અભિમન્યુ આખ્યાન/કડવું ૧૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૧૯
[પ્રસવ ન થતાં સુભદ્રાની પીડા ઉત્કટ બને છે. દેવકી, રોહિણી, વગેરે એનો ઉપાય કરવા વસુદેવને વિનવે છે. કૃષ્ણ-બલરામ ભૂવા-ગાતરિયાથી માંડી મંત્ર-તંત્ર-જંત્રના વિવિધ ઉપચારો કરે છે. કવિએ ગર્ભવતી સ્ત્રીની પીડાનું હૂબહૂ વર્ણન કર્યું છે અને એમાં કૃષ્ણે યોજેલા ઉપચારોમાં સમકાલીન ઉપચારોનું જ આલેખન કર્યું છે.]


રાગ વેરાડી

સંજય કહે, સાંભળિયે રાજા, સુભદ્રાનું દુઃખ;
હવું નથી ને હોતું નથી, કહેતાં ન આવે મુખ.          ૧

સુખે રમતાં જમતાં તેને, વહી ગયા દશ માસ;
અગિયારમે તે અકળાઈ અબળા, પાપીએ પૂર્યો વાસ.          ૨

અહિલોચનનો અંશ ઉદરમાં ઊપન્યો મહાક્રોધી;
પ્રૌઢ શરીર પોતાનું કીધું, રહ્યો પેટને રોધી.          ૩

ત્વચા તણાઈ, ને તાપ ઊપન્યો, શરીરે વાધ્યું શીત;
થર થર ધ્રૂજે ને કાંઈ નવ સૂઝે, ભમવા લાગ્યું ચિત્ત.          ૪

પાધરું બોલાય નહિ, ને ટૂંકડી થઈ રસનાય;
નસ નીસરી કર પદ કેરી, ઊભાં નવ થવાય.          ૫

હબક હેડકી ને શૂળ આવે, શ્યામાને શરીર;
ઝળઝળાં નેત્ર કાચ સરખાં હરનિશ વહેતું નીર.          ૬

હાલકહૂલક હરિને મંદિર, વસુદેવે જાણી વાત;
પુત્રીની પીડા અતિશે જાણી રોવા લાગ્યો તાત.          ૭

રૂડું થાવા સુતાને અર્થે માએ આખડી લીધી;
સાત દિવસ રોહિણીજીએ જળ–અંજલિ નવ પીધી.          ૮

ત્રાહે ત્રાહે કરે તારુણી, ટોળે મળ્યો સર્વ સાથ;
દેવકી રોહિણી મળીને વીનવ્યા વસુદેવ નાથ.          ૯

‘સ્વામી’ સુભદ્રા મરણ પામે છે, દુઃખ હૃદે નથી ધરતા;
વિપત્ય વેળા લજ્જા શાની? ઉપાય શેં નથી કરતા?          ૧૦

એ મૂઆનું દુઃખ નથી, મરે માનવ માત્ર;
ફરી ફરી સાલે છે મુને, ક્યાંથી ધનંજે જામાત્ર?          ૧૧

નાનપણામાં ગઈ હોત તો , દુઃખ નહોતું કેને;
આજ મોટી થઈને મૂકી જાય છે, બાળ્યાં સુભદ્રાબહેને.          ૧૨

લઘુ વયમાં લાડ કુંવરી, મરવું જીવવું નવ લહેતાં;
આજ જાણતાં થઈ જમલોક પામશે, વય થઈ દુઃખ સહેતાં.          ૧૩

પરમેશ્વરે પૃથ્વી પછાડ્યાં, આપણને ઝાલી ચરણે;
કહો કંથજી, કોણ પાપથી, દીકરી મરે દુર્મરણે.’          ૧૪

વસુદેવ બોલ્યા આંસુ ભરતા, પુત્રી હુંને દેખી લાજે;
તમો રામ-કૃષ્ણને સંભાળવો, જે પાળ બાંધે સાજે.’          ૧૫

વાત સાંભળી આવ્યા વીરો, સુભદ્રાને જાણી અસાધ્ય;
ભૂવા ખાતરિયા તેડાવ્યા, આવ્યા એકે સાદ.          ૧૬

તંત્રમંત્ર ને જંત્ર કરીને, પાયે મંતરી પાણી;
દંભી દંભ કરીને વળીયા, વેદના નવ જાણી.          ૧૭

રાજવૈદ્ય નવા નવા આવે, ગ્રહતા કુંવરીની નાડી;
ત્રણ સંવત્સર વહી ગયા, પણ વ્યાધિ કોણે ન કાઢી.           ૧૮

પાપી રહ્યો પ્રાણને લેવા પેટમાંહેથો હાલે;
સ્થૂળ શરીરે હરે ફરે તે સુભદ્રાને સાલે.          ૧૯

વલણ
સાલે દુઃખ સુભદ્રાને, પડી પામવા મરણ રે;
શ્યામા સર્વ રોતી સાંભળી, ધાઈ આવ્યા અશરણશરણ રે.          ૨૦