અન્વેષણા/૩૧. ‘કાન્હડદેપ્રબન્ધ’ના ત્રણ વિશિષ્ટ શબ્દપ્રયોગો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘કાન્હડદેપ્રબન્ધ’ના


ત્રણ વિશિષ્ટ શબ્દપ્રયોગો*[1]



जौहर અને झमोर (‘જૈન સત્યપ્રકાશ’, મે ૧૯૪૪ ), पांडव=અશ્વપાલ (‘ગુજરાતી સાહિત્ય પરિષદ પત્રિકા', જુલાઈ ૧૯૪૪), सारसी =મત્ત હાથીની ચીસ (‘બુદ્ધિપ્રકાશ’, ઑક્ટોબર-ડિસેમ્બર ૧૯૪૪), परीअचि=પડદો (‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૪૫), मुडधा(‘બુદ્ધિપ્રકાશ', જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૪૬), सावज અને मृग ( ‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ-જૂન ૧૯૪૭), घोडानी लास= ઘોડાનો સમુદાય (‘ બુદ્ધિપ્રકાશ ’, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૮), पउंतार-पुंतार=હાથીનો મહાવત (‘બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર ૧૯૪૮), श्रीकरी-सीकरी ( ‘બુદ્ધિપ્રકાશ', નવેમ્બર-ડિસેમ્બર ૧૯૪૯ ). ‘કાન્હડદેપ્રબન્ધ'માં પ્રયોજાયેલાલા ફારસી-અરબી મૂળના શબ્દોનું સંપૂર્ણ તારણ, શ્રી. નલિનકાન્ત પંડ્યાના સહકારથી ‘બુદ્ધિપ્રકાશ', જૂન ૧૯૫૪માં આ પછી મેં આપ્યું છે.

વિસલનગરા નાગર કવિ પદ્મનાભે સં.૧૫૧૨માં જાલોરમાં રચેલો ‘કાન્હડદેપ્રબન્ધ'એ પ્રાચીન ગુજરાતી(પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની) સાહિત્યની વિશિષ્ટ કૃતિઓ પૈકી એક છે. વીર અને કરુણરસથી તરબોળ એવું એ એક સુદીર્ઘ કથાકાવ્ય છે. દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતના છેલ્લા હિંદુ રાજવી કર્ણદેવ વાઘેલાના રાજ્યકાળ દરમિયાન ગુજરાત ઉપર કરેલું આક્રમણ અને સોમનાથના ભંગ, એ આક્રમણ માટે દિલ્હીથી ગુજરાતના માર્ગ ઉપર આવેલા જાલોરના રાજ્યમાંથી પસાર થવા માટે ત્યાંના રાજા સોનગિરા ચૌહાણ કાન્હડદે પાસે તેણે માગેલી અનુજ્ઞા, પણ કાન્હડદેએ કરેલાં એ સૂચનનો અસ્વીકાર, અને સુલતાનનું સૈન્ય સોમનાથના શિવલિંગના ટુકડાઓ લઈ પાછું વળતું હતું ત્યારે કાન્હડદેએ અચાનક છાપો મારીને કરેલો એનો પરાજય, છેવટે અલાઉદ્દીને પ્રચંડ સેના સાથે જાલોરના ગઢને ઘેરો ઘાલવો, અનેક વર્ષોના ઘેરા પછી એક દગાબાજ રાજપૂતને કારણે કિલ્લાનું પતન તથા રાજપૂતોનાં કેસરિયાં અને રાજપૂતાણીઓનાં જૌહર – બીજી કેટલીક ઉપકથાઓને બાજુએ રાખીએ તો, ‘કાન્હડદેપ્રબન્ધ’નું મુખ્ય કથાવસ્તુ આ છે. મુખ્યત્વે દુહા-ચોપાઈમાં આ કાવ્યનો પદબંધ બંધાયો છે; જોકે વચ્ચે વચ્ચે ઉચિત સ્થાને કેટલાંક કરુણરસ–પરિપ્લાવિત પદો — ઊર્મિગીતો પણ આવે છે. પદ્મનાભ કવિની વાણી ઓજસ્વી, પ્રવાહબદ્ધ, પ્રાસાદિક તથા દેશભક્તિના સચોટ રણકાવાળી છે. કવિનું ભાષાપ્રભુત્વ અને શબ્દભંડોળ અસામાન્ય છે. લશ્કરી વિષયનું કાવ્ય હોઈ તેમ જ મુસ્લિમ સત્તા સાથેના સંઘર્ષનું એમાં નિરૂપણ હોઈ લશ્કરી પરિભાષાના તેમ જ ફારસી-અરબી મૂળના શબ્દો એમાં પુષ્કળ છે. પદ્મનાભ એ કાન્હડદેના જ વંશમાં થયેલા જાલોરના રાજા અખેરાજનો રાજકવિ હોવાને કારણે એને ઐતિહાસિક ભૂમિકાનો પૂરેપૂરો ખ્યાલ છે, અને એથી ઐતિહાસિક દૃષ્ટિએ પણ એક અગત્યની રચના તરીકે ‘કાન્હડદેપ્રબન્ધ’ સર્વસ્વીકૃત છે. તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો પણ સારો ક્યાસ એમાંથી નીકળે છે. આમ ભાષાસાહિત્યના તેમ જ ઇતિહાસના અભ્યાસીઓ માટે ‘કાન્હડદેપ્રબન્ધ' અનેક રીતે અગત્યનું છે. ગુજરાતવાસી કવિએ રાજસ્થાનના એક અગત્યના શહેર જાલોરમાં એની રચના કરેલી હોઈ, ઓછામાં ઓછું સોળમા સૈકા સુધી ગુજરાત અને રાજસ્થાનની જે ભાષાવિષયક એકતા હતી એનું પણ એ નિદર્શક બની રહે છે. ગુજરાત અને રાજસ્થાનની આ સર્વસામાન્ય જૂની ભાષાને ગુજરાતી વિદ્વાનોએ જૂની ગુજરાતી કહી છે, ડૉ. ટેસીટરીએ જૂની પશ્ચિમ રાજસ્થાની કહી છે, જ્યારે શ્રી. ઉમાશંકર જોષીએ, જૂની ગુજરાતી અને જૂની રાજસ્થાની એમ બન્નેનો ભાવ નિષ્પન્ન થાય એ દૃષ્ટિએ એનું ‘મારુ-ગુર્જર' નામ સૂચવ્યું છે. નામ ગમે તે આપવામાં આવે તોપણ એટલું તો નક્કી છે કે વિક્રમના સોળમા શતકમાં અને તે પૂર્વે ગુજરાત-રાજસ્થાનમાં રચાયેલું ભાષાસાહિત્ય એ બન્ને પ્રાન્તોની પ્રાચીન ભાષા અને સંસ્કૃતિના અભ્યાસ માટે સમાન અગત્યનું છે અને પછીના સમયમાં વિકસેલી ગુજરાતી અને રાજસ્થાની ભાષાનું એક અને અસંદિગ્ધ પૂર્વરૂપ છે. એ પ્રકારના અભ્યાસ માટે ઘણી મહત્ત્વની સામગ્રી ‘કાન્હડદેપ્રબન્ધ'માંથી પ્રાપ્ત થાય છે. આગળ કહ્યું તેમ, ‘કાન્હડદેપ્રબન્ધ'ના કર્તાનું શબ્દભંડોળ અસામાન્ય છે, અને ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ‘કાન્હડદેપ્રબન્ધ'ની વિશિષ્ટતાનું એક કારણ એ પણ છે. એમાંના કેટલાક નોંધપાત્ર શબ્દપ્રયોગોની વ્યુત્પત્તિ તેમ જ અર્થસંક્રાન્તિની દૃષ્ટિએ ચર્ચા આ લેખમાં કરી છે.

[१]

जेड-जेडि

जेड અથવા जेडि શબ્દ અર્વાચીન ગુજરાતી કે અર્વાચીન રાજસ્થાનીમાં નથી. ‘કાન્હડદેપ્રબન્ધ’માં એનો પ્રયોગ નામ તેમ જ ક્રિયાપદ તરીકે છે. નામ તરીકે जेडનો અર્થ ‘વિલંબ' અને ક્રિયાપદ તરીકે ‘વિલંબ કરવો’ એવો થાય છે. પહેલાં નામના પ્રયોગો જોઈએ-

[१] लीजइ मोर बिहु ऊडाणे, जागे काहानडदेउ;
म करि जेड वीर ! इम बोलइ गंगा गौरी बेउ.
– ખંડ ૧, કડી ૧૨૧
[२] पद्यनाभ उच्चरई पुराण, माणस वंदिउ, करिउ वखाण;
वल्या मलिक नवि कीधी जेडि, हींदू वली करेसिइ केडि.
– ખંડ ૩, કડી ૧૦૮


ક્રિયાપદ તરીકે जेडના પ્રયોગો –

[१] वडु वीर विख्यात वदीउ महमूदशाह, 'म जेडु |
अलूखान बलवन्तु बन्दउ महल मांहि तेडु' ॥
– ખંડ ૧, કડી ૩૫
[२] अलूखानि एहवूं फरमायूं 'करउ विच्छेद, म जेडउ ।
जे प्रधान कान्हडदे केरा मुहुलि मांहिलि तेडउ ॥
– ખંડ ૧, કડી ૧૩૭
[३] राउत भणइ - महीप ! न जेडि, राजवंस छत्रीसि तेडि ।
चहुआण राय आयस दिइ, सवे वाधेला बोलावीइ ॥
– ખંડ ૩, કડી ૩૭

जेड-जेडि શબ્દનો પ્રયોગ જૂના ગુજરાતી(રાજસ્થાની) સાહિત્યમાં અન્યત્ર પણ મળે છે. જેમકે —

[१] वसु, वीरमं भणि म, जेडि; प्रथम, पुनु, पेथड तेडि
- અસાઈતકૃત હંસાઉલિ ( સં. ૧૪૧૭ ),
– ખંડ ૧, કડી ૩૭
[२] अन्याय रहइं दारुण, अड़तालीस सहस्र पाटण; जेहे
वसइं अनेक कुटुंब, इस्या चउवीस सहस्र मटंब;
जीहना वर्णन तणी कीजइ जेड, इस्या साल सहस्र खेड;
—માણિકયસુન્દરસૂરિકૃત પૃથ્વીચંદ્રચરિત્ર
(સં. ૧૪૭૮) પ્રા. ગુ. કા. સં., પૃ. ૧૧૪
[३] राय-मंत्रीसर बइलीइ केडि, षेड्या चंचल न करी जेडि
—સંઘકુલકૃત નંદબત્રીસી (સં. ૧૫૬૦),

કડી ૮૨; ‘બુદ્ધિપ્રકાશ’, પુ. ૬૩, પૃ. ૧૮૨}}

[४] पटोली-धोणहारो तेडि,जा सेवक ! म लाइस जेडि
—નરપતિકૃત નંદબત્રીસી (સં. ૧૫૪૫), કડી ૯;

[५] परिवार सवि बोलावियो, बाहुक सेनानि तेडि;
कहि भीमजा, संभलि सहु, तेणि वातें म कर जेडि.
—નયસુન્દરકૃત નળદમયંતીરાસ (વિ. ના ૧૬ મો સૈકો), પ્રસ્તાવ ૧૦, કડી ૫૦
[६] ’तातजी, माहारे माहामेरु करो, आव्यो छे आ उत्तम वरो’
पुत्री, माहारे नथी जेड्य, बाई, ताहारा सहु कोने तेड्य
—ગોવિન્દકૃત મામેરું (૧૭મા શતકનો ઉત્તરાર્ધ), પંપંક્તિ ૭૭;

આ તેમ જ આવા બીજા સંખ્યાબંધ પ્રયોગોને આધારે जेड-जेडिના અર્થનો નિર્ણય તો થઈ શકે છે, પણ એની વ્યુત્પત્તિ માટે પ્રશ્ન રહે છે. આ સાથે સંબધ જોડી શકાય એવો પ્રયોગ કોઈ પ્રાકૃતમાં પણ હોવાનું જાણવામાં નથી. એક ભાષાવિદ્ મિત્રે વાતચીતમાં એમ સૂચવેલું કે આ શબ્દ સં, जाड्य-प्रा.जड्ड (‘જડતા') ઉપરથી આવ્યો હશે, અને જડતામાં વિલંબનો ભાવ છે જ, એટલે તે ઉપરથી ધીરે ધીરે જૂની ગુજરાતીમાં છે તેનો ‘વિલંબ’ અર્થ વિકસ્યો હશે. આ વ્યુત્પત્તિ માત્ર સૂચનરૂપ છે અને તેને ભાગ્યે જ પૂરેપૂરી સંતોષકારક ગણી શકાય. जेड-जेडि એ, દૃશ્ય મનાતા ઘણા શબ્દો વિષે પુરવાર થયું છે તેમ, આર્યોતર મૂળનો શબ્દ પણ કદાચ હોય. અલબત્ત, એ વિષયમાં હજી વિશેષ સંશોધનની અપેક્ષા રહે છે.

[२]

पडख

पडख ક્રિયાપદનો પ્રયોગ ‘કાન્હડદેપ્રબન્ધ’માં નીચે પ્રમાણે બે વાર છે—

[१] पडखउ कटकि करी मेलावउ, कान्ह जेतलइ आवइ;
ऊग्या सूर तणउ जु साचू, सही बान मेल्हावइ.
—ખંડ ૧, કડી ૧૭૬
[२] घणे दिहाडे छोडी जासि तुरक जाय पडखी;
मारुए सुरताणी साहण कीधु खाखावीखी.
—ખંડ ૨, કડી ૧૩૦

'કાન્હડદેપ્રબન્ધ’ના સંપાદક શ્રી. ડાહ્યાભાઈ દેરાસરીના મનમાં આ શબ્દના અર્થ વિશે ચોક્કસ નિર્ણય હોય એમ જણાતું નથી, કેમકે પહેલા ખંડની સમજૂતીમાં એમણે पडखउનો અર્થ ‘પાક્ષિક–પખું કરનાર' એવો કર્યો છે, જ્યારે બીજા ખંડની સમજૂતીમાં जोयूं पडखीનો અર્થ ‘પરખી જોયું–જાણી જોયું -ઉપલક્ષી જોયું’ એવો આપ્યો છે. ખરું જોતાં આ બન્ને પ્રયોગો એક જ पडख ક્રિયાપદનાં રૂપો છે; પહેલું રૂપ અજ્ઞાર્થ બીજા પુરુષ બહુવચનનું છે, જ્યારે બીજું રૂપ સંબંધક ભૂતકૃદન્તનું છે. पडख ક્રિયાપદ સં. प्रति+ईक्ष ઉપરથી પ્રાકૃત पडिक्ख-पडक्ख દ્વારા વ્યુત્પન્ન થયેલું છે; અને તેનો અર્થ ‘પ્રતીક્ષા કરવી – રાહ જોવી’ એવો થાય છે. એ પ્રમાણે ‘કાન્હડદેપ્રબન્ધ'ના ઉપર્યુકત પહેલા અવતરણનો અર્થ આવો થાયઃ “ સૈન્યની જમાવટ કરીને કાન્હડદે જ્યાંસુધી આવે ત્યાંસુધી પ્રતીક્ષા કરો (पडखउ). બાન પકડાયેલાંને એ છોડાવશે એ વાત ઊગ્યા સૂરજ જેટલી સાચી છે.” બીજા અવતરણનો અર્થ આમ થઈ શકેઃ “તુરકો ઘણે દહાડે (કિલ્લો છોડીને) જશે એ વાત પ્રતીક્ષા કરીને (पडखी) જોઈ. મારવાડી યોદ્ધાઓએ સુલ્તાની સૈન્ય ખાખાવીખી કરી નાખ્યું.

આ पडखउ ક્રિયાપદનાં વિવિધ રૂપો પ્રાચીન ગુર્જર સાહિત્યમાં વ્યાપક રીતે પ્રયોજાયેલાં છે. એમાંનાં કેટલાંક નોંધપાત્ર ઉદાહરણો જોઈએ—

[१] पडषइ प्रतीक्षते, प्रतिपालयति
ઔક્તિક—પદાનિ; પ્રા. ગુજ. ગદ્યસંદર્ભ, પૃ. ૨૧૦
[२] भाइ देवि विरती संसार पडिखि पडिखि मइ
जादव सार ।
नियपडिवन्नउ प्रभु संभारि मइ लइ सरिसी गढि
गिरनारि ॥
—વિનયચંદ્રકૃત નેમિનાથ ચતુષ્પદિકા (૧૪ મો સૈકો),
કડી ૩૪; પ્રા. ગુ. કા. સં., પૃ. ૧૦
[३] पडखउ वेला एक प्रभु अहां उच्छवु होसिइ ।
संघवयणु मानेवि सुगुरु निसि सिखं पइसइ ॥
तिणि वेलां बइसणां पाटि जोइ पाटल्ला ।
चउकीवटि बइसंति सुगुरु तउ भावइ भल्ला ||
—સપ્તક્ષેત્રીરાસુ (સં. ૧૩૨૭), કડી ૪૭;
પ્રા. ગુ. કા. સં., પૃ. ૫૧-પર
[४] अथवा वहिलु करण्हार हुइ अनइ महात्मा देखी आवतां सांभली पडिखइ |
-સોમસુન્દરસૂરિકૃત યોગશાસ્ત્રબાલાવબોધ
(૧૫ મો સૈકો); હાથપ્રત
[५] मित्र ! मह्नि तां पडखिइ आवू तां तुझ साथि;
वात करंता चालीइ वलगीनि बेहू हाथि
-ભાલણકૃત કાદંબરી (૧૬ મો સૈકો ),બીજી
આવૃત્તિ, પૃ. ૧૧૪
[६] आज एहने वेलां पडिछि ओलवाव्यु छिं रूप रे ।
—નાકરકૃત નળાખ્યાન (૧૬ મો સૈકો),
કડવું ૧૬, કડી ૧૯

આ અવતરણો પૈકી (१) આ શબ્દનો અર્થ તેમ જ વ્યુત્પત્તિને અસંદિગ્ધ રીતે સ્પષ્ટ કરે છે, અવતરણ (६)માં पडिखिનું વળી पडिछि અપભ્રષ્ટતર રૂપ થયું છે એ નોંધવા જેવું છે. આ શબ્દપ્રયોગ પણ અર્વાચીન ભાષામાં લુપ્ત થયેલો છે.

[३]

मसाहणी - मसाणी

मसाहणी અથવા मसाणी શબ્દનો પ્રયોગ ‘કાન્હડદેપ્રબન્ધ’માં ત્રણ વાર મળે છે; અને સન્દર્ભ ઉપરથી તેનો ‘અશ્વશાળાનો ઉપરી’ અથવા ‘અશ્વપાલ’ એવો અર્થ સ્પષ્ટ થાય છે. એ પ્રયોગો નીચે પ્રમાણે છે-

[१] हवि आपणनइ आवइ खोडि. वेगि मसाणि घोडां छोडि.
साल्हु, सोभतु, धनु बलवंत, घोड़ां लेई तिंहा पुहंत.
—ખંડ ૩, કડી ૩૫
[२] अवधानीआ अनि टावरी, करइ मसाहणी चिंता तुरी
इसी अवधि वरतइ राउली, त्रीणीवार घोडा जाउली.
—ખંડ ૪, કડી ૪૧
[३] अमात्य मंडल प्रधान, सामंत, मण्डलिक, श्रीगरणा,
वयगरणा, मुकुटवर्द्धन, अङ्गलेह, मसाहणी, टावरी,
बारहीयो एवंवधि पुरुष बइठु छइ ।
—પૃ. ૧૧૭ (બીજી આવૃત્તિ)

આ ત્રીજું અવતરણ દર્શાવે છે કે રાજદરબારમાં સ્થાન પામતા મુખ્ય અધિકારીઓમાંનો એક ‘મસાણી’ પણ હતો. ‘મસાણી’નો આ પ્રકારનો નિર્દેશ ‘પૃથ્વીચન્દ્રચરિત્ર’માંના રાજસભાના વર્ણનમાં પણ છે-

X x x योध महायोध माल मसाहणी पाण्डव पउंतार
प्रमुख सकल लोकि करी सश्रीक राजा राजसभां बईठा ।
—‘પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ,' પૃ. ૯૭

અને એ જ પ્રયોગ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અન્યત્ર પણ છે. જેમકે—

सेना सहू पुठइं थिकी सिरि सेल्लहत्थ प्रधान ।
भांडारी वारी वतूं, मसाहणी बहुमान ||
—ગણપતિકૃત માધવાનલ-કામકંદલા પ્રબંધ
(સં. ૧૫૭૨), અંગ ૪, કડી ૨૧૭
मसाहणी पांडव *[2] बोलावा घोडइ पाखर घालु |
वारु किहाडा अनइ नीलडा उतारे लेई चालु ॥
—કર્મણકૃત સીતાહરણ (સં. ૧૫૨૬), કડી ૨૬૫;
પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, પૃ. પર

मसाहणी શબ્દ સં. महासाधनिक (‘મુખ્ય સેનાપતિ’) ઉપરથી પ્રાકૃત महासाहणिअ દ્વારા આવેલો છે. (‘કાન્હડદેપ્રબંધ’માં साधन ઉપરથી વ્યુત્પન્ન થયેલો साहण શબ્દ ‘સૈન્ય’ના અર્થમાં વારંવાર વપરાયેલો છે એ નોંધવું અહીં પ્રસ્તુત થશે. ઉદાહરણ તરીકે જુઓ ‘કાન્હડદેપ્રબંધ’, ૧-૧૯૧, ૨-૨૬, ૨–૨૮, ૨–૩૪, ૨–૧૦૬, ૨-૧૩૦, ઇત્યાદિ.) જેમ વ્યક્તિઓની અને દેશોની ચડતી પડતી થાય છે તેમ શબ્દોની પણ ચડતી પડતી થાય છે, અને જૂની ગુજરાતીમાં તો मसाहणी- मसाणी શબ્દ આખી સેનાનો નહિ પણ તેના માત્ર એક ભાગનો-અશ્વસૈન્યનો ઉપરી ગણાવા લાગ્યો* [3]

‘કાન્હડદેપ્રબંધ’ના અવતરણ (३)માં તથા ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ના અને ‘માધવાનલ–કામકંદલા પ્રબંધ'ના અવતરણમાં આ રીતે मसाहणी એ રાજપુરુષ તરીકે કંઈક માનાસ્પદ સ્થાન હોવાનું જણાય છે, પણ ‘કાન્હડદેપ્રબંધ'ના અવતરણ (१), (२)માં તેમ જ ‘સીતાહરણ'માં તો मसाहणीની પદવી ઠીક ઠીક નીચે ઊતરેલી લાગે છે, કેમકે એને વેગથી ઘોડાં છોડતો તેમ જ ઘેાડાં ઉપર પલાણ માંડતો વર્ણવ્યો છે. मसाहणीની આ બન્ને અર્થચ્છાયાઓ એકસાથે પ્રચલિત હતી એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. અર્થસંક્રાન્તિની દૃષ્ટિએ શબ્દોની અવનતિનાં આ પ્રકારનાં બીજા સંખ્યાબંધ ઉદાહરણો સહજપણે ભાષામાંથી આપી શકાય એમ છે.

પારસીઓમાં ‘मसाणी’ અટક હોય છે તે આ मसाहणी-માંથી છે એવું મારું માનવું છે; ‘મસાણ’ (સ્મશાન) સાથે એને કંઈ સબંધ નથી. ગુજરાત વિદ્યાપીઠના શબ્દકોશની ચોથી આવૃત્તિમાં ‘મસાણી’ શબ્દના જુદા જુદા અર્થો આપતાં એક સ્થળે સં. महासाधनिक વ્યુત્પત્તિ નોંધી છે ખરી, પણ તેનો અર્થ ‘મોટો સાધક' એવો આપ્યો છે તે બરાબર નથી.

[‘બુદ્ધિપ્રકાશ,’ ઑગસ્ટ ૧૯૫૧]


  1. ‘કાન્હડદેપ્રબંધ'ના બીજા કેટલાક અભ્યાસપાત્ર શબ્દોની આ પહેલાં કરેલી ચર્ચા માટે મારા નીચેના લેખો જોવા વિનંતી છે:
  2. * ‘સીતાહરણ'ની મુદ્રિત પ્રતમાં पांडव શબ્દ છે, પણ શુદ્ધિપત્રકમાં તેને સ્થાને खांडव આપ્યો છે. આ ફેરફાર ભ્રમમૂલક છે અને સાચો શબ્દ पांडव જ હોઈ શકે એ સંબંધમાં જુઓ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ પત્રિકા,’ જુલાઈ ૧૯૪૪માં મારો લેખ ‘पांडव’’. ઉપરના અવતરણમાં मसाहणी શબ્દ पांडवના વિશેષણ તરીકે પ્રયોજાયો છે.
    • સં. मसाहणी >પ્રા साहणिअ ઉપરથી વ્યુત્પન્ન થયેલો સાળી શબ્દ પણ કવચિત્ જૂની ગુજરાતીમાં ‘અશ્વપાલ’ના અર્થમાં વપરાયેલો છે. એ હકીકતનો નિર્દેશ અહીં કરવો જોઈએ, ઉદાહરણ તરીકે—
    तव पांडव (અશ્વપાલ) प्रति बोलइराइ, "पंचकल्याण तुरी लेइ जाइ । मृगया - मसि करयो असवार, जस्यउ जमाई लाघइ पार।। ९०
    • * *
    सवि साहणी सबल सज थया; सकल स धिबंध लेई गया । कामिनि वचनि कंत धडहडि; कसी पलाण अश्व उपरि चडइ ।। ९१ —અસાઇતકૃત હંસાઉલિ, ખંડ ૩