અભિમન્યુ આખ્યાન/કડવું ૪૨
રાગ રામગ્રી
વ્યૂહમાં પેઠો અભિમન્યુ બાળજી, ધર્ણ ધ્રુજાવી, કૌરવને પળી ફાળ જી;
યોદ્ધે પાછા ચલાવ્યા ચર્ણજી, બીજે કોઠે ધાયો કર્ણ જી. ૧
ઢાળ
કર્ણ ધાયો બીજે કોઠે, હઠીલો મહા શૂર;
‘જોઈ આવ અભિમનિયા તું રખે ભાગતો ભૂર! ૨
કાને કર્ણ સાંભળ્યો હશે, દીઠો હશે કૈં વાર;
આ સમો છે દોહ્યલો, સહેવો શત્રુનો માર. ૩
હું ગર્ભવતીના ગર્ભ પાડું, ધનુષ્યને ટંકાર;
શર-ચોટે કાઢું સોંસરી, કરું મેરુ પર્વત પાર. ૪
આદિત્યને અહીં થકી વેધું, તારાને વેધું ત્રાક;
અલ્યા, એકે બાણે એકલો, પૃથ્વી ચઢાવું ચાક.’ ૫
અભિમન્યુ વળતું બોલિયો, ‘મૂરખ કાં કરે અભિમાન;
શું ભાર તાણી લે છે માથે, જેમ શકટ હેઠળ શ્વાન.’ ૬
વચન સાંભળી વીરનાં, કર્ણને ચઢિયો કાળ;
ક્રોધ કરીને મોકલ્યો, વૃષસેન નામે બાળ. ૭
પિતા કહે : ‘રે પુત્ર પરાક્રમી છોડિયો બળવંત;
મુને એ મારવો નવ ઘટે, તું આણ એનો અંત.’ ૮
કુંવર એણી પેર બોલિયો : ‘એ તે કેટલું કામ?’
એવું કહીને પરવર્યો, તાતને કરી પ્રણામ. ૯
સૌભદ્રે ભણી સુભટ આવ્યો ચડાવીને ચક્ષ;
અન્યોઅન્યે આવિયા, છૂટે બાણ લક્ષે લક્ષ. ૧૦
વૃષસેનનાં અગણિત બાણના ધરણ વળિયા ઢગ;
અભિમન્યુને ઢાંકિયો, જ્યમ ચંદ્રને ઢાંકે મેઘ. ૧૧
તાણતો-મૂકતો જણાય નહિ, શીઘ્રે ત્યાંહાં એ બાણ
વિરાજે વીજળી સરીખો, કૌરવ કરે વખાણ. ૧૨
હય સારથિ અભિમનના પાડ્યા, પાડ્યો શિરનો ટોપ;
કવચ છેદ્યું, અંગ ભેદ્યું, ત્યારે કુંવરને ચડિયો કોપ. ૧૩
રીસે થયો અતિ રાતડો, અરુણ ઉદય સમાન;
આપરૂપ થયો પોતે, જ્યારે અદકું થયું નિદાન. ૧૪
કર્ણનો કુંવર અકળાવિયો, ઢાંકિયો શરની જાળ;
વિરથ કીધો વીરને, જાણ્યું હવે ખૂટ્યો કાળ. ૧૫
ચરણે ચાલી નવ શકે, બાણે તે કીધો રોધ;
ધનુષ ભેદી, કાયા છેદી, ત્યારે ગ્રહી ગદા ધરી ક્રોધ. ૧૬
કર્ણનો કુંવર કેસરી સરખો, તે ધસ્યો મૂકી દોટ;
સૌભદ્રે ત્યારે બાણની સામી કરી સાંસોટ. ૧૭
ગદા ભાંગી કરી કટકા, ગાજ્યો ઉત્તરા-નાથ;
ખભામાંથી છેદિયા વૃષસેનતણા બે હાથ. ૧૮
કર વિના વિરાજતો કુંવર મહાકાળ-ભાથી;
તે ઘૂમતો રણ વિષે, જેમ દંત-વિહોણો હાથી. ૧૯
એક પડ્યું પૈડું રથતણું, પગને અંગૂઠે ભરાવી;
તે ઉછાળ્યું ગગન વિષે, અભિમન્યુને વાગ્યું આવી. ૨૦
ફરી કુંવરે બાણ મૂક્યાં, રીસ અંતરમાં વ્યાપી;
મુગટ-કુંડળ સાથે વૃષસેનનું મસ્તક નાખ્યું કાપી. ૨૧
વલણ
કાપ્યું મસ્તક કુંવરનું, ધડ પડ્યું ધરણી ઢળી રે;
શીશ પડ્યું જઈ કર્ણને ખોળે, દેખીને મૂર્છા વળી રે. ૨૨