અન્વેષણા/૩૮. કટરિ-કટરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કટરિ–કટરે



અપભ્રંશમાં कटरि શબ્દ આશ્ચર્ય અથવા પ્રશંસાના સૂચક અવ્યય તરીકે છે. આચાર્ય હેમચન્દ્રનાં અપભ્રંશ અવતરણોમાં (૮-૪-૩૫૦) તેનો પ્રયોગ અભ્યાસીઓને પરિચિત છે— अण्णु जु तुच्छउं तहे धणहे तं अक्खण्ह न जाइ । कटरि थणंतरु मुद्धडहे जें मणु विच्चि न माइ || ‘એ નાયિકાનું બીજું જે કંઈ તુચ્છ છે તે કહ્યું જતું નથી, અને મુગ્ધાનાં સ્તન વચ્ચેનો ભાગ (એટલો તુચ્છ છે કે અણુપરિમાણ ) મન વચ્ચે માતું નથી એ આશ્ચર્ય છે. ' હેમચન્દ્રનાં અપભ્રંશ પદ્યો ઉપર दोधकवृत्ति નામે સંસ્કૃત ટીકા રચનાર અજ્ઞાતનામા લેખક પ્રસ્તુત શબ્દની સમજૂતી ‘कटरि’ इत्याश्चर्ये એ રીતે આપે છે, कटरिનું પાઠાન્તર કોઈ પ્રતમાં कडरि એવું પણ મળે છે. આ પહેલાં कटरि શબ્દનો અર્થનિર્ણય ઉપર્યુક્ત પદ્યમાંના એકમાત્ર પ્રયોગને આધારે કોશકારોએ કર્યો હોય એમ જણાય છે. મારા વાચનમાં ઉત્તરકાલીન અપભ્રંશ અને મારુ-ગુર્જર ભાષામાં એના બીજા પ્રયોગો મળ્યા છે. મેરુતુંગાચાર્યકૃત ‘પ્રબન્ધચિન્તામણિ’ (સં. ૧૩૬૧)માં સંગૃહીત નીચેના દુહામાં એનું कटरे રૂપ જોવા મળે છે. इक्कह फुल्लह माटि सामीउ देयइ सिद्धिसुहु | तिणसउं केही साटि कटरे भोलिम जिणवरह ॥

(સિંઘી સિરીઝની વાચના, પૃ. ૯૩)

ઉપાધ્યાય મેરુનંદનકૃત ‘જિનોદયસૂરિ વિવાહલઉ’માં (વિક્રમના પંદરમા શતકનો પૂર્વાર્ધ) कटरि શબ્દ એકસાથે પણ અનેક વાર એવી રીતે વપરાયો છે, જે રૂઢ ભાષામાં થતા એના ઉપયોગનો કંઈક ખ્યાલ આપે છે— जेण रंजियमणा भणइ पंडियजणा, वलि वलि घूणवि नियसिराइं । कटरि गंभीरमा, कटरि वयधीरिमा, कटरि लावनगजाय । ३७ कटरि गुणसंचय, कटरि इंदियजयं, कर संवेगनिव्वेयरंग । बापु देसणकला बापु मइ निम्मला. बापु लीला कसायाण भंगं । ३८

(શ્રી. અગરચંદ નાહટા--સંપાદિત ‘ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ', પૃ. ૩૯૮)

વળી પંદરમા શતકમાં થયેલા કવિ જ્ઞાનકલશકૃત ‘જિનોદયસૂરિ પટ્ટાભિષેક રાસ'માં જિનેશ્વરસૂરિના પ્રશંસાત્મક વર્ણનમાં જુઓ— तसु पयकमलमरालसरिसु भवियणजणसुरतरु सूरि जिणेसरु कटरि पुन्नलच्छीकेलीहरु ।

(ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ', પૃ. ૩૮૪)

સોળમી સદી અથવા તે પછીના ગુજરાતી--રાજસ્થાની સાહિત્યમાં कटरिના પ્રયોગ મારા જોવામાં આવ્યો નથી; કાળાન્તરે એ વિરલ થતો જતો હતો એમ જણાય છે. પણ લોકભાષાના શબ્દોને રૂપ તેમ જ અર્થદૃષ્ટિએ આત્મસાત્ કરનાર મધ્યકાલીન સંસ્કૃતની એક પ્રણાલી, જે મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં વિકસી હતી અને જેને સામાન્યતઃ ‘જૈન સંસ્કૃત’ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં પ્રસ્તુત શબ્દ कटरि- कटरे એવાં સ્વરૂપે સ્વીકારાયો છે. મંત્રી વસ્તુપાલનું કાવ્યમય જીવનવૃત્તાન્ત વર્ણવતા બાલચન્દ્રકૃત સંસ્કૃત ‘વસન્તવિલાસ' મહાકાવ્યમાં (જે સં. ૧૨૯૬ પછી તુરતમાં રચાયેલું છે) એના ત્રણ પ્રયોગો મળ્યા છે. અણહિલવાડ પાટણનાં દેવમન્દિરોના કલશો તથા તે ઉપરની ધજાઓ વર્ણવતાં કવિ કહે છે— कृतिभिः कृतं सुकृतसेवधयः प्रकटा इवात्र कटरे कलशाः । सुरसद्ममूर्द्धसु विभान्तितमां पवनेाल्लसद् ध्वजभुजङ्गयुजः ॥

(સર્ગ ૨, શ્લોક ૮)

ભરૂચના રાજા શંખ સાથેના વસ્તુપાલના સૈન્યના યુદ્ધવર્ણનમાં- येन भल्लकपरम्परिकाभिर्भे दलेशपदवीमुपयान्ति । कङ्कटा कटरि रोमविकारैस्ते तदा बिभिदिरे सुभटानाम् ॥

(સર્ગ ૫, શ્લોક ૬૨)

એ જ રચનામાં સંસ્કૃત મહાકાવ્યોની પ્રણાલિકા અનુસાર ચંદ્રોદયવર્ણનમાં- कश्चिदेवमभिधाय मानिनीं तद्घवोऽधरदलस्थितं कटु । नि:पपो दरनिमीलितेक्षणास्तत्क्षणात्कटरि धूर्तचेष्टितम् ॥

(સર્ગ ૮, શ્લોક ૬૨)

સં. ૧૪૯૭માં સંસ્કૃત ‘વસ્તુપાલચરિત’ લખનાર જિનહર્ષગણિ, લાટરાજ શંખ ઉપરના વસ્તુપાલના વિજયથી હર્ષિત થયેલા ખંભાતના નગરજનોએ કરેલો ઉત્સવ વર્ણવે છે. એ સમયે દ્રમ્મનું એક પુષ્પ પણ મળતું નહોતું એ આશ્ચર્યની વાત હતી— द्रम्मेणापि तदा पुष्पं तत्र मंत्रिमहोत्सवे । नैव प्रापि जनैः क्वापि कटरे मंत्रिवैभवम् ॥

(પ્રસ્તાવ ૭, શ્લોક ૮૯)

‘વસન્તવિલાસ' મહાકાવ્ય અને ‘વસ્તુપાલચરિત’ તો એ સમયની રચનાઓ છે કે જ્યારે લોકભાષામાં कटरि- कटरे પ્રયોગો સુપ્રચલિત હતા, પરન્તુ વધારે અર્વાચીન કાળમાં રચાયેલા સંસ્કૃત સાહિત્યમાં પણ કવચિત્ તે જોવામાં આવે છે. જૈન આગમગ્રન્થ ‘જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ’ ઉપરની વાચક શાન્તિચન્દ્રની સંસ્કૃત વૃત્તિમાં (સં. ૧૬૫૦) જુઓ— अहो महती धृष्टतावृत्तिः कटरि कठिनः कुण्ठजाहठग्रहः

...(આગમોદય સમિતિની વાચના, પત્ર ૨)

कटरि- कटरेની વ્યુત્પત્તિ વિષે નિશ્ચિતપણે કઈ કહેવું મુકેલ છે. માત્ર એક તર્ક અહીં રજૂ કરું છું. સં. जवलितं> પ્રા. बलिअं ઉપરથી ગુજરાતીમાં સ્ત્રીઓની બોલછામાં અવ્યય ‘બળ્યું!' આવે છે. એમ સં. कृत> પ્રા. कट+ ઉદ્ગારવાચક रि-रे એ રીતે कटरि- कटरे વ્યુત્પન્ન થાય ? कटरिનું પાઠાન્તર હેમચન્દ્રમાં कडरि મળે છે તે સં. कृतના વૈકલ્પિક પ્રાકૃત રૂપ कडને અનુરૂપ છે. ‘પ્રબન્ધચિન્તામણિ’માં कटरेનું પાઠાન્તર क्यरे (સં, कृत > પ્રા. कय+रे?) છે, એથી ઉપરના તર્કનું કંઈક સમર્થન થાય છે. ‘કૃત’ કહેતાં ‘સુકૃત’ અર્થાત્ સારી રીતે કરેલું, અને માટે આશ્ચર્ય તથા પ્રશંસાના ભાવોનું વાચક એ રીતે અર્થક્રમ કલ્પી શકાય.

[‘બુદ્ધિપ્રકાશ', સપ્ટેમ્બર ૧૯૬૦]