અભિમન્યુ આખ્યાન/કડવું ૨૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૨૪

[મહાભારતનું યુદ્ધ આરંભાયું એના દસમે દિવસે ભીષ્મ પડ્યા; દ્રોણ સેનાપતિ બન્યા. બળિયા અભિમન્યુએ કૌરવસેનાને નસાડી. દ્રોણે અભિમન્યુને મારવાની પ્રતિજ્ઞા લીધી. એ સમાચાર સાંભળી પાંડવો દિગ્મૂઢ બન્યા. સંશપ્તકો તરફથી યુદ્ધનું આહ્વાન મળતાં અર્જુન કૃષ્ણની સાથે સંશપ્તકો સામે લડવા ગયો. અભિમન્યુએ કૌરવરચિત ચક્રવ્યૂહ જીતવાની માતા પાસે પ્રતિજ્ઞા લીધી.

પહેલા કડવાને અંતે જનમેજયના ‘અભિમન્યુને મરાવ્યો મામાએ તે કહોને કારણ શું છે?’ એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં બીજા કડવાથી આરંભાયેલી અભિમન્યુની પૂર્વકથાનો સાંધો આ કડવાની અધવયે મળી રહે છે અને એ રીતે પહેલા કડવામાં ઉલ્લેખાયેલા યુદ્ધપ્રસંના અનુસંધાનમાં જ હવે અભિમન્યુકથા આગળ ચાલે છે. વસ્તુસંકલનાની દૃષ્ટિએ આ કડવું એથી નોંધપાત્ર બને છે.]


રાગ દેશાખ

અભિમન્યુનો વિવાહ કીધો, પછે વળિયા વૈકુંઠરાય;
જાન સર્વે ગઈ દ્વારકા, એક રહ્યો સૌભદ્રાય.          ૧

માસ એક પૂંઠે કૃષ્ણને તેડી આવ્યા છે અર્જુન;
સેના મળી સાત અક્ષૌહિણી, લેવાને રાજ-આસન.          ૨

કુરુક્ષેત્રમાં આવી ઊતર્યા, પાંડવ થયા હોશિયાર;
કૌરવ સર્વ કો આવિયા, લાવિયા અક્ષૌહિણી અગિયાર.          ૩

દશમે દિવસે ભીષ્મ પડિયા, શિખંડીને હાથ;
પછે સેનાપતિ દ્રોણ કીધા, મળી કૌરવ સાથ.          ૪

બીજે દિવસે રણમાં અર્જુને હણ્યો ભગદત્ત;
મુનિ દ્રોણ મૂર્ચ્છા પમાડિયા, અભિમન મહા ઉન્મત્ત.          ૫

નાઠી સેના દુર્યોધનની સૌભદ્રેને માર;
કો’ને વાળવા શક્તિ નહિ, કૌરવે ખાધી હાર.          ૬

શિબિરે જઈને સાથ મળિયો, ઋષિ બોલ્યા વાક :
‘કાલે અભિમનને મારું નહિ, તો પડું કુંભીપાક.          ૭

સુભટ સર્વે હરખિયા ને હવો જયજયકાર;
તેણી વેળાએ ત્યાંહાં હુતા પાંડવના અનુચાર.          ૮

શીધ્રે સેવક આવિયો, જ્યાં હતા પાંચે ભ્રાત;
દ્રોણે પ્રતિજ્ઞા જે કરી, તે કહી માંડી વાત.          ૯

કુંતાકુંવર કાંપિયા ને ગયાં ઊડી નૂર-મુખ;
દિગ્મૂઢ સર્વે થઈ રહ્યા, સભા પામી દુઃખ.          ૧૦

એવે એક ત્યાં આવિયો, પાંડવનો અનુચાર;
શોક સહિત તે બોલિયો, કરીને નમસ્કાર.           ૧૧

ચક્રવ્યૂહ તે કાલ્ય રચશે, કૌરવે કીધું કપટ;
અર્જુનને અળગા તેડી જાશે સંશપ્તક સુભટ.          ૧૨

અર્જુન કહે તમો સાંભળો, કુંવરને મારે દ્રોણ;
મેં સંગ્રામ આપવો સુશર્માને, પાળવું જોઈએ પોણ.          ૧૩

અભિમનના જીવ્યા તણી, નથી મુને આશ;
ભીમને જઈ ભાળવિયે, એક એનો છે વિશ્વાસ.’          ૧૪

એવું કહીને ઊઠ્યા અર્જુન, સાથે શ્યામ શરીર;
સુભટ સર્વ કો પરવર્યા, આપઆપણે શિબિર.          ૧૫

અભિમન્યુ ત્યાં આવિયો, સુભદ્રાની પાસ;
‘માતા! દ્રોણે પ્રતિજ્ઞા કીધી, મુજને કરવા નાશ.          ૧૬

ગુરુના બિહાવ્યા સર્વ બીન્યા, જે રખે મારે રુખ;
ચક્રવ્યૂહ મુને લેતાં આવડે, પણ મૌન કીધું મુખ.          ૧૭

સાત્યકિ ને ચાર કાકા, છઠ્ઠો ધૃષ્ટદ્યુમ્ન;
જોઈએ પારથ પાખે કોણ કરે છે વ્યૂહ લીધાનું મન?          ૧૮

અંતે હારવા નહિ દેઉં, જોઉં સુભટના સણસારા;
કૌરવને મેં મારવા, વ્યૂહ કરું તારેતાર.’          ૧૯

વલણ
કરું કટકા વ્યૂહ તણા, કુંવરે પ્રતિજ્ઞા કરી રે;
તેણી વેળા સુભદ્રાને વધૂ ઉત્તરા સાંભરી રે.          ૨૦