અપરાધી/૩૨. અદાલતમાં
“હલ્લો! હલ્લો! મિસ્તર રામભાઈ!” જેલની ઑફિસમાં બેઠેલા ખ્રિસ્તી જેલરે ત્યાં આવનાર જુવાનનો આંખને એક મિચકારે સત્કાર કર્યો. “તહોમતદારણ અજવાળીનો હું વકીલ છું. મને મુલાકાત આપશોને?” જુવાને વગર સંકોચે પૂછ્યું. “બેશક, વિના વિલંબે! તમે સારું કર્યું. બરોબર વખતસર જ આવી પહોંચ્યા! કેટલું બ્યૂટિફુલ! ઓહ, ને એ પણ કેટલી બ્યૂટિફુલ!” બોલતા બોલતા જેલરે દસ વાર આંખો ફાંગી કરી. “નન ઑફ ધૅટ સ્ટુપિડ નોન્સેન્સ, સર! (આવી કશી નાદાનીની મોજ માણવા હું નથી આવ્યો.) મને મુલાકાત કરાવો.” યુવાને ગંભીર બનીને ઠંડો દમ ભીડ્યો. “ધૅટ્સ રીઅલી એ સેન્સ!” કહીને જેલરે અજવાળીને અંદરની તુરંગમાંથી તેડાવી. આવેલી અજવાળીએ નાક સુધી પાલવ ઢાંક્યો હતો. “તું મને ઓળખે છેને, અજવાળી?” મીઠા અવાજે જુવાને પૂછ્યું. “મારે કોઈને ઓળખવાની જરૂર નથી.” “હું રામભાઈ. હું તારો બચાવ લડવા આવ્યો છું.” “મારે કાંઈ નથી લડવું. મેં કાંઈ નથી કર્યું. મને શીદ સંતાપો છો બધા?” “બસ, તેં કશું જ નથી કર્યું એમ હું પણ માનું છું.” અજવાળીને અજાયબી થઈ. પોતાને નિર્દોષ માનનાર જગતમાં બે જણા: એક મા ને બીજો આ માનવી! મશ્કરી તો નથી કરતો? અજવાળીએ માથા પરથી પાલવ ઊંચો કર્યો. રામભાઈનું બાળપણથી પરિચિત મોં: નાનો હતો ત્યારથી બાપનાં ખેતર-વાડીઓમાં આવતો હતો. અજવાળી અને પોતે બેઉ ભેગાં બોરડીનાં બોર વીણતાં. મોટપણમાં બાપ મારતો-સતાવતો, ત્યારે રામભાઈ જ અજવાળીની મા પાસે આવી દિલાસો દેતો. એ મોં એ-નું એ જ હતું. અજવાળી બળતરા કાઢતી અટકી ગઈ, મૌન ધરીને બેઠી. “જો, અજવાળી! હું જાણું છું કે તારી આ દશા તારા બાપે કરી છે. તું નિર્દોષ છે. તું ફક્ત આટલું જ કરજે: આજે અદાલતમાં તું એક જ જવાબને વળગી રહેજે કે, મેં એ નથી કર્યું, હું કાંઈ નથી જાણતી. કહીશ ને?” અજવાળીએ ‘હા’ કહી ત્યારે એની આંખના ગર્તો ઊંડી બખોલો જેવા લાગ્યા. એમાંથી દેવતા ઓલવાઈ ગયો હતો. રામભાઈએ વિદાય લેતા લેતા કહ્યું: “હું હમણાં જ કોર્ટમાં આવી પહોંચું છું હો, અજવાળી!” એ ઘેર ગયો ત્યાં ચૂપ જ રહ્યો. નાહીધોઈ, જેવુંતેવું જમી, કોઈને કહ્યા વગર એ અદાલતમાં પહોંચ્યો. અદાલતના ચોગાનના દરવાજા બહાર કોઈ તમાશો જોવા મળી હોય તેટલી ગંજાવર ઠઠ હતી. તે દિવસે મિલમાં અણોજો હોવાથી મજૂરો ઊમટ્યા હતા; ને કૅમ્પના ખેડુપરાના લોકો પણ, અગિયારશનો વાર છોટાસાહેબે આ કેસ ચલાવવાનો ઠરાવ્યો છે તેથી રાજી થઈને, દોડ્યા આવ્યા હતા. ટોળાથી છેટેરી એક ઓરત ઊભી હતી. એના હાથમાં પિત્તળની ટોયલી હતી. એ અજવાળીની મા હતી. લોકો એની સામે આંગળી ચીંધી અનેક કટાક્ષો કરતા હતા. એમાંનો એક આ હતો: ‘મા તેવી દીકરી!’ અગિયાર વાગ્યાને અદલ ટકોરે બે ઘોડાની ગાડી પાણીના રેલા પેઠે આવી પહોંચી. બંકી ગરદન ડોલાવતા અશ્વોએ દરવાજામાં પ્રવેશ કર્યો. અંદર એકાકી બેઠેલા ન્યાયાધિકારીની ફૂટતી મૂછો મજૂરો–ખેડૂતોની આંખોને મુગ્ધ કરી રહી. આવડો નૌજવાન ન્યાયાધીશ જનતાએ અગાઉ જોયો ન હતો. નમણું મોં નિસ્તેજ હતું. ‘માંદા માંદા પણ છોટાસાહેબ ન્યાય તોળવા આવ્યા. જોયું, ભાઈ? રાંડ બાળહત્યારી ડાકણનું આજ આવી બન્યું જાણજો. હો કે!’ – આવી વાતો લોકોમાં થઈ રહી. પોતાની ખાનગી ચૅમ્બરમાં પ્રવેશ કરતાં શિવરાજે બાજુથી જ જેલ સાથે અદાલતને જોડતા રસ્તા પરથી એક ખડખડાટ હાસ્ય સાંભળ્યું, અને નજર કરીને ત્રાસેલો હોય તેમ એકદમ ચૅમ્બરનાં બારણાંમાં પેસી ગયો. એ હાસ્ય અજવાળીનું હતું. પોલીસ-પહેરા વચ્ચે એ ચાલી આવતી હતી. એનાં લૂગડાં અસ્તવ્યસ્ત હતાં. એના વાળની લટો વીખરાયેલી હતી. પોલીસ-હવાલદારે ઉધરસનું ઠસકું ખાતે ખાતે પહેરેગીરો સામે મિચકારો કર્યો. પોલીસોએ ધીરે સાદે અંદર અંદર ટીકા કરી: “રંડી કી બડાઈ તો દેખો, બડાઈ!” પાછલે દરવાજેથી એને આરોપીના પીંજરા આગળ લઈ જવામાં આવી. “માડી! અંજુડી!” નજીકથી કોઈ બોલ્યું. બોલનાર અજવાળીની મા હતી. “લે, આટલું દૂધ પી લઈશ?” એમ કહીને એણે પોતાના ફાટેલા પાલવમાં સંતાડેલી નાની ટોયલી બહાર કાઢી, ત્યારે હવાલદારે કહ્યું: “એ બુઢ્ઢી! જરાક શરમા તો ખરી. આંહીં શું તું તારી છોકરીને સાસરે વળાવવા આવી છો? આઘી મર.” કશું જ બોલ્યા-ચાલ્યા વગર મા દીકરીની સામે નીરખી રહી, ને પછી ધીરે ધીરે એણે ટોયલીમાંથી ધોળું ધોળું દૂધ ધરતી પર ઢોળી નાખ્યું. એની બેઉ આંખો પણ સાથે સાથે આંસુડાં ઢોળી રહી. અજવાળી તો માની સામે પણ જોયા વિના જડતાની મૂર્તિ જેવી ઊભી રહી. એના મોં ઉપર દિગ્મૂઢતાભરેલું સ્મિત હતું. પાંજરા પાસે આવીને એ નીચે બેસી ગઈ. એનાં કપડાંમાં પણ એને મણીકાભરેલો ભાર લાગ્યો. એના વાળમાં જાણે વનજંગલોનો સામટો બોજો હતો. એનાં હાડકાંમાં જાણે સીસાનો રસ સિંચાયો હતો. આગલો દરવાજો ઊઘડતાંની વાર જ ટોળાએ અંદર ધસારો કર્યો. આ મુકદ્દમો ઘણા ખાનદાન મનાતા માણસોને પણ ખેંચી લાવ્યો હતો. ધસારાની ભીંસાભીંસમાં એમાંના કેટલાયની પાઘડીઓ પડી ગઈ, કેટલાકની કાછડીઓ છૂટી ગઈ, કેટલાકની કેડ્યના કંદોરા ઢીલા થઈ ગયા. આગલી બેઠકો માટેની પડાપડી ત્યાં મચી રહી. બેઠેલી અજવાળી સામે આંગળી ચીંધી ગુસપુસ અવાજે લોકોનો પ્રલાપ ચાલ્યો, ત્યાં તો પટાવાળાનો લાંબો તીક્ષ્ણ સિસકારો સંભળાયો. ચૅમ્બરનું દ્વાર ઊઘડ્યું. ન્યાયાધિકારી દાખલ થયા, લોકો ઊભા થયા, ચુપકીદી છવાઈ ગઈ. ન્યાયાસનની ગાદી પર એ શરીર ઝટપટ સમાઈ ગયું. એના બિરાજવામાં છટા નહોતી. ઊંચે એણે જોયું નહીં. શિરસ્તેદારે સામે મૂકેલાં કાગળિયાંમાં એની આંખો ખૂંતી રહી. ઊંચે અવાજે બોલવાની હામ એણે ગુમાવી હતી. આરોપીનું નામ પોકારવા એણે આસ્તેથી જ આજ્ઞા કરી. પોલીસે અજવાળીને પગની ઠેસ મારીને ઉઠાડી પાંજરામાં પેસાડી. આરોપીની સામે નજર સરખી પણ કર્યા વગર શિવરાજે ચાર્જશીટનું ઉતાવળું વાચન કર્યું. “બાઈ અજવાળી, બાપનું નામ વાઘા, જાતે કુંભાર, તા. અમુકના રોજ મધરાત પછી જાતે તારા બાળકની હત્યા કરી, તેને ગોઝારે કોઠે ઘાતકીપણે મૂકી આવવાનો તારા પર આરોપ છે. ઈશ્વરને માથે રાખીને બોલ, તેં મજકૂર ગુનો કર્યો છે કે નહીં?” આ બધું જ શિવરાજે નીચે મોંએ વાંચી નાખ્યું. અજવાળીને એ કાંઈ સંભળાયું નહીં. કશું બોલ્યા વિના એ ઊભી રહી. ત્યાં શિરસ્તેદારે એને ઘાંટો પાડીને પૂછ્યું: “બોલ, બાઈ, ઈશ્વરને માથે રાખીને બોલ. તેં આ ગુનો કર્યો છે કે નહીં? સાહેબ પૂછે છે તેનો જવાબ દે.” “ના, મને ખબર નથી.” આરોપીએ એટલું બોલતાં બોલતાં પીંજરામાંથી પોતાનું હાડપિંજર શિવરાજની સામે ધસતું મૂક્યું ને માથું ધુણાવ્યું. પોતે કાંઈક મોંમાં વાગોળતી હોય તેવી તરેહથી એનાં જડબાં એકબીજા સાથે ભરડાયાં. “જોઈને રાંડ?” પ્રેક્ષકોએ અંદર અંદર વાતો કરી. “છે ને મિજાજનું ઘોયું! લાજતી નથી ને ગાજે છે. જોયું, ઉછાળા કેવા મારે છે! એવી છોકરી મારે હોય તો ગળકી જ ન ભીંસી નાખું! ભોંમાં જ ભંડારી દઉંને! આંહીં ને આંહીં માથું ફાડી નાખું, હો કે!” પછી પોલીસ પ્રોસિક્યૂટર ખડા થયા. “નામદાર કોર્ટ!” એ શબ્દોથી શરૂ કરતાં એણે પોતાના યુનિફોર્મના ડગલાનાં ચકચકિત બટનો પર આંગળીઓ ફેરવી. “નામુકર જનારી આ ઓરતે પોતાના નવા અવતરેલા બાળકને, એ બાળક હરામના હમેલનું હોવાથી, ગળકી દબાવીને ગૂંગળાવી માર્યું છે. તે પછી ગુનો છુપાવવા માટે એણે આ બાળકની લાશનો એક ભયંકર જગ્યાએ નિકાલ કરી નાખ્યો છે. તે અપકૃત્ય બન્યું છે. ઓરતજાતને લાંછન લગાડનારું ઘાતકી કામ આ આરોપીએ કર્યું છે. મારી પાસે તેના તમામ પુરાવા છે. પુરાવા સચોટ છે તેની હું નામદાર કોર્ટને ખાતરી કરાવી આપીશ. નામદાર કોર્ટને તાબેદાર અરજ કરે છે કે મારા સાક્ષીઓની જુબાની લેવી શરૂ કરે.” “સાક્ષીઓને બોલાવો.” પહેલો સાક્ષી પોલીસ-હવાલદાર કાંથડ હતો. એના પગનાં બ્લેકિંગ લગાવેલાં કાળાં તોતિંગ બૂટ ચમચમ્યાં. એક આખું સસલું શેકીને ખાઈ જાય તેટલું પહોળું એનું મોં હતું, એની પીળી પાઘડીની કિનાર પસીને રેબઝેબ હતી. બાકીનો પસીનો એના યુનિફોર્મને ઉપસાવતી મોટી ફાંદ પર પડતો હતો – જે રીતે મોટા શિવલિંગ પર જળાધારી ચૂતી હોય છે. એણે લખાવ્યું: “અમુક અમુક દિવસની સવારે કુંભારણ બાઈ કડવીએ મને ખબર આપ્યા કે ગોઝારે કોઠે એક મૂએલું છોકરું પડ્યું છે. ત્યાં જઈ, છોકરું કબજે લઈ ફોજદારસાહેબના હુકમથી હું દાક્તરસાહેબ પાસે લઈ ગયો. એ જ દિવસે બપોરે મેં કુંભારણ બાઈ કડવી અને તેના ધણીની જુબાનીઓ લીધી, ને મને ફોજદારસાહેબે કુંભારપરાના ઘરે ઘરે જઈ તાજી સુવાવડી કોણ કોણ ઓરત છે તેની તપાસ કરવા ફરમાવ્યું. પરિણામે ઓરત અજવાળી એક જ મને એ હાલતમાં માલૂમ પડી. મેં પછી એને પરહેજ કરી દાક્તરી તપાસ માટે દવાખાને મોકલી.” “બસ, નામદાર!” કહેતા પ્રોસિક્યૂટર બેસી ગયા. એ જ ક્ષણે બાજુની ખુરશીમાંથી એક જુવાન ઊભો થયો. એને જોતાં જ શિવરાજનાં નેત્રોમાં ચમક આવી. એ ચમકમાં આશા હતી કે ધાસ્તી? આશા અને ધાસ્તીનાં ભરતી-ઓટ હતાં. શિવરાજે શિરસ્તેદાર સામે જોયું. શિરસ્તેદારે કહ્યું: “બચાવના વકીલ છે, સાહેબ!” જુવાન વકીલ રામભાઈએ ધીરા, પોચા અવાજે, ક્ષોભ પામતે પામતે, હવાલદારની ઊલટતપાસ આદરી: “તહોમતદારના ઘરથી ગોઝારો કોઠો કેટલેક દૂર હશે?” “અરધો-પોણો માઈલ.” “એ રસ્તો કેવોક કહેવાય?” “ઉજ્જડ, કાંટાળો ને ખાડાખડિયાવાળો.” “ગોઝારા કોઠાની નજીકમાં કોઈ બીજી વસ્તી છે?” “પાછલી કોર ચારસોક કદમ છેટે વેડવાં વાઘરાંના પડાવ છે.” “તો તમે ત્યાં નજીકમાં તપાસ કરવા ન ગયા ને અરધો-પોણો માઈલ આઘે રહેતી આ તહોમતદારણને ઘેર કેમ ગયા?” “કેમ કે ગોઝારા કોઠાની ઓલી કોર આપણી હદ નથી, સુજાનગઢની હદ છે.” અદાલતમાં જાણે જનતાનો એકસામટો શ્વાસ હેઠો બેસતો સંભળાયો. શિવરાજનું આગલું શરીર ટટ્ટાર થયું. રામભાઈ વકીલનું મોં શાંતિથી મલક્યું. બીજા સાક્ષી આવ્યા દાક્તર, જેના ડગલાના ગજવામાંથી સ્ટેથોસ્કોપની રૂપેરી ભૂંગળીઓ કોઈ બે નાગણીના જીભના લબકારા જેવી ડોકાતી હતી. તે ઊભા થયા. તેમનો શપથવિધિ થઈ ગયો. તેને પ્રોસિક્યૂટર પ્રશ્ન પૂછતા ગયા તેમ તેમ ટંકશાળના સિક્કા સમા જવાબો તેમની જીભમાંથી પડતા ગયા. “આપે એ બાળકની લાશ તપાસી છે?” “હા જી.” “આપની દાક્તરી તપાસમાં શું માલૂમ પડ્યું હતું?” “બાળકનું મેં પોસ્ટમોર્ટમ કર્યું હતું, તેમાં તેને ગૂંગળાવીને મારવામાં આવ્યું હોય તેવી તેનાં ફેફસાંની નળીઓની સ્થિતિ માલૂમ પડતી હતી.” “બાળકને આપે તપાસ્યું ત્યારે તેનું મોત થયે કેટલો વખત થયો હશે?” “અડતાળીસેક કલાકથી વધુ નહીં.” “વારુ, સાહેબ!” પ્રોસિક્યૂટર વારંવાર અજવાળીના સામે તીણી નજરે તાકતા હતા ને પછી શિવરાજ સામે જોઈ મોં મલકાવતા હતા. “બાળકને અવતર્યે કેટલો વખત થયો હોય તેમ આપને લાગેલું?” “બસ, ત્રણેક દિવસથી વધુ નહીં.” “બરાબર. પછી આપે આ સામે ઊભેલી ઓરતને તપાસી હતી?” “હા જી.” “શું માલૂમ પડેલું?” “એના ગર્ભાશયની સ્થિતિ એવી હતી કે એણે તાજેતરમાં બાળકને જન્મ આપ્યો હોવો જોઈએ.” “પત્યું.” કહીને પ્રોસિક્યૂટર પરમ સંતોષની નજરે ચોમેર પ્રેક્ષકો સામે જોતા જોતા બેસી ગયા. “હેં દાક્તરસાહેબ!” જુવાન વકીલ રામભાઈએ દાક્તરની ઊલટતપાસ માંડી: “આ ઓરતને આપે બરોબર તપાસેલી, ખરું? વારુ. ને આપને માલૂમ પડ્યું કે એણે તાજેતરમાં જ બાળકને જન્મ દીધો હશે, ખરું? હવે હું પૂછું છું કે તાજી સુવાવડી ઓરત, સુવાવડ આવ્યા પછી બાર અથવા ચોવીસ કલાકની અંદર માઈલ-અડધો માઈલ ખાડાખડિયા ને કાંટાવાળો ઉજ્જડ રસ્તો રાત્રિએ ચાલીને તેટલું પાછી આવી શકે ખરી?” “ના જી.” ડોક્ટરની જબાન જરીકે થોથરાયા વગર ચાલી ગઈ. “તયેં હાંઉ! જીવતા રો’, મારા બાપ!” એવો કોઈ અવાજ પ્રેક્ષકોમાંથી સંભળાયો, ને તત્કાળ પટાવાળાનો સિસકારો થયો. ચમકેલા પહેરેગીરોએ પાછળ જોઈને કહ્યું: “ચૂપ રે’, એઈ ડોશી! ઈધર કોરટ હે, દેખતી નહીં?” બોલનાર ડોશી અજવાળીની મા હતી. એના તરફ ફરીને પ્રેક્ષકોએ હસાહસ કરી મૂકી. ન હસ્યા માત્ર બે જણા: ન્યાયાધિકારી અને એ નૌજવાન વકીલ. પ્રોસિક્યૂટરના મોં પર ચીડ ચડી બેઠી. શિવરાજ જે નીચું મોં ઘાલીને જ બેઠો હતો તેની ગરદન ઊંચી થઈ, એના સૂકા ગાલમાં સુરખી રેલાઈ. એના ડૂબતા હૃદયને જાણે ભેખડ લાધી. “બસ, નામદાર!” કહીને રામભાઈ બેસી ગયો. શિવરાજની છાતીમાં ઓચિંતું જોર ઊછળ્યું. તેણે ટટાર ગરદન કરીને ડૉક્ટરને સવાલ પૂછ્યો: “એ તો ખરુંને, દાક્તર, કે તમે તો તમારી સામાન્ય પ્રચલિત પદ્ધતિથી આ પરીક્ષા કરી હતી. એ દાક્તરી સાધનો કદી ખોટાં પડે જ નહીં, એમ તો નહીં ને?” “નહીં જ નામદાર, દાક્તરી સાધનો ખોટાં પણ પડે છે.” “આ બાળક જન્મ્યા પછી કેટલુંક જીવ્યું હશે?” “એક કલાક.” “એટલે હજુ એની જિંદગી પૂરેપૂરી સ્વતંત્ર ન પણ બની હોય.” “સંભવ છે, નામદાર.” “એટલે કે આ બાળકની કમનસીબ માતા, એ ગમે તે હો, એણે એ બાળકનો જન્મ છુપાવ્યા કરતાં વધુ અપરાધ – બાળકને મારી નાખવાનો અપરાધ – સંભવ છે કે, ન પણ કર્યો હોય. ખરું?” “ખરું, નામદાર! બાળક કુદરતી જ મૃત્યુ પામ્યું હોય એમ પણ બનવાજોગ છે.” દાક્તર બેસી ગયા. આવી જુબાનીની અસર લોકો પર ઊંધી થઈ. ટોળાની સહાનુભૂતિ અજવાળી તરફ ઢળી પડી. તે પછીની શાહેદ કુંભારણ બાઈ કડવી લીંબા ઊભી થઈ. એણે તો પ્રશ્ને પ્રશ્ને પોતાની જીભ પૂરપાટ વહેતી મૂકી દીધી: “હં અં! તયેં નહીં? મરને મને પરમેશર એક વાર નહીં ને દસ વાર પૂછે! હું કાંઈ બીતી નથી. મેં તો જેવું ભાળ્યું હશે એવું કહીશ – ધરાર કહીશ. મને તેદુની રાત બરોબર સાંભરે છે. હું તો ત્રણ પેઢીની વાતુંય ભૂલતી નથી. મારી ટીલડી ગા માંદી પડી. એને પેટપીડ ઊપડી’તી. ધનો ભરવાડ પણ રોગ નો વરતી શક્યો. પછે તો બાપા, ભૂતડીના કાંથડ ભગતનો દોરો મંતરાવવા મારા ધણીને મેલવો જ પડે ના! દાગતરું ને દવાઉં કરતાં ભગતનો દોરો શું ખોટો? પણ ઈને મેલ્યા પછે મને કાંઈ નીંદર આવે? ઈ છે બેક અપલખણા – જાય ત્યાં ગુંદરની ઘોડે ચોંટ્યા રે’. હું એનાં લખણ બરોબર જાણું ને! હું તો બેઠી જ રહી, વાટ જોતી જ રહી. એમાં વીજળીનો ઝોકાર અજવાસ થયો. માડી રે! ચાળીસને માથે પસ્તાળીશ વરસની હું થઈ. મારો જલમ પંચોતરા કાળમાં; તે દી કે’ છે કોગળિયાનો રોગચાળો હાલતો. આટલાં વરસ મેં કાઢી નાખ્યાં. કંઈક ચોમાસાં જોયાં. કરોડું વીજળિયું જોઈ નાખી. પણ આ અજવાસ તો કોઈ નોખી જ ભાતનો – જાણે બીજો સૂરજ ઊગ્યો! આ એમાં મારી નજર ગોઝારે કોઠે મંડાણી ને મેં મારી સગી આંખ્યે ભાળ્યું: બરાબર આ અજવાળી પોતે જ – બીજું કોઈ હોય તો મારી આંખ્યુંમાં ધગધગતા સૂયા પરોવી દઉં – ઈ પંડે જ ગોઝારા કોઠાની પોલ્યમાં કાંક મેલતી’તી. સવાર સુધી મારી આંખ્યુંએ મટકું ન માર્યું. મોંસૂઝણું થયા ભેળી જ હું ગોઝારે કોઠે ધોડી. જઈને જોઉં તો તો છોકરું! બીજું શું હોય? હોય જ નહીં ને! લૂગડામાં વીંટાઈને પોટો પડ્યો’તો, માડી! ધરતીને માથે પાપ કાંઈ થોડાં ખડકાણાં છે! આભ તૂટી પડતો નથી ઈ તો બાપા, તમ સરખાને ધરમે. હા, હું તો સાચું કહેનારી છું. મર આગલાને કડવું ઝેર લાગે. મારું નામ જ કડવી ને!” પ્રેક્ષકોની હસાહસ થંભતી નહોતી. શિવરાજે માથું નીચું ઢાળ્યું હતું. રામભાઈ ઊલટતપાસ માટે ઊઠ્યો. “જુવો, કડવીબાઈ! તમારે ને આ અજવાળીના બાપને આગલી રાતે કાંઈક વઢવાડ થઈ’તી એ સાચું?” “સાત વાર સાચું. વઢવેડ શું – હું તો એને કાચો ને કાચો ખાઈ જાઉં, ખબર સે?” “તમે ભાડે રહો છો તે એનું જ ઘર છે ને?” “મફત કાંઈ નથી રે’તાં અમે; દૂધે ધોઈને અમાસે અમાસે રૂપિયા બે દઈએં સયેં.” “તમને એણે ખોરડું ખાલી કરવા કહ્યું હતું ને?” “હા, ને મેંય ઈને રોકડો જવાબ પરખાવ્યો’તો કે ખોરડું ખાલી કરતાં પે’લાં તો હું તારાં લૂગડાં નહીં ઉતારી લઉં?” પ્રોસિક્યૂટરને ધ્રાસકો પડ્યો. આ શાહેદને પોતે ક્યાંથી હાજર કરી એનો એને પસ્તાવો થયો. એણે એકાએક ઊઠીને વચ્ચે પૂછ્યું: “નામદાર, બચાવના વકીલ શું એમ સૂચવવા માગે છે કે શાહેદે એના અસીલની ઉપર કિન્નો લેવા માટે જ આ તરકટ મચાવ્યું છે?” “બરાબર છે; એ જ સૂચવવાનો મારો આશય છે.” “શું બોલ્યો?” કડવી કુંભારણે રામભાઈ તરફ પોતાનો હાથ લંબાવ્યો, “તું મને ખોટાડી ઠરાવછ! તું મારા ગોઠણ જેવડો મને ગલઢી આખીને – તું મારા ઉકરડા ખૂંદનારો, મારા ખેતરની વાડ્યેથી ચીભડાં ચોરનારો તું—” “બાઈ, શાંતિથી જવાબ આપો. આંહીં કજિયા ન કરાય. ” શિવરાજે કડવીને શાંત પાડી. “હાં જુઓ, બાઈ કડવી!” શિવરાજે પૂછ્યું, “ગોઝારો કોઠો તમારા ઘરથી પા ગાઉ જેટલો તો છેટો હશેને?” “ઈ તો બાપા, તમેય ક્યાં નથી જાણતા? તમેય દા’ડી ત્યાં નીકળતાને!” એ દિવસોની યાદે શિવરાજના હૃદયને મોસંબી-રસ કાઢવાના સંચાની માફક પીસ્યું. “વારુ. તમારી નજર શું હજુ એટલી બધી લાંબે પડે છે, કે તમે ત્યાં ઊભેલું માણસ જોઈ શક્યાં?” “ઠીક છે બાપા, તમારે પરતાપે નજર તો લાંબી પડે છે હજી. ખાધેપીધે સુખિયાં છૈયેં. ઘી, ગોરસ, દૂધ, દહીં...” “હાં, ઠીક ત્યારે જુઓ, તમે કાંથડ હવાલદારને તો ઓળખો છો ને?” “ઈને શું, ઈની માનેય ઓળખું છું, સા’બ! કાંથડ તો મારી આગળ છોકરું હતો.” “ત્યારે જુઓ, આ સામે બારણું છે ને તેની પાસે ત્રણ જણા ઊભા છે, એમાંથી કાંથડ હવાલદાર કયા?” “કયો? કાંથડ ને? એ જોવોને, આ – આ – ઓલ્યો છેલ્લો ઊભો છે ઈ.” અદાલતમાં હસાહસ ચાલી. કડવીએ ખોટો માણસ દેખાડ્યો. કડવીને બેસારી દીધી. ‘ચોથો શાહેદ: ઇસ્પિતાલનો જુવાન હાઉસ-સર્જન. સવાલ-જવાબ ચાલ્યા: “બાઈ અજવાળીને લાવવામાં આવી ત્યારે તમને એની સ્થિતિ કેવી લાગેલી?” “ચાર-પાંચ દિવસની સુવાવડી હોય તેવી.” “શા પરથી એમ માન્યું?” “એણે શરીર તપાસવાની ના પાડી અને—” “અને શું?” “એ મારી ગરદન પકડવા દોડી, ને પછી બેભાન બની ગઈ.” “સબૂર,” શિવરાજે પૂછ્યું, “એની શરીર-તપાસની પરવાનગી દાક્તરે મૅજિસ્ટ્રેટ પાસેથી મેળવી હતી?” પ્રોસિક્યૂટરે માથું ખજવાળ્યું. એ મૂંઝાઈને શાહેદ તરફ ફર્યા; જવાબ ન દીધો. શિવરાજે શાહેદને પૂછ્યું: “તમે ક્વૉલિફાઈડ ડૉક્ટર છો કે?” “હા જી.” “તો તો તમને ખબર હોવી જોઈએ કે મૅજિસ્ટ્રેટની રજા વગર કોઈપણ ઓરતનું શરીર, એની મરજી વિરુદ્ધ તમારાથી તપાસી શકાય નહીં.” “હા જી.” “ને તપાસો તો તમને સખત સજા થાય.” “હા સાહેબ.” “એટલે કે તમે એને નહોતી તપાસી?” “ના સાહેબ.” “બેસી જાવ.” એ કરડાઈમાં ને કરડાઈમાં એણે પ્રોસિક્યૂટરને પૂછ્યું: “હવે કોઈ શાહેદ છે તમારો?” “ના સાહેબ, પત્યું.” ‘પત્યું’ શબ્દ પ્રોસિક્યૂટરનું ‘મામેકં શરણં’ સમો બન્યો હતો. બપોરના આરામને માટે અદાલત ઊઠી. શિવરાજ ચૅમ્બર તરફ ચાલ્યો. દીવાલ પર એણે અંગ્રેજી મુદ્રાલેખ દેખ્યો: ‘જગતમાં પરમ પવિત્ર એક ઇન્સાફ જ છે.’ વાંચીને એનું મસ્તક નીચે ઢળ્યું. પોતે જાણે ઇન્સાફનો દ્રોહી હતો. આરામ પૂરો થયે અદાલત ફરીથી બેઠી. શિવરાજ પોતાની ચૅમ્બરમાંથી નવી ઝલક લઈને આવ્યો હતો. એના મોં પર બધું જ પાર ઊતરી ગયાની નિરાંત હતી. એ આવ્યો ત્યારે વકીલો તરફ પ્રસન્નતાથી ઝૂકતો હતો. એણે અજવાળીના લલાટ પર પણ બેધડક આંખો માંડી. હવે કશી જ વાર નહોતી. એટલું જ જાહેર કરવાનું હતું કે આ મુકદ્દમાને સેશન્સ કમિટ કરવા જેવો સબળ પુરાવો પ્રોસિક્યૂશન તરફથી રજૂ થઈ શક્યો નથી, એટલે આરોપીને છોડી મૂકવામાં આવે છે. બસ, એટલી જ જાહેરાત કરીને પોતે અજવાળીને અભયદાન દઈ દેશે. પછી અજવાળી જાણે ને એનો ઈશ્વર જાણે. હું ને મારી સરસ્વતી તો ઝટ લગ્ન-હિંડોળે બેસી જઈશું. કાગળ ઉપર ચુકાદાના અક્ષરો ટપકાવવા એની કલમ ખડિયામાં બોળાય છે, ને બોળતાં બોળતાં એ પ્રોસિક્યૂટરને છેલ્લી વાર પૂછે છે: “તમારા પુરાવા બધા પતી ગયા છે ને?” “હવે તો જરીતરી બાકી રહે છે.” “ત્યારે હવે—” કહેતાં એણે રામભાઈ તરફ જોયું. ને તરત જ રામભાઈ ખડો થયો, “મારે કહેવાનું છે, નામદાર!” એ શબ્દો એના મોંમાંથી સરતાંની સાથે જ શિવરાજના હાથમાં કલમ થંભી ગઈ. “નામદાર કોર્ટને તો હવે બસ, ફક્ત સંતોષકારક પુરાવાને અભાવે આ મુકદ્દમો કાઢી નાખવાનું જ રહે છે. પરંતુ નામદાર કોર્ટ, મારી અસીલને માત્ર પૂરતા પુરાવાને અભાવે જતી કરવામાં આવે એટલી જ વાત મારે માટે પૂરતી નથી. મારી અસીલ હજુ નાની વયની છે. એને હજુ જિંદગી કાઢવાની છે. આંહીંથી એ બચી જશે, પણ લોકોની જીભ તો એનો પીછો જ લેશે; આંગળીચીંધણું એના માથેથી મટશે નહીં. લોકો કહેશે કે પોલીસની અનાવડતને વાંકે બચી ગઈ! માટે મારી માગણી આ છે કે હું એની સંપૂર્ણ નિર્દોષતા સાબિત કરનારા શાહેદો બોલાવવા માગું છું. ને એટલું જોવા માગું છું કે મારી અસીલ બાઈ અજવાળી પોતાની ચાલચલગત ઉપર નાની એવી શંકાનો પણ ડાઘ લીધા વગર આ અદાલતનો દરવાજો છોડે.” આ બોલો બોલાતા રહ્યા ત્યાં સુધી અજવાળી રામભાઈ સામે તાકી રહી હતી. બોલવું પૂરું થયું ત્યારે એનો ચહેરો ફિક્કો પડ્યો. એણે ફરીથી માથું નીચું ઢાળ્યું. શિવરાજને પણ આ એક અણગમતો સંજોગ ઊભો થતો ભાસ્યો. અંધારગલીમાંથી દોટ કાઢીને બહાર નીકળવા માગનાર છોકરાની કોઈક ચીજ અધરાતે ભોંય પર પડી જાય ને તે લેવા રોકાવું પડે, એવી દશા શિવરાજની બની. એણે મંદ સ્વરે કહ્યું: “તો બોલાવો શાહેદોને.” રામભાઈએ પહેલી શાહેદ અજવાળીની માને બોલાવી. પોલીસોએ એ બુઢ્ઢીને હાથનો ટેકો આપી સાક્ષીના પાંજરામાં ચડાવી. એ મોં તાજાં ખરેલાં આંસુડે ભીનું હતું. એને સોગંદ લેવરાવતાં પણ શિવરાજ એની સામે જોવાની હિંમત કરી ન શક્યો. આ બાઈને પોતે કેટલીક વાર, અને કેટકેટલી જુક્તિઓ કરીને છેતરી હતી! આને પોતે અજવાળીના નામના બનાવટી કાગળો લખ્યા હતા. એ લખનાર ડાબા હાથ પર ઈશ્વરની આંખો અત્યારે જોતી હશે. શિવરાજને ખબર હતી. ગઈ પરમના રોજ જ સુજાનગઢ આવેલી આ વૃદ્ધાએ દીકરીનો અપરાધ પૂરતા ઇશારા વડે કબૂલ કર્યો હતો. અત્યારે એ જ બાઈ, દીકરીને બચાવવા માટે જૂઠ વદવા આવી છે. પ્રોસિક્યૂટર બરાડા પાડતો હતો. એના સવાલોના જવાબો બુઢ્ઢી ક્ષીણ સ્વરે આપતી હતી. પ્રોસિક્યૂટર એના તરફ પોતાના કાન ઢાળતો હતો ને મર્મપ્રહાર કરતો હતો: “જરા જોરથી બોલો, બાઈ; આપણે ક્યાં રાણીવાસના ઓઝલ પરદામાં રહેનારાં છીએ! આપણે તો ખેતરમાં ઢોર હાંકવાં પડે, કજિયા કરવા પડે, આપણા સાદ તો સરવા જ હોય. શરમાવ મા.” પ્રોસિક્યૂટરની આ શબ્દ-ચૂંટીઓ તો બાઈ નહોતી સમજતી, પણ પ્રોસિક્યૂટરનો કરડો ઘોઘરો અવાજ એને હેબતાવી દેતો. રામભાઈ એને મૃદુ વાણીમાં કહેતો કે, “ડોશીમા, બીઓ મા, જોરથી બોલો. કોરટ તો આપણાં માવતર છે. એ તમારી રક્ષા કરશે.” પણ શિવરાજ જોઈ શક્યો કે ડોશીની આંખોમાં ડર હતો – આ અદાલતનો નહીં; કોઈ બીજી, ઊંચેરી અદાલતનો. ખૂબ ડચકાં ખાતાં ખાતાં એણે રામભાઈને જવાબ દીધો કે, અજવાળી ઘેરે આવી તે ક્ષણથી કાંથડ હવાલદાર એને તેડી ગયો તે ઘડી સુધી એણે ઘરની બહાર પગલું નથી દીધું. “તમારે ઘેર એ હતી ત્યારે તમે એને રાતદિવસ જોતાં જ રહેતાં કે?” “હા, માવતર! રાતે સૌ છેલ્લી એને જ અને ભળકડે સૌ પે’લી પણ એને જ હું જોતી.” “અને અજવાળી જે કહે છે તેથી જુદું તમે કશું જ નથી જાણતાં? એને છોકરું હતું જ નહીં, તો એ મારી કોને નાખે? ખરું?” “ખરું સા’બ.” બોલતી બોલતી એની આંખો ન્યાયમૂર્તિ પ્રત્યે દયામણી દૃષ્ટિ ઠેરવતી હતી – જાણે પોતે જૂઠ બોલતી હોવાનું કબૂલ કરતી હતી. જાણે પોતે ગુપ્ત આજીજી કરતી હતી કે, ‘બાપુ, પેટની દીકરીને બચાવવા.’ ‘મા!’ શિવરાજનું ભીતર પુકારતું હતું: ‘તમારે સ્થાને હું હોઉં તો હુંયે એમ જ કરું.’ “અને આ પ્રોસિક્યૂટરસાહેબ સવારે કહેતા હતા, કે તમારી દીકરી અજવાળી તો ભાગેડુ પ્રકૃતિની હતી, કાંઈ કારણ વગર ઘરમાંથી ભાગી ગઈ હતી, એ વાતમાં કાંઈ સત્ય છે?” “ના રે, માવતર! મારી અંજુડી તો ભોળી ભદ્રિક છોકરી છે. બોલે એનું મોઢું ગંધાય; એને ઠાકર પૂછશે.” “આ અજવાળી તમારા ધણીની સગી છોડી છે કે?” “ના સા’બ, સાવકી છોડી.” “એ અજવાળી ઉપર બહુ વધુ પડતી કરડાઈ રાખતો, ખરું ને?” “બઉ તો શું, સા’બ! પણ ઈમ કે ઠીક, નૈ બઉ ને નૈ થોડું...” બાઈ પોતાના રાક્ષસ ધણીનો પણ દોષ ગાવા રાજી નહોતી. “એમ નહીં, ગભરાવ મા, ડોશીમા! આ તો તમારી છોકરીની આખી જિંદગી ઉપર છીણી મુકાઈ જાય તેવો મામલો છે. માટે ચોખેચોખું બોલી દો. અજવાળીએ ઘર છોડ્યું તે રાતે શી શી બીના બનેલી?” ચોમેર જોતે જોતે, હાય, કોઈ જોઈ કે સાંભળી જશે એવા ગભરાટ સાથે એણે એ રાત્રિનું વર્ણન કર્યું; ને શિવરાજ ઊંચે જોવાની હામ ન ભીડી શક્યો. પ્રેક્ષકોએ માન્યું કે સાહેબ શબ્દેશબ્દ જુબાની હૈયા વચાળે ગોઠવે છે. કેવો ન્યાય કરનારો! “એટલે કે તમારી જુવાન અજવાળીને મેઘલી અધરાતે તમારા ધણીએ આ અજાણી, અંધારી, કાંઠાકિનારા વગરની દુનિયામાં ધકેલી દીધી હતી, ખરું ને?” “ખરું જ તો, બાપા!” બુઢ્ઢીએ ફરી ચોમેર જોયું. “નરાતાર ખોટું, નરાતાર ખોટું!” એક બરાડો સંભળાયો ને એક આદમી ધસી આવ્યો, “મને પાંજરામાં ઊભો કરો, પછેં હું બતાવી દઉં કે કોણ છે આ કાળા કામનો કરનારો—” એ બોલનાર હતો અજવાળીનો સાવકો બાપ. એ ધસતો હતો શાહેદના પીંજરા પ્રત્યે. એણે પોતાની સ્ત્રીને પકડીને પછાડવા હાથ વીંઝ્યા. પોલીસે એને પકડી લીધો. “એને તુરંગમાં લઈ જાવ, ને બીજો હુકમ થતાં સુધી અટકાયતમાં રાખો.” શિવરાજે શાંતિથી ફરમાન કર્યું. એને ખેંચીને ઉપાડી જતો જોતાં જ અજવાળીની માએ શિવરાજ સામે લાચાર સ્વરે કહ્યું: “બાપા, ઇને કોઈ મારશો-ઝૂડશો મા હો, હું ખોળો પાથરું છું. ઇ બચાડો...” બુઢ્ઢી બાઈની આંખોમાં ધણીને માટે ટપકતાં આંસુ દેખી અદાલતના પ્રેક્ષકો સ્તબ્ધ બન્યા હતા. તેમનું હસવું મોંમાં પાછું સમાયું હતું. પ્રોસિક્યૂટર ઊઠ્યા. પ્રેક્ષકો અજાયબ બન્યા. એણે કોઈ દિવસ નહીં ને આજે જ અતિ દયાળુ ને વિનયવંત અવાજે આદર્યું: “જુઓ માડી, મારે તમને જરીકે સતાવવાં નથી. મારાથી ડરશો મા. તમારો સગો દીકરો પૂછતો હોય એમ માનજો!” “હા, માડી!” “તમારા રુદામાં તો, માડી, ઠાકર વસેલો છે. તમારા ઘટેઘટમાં ઠાકર છે.” “હા, માડી, ઠાકર સૌનાં લેખાં લેશે.” “તમારે મરીને એના ચરણમાં જ વાસ લેવો છે ને?” “અરે બેટા, મારા જેવી પાપણીને—” “તો પછી, હેં મા, ઠાકર જે દી લોઢાનો લાલચોળ થાંભલો ધગાવીને આ અજવાળીને બથ ભરવાનો હુકમ કરશે, ને તમને પૂછશે કે ડોશી, સાચું બોલ તો તારી છોકરીને છોડી દઉં, તે દી શો જવાબ દેશો તમે ઠાકરને, હેં ડોશીમા? બોલો, જે રાતે તમે એને જોઈ તે રાતે એના શરીરનો દેખાવ કેવો લાગેલો તમને? બોલો, ઠાકરને ઘેરે ધગાવેલા થંભની સન્મુખ બોલો!” ડોશીને શરીરે કમકમાં આવ્યાં. એની જીભના લોચા વળ્યા. એની આંખો મીંચાઈ ગઈ. એનો દેહ લથડ્યો. આંખે અંધારાં આવ્યાં. પાંજરાની પડઘી ઝાલીને પડતી બચી. “કોન્સ્ટેબલ, બાઈની સારવાર કરો.” શિવરાજે આજ્ઞા કરી. પોલીસોના હાથના આધારે બહાર જતી બુઢ્ઢી જ્યારે સમજી કે પોતે આ ગભરાટ બતાવીને પોતાની પુત્રીનો દાટ વાળ્યો છે, ત્યારે એણે છાતીફાટ રુદનના સૂર કાઢ્યા. “આનું નામ જ રાક્ષસપણું.” રામભાઈએ દાંત ભીંસીને દર્દભર્યો અવાજ કાઢ્યો. “નામદાર કોર્ટનું હું રક્ષણ માગું છું.” પ્રોસિક્યૂટરે ઊઠીને કહ્યું. “કોર્ટ પણ પ્રોસિક્યૂટરની એ વર્તણૂકને રાક્ષસી માને છે.” શિવરાજે ગંભીર સ્વરે કહ્યું. “પત્યું.” કહી પ્રોસિક્યૂટર ખુરશીમાં પછડાયા. પછી અજવાળીની જુબાની થઈ. ઊલટતપાસ ચાલી. એણે તો હુંકાર કરીને કહ્યું: “ના, ના, મને કશી જ ખબર નથી. કરવું હોય તે કરોને! આ ઊભી હું.” “બાઈ, હજુ વિચાર કર.” પ્રોસિક્યૂટરે કહ્યું. “વિચાર કરી લીધો છે.” “પછી મોડું થઈ જશે. તારે બાળક હતું, ને તેં મારી નાખ્યું. તે વાતનો તું શું હજી ઇન્કાર કરે છે?” “હા, હા, તમે શું બોલો છો તે જ હું સમજતી નથી.” “વારુ! કાંથડ હવાલદાર, આમ આગળ આવો ને લાવો, ખોલો એ તમારું પોટકું!” પ્રોસિક્યૂટરે અજવાળીને પકડનાર કાંથડને બોલાવ્યો. લોકો ઊંચા થયા. કાંથડ એક નાનું પોટકું છોડતો હતો.