અભિમન્યુ આખ્યાન/કડવું ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૧૪
[કૃષ્ણની રાણીઓ પેટી વિશેનું કૌતુક શમાવવા સુભદ્રાની પાસે જાય છે અને સુભદ્રાને કિંમતી વસ્ત્રાભૂષણો ધરી ફોસલાવવા-પટાવવા માંડે છે.]


રાગ દેશાખ

એવી વાત સર્વે વિચારી રે, ગઈ નણંદને મંદિર નારી રે;
જોઈ એ શું લાવ્યા ગિરધારી રે, તે ચોરી કીધી અમારી રે.          ૧

આવ્યાં સુભદ્રાને આવાસ રે, જ્યારે પધાર્યા અવિનાશ રે;
ત્યારે નણંદ થયાં પ્રસન્ન રે, આપ્યાં સોળ સહસ્ર આસંન રે.          ૨

પછે નણદી હરખે પૂછે રે, ‘ભાભી સર્વે આવ્યાં તે શું છે રે?’
સુણી સુભદ્રાની વાણી રે, ત્યારે બોલ્યાં રુક્મિણી રાણી રે :          ૩

‘આવવાનુંથાનક અમારું રે, તે તો બાઈ ભુવન તમારું રે;
અમો ભાભી સોળ હજાર રે, તેને તમારો આધાર રે.          ૪

જ્યારે તમો જાશો સાસરડે રે, શું આપશે વસુદેવ ઘરડો રે?
સાસરવાસો તમને બાઈ રે, અમો કરશું સર્વે ભોજાઈ રે.          ૫

અમ સરખું કામ કાંઈ દીજો રે, મન ગમે તો માગી લેજો રે;’
જ્યારે એમ વદ્યાં મુખે રામા રે, ત્યારે બોલ્યાં સત્યાભામા રે          ૬

‘સુભદ્રા! તમ ઊફરું કાંઈ નહિ રે, નણંદી તે દૂધ ને દહીં રે;
હવે આપ્યાનો શો ઉધારો રે, આ લ્યોની હાર અમારો રે.          ૭

આપણ ક્યાં ખરચીશું ગર્થ રે, સાસુ-નણંદ તે મોટું તીર્થ રે;’
આપ્યો હાર સત્યભામા સતી રે, ત્યારે ઊઠિયાં જાંબુવતી રે.          ૮

‘આ પે’રો સુભદ્રા ચીર રે, તાજું એકલું છે હીર રે;’
રુક્મિણીએ કર્યું મન બહોળું રે, આપ્યું પહેરવાનું પટોળું રે.          ૯

એક કહે : ‘લ્યો સુભદ્રા બહેન રે, માળા આપી મોટી મોહન રે.’
કોણે આપી કંકણ ચૂડી રે, નણંદ કહે ‘ભાભીઓ રૂડી રે.’          ૧૦

ધોળા સાળુ છાંટ્યા કેસર રે, મોટાં મોતી, નાકે વેસર રે;
કો જોડ આપે અણવટની રે, કો છોડે કટિમેખલા કટની રે.          ૧૧

કલ્લાં, કાંબી ને ઝાંઝરિયાં રે, નણદીને અર્પણ કરિયાં રે;
એમ આભરણ આપ્યાં સર્વે રે, ત્યારે સુભદ્રા બોલ્યાં ગર્વે રે :           ૧૨

‘આજ હું ઘણું માન પહોતી રે, ઘણી ભાભીની નણંદ પનોતી રે;
આજ ભાભી પ્રાહુણા રહિયે રે, વળી કામ અમ સરખું કહીએ રે.’          ૧૩

સુણી સુભદ્રાની વાણી રે, ત્યારે બોલ્યાં રુક્મિણી રાણી રે :
‘જેવાં કરશો તેવાં થઈએ રે, વહાલી વાત તે તમને કહીએ રે.          ૧૪

કહું છું : સુભદ્રાબાઈ રે, આજ આવ્યા હુતા તમારા ભાઈ રે;
પેટી હતી તે ભિયા કને રે, આવીને આપી છે તમને રે.          ૧૫

એ પિંજરમાંહે શું છે રે, ભાભી સાથ સર્વ કો પૂછે રે;
આપણે બોલવું ચાલવું શાનું રે, એને જોઈ જાશું અમો છાનું રે.          ૧૬

માટે ઉઘાડો પિંજરનું તાળું રે, અમો વેગળાં રહીને ભાળું રે;’
સુભદ્રા કહે : ‘કેમ કીજે રે, વિઠ્ઠલે વારી છે તે ઘણું બીજે રે.          ૧૭

સોંપી છે શ્રી જદુનાથે રે, તમો ઉઘાડી જુઓ હાથે રે;
ઓ નેવ ઉપર છે કૂંચી રે, હરિ મૂકી ગયા છે ઊંચી રે.          ૧૮

શું જાણીએ ઘો કે સાપ રે? તમે દેજો હરિને જબાપ રે;’
ત્યારે સત્યભામા એમ પૂછે રે, ‘બાઈ આવડું બીહો તે શું છે રે?          ૧૯

તમ ઉપર કોપશે શ્યામ રે, ત્યારે લેજો અમારું નામ રે,
જો હરિ દેખાડે મુને બળ રે, તો ઉતારું હું ઝાકળ રે.’          ૨૦

ત્યારે બોલ્યાં જાંબુવતી રે, ‘એક મેં વિચારી છે મતિ રે.
આપણ અઘરી પ્રતિજ્ઞા કીજે રે, કો આગળ વાત ન કીજે રે.’          ૨૧

વલણ
ન કીજે વાત વિઠ્ઠલની ચોરી, જાંબુવતી એમ ઓચરે રે,
સંજય કહે : સુણો ધૃતરાષ્ટ્ર, શ્યામા સંચ કેઈ પેરે કરે રે.          ૨૨