અભિમન્યુ આખ્યાન/કડવું ૨૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૨૮

[માતા રડતે હૈયે ઉત્તરાને શીખ-વચન કહી વિદાય આપે છે. અન્ય કવિઓએ તો અહીં અપશુકન વગેરેનો વિસ્તાર કર્યો છે. અર્વાચીનોમાં તો ક્યાંક ઉત્તરાના છ પૂર્વાવતારની વાત પણ આવે છે.

ઉત્તરાના વિદાયદૃશ્યમાં કરુણ નિષ્પન્ન થાય છે.]


રાગ રામગ્રી સલૂણી

રાયકા કેરાં વચન સુણીને બોલ્યાં રોતાં રાણી રે;
‘સ્વપ્ન તો સાચાં થયાં, વાત આગળથી જાણી રે;
મારી ઉત્તરકુંવરી રે.          ૧

ઉતાવળાં સાસરે પધારો, સારો સર્વ શણગાર રે;
કરમ લખ્યાં તે ક્યમ ટળે? ક્યાંથી એવા ભરથાર રે.          મારી         ૦૨

રાતડી માંહ્યે ધર્મરાયે, આણું મોકલ્યું કરી ખપ રે;
રાખજે હરજી, જીતશે વરજી, જો ચાંદલો તારે તપ રે.          મારી         ૦૩

દુખડાં સહેજો ને ડાહ્યાં રહેજો, કહેડાવજો કાંઈ રૂડું રે;
સુભદ્રા-પાંચાળી સામો ઉત્તર ન દેશો, રખે કહાવતાં કૂડું રે.          મારી         ૦૪

બારણે રહિયે ને ‘જીજી’ કહિયે, સાસુ કરે જ્યારે સાદ રે
સુભદ્રા હાંકે ને તરછોડી નાંખે, તોયે સામો ન કીજે સંવાદ રે.          મારી         ૦૫

વહેલાં થાઓ, ઉતાવળાં જાઓ, પહોંચો જેમ સવારાં રે;
રાખશે હરજી, ને જીતશે વરજી, જો ભાગ્ય હશે તમારાં રે.’          મારી         ૦૬

રુદન કરતી આંસુ ભરતી, બોલી રાજકુમારી રે;
‘ઓપટીનું આણું, કેમ મૂકિયે ભાણું? રહું કેની વારી રે?
મારી સુદેષ્ણા માવડી રે          ૭

સાસરવાસો લાવો ખાસો, જાવું છે મોટાંને ઘેર રે;’
માતને મળિયાં, આંસુ ઢળિયાં, બેઠાં સાંઢ્ય ઉપેર રે.          મારી         ૦૮

ઉત્તરાને લીધી, ઉતાવળ કીધી, રાયકો વાટ નીસરિયો રે.
સાંઢ્યને ખેડી, વહુને તેડી, ગવાળો ઘેર વીસરિયો રે.          મારી         ૦૯

વલણ
વીસરી ગવાળો ઘેર રહ્યો, ઉત્તરા થવા લાગી સાંતરી,
અરે, રાયકા પટકૂળ ક્યાં પડ્યાં?
હવે સાસરે જાઉં ક્યમ કરી?          ૧૦