અન્વેષણા/૨૯. ભાષા અને વ્યાકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાષા અને વ્યાકરણ



એક જાણીતા પાશ્ચાત્ય લેખકે કહ્યું છે કે જેમ તર્કશાસ્ત્ર એ બુદ્ધિનું વ્યાકરણ છે તેમ વ્યાકરણ એ વાણીનું તર્કશાસ્ત્ર છે. વાણી અથવા બોલાતી ભાષા અને વ્યાકરણ એ બે વચ્ચેનો સંબંધ આ ઉક્તિમાં બહુ સૂચક રીતે રજૂ થયો છે, તર્કશાસ્ત્રમાં જેમ વિચારોની વ્યવસ્થા છે તેમ વ્યાકરણમાં ભાષાની વ્યવસ્થા છે. પણ ભાષાની આ વ્યાકરણરૂપ તંત્રરચના કંઈ અગાઉથી થયેલી હોતી નથી. ભાષા ઉદ્ભવે અને અમુક કોટિ સુધી વિકસે; એ પછી જ વ્યાકરણ રચાય. એવો વિકાસ થયા પછી જ કોઈ વિચારક વિદ્વાનને ભાષાની વ્યવસ્થા નિરૂપવાનું તથા એનાં ઉચ્ચારણ આદિની શિષ્ટતાનાં ધોરણો બાંધવાનું સૂઝે; જેમ મનુષ્યને વિચારો પહેલાં આવે, પણ તર્કશાસ્ત્રરૂપે એની વ્યવસ્થા ઘણા સમય પછી બંધાય તેમ. આથી જ, વ્યાકરણ કરતાં ભાષા ઘણી પ્રાચીન છે. ભાષા એક સમન્વયાત્મક નૈસર્ગિક વિકાસ છે; વ્યાકરણ એનું પૃથક્કરણાત્મક શાસ્ત્ર છે. ભાષામાં સ્વાભાવિક રીતે અક્ષરોમાંથી શબ્દ બને છે. અને ભાષા બોલનાર વ્યક્તિ શબ્દોમાંથી સહજભાવે વાક્ય બનાવી તેનો પ્રયોગ કરે છે, જ્યારે વ્યાકરણમાં—ખાસ કરીને આપણી ભારતીય આર્ય ભાષાઓના વ્યાકરણમાં—અક્ષરવિચાર, શબ્દવિચાર એ પ્રમાણે વિચારણા આવશ્યક બને છે. વ્યાકરણ એના સાચા અર્થમાં, તર્કશાસ્ત્રના જેવી જ ચિન્તનશક્તિને વ્યવસ્થિત અને સ્પષ્ટ કરનારી વિદ્યા છે. ભાષાનો ઉદ્દેશ સામા માણસને સમજાય એ રીતે વિચારો વ્યક્ત કરવાનો છે. જ્યાં સુધી આ ઉદ્દેશ સફળ થતો હોય ત્યાં સુધી એ કઈ વ્યવસ્થા દ્વારા સફળ થાય છે એ મહત્ત્વનું નથી. આથી કોઈ એક શબ્દપ્રયોગ કે વાક્યપ્રયોગની વ્યાકરણગત શુદ્ધિ અને અશુદ્ધિનો આધાર સામાજિક દૃષ્ટિએ તેની સ્પષ્ટતા ઉપર રહે છે, એટલે કે જે તે ભાષામાં તેના રૂઢ, સાર્વત્રિક અને સર્વપરિચિત વપરાશ ઉપર રહે છે. જે પ્રયોગ સાર્વત્રિક રીતે સમજાય નહિ એવો અપરિચિત હોય તે વ્યાકરણવિરુદ્ધ છે; અથવા બીજી રીતે કહીએ તો, સર્વસામાન્ય રૂઢિ અને સામાજિક સંકેતથી નિશ્ચિત થયેલા ભાષાન! સ્વભાવથી તે વિરુદ્ધ છે. વ્યાકરણશુદ્ધિ એટલે વિશિષ્ટ દેશકાળમાં જે તે ભાષા બોલનાર સમાજની સ્થાપિત ભાષા-રૂઢિઓનું અનુસરણ. આ ઉપરથી ફલિત થશે કે જમાને જમાને પ્રજાનાં ઉચ્ચારણોમાં ફેરફાર થાય છે તેમ એના વ્યાકરણમાં પણ ફરક પડે છે. દેખીતું છે કે જેમ ભાષામાં કાળક્રમે તફાવત થાય તેમ એના વ્યાકરણમાં પણ ફેરફાર થાય. ઉદાહરણ તરીકે, આધુનિક ભારતીય આર્ય ભાષાઓ સંસ્કૃતમાંથી પ્રાકૃતો દ્વારા ઊતરી આવી છે; સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણનો અભ્યાસ આધુનિક ભાષાઓ માટે ઉપયોગી થાય, પણ આધુનિક ભાષાનું વ્યાકરણ તો સ્વતંત્ર જ હોય. જૂની ગુજરાતીનું વ્યાકરણ એ આધુનિક ગુજરાતીનું વ્યાકરણ નથી; જેમ ઍઁગ્લો-સેકસન કે જૂની અંગ્રેજીનું વ્યાકરણ એ અર્વાચીન અંગ્રેજીનું વ્યાકરણ નથી અથવા લૅટિન વ્યાકરણ એ આધુનિક ઇટાલિયન ભાષાનું વ્યાકરણ નથી. આમાંથી એ પણ સમજાશે કે જુદી જુદી ભાષાઓનાં વ્યાકરણો વચ્ચે ઓછોવત્તો તફાવત હોવાનો; અને આ તફાવત કેટલો હોય એનો આધાર જુદી જુદી ભાષાઓ ઐતિહાસિક રીતે અથવા ભાષાકુળની દૃષ્ટિએ પરસ્પર કેટલી નિકટ અથવા દૂર છે એના ઉપર રહેવાનો. જેમકે, ગુજરાતીનું વ્યાકરણ હિન્દી, મરાઠી કે બંગાળીથી જેટલું ભિન્ન છે એના કરતાં અંગ્રેજીથી ઘણું વધારે ભિન્ન છે, પણ એક તરફ ભારતીય આર્યભાષાઓ તથા અંગ્રેજી આદિ યુરોપીય ભાષા અને બીજી તરફ ચીન, તિબેટ આદિની ભાષાઓની તુલના કરીશું તો આપણી ભાષાઓ અને યુરોપીય ભાષાઓના વ્યાકરણમાં વધારે સમાનતા જણાશે, કેમકે આપણી અને યુરોપીય ભાષાઓનું મૂળ એ સર્વની સમાન માતૃભૂત ઇન્ડો-યુરોપિયન ભાષામાં રહેલું છે. આમ જગતની ભાષાઓ અને ભાષાકુળોના વર્ગીકરણમાં વ્યાકરણની સહાય બહુ મહત્ત્વની છે. નિશાળમાં પોતાની કે પારકી ભાષા શીખવા પ્રયત્ન કરતાં બાળકો માટે રચાયેલાં લઘુ વ્યાકરણો આપણને પરિચિત છે. વિચારો વ્યક્ત કરવા માટેની જે તે ભાષાની વ્યવસ્થાનો અથવા ભાષાકીય વિગતોનો શુદ્ધ અને પૂરો પરિચય એમાં અપાય એવી અપેક્ષા રહે, પણ આવો પરિચય આપવો એ સહેલી વાત નથી. એ આપતાં પહેલાં તમામ ભાષાકીય વિગતોનું શાસ્ત્રીય પરીક્ષણ અને શોધન થયું હોય એ જરૂરી છે. એ માટે તુલનાત્મક અને ઐતિહાસિક વ્યાકરણો તૈયાર થવાં જોઈએ. વ્યાકરણગત રૂપોનું મૂળ તથા એમનું વાસ્તવિક સ્વરૂપ તેમ જ એ રૂપોનો પારસ્પરિક અને વાક્યગત સંબંધ આપણે સમજવો હોય તો એ રૂપોનાં પૂર્વજ રૂપોનો અભ્યાસ કરવો જોઈએ તેમ જ સબંધ ધરાવતી ભાષાઓ અને બોલીઓનાં મળતાં આવતાં રૂપો સાથે એમની તુલના કરવી જોઈએ. તુલનાત્મક અને ઐતિહાસિક વ્યાકરણો આ રીતે રચાય છે. અલબત્ત, જે તે ભાષાનું જૂનું સાહિત્ય લિખિત સ્વરૂપમાં સચવાયું હોય તો જ ઐતિહાસિક વ્યાકરણની રચના થઈ શકે છે. તેમ ન હોય તો જે તે ભાષાની વિગતોની સંબંધ ધરાવતી ભાષાઓ સાથે તુલના કરીને—અર્થાત્ તુલનાત્મક વ્યાકરણ દ્વારા—એમનું વાસ્તવિક સ્વરૂપ સમજવાનો પ્રયત્ન થઈ શકે છે. ઐતિહાસિક વ્યાકરણો ખાસ કરીને એક જ ભાષાકુળની જુદી જુદી ભાષાઓના તુલનાત્મક અભ્યાસ કરવામાં ખૂબ ઉપયોગી થાય છે, હમણાં કહ્યું તેમ, જગતની ભાષાઓ અને ભાષાકુળોના વર્ગીકરણમાં વ્યાકરણની સહાય બહુ મહત્ત્વની છે. એક ભાષાના શબ્દો બીજી ભાષામાં છૂટથી ઉછીના લેવાય છે; મૂળે એકબીજા સાથે કંઈ પણ સંબંધ નહિ ધરાવનારા શબ્દો ધ્વનિગત ક્ષય(Phonetic decay)ને પરિણામે સમાન રૂપ ધારણ કરી લે છે; અને સાવ વિભિન્ન ભાષાઓમાં કોઈ વાર સમાન શબ્દો જોવામાં આવે છે, જેનાં ચોક્કસ કારણ દરેક દાખલામાં આપી શકાતાં નથી. એટલે કે શબ્દભંડોળનું સામ્ય કે સંબંધ ભાષાના કુળસંબંધ પરત્વે નિર્ણાયક વસ્તુ નથી, પણ વ્યાકરણના મૂલભૂત ખ્યાલો તથા એ વ્યક્ત કરવા માટેની વ્યવસ્થા જે ભાષાઓમાં સમાન હોય તેમના એકબીજા સાથેના સંબંધ વિષે તથા તેમના સમાન મૂળ વિષે શંકા રહેતી નથી. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. વ્યાકરણ વૈયાકરણીઓની રચના હોવા છતાં એ તેમનુ સર્જન નથી. કોઈ પણ ભાષાનું વ્યાકરણ ખરેખર તો એના ભાષકો બનાવે છે. ભાષા બોલનારાઓએ ઊભી કરેલી સમન્વયાત્મક ઘટનાનું વ્યાકરણશાસ્ત્રીઓ પૃથક્કરણાત્મક, નિયમબદ્ધ નિરૂપણ કરે છે એટલું જ. સંસ્કૃત વ્યાકરણનાં પાણિનિનાં સૂત્રો ઉપર ‘મહાભાષ્ય’ રચનાર પતંજલિએ આપેલું એક ઉચિત દષ્ટાન્ત ટાંકીને કહીએ તો, “જેને ઘડાની જરૂર હોય તે કુંભારને ઘેર લઈ જઈને કહેશે કે ‘ઘડો બનાવ. મારે એનું કામ છે.’ પણ એ રીતે શબ્દનો પ્રયોગ કરવા ઇચ્છનાર વૈયાકરણને ઘેર જઈને એમ નહિ કહે કે શબ્દો બનાવી આપ, મારે એનો પ્રયોગ કરવો છે.’” બાળક પોતાની ભાષા તો આસપાસના વાતાવરણમાંથી સ્વાભાવિક ક્રમે શીખી લે છે, પણ અંગ્રેજી, ફ્રેન્ચ કે જર્મન જેવી પરદેશી ભાષા અથવા સંસ્કૃત કે ફારસી જેવી પ્રાચીન પ્રશિષ્ટ ભાષા શીખવાનો આરંભ કરતાં જ તેની આગળ રૂપાખ્યાનોનો કે વ્યાકરણના નિયમોનો ઢગલો થાય છે. એથી તે અકળાઈ જાય છે. વ્યાકરણ વિષે પણ એથી ખોટો ખ્યાલ બંધાય છે અને વ્યાકરણમાં પ્રવીણતા મેળવવી પણ મુશ્કેલ પડે છે. સમન્વિત વાણીનું એકમ વાક્ય છે; અને એથી નવી ભાષા શીખવા ઇચ્છતા વિદ્યાર્થીને રૂપાખ્યાનો કે નિયમોથી નહિ, પણ વાક્યથી આરંભ કરાવવો જોઈએ. આવાં કેટલાંક વાક્યોની સમજૂતી અપાયા પછી એનું પૃથક્કરણ કરી શકાય, ઘટક અંશોનો સંબંધ અને ક્રમ સમજાવી શકાય તથા વ્યાકરણની દૃષ્ટિએ એમની સૂચકતા બતાવી શકાય. અને સૌથી વધારે તો એ દર્શાવી શકાય કે કોઈ પણ ભાષાનું વ્યાકરણ એ કૃત્રિમ નિયમોનું કોઈ જડ તંત્ર નથી, પણ પોતાની વિશિષ્ટ તર્કપદ્ધતિ અને આગવો ઇતિહાસ ધરાવતો એક ચેતનભર્યો પિંડ છે. * [1]

[‘બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર ૧૯૬૦]


  1. * ‘ઍન્સાઇક્લેપીડિયા બ્રિટાનિકા' (૧૧મી આવૃત્તિ)ના ‘ગ્રામર’ શીર્ષક લેખનો કેટલોક આધાર આમાં લેવાયો છે.