અભિમન્યુ આખ્યાન/કડવું ૪૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૪૬
[પાંચમે કોઠે અભિમન્યુ એના જુસ્સાથી દુર્યોધન આદિને કંપાવે છે.]


રાગ દેશાખ

વાયક સંજયનાં સાંભળી રે, બોલ્યો ધૃતરાષ્ટ્ર રાય;
લક્ષ્મણકુંવરના નાશનો રે, વાગ્યો, હૃદય મધ્યે ઘાય :          ૧

‘મારા પુત્રજી રે, એમ ન કીજે નાટ;
આલિંગન દીજિયે રે, હું ઘેર જોઉં છું વાટ.          ૨

સંજય બાપડા રે, કાં પીડે છે બેસી પાસ?
જીત પાંડવ તણી રે, કહે છે પુત્ર તણો રે નાશ.          ૩

પછે આગળ શું થયું રે? કેમ જીત્યો દુર્યોધન?
પછે તે કોણે મારિયો રે, અર્જુન-વ્યંડળ કેરો તન?’          ૪

સંજય ઓચર્યો રે : ‘કાં પામો મન વ્યથાય?
શોકને પરહરો રે, તો કહું આગલી કથાય!          ૫

કુંવર તમ તણો રે, તે પડ્યો ધરણે બળવંત;
પાંચમે કોઠે આવિયો રે, અભિમન્યુ અધરે દંશતો દંત.          ૬

ગુલ્મે આથડ્યા રે, સામા પાંડવ કેરા જોધ;
કૌરવ તૂટી પડ્યા રે, અંતર કરીને બહુ ક્રોધ.          ૭

અભિમન્યુ આગળે રે, જેમ મૃગપતિ તરસે કુરંગ;
દીઠો આવતો રે, કાંપ્યાં અધર્મીનાં અંગ.          ૮

થરથર ધ્રુજાવતો રે, જાણે હવડાં કીધો નાશ;
રખે મને મોકલે રે, મારા પુત્ર કેરી પાસ.’          ૯

વલણ
રખે પુત્ર પાસે મોકલે, એમ કાંપ્યો દુર્યોધન રે;
હવે કેમ વ્યૂહમાં પેસતો, અર્જુન કેરો તન રે.          ૧૦