અનેકએક/બજાર
બજાર
બજાર
રાઈના પર્વત વેચે
ટચલી આંગળી પર ઊંચકી બૂમબરાડા પાડે
ખરીદદારોથી ખદબદતા બજારમાં
કોઈવાર એવુંય બને કે
રડ્યોખડ્યો કોઈ ચૂપચાપ આવી ચડી
ચપટીક રાઈ માગે
ત્યારે આખું બજાર મૂંઝાઈ મરે
ઘાંઘું થઈ વેરાઈ જાય
આટઆટલા પર્વતો નહિ ને ચપટીક રાઈ
...તે... શું..
ઝરણાંથી ઘેરાઈ ઊભી
આ ઢોળાવોવાળી ટેકરી જુઓ
બરફથી છવાયેલો આ પહાડ
કેવો તો લહેરાઈ રહ્યો છે
અરે, વાદળો સાથે વાતો કરતો આ ડુંગર
આકાશમાં પથરાઈ ગયો છે
છેવટે કંઈ નહિ તો આ ખડક લઈ જાઓ
એને ભાંગશો તો મુઠ્ઠેમુઠ્ઠા રાઈ
જિંદગીની જિંદગી ખૂટશે નહિ
પણ ચપટીક રાઈ... તે... શું...
તો વળી કોઈ અકળ ચોઘડિયે
કોઈ અજાણ્યા જેવો જણ આવી કહે,
મારે પર્વત જોઈએ છીએ
બજાર હેબતાઈને એને જોઈ રહે
ગૅંગૅં ફેંફેં થઈ જાય
ડું..ગ્ગ..ર્ર્.. સાચુકલો ડુંગર... તે... શું...
શા માટે...
પણ બાહોશ બજાર તરત કળી જાય કે
આને ડુંગરથી રાઈ જેટલુુંય ઓછું નહિ ખપે
ત્યારે એના હાથમાં એ તરણું પકડાવી દે!
છે તે આ તરણા ઓથે જ છે
દેખાશે
જુઓ જુઓ દેખાય છે
ન દેખાય તો પણ છે
હશે જ હોય જ હોવો જોઈએ