અન્વેષણા/૨. ઈતિહાસ અને સાહિત્ય–સંશોધનની દૃષ્ટિએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઇતિહાસ અને સાહિત્ય–સંશોધનની દૃષ્ટિએ*[1].



પ્રમુખશ્રી, સન્નારીઓ અને સજ્જનો !

શ્રી ફાર્બસ ગુજરાતી સભાના, થોડાક માસ પહેલાં ઉજવાયેલા શતાબ્દી-મહોત્સવ-સમારંભમાં એક વક્તા તરીકે હાજર રહેવાનું મારે માટે નિયત થયેલું હતું, પણ કેટલીક અણધારી મુશ્કેલીઓને લીધે હું તેમ કરી શકયો નહિ. પૂર્વયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત થયો નહિ એ ક્ષતિ મને ખટકતી હતી, ત્યાં સંશોધન-વ્યાખ્યાનમાળામાં એક વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ સભાના કાર્યવાહકો તરફથી આવ્યું તે મેં તુરત જ સ્વીકાર્યું, કેમ કે શતાબ્દી મહેત્સવના કાર્યક્રમમાં કાંઈક ફાળો આપવાનો એ નિમિત્તે મને અવસર મળતો હતો. સભા સાથેનો મારો સંબધ અભ્યાસ-સંશોધનની પ્રવૃત્તિનો મેં આરંભ કર્યો ત્યારથી છે અને એ કાર્યમાં સભા તરફથી મને જે સહાય અને ઉત્તેજન પ્રાપ્ત થયાં હતાં તે હું ભૂલી શકું એમ નથી.

વિ. સં. ૧૭૦૬(ઈ. સ. ૧૬૫૦)માં રચાયેલ વૃત્તબદ્ધ ગુજરાતી શૃંગારકાવ્ય ‘રૂપસુન્દર કથા’નું સંપાદન આ સંસ્થાના સંગ્રહમાંની એક માત્ર વિરલ હસ્તલિખિત પ્રતિ ઉપરથી તે સમયના સહાયક મંત્રી સ્વ. અંબાલાલ જાનીની સૂચનાથી મેં કર્યું હતું. અને આ સંસ્થાએ એનું પ્રકાશન સને ૧૯૩૪માં કર્યું હતું, જ્યારે મેં મેટ્રિકની પરીક્ષા પસાર કરી નહોતી. વીરસિંહકૃત ‘ઉષાહરણ’ (ઈ. સ.નો પંદરમો સૈકો) અને મતિસારકૃત ‘કર્પૂરમંજરી’ (સં. ૧૬૦૫, ઈ.સ. ૧૫૪૯)નાં મારાં સંપાદનો અનુક્રમે ૧૯૩૮ અને ૧૯૪૧માં સભાએ પ્રગટ કર્યાં. સભાના સંશોધન—’ત્રૈમાસિક’માં મારા અનેક લેખોને અવકાશ મળ્યો છે. સભાના પ્રમુખો સ્વ. કૃષ્ણલાલ ઝવેરી અને વિદ્યમાન શ્રી. હરસિદ્ધભાઈ દિવેટિયા તથા કાર્યશીલ સહાયક મંત્રીઓ સ્વ. અંબાલાલ જાની અને સ્વ. શંકરપ્રસાદ રાવળનો સતતવાહી સદ્ભાવ મને પ્રાપ્ત થયો એ બદલ એ સજ્જનો પ્રત્યે મારો કૃતજ્ઞભાવ વ્યક્ત કરું છું. પોતાના એક જૂના કાર્યકરને સભાએ આ વ્યાખ્યાન માટે નિમંત્ર્યો છે એ સારુ ઔપચારિક આભારવિધિ કરતો નથી. આ સભા સાથે જે પુણ્યશ્લોક પુરુષનું નામ જોડાયેલું છે તે અલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સનું વિદ્યાવિષયક જીવનકાર્ય ગુજરાતના ઇતિહાસ અને સાહિત્ય પરત્વે હતું. સભાએ પણ એ પ્રકારના કામનું સાતત્ય જાળવી રાખ્યું છે તથા ઇતિહાસ અને સાહિત્ય વિષેનાં તેમ જ એ બંનેનું સંયોજન કરતાં અનેક કીમતી પ્રકાશનો કર્યાં છે. મને પણ એ વિષયોમાં ઊંડો રસ છે. આથી, ઇતિહાસ અને સાહિત્ય વિષે સંશોધનની દૃષ્ટિએ કેટલીક ચર્ચા કરવાનું આજે મેં પસંદ કર્યું છે. ઇતિહાસનાં સાધનો અનેકવિધ હોય છે એ આપને સુવિદિત છે. એમાં સૌથી મહત્ત્વનું અને મોટું સાધન સાહિત્ય છે. સાહિત્યના ઉપાદાનરૂપ ભાષા અને તેના પ્રયોગો, જેને આધારે ભાષાશ્રયી પુરાતત્ત્વ (Linguistic Palaeontology)નું શાસ્ત્ર રચાયું છે તે પણ સાંસ્કૃતિક ઇતિહાસનું એક અગત્યનું સાધન છે. સાહિત્ય કોઈ સમય કે યુગમાં રચાયેલું હોય છે. આથી સાહિત્ય પ્રાય: એ સમય ઉપર પ્રકાશ પાડે છે અને એ સમય કે યુગનો અભ્યાસ સાહિત્યને સમજવામાં ઉપકારક થાય છે. જીવનને જુદી જુદી દૃષ્ટિએ સ્પર્શતા ઇતિહાસ અને સાહિત્ય જેવા બે મહાન વિષયો આ પ્રકારના અધ્યયનમાં અમુક કોટિએ જાણે કે એકરૂપતા પામી જાય છે. ઇતિહાસ અને સાહિત્યનું સંશોધન અને અર્થદર્શન પરસ્પરને કેવી રીતે ઉપકારક થાય, પરસ્પરને કેવી રીતે અજવાળે એની કેટલીક વાતો, માર્ચ ૧૯૬૪માં વડોદરા ખાતે મળેલા ગુજરાત ઇતિહાસ પરિષદના બીજા અધિવેશનના પ્રમુખસ્થાનેથી આપેલા, ‘ઇતિહાસ અને સાહિત્યના તાણાવાણા’ એ શીર્ષક નીચેના વ્યાખ્યાનમાં મેં કરી હતી. એ જ વાતો મારા અભ્યાસ અને વાચનમાંથી થોડાંક ઉદાહરણો આપીને હું આગળ ચલાવીશ. ઉપર્યુક્ત વ્યાખ્યાનમાં મેં કહ્યું હતું તેમ, આ ચર્ચા કેટલાક મુદ્દાઓ સ્ફુટ કરવા પૂરતી માત્ર ઉદાહરણાત્મક હશે. આશરે અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસે ઈરાનમાંથી મળતા ખનિજ તેલનો બહુ સ્પષ્ટ શબ્દોમાં ઉલેખ કર્યો છે, પણ પ્રાચીન ભારતમાં ખનિજ તેલ અજ્ઞાત હતું એવી માન્યતા સામાન્યતઃ પ્રચલિત છે. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં કેટલાક એવા નિર્દેશો છે, જે બતાવે છે કે જૂના સમયમાં પણ ભારતમાં ખનિજ તેલનો ઉપયાગ સાવ અજાણ્યો નહોતો. કાશ્મીરી કવિ બિહ્લણે (ઈ. સ.નો ૧૧મો સૈકો) પ્રાચીન કર્ણાટ દેશના પાટનગર કલ્યાણીમાં રહીને રચેલા, ત્યાંના ચૌલુકચ રાજ્યકર્તા વિક્રમાદિત્ય આહવમલ્લનું પ્રશસ્તિમય ચરિત્ર આલેખતા મહાકાવ્ય ‘વિક્રમાંકદેવચરિત’માં આવો એક ઉલ્લેખ છે. નાયકનો વિરહાગ્નિ, જે બરફનાં પાણીથી અથવા ચંદનના શીતળ લેપથી શાન્ત થતો નહોતો, તેને એમાં ઈરાની તેલ વડે સળગેલા અગ્નિ – ‘પારસીક તૈલાગ્નિ’ સાથે સરખાવવામાં આવ્યો છે (સર્ગ ૯, શ્લોક ૨૭). કવિ કહે છે કે નાયક ઉપર કામદેવ પારસીક તૈલાગ્નિવાળાં બાણ છોડતો હતો. દક્ષિણ ભારતનાં કેટલાંયે બંદરેથી ઈરાન, અરબસ્તાન અને બીજા દેશો સાથે ધીકતો વેપાર ચાલતો હતો, અને બિહ્લણે વર્ણવેલું ‘પારસીક તેલ’ ત્યાં આયાત થતું હોય અને તેથી આ તેલના ગુણોથી દક્ષિણ ભારતના એક સમૃદ્ધ રાજદરબારમાં રહેલો કવિ માહિતગાર હોય એ તદ્દન સંભવિત છે. ઈ. સ. ૯૦૦ પૂર્વે રચાયેલા બૌદ્ધ ગ્રન્થ ‘આર્ય મંજુશ્રી મૂલકલ્પ’માં જેનો નિર્દેશ છે તે ‘તુરુષ્ક તૈલ’ (‘તુર્ક અથવા મુસ્લિમ વેપારીઓ મારફત આવતું તેલ?’ કે ‘તુર્ક દેશનું તેલ?’) . બિહ્લણે વર્ણવેલા ‘પારસીક તૈલ’થી ભિન્ન નથી એમ બતાવવાનો પ્રયત્ન શ્રી. પી. કે. ગોડેએ પોતાના એક લેખમાં કર્યો છે (‘સ્ટડીઝ ઇન ઇન્ડિયન લીટરરી હિસ્ટરી,’ પુ. ૧, પૃ. ૩૨૩-૨૪). આ તે પરદેશથી આવતા ખનિજ તેલની વાત થઈ. પરંતુ જૈન આગમસાહિત્યમાં એક બહુ મહત્ત્વનો ઉલ્લેખ મળે છે, જે બતાવે છે કે ‘આર્ય મંજુશ્રી મૂલકલ્પ’ અને ‘વિક્રમાંકદેવચરિત’ના સમય પહેલાં, નિદાન એછાવત્તા પ્રમાણમાં પણ ભારતમાં ખનિજ તેલ ઉપલબ્ધ હતું. ‘બૃહત્ કલ્પસૂત્ર’ ઉપરના સંઘદાસગણિ ક્ષમાશ્રમણના પ્રાકૃત ભાષ્યમાં(ઈ. સ.ના છઠ્ઠા સૈકા આસપાસ) તથા એ જ ગ્રન્થ ઉપરની આચાર્ય ક્ષેમકીર્તિની સંસ્કૃત ટીકામાંના (જે ટીકા ઈ. સ. ૧૨૭૬માં સંપૂર્ણ થઈ) ‘મરુતૈલ’ ( ‘મારવાડી તેલ’ )ના ઉલ્લેખની હું અહીં વાત કરું છું. ભાષ્યમાંના પ્રાકૃત ‘મરુતેલ્લ’ (સં. ‘મરુતલ’) શબ્દની સમજૂતી આપતાં સંસ્કૃત ટીકાકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે એ તેલ મારવાડમાં પર્વતમાંથી મળે છે. (मरूतैलंमरुदेशे पर्वतादुत्पधते। ‘બૃહત્ કલ્પસૂત્ર’, પુ. પ, પૃ. ૧પ૯૧). એનો ઉપયોગ દુર્લભ ઔષધ તરીકે થતો. આ ખરેખર તેલ હતું કે તૈલી પદાર્થ હતો એ નિશ્ચિતરૂપે કહેવાનું મુશ્કેલ છે, પણ એટલું તો સ્પષ્ટ છે કે એ પદાર્થ તેલને ઠીક મળતો હતો અને રાજસ્થાનમાં કોઈ પહાડી કે ખડકાળ પ્રદેશમાં તે મળી આવતો હતો, બે વિદ્વાન જૈન સાધુઓ જેઓ સતત પાદવિહાર કરતા હતા તથા અનેક પ્રદેશોની જોવા જાણવા લાયક વાતો પોતાના ગ્રન્થોમાં વર્ણવતા હતા તેમની કલમે આ લેખ નોંધાયેલો હોઈ વધારે વિશ્વાસપાત્ર ગણાવો જોઈએ. ઉપર્યુકત સર્વ સાહિત્યિક નિર્દેશોને એકસામટા જોઈએ ત્યારે જણાશે કે-ઈરાનમાંથી આયાત થતું તેમ જ અહીં પેદા થતું-ખનિજ તેલ પ્રાચીન ભારતને પરિચિત હતું અને લડાઈમાં સળગતાં બાણ છોડવામાં તથા કેટલાક રોગોમાં ચોળવા માટેની દવા તરીકે પણ તે વપરાતું હતું. ઉદ્યોતનસૂરિકૃત વિખ્યાત પ્રાકૃત ધર્મકથા ‘કુવલયમાલા’ શક સં. ૭૦૦ (ઈ. સ. ૭૭૮)માં જાબાલિપુર-જાલોરમાં રચાઈ છે. એનો સર્વપ્રથમ પરિચય આચાર્ય જિનવિજયજીએ આશરે ચાલીસ વર્ષ પહેલાં-૧૯૨૭માં ‘વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રન્થ’ તથા ‘જૈન સાહિત્ય સંશોધક’ ત્રૈમાસિકમાં એક સાથે પ્રકટ થયેલા ‘કુવલયમાલા-આઠમા સૈકાની એક જૈન કથા’ એ શીર્ષક નીચેના વિસ્તૃત લેખમાં આપ્યો હતો. ડૉ. એ. એન. ઉપાધ્યે-સંપાદિત એ મહાકથા થોડાંક વર્ષ પહેલાં સિંધી જૈન ગ્રન્થમાલામાં પ્રસિદ્ધ થઈ છે. ભાષા, સાહિત્ય, શૈલી તેમ જ સાંસ્કૃતિક ઇતિહાસની દૃષ્ટિએ આ કથાનો વિગતવાર અભ્યાસ એ અલગ મહત્ત્વનો એક વિષય છે. પણ ભારતીય જ્યોતિષના ઇતિહાસની દૃષ્ટિએ નવીન અને મહત્વ્યની વાત એમાંથી જાણવા મળે છે એ પ્રત્યે અહીં આપનું ધ્યાન દોરીશ. એમાં વિનીતા–અયોધ્યાનગરીમાં દૃઢવર્મ રાજાને ત્યાં કથાનાયક કુવલયચંદ્રનો જન્મ થાય છે. જન્મ સમયના ગ્રહોનું ફળ કહેવા માટે સિદ્ધાર્થ નામે જ્યોતિષીને રાજા બોલાવે છે; આ નિમિત્તે ફલજ્યોતિષ વિષે ઘણી માહિતી ગ્રન્થકાર રજૂ કરે છે. એ પ્રસંગમાં દૃઢવર્મ રાજા જ્યોતિષીને પૂછે છે, ‘આવો ગુણવિસ્તાર ફલાદેશનો વિસ્તાર કોણે કહ્યો છે?’ સાંવત્સરિકે-જ્યોતિષીએ ઉત્તર આપ્યો, ‘દેવ, (પૂર્વે) કોઈ સર્વજ્ઞ દિવ્યજ્ઞાની ભગવાન હતા; તેમણે સુશિષ્યોને આ(શાસ્ત્ર) કહ્યું, તેઓએ(શિષ્યોએ) વળી બીજાઓને કહ્યું; એમ કરતાં (એ શાસ્ત્ર) વંગાલ ઋષિ સુધી આવ્યું. સાંપ્રત કાળે આ(શાસ્ત્ર) તેમણે કહેલું તે પ્રમાણે છે. તેથી આ વંગાલજાતક કહેવાય છે.’ વળી આ શાસ્ત્રનિરૂપણને અંતે સાંવત્સરિક રાજાને કહે છે, ‘દેવ, આવું આ(શાસ્ત્ર) વંગાલ-ઋષિએ નિરૂપેલું છે’ ( ‘કુવલયમાલા’, પૃ. ૨૦). ભારતીય જ્યોતિષના આધારે જાણવામાં આવેલા સાહિત્યમાં વંગાલ ઋષિ અથવા તેમનું ‘વંગાલ જાતક’ અજ્ઞાત છે, પણ ‘કુવલયમાલા’ના વ્યુત્પન્ન કર્તાએ તેમની પરંપરા વિષે કરેલી વાત એટલી સ્પષ્ટ અને વિગતભરપૂર છે કે એની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે એમ છે. વંગાલને વ્યક્તિવિશેષનું નામ ગણવું કે વંગાલ ઋષિ વંગ દેશના—બંગાલના હતા એવો અર્થ એમાંથી ઘટાવવો? આ બીજો વિકલ્પ સ્વીકારીએ તો, પૂર્વ ભારતમાં વિકસેલી, જ્યોતિષવિદ્યાની વંગાલ ઋષિસંમત પરંપરા પશ્ચિમ ભારતમાં પ્રાચીન ગુર્જર દેશના સંસ્કૃતિકેન્દ્ર શ્રીમાલ આસપાસના પ્રદેશોમાં આઠમા સૈકામાં જળવાઈ રહી હતી એમ માનવું પ્રાપ્ત થાય. પ્રાચીન ભારતમાં વિદ્યાનું આદાનપ્રદાન આપણે સામાન્ય રીતે કલ્પીએ તે કરતાં ઘણું ઝડપી હતું. ચૌલુક્યયુગીન ગુજરાતમાં રચાયેલા જ્યોતિષવિદ્યા અને નિમિત્તશાસ્ત્રના બે જાણીતા ગ્રન્થો-દુર્લભરાજકૃત ‘સામુદ્રિકતિલક’ અને નરહરિકૃત ‘નરપતિજયચર્યાસ્વરોદય’ની કદાચ સૌથી જૂની હસ્તપ્રતો નેપાલમાં છે એ હકીકતનો વિચાર કરીએ ત્યારે આવા આદાનપ્રદાનનો ઐતિહાસિક સન્દર્ભ પણ કંઈક સ્પષ્ટ થશે. ‘રોમકસિદ્ધાન્ત’ જેવા જ્યોતિઃશાસ્ત્રના સંસ્કૃત ગ્રન્થના વિષયનિરૂપણ ઉપર ગ્રીક જ્યોતિષની અસર છે, પણ એનું નામકરણ રોમન અસર બતાવે છે. આચાર્ય હેમચન્દ્રના ‘અભિધાનચિન્તામણિ’ ઉપરથી જણાય છે કે સિન્ધ અને પંજાબની મીઠાની ખાણોને रुमा અને એની પેદાશને रौमकलवण કહેતા. આ નામકરણને એ પ્રદેશ નજીકના કોઈ રોમન સંસ્થાન સાથે કે ત્યાંથી એ લવણ રોમ તરફ નિકાસ થતું હોય એ વસ્તુ સાથે સંબંધ હશે ખરો ? આ માત્ર તર્ક જ છે, પણ रुमा અને रौमक જેવાં નામોના વૈચિત્ર્યમાંથી તે ઉદ્ભવેલો છે. મધ્યકાલીન ગુજરાતી કવિ લાવણ્યસમયના ‘વિમલપ્રબન્ધ’(સં.૧૫૬૮, ઈ.સ.૧૫૧૨)ના સાતમા ખંડમાં ‘રોમનગર’ ઉપરનું વિમલ મંત્રીનું આક્રમણ તથા ત્યાંના સુલતાનોનો પરાજય વર્ણવેલ છે, તે સિન્ધ ઉપરની તેની ઐતિહાસિક સવારીનું વર્ણન છે. અવન્તિનાથ ભોજદેવકૃત ‘શૃંગારમંજરી કથા’માં નાયિકાના સૌન્દર્યવર્ણનમાં रुमाकर(‘રુમાની ખાણ’)નો ઉલ્લેખ કરીને लवणिमा (‘લાવણ્ય’ અને ‘ખારાશ ‘) શબ્દ ઉપર શ્લેષ કરેલો છે એ બતાવે છે કે रुमा શબ્દનો આ અર્થ ઠીક ઠીક પ્રચલિત હતો - यस्याश्चरणकमलाभ्यां सकाशादिव गति विलसितानि राजहंसैः वचसो माधुर्यं पिकवधूभि:, सर्वाङ्गेभ्यो लवणिमा रुमाकरैरगुह्यन्त। (‘શૃંગારમંજરી કથા,’ સં. કલ્પલતા મુનશી, મુંબઈ, ૧૯૫૯, પૃ. ૧૨ ). ફાર્બસ સભાએ પ્રગટ કરેલ મતિસારકૃત ‘કર્પૂરમંજરી’ના સંપાદનનો ઉલ્લેખ આ વ્યાખ્યાનના આરંભમાં મેં કર્યો છે. રાજશેખરના પ્રાકૃત સટ્ટક ‘કર્પૂરમંજરી’નું વસ્તુ પ્રસ્તુત જૂની ગુજરાતી ચોપાઈથી સર્વથા ભિન્ન છે એ અહીં નોંધવું જોઈએ. એ પદ્યકથાનું વસ્તુ સિદ્ધપુરના રુદ્રમહાલયની આસપાસ ગુંથાયું છે. સિદ્ધરાજ જયસિંહ એમાં એક પાત્ર તરીકે આવે છે. રુદ્રમહાલયની ભવ્યતાનું અને એમાંની શાલભંજિકાઓનું અછડતું વર્ણન એમાં છે, એ કથાની નાયિકા કર્પૂરમંજરી પણ એક શાલભંજિકા છે, જેનું સૌન્દર્ય જોઈને પ્રવાસીઓ મોહિત થઈ જતા હતા! સિદ્ધરાજે એના લોકોત્તર સૌન્દર્યની પ્રશંસા કરી સોળ શણગાર ચડાવ્યા હતા. સિદ્ધરાજ અને રુદ્રમહાલયની લોકપ્રસિદ્ધિ તથા રુદ્રમહાલયની શિલ્પસૌન્દર્યસમૃદ્ધિનું કંઈક પ્રતિબિંબ આ કથાનકમાં પડે છે એમ તેના સંપાદન સમયે મેં કલ્પ્યું હતું. પણ હવે મને લાગે છે કે એટલું પર્યાપ્ત નહોતું. મેવાડના પરાક્રમી અને વિદ્યાવિલાસી રાજવી કુંભારાણાએ માળવાના સુલતાન મુહમ્મદ ખિલજી ઉપર મેળવેલા વિજયના સ્મારક રૂપે ચિતોડના કિલ્લા ઉપર બાંધેલો કીર્તિસ્તંભ (ઈ.સ. ૧૪૮૮) થોડાક સમય પહેલાં સારો એવો વખત લઈને મેં અવલોક્યો. એના શિલ્પના અનુપમ લાલિત્ય અને અપરિમિત વૈવિધ્યનો સાધારણ ખ્યાલ પણ શબ્દોમાં આપવો મુશ્કેલ છે. ઇતિહાસકાર અને કલાવિવેચક વિન્સેન્ટ સ્મિથે એને માટે Illustrated Dictionary of Hindu Architecture (‘ભારતીય સ્થાપત્યનો સચિત્ર કોશ’) એવા શબ્દો પ્રયોજ્યા છે, કેમકે એમાં પ્રત્યેક શિલ્પ કે સ્મૃતિની નીચે સુસ્પષ્ટ દેવનાગરી લિપિમાં એનો નામોલ્લેખ કરેલો છે. એવાં બે સ્થળે નાનકડી પણ સુન્દર મહિલામૂર્તિઓની નીચે कर्पूरमंजरीरूपं એવો લેખ છે. એ જોયા પછી મને સમજાયું કે ‘કર્પૂરમંજરી’ કથાની નાયિકા અને રુદ્રમહાલયની શાલભંજિકા કર્પૂરમંજરી એક લોકપ્રસિદ્ધ પાત્ર હતી અને દેવી પાત્ર નહિ હોવા છતાં સંભવતઃ એના સૌન્દર્યમાં આરોપાયેલા ચમત્કારોને કારણે કીર્તિસ્તંભના દેવતાસમુદાયમાં એને સ્થાસ્થાન મળ્યું હશે. રુદ્રમહાલયનો થોડોક અવશેષ જ બચ્યો છે, એટલે એમાં તો આ શિલ્પને ખોળવાનું અશક્ય છે. ચિતોડનો કીર્તિસ્તંભ બાંધનાર પ્રવર સ્થપતિ મંડન મૂળ પાટણનો હતો (એની તથા એના મુખ્ય મદદનીશ એ પુત્રોની મૂર્તિઓ પણ કીર્તિસ્તંભમાં છે), એટલે કીર્તિસ્તંભમાં ‘કર્પૂરમંજરીરૂપ’ રચવાની પ્રેરણા એને રુદ્રમહાલયમાંથી મળી હોય એ અશક્ય નથી. સાહિત્ય અને કલા, અધ્યયનની અમુક અપેક્ષાએ કેવાં એકરૂપ બની જાય છે-વસ્તુતઃ જીવનના અને જીવનની ભાવનાઓના એ પ્રતીકાત્મક આવિષ્કારો છે-અને ઇતિહાસવિદ્યાને પણ કેવી રીતે પોષે છે એનું આ એક ઉદાહરણ છે. એક બાજુ સાહિત્ય અને બીજી બાજુ ચિત્ર-શિલ્પના અભ્યાસનું સંયોજન જરૂરી છે અને તે ફલપ્રદ થાય એમ છે. એનું એક નાનું પણ સૂચક ઉદાહરણ આપું. પુરુષના કપાળમાં અંગ્રેજી ‘યુ’ U આકારના તિલકને અમુક સમય થયાં વૈષ્ણવ સંપ્રદાયનું – તેમાંયે પુષ્ટિમાર્ગનું પ્રતીક ગણવામાં આવે છે. પણ ગુજરાતની મધ્યકાલીન ચિત્રકળા જેના પુષ્કળ નમૂના હવે મુદ્રિત સ્વરૂપમાં સુલભ છે એમાં જૈન પુરુષોના કપાળમાં આ ચિહ્ન છે. કેટલાક દાખલાઓમાં ત્રણ આડી લીટીઓ સહિત ત્રિપુંડને કંઈક મળતું સુશોભન પણ જોવામાં આવે છે. આ બતાવે છે કે અમુક સૈકા પહેલાં આ પ્રકારનાં ચિહ્નોને સર્વસામાન્ય ‘વિશેષક’–તિલક પણ ગણવામાં આવતાં હતાં. ચિત્ર અને શિલ્પને આધારે વેશભૂષા–અલંકારાદિનું અધ્યયન અને સાહિત્યિક વર્ણનો અને ઉલ્લેખો સાથે તેનું સંયોજન સાંસ્કૃતિક ઇતિહાસના અભ્યાસની મહત્ત્વની શાખા છે, પણ આપણા અભ્યાસીઓનું પૂરતું ધ્યાન હજી એ તરફ ગયું નથી. એક પ્રશિષ્ટ કાવ્યનો સાહિત્ય અને ભાષાની દૃષ્ટિએ અભ્યાસ કરતાં કરતાં રાજ્યવહીવટના ઇતિહાસની ઝીણવટમાં કેવી રીતે ઊતરવાનુ થયું એની હવે વાત કરું. આશરે પચીસેક વર્ષ પહેલાં બી. એ.ની પરીક્ષા માટે પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબન્ધ’ (ઈ.સ. ૧૪૫૬)નો અચુક ભાગ અમે વાંચતા હતા. જાલોરના ચૌહાણ રાજા કાન્હડદેવ અને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજી વચ્ચેનો વિગ્રહ આલેખતું એ વીરરસપૂર્ણ કાવ્ય છે અને ગુજરાત તથા રાજસ્થાનના તત્કાલીન ઇતિહાસને અનેક રીતે સ્પર્શે છે એ આપને સુવિદિત છે. સ્વ. ડાહ્યાભાઈ દેરાસરીએ સંપાદિત કરેલી ‘કાન્હડદેપ્રબન્ધ’ની બે આવૃત્તિઓ અમારા અભ્યાસ માટે ઉપલબ્ધ હતી. એમાં ખંડ ૧, કડી ૧૩નો પૂર્વાર્ધ આ પ્રમાણે હતો – ‘તિણિ અવસરિ ગૂજરધરરાઇ, સારંગદે નામિ બોલાઇ,’ એના ઉત્તરાર્ધ તરીકે શ્રી દેરાસરીએ નીચે પ્રમાણે કલ્પિત પાઠ મૂકયો છે- ‘ભત્રીજઉ તેહનઉ બલવંત, કરણદેવ યુવરાજ ભણંત.’ આ કલ્પિત પાઠ બીજી આવૃત્તિમાં જ ઉમેરવામાં આવ્યો છે, પહેલી આવૃત્તિમાં તે નથી. કોઈ હસ્તપ્રતમાં પણ એને મળતું કંઈ નથી. થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયેલી, શ્રી કાન્તિલાલ વ્યાસ-સંપાદિત ‘કાન્હડદેપ્રબન્ધ’ની વાચના પણ એ જ બતાવે છે. હસ્તપ્રતોમાં તો ૧૩મી કડીનો ઉત્તરાર્ધ આમ છે- ‘તિણિ અવગુણિઉ માધવ બંભ, તહીં લગઇ વિગ્રહ આરંભ.’ તો પ્રશ્ન એ થશે કે શ્રી દેરાસરીએ ઉપર્યુક્ત કલ્પિત પંક્તિ ઉમેરી શાથી? કર્ણદેવ વાઘેલાના દુરાચારથી દુભાયેલા માધવ મહેતો ૨૩મી કડીમાં સુલતાન અલાઉદ્દીન આગળ ફરિયાદ કરે છે- ‘ખિત્રી તણઉ ધર્મ લોપિઉ, રાઉ કર્ણદે ગાહલઉ થયઉ.’ આમ માત્ર દસ જ કડીને આંતરે બે જુદી વ્યક્તિઓનો – સારંગદેવ અને કર્ણદેવનો –ગુજરાતના રાજા તરીકે ‘કાન્હડદેપ્રબન્ધ’માં નિર્દેશ છે. આથી, રાજા અને યુવરાજ બંને સાથે રાજવહીવટ ચલાવતા હોય એવા ‘દો અમલી’ રાજ્યની શ્રી દેરાસરીએ ટિપ્પણમાં કલ્પના કરી તથા સારંગદેવ અને કર્ણદેવનો રાજ્યકર્તા તરીકે એક સાથે ઉલ્લેખ થયો છે, એમાં રહેતા વિરોધાભાસ દૂર કરવા માટે પેલો કલ્પિત પાઠ ઉમેંર્યો ! કલ્પિત પાઠ ઉમેરવાની પદ્ધતિ શાસ્ત્રીય સંપાદનોમાં ઉચિત નથી, પણ ‘દોઅમલી’ રાજ્ય વિષે શ્રી દેરાસરીએ જે તર્ક કર્યો છે તે વાસ્તવિક છે. રાજસત્તા બે શાસકોના હાથમાં હોય એ રૂઢિ પ્રાચીન સ્પાર્ટામાં હતી. પ્રાચીન ભારતમાં પણ કોઈ કોઈ સ્થળે આવી પ્રધા હતી. સિકંદરે ભારત ઉપર સવારી કરી તે સમયે, હાલના સિન્ધમાં આવેલા પટલ રાજ્યમાં સર્વોચ્ચ સત્તા જુદા જુદા ફુલના બે રાજાઓની હતી (મેકક્રિન્ડલ, ‘અલેકઝાન્ડર્સ ઇનવેઝન,’ પૃ.૨૯૬). આવા ‘દોઅમલી’ રાજ્ય માટે કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં ‘દ્વૈરાજ્ય’(એને ‘ડાયર્કી’– દ્વિમુખી રાજ્યવહીવટ કહીશું?) શબ્દનો પ્રયોગ છે. પૂર્વાચાર્યોનો મત ટાંકીને કૌટિલ્ય કહે છે કે ‘બે પક્ષ વચ્ચે દ્વેષ, વૈમનસ્ય અને સંઘર્ષને કારણે “દ્વૈુરાજ્ય” નાશ પામે છે’ (‘અર્થશાસ્ત્ર,’ ૮–૨). ભાઈઓ અને પિતરાઈઓ વચ્ચે ભૂમિ વહેંચવાને બદલે તેઓ સંયુક્ત વહીવટ ચલાવે તે માટે પણ આવી વ્યવસ્થા કરવી પડી હશે. જોકે આવા રાજ્યમાં આંતરિક બખેડાનું પ્રમાણ વધારે રહે એ સ્વાભાવિક છે. જૈન આગમોમાંના ‘આચારાંગ સૂત્ર’માં પણ આ પ્રકારના રાજ્યનો (પ્રા. दोरज्जाणि<सं. द्विराज्यानि) ઉલ્લેખ છે. ‘કાન્હડદેપ્રબન્ધ’માં જે પદ્ધતિનો ઉલ્લેખ છે તે, રાજાની જેમ જ સર્વ શાસકીય કાર્યોમાં યુવરાજનું પણ નામ આવે એ પદ્ધતિ છે. ગુજરાતના વાઘેલા શાસકોમાં એ પદ્ધતિ વિશેષતઃ પ્રચલિત હોય એમ જણાય છે. ધોળકાના વાઘેલા રાણા લવણપ્રસાદ અને તેના પુત્ર વીરધવલ વિષેના પ્રબન્ધાત્મક વૃત્તાન્તો એ પ્રકારના છે કે ખરેખર મુખ્ય શાસક કોણ એ સ્પષ્ટ રીતે પકડવું તેમાંથી મુશ્કેલ પડે; એનું કારણ પણ આ પદ્ધતિમાં રહેલું જણાય છે. લવણપ્રસાદના અવસાનનું વર્ષ નિશ્ચિત થાય ત્યાર પછી, અમુક બનાવ બન્યો ત્યારે મુખ્ય શાસક કોણ હતો એની ઝીણી વિગતોમાં ઊતરી શકાય. લવણપ્રસાદનું અવસાન સં. ૧૨૮૦-૮૨ અને સં. ૧૨૮૭ વચ્ચે ક્યારેક થયું હોય એમ પ્રાપ્ત પુરાવાઓ ઉપરથી જણાય છે. (દુર્ગાશંકર શાસ્ત્રી, ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ‘ આવૃત્તિ ૨, પૃ. ૪૫૦), પણ એની વિશેષ ચર્ચા અહીં પ્રસ્તુત નથી. પરંતુ દ્વૈરાજ્યપદ્ધતિ વાધેલાઓમાં સુપ્રચલિત હતી એના વિશેષ આધારો જોઇએ. અર્જુનદેવ વાઘેલાના મોટા પુત્ર રામદેવે પોતાના પિતાના જીવનકાળ દરમિયાન જ રાજ્યભાર ઉપાડયો હતો. સમકાલીન શિલાલેખો આ હકીકત સ્પષ્ટ રીતે કહે છે એ મહત્ત્વનું છે. ખંભાતમાં ચિન્તામણિ પાર્શ્વનાથના મન્દિરના, સં. ૧૩૫૨ (ઈ.સ. ૧૨૯૬)ના શિલાલેખમાં કહ્યું છે કે— रिपुमल्लप्रमर्दीयः प्रतापमल्ल ईडितः । तत्सूनुरर्ज्जुनो राजा राज्येऽजन्यर्ज्जुनो पर: || ८ || ऊ....कि विजयी परेषाम् । तनन्दनोऽनिन्दितकीर्त्तिरस्ति ज्येष्टोऽपि रामः किमु कामदेवः || ९ || उभौ धुरौ धारयतः प्रजानां पितुः पदस्यास्य च धुर्यकल्पौ । ...णौ भुवि रामकृष्णो || १० || (જિનવિજયજી, ‘પ્રાચીન જૈન લેખસંગ્રહ,’ ભાગ ૨, લેખાંક ૪૪૯ ).

વીસલદેવના ભાઈ પ્રતાપમલ્લનો પુત્ર અર્જુનદેવ હતો. તેણે અને યુવરાજ રામદેવે રાજ્યધુરાનો ભાર એક સાથે ઉપાડયો હતો. પણ રામદેવ એના પિતાના જીવનકાળમાં જ મરણ પામ્યો જણાય છે, કેમકે અર્જુનદેવની પછી એનો નાનો ભાઈ સારંગદેવ પાટણની ગાદીએ આવે છે. ઈડર પાસે, ભીલોડા તાલુકામાં ભુવનેશ્વરના મન્દિરની સામે મોરલીધરનું મન્દિર છે. એની ભીતમાં, કોઈ જૂના સુર્યમન્દિરમાંનો, સારંગદેવ વાઘેલાના સમયનો સં. ૧૩૫૪ (ઈ.સ. ૧૨૯૮)નો શિલાલેખ ચણાયેલો છે. શ્રી. નીલકંઠ જીવતરામે ‘બુદ્ધિપ્રકાશ,’ જાન્યુઆરી ૧૯૧૦માં એ છપાવ્યો છે અને ત્યારે પછી શ્રી. તનસુખરામ ત્રિપાઠીએ એની શુદ્ધતર વાંચના ‘બુદ્ધિપ્રકાશ,’ માર્ચ-એપ્રિલ ૧૯૧૦માં વિવેચન સહ પ્રગટ કરી છે. (શ્રી. ગિરિજાશંકર આચાર્યે સંપાદિત કરેલ અને ફાર્બસ સભાએ પ્રસિદ્ધ કરેલ ‘ગુજરાતના ઐતિહાસિક લેખો’માં આ મહત્ત્વનો શિલાલેખ સંઘરાયો નથી.) એમાં આપેલી વાઘેલાઓની વંશાવલી ઉપરથી દ્વૈરાજ્યપદ્ધતિની સ્પષ્ટ છાપ પડે છે. ઉપર્યુક્ત રામદેવ કે જેનો કોઈ સ્વતંત્ર શિલાલેખ કે પુષ્પિકા હજી મળ્યાં નથી એનો પણ એમાં રાજ્યકર્તા તરીકે ઉલ્લેખ છે (तस्यागंज: संप्रति राजतेऽसौ श्रीरामनामा नृपचक्रवर्ती। શ્લોક ૧૨). ચિન્તામણિ પાર્શ્વનાથના મન્દિરની પ્રશસ્તિમાંના રામદેવ વિષેના ઉલ્લેખ સાથે આની તુલના કરતાં એના મથિતાર્થ વિષે કંઈ શંકા રહેતી નથી. સુવર્ણગિરિ–જાલોરના સોનગિરા ચૌહાણોમાં પણ આ પદ્ધતિ હતી. ‘કાન્હડદેપ્રબન્ધ’ના નાયક કાન્હડદેવ વિષે તો આ બાબતમાં સ્પષ્ટ સમકાલીન પુરાવો છે. જાલોરના સં. ૧૩૫૩(ઈ.સ. ૧૨૯૭)ના એક લેખમાં કાન્હડદેવને પિતા સામંતસિહ સાથે રાજ્ય કરતો જણાવ્યો છે- ओंओं ।। [सं]वत् १३५३ [वर्षे [वै[शा]ख वदि ५ [सोमे] श्रीसुवर्णगिरौ अधेह महाराजकुलश्रीसाम[मं]तसिंह कल्याणं(ण) विजयराज्ये तत्पादोपजीविनि [रा]ज श्री कान्हडदेव राज्यधुरा [मु] द्वहमाणे इहैव वास्तव्य...(‘પ્રાચીન જૈન લેખ- સંગ્રહ,’ ભાગ ૨, લેખાંક ૩૫૩). એ જ પ્રમાણે ચોટણ ગામમાંથી મળેલા અને જાલોરમાં સચવાયેલા સં. ૧૩૫૫(ઈ.સ. ૧૨૯૯)ના એક લેખમાં (‘બુદ્ધિપ્રકાશ’ એપ્રિલ ૧૯૧૦, પૃ. ૧૧૧) તેમ જ સં. ૧૩૫૬(ઈ.સ. ૧૩૦૦)ના એક અપ્રસિદ્ધ શિલાલેખમાં (દશરથ શર્મા, ‘અર્લી ચૌહાણ ડાઈનેસ્ટિઝ,’ પૃ. ૧૫૯) પણ સામંતસિંહ અને કાન્હડદેવ એ બંનેનો સાથેલાગો ઉલ્લેખ છે. આ પ્રકારના રાજ્યવહીવટમાં એમ પણ થતું કે પિતા કરતાં પુત્ર વધારે પ્રતાપી હોય તો સાહિત્ય અને અનુશ્રુતિમાં પુત્રનું જ સ્મરણ વધારે રહે. સામંતસિંહના લેખો સં. ૧૩૩૯(ઈ.સ. ૧૨૮૩)થી ૧૩૬૨(ઇ.સ. ૧૩૦૬) સુધીના મળે છે (શર્મા, ઉપર્યુક્ત પૃ. ૧૫૯). સં. ૧૩૫૩ના અરસામાં કાન્હડદેવ તેની સાથે રાજ્ય વહીવટમાં જોડાયો હોય એમ ઉત્કીર્ણ લેખો ઉપરથી જણાય છે. (ગુજરાતના સારંગદેવ વાઘેલાનું અવસાન સં. ૧૩૫૩માં થયું અને કર્ણદેવ એ જ વર્ષમાં પાટણની ગાદીએ આવ્યો એ ઐતિહાસિક પ્રમાણોથી નિશ્ચિત છે. આમ છતાં, એ પછી દોઢસો કરતાં વધારે વર્ષ પછી ‘કાન્હડદેપ્રબન્ધ’ રચનાર પદ્મનાભે એ સમયે ગુજરાતમાં સારંગદેવ અને કર્ણ દેવનું એક સાથે રાજ્ય હોવાનુ વર્ણવ્યું તે દ્વૈરાજ્ય-પદ્ધતિની બળવાન પરંપરાનું દ્યોતક છે.) ગુજરાતનુંનું હિન્દુ રાજ્ય અલ્લાઉદ્દીન ખિલજીથી પરાજિત થયું તે એક મતે સં. ૧૩૫૬(ઈ.સ. ૧૩૦૦)માં અને બીજે મતે સં. ૧૩૬૦(ઈ.સ. ૧૩૦૪)માં, પણ ૧૩૬૦થી મોડું તો નહિ જ. પાટણ અને સોમનાથ ઉપર અલ્લાઉદ્દીનનું આક્રમણ થયું અને ત્યાંથી પાછા વળતાં જાલોરના ચૌહાણોએ મુસ્લિમ સૈન્યને પરાસ્ત કર્યું તે એ સમયે. ત્યારે જાલોરની ગાદી ઉપર મુખ્ય રાજ્યકર્તા તરીકે સામંતસિંહ હતો એ વિષે સમકાલીન ઉત્કીર્ણ લેખો અસંદિગ્ધ પુરાવો આપે છે; પરંતુ એનો વંશજ અખેરાજનો રાજકવિ પદ્મનાભ ‘કાન્હડદેપ્રબન્ધ’ના પ્રારંભમાં સામંતસિંહનો કેવળ નામોલ્લેખ કરીને કાન્હડદેવનું ચરિત જ વર્ણવે છે. કાન્હડદેવ એ પૃથ્વીરાજ અને હમ્મીરની હરોળનો વીર યોદ્ધો અને નેતૃત્વશક્તિવાળો સેનાપતિ હતો, અને એની સ્મૃતિ સાહિત્યમાં એના પિતા કરતાં વિશેષ સચવાઈ છે. સામંતસિંહનું અવસાન સં, ૧૩૬૨ કે ૧૩૬૩ (ઈ. સ. ૧૩૦૬ કે ૧૩૦૭)માં થયું હતું, એટલે પાટણ અને સોમનાથના પતન પછી તુરતમાં મુસ્લિમ સૈન્ય અને ચૌહાણો વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધ વખતે તે વિદ્યમાન હતો; પણ પદ્મનાભ એને વિષે મૌન છે. ‘કાન્હડદેપ્રબન્ધ’ના કથન મુજબ, જાલોરનું પતન સં. ૧૩૬૮(ઈ. સ. ૧૩૧૨ )માં થયું હતું અને એ અંતિમ યુદ્ધમાં કાન્હડદેવ વીરગતિને પામ્યો હતો. પ્રમાણમાં અર્વાકતન સાહિત્યમાંથી એક ઉદાહરણ આપીને આ વ્યાખ્યાન હું સમાપ્ત કરીશ. શામળ વગેરેની પદ્યવાર્તાઓમાં કવિ અને પંડિતોને મળેલા રાજ્યાશ્રય વર્ણવતાં ‘આપ્યો લાખ- પસાય’ એવા ઉલ્લેખો વારંવાર મળે છે. ‘લાખપસાય’ એટલે ‘લક્ષપ્રસાદ’–લાખનું પ્રીતિદાન. ‘કવિઓને એક શ્લોક કે શ્લોકાર્ધ માટે લાખનું દાન કોઈ રાજા કે અમાત્યે આપ્યાની વાતો પ્રાચીન સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં અને ઐતિહાસિક પ્રબન્ધોમાં અનેક સ્થળે આવે છે. કેટલાક દાખલાઓમાં અતિશયોક્તિ હોય અને વાર્તાઓમાં વર્ણવાયેલા પ્રસંગો કલ્પનોત્થ હોય, તોપણ એ પાછળની પરંપરાને ગપ ગણી કાઢવા જેવી નથી. કલ્પિત કથાઓ કેટલીક વાર મહત્ત્વની ઐતિહાસિક વાસ્તવિકતાઓ તરફ અંગુલિનિર્દેશ કરે છે. ભુજની પોશાળમાં કવિકર્મના શિક્ષણ માટે જે ‘શાળા’ ચાલતી તેમાં ઉત્તીર્ણ થયેલા ઉત્તમ વિદ્યાર્થીઓને લાખપસાય અપાતો. લાખપસાયના અર્પણના પ્રસંગનો એક સુંદર સમકાલીન ચિત્રપટ જોધપુરના રાજસ્થાની શોધ-સંસ્થાનમાં મેં જોયો હતો. જોધપુરના મહારાજા જશવંતસિંહ(જેને ઔરંગઝેબે કાબુલનો સુબો નિમ્યો હતો અને જેના બાળક પુત્રને ગાદીવારસ નહિ સ્વીકારવાને કારણે એક તરફ મોગલ સત્તા અને બીજી તરફ દુર્ગાદાસ રાઠોડની સરદારી નીચે જોધપુરના રાઠોડો વચ્ચે લાંબો વિગ્રહ ચાલ્યો હતો) પોતાના દરબારના કવિઓને પ્રત્યેકને લાખપસાય અને એક હાથી પ્રીતિદાન તરીકે આપે છે એ સમારંભનું એ ચિત્ર છે. એમાં દાન સ્વીકારનાર પાત્રની સાથે તેનું નામ પણ લખેલું છે એ બહુ અગત્યનું છે. લાખપસાયના પ્રતીક તરીકે અઢી હજાર ‘રૂપૈયા’–રૌપ્ય મુદ્રા-આપવાની પ્રથા હતી એવી પરંપરા આજે પણ ત્યાં પ્રચલિત છે; રૂઢ નામ ‘લાખપસાય’ હોવા છતાં પ્રીતિદાનની રકમ સ્થાનિક પરંપરા અનુસાર નક્કી થતી હશે એ આ ઉપરથી જણાય છે. આ વિમર્શને લંબાવી શકાય, પણ આ ટૂંકા વ્યાખ્યાનમાં એ જરૂરી નથી. ઇતિહાસ અને સાહિત્યના તુલનાત્મક સંશોધન પ્રત્યેના અભિગમને થોડાંક લાક્ષણિક ઉદાહરણો વડે અહીં સ્પષ્ટ કરી શકાયો હશે એમ હું આશા રાખું છું. જ્ઞાનની જે શાખાઓમાં પ્રત્યક્ષ પ્રયોગો કરવાનું શક્ય નથી તેમાં ઐતિહાસિક પર્યેષણા અને સમીક્ષાપૂર્વકની તુલના એ સંશોધનાત્મક તથ્યો તારવવાનું સર્વોત્તમ કરણ છે. ઈતિહાસ અને સાહિત્યની આપણી ઉપાસનામાં આપણે તે સિદ્ધ કરીએ એ પ્રાર્થના.

[ શ્રી ફા, ગુ. સ. ત્રૈમાસિક, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૬૬ ]


  1. *ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈની શતાબ્દી વ્યાખ્યાનમાળામાં તા. ૫ ડિસેમ્બર, ૧૯૬૫ને રોજ આપેલું વ્યાખ્યાન.