અનુબોધ/‘પૂર્વાલાપ’ની શ્રુતિ અને શ્રી


‘પૂર્વાલાપ’ની શ્રુતિ અને શ્રી

કવિ શબ્દનો ઉપાસક છે, શબ્દનો સ્રષ્ટા પણ. દરેક કવિને, ઇચ્છા કે અનિચ્છાએ, પોતાના સમયની ભાષા જોડે પનારો પડ્યો હોય છે. એટલે કે પ્રજામાં બોલાતી અને તેના જ્ઞાનવિજ્ઞાનમાં પ્રયોજાતી ભાષા જોડે તેને કામ પાડવાનું હોય છે. તે જે ભાષા દ્વારા કવિ સિદ્ધ કરવા ચાહે છે તેનો શબ્દગ્રામ જે તે પ્રજાના ચૈતન્યને સ્પર્શે છે એટલે કવિના હાથમાં આવતા શબ્દો અમુક ચોક્કસ સંસ્કાર લઈને આવ્યા હોય છે. આ સ્થિતિ તેની કાવ્યનિર્મિતિને ઉપકારક નીવડે તેમ અપકારક પણ. તે જે અપૂર્વ સંવેદનાને અભિવ્યક્તિ આપવા મથે છે તેની ‘અપૂર્વતા’ પ્રગટ કરવામાં એ શબ્દ સાધક નીવડે, તેમ અંતરાયરૂપ પણ. એટલે સાચો કવિ શબ્દ શોધે છે. પોતાને ઉપલબ્ધ બનેલા ભાષાના સાધનને જાણે કે નવેસરથી ઘાટ આપે છે. પોતે જે અવ્યક્તને વ્યક્ત કરવા ચાહે છે, જે અનિર્વચનીયને વાઙ્‌મય રૂપ આપવા ચાહે છે તે માટે ત નવાં અન્વયો સિદ્ધ કરે છે, નવા નવા સંદર્ભો રચે છે. અને આ રીતે કવિતામાં શબ્દના સંકેત વિસ્તરે છે, તેને નવું પરિમાણ પ્રાપ્ત થાય છે પ્રતિભાસંપન્ન કવિ પોતાના સમયની ભાષાને અતિક્રમી જવાના સતત પ્રયાસમાં હોય છે. ભાષાના પુનર્જન્મ દ્વારા તે કવિતા સિદ્ધ કરે છે એ સમગ્ર ઘટનામાં તેની સર્જકતનો અણસાર પ્રાપ્ત થાય છે. સ્વ. કવિ કાન્તે પોતાના સંવેદવિશ્વને કાવ્યરૂપ આપતાં પોતાના સમયની ગુજરાતીને જે રીતે પ્રયોજી છે તેમાં તેનો સર્જકવિશેષ રહ્યો છે. કાન્ત આપણા જાગૃત કળાકાર છે. ‘પૂર્વાલાપ’ની કવિતામાં જે શ્રુતિ અને શ્રી પ્રગટ્યાં છે તેમાં કાન્તની શબ્દસિદ્ધિનો ફાળો નાનોસૂનો નથી. તેઓ પોતાની કાવ્યરચના વિશે સભાન કવિધર્મ બજાવવા ઉત્સુક રહેતા. પોતાની રચાયેલી કે રચાતી જતી કવિતાના અભિપ્રાયો વિશે પુનર્વિચારણા કરતા. પોતાની કવિતા વિશે પોતે કડક પરીક્ષણ કરતા. અંગ્રેજી કાવ્યસાહિત્યમાં દાન્તે જેવા મહાકવિની કૃતિ તેમને આદર્શરૂપ લાગી હતી; પોતાના સમયની ગુજરાતી જ નહિ, આપણી સંસ્કૃતિ કવિતા પણ તેમને પૂરેપૂરી સંતર્પક નીવડી નથી. ‘કાન્તમાલા’માંના અનેક પત્રોમાં એ વિશે તેમનો ખ્યાલો રજૂ થયેલો છે. કાન્ત પોતાના કવિકર્મ વિષે કેટલા જાગૃત હતા તે તેમના તા. ૨૬-૧૧-૧૮૮૭નાં પત્રમાંના ચિંતનમાંથી જણાશે. ‘કવિતા સંબંધી તમારી ટીકા ખરી હતી. ઘણા દિવસથી જે કામ મેં મૂકી દીધું છે, તે એકદમ બહુ સારું તો ન જ બની શકે...expressions [શબ્દો] બે ચાર ઠેકાણે સારાં છે, પણ કેટલેક ઠેકાણે Bald [અનલંકૃત] છે. લખતાં લખતાં છેવટના ભાગમાં હું થાકી ગયો છું, અને છેલ્લી ગતિમાં જે અભિપ્રાય અને Force [આવશે] આણવો હતો, તે આવીક શક્યો નથી....’ પ્રસ્તુત વિચારણામાં કાન્તની સચ્ચાઈ પારદર્શક બની છે. તેમણે પોતાની કવિતારચના અર્થે શબ્દને પારખવાની સદા જાગૃતિ કેળવી છે. તેમનાં પ્રસિદ્ધ થયેલાં ખંડકાવ્યોમાં... ‘અતિજ્ઞાન’, ‘વસંત વિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’–માં જે ઉત્કૃષ્ટ કાવ્ય સિદ્ધ કર્યું છે તેમાં તેમની શબ્દસૃષ્ટિની મૂલ્યવત્તા કોઈ રીતે ઓછી નથી. વાસ્તવમાં, અન્ય કવિઓની બાબતમાં બન્યું છે તેમ, કાન્તની સર્જકશક્તિમાંયે ભરતી અને ઓટ આવ્યાં જણાય છે. ‘પૂર્વાલાપ’ના પરિશિષ્ટમાંની રચનાઓ ‘સૃષ્ટિ સૌંદર્યથી મન ઉપર થતી અસર’ અને ‘સ્વર્ગ-ગંગાને તીર’ ઉપરાંત ‘મૃગતૃષ્ણા’, ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’ અને ‘રમા’ જેવાં કાવ્યોમાંની કાવ્યબાની હજી ઘડતરદશાની જણાય છે. એમાં નિરૂપાયેલા ભાવ પ્રમાણમાં સરળ અને છીછરા જણાય છે. તેમનાં પ્રસિદ્ધ ખંડકાવ્યો ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’માં તેમની અતિ તીવ્ર સંકુલ સંવેદના સાકાર થાય છે અને ત્યાં આગળ તેમની અભિવ્યક્તિની શક્તિ જાણે કે કસોટીએ ચઢી છે. આ ખંડકાવ્યોમાં તેમની સર્જકતાના ઉત્તમોઉત્તમ આવિષ્કાર સધાયો છે. એમના જીવનમાં ઈ.સ. ૧૮૮૯થી ૧૮૯૧નો ગાળો એ ભરચક સર્જકતાનો ગાળો જણાય છે. અલબત્ત, એ ગાળામાંથી તેઓ સંખ્યાદૃષ્ટિએ તો બહુ ઓછી રચનાઓ આપે છે. એ પછી એમની સર્જકતા ક્રમશઃ ક્ષીણ થવા લાગી જણાય છે. અલબત્ત, ઉત્તરકળામાંનાં ‘સાગર અને શશી’ જેવાં કેટલાંક ઊર્મિકાવ્યો તેમની આરંભકાળની શક્તિનો ઝબકારો પ્રગટ કરી આપે છે ખરાં. કાન્તનાં પ્રસિદ્ધ ખંડકાવ્યોની કાવ્યબાનીનું પોત(texture) તપાસતાં જણાય છે કે એમાં વિલસતા દીપ્તિમંત કાવ્યની રચનાપરિપાટ, એક દૃષ્ટિએ, સંસ્કૃત કાવ્યની રચના જોડે કંઈક અનુસંધાન જાળવીને વિકસી છે; કાન્તની કાવ્યનિર્મિતિમાં સંસ્કૃત શબ્દોનો પ્રયોગ એ દૃષ્ટિએ નોંધપાત્ર ઠરે છે. પરંતુ આપને માટે કદાચ વિશેષ મહત્ત્વની હકીકત તો એ છે કે કાન્તની ઉત્તમ રચનાઓમાંની ભાવમુદ્રા નિરાળી છે. તેમની સમગ્ર ચેતના નિરાળી છે. કાન્તની વિશિષ્ટતા એ સમગ્ર કાવ્યની સંઘટના (organization)માં છે. તેમણે તેમનાં ખંડકાવ્યોમાં જે જે રહસ્યપૂર્ણ ઘટનાઓ પાયામાં લીધી છે તેમાં પન કથાતત્ત્વનું તો લગભગ તિરોધાન થઈ જતું જણાય છે. એ ઘટનાઓને અવલંબીને રજૂ કરેલી ભાવસૃષ્ટિ એ જ સ્વયં આસ્વાદના મૂળમાં છે. કાન્તે એ સૃષ્ટિના નિર્માણ માટે આગવી અભિવ્યક્તિની રીતિ નિપજાવવાનો યત્ન કર્યો છે. એમાં તીવ્ર સઘન સંવેદનાને આકાર આપવા વિશિષ્ટ તરેહનો સંદર્ભ રચ્યો છે. તેમાં સ્થાને સ્થાને સંસ્કૃત શબ્દાવલિઓ યોજાઈ છે પરંતુ કવિએ સિદ્ધ કરવા ધારેલી કવિતાના આગવા પરિવેશમાં તે સમુચિત રીતે સ્થાન પામી છે, તેમાં ઓતપ્રોત બની છે. એ ખરું કે આરંભની રચનાઓમાં, ખાસ કરીને ‘સૃષ્ટિસૌંદર્યની મન ઉપર થતી અસર’ કે ‘સ્વર્ગગંગાને તીર’ આદિમાં સંસ્કૃત વર્ણનછટાનું અનુકરણ જણાય છે. પરંતુ ‘વસંતવિજય’ આદિમાં તેઓ વિશિષ્ટ એવી અભિવ્યક્તિ નિપજાવે છે. ‘દેવયાની’માં સંસ્કૃત પદાવલિઓ કંઈક પ્રચુર માત્રામાં દેખાય છે. એમાં કચ અને દેવયાનીના મિલનનો પ્રસંગવિશેષ પ્રસન્નતા અને માધુર્યથી અંકિત થયો છે. કવિની લલિતમનોહર કલ્પનાને એમાં અવકાશ પ્રાપ્ત થયો છે. એ રીતે એમાં સંસ્કૃત શબ્દોનું પ્રમાણ વિશેષ છે પરંતુ કાન્તની સિદ્ધિ તો એક વિશિષ્ટ પરિવેશમાં એ સૌ શબ્દવલિઓને સહજ રીતે રસન્વિત કરવામાં છે. કદાચ, ‘અતિજ્ઞાન’ ‘વસંતવિજય’ કે ‘ચક્રવાકમિથુન’માં તીવ્ર સંઘર્ષનિરૂપણ માટે જે વિશેષ ઘાટઘૂટ પામેલી બાનીની અપેક્ષા હતી, તે ‘દેવયાની’માં નહિ હોય. કાન્તે સિદ્ધ કરેલા કાવ્યની લાક્ષણિક રીતિનું અવલોકન કરીશું. ‘અતિજ્ઞાન’માં સહદેવના અતિજ્ઞાનની કરુણતા આલેખાઈ છે. સહદેવનો ચિત્તસંઘર્ષ એ કાવ્યના મૂળમાં છે. એમાંનો કરુણ આરંભથી જ ઘૂંટાયો છે. ઉપાડનો શ્લોક જ જોઈએ :

ઉદ્‌ગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે;
જામી ગઈ તરત ઘોર, કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માંહિ વાત.

સમગ્ર કાવ્યમાં વ્યાપી વળતા ગૂઢ વિષાદનો ભાવ કાન્ત પ્રસ્તુત શ્લોકમાં અત્યંત સુંદર રીતે રજૂ કરી શક્યા છે. નભની ‘શૂન્યતા,’ દિશાઓનું ‘ધૂંધળાપણું’ કરાલ ઘેર રાત્રિના સામ્રાજ્યનો પ્રભાવ... અહીં અત્યંત લાઘવતાથી પ્રગટ થયાં છે. એમાં પ્રગટ થયેલી દરેક વિગતોથી મૂળનો ભાવ વધુ ઘેરો બને છે. આરંભની પંક્તિમાં ‘ઉદ્‌ગ્રીવ દૃષ્ટિ કરતાં’ એ ચિત્ર ખૂબ જ વ્યંજક બની રહે છે. ‘ઉદ્‌ગ્રીવ’ જેવો કવિતાના સંદર્ભની બહાર સાવ જ અપરિચિત લાગતો શબ્દ અહીં અર્થસભર બનીને આવ્યો છે. એમાં વસંતતિલકાનો આરંભાતો લય, ગાગાલ...., જાણે કે કશાક બોજનું સૂચન પણ કરતો દેખાય છે. સહદેવના ચિત્તસંઘર્ષને તેમણે જે પ્રકારે અનુષ્ટુભમાં રજૂ કર્યો છે તે જોઈએ :

જાણે બધું, તથાપિ કૈં કહેવની રજા નહિ,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.

પ્રસ્તુત શ્લોકમાં, અનુષ્ટુભના પ્રથમ વાર વર્ણ પછી યતિ યોજીને બાકીના બાર વર્ણો ત્વરિત ગતિમાં વહેવડાવ્યા છે. ભાષા બોલચાલની નજીક છતાં ઘૂંટાતા કરુણને તે તીવ્રતા અર્પે છે. તેમણે સહદેવના ચિત્તના ઘમસાણને વંશસ્થમાં રજૂ કર્યા છે તે પ્રયોગ પણ લક્ષ્યપાત્ર છે :

કરાય શું નિષ્ફલ જ્ઞાન સર્વ આ
થનાર ચીજો નવ થાય અન્યથા
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું,
અનેક હું એકલડો સહ્યા કરું.

અહીં સહદેવના અંતરના સંતાપ અને તેમના આક્રોશને સમર્થ વાચા મળી છે. ‘વસંતવિજય’ના આરંભના શ્લોકમાં માદ્રીની કરુણ આર્તવાણી જાણે અંધારાના પટને ચીરતી સંભળાય છે. અને કવિ ‘વસંતવિજય’ના ભાવવિશ્વને ટેકવતી આધારશિલા જેવી પંક્તિઓ આપે છે :

ગિરિના પ્રાંતમાં કોઈ બાંધી પર્ણકુટી દ્વય,
બંને રાજ્ઞી તથા રાજા કરતાં કાલ ત્યાં ક્ષય.

અહીં અનુષ્ટુભનો લય અનન્ય રીતે સાર્થક થયો છે. પ્રથમ અષ્ટક ‘ગિરિના પ્રાંતમાં કોઈ’માં વિસ્તરતા અવકાશનું, વિશાળતાનું ચિત્ર ખડું થાય છે. પણ એ અવકાશ ગ્રહણ કરવાને સ્પષ્ટ રેખા જોઈએ : તો એ ‘ગિરિના પ્રાંતમાં’ ક્યાંક બે ‘પર્ણકુટિરો’ દેખાય છે! ‘પર્ણકુટિર’ પણ સાભિપ્રાય શબ્દ છે. વિસ્તૃત ગિરિ ‘પ્રદેશમાં એ ‘પર્ણકુટિ’ વિશાળ વનરાજિ જોડે સંવાદી બની જાય છે. ‘રાજા’ અને ‘રાજ્ઞી’નું એ નિવાસ્થાન છે! બીજી જ પંક્તિમાં કવિ એવું કથન રજૂ કરે છે કે ‘રાજા’ અને બંને ‘રાજ્ઞી’ ત્યાં ‘કાલ’નો ‘ક્ષય’ કરતાં હતાં! કવિતાના અંતમાં ‘કાલ’ જાણે કે ‘રાજા’ નો ક્ષય કરે છે, એ સંદર્ભમાં ‘ક્ષય’ કરતાં કરતાં! કવિતાના અંતમાં ‘કાલ’ જાણે કે ‘રાજા’ અને ‘બંને રાજ્ઞી’ ત્યાં ‘કાલ’નો ‘ક્ષય’ કરતાં હતાં! કવિતાના અંતમાં ‘કાલ’ જાણે કે ‘રાજા’નો ક્ષય કરે છે, એ સંદર્ભમાં કેવો કરુણ વ્યંગ્ય રહ્યો છે! વાસ્તવમાં, આ બે પંક્તિ દ્વારા સ્થળ અને કાલના અનંતપણાનું સૂચન છે અને તેના વિશિષ્ટ સંદર્ભમાં આ કરુણ માનવ ઘટનાની કથા રજૂ થઈ છે. અંધકારના યાત્રી જેવો રાજા પાંડુ ‘માદ્રીવિલાસ’ નામના સુંદર સરોવર આગળ આવી ઊભો. આ સ્થાન જોડે તેના ચિત્તમાં અનેક સંસ્કારો સંકળાયા પડ્યા હશે પરંતુ આખી પરિસ્થિતિ કેવી ભ્રામક છે!

ઝાંખી ભરેલી જલની સ્થિરતા જણાય.
જોતાં જ તર્ક નૃપના ક્યહિંએ તણાય.
બેસે શિલા ઉપર ચાલી સંચિત રાય,
ઊંડા વિચાર મહિં છેવટ મગ્ન થાય.

આજે અંધકારમાં, એ સરોવરના જલમાંની હંમેશની ચંચલતા લુપ્ત થઈ ગઈ હતી! આજે જ્યારે એ સરોવરની ઝાંખી ઝાંખી સપાટી સ્થિરતા ધારણ કરતી હતી ત્યારે એ જ સરોવરની સ્મૃતિ રાજાના ચિત્તને ક્યાંક ‘દૂર’ ઘસડી જાય છે! પેલું સરોવર જાણે કે અંધકારમાં આવૃત્ત બની ગયું હતું! જ્યારે એ ક્ષણે રાજાના ચિત્તમાં સંક્ષોભ વધતો જતો હતો! ‘વસંતવિજય’ની કવિતામાં સતત એક પ્રકારે irony નું તત્ત્વ પ્રગટતું રહ્યું છે અને તે દ્વારા એ કવિતાનો કરુણ ઘૂંટાતો રહ્યો છે. ‘ચક્રવાકમિથુન’માં કાન્તની બે રમણીય પંક્તિઓનું કાવ્ય જોઈએ :

ઘાટાં ભીનાં વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ,
માણિક્યોથી ગ્રથિત સરખાં જ્યાં થાય પર્ણ.

ચક્રવાક ચક્રવાકીને સૂર્યોદયની ક્ષણે થતા અપૂર્વ આહ્‌લાદને વ્યક્ત કરવા કવિ અહીં અભિનવ યોજના કરે છે. તેમના અંતરમાંનો આહ્‌લાદ બાહ્ય પ્રકૃતિમાંના સૌંદર્યના વર્ણન દ્વારા વધુ ઉત્કટ બન્યો છે. અંતમાં, ‘દેવયાની’માંની કવિની સુભગ પંક્તિઓ નોંધીશું :

લંબાવેલા સ્વર મધુર આ વ્યોમ માંહે ફરે છે.
‘પુષ્પે પુષ્પે વિટપ વિટપે નૂતનશ્રી ભરે છે,’
ન્હાનાં ન્હાનાં વપુ ધરી શકે શોધતા એ દિશામાં,
રેલંતા એ રતિ વિવિધ શી કૈ શશીની નિશામાં૧

લાવણ્યવતી બાલા દેવયાનીના કચને ઉદ્દેશીને બોલાયેલા બોલના સાદ જાણે કે આસપાસના વિશ્વમાં કેવો તો મૃદુલ પડઘા પાડે છે તેનું અનુપમ વર્ણન અહીં રજૂ થયું છે. કવિ કાન્તે પોતાના યુગમાંની ગુજરાતી વાણીને અભિનવ સંસ્કાર આપ્યો અને એ દ્વારા અનુપમ કાવ્ય પ્રગટાવ્યું. તેમણે શબ્દની શ્રુતિ અને શ્રી ઓળખવાની અભિજ્ઞતા કેળવી હતી. તેમની કવિતામાં, છંદોલયને અનુકૂળ, શબ્દો પણ લયાન્વિત બનતા ગયા અને ભાવાભિવ્યક્તિનું લક્ષ જાળવતા રહ્યા. તેમનાં ખંડકાવ્યોમાં તેમ જ કેટલાંક ઊર્મિકાવ્યોમાં ગુજરાતી કવિતાએ કેટલાંક રમણીય શિખરો સર કર્યા, ‘સાગર અને શશી’માં તેમની શબ્દસૃષ્ટિ એકી સાથે physical spiritual સ્તરને સ્પર્શે છે. કાન્તની સર્જકતનો એ અનુપમ ઉન્મેષ છે. કાન્તની કવિતા દ્વારા આપણી ગુર્જર ભારતી સૌભાગ્યવતી બની છે. *‘સમર્પણ’ નવેમ્બર ૧૯૬૭

* * *