અનુષંગ/માણસાઈનું કાવ્ય
‘શેષ’ને વાસ્તવવાદી કે પ્રગતિશીલ કવિ કહી શકાય ખરા? ‘શેષનાં કાવ્યો’માંની ઘણીખરી રચનાઓ તો એ અરસામાં થયેલી છે, જ્યારે આપણું રાષ્ટ્ર મુક્તિ-આંદોલનની રાજકીય પ્રવૃત્તિઓથી ધમધમતું હતું, સામ્યવાદી વિચારધારાની પ્રબળ અસર નીચે સામાજિક વિષમતાઓ અને અન્યાયો સામે જેહાદ પુકારવામાં આવતી હતી અને અહિંસક ગાંધીવાદ પણ શ્રમજીવી લોકવર્ગને ને પ્રતિષ્ઠા અપાવવા મથી રહ્યો હતો. ગુજરાતી કવિઓએ “ભૂખ્યાં જનોના જઠારાગ્નિ’ની શક્તિ પિછાની અને “ખંડેરની ભસ્મકણી ન લાધશે” એવી શાપવાણી “અંબરચુંબી મંદિરો” વિશે ભાખી; દમનપરસ્ત શાસકોના ગર્વને ગાળી નાખનાર ‘લોકપ્રકોપ’ની એંધાણી આપી અને “ગુલાબો ખીલંતાં નહિ નુરજહાં-સ્નાન બનવા” એ પરમ સત્યનું દર્શન થતાં જગતની કઠોર વાસ્તવિકતા એમને ખૂંચી. કવિતા વિશેની એમની શ્રદ્ધા પણ હચમચી ગઈ. આ પીડિતશેાષિત વિશાળ જગત અને લીટા શી કવિતાસરિત! “સકળ જનના શુષ્ક અધરે/ ન રે ટીપુંટીપું પણ જઈ શકે.” તો પછી “થયું શું જો થોડા જન ન દરશાવે રજ મણા?” એટલે કવિઓએ “ચહે ન જગમાં હવે જ મુજ કલ્પના જીવવા” એમ પોકારી ભ્રમથી દૂર સત્યાબ્ધિને તળિયે ડૂબકી દઈ તત્ત્વનું ગ્રહણ કરવા પોતાની કવિતાને આહ્વાન કર્યું. સમસામયિક ગુજરાતી કવિતાક્ષેત્રે ગાજતાં આંદોલનોના આ સૂરના પડઘા ‘શેષનાં કાવ્યો’માં પડતા જણાતા નથી, કવિવ્યક્તિગત રીતે ગાંધીપ્રેરિત સર્વ ચળવળોના સહભાગી હતા છતાં. આનું કારણ શું હશે? કવિની સ્વસ્થ પ્રકૃતિ કે સમયજીવી આંદોલનોથી પ્રભાવિત થયા વગર માનવજીવનનાં સનાતન તત્ત્વોને જ આલેખવાની એમની કોઈ કવિપ્રતિજ્ઞા? સૌમ્ય ઋજુ પ્રકૃતિના કવિ શાપવાણી ન ઉચ્ચારે એ તો આપણે સમજી શકીએ, પ્રગતિશીલ દૃષ્ટિબિંદુ જાહેર ન કરે તો એ પણ આપણે સ્વીકારી શકીએ, પણ આટલા-બધા ક્ષોભ વચ્ચે એ સામાજિક વાસ્તવના આલેખનથી પણ અળગા રહે એ ઘટના ઘણી વિલક્ષણ છે. એ રીતે, કવિ તરીકે ‘શેષ’ પ્રગતિશીલ નથી તેમ વાસ્તવવાદી પણ નથી. પણ એમાં એક કાવ્ય અપવાદરૂપ છે – ‘વૈશાખનો બપોર’. સમકાલીન જીવનનું પ્રતિબિંબ ઝીલતું હોય એવું આ એકમાત્ર કાવ્ય ‘શેષનાં કાવ્યો’માં છે. એમાં, આપણા દેશ પર થયેલી પરદેશી ‘હુન્નરખાનની ચઢાઈ’નો નિર્દેશ છે. એણે સર્જાવેલી બેકારી અને ગરીબીનું ચિત્રણ છે, આપણા બુદ્ધિજીવી વર્ગની મનોદશાનું પૃથક્કરણ છે. કારીગરીની નવી રીતો પ્રત્યેનું આપણું આકર્ષણ અને સ્વરાજની અભીપ્સા પણ એમાં જરા વાચા પામી ગયાં છે, વર્ગભેદ પણ આંગળીચીંધામણનો વિષય બન્યો છે અને “દયાબયા છે સહુ દંભ મિથ્યા,/ આચાર બુઝ્ર્વાજન માત્ર કલ્પિત” એવા સામ્યવાદી સૂત્રનું ઉચ્ચારણ પણ થયું છે. પણ બેકારી-ગરીબીના ચિત્રણને લીધે કે સામ્યવાદી સૂત્રના ઉચ્ચારણને લીધે, આ કાવ્ય પર સામ્યવાદની અસર છે કે આ કાવ્યમાં સામ્યવાદનો આડકતરોયે પુરસ્કાર છે એમ માની લેવા જેવું નથી. સામ્યવાદની આ કાવ્યમાં ગંધેય નથી, સામ્યવાદ એની સીમા પરેય ફરકતો નથી. ઊલટાનું, એ સામ્યવાદી સૂત્રનો ઉલ્લેખ પણ, કવિ પોતે જ કહે છે અને કાવ્ય એનું સમર્થન કરે છે તેમ, કટાક્ષમાં થયો છે. સિનેમા જોવા જવાની તૈયારી કરનાર વ્યક્તિ ભૂખે મરતાને બટકું રોટલો આપવાને બદલે આવું સૂત્ર કહે એ કટાક્ષ નહીં તો બીજું શું? આમાં ‘સામ્ય’નો ‘વાદ’ ક્યાં રહ્યો? સામ્યવાદ આ કાવ્યમાં નથી તો બીજો કોઈ વાદ પણ નથી –ગાંધીવાદેય નહીં, કવિનું પોતાનું જીવન એનાથી પ્રભાવિત હોવા છતાં. હા, કહેવું હોય તો ‘માનવતાવાદ’નું આમાં ઉદ્બોધન છે એમ તમે કહી શકો. પણ ખરી રીતે તો આ આખા કાવ્યની માંડણી જે તત્ત્વ પર છે તે શાસ્ત્ર કે વાદથી પર છે અને તે છે “કેવળ માણસાઈ”. એટલે જ કવિ એ માણસાઈનું દર્શન અશિક્ષિત, અબુધ એવા મજૂર અને ભિખારીના વર્ગમાં જ કરાવે છે! માટે જ તો, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તે સાવ સાચું જ છે કે આ કાવ્યનો રંગ લાલ નથી, શ્વેત છે. સંઘર્ષનું નહીં, સમાધાન અને શ્રદ્ધાનું આ કાવ્ય છે. આ કાવ્યનું અંતિમ રહસ્ય માનવતાને કેન્દ્રમાં મૂકે છે. એટલું જ નહીં, સમગ્ર કાવ્યનું આલેખન પણ કવિએ સંપૂર્ણ માનવતાભરી – સહાનુભૂતિભરી કલમથી કર્યું છે. સામ્યવાદી સૂત્રના ઉલ્લેખમાં જેમ કટાક્ષ છે, તેમ “પરંતુ જાપાની અને વિલાયતી/ અસ્ત્રી છરી કાતર રાખનારા/ દેશી સરાણે શી રીતે સજાવે?” એ પ્રશ્નમાં, સમગ્ર દેશ ગરીબથી ભર્યો છે તેમાં કેાને દઈએ અને કોને ન દઈએ એમ એક કહે ત્યાં બીજો એને રાજ્યની ફરજ ગણાવે તો ત્રીજો એનો ઉપાય સ્વરાજ જ છે એમ કહે – એ બધી વાચાળતાના નિરૂપણમાં અને ભૂખ્યાં લોકોને ટાઢું આપવાનું કહેનાર પતિને સિનેમા જોવા જવાનું યાદ કરી દેનાર પત્નીની દીર્ઘદર્શિતાના આલેખનમાં કટાક્ષ જોઈ શકાય તેમ છે. પણ આ બધા કટાક્ષ કવિએ કર્યા છે એમ કહેવા કરતાં વાસ્તવિક પરિસ્થિતિના યથાતથ નિરૂપણમાંથી જન્મ્યા છે એમ કહેવું વધારે સાચું છે. આ કટાક્ષ ક્યાંયે ડંખીલા કે પુણ્યપ્રકોપની કોટિના બનતા નથી, તેમ કવિ ક્યાંયે અમંગળ એંધાણીનું સૂચન કરતા નથી; ઊલટાનું મજૂર, ભિખારી જેવા વર્ગોમાં માણસાઈ જોઈને કવિનું ચિત્ત સમાધાન પામી જતું હોય એમ લાગે છે. આનું એક કારણ સ્પષ્ટ છે. કવિએ અહીં જે બે વર્ગની વાત કરી છે તેમની વચ્ચે “અંબરચુંબી મંદિરો’માં પોઢનારા અને ‘ફૂટપાથ પર સૂનારા’ વચ્ચે હોય તેટલું અંતર નથી. માકોરની મૂરછા ટાણે શેઠ આઠમે માળે બેઠાબેઠા હસતા હોય કે રામ રણવાસ રમતા હોય એવું પણ અહીં નથી. બે વર્ગ વચ્ચે વૈષમ્ય તો છે : એક બપોરની ઊંઘ પામે છે, ત્યારે બીજાને ધખતે ધોમ ફાટેલ જોડે કે ઉઘાડે પગે રખડવું પડે છે, એક જાપાની અને વિલાયતી અસ્ત્રા, છરી ને કાતરો વાપરે છે, ત્યારે બીજાને એને સજાવવાનું કામેય નથી મળતું, એક ઘરઆંગણે આરામથી કમાઈ ખાય છે, ત્યારે બીજાને દૂરદેશાવર ભટકવું પડે છે; એકને સિનેમા જોવા મળે છે, ત્યારે બીજાને ભૂખે મરવું પડે છે. આ વૈષમ્ય છતાં – બીજો વર્ગ તો સહાનુભૂતિને પાત્ર છે જ પરંતુ – પહેલા વર્ગને પણ કવિ અહીં કંઈક સહાનુભૂતિને પાત્ર બનાવે છે. એ સુખી વર્ગને બપોરનો આરામ મળ્યો છે, કારણકે એ દિવસ રજાનો છે; એને દેશની ગરીબીનો ખ્યાલ છે અને કોને દેવું અને કોને ન દેવું એની વિમાસણ છે; એ સિનેમા જોઈને આવીને ટાઢું ખાનાર છે. આમ આ સુખી પણ ‘મધ્યમ’ વર્ગ છે. એને પોતાની મુશ્કેલીઓ અને મૂંઝવણો છે. કવિએ એ વર્ગનું યથાર્થ ચિત્ર આપ્યું છે અને એને અન્યાય ન થાય એની કાળજી રાખી છે. આમ છતાં, કવિનો અભિપ્રાય કંઈ અછતો રહેતો નથી. આ સુખી બુદ્ધિજીવી વર્ગ બેકાર કારીગરો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પણ એ સહાનુભૂતિ લૂખી છે અને પરિસ્થિતિના કેવળ ટીકાટિપ્પણમાં સમાઈ જાય છે. એ વર્ગ સમજે છે ઘણું, પણ કંઈ કરવામાં જાણે માનતો નથી. પોતાની આ નિર્બળતાને ઢાંકવા એ “દયાબયા છે સહુ દંભ મિથ્યા” એવા સૂત્રનો આશ્રય લે છે અને એ રીતે દંભ આચરે છે. છેવટે જતાં, સુખી બુદ્ધિજીવી વર્ગની નિષ્ક્રિયતા ઉપર કવિનો કટાક્ષ રહે જ છે. આ બુદ્ધિજીવી વર્ગને પડછે અબુધ શ્રમજીવીઓનો કવિએ કરેલ ઉલ્લેખ જુઓ. એઓ ઉદ્યોગની નવી રીતોની, સ્વરાજની કે એવી કંઈ લાંબીચોડી વાત નથી કરતા; એ તો “અરે જરા ખાઈ પછીથી જાજો” એમ હસીને પરદેશીઓને બોલાવે છે અને કૂતરાનેય બટકું નીરે છે. કવિ કહે છે કે ત્યાં “દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્ર,/ હતી તહીં કેવળ માણસાઈ.” માણસાઈ એ હૃદયનો ધર્મ છે, બુદ્ધિનો નહીં. એટલે આ કાવ્યમાં બીજા કશાનોયે નહીં પણ શાસ્ત્ર અને સ્વભાવનો, બુદ્ધિનો અને હૃદયનો જ વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આપણા દેશના નવા યુગમાં જે એક વિશિષ્ટ મધ્યમ-વર્ગ –શિક્ષિત વર્ગ ઊભો થયો છે તેના એક અપલક્ષણ તરફ કવિએ, વાદાવાદની કશીયે જંજાળમાં પડ્યા વગર, આંગળી ચીંધી છે. ‘શેષ’ આ કાવ્યમાં પ્રચારકતાથી તો અળગા રહ્યા જ છે, પણ વાસ્તવિકતાને ઘેરા રંગે આલેખવાનું પણ એમણે ર્ક્યું નથી એ ખાસ ધ્યાન ખેંચે એવી ઘટના છે. થોડીક સાદી રેખાઓથી પણ વૈશાખની બપોરનું સૂનકારભર્યું વાતાવરણ કવિએ કેવું તાદૃશ કરી આપ્યું છે! પણ કવિનું વિશિષ્ટ કૌશલ પ્રતીત થતું હોય તો તે પરિસ્થિતિનિર્માણમાં થાય છે. મધ્યમવર્ગની જીવનસ્થિતિ, રહેણીકરણી, વિચારસરણીની આગવી વિશેષતાઓ કવિએ ઘણી બારીક નજરથી અને ઊંડી સૂઝથી પકડી છે. એથી જ કવિ કોઈપણ પ્રકારના પક્ષવાદથી પર રહી શક્યા છે અને જીવનનું સૂક્ષ્મ રહસ્ય પામી શક્યા છે. કાવ્યની બાની અને એનો છંદ કાવ્યની વાસ્તવિકતાને અને કહેવાતી પ્રસંગકથાને અનુરૂપ એવી સરળતાને વર્યાં છે. પ્રસંગકાવ્યનો એક સરસ નમૂનો ‘શેષે’ આપણને અહીં આપ્યો છે કહેવામાં કશો બાધ નથી.
[૧૭ માર્ચ ૧૯૫૮, ૨૬ સપ્ટેમ્બર ૧૯૭૭; ‘ગુજરાત’, દીપોત્સવી અંક, ૨૦૩૩]