અભિમન્યુ આખ્યાન/કડવું ૩૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૩૨
[સુભદ્રા ઉત્તરાને માટે ઉત્કંઠ છે, અભિમન્યુ યુદ્ધને માટે. અભિમન્યુ પાંડવોની સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે છે.]


રાગ રામગ્રી

સાસુ જુએ છે વાટડી, ‘ઉત્તરા શેં ન આવી જી?
રબારી વેરી થયો, વાત કરમને ભાવી જી.          સાસુ         ૦૧

વાયદો વટ્યો નિશા તણો, ઓ ઊગ્યા ભાણ જી;
કુંવર રાખ્યો નવ રહે, શું કરું ભગવાન જી?’          સાસુ         ૦૨

ધર્મ દુઃખ મન માંહે ધરે, ‘શેં લાગી આવડી વાર જી?’
એવે કુંતા કનેથી આવિયો, અભિમન્યુકુમાર જી.          સાસુ         ૦૩

ધર્મને કહે, ‘કાં બેસી રહ્યા? ધરોને આયુધ જી;
દિવસ ચઢે છે આપણો, હવે કરવું છે યુદ્ધ જી.’          સાસુ         ૦૪

લાવ્ય સારથિ! રથને,’ કહેતાં માંહે લાવ્યો જી;
સેના સર્વે તત્પર કરી સેનાપતિ આવ્યો જી.          સાસુ         ૦૫

પછે યુધિષ્ઠિર યુદ્ધે ચઢિયા, જોયું જ્ઞાન વિચારી જી;
નિરમ્યું તે ટળશે નહિ, કર્તા શ્રીમોરારિ જી.          સાસુ         ૦૬

નિર્ઘોષ નિસાણના ગડગડે, ધજા પૂરે વાય જી;
શરણાઈ નફેરી નવનવા, નોબત ઝણઝણાય જી.          સાસુ         ૦૭

ફૂંક્યા ગોમુખ ગાજતાં, હોકારા રણતૂર જી;
લોહમય બખ્તર પહેરિયાં, સોંઢ્યા છે રણશૂર જી.          સાસુ         ૦૮

હંસલા હરખી, હરણિયા, હય કરે હણહણાટ જી;
કાળા, કચ્છી ને કાબરા, ચાલતા સડસડાટ જી.          સાસુ         ૦૯

વાયુવેગી વાનરિયા, ભલા વાદે નાચંતા જી;
પીળા, પાખરિયા ને પોપટા, પારેવા પાણીપંથા જી.          સાસુ         ૧૦

ઘૂંટ ઘોડા ગંગાધરા, ગોરા કરે તે ગેલ જી;
ઊંચા ઊંટમુખા ને આરબી, ચાલંતા જલને રેલ જી.          સાસુ          ૧૧

હાથી બહુ આગળ કર્યા, શોભે ઉપર અંબાડી જી;
જોઈ જોઈ આંસુડાં ભરે છે સુભદ્રા માડી જી.          સાસુ         ૧૨

‘શા માટે વહુ આવ્યાં નહિ? જાયે કંથ તમારો જી;
મળી વંશ વધારો માનુની જાતો વંશ અમારો જી.          સાસુ         ૧૩

નિકુળ સહદેવ તેડિયા, સુભદ્રા તે નાર જી;
મારા કુંવરને કો છે નહિ, તમે કરજો એની સાર જી.          સાસુ         ૧૪

મામો મુરારિ મૂકી ગયા, દીસે છે કાંઈ ગમતું જી;
પુત્રનું પ્રાક્રમ વાધિયું તે ક્યમે નથી શમતું જી.          સાસુ         ૧૫

દિયર, તમારે આશરે દીકરો,’ એવું કહીને રોઈ જી;
નિકુળ સહદેવ સંચર્યા, આંસુડાં તે લ્હોઈ જી.          સાસુ         ૧૬

ચઢ્યું સૈન્ય પાંડવ તણું, બહુ વીર વિરાજે જી;
બ્રહ્માંડ ત્રણ જાગ્રત થયાં, દુંદુભિને ગાજ્યે જી.          સાસુ         ૧૭

ભીમ, યુધિષ્ઠિર ને સાત્યકિ, વળી ધૃષ્ટદ્યુમંન જી;
એ ચાર રથીના યૂથ આગળ, ચાલ્યો શૂર અભિમંન જી.          સાસુ         ૧૮

વૈરાટ, દ્રુપદ ને કશીપતિ, પૂંઠે કુંતીભોજ જી;
પાંચ પુત્ર દ્રૌપદી તણા, ચાલ્યા આગલી ફોજ જી.          સાસુ         ૧૯

નકુલ સહદેવ મોઢે રહ્યા, સુભટ શોભાળા જી;
એક કોટિ ત્યાં દરબડે, આગળ ચાલે પાળા જી.          સાસુ         ૨૦

વલણ
પાળા ને અસવાર સર્વે, સેના તે પંથે પળી રે;
દિવસ ઘટિકા ચાર ચઢતે, માર્ગમાં ઉત્તરા મળી રે.          સાસુ         ૨૧