અમાસના તારા/અફલાતૂન
ફાગણ સુદ પૂનમની રાત હતી. હોળીના ભડકા શમી ગયા હતા. અમારા ફળિયામાં મોટા માણસો સૌ હોળી ચકલે એકઠા થઈને હોળી સાચવતા હતા. ફળિયાના મુખ્ય ચોગાનમાં અમારી ખો-ખોની રમત જામી હતી. અમારો પક્ષ પ્રમાણમાં નબળો હતો. અમે બે જણ જ છોકરાઓમાં એવા હતા કે જેઓ દોડમાં સામા પક્ષને કંઈકે પહોંચી વળીએ. અમે રમી રહ્યા હતા. હવે અમારે પકડવાનો વારો આવ્યો. નવ ખોમાં ત્રણ જ ખોના છોકરા કંઈક તેજસ્વી હતા. એટલે સામા પક્ષના છોકરાઓ પકડાતા જ નહોતા. આઠ-દસ મિનિટ વીતી ગઈ. અમે અધીરા બન્યા. ઉતાવળા થયા પરંતુ અમારો જોગ ખાતો નહોતો. ત્યાં મંગુએ આવીને મને ખો આપી અને તરત જ પહેલી દોડમાં ઉસ્માન પકડાયો. ઉસ્માન સામા પક્ષનો નેતા. એ પકડાયો એટલે એ લોકોની હિંમત તૂટી. ઝપોઝપ છોકરાઓ પકડાવા માંડ્યા અને ખો-ખોની રમત પૂરી થઈ. આટાપાટાની રમત શરૂ કરી. પક્ષો તો એ જ કાયમ રહ્યા. પહેલી રમતમાં સામા પક્ષે પાટા સંભાળ્યા અને અમે હલ્લો શરૂ કર્યો. મૃદંગ ઉપર ઉસ્માન હરણની ચપળતાથી અમને સંભાળતો હતો. પાંચેક મિનિટમાં હું એની નજર ચુકાવીને પાટો ઓળંગી ગયો. એક વખત સરહદ તૂટી કે ગરબડ થઈ ગઈ અને ત્રણ મિનિટમાં દાવ પૂરો થયો. બીજા દાવમાં અમે ઉસ્માનના પક્ષને અડધો કલાક હંફાવ્યો ત્યારે રમત પૂરી થવા દીધી. ત્યાર પછી સૌએ સાથે મળીને ગોળધાણી ને ચણાનો સપાટો લગાવ્યો. ઉસ્માન કશું લાવ્યો નહોતો. મેં એને મારામાંથી અડધો ભાગ આપી દીધો ને એ ખૂબ ખુશ થઈ ગયો. બસ વહાલની મૂંગી આપ-લે અમારી દોસ્તીનો પાયો બની ગઈ. થોડા દિવસ પછી મને ઉસ્માને કહ્યું કે હોળીની રાતે ખો-ખોમાં મને વિજય મળે એટલા માટે એ પકડાઈ ગયો હતો અને આટાપાટા ઓળંગવા દેવામાં પણ એનું મારા તરફ વહાલ જ કારણભૂત હતું. બસ ત્યારથી અમારી દોસ્તી બંધાઈ. હું અને ઉસ્માન બિરાદરો બની ગયા.
ઉસ્માનની અમ્માને અમે મરિયમ ખાલા કહેતા. મારાં બાનાં એ બહેનપણી એટલે હું એમને માસી માનતો. મરિયમ ખાલાનું ઘર બહુ જ ગરીબ. ઉસ્માનના પિતા શુક્રવારના બજારમાં ઘેટાંબકરાં વેચવાની દલાલી કરતા અને એમાંથી માંડ ખાવા પૂરતું મળી રહેતું. પણ પતંગોની ઋતુમાં થોડી કમાણી થતી. રહેમાન ચાચાના પતંગો અમારા એ આખાય લત્તામાં બહુ જ પ્રખ્યાત. પણ એક વખત શુક્રવારના બજારમાં બીજા દલાલ સાથે એમને મારામારી થઈ અને પેલા દલાલે એમના પેટમાં ચપ્પુ હુલાવી દીધું. રહેમાન ચાચા બીજે દિવસે જ મૃત્યુ પામ્યા. ત્યારથી ગરીબીએ ઉસ્માનના ઘર ઉપર ઘેરા ઓળા ઉતાર્યા. મરિયમ ખાલા કપડાં સીવીને ઘરનું પૂરું કરતી. એટલે ઉસ્માનનું નિશાળનું ખર્ચ હું મારી સાથે બા પાસે અપાવતો. અમે એ વખતે ગુજરાતીમાં પાંચમી ચોપડી ભણતા હતા. બાને પણ ઉસ્માન ગમતો. એટલે ક્યારેક મારાં જૂનાં કપડાં પણ બા એને આપતાં. એક વખત બાની તબિયત સારી નહોતી. સાંજે અમારે ઘેર બે-ત્રણ મહેમાન જમવા આવવાના હતા. ઘરમાં ઘઉંનો લોટ નહોતો. બાથી તાત્કાલિક દળી શકાય એમ હતું નહીં. એટલે મેં પાંચ શેર ઘઉં દળવાનું બીડું ઝડપ્યું. મેં તો ઘંટી માંડી જ હતી ને ઉસ્માન આવી પહોંચ્યો. એણે મને ઉઠાડી મૂક્યો અને બધા ઘઉં દળી આપ્યા. પછી તો એવો શિરસ્તો જ પડ્યો કે બાનું ઘણુંખરું ઘરકામ કરવામાં ઉસ્માન ખૂબ મદદ કરતો. મારી અને ઉસ્માનની દોસ્તી પણ દિવસે દિવસે ગાઢ થતી જતી હતી. બાપુજી અવારનવાર મરિયમ ખાલાને ઓછું ના આવે એ રીતે મદદ પહોંચાડતા. એમને ઉસ્માન એકનો એક દીકરો હતો એટલું જ નહીં, ઉસ્માન જ એમની આશા અને અરમાનનો દીવો હતો. તાબૂતના દિવસોમાં એ ફકીરી પહેરતો, પરબો પર પાણી પાતો, દુલામાં ઝુકાવતો અને કતલની આખી રાત અમારા ફળિયાના તાજિયા આગળ એ નગારાનો અધિપતિ બની રહેતો. તાલની ચોકસાઈ તો ઉસ્માનના બાપની.
ઉસ્માન દેખાવડો, કદાવર અને મીઠડો છોકરો હતો. એની ચાલમાં પુરુષની સ્થિરતાને બદલે સ્ત્રીની હલક હતી. એની આંખમાં નરની તેજસ્વિતાને બદલે નારીની કુમાશ હતી. એના અવાજમાં મુગ્ધાની મોહકતા હતી, કુમારની કર્કશતા નહોતી. અમે ગુજરાતી છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે એની ચાલમાં વધારે ફેર પડ્યો. ચાલમાં લચક વધી, આંખોમાં લજ્જા ઊપસી આવી અને ચહેરા ઉપર નખરાંની રમત શરૂ થઈ. આ ફેરફાર મને સાવ અતડો અને આશ્ચર્યજનક લાગ્યો, પરંતુ મારું અણસમજું મન કશું સમજી શક્યું નહીં.
તે દિવસે વટસાવિત્રીના વ્રતનો દિવસ હતો. ફળિયામાંથી સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનું એ સોહાગવ્રત કરવા વડની પૂજા માટે જતી હતી. બા પણ પૂજાની થાળી લઈને નીકળ્યાં. બાના હાથમાંથી પાણીનો ભરેલો તાંબાનો લોટો લઈને ઉસ્માન પણ સાથે થયો અને છેક અગિયાર વાગે બા પૂજા કરીને પાછાં આવ્યાં ત્યારે બધાં વાસણો લઈને ઉસ્માન પણ પાછો આવ્યો. તે દિવસે આગ્રહ કરીને બાએ ઉસ્માનને સવારે ત્યાં જ જમાડ્યો. એ જ રાતે મેં એક કૌતુક જોયું. રાતે આઠેક વાગે હું મોટી માસીને ત્યાં પાછો ઘેર આવતો હતો. અમારા ફળિયાની દક્ષિણ દિશાએ છેક અંતમાં એક પીપળાનું મોટું ઝાડ હતું. ત્યાં અંધારામાં એક છોકરાની આકૃતિ ગોળગોળ ફેરા ફરતી જોઈ. પહેલાં તો હું જરા ચોંક્યો પણ જરા ધીરજ રાખીને પાસે ગયો ને જોયું તો ઉસ્માન હાથમાં દોરો લઈને પીપળાના ફેરા ફરતો હતો. મેં આશ્ચર્ય પામીને પૂછ્યું: ‘ઉસ્માન, આ શું કરે છે?’ મને જોઈને એ પણ ચોંકી ઊઠ્યો અને કૂદીને મારે ગળે બાઝી પડ્યો. એની આંખમાંથી વહેતાં આંસુ મારા ખભા ઉપર પડતાં હતાં. રડતે અવાજે એણે પહેલાં તો ડૂસકાં જ ખાધાં કર્યાં. મેં જ્યારે એની પીઠ થાબડીને સાંત્વનાભર્યા અવાજે પૂછ્યું ત્યારે એણે ગદ્ગદ કંઠે જવાબ આપ્યો: ‘ભાઈ, મારે આવતા જનમમાં ઓરત થવું છે અને મારે તારા જેવો ધણી જોઈએ છે. માટે આ ઝાડની પૂજા કરીને એને એકસો ને આઠ સૂતરના આંટા પહેરાવું છું.’
‘પણ ઉસ્માન આ તો વડ નથી, પીપળો છે.’ બીજું શું બોલવું તેની સૂઝ મને ન પડી એટલે મારાથી બોલાઈ જવાયું.
‘પીપળો વડથી વધારે પાક છે. કોઈ પણ પાક ઝાડને સૂતરના એકસો આઠ આંટા મારવા એવું હું આજે સવારે બાની વાત પરથી સમજ્યો હતો. બોલને, આવતા જનમમાં તું મારો ધણી થઈશ ને?’ ઉસ્માન મને ફરીથી બાઝી પડ્યો.
મેં જરા ધીરજ મેળવી લીધી હતી. કહ્યું: ‘ચાલ ઉસ્માન, ચાલ ઘરે, તું તો પાગલ થયો છે. આ તો સ્ત્રીઓનું વ્રત છે. પુરુષોથી કંઈ આવું વ્રત ના થાય.’
‘પણ ભાઈ…!’ ઉસ્માન આગળ કંઈ બોલી શક્યો નહીં. હું એનો હાથ પકડીને ઘેર લઈ આવ્યો. મારી સાથે જ એને રાતે થોડું ખવડાવ્યું. છેક મોડી રાતે એને ઘેર મોકલ્યો ત્યાં સુધી ઉસ્માનની આંખોમાંથી પાણી સુકાયું નહોતું. રાતે મેં બાને આ વાત કરી. બાએ તો સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. પણ મને આખી રાત ઊંઘ આવી નહીં.
ચાર છ મહિના પછી અમને એક સવારે ખબર પડી કે ઉસ્માન આગલી રાતે ઘરમાંથી નાસી ગયો. મરિયમ ખાલાને સૌએ ઘણું આશ્વાસન આપ્યું કે હમણાં પાછો આવશે, ક્યાં જવાનો છે. પણ મરિયમ માસીએ તો જાણે ઉસ્માન મરી ગયો હોય એમ કારમું રુદન કરવા માંડ્યું. બે દિવસ, બે મહિના ને બે વરસ ગયાં પણ ઉસ્માન પાછો આવ્યો નહીં અને એનો પત્તો પણ મળ્યો નહીં. ઉસ્માન ગયો તેને ત્રીજે દિવસે, બરાબર ઉસ્માનના જન્મદિવસે જ, એની જ ગમગીનીમાં મરિયમ માસી આ દુનિયામાંથી ચાલ્યાં ગયાં.
પાંચ-છ વરસ પછી અમે તાબૂતની સવારી જોવા ગયા હતા. તે વખતે હું અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. અમારા કુટુંબનો નિયમ હતો કે જ્યાં સુધી અમારા ફળિયાનો તાજિયો પસાર ન થઈ જાય ત્યાં સુધી થોભવું અને અમારા એ તાજિયા ઉપર રેવડીનો વરસાદ વરસાવીને પછી જ ઘેર જવું. તે વખતે અમે ચાંપાનેર દરવાજે ખુશાલદાસ કાકાને મેડે તાબૂતની સવારી જોવા બેઠા હતા. દર વર્ષે અમે ત્યાં જ બેસતા, ખુશાલકાકા આમ તો મોચી હતા પણ ભક્ત હતા અને પિતાજીના સ્નેહી હતા. તાબૂતની સવારીને દિવસે એ દુકાન બંધ રાખીને મુસલમાન-ભાઈઓના એ તહેવાર ભણી પોતાની લાગણી બતાવતા. તાબૂત ઊઠ્યા. પહેલાં સરકારી તાજિયો નીકળ્યો. ત્યાર પછી લશ્કરવાળાઓનો નંબર આવ્યો. અમે તો તાજિયા જોવામાં, એની ઊંચાઈ એની બનાવટ અને એની કળાનાં વખાણ કરવામાં મશગૂલ હતા. દુલાઓની રમઝટ હતી. વાઘ બનેલા માણસો વાઘ જેવો જ દેખાવ કરતા ઘૂમતા હતા. અમારા એક સૈયદકાકા વળી કાગળનો ઊંટ બનાવીને પગે ઘૂઘરા બાંધીને તે દિવસે નીકળતા. એટલામાં અમારા ફળિયાનો તાજિયો નીકળ્યો. અમે નીચે ઊતરી પડ્યા. બાએ બે આનાનું પખાલી પાસે પાણી રેડાવ્યું અને ઈમામહુસેનના તરસ્યા રૂહને યાદ કરીને તાજિયાને સલામ ભરી. અમે રેવડીઓ લૂંટાવી. એટલામાં એક જુવાન મુસલમાન છોકરીએ આવીને પખાલીને ચાર આના આપ્યા અને પાણી છોડાવ્યું. મને એનો ચહેરો કંઈક પરિચિત લાગ્યો. મને સ્મરણ જાગ્યું. અંતરે અવાજ દીધો: ‘ઉસ્માન!’ અને મારા એ અવાજે પેલી છોકરીને ઘેરી લીધી. છોકરી પાસે આવી, પણ એ છોકરી નહોતી. સ્ત્રીનાં કપડાંમાં ઢંકાયેલો ઉસ્માન હતો. ઉસ્માન બાને પગે પડ્યો. મને બાઝી પડ્યો. ત્યાં તો બાપુજી નીચે ઊતર્યા. ઉસ્માન બાપુજીને પણ શરમાતો શરમાતો પગે લાગ્યો. એટલામાં ચારપાંચ મુસલમાન હીજડાઓ ધસી આવ્યા અને ઉસ્માનને અમારી પાસેથી ઝૂંટવીને ચાલતા થયા. એક દુલાનો ઘસારો આવ્યો અને ઉસ્માન અદૃશ્ય થઈ ગયો. તે રાતે મારી આંખ આગળથી પીપળાને ફેરા ફરતો ઉસ્માન અળગો જ ના થયો.
એક, બે, પાંચ, આઠ અને દસ વરસો પસાર થઈ ગયાં. મને લાગે છે કે ઈ.સ. 1931ની સાલ હશે. પોન્ડિચેરીમાં શ્રી અરવિંદના આશ્રમમાં લાંબો વખત રહીને હું પાછો આવી ગયો હતો. એક સાપ્તાહિકનું તંત્ર સંભાળતો હતો. જ્ઞાતિનું એક માસિક પણ ચલાવતો હતો. ઉનાળાના દિવસો હતા એમ બરાબર યાદ છે. હું મારા સાપ્તાહિકપત્રની ઑફિસમાં કામ કરતો હતો. નોકરે ખબર આપ્યા કે મને કોઈ મળવા આવ્યું છે પણ ઑફિસમાં અંદર આવવાની ના પાડે છે. પેલા ખબર લાવનાર નોકરના મુખ પર કંઈક ન સમજાય એવું સ્મિત લટારો મારતું હતું. બહાર ગયો ને જોયું તો મારા આશ્ચર્યનો, આનંદનો પાર ન રહ્યો. એ તો ઉસ્માન હતો. ખભે ઢોલક ભેરવી હતી. સાથે એનો બીજો એક હીજડો સાથી હતો. ઉસ્માને ઢોલક પેલા સાથીને આપી દીધી ને મારી સાથે અંદર આવ્યો. મારી પાસેની ખુરશીમાં મેં એને વહાલપૂર્વક બેસાડ્યો પણ ઉસ્માન તો સાવ બદલાઈ ગયો હતો. એની આંખમાં લજામણી કોમળતા નહોતી, નરી નફ્ફટાઈભરી હતી. એનો અવાજ નહીં સ્ત્રીનો ને નહીં પુરુષનો એવો બિહામણો બની ગયો હતો. એના ચહેરા પર સંઘર્ષે ચાબખા મારીમારીને દુ:ખ અને વેદનાના સોળ ઉઠાડ્યા હતા. પાન ખાઈ ખાઈને એના રૂપાળા દાંત ગંદા અને કદરૂપા થઈ ગયા હતા. એની આખી હસ્તીમાંથી મરેલા અરમાનની દુર્ગંધ આવતી હતી. એને મળીને મારો અંતરાત્મા કકળી ઊઠ્યો. દોસ્તી દીનતા ધારી રહી. ઊઠતાં ઊઠતાં ઉસ્માને થોડાક પૈસા માગ્યા. મારી પાસે તે વખતે પાંચસાત રૂપિયા જ હતા. મેં એ ઉસ્માનને આપી દીધા. એના ગયા પછી મારાથી કશું જ કામ ના થઈ શક્યું. ગમગીનીથી આખું અસ્તિત્વ છવાઈ ગયું. તે રાતે મને ઊંઘ ન આવી. મારી નજર આગળ એ જ ઉસ્માન ઊપસી આવ્યો: પીપળને સૂતરના દોરા લપેટતો, આવતા જનમમાં સ્ત્રીના અવતારની વાંછના કરતો અને મારી પાસે સખ્યની આરત પોકારતો.
ત્યાર પછી મેં મારું શહેર છોડ્યું. મુંબઈ ગયો. મુંબઈ પછી એકાદ વરસ શાન્તિનિકેતન રહ્યો. ત્યાંથી પાછા આવીને પાંચ વરસ એક દેશી રાજ્યમાં નોકરી કરી. ઈ.સ. 1941માં મારે વતન પાછો આવ્યો. ઈ.સ. 1943ના ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ મારી ઑફિસમાંથી સાંજે છ વાગે હું નીકળતો હતો. અમારા ખાંચાના ખૂણા ઉપરના મુખ્ય માર્ગ પર એક મુસલમાન પાનવાળાની દુકાન હતી. પાનવાળો ઉસ્તાદ રમજાનખાં શરીફ માણસ હતો. એને ઘેર દીકરો આવ્યાની ખુશાલીમાં એની દુકાન પર પાંચસાત મુસલમાન હીજડાઓએ ગીતોની રંગત જમાવી હતી. મારી નજર એ ટોળામાં ઢોલક વગાડનાર પર પડી અને ત્યાં જ ચોંટી રહી. એ ઉસ્માન હતો. મને જોતાં જ ઉસ્માનનો અવાજ એના ગળામાં પાછો ઊતરી ગયો. હાથ ઢોલક પરથી ઊંચકાઈ ગયા. ઉસ્માન ઊભો થઈ ગયો. ગીતની રંગત રઝળી પડી. એણે આવીને મને સલામ કરી: ‘ભાઈ કૈસે હો?’ ‘અચ્છા હૂં, ઉસ્માન’ મેં કહ્યું. અમારી આ વાતચીત અને ઓળખાણ જોઈને પાનવાળા ઉસ્તાદના અચંબાનો પાર ન રહ્યો. ટોળાના માણસો મને અને ઉસ્માનને વારાફરતી જોતા રહ્યા. મેં ઉસ્માનને મારી ઑફિસ દેખાડીને કહ્યું કે કામકાજ હોય ત્યારે જરૂર આવે. ત્યાર બાદ મહિને છ મહિને ઉસ્માન આવતો અને મળીને ખુશ થઈને ચાલ્યો જતો. પણ જ્યારે જ્યારે હું એને જોતો ત્યારે ત્યારે ઉસ્માન જિંદગીનાં પગથિયાં ઊતરીને મોત ભણી જઈ રહ્યો છે એવી લાગણી થયા વિના ન રહેતી. એક દિવસ હું મારી સાઇકલ ઉપર મુખ્ય માર્ગની ગાડીમોટરોની ભીડ છોડીને પાછલે રસ્તે ઑફિસમાં જતો હતો. સાડા અગિયાર-બાર વાગ્યા હશે. બરાબર મસ્જિદની સામે એક આંધળા ભિખારીને દોરીને જતાં ઉસ્માન મળ્યો. એને જોઈને હું સાઇકલ પરથી ઊતરી પડ્યો. હું જાણતો હતો કે ઉસ્માન લગભગ ભીખ માગીને પેટ ભરે છે. એને કોઈ દિવસ ખાવાના પણ સાંસા પડતા હશે એવી કલ્પના પણ કરતો. મને વિચારમાંથી જગાડીને ઉસ્માને કહ્યું: ‘ભાઈ, મુઝે ચાર આને ચાહિયે.’ મેં ચાર આના આપ્યા તે તરત જ એણે પેલા અંધ ભિખારીના હાથમાં મૂક્યા અને એક ઓળખીતા છોકરાના હાથમાં એની લાકડી આપીને એ મારી સાથે વાતે વળગ્યો. મસ્જિદ પાસેની એક અતિશય નાની ગંદી કોટડીમાં ઉસ્માન એના ચારપાંચ સાથીદારો સાથે રહેતો હતો. મસ્જિદને એ લોકો મહિને એક રૂપિયો ભાડું આપતાં હતા. ઉસ્માને એની કોટડી બતાવી. અંદરની દુર્ગંધથી મારું માથું ફાટી ગયું. આવી જગ્યામાં આ લોકો કેમ રહી શકતા હશે? એટલામાં ચારપાંચ ગરીબ નાગાંભૂખ્યાં છોકરાં આવી પહોંચ્યાં. એક જણે કહ્યું: ‘અફલાતૂન, ચને મમરે દિલા દો.’ ઉસ્માને મારી સામે જોયું. મેં ખિસ્સામાંથી બે આના કાઢીને ઉસ્માનને આપ્યા. એણે પાસેના ભાડભૂંજાની દુકાનેથી ચણામમરા લઈને પેલાં છોકરાંઓને વહેંચી દીધા.
મેં કહ્યું: ‘ઉસ્માન, લે આટલું તું પણ રાખ.’ ને એને પાંચ રૂપિયા આપવા માંડ્યા. મારો આ સમભાવ જોઈને એની આંખો રડી પડી. હજી તો એની આંખોમાંથી આંસુ બહાર ટપકે તે પહેલાં મસ્જિદની બાજુમાં થઈ એક વૃદ્ધ લાગતો મુસલમાન આવી ચઢ્યો. જરા ગુસ્સો કરીને કહ્યું: ‘અફલાતૂન, પાંચ મહિનેકા કિરાયા ચઢા હૂઆ હૈ. અગર આજ નહીં દિયા તો કોટડીકો તાલા લગા દૂંગા. ફિર મરના બહાર.’
‘લો ચાચા, યહ ચાર રૂપયે. એક રૂપિયા ફિર દૂંગા.’ કહીને ઉસ્માને મારી પાસેથી પાંચ રૂપિયા લઈને એમાંથી ચાર રૂપિયા પેલા ચાચાને આપી દીધા. વૃદ્ધ મુસલમાન મારી તરફ કતરાતી નજર નાંખીને ગલીમાં ચાલ્યો ગયો. મેં ઉસ્માનને કહ્યું કે એને પાંચ રૂપિયા આપી દેવા હતા ને, અને ઉત્તરમાં એનાં રોકાયેલાં આંસુ છલકી પડ્યાં. ધીરેથી બોલ્યો: ‘ભાઈ, શામકે લિયે આટાપાની ભી તો નહીં હૈ.’ મારી પાસે વધારે પૈસા નહોતા. મેં મારાં ગજવાં તપાસીને કહ્યું: ‘ઉસ્માન, ઑફિસમાં આવીને કંઈક લઈ જજે.’ હું સાઇકલ પર બેસવા જાઉં છું ત્યાં જ એક મુસલમાન ડોશી લાકડીને ટેકે આવી પહોંચી. થરડાતે અવાજે બોલી: ‘બેટા અફલાતૂન, ચારઆઠ આનેકા આટાપાની દિલા દે. દો દિનસે ભૂખી હું. મોદીને આજ ના કહ દિયા. પહેલે કે આઠ આને દો તો આટા લે જાઓ. ક્યા કરું મરું? ખુદા મોત ભી નહીં દેતા.’ ને મારી તરફ જોયા વિના ઉસ્માને પેલો બચેલો રૂપિયો ડોશીના હાથમાં મૂકી દીધો. બોલ્યો: ‘અમ્મા, લો રૂપિયા હૈ, આઠ આને ઉસે દે દેના ઔર આઠ આનેકા આટાનમક લે આના.’
‘ઔર બેટા, ચારપાંચ લકડી તો દે. મેં પકાઉંગી કાયસે?’ ડોસીનો અવાજ સાવ થરડાઈ ગયો. ઉસ્માન એની ખોલીમાં લાકડાં લેવા ગયો. મેં પેલી ડોશીને પૂછ્યું: ‘અમ્મા, યહ અફલાતૂન નામ કિસને રખ્ખા?’ ડોશીના અવાજની ફિરત ફરી ગઈ. ખુશીથી બોલી: ‘સા’બ, ભૂખા મરકે ભી યહ ઓરોંકો ખિલાતા હૈ. ગરીબનવાજ હૈ. સબ ઇસકો અફલાતૂન હી કહેતેં હૈ.’
‘લો અમ્મા, ચારપાંચ લકડી હી હૈ.’ ડોશી લાકડાં માથે મૂકીને ચાલતી થઈ.
મેં કહ્યું: ‘ઉસ્માન, ચલો ઑફિસમેં.’ ઉસ્માન મારી પાછળ ઑફિસમાં આવ્યો. તે દિવસે ઑફિસમાંથી એને બીજા પાંચ રૂપિયા આપ્યા.
ત્યાર બાદ એકાદ વરસ સુધી અફલાતૂન દેખાયો નહીં. મેં ઉસ્તાદ પાનવાળાને પૂછ્યું પણ એમનેય ખબર નહોતી. એક બપોરે મને ઉસ્માન એટલો સાંભર્યો કે ઑફિસનું કામ પડતું મૂકીને હું એની ખોલી પર તપાસ કરવા ગયો. અંદર જઈને જોયું તો અફલાતૂન પથારીવશ હતો. બારણે પેલી ડોશી અને આંધળો ભિખારી બેઠાં હતાં. બહાર આંગણામાં પેલા નાગાંભૂખ્યાં છોકરાં રમતાં હતાં.
મને જોતાં જ અફલાતૂનની આંખોમાં થોડું તેજ આવ્યું. પણ એ તો ઉસ્માન અફલાતૂન જ નહોતો. જાણે એનું મડદું પડ્યું હતું. મને જોઈને એણે મીંચાઈ જવા મથતી એ આંખોને પાણીથી છલોછલ ભરી દીધી. ઊંડાણમાંથી એનો અવાજ આવ્યો: ‘ભૈયા, આ ગયે તુમ! અચ્છા હુઆ. અબ મૈં આરામ ઔર આસાની સે જાઉંગા. ખુદાને મેરે દિલકી અરજ સૂન લી. તુમ્હે દેખને કે લિયે જિગર તડપ રહા થા.’ ઉસ્માનનો અવાજ વધારે ઊંડો ઊતરતો લાગ્યો, એની અસ્પષ્ટતા વધતી ગઈ. છતાં એનાથી ચૂપ ન રહેવાયું. પ્રયત્ન કરીને એણે કહ્યું: ‘ભાઈ,’ અને આંખના ઇશારાથી મને પાસે બોલાવ્યો. પાસે ગયો એટલે એણે બે હાથે મારો હાથ પકડી લીધો. અવાજ ન નીકળ્યો પણ એની ટગર ટગર જોતી આંખો આખી જિંદગીની વ્યથા કહેતી હતી. અંતરની આરત કહેવા માટે અવાજ કરતાં આંખો કેટલી વધારે બળવાન છે એ ત્યારે જોયું. એક જ દૃષ્ટિ સમગ્ર અસ્તિત્વને દિગ્મૂઢ બનાવી શકે છે એ અનુભવ પણ ત્યારે જ કર્યો. ઉસ્માનના ધ્રૂજતા અવાજે મારી વેદનાને વીંધી નાંખી. એણે કહ્યું: ‘ભાઈ, પીપલ કે નીચે વહ રાત કહા થા કિ મૈં ઓરત બનૂંગી ઔર તુમ મેરે આદમી હોંગે. નહીં ભૈયા, યહ બાત સચ્ચી નહીં. અગલે જનમમેં અબ તો મૈં તુમ્હારી મા બનૂંગી.’ કહીને ઉસ્માને આંખ મીંચી દીધી.
અને…અને એ આંખો ફરીથી ઊઘડી જ નહીં.