અનુષંગ/લોકસાહિત્યની મીમાંસા : થોડાક વિચારો અને થોડીક સમસ્યાઓ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


લોકસાહિત્યની મીમાંસા : થોડાક વિચારો અને થોડી સમસ્યાઓ

‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’, મનુભાઈ પંચોળી.
(લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર, ૧૯૭૩, પા. ૮૩, રૂ. ૧.૨૫)

આપણા લોકલાડીલા સાહિત્યકાર શ્રી મેઘાણીની પંચોતેરમી જન્મજયંતી હમણાં ઘણા ઉમળકાથી ઊજવાઈ ગઈ. લોકમિલાપ ટ્રસ્ટે મેઘાણી-સાહિત્યની પરબ માંડી અને એને જે ઉત્સાહભર્યો આવકાર મળ્યો તેણે મેઘાણીએ પ્રાપ્ત કરેલી અસાધારણ લોકચાહનાને વ્યક્ત કરી આપી. ૭૫મી જન્મજયંતીની એ એક તાકીદ હતી કે મેઘાણીની સાહિત્યિક કામગીરીનું ઝીણવટથી, તાજગીપૂર્ણ અને તટસ્થ પરીક્ષણ થાય એવું પરીક્ષણ થયું નથી તે સ્થિતિમાં શ્રી મનુભાઈએ લોકભારતી વિદ્યાપીઠમાં આપેલાં પાંચ વ્યાખ્યાનો – જેમાંનાં ચાર ‘કોડિયું’ અને ‘મિલાપ’માં પ્રગટ થઈ ઘણાને મુગ્ધકર બનેલાં – તેમનું આ સંકલન સહેજે ધ્યાનપાત્ર બની રહે છે. આ વ્યાખ્યાનોમાં શ્રી મનુભાઈએ બહુધા મેઘાણીએ બહાર આણેલા અને સંગૃહીત કરેલા લોકસાહિત્યમાં વ્યક્ત થતી સમાજસ્થિતિ અને જીવનભાવનાઓની તથા એની આજના સમયમાં પ્રસ્તુતતાની વાતો કરેલી છે. ક્યાંક સાહિત્યિક મૂલ્યાંકનનો પ્રયત્ન પણ દેખાય છે અને છેલ્લા વ્યાખ્યાનમાં લોકસાહિત્યના પ્રભાવના સંદર્ભમાં મેઘાણીની કવિતાને પણ તપાસી છે. શ્રી મનુભાઈનાં કેટલાંક નિરીક્ષણો અને વિચારબિંદુઓ, એમાં રહેલી દૃષ્ટિની નવીનતાને કારણે તરત ધ્યાન ખેંચે છે. જેમકે, શ્રી મનુભાઈ કહે છે કે અંગ્રેજી શિક્ષણથી પેદા થયેલા મધ્યમવર્ગી સાહેબશાહી માનસને ગાંધીજીએ લોકાભિમુખ અને લોકસેવાભિમુખ કરવાની પ્રવૃત્તિ કરી તેમ મેઘાણીએ પણ લોકસાહિત્યના પ્રચાર દ્વારા ભણેલાઓને ‘લોકો’નો સાચો અને આદર પ્રેરે એવો પરિચય કરાવ્યો. મેઘાણીને ગાંધીજીએ ‘રાષ્ટ્રીય શાયર’ કહેલા તે અંગે મનુભાઈ તર્ક કરે છે કે “ગાંધીજીના મનમાં રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા ને અભણ – એ બેને જે સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર.” “ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી” એ મેઘાણીનો કાવ્યોદ્‌ગાર આ અર્થમાં પ્રસ્તુત બને છે. ભણેલા મધ્યમવર્ગની જીવનદૃષ્ટિની એક વિષમતા મનુભાઈ માર્મિક રીતે પ્રગટ કરી આપે છે કે “અર્થશાસ્ત્રમાં પૂરો વ્યક્તિવાદી અને રાજ્યતંત્રમાં લોકશાહીવાદી એ વર્ગ હતો.” આથી જ મનુભાઈ વિચ્છિન્ન થયેલા સંઘજીવન અને કુટુંબજીવનને સ્થાને નવી સામાજિકતા મૂકવાની ભલામણ કરે છે. કિશોરલાલભાઈને જગતમાં બે સંસ્કૃતિઓ દેખાયેલી : ભોગવિલાસપ્રધાન ભદ્ર સંસ્કૃતિ અને વૈરાગ્યપ્રધાન સંતસંસ્કૃતિ. મનુભાઈ કહે છે કે ત્રીજી પણ એક સંસ્કૃતિ છે – લોકસંસ્કૃતિ, જેમાં સંતોનો વૈરાગ્ય નહીં, ભદ્રોનો વિલાસ નહીં પણ જીવનનો ઉલ્લાસ હોય છે. વિશાળ માનવસમાજની આ સંસ્કૃતિ છે. કોઈ અંતિમે ગયા વિના એ, જીવનને સહજતાથી અને તદ્રૂપ થઈને જીવે છે. મનુભાઈએ લોકસંસ્કૃતિનું હાર્દ પ્રગટ કરી આપ્યું છે અને એને ઉચિત સંદર્ભમાં મૂકી એનું સાચું મૂલ્યાંકન કરી આપ્યું છે એમ લાગે છે. શ્રી મનુભાઈએ લોકસાહિત્યની જે સમાજમીમાંસા કરી છે તે રસાળ છે – દૃષ્ટાંત રૂપે એમણે ઘણીબધી કથાઓ આખી ને આખી મૂકી દીધી છે અને લોકસાહિત્યમાં લોકસમાજની સંઘનિષ્ટા, વર્ગ-કોમ-ધર્મ-ભેદ છતાં એ ભેદોની ધારોને બુઠ્ઠી કરી નાખતું એનું પરસ્પરાવલંબી જીવન, એની ઉદાર સહિષ્ણુતા, એના ત્યાગ, કૃતજ્ઞતા, ખાનદાનીના આદર્શો આ બધું વ્યક્ત થાય છે તેના પર આંગળી મૂકી આપી છે. આ સમાજવિશ્લેષણ ક્યારેક આજનો સંદર્ભ લઈને આવે છે તે બાદ કરતાં એમાં ખાસ મૌલિકતા નથી. મેઘાણીએ પોતાનાં સંપાદનોની પ્રસ્તાવનાઓમાં અને પોતાનાં વ્યાખ્યાનોમાં આમાંની ઘણી બાબતો સ્ફુટ કરેલી જ છે. પરંતુ લોકસાહિત્યનું આ જાતનું સમાજશાસ્ત્રીય અર્થઘટન કેટલીક સમસ્યાઓ ઊભી કરે છે તે તરફ ધ્યાન દોરવું જોઈએ. એક, સમાજની કેટલીક અ-સાધારણ એકલદોકલ ઘટનાઓ વધારે ધ્યાન ખેંચી સાહિત્યમાં સ્થાન પામે એવું શક્ય નથી? તો સાહિત્યકથાઓ પરથી આખા સમાજ વિશે વ્યાપક વિધાનો કરવામાં જોખમ નહીં? આણલદે-દેવરાની કે સોમ-વિક્રમશીની વાતો અપવાદરૂપ નહીં ગણવા માટે આપણી પાસે શું સાધન છે? ઊલટું ઢોલરાના શબ્દો જ – “દીકરીયું દેવાય પણ વઉ દેવાય નહીં” – સમાજમાં વ્યાપકપણે પ્રવર્તતી સ્થિતિ અને માન્યતાનું સૂચન કરી દે છે. હા, નાતરિયા નાતોમાં, જ્યાં લગ્નબંધનની પવિત્રતા અફર નથી ત્યાં પરણેતર બીજાને સોંપવાનું શક્ય બને. ચુસ્ત લગ્નબંધનવાળા સમાજમાં એ શક્ય નથી. છતાં આવી ઘટનાઓ એકંદરે અપવાદરૂપ જ હોવાનો સંભવ છે. નાની સરખી શંકા પરથી પરણેતર પર ત્રાસ ગુજારવાની વાતો પણ જે સમાજના સાહિત્યમાં મળે છે ત્યાં આવી ઉદારતા સર્વવ્યાપી હોય એમ માનવું મુશ્કેલ છે. એ જ પ્રમાણે એ સમાજમાં “કોઈ જગાએ ખૂટલાઈ નહોતી” એમ કહેવું પણ વધારે પડતું છે. ભાયા મેર દુશ્મન પ્રત્યે પણ ખાનદાની બતાવે છે પરંતુ ભા કુંભાએ તો પોતાના મિત્ર ભાયા મેરના દુશ્મનને સમાધાન માટે નોતરી ઝેર ખવડાવવાનું ગોઠવી ખૂટલાઈનો માર્ગ જ લીધો હતો. આપણે એટલું કહી શકીએ કે એ સમાજમાં ખાનદાની એક જીવંત આદર્શ હતો, ખૂટલાઈ નહોતી એમ નહીં પણ એ ઘૃણાસ્પદ ગણાતી હતી. શ્રી મનુભાઈ અલબત્ત સ્વીકારે છે કે “આનો અર્થ એવો નથી કે એ સૃષ્ટિની અંદર અન્યાય ક્યાંયે નથી, અથવા અણગમતા બનાવો બનતા નથી.” આ સંદર્ભમાં સાસરિયાના અત્યાચારો વર્ણવતાં ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’ અને પાતળી ‘પરમાર્ય”નાં ગીતોનો તેઓ ઉલ્લેખ કરે છે. સંયુક્ત કુટુંબની ચર્ચા કરતી વખતે પણ મનુભાઈ ‘સરસ્વતીચંદ્ર’માંથી ગુણસુંદરીના કુટુંબજાળનો દાખલો આપી નોંધે છે કે “વ્યવહારદક્ષ માનચતુર આમાં રહેલ અન્યાય અને અવાસ્તવિકતા સ્વીકારે છે, એટલે સહુ અલગઅલગ માળા બાંધે એમાં શ્રેય જુએ છે.” સવાલ એટલો જ છે કે એ સમાજવ્યવસ્થામાં રહેલા ત્યાગના અને ઉદારતાના આદર્શોથી આપણે જેટલા મુગ્ધ થઈએ છીએ એટલા એમાં રહેલા અન્યાય અત્યાચારથી આઘાત પામીએ છીએ ખરા? એનાથી ચિંતિત થઈએ છીએ ખરા? અને આપણો પક્ષપાત પ્રગટ કરતી વખતે એની યોગ્ય ગણના કરીએ છીએ ખરા? બીજો મુદ્દો લોકસાહિત્યના સમયસંદર્ભનો છે. સઘળું લોકસાહિત્ય એક સમયના એક સમાજનું છે એમ માની એનું અર્થઘટન કરવું યોગ્ય છે? ગવાતાં લગ્નગીતો પરથી એ સમાજમાં જાતપસંદગીનું તત્ત્વ હતું એમ માની લઈ શકાય? શામળ આદિ કવિઓની વાર્તાઓ તે સમાજનું પ્રતિબિંબ પાડતી નહોતી, પણ કોઈ ઘણા પ્રાચીન અને ચોક્કસ સમાજનો વારસો હતો એ જાણીતું છે. ચોક્કસ સમય અને સમાજ સાથે સાંકળ્યા વિના થયેલું લોકસાહિત્યનું સમાજશાસ્ત્રીય અર્થઘટન આધારભૂત ન બની શકે. ત્રીજો મુદ્દો લોકસાહિત્યના ‘સાચા’પણાનો છે. કેટલુંક સાહિત્ય વાસ્તવિક પરિસ્થિતિના પ્રતિબિંબ રૂપે નહીં પણ જે નથી તેનો કાલ્પનિક અનુભવ પૂરો પાડવા માટે પણ સર્જાયું હોય. કેટલેક ઠેકાણે લોકોની માન્યતાઓએ કથાઓ સર્જાવી હોય. શ્રી મનુભાઈએ લોકસંતોની સંઘજીવન સાથે એકરસ થવાની મનોવૃત્તિનો ઉચિત મહિમા કર્યો છે પરંતુ એ સંતચરિત્રોમાં ચમત્કારનું તત્ત્વ સર્વવ્યાપી છે. એ ચમત્કારોને સાચા માનવા, એમનું સમર્થન કરવું કે લોકોના પૂજ્યભાવે આ ચમત્કારો ઊભા કરી દીધા હોય એમ માનવું? અહીં એ નોંધવું અપ્રસ્તુત નહીં ગણાય કે ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’માં પન્નાલાલે ગ્રામસમાજનું ચમત્કારપ્રિય માનસ કેવી કથાઓ વહેતી કરે છે એના મજાના નિર્દેશો કર્યા છે, કોઈ ચમત્કાર ઘટતો બતાવ્યો નથી. લોકસાહિત્યની સમાજમીમાંસા હવે વધારે શાસ્ત્રીય ઢબે થવી જોઈએ એમ લાગે છે. લોકસાહિત્યની ડિરેક્ટનેસ, સાદાઈ અને વ્યંજકતાની મનુભાઈએ જે દૃષ્ટાંતોથી વાત કરી છે. તે લગભગ મેઘાણીએ પણ કરી છે. લોકસાહિત્યની શૈલીગત વિવેચના પણ હવે વધારે ઝીણવટભરી અને અભ્યાસપૂર્ણ અપેક્ષિત છે. મનુભાઈએ યુગધર્મને વ્યક્ત કરવામાં મેઘાણીએ લોકસાહિત્યની વાણીનો કેવો જુદી જાતનો વિનિયોગ કરી બતાવ્યો તે ટૂંકમાં સમજાવ્યું છે અને ‘ઘણ રે બોલેને–’ની નાદશક્તિ તરફ યોગ્ય રીતે ધ્યાન દોર્યું છે, પરંતુ ‘મા, તારી કોણ ગાશે?’ અને ‘અપમાનિતા-અપયશવતી તું’ એ કાવ્યોમાં ‘લોકસાહિત્યનું કામણ’ જોવું મુશ્કેલ છે. એમાં સંસ્કૃત બાનીની છટાઓ ઠીકઠીક છે. એ કાવ્યો વિશિષ્ટ પ્રસંગનાં સંવેદનો સચ્ચાઈથી અને આર્દ્રતાથી પ્રગટ કરે છે. તેથી એ પ્રસંગનો સંદર્ભ ધરાવતા મનુભાઈને એ વધારે સ્પર્શે તો એ સાહજિક છે. શ્રી મનુભાઈ આપણા અગ્રણી સામાજિક કાર્યકર, સમાજચિંતક અને સાહિત્યકાર છે. એમની પાસે જૂના-નવા સમાજના સંદર્ભો છે. અને લોકસાહિત્ય એમના ઘટમાં ઘૂંટાયેલું છે, તેથી જ આ વ્યાખ્યાનો આટલાં પ્રવાહી અને પ્રાસાદિક બન્યાં છે અને વિચારવા જેવી બેચાર વાતો એમના મુખેથી આપોઆપ સરી પડી છે. એકબે બાબત પ્રત્યે ધ્યાન દોરવું જોઈએ. ‘મેઘાણીનું લોકસાહિત્ય’ એવો પ્રયોગ મને યથાર્થ લાગતો નથી (જે મનુભાઈ વારંવાર કરે છે), કેમકે મેઘાણી લોકસાહિત્યના સર્જક નહોતા, સંપાદક હતા. બીજું, મહેન્દ્રભાઈ વિશિષ્ટ ભાવનાથી પ્રગટ કરાતા પુસ્તકનાં છપાઈ અને પ્રૂફરીડિંગ નબળાં કેમ રાખે છે? ‘યાદગાર કવિતા’માં પણ આવું થયેલું.

[‘ગ્રંથ’, એપ્રિલ ૧૯૭૩]