અનુબોધ/સોરેં કિર્કગાર્દ

સોરેં કિર્કગાર્દ (૧૮૧૩–૧૮૫૫)

આધુનિક સમયમાં યુરોપના દેશોમાં, ખાસ કરીને જર્મની અને ફ્રાંસમાં, અસ્તિત્વવાદી ચિંતનની જે ધારા જન્મી, તેમાં પ્રસિદ્ધ ડૅનિશ ચિંતક સોર્ટે કિર્કગાર્દની અસ્તિત્વ૫૨ક વિચારણા મોટો પ્રેરણાસ્રોત રહી છે. અત્યંત કુશાગ્ર અને મેધાવી પણ સંવેદનશીલ પ્રકૃતિના આ તત્ત્વચિંતકે, આમ તો, પોતાના સમયમાં પ્રવર્તતા ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી નીતિમત્તા વિશે મૌલિક બલકે ક્રાંતિકારી દૃષ્ટિએ ચિંતનમનન કર્યું; અને એ રીતે તત્ત્વચિંતક કરતાંય વધુ તો તેઓ ધર્મચિંતક રહ્યા. પણ ખ્રિસ્તી ધર્મ અને નીતિમત્તાની મૂળગામી વિચારણામાં સાચા ખ્રિસ્તીજન વિશેનો પોતાનો વિચાર રજૂ કરતાં તેમણે માનવીના નિજી, અનન્ય વ્યક્તિત્વનો જે અસાધારણ મહિમા કર્યો, અને નિજી વ્યક્તિત્વની સિદ્ધિના માર્ગનું જે વર્ણન આપ્યું, તેમાં વર્તમાન અસ્તિત્વવાદને અભિમત લગભગ બધા જ પાયાના વિષયો (themes) સઘનપણે સ્પર્શાયા. જોકે, પોતે અસ્તિત્વવાદ જેવી કોઈ તાત્ત્વિક હિલચાલનો આરંભ કરી રહ્યા છે કે આરંભ કરવા ચાહે છે, એવો કોઈ સ્પષ્ટ સભાન આશય તેમની વિચારપ્રવૃત્તિ પાછળ નહોતો. પણ, હકીકત એમ બની કે અસ્તિત્વ ૫૨ ક તેમની ઘણીએંક વિચારણા પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે આ સદીના અસ્તિત્વવાદી ચિંતકોને પ્રેરતી ને સંકોરતી રહી છેઃ બલકે, તેમના ચિંતનના મુખ્ય વિષયો અને મુખ્ય ખ્યાલો પાછળના ચિંતકોમાં જુદીજુદી રીતે વ્યાખ્યા પામીને ઊતરી આવ્યા છે એમ કહી શકાય. એ રીતે આધુનિક અસ્તિત્વવાદના તેઓ મુખ્ય પ્રણેતા બની રહ્યા છે. કિર્કગાર્દનો જન્મ ડેન્માર્કના કોપેનહેગન શહેરમાં એમ. પી. કિર્કગાર્દને ત્યાં ઈ . ૧૮૧૩ માં મેની પાંચમી તારીખે થયો. કિર્કગાર્ટની બીજી પત્નીનું તેઓ સાતમું સંતાન હતા. યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તેમણે કર્યો હતો અને ઇશ્વરવિદ્યાના ક્ષેત્રમાંય એટલું ઊંડું અધ્યયન તેમણે કર્યું હતું. તેમના તત્ત્વચિંતનમાં સમકાલીન પ્રજાજીવન, તેની ધાર્મિક-સાંસ્કૃતિક પરિસ્થિતિ, જેટલી પ્રેરક અને વિધાયક બની રહી, તેટલી તેમના અંગત જીવનની કેટલીક વિષમ કારમી ઘટનાઓ પણ ભાગ ભજવતી રહી. ખાસ કરીને પિતાની દેખરેખ નીચે વીતેલું બાળપણ, કુમારિકા રેગિન ઓલ્સન સાથેનો સ્નેહસંબંધ અને અસાધારણ મંથન પછી તેના લગ્નપ્રસ્તાવનો ઈન્કાર, ડેન્માર્કના પરંપરામાન્ય ચર્ચ સાથેનો તેમનો જાહેરમાં વિવાદ, અને તે સમયનાં ત્યાંનાં વર્તમાનપત્રોની રીતિનીતિ અને વ્યાપકપણે ટોળાંવાદી માનસ ધરાવતા લોકો સાથેનો તેમનો સંઘર્ષ- આ ઘટનાઓ તેમની બૌદ્ધિક-આધ્યાત્મિક ચેતનાને નિરંતર ગંભીરપણે પ્રેરતી- સંકોરતી કે સંક્ષુબ્ધ કરતી રહી. ઈ. ૧૮૩૦-૪૦ના ગાળામાં તેમણે કોપેનહેગન યુનિવર્સિટીમાં કામ કર્યું. પણ પછી તેઓ ત્યાંથી મુક્ત થયા. એક ચિંતક અને એક નાગરિક તરીકે તેઓ તેમની આસપાસના જગતથી એકદમ એકલા પડી ગયા હતા. એ સમયના ખ્રિસ્તી ચર્ચ અને ખ્રિસ્તી પાદરીઓની રીતિનીતિમાં તેમને ઘણું ટીકાપાત્ર લાગ્યું. ખ્રિસ્તી ધર્મનું પાલન કરનારી – એવા ધર્મપાલનનો દાવો કરનારી – પ્રજામાં તેમણે ભારોભાર દંભ, બનાવટ, આત્મવંચના, અને મિથ્યાવૃત્તિ જોયાં. નોંધપાત્ર છે કે કિર્કગાર્દ અને નિત્ઝે બંને ચિંતકો ગઈ સદીના ખ્રિસ્તી ધર્મ અને તેની નીતિમત્તા સામે મૂળભૂત વાંધાઓ લે છે, બંને ધર્મ અને સંસ્કૃતિની તેજાબી ચિકિત્સા કરે છે, ફરક એટલો જ છે કે કિર્કગાર્દ સાચા ખ્રિસ્તીના એક આગવા આદર્શની પ્રતિષ્ઠા કરતાં ઈશ્વરની પરમ કૃપા સ્વીકારે છે, શ્રદ્ધાની ભૂમિકાએથી પછી વિચારે છે; નિત્ઝે એવી કોઈ ઈશ્વરી સત્તાનો સ્વીકાર કરી શક્યા નથી. મહામાનવની તેમની ભાવનામાં કેવળ માનવવ્યક્તિની નિજી આત્મસિદ્ધિની પરાકાષ્ઠા તેમણે જોઈ છે એટલું જ.- પણ ખ્રિસ્તી ધર્મ અને સંસ્કારિતા સામે નવી કડક આલોચના કરતાં તેમને ભારે એકલતા સહેવી પડી. પોતાની એ એકલતાનું એક હૃદયસ્પર્શી ચિત્ર તેમણે પોતાની લાક્ષણિક કાવ્યાત્મક શૈલીમાં રજૂ કર્યું છેઃ ‘Like a solitary fir tree egoistically separate and pointed upwards I stand, casting no shadow, and only the wood- dove builds its nest in my branches.’અને આપણે અહીં નોંધવું જોઈએ કે, કિર્કગાર્દનું સમગ્ર અસ્તિત્વ ૫૨ક ચિંતન તેમની આ એકાકી દશામાં જન્મ્યું છે. પોતાના જીવનનો અર્થ પામવાની આધ્યાત્મિક મથામણમાં તેઓ ઇશુપ્રભુના સાચા અનુયાયી બનવા ઝંખી રહ્યા. ઈશુ પ્રભુના સામીપ્યમાં, અને તેમની કૃપા પામીને જ, માનવજીવન સાર્થક થાય છે, એ દર્શનમાં તેમને અંતિમ સમાધાન મળ્યું. પણ સૌથી ધ્યાનપાત્ર બાબત એ છે કે આવા સમાધાન પૂર્વે તેમણે પૂરી ગંભીરતા, પૂરી પ્રામાણિકતા અને પૂરી સચ્ચાઈ થી આત્મખોજ આદરી છે. વિચારવું અને જીવવું બંને પ્રક્રિયાઓ તેમનામાં જાણે એકાત્મક બની ગઈ. પોતાના અસ્તિત્વના ગહનતમ ખંડનાં સંવેદનો-સંચલનોનો તેઓ સ્વીકાર કરતા રહ્યા છે, જે કંઈ વિચાર તેમણે પ્રત્યક્ષ કર્યો, પ્રતીત કર્યો, તેમાં પોતાની પૂરેપૂરી જાતને તેઓ સંડોવતા રહ્યા. તેમના અસ્તિત્વવાદી ચિંતનમાં માનવવ્યક્તિની અપૂર્વતા અને અનન્યતાનો ખ્યાલ જે રીતે પ્રતિષ્ઠિત થયો તે ખરેખર તો તેમના જીવનમાં જીવાતો આદર્શ હતો. એક સાચા ખ્રિસ્તી બનવું એટલે સાચા વ્યક્તિવિશેષ તરીકે આત્મસિદ્ધિ કેળવવી, અને એવા આત્મસિદ્ધિની દિશામાં ચાલેલી પ્રવૃત્તિ સાથે તેમનું અસ્તિત્વ૫૨ક ચિંતન જોડાયેલું છે. આમ જુઓ તો માનવવ્યક્તિની અપૂર્વતા અને અનન્યતાની પ્રતિષ્ઠા કરવી, અને સાચા ખ્રિસ્તી ધર્મની ઓળખ કરાવવી એ બે મુખ્ય ધ્યેયો તેમના ચિંતનમાં કેન્દ્રવર્તી બળો બની રહ્યાં છે. – કિર્કગાર્ડે પોતાના સમયની ધાર્મિક સાંસ્કૃતિક કટોકટીનું, આ રીતે, જે નિદાન કરવાનો પ્રયત્ન કર્યો તે ઘણી ધ્યાનપાત્ર બાબત છે. આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઈશ્વર સાચા અર્થમાં જીવંત પ્રેરણાસ્રોત રહ્યો નહોતો. અગાઉઅનિર્દેશ કર્યો તેમ, ખ્રિસ્તી ધર્મ પાળનારી ખ્રિસ્તી પ્રજા, ધાર્મિક આચારવિચારને નામે કેવળ દંભ અને આત્મવંચના પોષી રહી હતી. ખ્રિસ્તી ધર્મના સાર્વત્રિક નીતિનિયમો કેવળ મિથ્યાચાર પોષી રહ્યા હતા. પણ રાજકીય સામાજિક જીવનના ક્ષેત્રમાં પ્રચ્છન્નપણે કે પ્રગટપણે એવી જ ગંભીર કટોકટી નિર્માણ થઈ રહી હતી. નવી રાજકીય- સામાજિક વ્યવસ્થામાં સર્વસંમતિવાદ નહિ તોય બહુમતીવાદની દિશામાં સૌ વિચારવા લાગ્યા હતા. વર્તમાનપત્રોમાં ૨જૂ થતા વિચારો કે અહેવાલોમાંય બિનગંત બનવાના ખ્યાલે કેવળ બિનજવાબદાર અને અનધિકૃત ‘સત્યો’ જ ૨જૂ થતાં હતાં. ટોળાંઓના ઘોઘાટમાં માણસને કોઈ નિજી અંતઃકરણનો અવાજ રહ્યો નહોતો. ટોળાંવાદના આામણ સામે માનવીનું નિજી વ્યક્તિત્વ જ લુપ્ત થઈ જવા આવ્યું. આવી પરિસ્થિતિમાં કિર્કગાર્ડે માનવવ્યક્તિની અનન્યતા અને અપૂર્વતા પર બધો ભાર મૂક્યો. સત્ય જો જન્મે છે, જીવંત બને છે, સિદ્ધ થાય છે, તો તે માનવીના અંગત અસ્તિત્વમાં, એમ તેમણે કહ્યું. માનવવ્યક્તિને તેમણે ટોળામાંથી અલગ પાડી, એટલું જ નહિ, અંગત જીવનના તેમ વ્યાપક પ્રજાજીવનના સર્વ વ્યવહારોમાં તેને એક અત્યંત જવાબદાર વ્યક્તિ લેખવી જીવનમાં ડગલે ને પગલે ક્ષણેક્ષણે પૂરી પ્રામાણિકતા અને પૂરી જવાબદારીથી, પોતાની આખીય જાતને સંડોવીને, તે નિર્ણયો લે, પસંદગી કરે, નૈતિક જવાબદારીથી વર્તે અને કાર્ય કે એવો આગ્રહ રજૂ કર્યો. કિર્કેગાર્ડે આવા નૈતિક નિર્ણયો અને આધ્યાત્મિક ખોજવાળા માનવનો અપૂર્વ મહિમા કર્યો. પોતાના યુગના હાર્દમાં મહાન કટોકટીરૂપ બનેલી પ્રજાનો પૂરી પ્રામાણિકતાથી સામનો કર્યો. કિર્કેગાર્દે, આમ તો, નાનાંમોટાં અનેક પુસ્તકો લખ્યાં છે એ પૈકી Either / Or, Philosophical Fragments, Concluding Post- scripts, તેમનાં અસ્તિત્વવાદી વિચારવલણોને સમજવામાં ઘણાં દ્યોતક નીવડે એમ છે. જો કે તેમની તત્ત્વચર્ચા ક્રમશઃ વિકસતી રહી છે. ખાસ કરીને, પાછળના તબક્કામાં ખ્રિસ્તી ધર્મ અને ઈશ્વરતત્ત્વને લગતી તેમની વિચારણાઓ પ્રગટપણે નવો વળાંક લે છે. આ સર્વ ચિંતન, અલબત્ત, અલગત્રૂટક નિબંધ, દૃષ્ટાંતકથા, જર્નલ, સૂત્રાત્મક કંડિકા જેવાં રસળતાં ગદ્યસ્વરૂપોમાં ચાલ્યું છે. દરેક પ્રસંગે પોતાની ઉગ્ર કઠોર આત્મખોજ રૂપે, વેધક અને તેજોમય આંતર્દ્રષ્ટિ રૂપે, જે કંઈ વિચાર અને અનુભવ મળ્યાં છે તેનું સ્વચ્છ સુરેખ બાનીમાં તેઓ વર્ણન કરતા રહ્યા છે. એમાં ખરેખર તો તેમના વ્યક્તિત્વનાં ભિન્નભિન્ન પાસાંઓનો એકીસાથે સમૃદ્ધ પરિચય થાય છે. એમાં ધર્મ અને નીતિના પ્રશ્નોની તત્ત્વચર્ચા છે, એ રીતે તેમનો એક અસ્તિત્વવાદી ચિંતક તરીકેનો સઘન પરિચય થાય છે જ, પણ અસ્તિત્વના અજ્ઞાત અંધારિયા ખંડના પ્રવાહોનો જે વેધક દૃષ્ટિએ તેઓ તાગ લેવા મથ્યા છે તેમાં પરંપરાગત મનોવિજ્ઞાનના નિયત ક્ષેત્રની બહાર રહી જતી કેટલીક મૂળભૂત મનોદશાઓનું પ્રભાવક વર્ણન જોતાં તેમને સમર્થ મનોવૈજ્ઞાનિક પણ કહી શકાય. વળી, સંસ્કૃતિ, સમાજના પ્રશ્નોને ય તેમણે સ્પર્ધા છે. તેમની હાસ્યવિનોદની વૃત્તિ, તેમની કવિત્વમય દૃષ્ટિ અને તેમની સમીક્ષકવૃત્તિ એ સર્વનો વારંવાર સુખદ સંયોગ થતો રહ્યો છે. તેમનાં કેટલાંક લખાણો ગદ્યકાવ્યની કુમાશ અને લાલિત્ય ધારણ કરે છે. તરુણ કિર્કગાર્દને ઉચ્ચ અભ્યાસના પ્રારંભમાં જ હેગલના તત્ત્વજ્ઞાનનો ઘનિષ્ઠ પરિચય મળ્યો. પશ્ચિમના પરંપરાગત તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં હેગલનું અનન્ય સ્થાન હતું. જો કે પ્રાચીન ગ્રીસના પ્રસિદ્ધ ચિંતક સોક્રેટિસ વિશે પોતાના અધ્યયન-સંશોધનના ભાગ રૂપે તેમણે ડિઝર્ટેશન પણ લખ્યું. અને તત્ત્વચિંતકનો મહાન આદર્શ તેમણે સોક્રેટિસમાં પ્રત્યક્ષ કર્યો. પણ, તેમના અસ્તિત્વપરક ચિંતનનો પ્રારંભ વધુ તો હેગલના તત્ત્વજ્ઞાનની તેમની સમીક્ષાદૃષ્ટિમાંથી થયો એમ કહી શકાય. હેગલના ચિંતન પાછળની મુખ્ય ધારણાઓની તપાસ તેમણે આરંભી એ તો ખરું જ, પણ તત્ત્વચિંતનની એ પદ્ધતિ અને એના ઉદ્દેશ સામેય તેમણે વાંધા લીધા. એક રીતે, હેગલવાદની તેમની સમીક્ષા વત્તેઓછે અંશે પશ્ચિમના એ સમયના સમગ્ર તત્ત્વચિંતનની સમીક્ષા બની રહે છે. એ તો સુવિદિત છે કે હેગલે પોતાના ચિંતનમાં વિશ્વરૂપ સમગ્ર સત્તાને એક સુવ્યવસ્થિત અને સર્વગ્રાહી એવા વિચારતંત્ર (system) માં ઘટાવી આપવાનો સમર્થ પ્રયત્ન કર્યો હતો. સત્તારૂપ જે કંઈ છે તેને શુદ્ધ વિચારના રૂપમાં ઢાળી શકાય, અને એવા વિચારોનું તંત્ર રચી શકાય એમ હેગલ માનતા હતા. સમસ્ત વૈશ્વિક ઘટનાઓમાં સક્રિય રહેલી ૫૨મ ચિતિ (The Absolute Mind) એ રીતે હેગલના વિચારતંત્રમાં ઢળાઈ ચૂકી હતી. કિર્ક્રેગાર્દે હેગલના આ તંત્ર સામે જુદીજુદી દૃષ્ટિએ વાંધાઓ લીધા છે. પહેલી વાત તો એ કે આ તંત્રમાં માનવી કેવળ એક સર્વસામાન્ય ખ્યાલ બની જાય છે. આખાય ઉદ્દેશલક્ષી (teleological) એવા વિશ્વચક્રમાં તે એક પરાધીન વિગતથી કંઈ વધુ નથી. માનવીના અનન્ય અપૂર્વ એવા અસ્તિત્વના ખ્યાલને એમાં ક્યાંય સ્થાન નથી. જીવનના હરેક પ્રસંગે, હરેક પરિસ્થિતિમાં, સભાનપણે પસંદગી કરતો, નિર્ણય કરતો, નૈતિક જવાબદારીથી કાર્ય કરતો માનવી એમાં શોષાઈ ગયો છે. કિર્કેગાર્દને માટે નિજી અસ્તિત્વ સિદ્ધ કરવા નિરંતર જાગૃતપણે નિર્ણય કરતા, પોતાપણું દૃઢાવતા, અને એ રીતે પોતાના માનવીય સંયોગોનો બલકે પોતાની જાતનો મુકાબલો કરતા માનવનું અસ્તિત્વ જ સાચું અસ્તિત્વ છે. તેમની પાછળની વિચારણામાં ઈશ્વરની પરમકૃપા ઝંખતા અને તેના સામીપ્યમાં પોતાના અસ્તિત્વની આંતરિક એકતા અને અખિલાઈ માટે મથતા માનવીનો ૫૨મ મહિમા થયો છે. હેગલના વિચારતંત્રમાં માનવી આખાય ઘટનાચક્રમાં નિષિય ઘટક માત્ર છે. વળી હેગલનો ઈશ્વર પણ એક અમૂર્ત સત્તા બની રહે છે. કિર્કગાર્દ અત્યંત વૈયક્તિક અને આત્મીય એવા ઇશ્વરની ઝંખના કરે છે. મૂળ વાત એ છે કે કિર્કગાર્દ અસ્તિત્વ વિશે આગવી દૃષ્ટિ લઈ ને ચાલ્યા છે. તેઓ એમ કહે છે કે હેગલે વિચારતંત્રનું જે રીતે નિર્માણ કર્યું, તે કેવળ વિચા૨ ક૨તી ચેતનાનું પરિણામ છે. વસ્તુનો વિચાર, વિચાર કરતો આત્મ (Self), અને હું – એ સર્વ એકબીજાના પર્યાય બને છે. પણ, કિર્કગાર્દ કહે છે કે, માનવવ્યક્તિના સમવિષમ એવા અનેક અનુભવો, અસ્તિત્વના છેક મૂળગત એવા વિસંવાદો, વિશૃંખલતાઓ, અપૂર્ણતાઓ હેગલના તંત્રની બહાર જ રહી જાય છે. બૌદ્ધિક / તાર્કિક ખ્યાલોના જડબેસલાક તંત્રમાં માનવવ્યક્તિનું જે ખરેખર વિશેષ છે, અનન્ય છે, અપૂર્વ છે, તે પકડી શકાતું નથી. માનવના અસ્તિત્વને ખરેખર તો બૌદ્ધિક / તાર્કિક ઉપપત્તિની રીતે સિદ્ધ કરી શકાય નહિ. અસ્તિત્વ સ્વયં સઘનમૂર્ત અને સમૃદ્ધ સત્તારૂપ છે, પોતાને મળેલા સ્વાતંત્ર્ય દ્વારા તે સ્વનું સાચું સ્વરૂપ પામવા ઝંખે છે, પોતાના ખરેખરા ‘આત્મ’ (Selt) સાથે પુનઃસંધાન માટે સિાય બનવા ચાહે છે, તેને તાર્કિક ખ્યાલોના સ્વચ્છ સુરેખ તંત્રમાં બાંધી શકાય નહિ. સાચું અસ્તિત્વ તો અધિકૃત આત્મ (self) ની દિશામાં પૂરી જવાબદારી અને પૂરી પ્રામાણિકતાથી આરંભાતા જીવનના સંકલ્પ સાથે સિદ્ધ થાય છે. હેગલના ચિંતનમાં આવા નૈતિક જવાબદારી સાથે સક્રિય બનતા અને નિજી અસ્તિત્વ પામવા ઝંખતા વ્યક્તિવિશેષનો સ્વીકાર નથી. હેગલે જોકે પોતાની રીતે નીતિમીમાંસા કરી છે, પણ સાર્વત્રિક કોટિની અમૂર્ત ચર્ચાનું કિર્કગાર્દને મન કોઈ મહત્ત્વ નથી. હકીકતમાં, જીવનની કોઈ પણ નિર્ણાયક પળે માનવીને ખરેખર જે નૈતિક નિર્ણય લેવો પડે છે તેમાં અમૂર્ત નીતિવિચાર ક્યાંય કોઈ રીતે ઉપયોગી બનતો નથી. વ્યક્તિ પોતે પોતાના સંયોગો વચ્ચે પોતાના સમગ્ર આત્મને સંડોવીને નિર્ણય કરે છે, ત્યારે જ તેનું અધિકૃત અસ્તિત્વ સિદ્ધ થાય છે. કિર્કગાર્દ આવા અધિકૃત આત્મની પ્રતિષ્ઠા કરે છે, તે અનુગામી અસ્તિત્વવાદીઓ માટે મોટી આધારશિલા સમી બની છે. કિર્કગાર્ડે તો માનવીના નૈતિક-આધ્યાત્મિક જીવનનું વધુ મહત્ત્વ કર્યું છે. અસ્તિત્વ વિશેના કિર્કગાર્દના ખ્યાલને યથાર્થ રૂપે જોવા-સમજવામાં તેમણે અંકિત કરેલા ત્રણ કક્ષ (spheres) નો પરિચય આવશ્યક છે. એ કક્ષ આ પ્રમાણે છેઃ (૧) રસાત્મક કક્ષ (aeshtetic sphere); (૨) નૈતિક કક્ષ (moral sphere); (૩) ધાર્મિક કક્ષ (religious sphere). જો કે આ કોને એકદમ ચુસ્ત સીમારેખાઓમાં બાંધી શકાય નહિ, પણ ધાર્મિક કક્ષ અસ્તિત્વનું સાચું કેન્દ્રસ્થાન છે. નૈતિક કક્ષ એની આસપાસના પરિખંડ રૂપે કલ્પી શકાય. કિર્કગાર્દ એમ કહે છે કે સંસારનાં ઘણાં એક માણસો ૨સાત્મક કક્ષમાં જીવે છે. મુખ્યત્વે ભૌતિક સુખો ક્ષણ-બેક્ષણના આનંદો કે ભોગવિલાસમાં તેઓ રચ્યાપચ્યા રહે છે. શાશ્વતસુખની ઝંખના તેમનામાં જન્મી હોતી નથી કે સુખ વૈભવની ઘેલછામાં તેની સાચી ઝાંખી થઈ નથી. એ માણસો પોતાના નિજી અસ્તિત્વની ઓળખ માટે કશી વૃત્તિ ધરાવતા નથી. કેવળ વર્તમાનની ક્ષણોમાં તેઓ ખોવાઈ જવા ચાહે છે. જોકે તેમની આ જાતની પ્રવૃત્તિને અંતે કંટાળો, ત્રાસ, ગ્લાનિ, વિષાદ જેવા ભાવો જ તેઓ અનુભવે છે. નૈતિક કક્ષમાં તેમનો પ્રવેશ થાય છે, જ્યારે તેઓ શાશ્વતની ઝંખનામાં પોતાને એકત્ર કરવા પ્રયત્ન કરે છે. વ્યવહા૨ જગતમાં રાચવાને બદલે માનવી હવે પોતાની આસપાસના સંયોગોનો અને પોતાની જાતનો અંદરથી મુકાબલો શરૂ કરે છે. શ્રેયાશ્રેય, સદ્‌અસદ્‌ના નિર્ણયો કરવાનો આ તબક્કો છે. પોતાના અસ્તિત્વમાં ઊંડા ઊતરીને તેણે પોતાના સાચા રૂપની ખોજ કરવાની પોતાના વર્તમાન આત્મ (self)ના આંતરઉઘાડ માટે પૂર્વસમયના આત્મ સાથે અમુક અનુસંધાન કેળવીને ચાલવાનું છે. પણ આ તબક્કે ભાવિના પ્રસ્થાનની કોઈ ચોક્કસ દિશા સ્પષ્ટ હોતી નથી, અને વ્યક્તિને એ કારણે ઊંડી ભીતિ (dread) અને વ્યગ્રતા જન્મી પડે છે. ધાર્મિક કક્ષ એ શાશ્વતીની ઝાંખીની સાથે શ્રદ્ધાપૂર્વક આરંભેલો કૂદકો (leap) છે. ઇશ્વરની સત્તાનું પૂરેપૂરું જ્ઞાન મળી શકે નહિ, પણ તેની ઝાંખી થતાં તેના સામીપ્યમાં વ્યક્તિ પોતાના અનન્ય અપૂર્વ એવા આત્મ (self) નું અભિજ્ઞાન પામી શકે. નૈતિક કક્ષ સુધી તો વ્યક્તિ નીતિસદાચારનાં પરંપરાપ્રાપ્ત મૂલ્યોને આશ્રયે ચાલે, પણ ધાર્મિક કક્ષમાં પહોંચતાં વ્યક્તિ એવાં રૂઢ મૂલ્યોના માળખાને છોડી એક અજ્ઞાત વિશ્વમાં દાખલ થાય છે. હવે પૂરા જોખમ સાથે, પૂરા સાહસ સાથે, અને જવાબદારીના પૂરા ભાન સાથે પગલું ભરવાનું છે. શાશ્વતની ઝંખના પ્રબળ બનતાં આ તબક્કે શ્રદ્ધાથી કૂદકો મારવાનો પ્રસંગ આવે છે. ઈશ્વરની પરમ કૃપા સામે પ્રતીત થાય, પણ તેની ઓળખમાં વ્યક્તિ સંદેહ રાખે. પણ, કિર્કગાર્દ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે ઈશ્વરની સંમુખ, તેના સામીપ્યમાં, વ્યક્તિને નિજી વ્યક્તિત્વ સિદ્ધ થાય છે. જો કે ઈશ્વરની કૃપાથી તેનો માર્ગ એકદમ ખુલ્લો થઈ જતો નથી. અસ્તિત્વની સિદ્ધિની પ્રત્યેક ક્ષણે અનેકવિધ સંભાવનાઓ, પસંદગી અને નિર્ણય કરવાના પ્રસંગો તો આવે જ છે. પોતે શ્રેયનો માર્ગ પસંદ કર્યો છે એ પ્રકારના નિર્ણયમાં છેવટ સુધી તેને સભાનપણે ચિંતવવું પડે છે. પણ કશુંક તેને પોતાના વર્તમાન આત્મને ઓળંગી ઈન્દ્રિયાતીત (the Transcent) તરફ પ્રેરી રહે છે. કિર્કગાર્દમાં એ ઈન્દ્રિયાતીત તે ઈશ્વરની સંજ્ઞા છે, શાશ્વતી સત્તા છે. સાર્ગના અસ્તિત્વ૫૨ક ચિંતનમાં એવી કોઈ પરમ સત્તાનો સ્વીકાર નથી, એટલે, પોતાના વર્તમાન અસ્તિત્વને ઓળંગી જવા ઝંખતાં માનવી બીજી જ ક્ષણે શૂન્યાવકાશમાં ધકેલાઈ જાય છે. કિર્કગાર્દના અસ્તિત્વપરક ચિંતનમાં ઈશ્વરી સત્તાનો સ્વીકાર છે. છતાં માનવવ્યક્તિની અનન્યતા અને અપૂર્વતા પર પણ તેમણે એટલો જ ભાર મૂક્યો છે. અસ્તિત્વ સ્વયં મૂળભૂત બાબત છેઃ વિચારો પછીથી ઉદ્‌ભવે છે. સમયના ક્રમમાં ચોક્કસ પસંદગીઓ અને નિર્ણયો દ્વારા તે ઊઘડતું આવે છે. ખરેખર તો સમય અને સ્થળમાં તેનો પ્રસાર છે. તેના આ નૈતિક નિર્ણયો, જવાબદારીનું ભાન, ક્રિયાશીલતા, અને શાશ્વતીની ખોજ તેને આ જે કંઈ સાચું વ્યક્તિત્વ અર્પે છે, બલકે માણસ તરીકેની તેની ગૌરવલક્ષી પ્રતિમા રચે છે, તે તેના અસ્તિત્વમાં રોપાયેલાં મૂળભૂત વલણો છે. કોઈ સિદ્ધાંત, કોઈ વિચારતંત્ર કોઈ સૂત્ર કે કારિકામાં તેને બાંધી શકાય નહિ. આ સ્વાતંત્ર્ય અને જવાબદારી તેના આત્મનું હાર્દ છે. નોંધપાત્ર બાબત એ છે કે ઈશ્વરી સત્તાનો સ્વીકાર છતાં કિર્કગાર્દ માનવીના મૂળભૂત સ્વાતંત્ર્યના ખ્યાલને છેવટ સુધી ટકાવી રાખવા મથ્યા છે. અસ્તિત્વની સાચી પ્રાપ્તિ અર્થે ઈશ્વરી કૃપાના ખ્યાલ સ્વીકાર્યા પછી અનવરુદ્ધ સ્વાતંત્ર્યને ખરેખર તો સ્થાન રહેતું નથી. પણ ૫૨મ સત્તાની ઝાંખી થયા પછી ય માનવી સામે નિર્ણયની પસંદગીની સતત કસોટીરૂપ ક્ષણો આવે જ છે. આવો પ્રબળતમ ભાવાવેશ, સમગ્રની સંડોવણી, અને દૃઢ સંકલ્પથી પોતાની જાત સાથે અનુસંધાન કેળવીને આગળ વધવાનું છે. સ્વાતંત્ર્ય એ કંઈ પોતાની બા૨ની વસ્તુ પણ નથીઃ આપણા હોવાપણાનો એ અનિવાર્ય અંશ છે. સમયના માધ્યમમાં આપણે માટે બનવાની પ્રક્રિયા (process of Becoming) નું આગવું મૂલ્ય છે. અને, પ્રશ્ન, અંતે સૌથી અપૂર્વ પણ અખિલાઈ વાળું અસ્તિત્વ સિદ્ધ કરવાનો છે. માણસ સભાનપણે જે ક્ષણે એ દિશામાં ગતિ કરવા માંડે છે, ત્યારે જ તે સાચા અસ્તિત્વને પામવા અભિમુખ બને છે. ૨સાત્મક કક્ષ (aesthetic sphere) થી ધાર્મિક કક્ષ (religious sphere) તરફની ગતિ એટલે જ અસ્તિત્વના સાચા કેન્દ્ર તરફની ગતિ. કિર્કગાર્ડે માટે સાચું અસ્તિત્વ ધરાવવું, એટલે જ સાચા ખ્રિસ્તી બનવું એમ થાય. ઈશ્વરમાં શ્રદ્ધા એ માનવીની પરમોચ્ચ ભાવવિવશતા છે. અસ્તિત્વનું એ ૫૨મ કાર્ય પણ છે.

* * *