છે. નોંધવા જેવું છે એ છે કે આ નવલકથાના ચારેય ભાગો રાષ્ટ્રીય મહાસભાના જન્મ પછી લખાયા છે, પણ એ મહાસભાની વિચારણાઓ – ખાસ તો રાષ્ટ્રીય મુક્તિના માર્ગો અંગેના દૃષ્ટિભેદો અહીં પ્રતિબિંબિત થયા નથી. આ સમયના બીજા પ્રસિદ્ધ સાક્ષર મણિલાલ દ્વિવેદી મુખ્યત્વે ધર્મચિંતક રહ્યા છે. પરંપરાગત અદ્વૈતવિચારમાં ‘પ્રેમતત્ત્વ’ ઉમેરી તેઓ પોતાના તત્ત્વવિચારને વિકસાવવા ચાહે છે. તેમના ચિંતનનો ઝોક સહજ જ પ્રાચીન આર્યધર્મ તરફ રહ્યો છે. ધર્મ, નીતિ, રાજ્ય, શિક્ષણ, અને સાહિત્ય વિશે તેમણે જે ગહનસૂક્ષ્મ ચર્ચા કરી તેમાં તેમને અભિમત ‘અભેદદૃષ્ટિ’ જ સર્વત્ર પ્રેરક અને નિયામક રહી છે. તેમની રાષ્ટ્રભાવના વસ્તુતઃ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પર નિર્ભર છે. તેમના મતે સમસ્ત પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જીવનવ્યવસ્થા વ્યક્તિના ‘અહંભાવ’ કે ‘વ્યક્તિવાદ’ પર આધારિત છે. ત્યાંના રાષ્ટ્રનિર્માણમાં ય ‘વ્યક્તિવાદ’નું સમર્થન છે. આ વ્યક્તિવાદના સ્વીકારથી જ પશ્ચિમના રાજકારણમાં તેમ સમાજકારણમાં સર્વત્ર મુશ્કેલીઓ ઊભી થઈ છે. તેમના મતે ‘આ દેશની ઉન્નતિ કોઈ પણ દિવસે થવાની હોય તો તે આખા દેશના અંતઃકરણનું ઐક્ય થયા વિના થવાની નથી. અને તેવું ઐક્ય ધર્મભાવનાની ઉન્નતિ વિના આવવાનું નથી.’ પોતાના સમયમાં રાજકીય સુધારો પહેલો કે સાંસારિક સુધારો પહેલો એવો જે વિવાદ ઊઠ્યો હતો તેનું નિરાકરણ કરવાના પ્રયત્નમાં તેઓ ‘ધર્મજ્ઞાન’ને જ અંતિમ કસોટીરૂપે સ્વીકારે છે. અંતે ‘સુધારા’ માત્રનું મૂળ તત્ત્વ તે સર્વ સ્તરે સધાતું ઐક્ય – મન વિચાર લાગણી અને કર્તવ્યનું ઐક્ય – એવા સિદ્ધાંત પર તેઓ આવી ઠરે છે. આ યુગમાં રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા, આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર, ઉત્તમલાલ ત્રિવેદી આદિ અનેક ચિંતકોએ ધર્મશોધ અને સુધારાઓ અંગે ચિંતન આરંભ્યું છે. રાષ્ટ્રભાવનાનો મુદ્દો, અલબત્ત, એ દરેકમાં કંઈક જુદી રીતે ઉપસ્યો છે, પણ અહીં આપણે એ ચર્ચાઓમાં આગળ જતા નથી, સ્થળની મર્યાદા છે.

પુનર્જાગરણના સમયમાં ગુજરાતમાં ધર્મચિંતન અને સંસાર સુધારાને લગતી જે વિશાળ પ્રવૃત્તિ ચાલી, અને તેની સાતે ચિંતન અને સર્જનના સાહિત્યમાં પુનર્જાગરણની ચેતના જે રીતે વ્યક્તિ થઈ તેના સમગ્રલક્ષી પરિચયને પણ અહીં અવકાશ નથી. એટલે માત્ર એનાં મુખ્ય વિચારવલણોનો તેમ તેની ગતિવિધિઓનો ટૂંકમાં નિર્દેશ કરીશું. આ સંદર્ભે અહીં આપણે એ વાત ભારપૂર્વક નોંધવાની રહે છે કે ગુજરાતમાં ધર્મનું શોધનચિંતન અને સંસારસુધારાની વિચારણા ઘણુંખરું સાથોસાથ ચાલી છે, અને તેની પ્રેરણા વધુ તો રાષ્ટ્રવ્યાપી આંદોલનોમાંથી મળતી રહી છે. અલબત્ત, એનો નિકટવર્તી પ્રેરણાસ્રોત મુંબઈ જેવું મેટ્રોપોલિટન શહેર રહ્યું છે. આ ગાળામાં બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં જે કંઈ વૈચારિક આંદોલનો શરૂ થયાં તે ઘણુંખરું મુંબઈની સંસ્થાઓમાં કોઈને કોઈ રીતે ઝીલાતાં રહ્યાં, અને ગુજરાતના સંનિષ્ઠ સુધારકો અને ચિંતકો મુંબઈમાંથી પ્રેરણા લેતા રહ્યા. બલકે મુંબઈમાં વસતા ગુજરાતી નવશિક્ષિતોએ આવાં આંદોલનો ગુજરાત સુધી વિસ્તાર્યાં છે. પણ બંગાળ મહારાષ્ટ્ર કરતાં અહીં ધાર્મિક સામજિક સુધારણાના મુદ્દાઓ ક્યાંય જુદા પડતા જણાશે. એ માટે અહીંની ધર્મસંસ્થાઓ અને સામાજિક માળખાનો ફેર કારણભૂત છે. નોંધવા જેવું છે કે એ સમયે તળ ગુજરાતમાં તેમ સૌરાષ્ટ્રકચ્છમાં ખાસ્સો મોટો વિસ્તાર દેશી રાજ્યોનો હતો. એ પૈકી વડોદરાનું ગાયકવાડી રાજ્ય, ભાવનગર રાજ્ય કે બીજાં એક બે રાજ્યો પ્રજાભિમુખ વહીવટ કરતાં હતાં, અને પ્રજાના વિકાસનાં કાર્યો હાથ ધરતાં હતાં. પણ એ સિવાય બીજાં અનેક નાનાંમોટાં રાજ્યોમાં પરિસ્થિતિ ઘણી રીતે બંધિયાર હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં, ભારતના અન્ય કોઇ પણ પ્રાતમાં ન હોય તેટલી વિભિન્ન જાતિઓ અને અસંખ્ય જ્ઞાતિ-પેટાજ્ઞાતિઓ વસતી હતી. એટલે સામાજિક ધાર્મિક સુધારણાનું કામ અતિ વિકટ હતું. ગઈ સદીના ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાય, જૈન સંપ્રદાય, સ્વામીનારાયણ સંપ્રદાય ઉપરાંત શૈવ માર્ગ અને નાનાનાના બીજા અનેક પંથો પ્રચારમાં હતા. એ પૈકી સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓએ કેટલીક સુધારપ્રવૃત્તિ આદરી હતી. પણ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજો ભારે વિલાસી અને લંપટ બની ચૂક્યા હતા. પ્રસિદ્ધ સુધારક કરસનદાસ મૂળજી સામે વૈષ્ણવ મહારાજ જદુનાથજીએ બદનક્ષી માટે માંડેલો કેસ ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે ગુજરાતના સમાજસુધારાના ઇતિહાસમાં અત્યંત પ્રસિદ્ધ છે. કરસનદાસે ઈ.સ. ૧૮૬૦ના ઓક્ટોબરની ૨૧મી તારીખના ‘સત્યપ્રકાશ’ નામના પત્રમાં ‘હિંદુઓનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ નામે લેખ લખ્યો, એમાં વૈષ્ણવ મહારાજોના મુગ્ધ ભક્તસ્ત્રીઓ સાથેના લંપટ વ્યવહારોને ખુલ્લા પાડવામાં આવ્યા. એ લખાણ સામે જદુનાથજી મહારાજે સુપ્રિમ કોર્ટમાં રૂપિયા ૫૦,૦૦૦નો બદનક્ષીનો દાવો માંડ્યો, પણ આખરે કરસનદાસ નિર્દોષ ઠર્યા. ધર્મના નામે ચાલતા પાખંડો અને પાપલીલાઓ સમે એ મોટો પ્રતિકાર હતો. પાશ્ચાત્ય શાસકો અને ધર્મપાદરીઓએ હિંદુ ધર્મના બહુદેવવાદ બહુસંપ્રદાયવાદ અને તેમાં પ્રવેશેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાની કઠોર ટીકા કરી ત્યારે ધર્મના વિશુદ્ધ ઉજ્જવલરૂપની શોધ આરંભાઈ. બંગાળમાં રાજા રામમોહનરાયના ‘બ્રહ્મોસમાજ’ની પાચળ એવી શોધવૃત્તિ જ હતી. આખા દેશની ધર્મવિચારણા એથી પ્રભાવિત થઈ. સુરતમાં ઈ.સ. ૧૮૪૪માં દુર્ગારામ, દાદોબા આદિ સુધારકોએ ‘માનવધર્મસભા’ નામે સંસ્થા સ્થાપી. ‘માનવધર્મ’ શબ્દ સૂચવે છે તેમ આ ચિંતકો માનવીના માનવ્યને પોષે તેવો ધર્મ ચલાવવા ઇચ્છતા હતા. તેમનો ઉપદેશ હતોઃ માનવમાત્ર પ્રત્યે પ્રીતિ રાખો, સર્વધર્મના સાક્ષી બનીને વર્તો, જ્ઞાતિભેદ દૂર કરો, મૂર્તિપૂજા બંધ કરો, વિધવાને પુનર્લગ્નની તક આપો, સત્પુરુષોનાં કલ્યાણકારી વચનો સાંભળો, વગેરે. આ સર્વવિચારણાના કેન્દ્રમાં એકેશ્વરવાદ હતો : એક ઈશ્વર જે સર્વ શક્તિમાન છે જગતનો નિયંતા છે, ન્યાયબુદ્ધિ ધરાવે છે. અને એ કોઈ અવતારી પુરુષ નથી, પૌરાણિક પાત્ર નથી. બુદ્ધિગમ્ય એવો એ ઈશ્વર છે. કવિ દલપતરામ, આમ તો, સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી રહ્યા છે. પણ તેમની ઈશ્વરવિષયક રચનાઓમાં સાંપ્રદાયિકતાનું તત્ત્વ નહિવત્‌ છે. તેઓ એ રચનાઓમાં વિશુદ્ધ ઈશ્વરપ્રીતિનું અને ઈશ્વરની પ્રીતિ અર્થે શુદ્ધ સદાચારનું ગૌરવ કરતા રહ્યા છે. કેટલીક રચનાઓમાં ઈશ્વર જ સદાચારને માર્ગે જવા અંતરમાં બળ અર્પે છે, તે જ અંતરનાં મલિન પાપો ધૂએ છે, અને તે જ નિરંતર સાચા માર્ગે દોરે છે એવાં શ્રદ્ધાવચનો ઉચ્ચાર્યાં છે. ધર્મચિંતન અને સંસારસુધારાની બાબતમાં કવિ નર્મદનું માનસપરિવર્તન – કહો કે હૃદયપરિવર્તન – ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું એક અતિ રસપ્રદ પ્રકરણ છે. એ આખા ઘટનામાં નર્મદની ઉદ્રેકશીલ પ્રકૃતિ ય અમુક અંશે નિમિત્ત રૂપ ખરી, પણ વધુ તો તેની વિશાળ અધ્યયનપ્રવૃત્તિ જ નિર્ણાયક બની છે એમ કહેવું જોઈએ. તેની જાહેર સુધારક તરીકેની કારકિર્દીના પૂર્વતબક્કામાં ઈ.સ. ૧૮૫૧થી આશરે ઈ.સ. ૧૮૬૮ના ગાળામાં તે ‘ઉચ્છેદક’ બની રહ્યો. ધર્મની જીર્ણ રૂઢિઓ, કુરિવાજો અને પાખંડી કર્મકાંડો સામે તેણે ભારે સંઘર્ષ ચલાવ્યો હતો. સુધારાની પ્રવૃત્તિના આ ગાળામાં થોડાંક વર્ષો તે સંશયવાદી બન્યો હતો ખરો, પણ એ પછી તે નાસ્તિક ક્યારેય બન્યો નહોતો. ‘સાકાર વિશે’(ઈ.સ. ૧૮૬૦) નિબંધમાં ઈશ્વરના સાકાર રૂપની તેણે ચર્ચા કરી છે કે ઈશ્વર મૂળે તો એક અને એકરૂપ પુરુષતત્ત્વ છે, અને માત્ર કલ્પનાથી આપણે તેમાં જુદા જુદા ગુણોનું આરોપણ કર્યું છે. ‘બ્રહ્મતૃષા’(ઈ.સ. ૧૮૬૧) શીર્ષકના બીજા નિબંધમાં ય તે ઈશ્વરના અસ્તિત્વનો ખ્યાલ સ્વીકારે જ છે, પણ ધાર્મિક વ્યવહારને નામે લોકોમાં જે ભયંકર પાખંડ વિલાસ વ્યભિચાર આદિ પ્રચારમાં છે તેની તે કઠોર ટીકા કર છે. પણ ઈ.સ. ૧૮૭૦ની આસપાસમાં નર્મદના સુધારાવાદી માનસમાં પરિવર્તન આવવું શરૂ થયું છે. સાહિત્યના ઇતિહાસકારોએ એ પરિવર્તનનાં કારણો સમજાવવાના પ્રયત્નો કર્યા છે તે સૂચક છે. તેમણે દર્શાવેલું એક કારણ એ કે સાથી સુધારકોનાં દંભી આચરણો અને તેમના મિથ્યાવાદથી તે નિર્ભ્રાન્ત બન્યો હતો, પણ એથી ય કદાચ વધુ મોટાં કારણો એ હતાં કે આ ગાળામાં દેશભરમાં હિંદુ ધર્મના શોધન ચિંતનની અને તેની પુનર્પ્રતિષ્ઠા કરવાની ચળવળો ઝડપથી વેગ પકડી રહી હતી. ‘પ્રાર્થનાસમાજ’ ‘આર્યસમાજ’ અને થિયોસોફીકલ સોસાયટી જેવી સંસ્થાઓનો તેના માનસ પર ચોક્કસ અને ઘેરો પ્રભાવ પડ્યો હતો. અને આ તબક્કે જગતના ઇતિહાસ વિશેનો વિશાળ અભ્યાસપૂર્ણ ગ્રંથ તેને લખ્યો તેમાં તેને એવી દૃષ્ટિ મળી કે દરેક મહાપ્રજાનું ભાવિ તેની અંદરથી સંચલિત થતાં ગૂઢાતિગૂઢ પરિબળોથી ઘડાતું આવે છે, એ કોઈ એક યા બીજા સુધારકની અંગત ઇચ્છા કે ઝંખનાની વસ્તુ રહેતી નથી. ઈ.સ. ૧૮૮૧ની આસપાસમાં પોતાની સુધારાપ્રવૃત્તિનું વિસર્જન કરી તે ‘સનાતન ધર્મ’માં પાછો વળ્યો. ઈ.સ. ૧૮૮૧-૮૭ના ગાળામાં તેણે, અલબત્ત, દેશહિતનું જ ચિંતન કર્યું, પણ તેનો સમગ્ર આધાર પ્રાચીન આર્યધર્મ બની રહ્યો. ‘સુધારા’નો અર્થ જ ખરેખર તો તેણે બદલી નાંખ્યો. આ સમયમાં ધર્મતત્ત્વ સમાજરચના અને નીતિ વિશે ‘સનાતન ધર્મ’ના પ્રકાશમાં તેણે ચિંતન કર્યું. પશ્ચિમનો સુધારો માત્ર પ્રવૃત્તિમય જીવન – રાજસી અને તામસી વૃત્તિથી પ્રેરિત જીવનને લક્ષે છે. એમાં માનવીનો વ્યક્તિગત અહંભાવ કેન્દ્રસ્થાને છે. નર્મદને એમ પ્રતીત થયું કે નીતિ સુધારો શિક્ષણ સર્વપ્રવૃત્તિઓ ‘પ્રાચીન આર્યધર્મ’ પર મંડાયેલી હોવી જોઈએ. હવે, ખરેખર તો, ‘અનંત મહાકાળ’ની તેને ઝાંખી થઈ છે. પોતાના વ્યક્તિત્વનો લોપ કરી તે એ મહાકાળને શરણે જવા માગે છે. નર્મદનો આ પ્રાચીનતાવાદી ઝોક સાક્ષરયુગના મણિલાલ, આનંદશંકર જેવા મહાન ધર્મચિંતકોમાં ય પ્રતીત થાય છે. નર્મદયુગમાં મહીપતરામ, નંદશંકર, નવલરામ આદિ લેખકો-સુધારકો આગવીઆગવી રીતે લેખનકાર્ય કરતાં સુધારાવિષયક વિચારણાઓ કરે છે. તેમાં ઈશ્વરધર્મ-નીતિ જેવા વિષયોની ચર્ચા મહત્ત્વનું સ્થાન લે છે. હિંદુ ધર્મમાં મૂર્તિપૂજા અને કર્મકાંડની સાથે ભળી ગયેલા દોષની તેઓ સૌ ટીકા કરે છે. એ સુધારકોમાં નવલરામ વેદાંતમાર્ગી છે, જ્યારે અન્ય એકેશ્વરવાદી છે. એ સુધારકો ઈશ્વરને આજગતનો સ્રષ્ટા પરમ પાલક ગણાવે છે, અને નીતિ, સદાચારની વિચારણા ઘણુંખરું એવાં ઈશ્વરતત્ત્વને કેન્દ્રમાં રાખીને કરે છે. સાક્ષરયુગ (ઈ.સ. ૧૮૮૮-૧૯૧૫)માં ધર્મના શોધચિંતનની સમગ્ર પ્રવૃત્તિ વિકાસના એક નવા જ તબક્કામાં પ્રવેશતી દેખાય છે. આ યુગના સાક્ષરો સુધારકો જાહેર મંચ પર જઈને કે શેરીઓની સભા વચ્ચે સુધારાઓ વિષયક ભાષણો કરવા કરતાં પોતાના અભ્યાસખંડમાં સુધારાના ચિરસ્થાયી આધારોની તાત્ત્વિક તપાસ આદરે છે. સુધારો પોતે શું છે, તેમાં પ્રેરક ઉદ્‌ભાવક તત્ત્વો ક્યાં છે, અને તેને ધર્મ નીતિ, આદિ સાથે કેવો ગાઢ આંતરિક સંબંધ છે તેની ચર્ચા આરંભે છે. અલબત્ત, આ ગાળામાં પરસ્પરભિન્ન વિચારવલણો વિકસે છે. એક બાજુ દુર્ગારામ, દલપતરામ, પૂર્વતબક્કાનો નર્મદ અને મહીપતરામ જેવા લેખકોમાં જોવા મળતો એકેશ્વરવાદ પ્રાર્થનાસમાજના સિદ્ધાંતોના પ્રકાશમાં વિકસે છે – રમણભાઈ અને નરસિંહરાવમાં એ વિશેષરૂપે દેખા દે છે; આથી ભિન્ન, નર્મદનો પ્રાચીનતાવાદ, ઉપર નોંધ્યું છે તેમ, મણિલાલ આદિમાં વિશાળ સંગીન વિદ્વતાના આધાર પર સંવર્ધન-સંશોધન પામે છે. મણિલાલ અને તેમના કંઈક અનુકાલીન આનંદશંકર ધ્રુવ બંને મહાન ચિંતકો પ્રાચીન અવ્દૈતદર્શનની ભૂમિકાએથી હિંદુધર્મનાં મૂળતત્ત્વોનું શોધન અને ચિંતન ચલાવે છે, મણિલાલે હિંદુધર્મને લગતા જુદા જુદા મહાન ગ્રંથો લખ્યા એમાં ‘સિદ્ધાંતસાર’ અને ‘સુદર્શન ગદ્યાવલિ’ ખાસ ઉલ્લેખનીય છે. એ રીતે આનંદશંકરના ધર્મચિંતનના લેખોનો બૃહ્‌દગ્રંથ ‘આપણો ધર્મ’ આ યુગની મહાન ઉપલબ્ધિ સમો છે. નીતિ સદાચાર કેળવણી સમાજ અને રાજ્યતંત્ર એ સર્વ જીવન વ્યવસ્થા પ્રાચીન ધર્મનાં વિશુદ્ધ તત્ત્વો પર રચાવી જોઈએ, બલકે, ધર્મ જ સર્વ માનવીય પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાને રહેવો જોઈએ એમ તેમણે કહ્યું. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ગોવર્ધનરામે તેમની બૃહદ્‌ નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ વસ્તુતઃ એ યુગમાં પૂર્વપશ્ચિમની સંસ્કૃતિના સંઘર્ષકાળે ઉદ્‌ભવેલા અસંખ્ય પ્રશ્નો વિશે પોતાનું ચિંતન રજૂ કરવા સર્જેલી કૃતિ છે. એ પૈકી પહેલાબીજા ભાગમાં તેમણે ગુજરાતના પ્રજાજીવનનું તેમ મહાનગર મુંબઈના ગુજરાતી સમાજનું યથાર્થલક્ષી ચિત્રણ રજૂ કર્યું છે, જ્યારે ત્રીજાચોથા ભાગમાં તેમને તેમની ઝંખનાનો ભાવનાલોક ખડો કરવાનો પ્રયત્ન કર્યો ચે. પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે સુધારાના પ્રશ્નોની જે રીતે તેમણે રજૂઆત કરી છે, અને જે રીતે નાયકનાયિકાના હૃદયધર્મનું વિશોધન યોજ્યું છે તેમાં તેમને અત્યંત પ્રિય એવા લક્ષ્યાલક્ષ્યદર્શનની સીધી પ્રેરણા રહી છે. એક રીતે પ્રાચીન અદ્વૈતવિચારનું જ, પણ તેમના દ્વારા સંવર્ધિત એવું, એ દર્શન છે. એમાં આધુનિક સમાજવ્યવસ્થાને અનુરૂપ ‘વ્યવહારુ સંન્યાસ’(Practical Asceticism)નો આદર્શ તેણે રજૂ કર્યો છે. તેમના મતે આ લક્ષ્યરૂપ જગત સ્વયં અલક્ષ્યરૂપ ધનુષ્યપણછ પરથી છૂટેલા બાણ સમું છે. એ અલક્ષ્યને પુનઃ પામવામાં એ બાણનો અંતિમ મોક્ષ છે, અંતિમ ગતિ છે. લક્ષ્યરૂપ જગત સ્વયં અલક્ષ્યના પરમ હેતુને અનુરૂપ ક્રિયાશીલ જગત છે. એ દૃષ્ટિએ કર્મ એ લક્ષ્ય જગતમાં મૂળથી રોપાયેલું તત્ત્વ છે. જગતના શ્રેય અર્થે અલક્ષ્યને સમર્પિત કાર્ય કરીને જ સાચો મોક્ષ મળે. ગુજરાતના સુધારાના ઇતિહાસમાં તેમ સાહિત્યના ઇતિહાસમાં આરંભકાળે ‘સુધારાવાદી’ વિ. ‘રૂઢિચુસ્ત’ એવાં જે જૂથભેદો દેખા દીધાં હતાં તે સાક્ષરયુગમાં ય દેખીતી રીતે જારી રહ્યાં. પણ હવે બંને જૂથોનું રૂપાંતર થઈ ચૂક્યું છે. કરસનદાસ, પૂર્વ નર્મદ, દુર્ગારામ આદિ જાહેર સુધારકોના વિચારોમાં જે બૌદ્ધિક દૃષ્ટિબિંદુ હતાં, વિશ્વવ્યવસ્થાનો જે બૌદ્ધિક ખ્યાલ હતો તે સાક્ષરયુગના સુધારકો રમણભાઈ નરસિંહરાવ આદિમાં ય વિસ્તરતો રહ્યો. રમણભાઈના જીવનવિચારમાં હજી ય પાશ્ચાત્ય જીવનવિચાર અને મૂલ્યો તરફ અમુક ઝોક રહ્યો છે, પક્ષવાદ રહ્યો છે. બીજી બાજુ, મણિલાલ, આનંદશંકર આદિ ચિંતકો જે રીતે પ્રાચીન ધર્મનું શોધન કરે છે તેમાં ભારતીય ધર્મદર્શનનું ચઢિયાતાપણું તેઓ પોતપોતાની રીતે દર્શાવે છે. આગલા યુગના રૂઢિચુસ્ત વર્ગની જડતા અને અજ્ઞાન સામે આ પ્રાચીન દર્શનના હિમાયતીઓ સમાજમાં વિશેષ આદરપાત્ર સ્થાન લે છે. પછીથી બંને જૂથની વિચારણાના અનેક ઈષ્ટ અંશો ગાંધીજીની જીવનવિચારણામાં સમન્વિત થતા દેખાય છે.

ગુજરાતીમાં ગઈ સદીના મધ્યભાગમાં સંસારસુધારણા નિમિત્તે વિભિન્ન વિષયોમાં જે કંઈ વિચારણાઓ આરંભાઈ, તેનો ઘણોએક ભાગ તો ચિંતનપ્રધાન નિબંધ કે લેખ રૂપે પ્રગટ થતો રહ્યો. એ સમયગાળામાં આરંભાયેલાં વર્તમાનપત્રો સાપ્તાહિકો અને સામયિકોમાં એ વિચારણાઓનો અમુક અંશ રજૂ થયો છે, તો બીજો અંશ નાનીમોટી પુસ્તિકાઓ અને પત્રિકાઓ રૂપે બહાર આવ્યો છે. કવિ દલપતરામ જેવાએ લાંબા વિસ્તૃત નિબંધો લખ્યા, તો નર્મદ, નવલરામ જેવાએ સંક્ષિપ્ત સુરેખ અને એકાગ્ર શૈલીના નિબંધો આપ્યા. નર્મદનું વ્યક્તિત્વ, અલબત્ત, ઘણું રંગરાગી હતું. કારકિર્દીના પૂર્વ તબક્કામાં તેણે જે ચિંતન રજૂ કર્યું તેમાં લાગણીનું જોમ અને આવેશ પ્રગટ્યા છે. ઉત્તરકાળના ચિંતનમાં આશ્ચર્ય થાય તેવું ઠરેલપણું આવ્યું છે. નવલરામ તો પ્રકૃતિએ જ અતિ સ્વસ્થ પ્રૌઢ અને સ્થિર દૃષ્ટિવાળા ચિંતક હતા. પ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોંધ્યું છે તેમ – ‘શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.’ આમ, નર્મદ યુગમાં વ્યાપક ભૂમિકાએથી ગદ્યનું ખેડાણ આરંભાયું, અને એમાં ચિંતનલક્ષી નિબંધ કેન્દ્રસ્થાને રહ્યો છે. આ તબક્કામાં ખરેખર તો, મહીપતરામની કથાઓ, ‘સાસુવહુની લડાઈ’ અને ‘વનરાજ ચાવડો’ નંદશંકરની ‘કરણઘેલો’ ઉપરાંત બીજી કેટલીક કથાઓ લખાઈ. દલપતરામ, નર્મદ અને નવલરામે ગદ્યમાં નાટક ખેડી જોવાના પ્રયત્નો કર્યા અને રણછોડભાઈ ઉદયરામે રંગભૂમિને અનુકૂળ અનેક નાટકો લખીને પરંપરા ઊભી કરી. કવિતા ઉપરાંત ગદ્યમાં ય અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના આછા સંપર્કથી રસલક્ષી સાહિત્ય રચવાની દિશામાં ધ્યાનપાત્ર પ્રવૃત્તિઓ શરૂ થઇ. પણ એવાં સર્જનાત્મક સ્વરૂપોમાં મોટી સત્ત્વશીલ કૃતિઓ અવતરવાને હજી વાર હતી. આરંભકાળની પેઢીના લેખકોમાં કદાચ એટલી મોટી પ્રતિભા પ્રગટી નહોતી, અને એય એટલું જ સાચું છે કે આ પેઢીના લેખકો અમુક અમુક કૃતિઓના નિર્માણમાં રસલક્ષિતાના ખ્યાલથી ચાલ્યા હોય તો પણ એકદંરે તેમનું વલણ બોધપરાયણ કે બોધપ્રધાન સાહિત્ય રચવાનું રહ્યું છે. ચરિત્રસાહિત્ય, પ્રવાસકથાઓ, રોજનિશી, આદિ સ્વરૂપોમાં જે કંઈ નિમિત્ત મળ્યું તેને અવલંબીને સુધારાના કોઈ ને કોઈ પ્રશ્નની ચર્ચા કરવાની તક તેમણે જતી કરી નથી. કવિ દલપતરામે ‘વિદ્યાબોધ’ ‘રાજવિદ્યાભ્યાસ’ ‘હુન્નરખાનની ચઢાઈ’ ‘સંપલક્ષ્મી’ ‘જાદવાસ્થળી’ અને ‘વેનચરિત્ર’ જેવી વિસ્તૃત રચનાઓમાં સુધારાની દૃષ્ટિએ કેટલાએક વિષયોનું પોતાનું ચિંતન ગૂંથી લીધું છે. તેમની છૂટક નાની નાની રચનાઓમાં એ યુગની સુધારાપ્રવૃત્તિને લગતા બધા જ વિચારો સીધેસીધા ઉદ્‌બોધન રૂપે રજૂ કર્યા છે. કવિ નર્મદે પ્રણય, સાહસ, સ્વદેશપ્રીતિ અને પ્રકૃતિની શોભાને વિષય કરતી આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારની રચનાઓ આપી. એમાં શુદ્ધ કાવ્યતત્ત્વ ઓછું જ છે, પણ નવી રીતિનાં – પશ્ચિમના રોમેન્ટિક કવિઓ વડર્‌ઝવર્થ શૈલી આદિએ રચેલી કાવ્યપદ્ધતિનાં – કાવ્યો આપીને તેણે ગુજરાતી કવિતામાં એક નવી પરંપરા ઊભી કરી. પણ એ સિવાય તેણે ‘હિંદુઓની પડતી’ અને બીજાં અનેક કાવ્યોમાં સુધારાને લગતા વિચારો સાંકળી લીધા છે. વિવેચનક્ષેત્રમાં જેમનું મોટું નવપ્રસ્થાન છે તે વિદ્વાન નવલરામે પણ સુધારાના ઉદ્દેશથી હળવા વ્યંગકટાક્ષની કેટલીક કવિતા રચી છે. સુધારાના પ્રશ્નોમાં બાળલગ્નની પ્રથા અને તેને પરિણામે ઉદ્‌ભવતા દાંપત્યનાં કજોડાંના કે વિધવાવિવાહના પ્રશ્નો વિશેષ ધ્યાન ખેંચે છે. સૌરાષ્ટ્રકચ્છના કેટલાક વિસ્તારોમાં નવજાત બાળકીને દૂધ પીતી કરવાની અમાનુષી પ્રથા હતી, અને તે ય કંઈ ઓછો ગંભીર પ્રશ્ન નહોતો. અને પુરુષવર્ગમાં તો થોડુંકેય શિક્ષણ પ્રાપ્ત થયું, સ્ત્રીઓની બાબતમાં તો એ અતિઅલ્પ જણાય છે. આવા સંયોગોમાં હિંદુસમાજજીવન અસહ્ય વિષમતાઓથી ભર્યું હતું. વ્યાપકપણે નારીસમાજ માટે અને તેમાંયે વિશેષતઃ તરુણ વિધવાઓ માટે ભયંકર બંધનો રચાઈ ચૂક્યાં હતા. એટલે સમાજસુધારાની પ્રવૃત્તિના આરંભ સાથે સૌ સુધારકોનું ધ્યાન સહજ જ કુટુંબજીવનની દાંપત્યના અને બાળલગ્નના પ્રશ્નો પર ઠર્યું છે. એકલવાયી ઘરખૂણામાં પ્રાણ રુંધાતા વાતાવરણમાં જીવવા મથતી અને તરુણકાળે વૈધવ્યનો બીજ ઉપાડી ન શકતી અને અદમ્ય આવેગોની ક્ષણોમાં વ્યભિચારમાં ધકેલાઈને ભારે આપત્તિમાં મુકાતીક સ્ત્રીઓની કથા નર્મદે એકથી વધુ નિબંધોમાં કરી છે. ‘ગુરુ અને સ્ત્રી’ અને ‘વિષમી ગુરુ’ જેવાં નિબંધોમાં મુગ્ધ ભક્તિભાવવાળી સ્ત્રીઓ વૈષ્ણવ મહારાજાનો ધર્મવિલાસનો કેવો ભોગ બને છે તેનું વેધક રીતે તેણે નિરૂપણ કર્યું છે. ઈ.સ. ૧૮૫૬માં પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના જીવનકાર્યમાંથી પ્રેરણા લઈ કેટલાક સુધારકોએ ગુજરાતમાં વિધવાવિવાહયોજક મંડળીની સ્થાપના કરી. આર્યોત્કર્ષ મંડળીએ વળી ‘પુનર્લગ્ન અશાસ્ત્રીય છે? એવો મુદ્દો લઈને પુસ્તિકા પ્રગટ કરી. કવિ નર્મદે આ વિશે વૈષ્ણવ સંપ્રદાયના (મહારાજ લાયેબલ કેસથી પછી જાણીતા થયેલા) જદુનાથ મહારાજ સામે શાસ્ત્રાર્થ કરવા જાહેમાં વિવાદ કર્યો હતો. નંદશંકરે તેમની પ્રસિદ્ધ નવલકથા ‘કરણઘેલો’માં, આમ તો, કથાસામગ્રી લેખે મધ્યકાલના છેલ્લા રજપૂત રાજાના અલ્લાઉદ્દીન ખિલજીના સૈન્યને હાથે પરાજિત થયાની ઐતિહાસિક ઘટના છે, પણ લેખકે એમાં ચાહીને એમના યુગના સુધારાના પ્રશ્નોની ચર્ચા પ્રસંગે પ્રસંગે ગૂંથી લીધી છે, અને તેમાં વૈધવ્ય જીવનની કરુણ અવદશાનો ખ્યાલ પણ મહત્ત્વનું સ્થાન લે છે. નવલકથાનું મુખ્ય નારીપાત્ર ગુણસુંદરી વિધવાજીવનની અસારતાનો ભાવ વ્યક્ત કરે છે. વિધવા પોતાના જીવનને આસક્તિથી વળગી રહે તો તેના પતિને સદ્‌ગતિ પ્રાપ્ત થતી નથી એમ તે સમજે છે. એટલે સતીધર્મનું પાલન એ જ સાચો માર્ગ છે એમ તે માને છે. નર્મદયુગમાં અને સાક્ષરયુગમાં કુટુંબજીવનની સમસ્યાઓ નિમિત્તે વિશેષતઃ નારી જીવનની સમસ્યાઓ કે તેના જીવનસંજોગોનું ચિત્રણ થતું રહ્યું દેખાય છે. ‘સાસુવહુની લડાઈ’માં મહીપતરામે હિંદુકુટુંબના કજિયાકંકાસનું ઘેરું મર્મવિદારક ચિત્ર આપ્યું છે. ‘બે બહેનો’ ‘કુમુદા’ ‘આનંદચંદા’ ‘ચંદા’ ‘જયા’ ‘અલકકિશોર’ ‘નવલચંદા’ ‘સંસારચિત્ર’ અથવા ‘રાણીસુભદ્રા’ જેવી રચનાઓ મુખ્યત્વે નારીજીવનના પ્રશ્નો રજૂ કરવાનું તાકે છે. કળાદૃષ્ટિએ જોકે, એ હજી સામાન્ય કોટિની છે, ચરિત્રલેખન વસ્તુસંકલના અને શૈલીની દૃષ્ટિએ એમાં મોટી ઊણપો છે. પણ એ યુગના નારીવિષયક પ્રશ્નોનો વ્યાપ એમાંથી સમજાય છે, અને એ કથાના લેખકોની સમકાલીન પ્રશ્નોમાં કેવી સંડોવણી હતી તેનો ય સંકેત આપે છે. ‘ચંદાકુમારીની વાર્તા’ (લે. કેશવલાલ દલપતરામ)ની નાયિકા ચંદાકુમારી તેની માતાએ યોજેલા રૂઢ પ્રણાલિગત વિવાહને ફગાવી દઈ પોતાના પ્રિયતમ સાથે હિંમતથી લગ્ન કરી લે છે. ચંદાકુમારી અને એનો પતિ પ્રાણલાલ એ રીતે પોતાના વ્યક્તિસ્વાતંત્ર્ય અને આત્મગૌરવની સ્થાપના કરે છે. ‘કમળાકુમારી’ (લે. ભવાનીશંકર)માં હિંદુ વિધવાના પુનર્લગ્નનો પ્રશ્ન છેડાયો છે. પારસી લેખક જહાંગીર તાલિયારખાંએ પણ હિંદુ સંસારનાં અનિષ્ટોનં નોંધપાત્ર આલેખન કર્યું છે. તેમના મતે હિંદુ સમાજ આવા દુરાચારો જલ્મો અને અમાનુષી રિવાજોથી મુક્ત થશે, ત્યારે જ તે રાજકીય સ્વાતંત્ર્ય માટે પાત્ર ઠરશે. સાક્ષરયુગના રસલક્ષી સાહિત્યમાં ય સંસારસુધારાનું ચિંતન પ્રવેશ્યું જ છે, પણ એમાં રસતત્ત્વની માવજત ઘણી સૂક્ષ્મસ્તરેથી ચાલી છે એમ એકંદરે કહી શકાય. ગોવર્ધનરામની પ્રસિદ્ધ નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ અને તેમની કથાશ્રિત કાવ્યરચના ‘સ્નેહમુદ્રા’માં રસસ્મૃદ્ધિની સાતે તેમની સુધારક દૃષ્ટિનો પણ વિનિયોગ થયો છે. ‘સરસ્વતીચંદ્ર’ની નાયિકા કુમુદના લગ્નજીવનની વિષમતા, તેના હૃદયે આરાધેલા તેજસ્વી પ્રતિભાસંપન્ન નાયક સરસ્વતીચંદ્ર સાથેના તેના વિવાહ તૂટતાં આરંભાય છે. કુમુદનું લગ્ન તરત જ બીજા ધનિક પણ અસંસ્કારી યુવાન સાથે થયા છે. કુમુદના દાંપત્યની વિષમ કરુણતાનો સરસ્વતીચંદ્ર સાક્ષી બને છે. થોડા સમય પછી કુમુદ વિધવા બને છે. વિષ્ણુદાસના યુદુશૃંગ પર આ બે વિજોગીઓ અણધાર્યા સંજોગો વચ્ચે મળે છે. લોકશ્રેય અર્થે પોતાનું જીવન સમર્પિત કરી દેવા સરસ્વતીચંદ્ર ઝંખે છે. ગોવર્ધનરામે કથાના ચોથા બૃહદ્‌ ભાગના પૂર્વાર્ધમાં તેમના હૃદયૈક્ય સધાય તે માટે તેમની ફરીફરીને આત્મખોજની ઘટના રજૂ કરી છે. ઉત્તરાર્ધમાં બંનેને સિદ્ધલોકનો કાલ્પનિક સહવિહાર કરતાં અને એ રીતે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં અમૂલ્ય તત્ત્વોનં અભિજ્ઞાન કરાવી, વર્તમાન ભારતના જીર્ણ દેહનું દર્શન કરાવી, આવતી કાલના ભારતનું આદર્શ ચિત્ર બતાવિ સ્વદેશકલ્યાણની પ્રવૃત્તિઓ માટે માનસિક બૌદ્ધિક સજ્જતા અનુભવતી કુમુદ સરસ્વતીચંદ્ર સાથે સહપંથી બને છે. ગોવર્ધનરામે કુમુદની જીવન સમસ્યા નિમિત્તે વિધવાજીવનનનો પ્રાણપ્રશ્ન છેડ્યો છે. પણ એ સિવાય હિંદુ કુટુંબમાં જુદા જુદા સ્થાને રહેલી સ્ત્રીઓની અનેકવિધ સમસ્યા બીજાં અનેક નારી પાત્રોના ચરિત્રમાં ગૂંથી લીધી છે. કવિ ન્હાનાલાલે પણ દાંપત્યસ્નેહ, સ્નેહલગ્ન, વિધવાજીવન વગેરે પ્રશ્નો ને પોતાનાં ભાવનાપ્રધાન નાટકોમાં રજુ કર્યા છે. વર્ણ્યવિષયોની નાટ્યાત્મકતા સંવાદરચના મંચનક્ષમતા અને ચરિત્રચિત્રણ જેવી બાબતોમાં તેની મર્યાદાઓ સ્પષ્ટ છે પણ સંસારસુધારાના નાટ્યકૃતિ ‘રાઈનો પર્વત’માં પણ નારીકલ્યાણ, વિધવાલગ્ન, સ્ત્રીસ્વાતંત્ર્ય જેવા પ્રશ્નો મુખ્ય નાટ્યવસ્તુમાં ગૂંથી લેવાયા છે. નાયક રાઈનું લગ્ન અંતે વિધવા યુવતી વીણા સાથે યોજીને તેમણે એ લગ્નયોજના પર સંમતિની મ્હોર મારી છે.

ઈ.સ. ૧૮૮૧ના વર્ષમાં, અગાઉ સુધારાના અગ્રણી રહેલા કવિ નર્મદે જાહેરમાં પોતાની સુધારાપ્રવૃત્તિનું વિસર્જન કર્યું અને પોતાના અંતરની દૃઢ પ્રતીતિ સાથે પ્રાચીન આર્યધર્મનું સમર્થન કર્યું. તેના અનુયાયી સુધારકોમાં, આથી, ઘેરી સ્તબ્ધતા છવાઈ ગઈ. ગુજરાતમાં સુધારો પડી ભાંગ્યો છે એવી હતાશાની લાગણી સાથે તેમના માનસમાં મોટો ગૂંચવાડો જન્મી પડ્યો. એવી નિર્ણાયક ક્ષણે નવલરામે પોતાના ‘સુધારાનું ઇતિહાસરૂપ વિવેચન’(ઈ.સ. ૧૮૮૨) શીર્ષકના લેખમાં સુધારાનું ઝીણવટભર્યું વિવેચન કરતાંએમ દર્શાવ્યું કે સમકાલીન સુધારાનો સ્રોત અંગ્રેજ શાસકો નહિ કે અમુકતમુક સુધારકોય નહિ, એ તો પાશ્ચાત્ય ઢબની નવી કેળવણી કે નવી વિદ્યાઓમાં રહ્યો છે. તેમના આ મતમાં ગંભીર સત્ય પડેલું છે. એ યુગમાં સુધારાકાર્ય મુખ્યત્વે એ સમયના શિક્ષકોએ ઉપાડી લીધું હતું, અને કેળવણી અને વિદ્યાના પ્રસાર દ્વારા જ સુધારો સમર્થ રીતે પાર પડશે એવી એમની સૌની દૃઢ પ્રતીતિ હતી. નર્મદ અને દલપતરામે જુદી જુદી કૃતિઓમાં વિદ્યાપ્રવૃત્તિનું અપાર ગૌરવ કર્યુ છે. નવલરામે ‘વિદ્વાનોના ધર્મ’ શીર્ષકના પોતાના લેખમાં દેશકલ્યાણ અર્થે વિદ્વાનોનું કર્તવ્ય સમજાવ્યું છે. એ પછી સાક્ષર યુગમાં ગોવર્ધનરામે આ જાતની તાત્ત્વિક ચર્ચા પોતાના ‘સાક્ષરજીવન’ શીર્ષકના ગ્રંથમાં કરી છે. આ પ્રકારે સાહિત્ય-વિદ્યા અને શાસ્ત્રવિચારની પ્રવૃત્તિઓને ય સહજ જ બળ મળ્યું. અહીં એવી કેટલીક ખાસ ઉલ્લેખનીય પ્રવૃત્તિઓનો માત્ર ટૂંકમાં ઉલ્લેખ કરીશું. (૧.) નવજાગરણના સમયમાં નર્મદ દલપતરામ આદિ કવિઓએ સુધારાના વિષયને ગૂંથી લેતી કેટલી કથામૂલક રચનાઓ આપી. કવિ નર્મદે પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓમાંથી પ્રેરણા લઈ દેશાભિમાન, વૈયક્તિક પ્રણયસંવેદન, પ્રકૃતિની શોભા આદિ વિષયોની આત્મલક્ષી ઊર્મિકવતિા રચી. પણ કવિ નર્મદ ગુજરાતીમાં મહાકાવ્ય રચવાની ઝંખના સેવે છે. તેની બે લાંબી કૃતિઓ ‘વીરસિંહ’ અને ‘હિંદુઓની પડતી’ આ પ્રકારની કૃતિ રચવાની મહત્ત્વાકાંક્ષામાંથી જન્મી છે. જો કે મહાકાવ્યની દિશાના એ સાવ આછાપાતળા પ્રયત્નો જ છે. દોલતરામ કૃપારામ પંડ્યાની કૃતિ ‘ઈંદ્રજિતવધ’ અને ભીમરાવ ભોળાનાથની ‘પૃથુરાજરાસા’ પણ એવી જ મહત્ત્વાકાંક્ષામાંથી જન્મી છે. દલપતરામની ‘વેનચરિત્ર’ ગણપતરામની ‘લીલાવતી કથા’ અને હરજીવનની ‘ચાવડાચરિત્ર’ પણ આ પ્રકારની રચનાઓ છે. આ સમયમાં કવિચેતના સંસ્કૃત અને પાશ્ચાત્ય પરંપરાનાં મહાકાવ્યોના ઓછાવત્તા સંપર્કે કેવી તો પ્રાણવાન બનીને ગતિ કરવા મથી રહે છે. તેનો સુખદ અણસાર અહીં મળી રહે છે. (૨.) નર્મદ યુગમાં ગુજરાતી કવિતા બે અલગ પ્રવાહોમાં વહેતી રહી છે. એમાંનો એક તે કવિ દલપતરામ અને તેમના અનુયાયીઓ દ્વારા ખેડાયેલી, વ્રજની કાવ્યરીતિના સંસ્કારોવાળી રચનાઓનો છે. એમાં વર્ણસગાઈ, ઝડઝમ, શ્લેષ, પ્રાસ, આદિ સભારંજક તત્ત્વોનો પ્રચુર માત્રામાં પ્રયોગ છે. બુદ્ધિચાતુરી અને વિનોદવૃત્તિ એમાં વિશેષ ધ્યાન ખેંચે છે. આ પ્રવાહમાં અગ્રણી કવિ દલપતરામ નવાયુગની વિચારણાઓ ઝીલવાનો અભિગમ છતાં પદ્યબંધ અને કાવ્યબાની પરત્વે મધ્યકાલીન પદ્યરૂપોનું અનુકરણ કરે છે, પણ પછીથી તે નવાં અભિવ્યક્તિરૂપો અને નવી કાવ્યભાષા સિદ્ધ કરતો ગયો છે. તેનું આત્મલક્ષી ઊર્મિકાવ્ય ઉત્તરોત્તર વિકસીને નવી કવિતાની પરંપરા ઊભી કરે છે. પછીથી સાક્ષરયુગમાં નરસિંહરાવ, કાન્ત, કલાપી, ન્હાનાલાલ, બળવંતરાય આદિ કવિઓ ગુજરાતી ઊર્મિકાવ્યને રસલક્ષિતાની ઘણી ઊંચી કોટીએ પહોંચાડે છે. કાન્ત અને બળવંતરાય પશ્ચિમનું સોનેટ સ્વરૂપ પણ એટલા જ સામર્થ્યથી ખેડે છે. કાન્તે પોતાના આધ્યાત્મિક સંઘર્ષોને પર્યાપ્ત કળાત્મકરૂપ આપવાના પ્રયત્નમાં નાટ્યાત્મક સંવિધાનવાળું અને કરુણરસથી ઊંડો પ્રભાવ મૂકી જતું વિશિષ્ટ એવું ખંડકાવ્ય સ્વરૂપ નિપજાવ્યું. ગોવર્ધનરામે ‘સ્નેહમુદ્રા’ની રચનામાં વૈધવ્યની કથાવસ્તુ લઈ તેમાં પશ્ચિમની ઉદ્‌બોધનશૈલીનો વિનિયોગ કયો. ન્હાનાલાલે મહાન જર્મન કવિની ‘ધ પાઉસ્ટ’ રચનામાંથી પ્રેરણા લઈ આગવી રીતે લિરિકલ ડ્રામા લખવાનો પ્રયત્ન કર્યો. બળવંતરાયે વિચારપ્રધાન કવિતાનો આદર્શ રજૂ કર્યો અને તેને અનુરૂપ સળંગ અગેય પદ્યનું નિર્માણ આદર્યું. બાલાશંકર, મણિલાલ, અને કલાપીએ ગઝલના પ્રકારની રચનાઓ આપી. સંસ્કૃત અને અંગ્રેજી કવિતાનાં ભિન્નભિન્ન કળારૂપો અને કળાતત્ત્વોનું અવનવું સંયોજન આ સમયની કવિતામાં જોવા મળે છે. (૩.) આ સમયમાં મધ્યકાલીન ગુજરાતી કવિઓ અને કૃતિઓના સંશોધનસંપાદનની પ્રવૃત્તિઓ આરંભાઈ. કવિ દલપતરામ અને કિન્લોક ફૉર્બ્સ દ્વારા ‘રાસમાળા’નું પ્રકાશન એક ઘણી મહત્ત્વની ઘટના છે. દલપતરામનાં અન્ય સંકલનો ‘કાવ્યદોહન’(પુ.૧-૨), શામળસતસઈ, મહીપતરામ દ્વારા ભવાઈઓનું સંકલન, નર્મદ દ્વારા આખ્યાનકાર પ્રેમાનંદની કૃતિઓ ‘દશમસ્કંધ’ ‘નળાખ્યાન’ અને ‘કુંવરબાઈનું મામેરું’નાં સંપાદનો, ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનાં ‘બૃહદ્‌ કાવ્યદોહન’ (વો. ૧-૮) ઉપરાંત નરસિંહનાં પદોનું સંકલન એમ સંકલન-સંપાદનની પ્રવૃત્તિ વિસ્તરે છે. સાક્ષરયુગમાં મણિલાલ, કેશવ હ. ધ્રુવ, ડાહ્યાભાઈ દેરાસરી, બળવંતરાય આદિ વિદ્વાનો એ પ્રવૃત્તિને વધુ સંગીન પાયા પર મૂકી આપે છે. આ સાથે નવજાગરણની ભાવચેતના એક વિશેષ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક અભિજ્ઞતા પ્રાપ્ત કરે છે. (૪.) સંસ્કૃત સાહિત્યની અનેક કૃતિઓના જુદા જુદા અનુવાદો દ્વારા અનુવાદો આ તબક્કામાં આરંભાયા છે. કેટલીક કૃતિઓની બાબતમાં, મૂળના એકથી વધુ અનુવાદો ય પ્રાપ્ત થાય છે. જેમકે, કહાકવિ કાલિદાસની નાટ્યરચના ‘અભિજ્ઞાન શાકુંતલ’ના કવિ દલપતરામ ખખ્ખર, ઝવેરીલાલ યાજ્ઞિક, બળવંતરાય ઠાકોર આદિના અનુવાદો મળે છે. એ જ રીતે ‘વિક્રમોર્વશીયમ્‌’ના રણછોડભાઈ ઉદયરામ, કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ અને ‘વનમાળી’ના અનુવાદો પ્રગટ થાય છે. ઉપરાંત, રણછોડભાઈ દ્વારા, ‘માલવિકાગ્નિમિત્ર’, કીલાભાઈ દ્વારા ‘પાર્વતીપરિણય’ મણિલાલ દ્વારા ‘ઉત્તરરામચરિત’, કેશવલાલ હ. ધ્રુવ દ્વારા વિશાખાદત્તકૃત ‘મુદ્રારાક્ષસ’, બાલાશંકર દ્વારા ‘મૃચ્છકટિક’ જેવી બીજી અનેક કૃતિઓના અનુવાદો ઉપલબ્ધ બન્યા. આ અનુવાદો પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિનું પરમોજ્જવલ ભાવનાવિશ્વ ભાવકો સમક્ષ ખુલ્લું કર્યું. તેમનાં રસરુચિ સંસ્કારવામાં મોટો ફાળો આપ્યો, અને એ યુગમાં સર્જાતા જતા સાહિત્યની ભાષાશૈલીનં ગહનસૂક્ષ્મ પરિમાણ રચી આપ્યું. (૫.) અર્વાચીન સમયના આરંભે ગુજરાતની જૂની લોકનાટ્યસંસ્થાદ ‘ભવાઈ’ની અવનતિ થઈ ચૂકી હતી. એ સમયે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થીમંડળ દ્વારા શેઈક્‌સ્પિયરનાં પ્રસિદ્ધ નાટકો કે તેના અંકો ભજવવાની શરૂઆત થઈ. થોડા સમયમાં જ પારસી અને હિંદુ નાટ્યમંડળીઓ અસ્તિત્વમાં આવી અને નાટ્યઘર જેવી આધુનિક સંસ્થા ઝડપથી વિકસતી રહી. પાશ્ચાત્ય તખ્તાનો અને તેની નાટ્યપ્રણાલિઓનો એમાં સ્વીકાર હતો. જો કે ધંધાદારી નાટ્યમંડળીઓએ ભજવેલાં નાટકોના મુદ્રિત પાઠ ભાગ્યે જ ઉપલબ્ધ બન્યા છે. આ સંદર્ભે રસપ્રદ બાબત એ છે કે નાટ્યલેખકોએ નાટ્યક્ષમ વસ્તુ માટે દૂર પરંપરામાં નજર દોડાવી છે. દલપતરામે ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેન્સના એલિગરીકલ નાટક ‘પ્લુટસ’ના અંગ્રેજી ભાષાંતર પરથી ‘લક્ષ્મી’ નાટક રચ્યું છે. એ યુગમાં પ્રબળ બની રહેલી ધનસંસ્કૃતિ (money culture) પર એમાં ઊંડો વ્યંગકટાક્ષ પ્રગટ થાય છે. નવલરામની નાટ્યકૃતિ ‘ભટનું ભોપાળું’, ફ્રેંચ નાટ્યકાર મોલિયેરની કોઈ એક કૉમેડીનું ગુજરાતી પરિવેશમાં રૂપાંતર છે. શેઇક્‌સ્પિયરનાં નાટકોમાંથી ‘કૉમેડી ઓફ એરર’, ‘જુલિયસ સીઝર’ અને ‘ઓથેલો’ના અનુવાદો ય મળે છે. નારાયણ હેમચંદ્રે બંગાળી લેખક જ્યોતિરિન્દ્રનાથ ટાગોરની નાટ્યકૃતિ ‘અશ્રુમતિ’નો અનુવાદ કર્યો છે. ‘સતી’ શીર્ષકનું બીજું એક બંગાળી નાટક પણ ગુજરાતીમાં ઉતાર્યું હોવાનું જાણવા મળે છે. ગુજરાતીમાં મૌલિક નાટકનો જ્યાં પ્રશ્ન છે, નાટ્યકાર રણછોડભાઈએ રંગમંચ અર્થે લખેલાં નાટકો ખાસ ઉલ્લેખ માગે છે. સમકાલીન સમાજની સમસ્યાઓ રજૂ કરતાં તેમનાં નાટકોમાં ‘જયકુમારી વિજય નાટક’ અને ‘લલિતાદુઃખદર્શક’ ખૂબ જાણીતાં થયેલાં. ઉપરાંત રામાયણ મહાભારત ઇતિહાસપુરાણ આદિમાંથી નાટ્યવસ્તુ લઈને તેમણે નાટકો રચ્યાં છે. શિષ્ટ સાહિત્યિક પરંપરામાં મણિલાલનું ‘કાન્તા’ અને રમણભાઈનું ‘રાઈનો પર્વત’ જાણીતી રચનાઓ છે. નાટ્યલેખન અને નાટ્યઘરને લગતી આ સર્વ પ્રવૃત્તિઓ બેત્રણ દૃષ્ટિ પ્રાચીન ભારતીય સાહિત્ય ઉપરાંત યુરોપીય નાટ્યપરંપરા સુધી વિસ્તરતી રહી છે. લેખક અને સામાજિકની રસકીય ચેતના એ રીતે નવી નવી ક્ષિતિજો આંબી લે છે. બીજી વાત એ કે ઘણાંખરાં નાટકો નીતિસદાચારનો બોધ આપવા રચાયાં છે. ત્રીજી વાત એ કે સંસ્કૃત અને પાશ્ચાત્ય નાટ્યવિધાન અને નાટ્યપ્રણાલિઓનો એમાં વત્તેઓછે અંશે સમન્વય કરવાનો પ્રયત્ન દેખાય છે. (૬.) નવજાગરણના આરંભ સાથે જીવનચરિત્ર, આત્મકથા, રોજનિશી, પ્રવાસકથા આદિ ગદ્યસ્વરૂપોનું ખેડાણ પણ એકથી વધુ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. પ્રાચીનમધ્યકાલીન સાહિત્યમાં અવતારી પુરુષો, ભક્તો, સંતો, રાજવીઓ કે સાહિત્યકારોનાં જે કંઈ નાનાંમોટાં ચરિત્રો લખાયાં છે, તેમાં વારંવાર પૌરાણિકઅંશો દંતકથાઓ વગેરે ભળી ગયાં હતાં. એવાં ચરિત્રોમાં ચરિત્રનાયકની પ્રતિમા એના માનવીય આકારને અતિક્રમી જતી દેખાય છે. આધુનિક સમયની ચરિત્રકથાઓમાં ચરિત્રનાયકની માનવીય પ્રતિમાનો આલેખ તરત ધ્યાન ખેંચે છે. સંસારનાં ઐહિક સુખદુઃખ અને તેની સાથે સંકળાયેલા સંસારના પ્રશ્નો સાથે તેમની ગાઢ અને જીવંત નિસ્બત રહી છે. કવિ લેખક અને સુધારક કોઈ પણ હો, તેમના હૃદયજીવનના ગૂઢાતિગૂઢ પ્રવાહો અને સંચાલકબળોનું આલેખન એમાં નોંધપાત્ર છે, અને નવી રસસૃષ્ટિનો સ્રોત છે. કવિ નર્મદે, મહાપુરુષોના અવતાર વિના દેશનો ઉત્કર્ષ નથી, એવો વિચાર વહેતો મૂક્યો હતો. એવા વિચારથી પ્રેરાઈને તેણે રામ, બુદ્ધ, શ્રીકૃષ્ણ, સીતા, દ્રૌપદી, યુધિષ્ઠિર, જિસસ ક્રાઈસ્ટ, મહંમદ પયગંબર, પ્લેટો, સોક્રેટિસ, હોમર, જુલિયસ સીઝર, માર્ટિન લ્યૂથર જેવા અનેક મહાન વ્યક્તિત્વો વિશે ટૂંકા ટૂંકા પણ પ્રેરણાદાયી ચરિત્રો આલેખ્યાં છે. ‘મારી હકીકત’ એ શીર્ષકની તેની આત્મકતા ગુજરાતીમાં એ સ્વરૂપની પહેલી જ કૃતિ છે. નર્મદનું નિખાલસ અને સચ્ચાઈવાળું માનસ એમાં પ્રગટ થાય છે, પણ સાથોસાથ તેની સુધારાપ્રવૃત્તિ નિમિત્તે એ યુગની સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિનું એમાં રસપ્રદ ચિત્રણ મળે છે. નવલરામ દ્વારા આલેખાયેલું કવિ નર્મદનું ટૂંકુ ચરિત્ર, ગોવર્ધનરામ દ્વારા નવલરામનું ચરિત્ર ઉપરાંત પુત્રી લીલાવતીની જીવનકથા, મહીપતરામ દ્વારા કરસનદાસ મૂળજીનું ચરિત્ર, આદિ કૃતિઓ ચરિત્રનાયકના જીવનપ્રસંગો નિમિત્તે એ યુગની વિસ્તૃત સુધારાપ્રવૃત્તિને ય રજૂ કરે છે. આ ગાળામાં પારસી અને હિંદુ લેખકોએ કેટલીક પ્રવાસકથાઓ આપી છે. એ પૈકી દીનશાહ તાલિયારખાંની ‘દક્ષિણ હિંદુસ્થાનની મુસાફરી’ અને અરદેસરની ‘હિંદુસ્થાનમાં મુસાફરી’ એ કથાઓ પ્રવાસનિમિત્તે રાષ્ટ્રદર્શનના રોમાંચક અનુભવો અને પ્રજાની સામાજિક સમસ્યાઓ રજૂ કરે છે. કરસનદાસ મૂળજી કૃત ‘ઈંગ્લેંડમાં પ્રવાસ’ અને મહીપતરામ કૃત ‘ઈંગ્લાંન્ડની મુસાફરીનું વર્ણન’ બંને કથાઓ તેમના લેખકોના ઈંગ્લેંડના પ્રવાસના મૂલ્યવાન અનુભવો અને નિરીક્ષણો રજૂ કરે છે. (૭.) આ સમયગાળામાં સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં ય નોંધપાત્ર પ્રવૃત્તિઓ આરંભાઈ છે. જો કે ગઈ સદીના અંતભાગ સુધી વ્રજના કાવ્યશિક્ષણના ગ્રંથોની અમુક અસર ટકી રહી છે. પણ કવિ નર્મદ પાશ્ચાત્ય ઢબની નવી કવિતાનો આદ્યપુરુષ રહ્યો છે. વર્ડ્‌ઝવર્થ શેલી કોલેરિજ હેઝલિટની કાવ્યચર્ચા અને સંસ્કૃતના એક બે અલંકારગ્રંથોમાંથી પ્રેરણા લઈ તે નવા યુગનો કાવ્યવિચાર રચવાની સંનિષ્ઠ મથામણ આદરે છે. પ્રશિષ્ટ સાહિત્યમાંથી પ્રેરણા લઈ નવલરામ આગવી કાવ્યભાવના પ્રસ્તુત કરે છે. માયાના અનંતવિધ લીલામય આવિષ્કારોનું અનુકરણ રૂપ તે કાવ્ય – એવી તેઓ વ્યાખ્યા કરે છે. વેદાંતમતનો ‘માયા’નો ખ્યાલ સ્વીકારી એરિસ્ટોટલ અને બેકનની કાવ્યભાવનાને તેઓ અતિક્રમીકક જવા ચાહે છે. ગ્રંથસમીક્ષાની સંગીન પરંપરા તેમણે રચી દીધી. સાક્ષરયુગમાં રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા, ગોવર્ધનરામ, મણિલાલ, આનંદશંકર, ન્હાનાલાલ, બળવંતરાય આદિ વિદ્વાનો મુંબઈ યુનિવર્સિટીમાં સંસ્કૃતિ અને અંગ્રેજી સાહિત્ય અને વિવેચનનો વ્યવસ્થિત અને મર્મગ્રાહી અભ્યાસ કરીને બહાર આવ્યા હતા. સિદ્ધાંતવિવેચનના ક્ષેત્રમાં આરંભમાં વડર્‌ઝવર્થ આદિના અંગ્રેજી રોમેન્ટિક કાવ્યવિચારનો મોટો પ્રભાવ પડ્યો. પણ ક્રમશઃ તેઓ લિરિક પર નિર્ભર કાવ્યશાસ્ત્રને અતિક્રમી વ્યાપક સાહિત્યનો તાત્ત્વિક વિચાર કરવા પ્રેરાયા છે. તો વળી સંસ્કૃત અને અંગ્રેજી વિવેચનાવિચારનો શક્ય ત્યાં અને તેટલો સમન્વય કરવાનું વલણ તેઓ દાખવે છે. ગ્રંથસમીક્ષાના ક્ષેત્રમાંય વિપુલ કાર્ય થયું છે. સાહિત્યની સમીક્ષામાં પાશ્ચાત્ય મૂલ્યો અને પાશ્ચાત્ય કળાદૃષ્ટિનો વ્યાપક વિનિયોગ થવા લાગ્યો છે. કળા અને નીતિ, સુરુચિની કેળવણી, લેખકની સમાજ પ્રત્યે દૃષ્ટિ જેવા મુદ્દાઓ ય એમાં ઊપસતા રહ્યા છે. નવી સૌંદર્યદૃષ્ટિનો ઉઘાડ એ રીતે એક ઘણી મહત્ત્વની સાંસ્કૃતિક-સાહિત્યિક ઘટના લેખાય. (૮.) આ ગાળામાં વ્યાકરણ, ભાષાવિચાર, પિંગળ, કોશ, વ્યુત્પત્તિશાસ્ત્ર, કેળવણી, ઇતિહાસ વિજ્ઞાન એમ હરેક ક્ષેત્રમાં પશ્ચિમની પ્રેરણાથી કે સ્વતંત્ર રીતે વિદ્યાકીય પ્રવૃત્તિઓ આરંભાઈ છે. એ બધી પ્રવૃત્તિઓની નોંધ લેવાને અહીં અવકાશ નથી ભારતીય નવજાગરણની પ્રક્રિયા ગુજરાતી ભાષાસાહિત્યમાં કેવી કેવી રીતે સંચલિત થઈ, અને તેની કેવી ઉપલબ્ધિઓ મળી, તેને લગતો આ એક આછો આલેખ માત્ર છે. એ વિશે વધુ યથાર્થ અને વધુ સઘન પરિચય મેળવવા એના સાચા આધાર સમી સાહિત્યકૃતિઓની ઊંડી તપાસ અનિવાર્ય છે, એમ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.

* * *