અનુષંગ/અજાયબઘર


અજાયબઘર

‘નઘરોળ’, લે. સ્વામી આનંદ (બાલગોવિંદ, ૧૯૭૫. પા.૨૪૮, રૂ. ૧૨-૫૦)

સ્વામી આનંદનું ગુજરાતી નિબંધસાહિત્યના ઇતિહાસમાં અવશ્ય નામ લેવું પડે એવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. ચરિત્રનિબંધમાં તો એમણે પોતાનો ચીલો આંક્યો છે અને બળૂકી, કસદાર, તોલદાર, ગદ્યશૈલીથી એમણે ગુજરાતી ગદ્યમાં એક નવી ભાત પાડી છે. સ્વામી આનંદે ઘણાં લખાણો અંગ્રેજી ઉપરથી પણ કરેલાં છે. એમને તેઓ ‘રજૂઆતો’ તરીકે ઓળખાવે છે અને પોતાને ‘રજૂઆતદાર’. જેમ કોઈ નટચમૂ કોઈ લેખકના નાટકમાં ઓતપ્રોત થઈ, એને પોતાની રીતે સમજી, પોતાના અભિનય દ્વારા એની ‘રજૂઆત’ કરે છે તેમ સ્વામી પણ પોતે વાંચેલા કે સાંભળેલા કે અનુભવેલા પ્રસંગોમાં ઓતપ્રોત થાય છે, એને પોતાની રીતે સમજે છે અને પોતાના ભાષા-પ્રયોગથી એની ‘રજૂઆત’ કરે છે. નટચમૂની ‘રજૂઆતો’ જેમ એક સ્વતંત્ર કળા છે તેમ સ્વામીની આ નિબંધાત્મક રજૂઆતો પણ એક સ્વતંત્ર કળારૂપને પામી છે.

નિબંધ કોઈ ને કોઈ રીતે લેખકના વ્યક્તિત્વની છાપ લઈને આવતો હોય છે – વિષયપસંદગીમાં, વિચારમાં, રજૂઆતમાં, ગદ્યશૈલીમાં. અહીં વિષયપસંદગી પણ સ્વામીની વિલક્ષણ વિષયપસંદગી જણાય છે. નઘરોળ એટલે, સ્વામી કહે છે તેમ, “ફુવડિયો, ડઠ્ઠર, નીંભર, હાડોહાડનો બેપરવા, નઠોર, રીઢો, અઘોરી, ઓઘરાળો, દીર્ઘસૂત્રી.” નઘરોળોના આવા “તરેહવાર નમૂના” સ્વામી સિવાય કોણ સંઘરે? અરે, એવા નઘરોળોનાં સ્વભાવવર્તાવ, આદત આચરણને આટલી નજીકથી, આવી હૂબહૂ રીતે જુએ પણ કોણ? નઘરોળનો આબાદ નમૂનો તો એ શીર્ષક નીચે દોરાયેલી વાદનવિદ્યાના એક નિષ્ણાતની ચરિત્રરેખાઓમાંથી જ આપણને મળે છે. બીજે બધે લાગણીશૂન્યતા, નીંભરપણું, રીઢાપણું, બેપરવાઈ એ ગુણલક્ષણનો તંતુ તો આપણને સાંપડે છે, પણ સાથેસાથે લુચ્ચાઈ, દોંગાઈ, હઠીલાપણું, મૂર્ખતા, દયાજનકતા, નિર્માલ્યતા, સ્વાર્થસાધુપણું, વાણિયાશાઈ વ્યવહારકુશળતા, અહંભાવના વગેરે પ્રકારનાં ગુણલક્ષણોની રેખાઓ પણ ગૂંથાય છે, ક્વચિત્‌ એ જ મુખ્ય બની રહે છે અને ‘નઘરોળ’ શબ્દનો અર્થવિસ્તાર થઈ રહ્યો હોવાનું અનુભવાય છે. ગમે તેમ પણ સ્વામીએ ચૂંટી કાઢેલા આ નમૂના તરેહવાર તો છે જ અને કોઈક અજાયબઘરમાં આપણે આવી ચડ્યા હોઈએ એવી લાગણી થયા વિના રહેતી નથી. પેલા સંગીતવિદ્યાના ‘મોરશદજી’ જ જુઓને! ગોળમટોળ કાળું કલિંગડ, “આ નવતર કુણ આવ્યું સે?” જેવી “તોફા બોલચા”, પટા કે ભાત સામા માણસને ભાગ્યે ભળાય એવું મેલુંદાટ પાટલૂન, ઠેરઠેર માખીઓની વસાહતવાળાં ગંદાં ને ગંધાતાં કપડાં. નાતાલને દિવસે પણ એમના ઘરને પગથિયે-પગથિયે અરધો ઇંચ ધૂળકચરા, કાગળની ચબરખીઓ, મરઘાં-કૂતરાંનાં પીંછાં, તૂટેલા ઝાડુની સળીઓ અને છેલ્લે પગથિયે બારણા સામે લીલા રંગની મોટી માખોનાં ઝુંડ ભરેલું, બબણતું સંડાસ, નાનકડા બાબલાએ પવિત્ર કરેલ ટેબલ-થાળીમાં નિરાંતે આરોગે. કોઈ વખતે બેઠક-જલસામાંથી મોડી રાતે ઘેર આવે ત્યારે નિરાતે ઘોંટી જવા માટે બૈરી-છોકરાં મા ને બાપ બધાંને લાતો મારીને ઘર બહાર તગેડી મૂકે; અઠવાડિયા પહેલાંનો કૂતરીનો વાંકગુનો યાદ આવતાં એને બોચીએથી પકડી એનું માથું ભીંત સાથે અફાળે. ટ્યૂશન લેનાર આવે ત્યારે કોઈ વાર ઘાસગંજીમાં સંતાઈ જાય, કોઈ વાર ઢગલો રજાઈગોદડાં તળેથી પહોરવારની ઘાંટાઘાંટ પછી સળવળે, ઘુરકામણી આંખે તાકે અને બેઠા થઈ ઘડી ચપકું ભણાવે, તે કોઈ વાર પોતાની મચ્છી-દુકાનેથી ઉઘાડે ડિલે આવી હાથમોં ધોયા વિના પલાંઠી મારી મંડે ભણાવવા! પણ બેઠક-દાયરા-જલસા-મેળાવડામાં આ મોરશદજીનો હાથ ઝાલનારો કોઈ માઈનો પૂત ન મળે! બીજાં કેટલાંક ચરિત્રો પણ પણ એમની અજબગજબની વિલક્ષણતાઓથી આપણા ચિત્તમાં કબજો જમાવ્યા વિના રહેતાં નથી. ફતેહપુર સિક્રીનો પેલો ટમટમવાળો. એના અડિયલ ટટ્ટુએ આગળ વધવાનો ઇન્કાર કરતાં એના પર એ કેવો કાળો કેર વર્તાવે છે અને “જભે કર દૂંગા” એમ કરતો એની સામે દસ ઇંચના ખાટકીછરા સાથે કેવો ધસે છે! જાણે બીજો અડિયલ ટટ્ટુ! સ્વામીના મકાન-માલિક મિસ્ત્રીની વાણિયાહઠ તો હેરત પમાડે એવી છે. ભાડું વધારી આપવાની નરદમ લાચારી અને મકાન ખાલી કરી આપવાની પૂરી તૈયારી બતાવ્યા પછી પણ એ ‘પડ્યો પોદળો ચપટી ધૂળ ઉપાડે’ એવા હિસાબથી ભાડું વધારવાની વાત બેચાર મહિને મૂક્યા જ કરે છે, મકાન ખાલી કરવા દેતા જ નથી. ભલાઈ અને વ્યવહારબુદ્ધિનું અજબ મિશ્રણ એમાં થયેલું છે. સ્વામીએ જેમને ‘મરકાના’માંથી ‘મારકણાં’ બનાવ્યા (અને જેમણે એમાં ગર્વ લીધો) એ મેજર તો જબરા છે. મોઢાની લાપસી પીરસ્યા કરે, પણ દમડી ન છૂટે. મજૂરને મજૂરી આપવાને બદલે બંદૂક બતાવે અને દીકરીનીયે વિયાયેલી ગાયને આંગણે લાવી એનું દૂધ વાપરી લે અને વસૂક્યે પાછી મોકલી દે! દૂધમાં પાણી નાખવાનો તો પોતાનો ધરમ એમ બેશરમીથી કહે. ધનના લોભમાં બીજાની માલમિલકત ઓળવે અને પોતાની જમીન પર ભારે પરિશ્રમ પણ કરે. આપવડાઈમાં રાચ્યા કરતા અને તેથી જ જીવનના અંતિમ દિવસોમાં એકાકીપણાનું દુઃખ ભોગવતા ‘ભરાડી’ પત્રકાર સેન્ટ નિહાલસિંઘ તેમજ ચોરીની આદતમાં જ્યાંત્યાં ભટકેલી, જેલમાં સબડેલી અને કોઈ ઇન્ડિઅન યોગીના કહેવાથી ખાવું ન પડે, પહેરવું-ઓઢવું ન પડે એવો યોગ કરવા હિમાલયમાં ગંગાકાંઠે આવેલી અમેરિકન ધોબણ પણ સંસારમાં જોવા મળતા ભાતભાતના લોકની આપણને ઝાંખી કરાવે છે.

સ્વામીએ પોતાનો હેતુ બધે જ માનવખોપરીની અવનવી ખાસિયતોનું દર્શન કરાવવા પૂરતો જ મર્યાદિત રાખ્યો નથી. સમાજમાં કે સમાજના કોઈ વર્ગમાં જોવા મળતાં દંભ, પાખંડ, નઠોરતા વગેરેને પણ એ પોતાના વિષય બનાવે છે. ‘વાત વીસમી સદીની’માં ધર્મજડતાનું મુખ્ય પાત્ર બ્રાયન છે, છતાં જુરી અને અમેરિકન બહુજનસમાજ એના ભાગિયા છે, બ્રાયન તો એમનો પ્રતિનિધિ છે એ બતાવવાનું સ્વામી ચૂક્યા નથી અને અંતે સામાજિક ધર્મજડતાનું ચિત્ર જ ઉઠાવ પામે છે. ‘જમાનાની બલા’માં છે તો મનોવિજ્ઞાનના નિષ્ણાત દાક્તરોને પનારે પડેલી એક દર્દી બાઈની આપવીતી, પણ એમાંથી ઊપસે છે આધુનિક હૉસ્પિટલોમાં દર્દીઓને ભોગે થતાં ઉટપટાંગ અખતરાઓની કરુણ કથની. ટૂંકમાં, આ વ્યક્તિચિત્રો મટીને સંસારચિત્રો બને છે. આથી આગળ જઈ સ્વામી ક્યારેક સમાજવ્યવસ્થાનો મુદ્દો પણ ઉપસાવે છે. ‘વરસના મહિના વીસ’માં ભોળા આદિવાસીને ઠંડે કલેજે નિચોવી લેતા શાહુકારનું પ્રસંગચિત્ર આંખ ઉઘાડનારું છે, પણ એ આવે તો છે આદિવાસીઓનાં ટોળાં આજે પાકેલા આંબા વેડી જાય છે એમાં રહેલા nemesisનું દર્શન કરાવવા. ‘ખશકૂલું’માં દયામણા ચહેરા સાથે ઘોડાગાડીના ખૂણે બેસી સિફતથી પાઉંરોટીને વચ્ચેથી કાતરી ખાનાર ‘ટિણકુડિયા અળશિયા’ની અને કંઈક ખંધા, કંઈક સાચીખોટી અકળામણ બતાવતા એના બોલકા બાપ, ગાડીવાળાની છબી આપણા મનમાં વસી જાય એવી છે, પણ સ્વામી તો એમાંથી સામાજિક વિષમતાના ચિંતનના ચકરાવે ચડ્યા છે. ‘કંસના વારસ’ને તો ભૌતિક સુખની પાછળ પડેલા આધુનિક સમાજની ચિકિત્સા કરતો એક ચિંતનાત્મક નિબંધ જ ગણવો પડે તેવું છે – પ્રસંગ અને દૃષ્ટાંતના સરસ વણાટવાળો પણ ચિંતનલક્ષી નિબંધ. એકબે નિબંધોમાં કૌતુકરસ પ્રધાન બની જતો પણ જણાશે. ‘હીરૉશીમાનો હત્યારો’, એ પ્રસંગમાં સંડોવાયેલા એક માણસ વિશે “લેખકો અને છાપાંવાળાઓએ નાહકના કુતૂહલ, રોમાંચરસ, કે ટૂંકા સ્વાર્થના માર્યા, પોતપોતાના ભેજાને જોરે આવડો અગડબંબ કુતુબમિનાર રચ્યો” એનો પરિચય આપણને કરાવે છે અને કુતૂહલ અને રોમાંચનો રસ જ મુખ્યત્વે આપણને પીરસે છે. ‘મસાણે ચુકવણી’માં પણ ગરીબ શિલ્પકારની રકમ ઓળવી ખાતા બ્રાહ્મણ શાહુકારની ધરાર નાગાઈની વાત સચોટ રીતે મુકાઈ છે, પણ આખા લખાણમાં ઉપર તો તરી રહે છે નદીમાં તણાતાં મડદાં એકબીજામાં ભેરવાઈ પડ્યાં અને ઓળવાયેલા પૈસા પાછા ચૂકવાતાં છૂટાં પડ્યાં એ ચમત્કારિક ઘટના. આ રીતે ક્વચિત્‌ ઘટનારસને, ક્વચિત્‌ જીવનચિંતનને, ક્વચિત્‌ સમાજચિત્રને પણ બહુધા વ્યક્તિચરિત્રને ઉઠાવ આપતા આ નિબંધો એની વસ્તુસામગ્રી જ આપણા પર પકડ જમાવે એવા છે.

સ્વામીનાં આ ચરિત્રાંકનો બતાવે છે કે જે એમને હાડોહાડ સ્પર્શી ગયું છે, એમના દિમાગમાં ચોંટી ગયું છે એના વિશે જ એમણે પોતાની કલમ ચલાવી છે. નીરસ કથનનો અંશ પણ એમાં ભાગ્યે જ આવે છે એનું કારણ એ છે. વિષયવસ્તુ સાથેની સ્વામીની તન્મયતાની સાખ પુસ્તકનું લગભગ (એકેએક પાનું પૂરે છે. નઘરોળોની કંઈક સૂગ ચડાવે એવી, કંઈક ઘૃણા જન્માવે એવી, દુનિયાને આટલી તન્મયતાથી આલેખવી એ કોઈ તટસ્થ કલાકારની વૃત્તિ જ દર્શાવે છે. મેજર મારકણાએ તો સ્વામીની અગવડોમાં ઉમેરો કરવાનું કામ કરેલું, છતાં એ પ્રસંગોએ જેમ સ્વામીએ ગાંધીચીંધ્યો સહનશીલ વર્તાવ રાખ્યો, ઉદાર મનની ઉપેક્ષાવૃત્તિ દર્શાવી તેમ એનું ચિત્રણ કરતી વખતે પણ સ્વામી દૃષ્ટા કે સાક્ષીની વૃત્તિથી, અંગત લાગણીઓને વચ્ચે લાગ્યા વિના, ચાલે છે. ‘ખશકૂલુ’, ‘જભે કર દૂંગા’, ‘મારા ઘરધણીઓ-૧’ સઘળે આ૫ણને સ્વામીની સહાનુભૂતિનો વિસ્તાર જ જોવા મળે છે અને બીભત્સ આદિને આપણા કાવ્યશાસ્ત્રીઓએ રસમાં ગણવ્યા ત્યારે એમના મનમાં કઈ જાતનાં ચિત્રણો અપેક્ષિત હશે એની કંઈક ઝાંખી અહીં આપણને થાય છે. સ્વામીને પોતાના વિચારો, અભિપ્રાયો, જીવનમૂલ્યો નથી એવું તો કંઈ નથી. “ ‘નિષ્ણાત’ એ આજના જમાનાની એક બલા છે” એ સ્વામીનો એક અભિપ્રાય છે એવું આપણે કહી શકીએ, સ્વામી એ અભિપ્રાય થોડી દલીલો સાથે, અનુભવના હવાલા આપીને, અસરકારક રીતે સ્થાપે પણ છે, પણ પછી માનસિક નિષ્ણાતોને પનારે પડેલી પેલી સ્ત્રીની આપવીતી રજૂ કરે છે ત્યારે વચ્ચે કશુંયે ટીકા-ટિપ્પણ કરતા નથી, પોતાના અભિપ્રાયને ઘૂંટતા નથી, આપણી લાગણીને સ્પર્શી પોતાના અભિપ્રાયનો પ્રચાર કરવા પ્રવૃત્ત થતા નથી. હા, પ્રસંગનિરૂપણમાં જ આપણી લાગણી કે વિચારને ઘડે એવું કંઈક હોય છે. પણ માટે તો આ વાર્તાઓ નથી, નિબંધો છે એમ આપણે કહીએ છીએ. નિંબધ પ્રસંગનિરૂપણ, પાત્રનિરૂપણ દ્વારા કશુંક દૃષ્ટિબિંદુ તો આપે. હીરૉશીમાની ઘટના એક ગાંધીવાદી અહિંસાપ્રેમી લેખકના હાથમાં આવે તો એનો કેવો પુણ્યપ્રકોપ જાગે અને ઘટનાના કયા પાસા વિશે એનું ચિત્ત ચાલે એ આપણે સમજી શકીએ છીએ પણ સ્વામીએ એ ઘટનાનું થોડુંક પણ સ્પષ્ટ મૂલ્યાંકન રજૂ કરી કૌતુકભર્યા વ્યક્તિ-ઇતિહાસમાં જ રસ લીધો છે. ‘કંસના વારસ’ કે ‘વરસના મહિના વીસ’ જેવા નિબંધો તો વિચારપ્રેરિત છે, છતાં ત્યાં પણ પ્રસંગકથન તો વણરંગ્યું જ થાય છે. તાત્પર્ય કે સ્વામી પાસે પોતાની જીવનદૃષ્ટિ છે, વિચારો છે છંતા વસ્તુમાં એમને એટલો જ, કદાચ વધારે ઊંડો રસ છે. તેથી જ સામાન્ય રીતે વસ્તુમાંથી જ વિચાર આછોઆછો સ્ફુરતો રહે એવી સ્થિતિ સર્જાઈ છે અને સાચા નિબંધની આબોહવાનું નિર્માણ થયું છે.

સ્વામી દૈનંદિની નોંધ રાખનાર વ્યક્તિ જણાય છે. ઇતિહાસનું, વીગતોનું પણ એમને આકર્ષણ છે. ‘હીરૉશીમાનો હત્યારો’ એમના આ આકર્ષણનું ફરજંદ, અમુક અંશે, છે. બીજે પણ એમણે આવશ્યક ભૂમિકારૂપ માહિતી આપી જ છે. પણ એ એટલા વિવેકથી આપી છે કે ડાયરીના સ્વરૂપનું નિબંધ ઉપર આક્રમણ થતું રોકી શકાયું છે અને પ્રસંગની અધિકૃતતાની છાપ ઊભી કરવા પૂરતો એનો લાભ લઈ શકાયો છે. થોડીક આજુબાજુની વીગતો, ચિંતનનો એક લસરકો પણ ઝાઝું તો પ્રસંગવર્ણન એ સ્વામીની નિબંધશૈલી છે. ચરિત્રચિત્રણ પણ સામાન્ય રીતે પ્રસંગોની સહાયથી જ થાય અને એમાં સંવાદો છુટ્ટે હાથે પ્રયોજાય. સ્થળ, વાતાવરણ, વ્યક્તિની નક્કર રેખાઓ પણ ખેંચાય, આપણે દૃશ્યો જોઈ રહ્યા હોઈએ અને પાત્રોને સાંભળી રહ્યા હોઈએ એમ લાગે. સ્વામી પાત્રને એની આગવી રૂપછટા સાથે કેવું આબેહૂબ તાદૃશ કરે છે એનો એક જ નમૂનો જોઈએ : “માલિકનાં દેદાર મિલકતથી ચડે. ચાળીસેક ઉંમર, મજનૂં કાઠી. માથા પરના ભાવરભીંછાં આગ્રાશાઈ ટોપી હેઠળથી આગેપ છે ને બેઉ કાન પર ડોકિયાં કરે. ગળે દરગા-સલામતની ખેરાતના મણકા વચ્ચે રૂપાની ખોળ વાળું તાવિજ મૅલા લઘરવઘર કુરતા ઉપર છાતીએ લટકે. કમ્મરે બે વારની રંગીન ચોકડિયાળી મૅલીદાટ લુંગી. સુક્કો રાણકોકડી ચહેરો. તીરકામઠાની જેમ તણાએલાં ભવાંની ઊંડાણે ઝીણી આંખો તગતગે. તંગ, કાવરી મુદ્રા અને ઠરડાઈ ગયેલ દાઢીમૂછો ટેડા તરેહવાર મિજાજની ચાડી ખાય.” વસ્તુ કે વાતને આબાદ મૂર્ત કરવા માટે, આપણા હૃદય સોંસરવી ઉતારી દેવા માટે સ્વામી કેવાં ઉપમારૂપકો (‘સુક્કો રાણકોકડી ચહેરો’) અને કેવા તાજગીભર્યા શબ્દપ્રયોગો (‘ટેડા તરેહવાર મિજાજ’) લાવે છે તે ઉપરના ઉદાહરણમાં દેખાઈ આવે છે; પણ એનો પૂરો ખ્યાલ સ્વામીના આખાય લખાણને જોયા વિના આવવો મુશ્કેલ છે. સ્વામીની રજૂઆતો એક પ્રકારની કહેણીઓ છે, દાદાજીની વાતો છે. ક્રિયાપદ વગરનાં વાક્યો અને પ્રત્યક્ષ વર્તમાનના પ્રયોગો એમાં કેટલાબધા છે! લેખક તરીકે પણ આટલી સ્વાભાવિક બોલચાલની શૈલીએ સ્વામી લખતા હોય ત્યારે એમના સંવાદોમાં તો કેટલી સ્વાભાવિકતા અને જીવંતતા હોય એ આપણે કલ્પી શકીએ છીએ. વાચક સાથે આત્મીયતાના સંબંધવાળું નિબંધનું ગોષ્ઠિસ્વરૂપ અહીં બરાબર પ્રગટ થયું છે.

સ્વામી આપણા એક સમર્થ ગદ્યસ્વામી છે. લોકભાષાની – બોલાતી ભાષાની છટા એમાં મૂળભૂત છે. ‘મૂકવું’ને બદલે સ્વામી ‘મેલવું’નો જ પ્રયોગ કરે. બોલીની ઉચ્ચારણ-ખાસિયતો પણ લાવે. ‘મુરશિદ’નુ ‘મુરશદ’ કે ‘મોરશદ’ પણ કરે. પણ અંતે તો સ્વામીની ભાષા ‘તરેહવાર’ છે એમ આપણે કહેવું પડે. એમાં જુદીજુદી બોલીની ઉચ્ચારણ-ખાસિયતો આપણને સાંભળવા મળે. અને ‘અકોણાઈ’ ‘વડદાદાની વારી’ ‘દોથો’ ‘રુગા’ ‘દગદગો’ ‘પરડ’ ‘તથ્યા’ ‘ગવળી’ ‘ફે ફાટવી’ ‘ખદવું’ ‘ઑતાડી’ ‘કસોજણ’ ‘ધણિયામો’ ‘સમણાસમણ ‘વાહતૂક’ ‘ઢાચલું’ ‘કૅથે’ ‘સાંસતો’ ‘અભળખા’ ‘ખાંગો’ ‘તાશેરો’ જેવા તળપદા પ્રાદેશિક ગુજરાતી શબ્દો સાથે ‘તોફા’ ‘કરિશ્મા’ ‘જ્યારત’ ‘હસ્તીમોજૂદગી’ જેવા ફારસી-હિંદી શબ્દો, ‘નૉરમલ’ ‘ઇનિંગ’ ‘રોમાન્સ’ જેવા ચાલુ બોલચાલના અંગ્રેજી શબ્દો અને ક્યારેક ‘ઝબ્બૂ’ ‘ખશ કૂલુ’ જેવા પહાડી શબ્દો પણ પ્રયોજાતા આવે. ‘Nemesis’ ‘બાલ્કનાઇઝેશન’ જેવા પાંડિત્યદર્શક અંગ્રેજી શબ્દનો અને સંસ્કૃતપ્રચુર ભાષાનો ઉપયોગ જવલ્લે જ. કેટલાક શબ્દો સ્વામી ક્યાંથી લાવ્યા હશે એનો વિચાર કરવો પડે એવા પણ નીકળે. એક ફરંદા માણસની શબ્દસમૃદ્ધિ સ્વામી પાસે છે. એ શબ્દોના પ્રેમી પણ જણાય છે. ‘સમજ-આવડત’ ‘સાંકળ-આગળા’ ‘નામના-પ્રતિષ્ઠા’ ‘બેઠક-જલસા’ જેવા દ્વિરુક્ત પ્રયોગો પણ એમના આ પ્રેમની સાક્ષી પૂરે છે. કોઈને સ્વામીમાં શબ્દોની થોડી પ્રદર્શનવૃત્તિ પણ લાગે. પણ એ ચોક્કસ છે કે સ્વામી જે ભાષાપ્રયોગો કરે છે એને એમણે આત્મસાત્‌ કરેલા છે. કશું અધકચરું કે અણસમજભરેલું નથી. જે સ્વાભાવિકતાથી એ “તું તો ભાય! ભારે ધીમો દેખું જમવામાં” એવી બોલાતી ભાષાની લઢણ લાવી શકે છે એ જ સ્વાભાવિકતાથી હિંદી અને મરાઠી જબાન પણ પ્રયોજી શકે છે. સ્વામીના આ નિબંધો માત્ર માનવસ્વભાવનું જ નહીં, ભાષાનું પણ એક અજાયબઘર છે. સ્વામીની ભાષામાં ભરચક્ક ભરતની જે ભાત છે એને ઉકેલવાનું એમાંના જુદાજુદા તારને છૂટા પાડવાનું કામ રસિક બને તેવું છે. સ્વામીના ભાષાપ્રયોગોનો એક કોશ કરીએ તો એ પણ આપણી આંખ ઉઘાડનારો બને એમ લાગે છે. આપણી તળપદી ભાષામાં આટઆટલા આવા ખાસ અર્થો કે અર્થછાયા વ્યક્ત કરી શકતા શબ્દો છે એનું ભાન આપણને અહીં જ થાય છે અને શિષ્ટ કહેવાતી ભાષાની દરિદ્રતા ઊડીને આંખે વળગે છે.

એ વાત જાણીતી છે કે સ્વામી પોતાનાં લખાણો છાપવાની પરવાનગી જેને-તેને આપતા નહોતા. એ પોતાની રીતે ભાષાને સભાનતાપૂર્વક પ્રયોજતા, જોડણી વિશેના પણ એમના પોતાના કેટલાક ખ્યાલો હતા અને પોતાના ખ્યાલ મુજબની અણિશુદ્ધ છપાઈના એ આગ્રહી હતા એ એનું કારણ હતું. આ બાબતમાં ભારે ચીકણા અને ચાગલા લેખક તરીકેની સ્વામીની ખ્યાતિ એક ‘મિથ’ની કોટિની બની ગઈ છે. સ્વામીના ચોકસાઈના, શુદ્ધિના આગ્રહોની આ વાસ્તવિક હકીકત છે કે પછી ‘મિથ’ જ છે એ એક વિચારવા જેવો મુદ્દો છે એમ ‘નઘરોળ’ને ઝીણવટથી તપાસતાં લાગે છે. ‘ષ’ ગુજરાતી વાણીમાં રહ્યો નથી તેથી એને લેખનમાંથી વિદાય કરવાનું અને એને બદલે ‘શ’ મૂકવાનું સાહસ સ્વામીએ કર્યું છે (એકબે જગ્યાએ ‘ષ’ રહી ગયો છે તે આદતનું જોર કેવું છે એ બતાવે છે) પણ હ્રસ્વદીર્ઘ ‘ઇ’ અને ‘ઉ’નો ભેદ ગુજરાતીમાં હવે રહ્યો નથી તેને લેખનમાંથી નાબૂદ કરવાનું સાહસ સ્વામી કરી શક્યા નથી. ગુજરાતી લિપિમાં બીજા કેટલાંક સાહસને પણ અવકાશ છે (થોડુંક ‘મિલાપ’ કરી જ રહ્યું છે), પણ સ્વામી એ દિશામાં આગળ ગયા નથી. પછી માત્ર ‘ષ’ને કાઢી મૂકવામાં શું સ્વારસ્ય એવો પ્રશ્ન થાય. સ્વામીએ સાનુસ્વાર આવે ત્યારે ‘રૂં’ કરવાની રૂઢિ સામાન્ય રીતે અપનાવી છે (‘પગેરૂં’ વગેરે; છતાં ક્વચિત્‌ ‘મારું’ ‘ખરું’ એમ મળે છે) પણ એનું કારણ સમજાતું નથી. વિવૃતની ઊંધી માત્રાનો પ્રયોગ પણ કર્યો છે. પણ એ વિવૃત ઉચ્ચારણવાળા બધા “શબ્દોની ખાતરીપૂર્વક કર્યો હશે એમ લાગતું નથી. આમેય ‘ઓસર્યા’ ‘મેણું’ ‘કોડ’ ‘ચોકીદાર’ ‘બેંકો’ જેવા કેટલાક શબ્દો મળી આવે છે જેમાં ઊંધી માત્રા કરવામાં આવી નથી. પણ મોટી મુશ્કેલી તો જોડણીની એકરૂપતાના અભાવની છે : ઉતરી/ઊતરી, ઉટપટાંગ/ઊટપટાંગ, ઇગ્લંડ/ઈંગ્લંડ, ઇથરલી/ઈથરલી, વિજળી/વીજળી, કૅર/કેર, ઓઘરાળો/ઑઘરાળો, મૅજીસ્ટ્રેટ/માજીસ્ટ્રેટ, જુનવાણી/જૂનવાણી, રજૂ/રજુઆત, જ્યુરી/જ્યૂરી, ચૂપાચૂપ/ચુપ, ભટકુ/ગળેપડૂ, ઈસ્પિતાળ/ઈસ્પીતાળ, રેકર્ડ/રેકૉર્ડ, ગુનેહગાર/ગુનેગાર, ગયેલો/ગએલી, ટેવાએલો/રોકાયેલો, ખાસિઅત/ખાસિયત, થીઅરી/યુનિયન. આ સ્થિતિ હોય ત્યાં કેટલાક શબ્દોની જોડણી જોડણીકોશ પ્રમાણે નથી એ ફરિયાદ કરવાનો ક્યાં અર્થ જ રહે? એ જ રીતે સામાસિક શબ્દોના લેખનમાં પણ એકરૂપતા નથી. ઘણે ઠેકાણે સ્વામીએ એમને ભેગા લખ્યા છે, તો સામે પક્ષે ‘જીવન ચરિત્રો’, ‘ગ્રામ પ્રચાર’, ‘દરિયા કિનારે’, ભોજન રસોઈ’ એવાં પણ ઢગલાબંધ ઉદાહરણો મળે છે. ‘વાળા’ને બધે જ છૂટું લખ્યું છે : ‘બેલગામ વાળા’, પણ ‘પર’ને ક્યાંક ભેગું લખ્યું છે : ‘જીવપર’. બોલીપ્રયોગમાં એકસૂત્રતા સાચવવી એ તો આમેય મુશ્કેલ છે. ચોકીદાર ‘માજીસ્ટર’ બોલે અને ‘માજીસ્ટેટ’ પણ બોલે. પેલો નઘરોળ મુરશિદ ‘વળી’ બોલે તેમ વરી’ પણ બોલે; ‘ગઈતીયું’ અને ‘લાવીયું’ બોલે તેની સાથે એક શ્વાસે જ ‘વેચ્યો’ અને ‘આવ્યો’ પણ બોલે. ‘શેઠસાઉકાર’માં ‘શ’ ‘સ’ બંને સાથે આવે. “નાતાળને દંન ખાવા આવ. આતવારે એક વાગે. ને ઉપરથી વરી ખુસબખ્તીય મલસે.” એ ઉક્તિમાંના ‘ળ’ ‘ર’ ‘લ’ એક જ ભાષકનાં હોઈ શકે ખરાં? આમાં ઉમેરીએ થોડી છાપભૂલો. એટલે સ્વામીની ચોકસાઈ અને ચીકણાશ ક્યાં કામ આવી છે અને શા માટે એમણે પોતાનાં લખાણોનો પ્રચાર થતો રોક્યો એ એક કોયડો જ લાગે. આપણે ઇચ્છીએ કે હવે સ્વામીનાં લખાણોના કૉપીરાઇટ જેમની પાસે હોય તેઓ વિશાળ જનતા અને વિદ્યાર્થીઓ સુધી ગુજરાતી ગદ્યનું આ અમૂલ્ય ધન પહોંચાડવાના પ્રયાસોમાં અવરોધ ન કરે, બલકે એ દિશામાં પ્રવૃત્તિશીલ બને; સ્વામીના આગ્રહોને અંધશ્રદ્ધાથી વળગી ન રહે.

[૧૫, જુલાઈ ૧૯૭૬; ‘ગ્રંથ’, ઑગસ્ટ ૧૯૭૬]