અન્વેષણા/૫. અથર્વણ આર્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અથર્વણ આર્યો



અથર્વણ એટલે અથર્વવેદની પરંપરાના સંગોપક વૈદિક બ્રાહ્મણ, જે ઔષધવિદ્યા ઉપરાંત મંત્રતંત્ર અને અભિચાર અર્થાત્ મેલી વિદ્યામાં પણ નિપુણ હતો. અથર્વણોનો વેદ તે અથર્વવેદ. અથર્વણોની સંસ્કૃતિ વિષેની વાતનો પ્રારંભ આપણે એક કાવ્યથી કરીશું. સંસ્કૃતનાં પંચ મહાકાવ્યો પૈકી એક, ભારવિનું ‘કિરાતાર્જુનીય’ જાણીતું છે. વનવાસમાં રહેતા પાંડવોમાંથી અર્જુને કિરાતરૂપધારી શિવનો પરાજય કરીને દિવ્ય અસ્ત્રો મેળવ્યાં એ ‘કિરાતાર્જુનીય’નું વસ્તુ છે. એ કાવ્યના દસમા સર્ગમાં અનેક સ્વરૂપવાન સુન્દરીઓના પ્રલોભન સામે અચળ રહેતા તપસ્વી અર્જુનનું વર્ણન કરતાં કવિ કહે છે :-

यमनियमकृशी कृतस्थिराङ्गः परिदृशे विधृतायुधः सताभिः।
अनुपमशमदीप्तागरीयान् कृतपदपंक्तिरथर्वणेन वेदः ॥

અર્થાત્ યમનિયમથી કૃશ અને દૃઢ થયેલાં અંગોવાળો તથા જેણે આયુધો ધારણ કર્યાં હતાં એવો અર્જુન તે સુન્દરીઓએ જોયો— અનુપમ શાન્તિ અને દીપ્તિથી ગરવો, જેનાં પદોની આનુપૂર્વી અથર્વણે રચી હતી એવો વેદ જાણે તે ન હોય ! ‘કિરાતાર્જુનીય’ના ટીકાકાર મલ્લિનાથ અહીં સમજાવે છે કે અથર્વણે સંકલિત કરેલો વેદ એટલે અથર્વવેદ અને અથર્વણ એટલે વસિષ્ઠ, કેમકે અથર્વવેદના મંત્રોની સંકલના મહર્ષિ વસિષ્ઠે કરી એવી શાસ્ત્રપરંપરા છે. વળી અહીં અર્જુનને તેમ જ અથર્વવેદને બન્નેને ‘શમદીપ્તતા’ એટલે શાન્તિ અને દીપ્તિથી ગરવા કહ્યા છે. તપસ્વી છતાં શસ્ત્રસજ્જ અર્જુનને તો એ લાગુ પડે છે જ, પણ અથર્વવેદના વર્ણનમાં પણ તે સંગત છે, કેમકે અથર્વવેદમાં શાન્તિક અને પૌષ્ટિક એટલે શમપ્રધાન કાર્યોના મંત્રો છે તે સાથે ઉગ્ર અભિચારના, મેલી વિદ્યાના, વશીકરણના અને શત્રુઓનો નાશ કરવા માટે કૃત્યાઓ નીપજાવવાના–મારણ અને ઉચ્ચાટનના પણ મંત્રો છે; બ્રાહ્મણગ્રન્થોમાં કેટલેક સ્થળે અથર્વવેદને ‘અથર્વાંગિરસઃ’ એવું નામ આપેલું છે, તથા ભૃગુ નામે વૈદિક આર્યોની એક જાતિનો સંબંધ એની સાથે હોઈ એને ‘ભૃગ્વાંગિરસઃ’ પણ કહ્યો છે. ખુદ અથર્વવેદમાં ‘અથર્વાંગિરસ:’ શબ્દ એક વાર મળે છે, જ્યારે ‘અથર્વવેદ’ એવું નાભિધાન જે પાછળથી બહોળો પ્રચાર પામ્યું તે સૂત્રકાળ પહેલાં જોવામાં આવતું નથી. ‘અથર્વાંગિરસઃ’ નામ ઉપરથી કેટલાક વિદ્વાનો માને છે કે એનો પૂર્વાર્ધ – ‘અથર્વ’ એ અથર્વવેદમાંના ઔષધપ્રયોગો અને શાન્તિક તથા પૌષ્ટિક મંત્રવિધાનોનું અર્થાત્ કલ્યાણકારી અંશનું સૂચન કરે છે, જ્યારે એનો ઉત્તરાર્ધ – ‘અંગિરસ’--ઘોર અભિચાર મંત્રોનું સૂચન કરે છે. વૈદિક સાહિત્યમાં કેટલેક સ્થળે ‘ભિષજ આથર્વણ’ અને ‘ઘોર અંગિરસૂ’ એવા બે પ્રાચીન ઋષિઓના ઉલ્લેખ છે. તેથી આ અનુમાનને ટેકો મળે છે, કેમ કે ‘ભિષજ આથર્વણ’ એટલે ‘વૈદ્ય આથર્વણ’ અને ‘ઘોર અંગિરસૂ’ એટલે ‘ભયંકર મેલીવિદ્યા’ જેને વૈદિક સાહિત્યમાં યાતુ અથવા અભિચાર કહેલ છે, તે જાણનાર ‘અંગિરસૂ’. સંભવ છે કે આવા ઉલ્લેખો અથર્વવેદના આ બે વિભિન્ન પ્રકારના અંશોના પ્રયોગ કરનાર ઋષિઓ, ઋષિકુળો, અથવા તેમના અનુયાયીવર્ગ પરત્વે હોય! વેદકાળમાં ‘અથર્વાંગિરસ:’ અથવા ‘અથર્વણ’ અથવા ‘અંગિરસ્’ શબ્દોનો ‘જાદુમંત્રનો પ્રયોગ કરનારા’ એવો સામાન્ય અર્થ પણ થતો હશે. વૈદિક આર્યોના વિરોધી પણિઓ ગાયોનું હરણ કરી ગયા હતા તે પાછી લેવા માટે ઇન્દ્રની કૂતરી સરમા પણિઓ પાસે જાય છે તે પ્રસંગનું—સરમા અને પણિઓના સંવાદનું એક સૂક્ત ઋગ્વેદના દશમા મંડલમાં છે. એમાં પણિઓનો મુખી સરમાને કહે છે કે ‘હે સરમા ! દેવોએ તને ફરજ પાડી, માટે અહીં તારું એકાએક આવવું થયું છે, હું તને મારી બહેન બનાવીશ; હવે તું પાછી જઈશ નહિ. હે સુભગે! આ ગાયોમાંથી હું તને ભાગ આપીશ.’ ત્યારે પોતાની શ્વાનયોનિને સહજ એવી વફાદાર ચોકીદારી બજાવતી દેવોની કૂતરીએ પણિને ઉત્તર આપ્યો કે ‘હું કોઈ ભાઈ અને કોઈ બહેનને ઓળખતી નથી. પણ ઇન્દ્ર તથા ઘોર અંગિરસો તમને બરાબર જાણે છે. હું જ્યારે અહીં આવી ત્યારે તેઓ ગાયો પાછી મેળવવા માટે ખૂબ ઉત્સુક હતા. હે પણિઓ ! તમે ગાયો મૂકીને અહીંથી દૂર ચાલ્યા જાઓ.’ આ સંવાદમાં ઇન્દ્રની સાથોસાથ ઘોર અંગિરસનો નિર્દેશ છે એ ઘણું સૂચક છે. અથર્વવેદના કેટલાયે મંત્રો આર્યો ભરતમાં આવ્યા ત્યાર પહેલાંના છે. કેટલાક તો ભારત-યુરોપીય કાળના એટલે જે સમયે બધા આર્યો મધ્ય એશિયામાં અથવા બીજે કોઈ સ્થળે અવિભકત સ્થિતિમાં રહેતા હશે અને તેમનાં જુદાં જુદાં જૂથોએ પૂર્વમાં ઈરાન અને ભારત તરફ તથા પશ્ચિમે યુરોપ તરફ સ્થળાન્તર નહિ કર્યું હોય તે અતિ પ્રાચીન સમયના હોવાનું અનુમાન કરવામાં આવે છે. આથી ‘અથર્વવેદ’ના અભિચાર-મંત્રોનું પ્રાચીન જર્મન, લેટિન અને રશિયન મંત્રો સાથે પણ કેટલુંક નોંધપાત્ર સામ્ય જોવામાં આવે છે. વળી આ જ કારણે, પૂર્વ દિશામાં સ્થળાન્તર કરનાર આર્યોનું એક જૂથ ભારતમાં આવીને સપ્તસિન્ધુના પ્રદેશમાં વસ્યું ત્યાર પહેલાં એ આખો સમુદાય ઈરાનમાં અવિભક્ત સ્થિતિમાં રહેતો હતો તે સમયની, ભારત-ઈરાની કાળની પણ કેટલીક અસરો સ્વાભાવિક રીતે જ ‘અથર્વવેદ’માં છે. અથર્વવેદના અર્થવર્ણો અને અંગિરસોની જેમ ઈરાનના સૂર્યપૂજક પુરોહિતો–‘મગી’ઓ-પણ પોતાની જાદુવિદ્યા માટે જાણીતા હતા. અહીં એ પણ સંભારવું ઘટે કે આ જ ‘મગી’ લોકો કેટલાક સૈકાઓ પછી મગ બ્રાહ્મણો તરીકે ભારતમાં આવ્યા ત્યારે પોતાની સાથે, વેદમાં છે તેવી સૂર્યની માત્ર ઉપાસના નહિ, પણ સૂર્યની મૂર્તિની પૂજા પણ લાવ્યા હતા અને એક કાળે ભારતના જુદા જુદા પ્રદેશોમાં આવેલાં સેંકડો સૂર્યમંદિરોમાં પૂજારીનું કામ કરતા હતા. ઈરાનમાં આવી રહેલા આર્યોના જૂથમાંથી કેટલાક ત્યાં જ સ્થિર થઈને રહ્યાં, જ્યારે બીજા કેટલાંક ત્યાંથી નીકળી, પૂર્વ દિશામાં આગેકૂચ કરી, અફઘાનીસ્તાનનો પ્રદેશ વટાવી, વાયવ્ય સરહદના પહાડી માર્ગ પસાર કરીને ભારતમાં આવીને રહ્યા. જેઓ ભારતમાં આવ્યા અને જેઓ ઈરાનમાં રહ્યા તે બેની વચ્ચે કંઈક વૈમનસ્ય થયું હતું એ નિશ્ચિત છે; કેમ કે વેદમાં તથા પછીના સમયના સંસ્કૃતમાં ‘અસુર’ શબ્દનો અર્થ ‘દૈત્ય’ થાય છે, જ્યારે ઈરાની આર્યોના અર્થાત્ પારસીઓના પ્રાચીન ધર્મગ્રન્થ ઝંદ અવેસ્તામાં ‘અહુર’ એટલે કે ‘અસુર’નો અર્થ ‘દેવ’ થાય છે. પારસીઓના ‘અહુર મઝ્દા’ એટલે ‘અસુર મહત્’–મહાન દેવ. આમ વિચિત્રતા એવી થઈ કે ભારતીય આર્યોના ઉપાસ્ય ‘દેવ’ને ઈરાની આર્યોએ દુષ્ટ તત્ત્વો ગણ્યા, જ્યારે ઈરાની આર્યોના ઉપાસ્ય ‘અસુર’ને ભારતીય આર્યોએ દુષ્ટ તત્ત્વમાં ગણ્યા ! કોઈ પ્રકારના તીવ્ર ધાર્મિક મતભેદ સિવાય આવું બને નહિ. બીજી બાજુ, ઋગ્વેદના પ્રાચીનતમ અંશરૂપ વરુણદેવનાં સૂક્તોમાં વરુણની સ્તુતિ કરતાં તેને ‘અસુર’ કહ્યા છે એ વસ્તુ, ભારતમાં આવનાર આર્યો ઈરાનમાં રહેતા હતા તે કાળે ઉપાસકોનું જે માનસ હતું એની કંઈક દ્યોતક બની રહે છે. આ ઉપરથી કેટલાક એમ માને છે કે અથર્વણ આર્યો તથા ઈરાની આર્યોની ધાર્મિક માન્યતાઓમાં ઠીક ઠીક સામ્ય હતું અને તેઓમાં વરુણદેવની ઉપાસના સામાન્ય હતી.’ અવેસ્તામાં જરથુસ્ત્ર પૂર્વેના અગ્નિપૂજક પુરોહિતોને ‘આથ્રવણ’ કહ્યા છે, એ ‘અથર્વણ’નો જ પર્યાય છે. આમ ‘અથર્વવેદ’માં વૈદિક આર્યોના મુખ્ય સમુદાયની માન્યતાઓ કરતાં જુદા પ્રકારની કેટલીક માન્યતાઓ ભળેલી છે એ નક્કી છે. વળી ભારતમાંનાં કે બહારનાં આર્યેતર તત્ત્વોની અસરો પણ એમાં એકત્ર થઈ છે, એમાં આપેલી મેલી વિદ્યાના–જારણ, મારણ, ઉચ્ચાટનના ઉગ્ર પ્રયોગો તરફ તેમ જ ભેષજ એટલે કે વૈદ્યના પ્રયોગો તરફ વૈદિક આર્યોનો મુખ્ય સમુદાય કંઈક તિરસ્કારની નજરે જોતો હતો. વૈદ્યના ધંધા પ્રત્યે અણગમો વ્યક્ત કરતાં સ્પષ્ટ વિધાનો, અને બ્રાહ્મણે એ ધંધો ન કરવો એવાં સૂચન વૈદિક સાહિત્યમાં છે. એનો એક અર્થ એ પણ થઈ શકે છે કે અથર્વવેદમાં જે વૈદ્યક સંગૃહીત થયું છે એનું મૂળ આર્યેતર તત્ત્વોમાં રહેલું હોય. ગમે તેમ, પણ આ બધાં કારણોને લીધે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદોની બનેલી ‘ત્રયી’ અથવા ‘ત્રયીવિદ્યા’માં અથર્વવેદને સ્થાન મળ્યું નહિ. ચોથા વેદ તરીકે અથર્વવેદ પાછળથી સ્વીકારાયો; ભારતના સૌથી પ્રાચીન સાહિત્યમાં ઉપર્યુક્ત ત્રણ વેદોને જ માન્ય કરવામાં આવ્યા છે; અને ‘આપસ્તંબ ધર્મસૂત્ર’માં તો અથર્વવેદને સ્પષ્ટ રીતે ઊતરતો ગણવામાં આવ્યો છે. આમ છતાં સમયના વહેવા સાથે અથર્વવેદ અને અથર્વણોએ વ્યવહારમાં પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવા માંડયું. ધર્મપ્રધાન ત્રયીવિદ્યાથી જુદો પાડવા માટે ‘શતપથ બ્રાહ્મણ’માં અથર્વવેદને क्षत्रम् કહ્યો છે. क्षत्रम् એટલે ‘ક્ષત્રિયોનો.’ પરશુરામ, દ્રોણાચાર્ય અને અશ્વત્થામા જેવા શસ્ત્રોપજીવી લડાયક બ્રાહ્મણો તથા બૃહસ્પતિ અને શુક્રાચાર્ય જેવા અસ્ત્રવિશારદ પુરોહિતોનો સંબધ, ભૃગુ, અંગિરસ, આદિ તેમનાં કુળો જોતાં, અથર્વણ પરંપરા સાથે જોડાય છે. આમ ચમત્કારિક અસ્ત્રવિદ્યા શીખવનાર આચાર્યો, અથર્વણ પુરોહિતો અને ક્ષત્રિય રાજદરબારો સાથે અર્થાત્ ક્ષત્રિયપરંપરા સાથે અથર્વવેદનો સંબંધ રહેલો છે, કારણ કે રાજા અને રાષ્ટ્ર ઉપર આવતી વિવિધ આપત્તિઓને ટાળવાનાં-સ્વપક્ષનુ રક્ષણ અને પરપક્ષનો નાશ કરવા માટેનાં વિધિવિધાનો એમાં છે. અથર્વવેદમાં નિપુણ હોય એવા બ્રાહ્મણની રાજપુરોહિત તરીકે નિમણૂક કરવાની પરંપરા ચાલુ થઈ, અને અવગણાયેલા અથર્વવેદે પોતાનું મહત્ત્વ બરાબર સ્થાપિત કરી લીધું. ‘મનુસ્મૃતિ’એ એ માટે કહ્યું છે કે ‘શત્રુઓની સામે વાપરવા માટે અથર્વવેદ એ બ્રાહ્મણોનું યોગ્ય હથિયાર છે.’ મહાભારતકાળ સુધીમાં અથર્વવેદને ચોથા વેદ તરીકે સ્થાન મળી ચૂકયું હતું અને પુરાણોમાં તે ત્રણ નહિ, પરંતુ ચાર વેદોનું માહાત્મ્ય જ હંમેશાં ગાવામાં આવે છે. અનેક આર્ય-આર્યેતર તેમ જ સમાજના નીચલા થરનાં તત્ત્વોનો સંગ્રહ અથર્વવેદમાં થયેલા હોવાને કારણે પ્રાચીન સંસ્કૃતિના અભ્યાસ માટે બીજા ત્રણ વેદો કરતાં પણ વધારે સામગ્રી એમાંથી મળે છે. જુદા જુદા વ્યાધિઓનો તથા જે આસુરી તત્ત્વોને લીધે એ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે તેમનો નાશ કરવા માટેના મંત્રો એમાં છે. તાવ, કોઢ, કમળો, જલોદર, કંઠમાળ, ખાંસી, નેત્રરોગ, કેશહીનતા, અશક્તિ, હાડકાંનું ભાંગવું, સર્પદંશ, ગાંડપણ વગેરે મટાડવા માટેના મંત્રો તેમાં છે; એ મંત્રો સાથે યોગ્ય ઔષધિઓનો પ્રયોગ કરવાનું પણ કહ્યું છે. ભારતીય આયુર્વેદનો પ્રાચીનતમ ગ્રન્થ ‘અથર્વવેદ’માં છે એમ કહીએ તો ખોટું નથી. માત્ર ઐહિક હેતુઓ માટે રચાયેલા છતાં કેટલાક મંત્રો અદ્ભુત કાવ્યમય છે. ગુજરાતી અનુવાદરૂપે આપણે તે જોઈએ. આ રહ્યો ખાંસી મટાડવાનો મંત્ર: ‘જેવી રીતે મન અને મનની ઇચ્છા વેગથી દૂર ઊડી જાય છે તેવી રીતે, હે ખાંસી ! તું પણ મન જેવા વેગથી દૂર ઊડી જા ! જેવી રીતે તીક્ષ્ણ અણીવાળું બાણ વેગથી દૂર ઊડી જાય છે તેવી રીતે, હે ખાંસી ! સમુદ્રનાં ઊછળતાં જળને માર્ગે તું પણ દૂર પહોંચી જા!’ અને શત્રુઓને ભયભીત કરતા રણદુન્દુભિ વિષેનો મંત્ર જુઓ : ‘જેવી રીતે ગરુડના નાદથી પક્ષીઓ ત્રાસ પામે છે, જેવી રીતે સિંહની ગર્જનાથી પ્રાણીઓ રાતદિવસ કંપે છે, તેવી રીતે હે દુન્દુભિ! તું તારા ગડગડાટથી અમારા શત્રુઓને ત્રાસ પમાડ અને તેમનાં ચિત્તને મોહમાં નાખી દે !’ ‘અથર્વવેદ’માં ઊંચા પ્રકારના તત્ત્વજ્ઞાનપ્રધાન મંત્રો પણ છે, જેની તુલના ઋગ્વેદના ‘હિરણ્યગર્ભ સૂક્ત’ કે ‘પુરુષસૂક્ત’ સાથે થઈ શકે. ઈશ્વરની સર્વવ્યાપકતા અને સર્વજ્ઞતા વિષેના અથર્વવેદના મંત્રોનો જોટો તો વેદકાળની બીજી કોઈ કાવ્યરચનામાં મળી શકે એમ નથી. આમ બ્રહ્મવિદ્યાના મંત્રોનો જે વિસ્તાર અથર્વવેદમાં કરવામાં આવ્યો છે તે કારણે, યજ્ઞવિધિના જે ચાર વિપ્રો–હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ અને બ્રહ્મન-એમાંના બ્રહ્મનનો સંબંધ ‘વિષ્ણુપુરાણ’માં અથર્વવેદ સાથે જોડવામાં આવ્યો છે અને ‘ગોપથ બ્રાહ્મણ’માં અથર્વવેદને ‘બ્રહ્મવેદ’ કહ્યો છે. આ દૃષ્ટિએ અથર્વવેદમાંથી વરુણ વિષેના મંત્રો જોઈએ. ‘આ ભૂમિ વરુણ રાજાની છે. આ બૃહદ આકાશ, જેની સીમા દૂર છે તે પણ એનું જ છે. આ બે વિશાળ સમુદ્રો વરુણની કૂખ છે, અને છતાં તે અલ્પ જળબિન્દુમાં પણ છુપાયેલો છે. જે આકાશથીયે ઊંચે ઊડતો હોય તે પણ રાજા વરુણની દૃષ્ટિથી દૂર ખસી શકતો નથી. વરુણના દૂતો અહીં ઊતરી આવે છે અને પોતાની હજાર આંખોથી તે આ ભૂમિને જુએ છે દ્યાવા પૃથિવીની વચ્ચે અને એનાથી દૂર જે કંઈ છે તે સર્વ વરુણ રાજા જુએ છે. મનુષ્યોની આંખોના નિમેષ પડે છે તે પણ તેણે ગણેલા છે. જુગારી જેવી રીતે પાસા મૂકે છે તેવી રીતે તે પોતાના નિયમો માપીને મૂકે છે.’ વેદકાલીન ભારતને સુમેર (દક્ષિણ મેસોપોટેમિયા) તથા મધ્યપૂર્વના બીજા દેશો સાથે કેટલોક સાંસ્કૃતિક સંબંધ હતો. અથર્વણોની ભૃગુ નામે એક શાખા ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં વસેલી હતી. તેના સમુદ્ર માર્ગે સુમેર સાથે સંબંધ હતો એમ કેટલાક વિદ્ધાનો માને છે. પ્રાકૃત ‘ખત્તિય’ અને સંસ્કૃત ‘ક્ષત્રિય’ શબ્દ સુમેરિયન ભાષાના ‘ખત્તી’ શબ્દમાંથી ઊતરી આવ્યો છે. અથર્વવેદના મંત્રોમાં ‘ઉરુગૂલા’ નામે એક સર્પ આવે છે. આ શબ્દ પ્રાચીન અક્કડિયન ભાષાના ‘ઉરુગુલ’શબ્દ ઉપરથી છે એમ લોકમાન્ય ટિળકે બતાવ્યું છે. મનુને એક મત્સ્યે જેને આપણે મત્સ્યાવતાર ગણ્યો છે તેણે – જળપ્રલયમાંથી ઉગારી લીધો હતો એ આખ્યાયિકા ‘ શતપથ બ્રાહ્મણ’, મહાભારત અને પુરાણો તથા ઝંદ–અવેસ્તામાં છે તેમ સુમેરિયન અને ખાલ્ડિયન પરંપરામાં પણ છે, અને બાઈબલની જળપ્રલય વિષેની આખ્યાયિકાનું મૂળ એમાં રહેલું છે. સિન્ધુ સંસ્કૃતિ એટલે ઉત્તર સિન્ધમાં મોહેં-જો-દડો અને દક્ષિણ પંજાબમાં હડપ્પા એ નગરોની આસપાસ વિકસેલી આર્યેતર સંસ્કૃતિમાં ઈ. સ. પૂર્વે ૨૩૦૦ આસપાસ બનેલી ચીજો સુમેરમાં મળેલી છે, એ ઘણું સૂચક છે. સિન્ધુ સંસ્કૃતિની ચિત્રલિપિ હજી સાચી રીતે ઉકેલાઈ નથી, એટલે આ વિષે વધુ કહી શકાય એમ નથી. એ લિપિ જ્યારે પ્રામાણિક રીતે ઉકેલાશે ત્યારે આ દૃષ્ટિએ માત્ર ભારતના ઇતિહાસની જ નહિ, પણ સમસ્ત જગતના ઇતિહાસની એક શકવર્તી શોધ ગણાશે.

[ ‘હિન્દુસ્તાન’, દીપોત્સવી અંક, સં. ૨૦૦૬]