અભિમન્યુ આખ્યાન/કડવું ૨૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૨૬
[યુધિષ્ઠિરના મનમાં દ્રૌપદીની વાત ઠસી જતાં જુદ જુદા રબારીઓને તેડાવી મંગાવ્યા. અંતે રાયકો નામનો ચોથો રબારી પાછલા રાત્રિપ્રહરે ઉત્તરાને અહીં હાજર કરવા તૈયાર થયો. આભૂષણોથી શણગારીને રાયકાએ સાંઢણી પલાણી.]


રાગ કાફી


એવું કહીને વળ્યાં પાંચાલી, સમાચાર ત્યાં છાનો રે;
પશુપાલકને તેડાવ્યા વેગે, ભૂપને લાગ્યો તાનો રે.          ૧

દ્રુપદતનયા જૂઠું ન બોલે, જે બોલે તે સાચું રે;
એ વાતે વિલંબ ન કરવો, કામ ન કીજે કાચું રે.          ૨

પછે સેવકના તેડ્યા આવ્યા, રાય પાસે રબારી રે;
‘અમો નીચ ન્યાતને કોણ કામે મહારાજાએ સંભારી રે?’          ૩

બેહુ કર જોડીને ઊભા, રહેતા નમાવી શિર રે;
યુધિષ્ઠિરે એક પાસે તેડ્યો, સોમો નામે આહીર રે.          ૪

‘કહે સોમા તારે સાંઢ્ય કેટલી? ઉતાવળી કાંઈ ચાલે રે?
મત્સ્યસુતાને આણું કરીને આવે સવારે કાલે રે.          ૫

‘હા સ્વામી, સાંઢ્ય છે મારે, વા’ણા ઓરી જાય રે;
ઉત્તરાને તેડી લાવતાં કાલ સંધ્યાકાળ થાય રે.’          ૬

વળી રબારી બીજો તેડ્યો, દેવો જેનું નામ રે;
‘અરે, તારી સાંઢ્ય કો જાયે, થાય ઉતાવળું કામ રે?’          ૭

દેવો કહે, ‘હું પાળું છું એ તો સાંઢ્ય તમારી રે;
કાલ્ય મધ્યાહ્નને આણી આવું વૈરાટ-રાજકુમારી રે.’          ૮

ત્રીજો રબારી ગાંગો નામે, તેને પૂછ્યું તેડી રે;
‘અલ્યા, તારે સાંઢ્ય છે સબળી, જોઈ છે કહીં ખેડી રે?’          ૯

‘સ્વામી, એક સહસ્ર સાંઢ્ય મારે, કેસરી નામે કહાવે રે;
ઉત્તરાને ઉતાવળી તેડી, પહોર દિવસમાં લાવે રે.’          ૧૦

વળી રબારી ચોથો તેડ્યો, રાયકો એનું નામ રે;
તે આવી ઊભો રહ્યો, કીધો દંડપ્રણામ રે.          ૧૧

‘કહે રાયકા, તારે સાંઢ્ય છે, જે હીંડે વહેલી વહેલી રે?
મત્સ્યસુતાને અહીં આણી જોઈએ વા’ણું વાતાં પહેલી રે.’          ૧૨

‘ત્રણ સહસ્ર સાંઢ્ય રાખું છું’ રાયકો બોલ્યો વાણી રે;
મનવેગી ને પવનવેગી, તમને કેઈ છે અજાણી રે?          ૧૩

પૂરવથી મૂકું પશ્ચિમ તો એક દિવસમાં જાય રે;
ચાલતી ચિત્રાના સરખી, તેનો પૃથ્વી ન અડકે પાય રે.          ૧૪

મનવેગીને પહોંચી ન શકે ઐરાવતની જોડો રે;
પવનવેગીની સાથે મૂકો સૂરજ કેરો ઘોડો રે.          ૧૫

આંહીં આણવી મેં ઉત્તરાવહુ, જ્યારે રાત પાછલી પહોર રે;
જુઓ, કાર્ય કરું છું કેવું, નહિ ઊગવા દેઈશ ભોર રે.’          ૧૬

એવું કહીને વળ્યો રબારી, રાયની શીખ લીધી રે;
મનવેગીને ઘેર જઈને શીઘ્ર સાંતરી કીધી રે.          ૧૭

પાખર નાખી પલાણ માંડ્યું, કમખા નેપૂરવાળી રે;
હીરા રત્ન, ઝવેર જડિયાં, જડી દાંતની જાળી રે.          ૧૮

મણિમય મોરડો મુખ વિષે ને ઝૂમખે મોટાં મોતી રે;
ફૂમતડાં હાલે કંઠ વિષે, ને દુગદુગી રહી છે દ્યોતી રે.           ૧૯

નીલી ધજા ઉપર વિરાજે, ઘંટા ઘમકે કોટ્ય રે;
અસવાર થયો રાયકો, ડચકારે દે છે દોટ્ય રે.          ૨૦

એક દ્રૌપદી ને સુભદ્રા વળી રાય યુધિષ્ઠિર જાણે રે;
બાકી કો પ્રીછે નહિ, જે ગયો રબારી આણે રે.          ૨૧

સાંઢ્ય ગઈ સવા પહોર રાતે, મત્સ્ય તણે ભવંન રે;
એવે ઉત્તરાને નિદ્રામાંહે આવિયું ઘોર સ્વપંન રે.          ૨૨

વલણ
સ્વપ્ન ઘોર આવ્યું શ્યામાને, તત્ક્ષણ ઊઠી જાગી રે;
થરથર ધ્રૂજે, કાંઈ નવ સૂઝે, ઝાળ અભ્યંતર લાગી રે.          ૨૩