અન્વેષણા/૩૫. પ્રાકૃતમાં रुव પ્રત્યય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રાકૃતમાં रुव પ્રત્યય



‘સંસ્કૃતિ’ના માર્ચ ૧૯૫૫ના અંકમાં પૃ. ૧૧૪ ઉપર ‘ઉત્તરરામચરિતનો એક પાઠ’ એ શીર્ષક નીચેના લખાણમાં ડૉ. પ્રબોધ પંડિતે એ નાટકમાં એક સ્થળે પ્રયુક્ત પ્રાકૃત गभरुव શબ્દના અર્થ વિષે ચર્ચા કરી છે તથા ગુજરાતીનો ‘ગભરૂ’ શબ્દ એમાંથી વ્યુત્પન્ન કર્યો છે. આ સ્વાર્થિક પ્રત્યય -रुवમાંથી ઊતરી આવેલા બીજા કેટલાક ગુજરાતી શબ્દ વિષે પણ તેમણે ચર્ચા કરી છે. આ ચર્ચાના અનુમોદનમાં થોડાંક પ્રમાણો અને પ્રયોગ અહીં રજૂ કરીશ. આ -रुवવાળા શબ્દો પ્રાકૃતમાં વખતોવખત વપરાયા છે. ગુણાઢયની લુપ્ત ‘બૃહત્કથા'ના એક રૂપાંતર લેખે પાંચમા સૈકા આસપાસ રચાયેલા, સંઘદાસગણિકૃત પ્રાકૃત કથાગ્રંથ ‘વસુદેવહિંડી'માંથી એ અવતરણ અહીં ટાંકું છું. (१) दारगरुवाणि कंदमाणाणि वि कुमारदिणादिट्टीओ विंवज्जत्थं गेण्हंति-‘वुट्टे (छुद्धो) वच्छो’ ति दामेहिं वंधति। (મૂલ, પૃ. ૧૨૦). “બાળકો રડતાં હોવા છતાં કુમાર ઉપર જ જેમની દૃષ્ટિઓ ચોંટી રહેલી છે એવી તે સ્ત્રીઓ ઊલટી તે બાળકોને પકડીને ‘વાછડું છૂટી ગયું છે’ એમ કહીને દોરડાંથી બાંધે છે. (ભાષાંતર, પૃ. ૧૫૨--૧૫૩). અહીં दारगरुवाणि (સં. दारकरुपाणि) એટલે ‘નાનાં બાળકો' એ સ્પષ્ટ છે. ( २ ) पस्सामि य तरुणजुवतिं एक्काए वुड्ढाए डहरएहिं य चेडरूवेहिं सहियं उववरणदेवयामिव किं पि हिययगयमत्थमरणुचिंतयन्ति लेप्पयजुवतिमिव निच्चलच्छी झायमाणी अच्छइ- (મૂલ, પૃ. ૧૯૮) “ત્યાં એક વૃદ્ધા અને નાનાં બાળકો સહિત રહેલી, જાણે ઉપવનની દેવતા હોય તેવી, પોતાના હૃદયમાં રહેલી કોઈ વસ્તુનું ચિન્તન કરતી અને લેપ્યમય યુવતિની જેમ ધ્યાન કરીને બેઠેલી એક યુવતિને મેં જોઈ.” (ભાષાંતર, પૃ. ૨૫૮ ). અહીં પણ चेडरूव (સં. चेटरूप) એટલે ‘નાનાં બાળકો.’ भंडरूवाइं એવો પ્રયોગ પ્રાકૃત સાહિત્યમાં અનેક સ્થળે વાંચ્યો હોવાનું સ્મરણ છે. પણ તે એકાએક શોધી શકાય એમ નથી. भंडरूव ઉપરથી ગુજરાતી શબ્દ ‘ભાંડરૂ' આવે. ‘ગોરૂ ચોરીને ઘેર આવે વહાલોજી મારો ગોરૂ ચારીને ઘેર આવે,’ તેમ જ ‘ગોરૂ ચારીને ગોવિન્દ ઘેર આવ્યા તે વારણાં લઉં વારી વારી' એ પંક્તિઓથી શરૂ થતાં પ્રચલિત ભજનોમાંનો ‘ગોરૂ’ શબ્દ સં, गोरूप, પ્રા. गोरूप ઉપરથી છે. સં, वत्सरूप, પ્રા. वच्छरूव ઉપરથી ‘વાછરૂ’ તથા સં अहिरूप, પ્રા. अहिरूप ઉપરથી ‘એરૂ’ વ્યુત્પન્ન થયેલ છે.


[‘સંસ્કૃતિ', એપ્રિલ ૧૯૫૫]