અપરાધી/૧૦. ‘એને ખેંચી લે!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦. ‘એને ખેંચી લે!’

સાંજની સભામાં હાજરી આપીને પાંચ પુરુષો અમદાવાદ શહેરના ધોરી માર્ગ પર ચાલ્યા આવતા હતા. કોઈ મૂએલા ઢોરને ચમારો ઊતરડતા હોય તેવી રીતે તે પાંચેય જણા તાજા સાંભળેલા ભાષણની ખબર લેતા હતા: “ફક્ત ભાષાની ગોફણો ફેંકતી’તી.” “પ્રત્યાઘાતી વિચારોનો મહાધોધ જાણે.” “મગજમાં જુનવાણી યુગનાં જ જાળાં બાઝ્યાં છે. વેદ, શ્રુતિ અને મહર્ષિ દયાનંદનાં ચકરડાંમાં રમે છે – ચક્કર પર કૂદતા ઉંદરડાની માફક.” પાંચમાં એક માણસ, જરા મોટી ઉંમરનો, તદ્દન ચૂપ હતો. બીજો – તાજા દૂધની ગરમી-શી જેની ચડતી જુવાની હતી તે જુવાન – ફક્ત એટલું જ બોલ્યો: “તાકાત તો છે ને!” હનુમાનની દેરી આવી. રસ્તો ખાડિયાના ઊંડાણે પડેલા લત્તામાં ઊતરતો હતો. ત્રણ જુવાનો જુદા પડ્યા. જુદા પડવાની સલામ તરીકે એક જણે હાથ ઊંચો કરી કહ્યું: “લોંગ લિવ (ઘણું જીવો)—” “રેવોલ્યુશન (ક્રાંતિ)!” બીજા ત્રણેએ જવાબ વાળ્યો. મોટી ઉંમરનો પુરુષ ચૂપ રહ્યો. ભર્યા ભાદરવા માસના ચડતા જુવાળવાળા પહાડી વોંકળાઓની પેઠે છલંગો મારતા એ ત્રણ જુવાનોનાં જુલફાં સુધરાઈની બત્તીને અજવાળે દૂર દૂર સૂધી પણ ઊડતાં દેખાયાં. બાકીના બે એકલા પડ્યા. મોટાએ જુવાનના હાથનો પંજો ઝાલીને કહ્યું: “ચાલો, થોડી વાર બેસીએ.” સામે જ હોટેલ હતી. રસ્તો વળોટવા જતાં જમણી ગમથી ધસી આવતી એક મોટરે કરડો ઘુરકાટ કર્યો. જુવાન હેબતાયો, મોટાએ એનો પંજો ખેંચીને સામી ફૂટપાયરી પર જવા માંડ્યું. મોટર ધસી આવી. મોટેરાએ જુવાનને મોટર તરફ જ ઝાલીને રાખ્યો હતો તે જકડી જ રાખ્યો. મોટરનો આગલો ખૂણો જુવાનને સહેજ અડકી ગયો. બ્રેક મારનાર મોટર-સવાર એક મિનિટ સુધી શ્વાસ ન લઈ શક્યો. પછી ટટાર થઈને એણે સામી પગથી પર પહોંચેલા એ બેઉ જણા પર કરડી આંખ મારી. હોટેલનાં પગથિયાં ચડી રહેલ બેઉમાંથી મોટેરાએ તો પાછળ જોવાની પણ તસ્દી ન લીધી. મોટર-સવાર પોલીસ-અમલદાર હતો. એણે મોટર ફરી ચાલુ કરી. “ઓળખું છું તને, બચ્ચાજી!” એટલું જ કહીને એ ઊપડી ગયો. હોટેલનો સૌથી છેવાડો ખૂણો ગોતે છે – કાં કોઈ આધેડ ઉંમર વટાવી ગયેલું ને જીવનમાં પહેલી જ વાર પધારતું જુનવાણી યુગલ, કાં ગુજરાતમાં ગરાસિયા તરીકે ખપતા કાઠિયાવાડના હરિજનો – ને કાં વિપ્લવનાં સ્વપ્નો ઘડનારા નવીનો. “મને તમે મારી જ નાખત ને!” જુવાને મનની ચંચળતા બતાવી. “તોયે શું!” મોટેરાએ અરધું હાસ્ય કર્યું. એના સ્વરમાં શિયાળુ વેરાનની ઠંડાઈ હતી. જુવાન એની ઠંડાઈ પ્રત્યે જોઈ રહ્યો. મોટાએ જમણો પંજો ખોલીને ચાના ટેબલ પર પાથર્યો. એણે બતાવ્યું નહીં, કંઈ કહ્યું નહીં. જે કહેવાનું હતું તે એનો પંજો જ કહી રહ્યો હતો. આખા પંજામાં કોઈ જૂના દાહની ઊંડી દાઝ્યો હતી. જુવાને આ પંજો પૂર્વે પણ જોયો હતો; અત્યારે જોઈને એને થરેરાટી છૂટી ગઈ. પંજો બોલતો હતો: “હજુ આ તો બાકી છે. અત્યારથી જ શું મરું મરું કરે છે!” પોતાનો ચાનો પ્યાલો જુવાને મોંએ લીધો. મોટાએ પ્યાલાને ટેબલ પર જ રહેવા દઈ પોતાનું મોં નીચે સુધી લીધું. એની આંખો જુવાન સામે તાકતી હતી – જાણે કોઈ ઝાડીમાં લપાઈ રહેલો વાઘ જોતો હતો. “શું ધાર્યું?” એણે જુવાનને પૂછ્યું. “શાનું?” “ભાષણ કરનારીનું.” “એટલે?” “એનામાં તાકાત છે ને?” જુવાનના પોતાના જ બોલને આ મૂંગા માણસે પોતાના મૌનના વીંછી-આંકડામાં જાણે કે પકડી લીધો હતો. “એ તાકાત આપણામાં ભળે તો?” મોટો હજુય બિલ્લી-આંખે ટેબલ પરનો પ્યાલો પીતો પીતો ઊંચે નજર માંડી રહ્યો હતો. ખરી રીતે એ ચા પીતો નહોતો, પણ હોઠને ભીંજવી જ રહ્યો હતો. “કેવી રીતે ભળે? આપણે એનામાં અભ્યાસ અને ભાવના ભરવી જોઈએ.” “નાદાન!” મોટાએ ચાના ભર્યા પ્યાલામાં ફક્ત હોઠ પલાળતે જ કહ્યું: “ક્રાંતિ ત્યાં સુધી વાટ જોઈને ઊભી રહે? ક્રાંતિ દરવાજા પર ટકોરા દઈ રહી છે; સાંભળતો નથી?” “શું કહેવા માગો છો?” “એને ખેંચી લેવી.” “પણ કેવી રીતે?” “રસીથી.” “રસીથી?” “હા; એ રસી તારી આંખોમાં જ છે.” જુવાનને લાગ્યું કે આ શબ્દો કોઈ ઝીણાં જીવડાં બનીને પોતાની આંખોમાં ફરવા લાગ્યાં છે. “એને બાંધી લે.” “શું? – શું? આ તમે કેવી વાત કરો છો, પ્ર—” “ચૂપ! નામબામ ન ઉચ્ચારવું. હું ઠીક વાત કરું છું: ક્રાંતિના દીપકમાં પૂરવાનું દિવેલ ચોરવું, છીનવવું કે ઉધાર લેવું – એ ધર્મ છે.” “પણ મને એના પ્રત્યે કોઈ ભાવ જ ઊપજતો નથી.” “ભાવ ન ઊપજે તો કંઈ નહીં; ભાવને જાતે જ બનાવી લેવો. સ્વયંસ્ફુરણા તો શાયરોને માટે જ રહેવા દઈએ.” યુવાનની આંખોમાં ભૂતો ભમવા લાગ્યાં. મોટાએ હજુપણ પ્યાલાની સપાટી ઓછી કરી નહોતી. એક વાર હોઠ ઝબોળીને એણે કહ્યું: “એના પિતાની એ લાડીલી છે; પૈસા લાવી શકશે. શક્તિ છે – ને સંપત્તિ ભળશે. આપણા પંદર ભાઈબંધો ભૂખે મરે છે તેની તને લજ્જા નથી આવતી?” “પણ મારી લાગણીનો તમને વિચાર નથી આવતો?” “એ લાગણી ક્રાંતિની શત્રુ છે. ક્રાંતિ આવ્યા પછી કરોડો હૃદયોને એ લાગણીથી લીલાલહેર થઈ રહેશે. તારા જેવો ચહેરો ને તારા જેવી કાળી સુંદર આંખો અમને મળી નથી. તને એ મળી છે તે કોને માટે? – શાને માટે? ક્રાંતિને માટે – શોભાને માટે નહીં. ઊઠ, એને તારી કરી લે.” બેઉ ઊઠ્યા. મોટાએ ફરીથી જુવાનનો પંજો પકડ્યો. હોટેલમાંથી નીકળતે નીકળતે એણે એ પંજો જોરથી દાબ્યો; દાબતે દાબતે કહ્યું: “તું ઉગ્રભાષી છે, ક્રાંતિનો લાડીલો છે.” ફરી પાછી સામી ફૂટપાયરી પર જવા માટે ઝીંકાઝીંક ચાલી. જતાં વાહનોની ગિરદી વચ્ચે મોટો આ જુવાનને ખેંચી ખાબકી પડ્યો. વાહનોની ચીસાચીસોની વચ્ચે મોટાના છેલ્લા બોલ સંભળાયા: “નામ તો પછી બદલવું પડશે. ‘સરસ્વતી’ નામમાં ક્રાંતિની ઘાતક કોઈ જુનવાણી સુગંધ છે.” બેઉ મિત્રો રાજમાર્ગમાંથી બહાર નીકળી ગયા. મોટાએ જુવાનની છાતી પર પંજો મૂક્યો – ને કહ્યું: “કલેજું ફફડી ઊઠે છે ત્યાં સુધી ક્રાંતિની ઝંખના જૂઠી છે. તારાં પ્યારાં શાસ્ત્રોએ પણ નિર્મમ થવા પ્રબોધ્યું; તારી માનીતી ‘ગીતા’એ ‘વિગતજ્વર’ બનીને ધર્મયુદ્ધ કરવા ફરમાવ્યું છે.” જુવાનના ચહેરા પર આ શબ્દો જાણે કે તમાચા બની પડ્યા હતા. એનો ક્રાંતિકારી વડીલ આજે શાસ્ત્રો ટાંકતો હતો. એ શાસ્ત્ર-વચનનો ઇન્કાર-પ્રતિકાર થઈ શકે તેમ નહોતું. “‘ગીતા’ તો ક્રાંતિવાદની હિમાયત કરનારો મહાગ્રંથ છે,” વડીલની મુખરેખાઓ તુચ્છકારના ભાવમાંથી સળવળીને ધર્મના રંગો ધારણ કરી રહી: “પણ ‘ગીતા’નો દુરુપયોગ થયો છે. ક્રાંતિના છેલ્લા પડકાર કરતી ‘ગીતા’ આજે તારા સંતડા અને સાધુઓને પનારે પડી રહી છે. હું જન્માન્તરમાં માનતો હોત તો કહેત કે કૃષ્ણનો આત્મા જ્યાં હશે ત્યાં આજે માથાં પટકતો હશે.” “તમે કોણ છો?” જુવાન આ અકળ પુરુષને તાકી તાકી જોઈ રહ્યો. “હું કોણ છું?” વડીલ હસ્યો: “હું ક્રાંતિ છું, હું એક ભાવના છું. હું જગતનો સરવાળો અને બ્રહ્માંડનો નિષ્કર્ષ છું. માનવતાના ક્ષીરસાગરની હું મલાઈ છું – બીજું કશું નથી. તું પણ બીજું કંઈ નથી રહેવાનો. ક્રાંતિ એક એવો સરવાળો છે કે જેમાંથી બાદબાકી થઈ શકતી નથી.” ક્રાંતિનો એ ભક્ત પોતાના જુવાન શિષ્યને નિગૂઢતાના ભયાનક સૂરે ગૂંગળાવી રહ્યો. “તું એને તારી કર – મારે ખાતર નહીં, તારે ખાતર નહીં, ક્રાંતિને ખાતર તારી કર. તું પોતે નિર્મમ બનવા ખાતર આ ભયાનક માર્ગની ઉપાસના કર. પછી જોજે તું, તારું દિલ કોઈ એક સમાધિમાં લીન બની જશે. આપણા સર્વની અંદર વિષાદમાં પડેલા અર્જુનને કૃષ્ણની ‘ગીતા’ હાકલ કરે છે.” નદીનો પુલ આવી ગયો. વડીલે કહ્યું: “હું સ્નાન કરવા જઈશ. તું તારે કામે પહોંચ. આ ઊભું એનું છાત્રાલય. એને ઉપાસ! ક્રાંતિને ઉપાસ!” “આવી કડકડતી ટાઢમાં તમે સ્નાન કરવા...?” જુવાને વડીલના દૂબળા શરીરની હડ્ડી દેખી. આ મલોખાનું માળખું નદીના પાણીમાં પડતાં જ થીજી જશે તેમ લાગ્યું. “ટાઢ તો બહાર છે, અંદર આગ છે. ને આત્મા અમર છે. શરીર તો એનું આજ્ઞાધીન સૈનિક છે. મૂઠીએક હાડકાંને ભેગાં રાખતાં તો ફૂટપાથ પરનાં ભિખારીઓને પણ આવડે છે. એનું ગુમાન નથી કરવા જેવું.” એટલું કહીને વડીલ પુલની નીચે ઊતરી ગયો. જુવાનના અંતરમાં ક્રાંતિનો રણકાર ઊઠ્યો હતો. સામટા સો ઘંટારવે ઘોરતા કો મંદિરનો ઘૂમટ જાણે તેની હૃદય-ગુફામાં કોતરાઈ ગયો. એ સરસ્વતીના છાત્રાલયમાં પેઠો. એ સરસ્વતીને ઓળખતો હતો. બેઉ મળ્યાં હતાં. એકબીજાને અનુરાગ પણ હતો. પરંતુ એમાં પ્રેમની મુગ્ધતા નહોતી.