અનુષંગ/સાહિત્યકાર અને સમાજાભિમુખતા
૧
આ વિષયની ચર્ચા કરીએ ત્યારે સૌ પહેલો પ્રશ્ન મારી દૃષ્ટિએ એ વિચારવાનો આવે કે ‘સમાજાભિમુખતા’ એટલે શું? સાહિત્યકાર સમાજાભિમુખ છે એમ આપણે ક્યારે કહીશું? સાહિત્ય એ માનવમનની સરજત છે અને માનવમન સામાજિક વાતાવરણમાં અસ્તિત્વ ધરાવે છે એટલે કોઈપણ સાહિત્યકૃતિમાં કે સાહિત્યકારના સંવેદનમાં સમાજ ભૂમિકા રૂપે રહેલો હોવાનો જ. એટલું જ નહીં, કોઈપણ સાચી સાહિત્યકૃતિ અંતે સૂક્ષ્મ અર્થમાં સમાજનિષ્ઠ – સમાજને કંઈક આપી જનારી – હોવાની, કેમકે સમાજને પોતાની ઓળખ કરાવી એનાં મૂલ્યોને ઘડવામાં-બદલવામાં સાહિત્ય જાણ્યે-અજાણ્યે ફાળો આપતું જ હોય છે. આને આપણે સાહિત્યકારની સમાજાભિમુખતા કહીશું? આ જાતની સમાજાભિમુખતા તો સર્વ સાહિત્યમાં અનિવાર્યપણે રહેલી હોય છે અને જે અનિવાર્યપણે રહેલું હોય એની ચર્ચા બિનજરૂરી બની જાય છે. સાહિત્યકારની સમાજાભિમુખતા આપણે માટે એક સમસ્યા બનીને આવે છે એનું કારણ તો એ છે કે ઘણી વાર બે પ્રકારનાં સાહિત્યો આપણી સામે આવતાં હોય છે – જેને આત્માભિમુખ કે કલાભિમુખ કહીએ એવું સાહિત્ય અને જેને વિશેષ ભાવે સમાજાભિમુખ કહીએ એવું સાહિત્ય. કેટલાક સાહિત્યકારો ‘ઉરની એકલડી ગુહા’માં સ્વાન્તઃ સુખાય કંઈક રટ્યા કરવાની રીતે સાહિત્યસર્જન કરતા હોય છે, કેટલાક શબ્દ સાથે ખેલ કરવાની વૃત્તિથી લખતા હોય છે, તો કેટલાક સમાજને સભાનપણે લક્ષમાં રાખીને લખતા હોય છે. સાહિત્યની નહીં, સાહિત્યકારની સમાજાભિમુખતાનો પ્રશ્ન આપણી સમક્ષ મૂકવામાં આવ્યો છે એ આ સંદર્ભમાં સૂચક છે. તો, સમાજાભિમુખતા એટલે સમાજ તરફ મોં હોવું તે. સમાજાભિમુખ સાહિત્ય તે અનિવાર્યપણે પ્રતિબદ્ધ સાહિત્ય નથી. સાહિત્યકાર જ્યારે સમાજ તરફ મોં રાખે છે ત્યારે એનાં લક્ષ્યો જુદાંજુદાં હોઈ શકે છે અને એ રીતે ‘સમાજાભિમુખતા’ પણ જુદાજુદા સંકેતો ધારણ કરે છે. ‘સમાજાભિમુખતા’ના મુખ્ય ત્રણેક સંકેતો આપણે તારવી શકીએ : સમાજાભિમુખતાનો એક અર્થ એ થાય કે સર્જક પોતાની કૃતિમાં ‘સમાજ’ને પોતાની વિષયસામ્રગી તરીકે લાવે. કેટલુંક સાહિત્ય આપણે જેને હમણાં આત્માભિમુખ કહ્યું એવું હોય છે. એમાં લેખકનું ધ્યાન વ્યક્તિનાં અંગત સંવેદનો, માનસપ્રક્રિયાઓ કે વૈયક્તિક સમસ્યાઓનું નિરૂપણ કરવા તરફ કેન્દ્રિત થયું હોય છે. સામાજિક સંદર્ભ’ એની ભૂમિકામાં હોય, પણ એને પ્રકાશિત કરવાનું ધ્યેય ન હોય. આનાથી ભિન્ન રીતે, કેટલુંક સાહિત્ય સામૂહિક ભાવો, સામાજિક સંબંધો, સમાજના વિવિધ વર્ગો, સામાજિક પરિસ્થિતિ, કે વિચારપ્રવાહો કે આંદોલનોને આલેખવા તાકતું હોય છે. આ અર્થમાં એવા સાહિત્યનો લેખક સમાજાભિમુખ લેખક કહેવાય. ‘સામાજિક’ કે ‘જાનપદી’ નવલકથાઓ આ જાતના સાહિત્યના જ નમૂના છે અને લોકસાહિત્યમાં આપણે સામાજિકતા જોઈએ છીએ તે પણ આ અર્થમાં. સમાજાભિમુખતાનો બીજો અર્થ એ છે કે સાહિત્યકાર સમાજને નજર સામે રાખીને લખે, એટલે કે સમાજને માટે લખે. કેટલુંક સાહિત્ય સ્વાન્તઃસુખાય કેવળ રચનારસથી, સૌન્દર્યદૃષ્ટિથી, શબ્દ સાથે ખેલ કરવાની વૃત્તિથી લખાતું હોય છે, જેને આપણે હમણાં કલાભિમુખ સાહિત્ય કહ્યું. ઉમાશંકરે ચાળીસ આસપાસની ગુજરાતી કવિતાને સૌંદર્યલક્ષી કવિતા કહેલી તે કંઈક આવા જ અર્થમાં. આનાથી ભિન્ન રીતે, કેટલુંક સાહિત્ય સમાજને આગળ લઈ જવાના હેતુથી, સામાજિક મૂલ્યોને કેળવવાના કે દૃઢ કરવાના આશયથી લખાતું હોય છે. એ અર્થમાં એ સાહિત્યનો લેખક સમાજાભિમુખ લેખક છે એમ કહેવાય. ગાંધીયુગનું ઘણું સાહિત્ય કે પ્રગતિવાદી સાહિત્ય આ અર્થમાં સમાજાભિમુખ સાહિત્ય છે. એ નોંધવું જોઈએ કે રૂઢ આચાર-વિચારોની ચિકિત્સા કે નવાં મૂલ્યોની સ્થાપના કરવા તાકતું સાહિત્ય પણ આ જ અર્થમાં સમાજાભિમુખ સાહિત્ય છે, કેમકે એ સમાજને ‘અર્થે” લખાય છે. આ દૃષ્ટિએ અખો પણ સમાજાભિમુખ સાહિત્યકાર. ટૂંકમાં, ‘સમાજાભિમુખતા’ના પહેલા અર્થમાં સમાજને પ્રત્યક્ષ કરાવવા પર – એનું દર્શન કરાવવા પર ભાર હતો, આ બીજા અર્થમાં સમાજ માટે કંઈક લાગતું-વળગતું હોવા-પણું પ્રગટ કરવા પર ભાર છે. સમાજાભિમુખતાનો ત્રીજો અર્થ એ છે કે સર્જક સમાજને નજરમાં રાખીને લખે, પણ એને શું ગમશે કે સ્પર્શશે એ દૃષ્ટિથી, સમાજમાં પોતાની કૃતિ સ્વીકારાય, ઝિલાય એ હેતુથી. કેટલુંક સાહિત્ય વાચકવર્ગની પરવા કર્યા વિના કે ચુનંદા સાહિત્યરસિકોને નજરમાં રાખીને લખાતું હોય છે, વિદ્વદ્ભોગ્ય હોય છે; એની સામે કેટલુંક સાહિત્ય લોકપ્રિયતાની દૃષ્ટિથી –વિશાળ લોકસમૂહને નજરમાં રાખીને લખાતું હોય છે, લોકભોગ્ય હોય છે. આવું સાહિત્ય લખનાર પણ સમાજાભિમુખ સાહિત્યકાર છે એમ કહેવાય. સમાજાભિમુખતાના બીજા અર્થમાં લોકકેળવણીની દૃષ્ટિ હતી, અહીં કંઈક લોકરંજનની દૃષ્ટિ છે. આ જાતના સાહિત્યના દાખલાઓ આપવાની જરૂર નથી. એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે સમાજાભિમુખતાના આ ત્રણ મુખ્ય અને મોટા સ્વરૂપભેદો છે. પ્રાપ્ત સાહિત્યમાં એમાં અનેક જુદીજુદી કોટિઓ અને અવસ્થાન્તરો જોવા મળવાનાં. એટલું જ નહીં, સમાજાભિમુખતાના આ પ્રકારો પણ ભિન્નભિન્ન પ્રમાણમાં એકબીજા સાથે મિશ્રિત થયા હોય એવા દાખલાઓ પણ જડવાના. દલપતરામ જેવા કોઈ કવિ સામાજિક વિષયવસ્તુ લે, લોકકેળવણીની દૃષ્ટિ રાખે અને લોકભોગ્ય શૈલીએ લખે એવું પણ બનવાનું. પ્રેમાનંદ સમાજજીવનને પ્રત્યક્ષ કરવાનું કામ કરે અને સાથે લોકરંજનની દૃષ્ટિ પણ રાખે. સમાજાભિમુખતા સ્વતંત્ર રીતે કોઈ સાહિત્યમૂલ્ય નથી એ સાચી વાત છે. અંતે તો સાહિત્યકૃતિ બની છે કે નહીં એ જોવાનું છે. પણ આમ કહીને આપણે મૂળ સવાલને ટાળી નહીં શકીએ. સવાલોનો સવાલ તો એ છે કે આ બધી રીતની સમાજાભિમુખતા સાહિત્ય માટે આપણે ઇષ્ટ કે આવશ્યક માનીએ છીએ? એથી સાહિત્યને કંઈ લાભ કે હાનિ છે એવું આપણે સ્વીકારીએ છીએ? સમાજાભિમુખતા અને સાહિત્યગુણને કોઈ સીધો-ઊલટો સંબંધ હોવાનું આપણે પ્રતીત કરીએ છીએ?
૨
આધુનિક સમયમાં સાહિત્યમાં માનવીના આંતરજગતને, એની માનસસૃષ્ટિને આલેખવા તરફનું વલણ વિશેષ જોવા મળે છે. એટલું જ નહીં આધુનિક સાહિત્યવિચારમાં એ વલણને પ્રતિષ્ઠા પણ મળી છે. આધુનિક મનોવિજ્ઞાનને કારણે એક નવી દિશા આપણે માટે ખૂલવાથી આમ બનવું સ્વાભાવિક છે. સાથેસાથે સામાજિક વિષયોને હલકા, તુચ્છ, બિનસાહિત્યિક ગણવાનું વલણ પણ કેટલીક વાર જોવા મળે છે. ખ્યાલ એવો છે કે સામાજિક વિષયની કૃતિ દસ્તાવેજી બની જવાનું જોખમ છે. પણ એમ તો વ્યક્તિના આંતર-જીવનને આલેખતી કૃતિ case-history બની જવાનું જોખમ હોય છે. સાહિત્યકૃતિ સિદ્ધ થવી જોઈએ એ ગૃહીત કરીને જ આપણે ચાલીએ છીએ, અને એ દૃષ્ટિએ, મને લાગે છે કે, સામાજિક પરિસ્થિતિની જટિલતા, એ પરિસ્થિતિમાં માનવીઓના વિવિધ પ્રતિભાવો, માનવીય સંબંધોની જાળ, માણસનું સામાજિક વર્તન – આ બધું, શક્તિશાળી સાહિત્યકાર હોય તો, સાહિત્યની એટલી જ યોગ્ય સામગ્રી બની રહે, ‘ઉપરવાસ’ કથાત્રયીની સમીક્ષા વેળા કહ્યું હતું તે ફરી કહું તો, એ પડકારરૂપ પણ બની રહે. આ પડકાર જતો કરીને વ્યક્તિસંવેદનોના એક વર્તુળમાં બંધાઈ રહેવામાં સાહિત્યસમગ્રને લાભ છે કે હાનિ છે એ વિચારવા જેવું છે. અહીં બ્રૅડલીનું એક માર્મિક વાક્ય મને યાદ આવે છે. એમણે કહેલું કે વિષય નિર્ણાયક નથી પણ એનો અર્થ એ નથી કે વિષયનું કશું મૂલ્ય નથી. (The subject ‘settles’ nothing, but not that it counts for nothing.) એટલે કે વિષયને કારણે કોઈ કૃતિ કલાકૃતિ બનતી નથી. પણ સિદ્ધ કૃતિની પ્રભાવકતામાં એના વિષયનો ફાળો અવશ્ય હોય છે. બ્રૅડલીએ તો આથી આગળ જઈ એમ પણ કહેલું કે ચકલી જેવા સામાન્ય વિષય વિશે લખાયેલી કૃતિ કરતાં માનવીના પતન જેવા વિષયની કૃતિ ઘણી વિશાળ પ્રભાવકતા અને ઘણી વધારે મર્મભેદકતા ધરાવે છે. માત્ર પ્રભાવકતાની દૃષ્ટિએ નહીં, સર્જકતાની કસોટીની દૃષ્ટિએ પણ આ મુદ્દો વિચારવો જોઈએ. વ્યક્તિજીવન કરતાં સમાજજીવનને પકડમાં લેવામાં અને એમાંથી રસસૃષ્ટિનું નિર્માણ કરવામાં કદાચ વિશેષ સર્જકશક્તિની અપેક્ષા રહે. અલબત્ત એમાં સમાજજીવનનું ઊંડું વેધક દર્શન હોવું જોઈએ. એક બીજી દૃષ્ટિએ પણ આ મુદ્દો વિચારી શકાય. સાહિત્ય વ્યક્તિજીવનમાં જ અને કદાચ એના અજ્ઞાત મનના આવિષ્કારમાં જ પોતાને સીમિત કરી દે તો વિશાળ સમાજજીવન અને તેના સંપ્રજ્ઞાત વ્યવહારો સાહિત્યના સ્પર્શથી વંચિત જ રહેશે? સ્વસ્થ સમાજજીવનની દૃષ્ટિએ આ ઇષ્ટ સ્થિતિ છે? ગમે તેમ, ‘સમાજ’ને વધારે મોટો કે મહિમાવંત વિષય માનવાનું આવશ્યક નથી, પણ વિષયસામગ્રીની દૃષ્ટિએ સાહિત્યકાર સમાજાભિમુખ બને તો એમાં કોઈ આપત્તિ નથી, અમુક અંશે એ ઇષ્ટ સ્થિતિ છે અને સમાજ પણ સાહિત્યનો યોગ્ય વિષય છે એમ માનવામાં કશું ખોટું નથી એમ મને લાગે છે.
૩
જેમ સમાજજીવનને આલેખવાના ઉદ્દેશથી લખાતું સાહિત્ય દસ્તાવેજી બની જવાનો ભય હોય છે તેમ લોકકેળવણીની દૃષ્ટિથી, સમાજચિકિત્સાની દૃષ્ટિથી લખાતું સાહિત્ય પ્રચારાત્મક બની જવાનો ભય હોય છે. પણ બીજી બાજુથી લોકકેળવણીની કોઈપણ સમયે જરૂર હોય છે અને સાહિત્ય દ્વારા એ ઉત્તમ રીતે થઈ શકતી હોય છે એમાં પણ શંકા નથી અને તેથી લોકકેળવણીનું સાહિત્ય ઉત્તમ સર્જકોને હાથે લખાય એમાં સમાજને તો લાભ હોય છે. સાહિત્યદૃષ્ટિએ પણ કદાચ સામાજિક મૂલ્યોને નિરૂપવાનું એક જુદું ક્ષેત્ર ખૂલે છે. ટૉલ્સ્ટૉયે ઉત્તરાવસ્થામાં જે સાહિત્ય સર્જ્યું તેમાં શુદ્ધ સાહિત્યની દૃષ્ટિએ એની સર્જકતાની ઓટ આપણને વરતાતી હોય તોયે જીવનનાં જે પાસાં એણે હાથમાં લીધાં – નૈતિક-ધાર્મિક, તેને તો એની સર્જકતાનો ઉત્તમ લાભ મળ્યો. એ રીતે જ ટૉલ્સ્ટૉયની વાર્તાઓ બે વિશ્વનો એક ચિરંજીવ સાહિત્યવારસો બની ચૂકી છે. ‘પંચતંત્ર’ કે ‘હિતોપદેશ’ની વાર્તાઓ આ રીતે પ્રચારાત્મક સાહિત્ય જ છે, પણ આપણું એ અમૂલું સાહિત્યધન છે. લોકકેળવણીનું કામ પણ માણસની અંતર્ગત શક્તિઓને બહાર આણે એવું હોય છે. એ સારી રીતે કરવું એ કદાચ સૌથી અઘરી વસ્તુ છે. અને લોકકેળવણીનો ઉત્સાહ લાગણીનું એવું બળ ઊભું કરતો હોય છે જે સાહિત્યિકર્તાની આબોહવા સરજી આપે છે. એમ કહેવું સહેલું છે કે લોકકેળવણીની દૃષ્ટિથી લખનારે નિબંધો લખવા જોઈએ, કાવ્ય, નાટક કે નવલકથા નહીં. પણ આ જ વિચારસરણીથી ગોવર્ધનરામ ચાલ્યા હોત તો આપણને ‘સરસ્વતીચંદ્ર’ જેવી માતબર કૃતિ ન મળી હોત; રમણભાઈ પાસેથી ‘રાઈનો પર્વત’ ન મળ્યું હોત. કહેવાનું તાત્પર્ય એ છે કે લોકકેળવણી કે વિચારપ્રચાર એ પણ સર્જકતાની લીલાભૂમિ બની શકે છે, અલબત્ત સર્જકમાં હોય તો. માનવમનની એક અખંડતા છે અને કયાં પ્રેરકબળો એની સર્જકતાને જગાડે છે એનું વ્યાકરણ સર્જકે-સર્જકે જુદું હોવાનું. મેઘાણી, કદાચ, લોકજાગૃતિના બુલંદ ગાયક જ બની શકે. સમાજને માટે નહીં લખવું એમ કહેવામાં સાહિત્યને કદાચ લાભ નથી. હા, સર્જક સમાજાભિમુખ બને તો પોતાની આંતરિક જરૂરિયાતથી. એને આપણે રોકીશું નહીં, તેમ એને ફરજ પણ પાડીશું નહીં. અને સમાજાભિમુખ બનીને સાહિત્યકાર જે કંઈ આપશે તેને સાહિત્યદૃષ્ટિએ કસીને આપણે સ્વીકારીશું. સાહિત્ય-અસાહિત્યને જુદાં પાડવાની કસોટી તો આપણી પાસે હોવાની.
૪
લોકસ્વીકૃતિને, લોકપ્રિયતાને લક્ષમાં રાખીને લખવું એ એક લપસણી ભૂમિ છે. ખુદવફાઈ, જે સાહિત્યનું મૂળભૂત તત્ત્વ છે તેનો એમાં ભોગ અપાય અને સાહિત્ય પોતાનો સાચો રણકો ગુમાવી દે, બનાવટી, જડ, પરંપરાગત બની જાય અને સાહિત્યકાર મનોરંજન કરનાર બની જાય એવો એમાં સંભવ છે. પણ બીજી બાજુથી આર્નોલ્ડ બેનેટનો એ મત વિચારવા જેવો છે કે લોકસ્વીકૃતિ કળાકારને પાંખો આપે છે. એની શક્તિઓને વિકસાવે છે. એરિક ન્યૂટન પણ કળાપ્રવૃત્તિમાં લોકોની અપેક્ષાઓને સંતોષવાની વાત પર ભાર મૂકે છે. ખુદવફાઈ અને લોકોની અપેક્ષાઓને સંતોષવી એ બન્ને સાથે બની શકે કે કેમ એ પ્રશ્ન છે. બેનેટને એમાં કંઈ મુશ્કેલી જણાતી નથી, એરિક ન્યૂટનને કામ મુશ્કેલ પણ શક્ય લાગે છે અને એ એવું નિરીક્ષણ કરે છે કે કળાના મહાન યુગો ત્યારે જ અસ્તિત્વમાં આવ્યા છે, જ્યારે લોકસ્વીકૃત કોઈ હેતુને કળાકાર વરેલો રહ્યો છે. સસ્તા લોકરંજનના કોઈ ખ્યાલથી નહીં, પણ વિશાળ જનસમુદાયની અપેક્ષાઓને લક્ષમાં રાખીને લખવું એમાં ખરેખર કંઈ ખોટું છે? જનસમુદાયથી સાવ વિખૂટા પડી જવામાં સાહિત્યને લાભ છે? જનસમુદાયથી અળગા પડી જઈને ટકી શકનારા થોડા સાહિત્યકારો, અલબત્ત, હોય છે; થોડાક જનસમુદાયની અપેક્ષાઓને બદલાવી નાખનાર પણ હોય છે; પણ છેવટે સાહિત્યને પણ લોક-સમાજ સાથે ક્યાંક સેતુબંધ તો કરવાનો રહેશે. એ ઉત્તમ રીતે અને ઉત્તમ સર્જકતાથી થાય એમાં સમાજને તો લાભ છે જ, પણ સાહિત્યને પણ લાભ નથી એમ કહેવું મુશ્કેલ છે. જનસમુદાયની અપેક્ષાઓને ઊંચે લઈ જવા માટે પણ એ અપેક્ષાઓને સમજવી પડે, એ ભૂલવા જેવું નથી. લોકભોગ્યતા કે લોકપ્રિયતા બે રીતે આવે : લોકોને નિસબત ધરાવતી ભાવ-વિચાર-વિષયસૃષ્ટિથી અને લોકો જે વાપરતા હોય તે ભાષાપ્રયોગથી. આ બન્ને રીતે આપણું સાહિત્ય લોકોની કેટલું નજીક છે અને જઈ શકે તેમ છે એ એક શોધનો અને ચિંતનનો વિષય છે. ફરીને અહીં સ્પષ્ટતા કરું કે સમાજાભિમુખતાની અનેક કોટિઓ સંભવે છે, સાહિત્યે સમાજાભિમુખ બનવું જોઈએ એવા વિધાનના તાત્પર્યને સાહિત્યકારે અંગત સંવેદનો કે સાહિત્યનાં મૂલ્યો છોડી દઈ સમાજને ચરણે જ બેસી જવું જોઈએ એવા ખ્યાલ સુધી ખેંચી જઈ શકાય. પણ અહીં એ અભીષ્ટ નથી જ. સમાજાભિમુખતા એના સંપૂર્ણ ગંભીર અને ઉચ્ચ અર્થમાં અહીં અભિપ્રેત છે અને સાહિત્ય પોતાનાં મૂલ્યો સાચવીને સમાજાભિમુખ બની શકે કે કેમ અને બનવામાં એને કંઈ લાભ છે કે કેમ તે અંગે થોડા મુદ્દાઓ રજૂ કરવાનો જ હેતુ છે. સામાજિકતાના આત્યંતિક તિરસ્કારની સામે આ બધી વાત મુકાયેલી છે એ લક્ષમાં રાખવું.
૫
સાહિત્યકાર અને સમાજના સંબંધનો પ્રશ્ન આજે જેટલો ઉગ્ર બન્યો છે એટલો ક્યારેય નહોતો. એનું કારણ એ છે કે આજે સાહિત્યકાર સમાજથી વિચ્છિન્ન થઈ ગયો છે, એને વિચ્છિન્ન કરનારા સંયોગો ઊભા થયા છે. અંગ્રેજી કવિતાના જુદાજુદા સમયમાં કવિ અને સમાજના સંબંધનું હર્બર્ટ રીડે જે અવલોકન કર્યું છે૧ તે સંદર્ભમાં વિચારપ્રેરક નીવડે એવું છે. રીડ કહે છે કે કથાકાવ્યનો કવિ (ballad poet) પોતે જે જગતમાં રહેતો હતો તેની સાથે એકરૂપ હતો; માનવવાદી કવિ (humanist poet) પોતાના જગતનું કેન્દ્રબિન્દુ, બુદ્ધિ અને બૌદ્ધિક પ્રગતિનું મૂલબિંદુ હતો; ધાર્મિક કવિ (religious poet) પોતાના જગતના પરીઘ ઉપર જીવતો હતો – એવા બિંદુ પર જ્યાં એનું જગત અનંત વિશ્વના સંપર્કમાં મુકાયું હતું; રોમૅન્ટિક કવિ પોતે પોતાનું એક આગવું વિશ્વ હતો, એ જેમાં જીવતો હતો એ જગતને અવાસ્તવિક ગણી કોઈ કાલ્પનિક જગતની તરફેણમાં એનો પરિત્યાગ થતો હતો કે એને કવિની પોતાની અનુભૂતિઓ સાથે એકરૂપ કરી દેવામાં આવતું હતું. અંગ્રેજી કવિતાના આ ચાર અવસ્થાન્તરો સાથે, રીડની દૃષ્ટિએ, એક ચક્ર પૂરું થયું – જગત એ જ કવિ ત્યાંથી એ શરૂ થયું અને કવિએ જ જગત ત્યાં એ પૂરું થયું. વિશિષ્ટપણે જેને આધુનિક કહી શકાય તે કવિને આ ચક્ર પૂરું થયાની જાણ છે અને તેથી સમાજધર્મ બજાવવા અંગે તેણે હાથ ધોઈ નાખ્યા છે તથા કેન્દ્રચ્યુતતાની આ સ્થિતિમાંથી માર્ગ ખોળવા એ ભારે આતુર બન્યું છે. કોઈપણ સમયે આ જગત કવિને માટે એક વિષાદપૂર્ણ સ્થાન હોય છે. પણ સામાન્ય રીતે સમાજ કવિની સંવેદનશીલતાને પ્રતિક્રિયા આપતો હોય છે, પણ આજે તો સમાજ કવિની ઉપેક્ષા કરી રહ્યો છે. આનાં બે કારણો હોઈ શકે : કાં તો સમાજ કવિને વટાવી આગળ જતો રહ્યો છે અને કવિ વિના હવે એ ચલાવી શકશે, અથવા કવિએ પોતાની કળાને એટલી હદ સુધી વિકસાવી છે કે એણે સામાજિક ઉપયોગિતા ગુમાવી દીધી છે. રીડની દૃષ્ટિએ આ બન્ને ખુલાસાઓ અમુક અંશે સાચા છે અને બંને કવિપક્ષની નિષ્ફળતા દર્શાવે છે. પણ, રીડ ઉમેરે છે કે, આધુનિક કવિ એક યાંત્રિક સંસ્કૃતિમાં સપડાયેલો છે. એ સંસ્કૃતિના ભાગરૂપ બનવું એ એની કદરૂપતા, એની અર્થતંત્રીય જંગાલિયતના ભાગરૂપ બનવા જેવું છે. કવિ સંસ્કૃતિનું સીધું ફરજંદ નથી, પણ સારી સંસ્કૃતિ કવિને ઘણી તકો આપે છે, એને સલામતી અને નવરાશ અને ચિંતનભરી જિંદગી માટેની અનુકૂળતાઓ બક્ષે છે તેમજ સંસ્કૃતિના લાભો પૂરા પાડે છે. આજે તો બન્યું છે એવું કે કવિ ચિંતનની અનુકૂળતા સંસ્કૃતિનો ત્યાગ કરીને જ મેળવી શકે – આશ્રમવાસી બનીને કે નિર્જન ટાપુ પર વસીને લાગણીહીન અને દુશ્મનાવટભરી સંસ્કૃતિમાં જન્મેલો કવિ પોતાની ગમગીનીનો કવિ બને, પોતાની હતાશ સૌન્દર્યબુદ્ધિનો બલિ બને, નિરાશાનો પયગંબર બને એ સ્વાભાવિક છે. કવિ સમાજધર્મ બજાવી શકે, સમુદાયની કવિતા (communal poetry)નો ઉદ્ગાતા થઈને. પણ આજે એ કેવી રીતે થઈ શકે? રીડ નોંધે છે કે વ્હિટમન જેવાને પણ વાંચનાર છે મધ્યમવર્ગ; સાચો લોકવર્ગ તો આસ્વાદે છે સુગમ સંગીતના સાહિત્યને, આકાશવાણીના કાર્યક્રમોને. નવી લોકપ્રિયતાનાં બીજ આમાં રહેલાં છે, પણ એ માટે લોકલાગણી પારખવી પડે, એની સાથે એકરૂપ થવું પડે, એમાં વિચાર અને લાગણીનાં સનાતન તત્ત્વો લાવવાં પડે; અંગત દૃષ્ટિબિદું અહંભાવ અને આગવી સંવેદનશીલતાના ખ્યાલો છોડી દેવા પડે. આથી, છેવટે રીડને લાગે છે કે, કવિતા હવે કદી લોકપ્રિય કળા નહીં બને. રીડે અંગ્રેજી કવિતાના સંદર્ભમાં કરેલું આ નિદાન આપણા સાહિત્યના સંદર્ભમાં પણ એટલું જ સાચું છે? સાહિત્યકારને સમાજમાં સ્થાપવાની શક્યતા શું ખરેખર નહીંવત્ થઈ ગઈ છે? સાહિત્યકાર અને સમાજ પરસ્પર એકબીજાની નજીક આવે એ માટેના કોઈ માર્ગો શું ખુલ્લા નથી રહ્યા? આ બધા પ્રશ્નનો ગંભીર વિચારણા માગીલે છે.
[અલિયાબાડા મુકામે, ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં ૬, નવેંબર ૧૯૭૬ના રોજ રજૂ કરેલું વક્તવ્યઃ સંવર્ધિત, ‘પરબ’, માર્ચ ૧૯૭૭]
પાદટીપ :
૧ ‘Phases of English poetry’માં ‘Pure Poetry’ એ લેખ.