અમાસના તારા/અલ્પતા અને મહત્તા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અલ્પતા અને મહત્તા
હૃદયશૂન્યતાની દાસી

યાદ તો છે કે 1933ની સાલ હતી. ઇન્દોરમાં હિંદી સાહિત્ય સંમેલન મળ્યું હતું. પ્રમુખ હતા ગાંધીજી. એમનો ઉતારો હતો રાયબહાદુર હીરાલાલ કલ્યાણમલની ‘ડાયમંડ કોઠી’માં. આ સંમેલનની પાછળ શ્રી માખનલાલ ચતુર્વેદીના અથાગ પ્રેમનું અને સર હુકમચંદના અપાર પૈસાનું બળ હતું. સંમેલન રોનકદાર હતું. ગાંધીજીને ખુશ કરવાના થઈ શકે એટલા બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સંમેલનના સૂત્રધાર બાબુશ્રી પુરુષોત્તમ ટંડનની આંખ નીચેથી એકેએક વિગત પસાર થતી હતી. પરંતુ ગાંધીજી તો મોટા મોટા ચક્રવર્તીના ઠાઠમાઠથી પણ અંજાઈ જાય એમ નહોતું. એમને પ્રસન્ન કરવા માટે કાર્યનિષ્ઠા, દૃષ્ટિસંપન્નતા અને હૃદયધર્મથી શોભતી માનવતા જોઈએ. ગાંધીજીની દક્ષિણ દૃષ્ટિ આ વસ્તુઓની શોધ કરતી જ રહેતી હતી. એટલે વિષયનિર્માયક સમિતિમાં બાપુનું વલણ તો પ્રજાકલ્યાણના કામમાં સાહિત્ય કેવો ને કેટલો ભાગ ભજવી શકે એ જ પકડવામાં રોકાયલું હતું. એટલે બધા ઠરાવોની ચકાસણી એ દૃષ્ટિએ થતી. બધી જ ભાષણોના સરવાળાનું મૂલ્ય એ હિસાબે કરાતું. એટલે સમિતિના પ્રારંભનું એમનું પ્રવચન એ જ રીતે થયું. એના પાયામાં એમણે પ્રજાધર્મની વચ્ચે લાવીને સાહિત્યને મૂક્યું. પ્રજાનું દારિદ્ર દૂર કરે, એની દીનતાને હઠાવે, એમાં દૈવત પૂરે, એને પુરુષાર્થી કરે, એની શક્તિને વિકસાવે અને એના તેજને વધારે એ સાહિત્યનું અને સાહિત્યકારનું વ્રત હોવું જોઈએ એવું દર્શન બાપુએ પોતાની હૃદયદ્રાવક સન્નિષ્ઠ વાણીમાં મૂક્યું. એટલે સંમેલનની આખી હવા એમણે બદલી નાંખી. કવિઓનાં મુખ પડી ગયાં. વાર્તાકાર મૂંગા થઈ ગયા. સાહિત્યકારો લગભગ ઉદાસ બની ગયા. ત્યાં તો એક ઠરાવ વખતે કાનપુરવાળા શ્રી બાલકૃષ્ણ શર્મા ‘નવીન’ ઊઠ્યા. ‘કુંકુમ’ના એ કવિએ કવિતાની મસ્ત બંસી છેડી. એક પછી એક કાવ્ય લલકારતા જાય ને ગાંધીજીને સંભળાવતા જાય. જનતાને કહેતા જાય કે સાહિત્ય જનતાની દાસી નથી. એની પગચંપી કરવા માટે એ નથી. સાહિત્ય પ્રજાનું ફરજંદ છે. જેવી પ્રજા તેવું સાહિત્ય. ગાંધીજી જેવી વિભૂતિ આ પ્રજામાં જન્મી છે ને જીવે છે. એટલે એનું સાહિત્ય પણ એ શિખરને પહોંચશે. ગાંધીજીનું પોતાનું સાહિત્ય એની સાક્ષી પૂરે છે.

આમ હિંદી સાહિત્ય સંમેલને પ્રજા અને સાહિત્યનો સંબંધ ગાઢ કર્યો. ગાંધીજી પણ કવિની મસ્તી અને મુક્તિ જોઈને પ્રસન્ન થયા. એમને તો જ્યાં જ્યાં શક્તિ અને સન્નિષ્ઠાનાં દર્શન થતાં ત્યાં ત્યાં એમનું સ્મિત સુગંધ છલકાવ્યા વિના રહેતું નહીં.

આ સ્મિત એક વખતે શાંત થઈ ગયું. સંમેલનને બીજે દિવસે સર હુકમચંદને ત્યાં ગાંધીજીને જમવા બોલાવ્યા હતા. સાથે એમની સાથેના મંડળને પણ નિમંત્રણ હતું. હુકમચંદના વિશાળ રાજમહેલ ‘આનંદભવન’માં બાપુ જમવા પધાર્યા હતા. હુકમચંદના હરખનો પાર નહોતો. લગભગ પચાસેક પાટલા પડ્યા હતા. બબ્બે પાટલા. દરેક પાટલે ચાંદીના ટાટ, ચાંદીના વાટકા ને ચાંદીના લોટાપવાલા મુકાયા હતા. પણ ગાંધીજી બેસવાના હતા એ પાટલે સોનાના થાળીવાટકા અને લોટાપવાલાની સજાવટ હતી. ગાંધીજીએ ચોકમાં આવીને આ વૈભવભર્યો ઠાઠ જોયો અને સહેજ હસ્યા. સાથે કસ્તુરબા હતાં. એમની પાસેથી બાપુએ એક ઝોળી લીધી. એમાંથી પોતે જેલમાં જે વાસણોમાં જમતા હતા તે એલ્યુમિનિયમનો પહોળો વાટકો ને પવાલું કાઢ્યાં, સોનાનાં વાસણોની બાજુમાં આ વાટકો ને પવાલું મૂક્યાં. એટલામાં હુકમચંદજી બહાવરા બહાવરા આવી પહોંચ્યા. આજીજીભર્યે સ્વરે ગાંધીજીને સોનાની થાળીમાં જમવાની પ્રાર્થના કરી. બાપુએ હસતાં હસતાં કહ્યું કે જમ્યા પછી જો આ વાસણો લઈ જવા દો તો એમાં જમું. હુકમચંદ શાંત રહ્યાં. બાપુએ સોનાનાં વાસણોવાળો પાટલો દૂર ખસેડીને પોતાનાં જેલનાં વાસણોમાં પોતાનો જ ખોરાક લીધો. બાપુ જમ્યા, પણ દરિદ્રનારાયણ ભૂખ્યા રહ્યા. બાકીના અમે પચાસ માણસોને ગળે માંડ કોળિયો ઊતર્યો. હુકમચંદ કરોડાધિપતિ કહેવાતા. કરોડોએ પણ એમની અલ્પતાને વારી નહીં.

અંતરસૌહાર્દની સખી

આ તો સાલ હતી 1935, ગાંધીજી વર્ધા હતા. મગનવાડીમાં મુકામ. એ મારી મુલાકાતનો દિવસ હતો. સવારથી વાટ જોતો હતો. પણ મળવાનું બનતું ન હતું. જાણીતા ને જરૂરી માણસો એક પછી એક આવ્યે જ જાય. પાંચ વાગે બાપુનું કહેણ આવ્યું. સાંજે મહિલા વિદ્યાલયમાં પ્રાર્થના કરવા જઈએ ત્યારે સાથે ચાલજો. એ વખતે સાંજની પ્રાર્થના ગાંધીજી મગનવાડીમાં નહીં, મહિલા વિદ્યાલયમાં કરતા. છએક વાગ્યા હશે. બાપુ લાકડી લઈને નીકળ્યા બહાર. સાથે રોજનું ટોળું ચાલ્યું. હુંય ચાલ્યો સાથે. મગનવાડી વટાવીને આગળ ચાલ્યા ત્યાં ઊભા રહીને એમણે મને બોલાવી લીધો.

ટોળાને કહ્યું કે સહેજ પાછળ ચાલો. મારે ખાનગી વાત કરવી છે. ટોળું પાછળ રહી ગયું. મારે ખભે હાથ. બીજા હાથમાં લાકડી. ચાલી વાતો. રસ્તે માણસો આડા આવે. પગે લાગે. સૂતરના હાર પહેરાવે. ફૂલ આપે. જય બોલાવે. પણ એમનું ધ્યાન વાતોમાં. હું વારંવાર અચકાઉં. પણ એમનું ધ્યાન અચૂક અને અખંડિત.

મહિલા વિદ્યાલય આવ્યું. બાપુએ કહ્યું કે હવે અધૂરી વાત રાતે સૂતી વેળા. પાછળનું ટોળું આવી પહોંચ્યું. બાપુનો હવાલો લઈ લીધો. ગાંધીજી પહોંચ્યા પ્રાર્થનાપીઠ પર. હું જનતાના સમૂહમાં એક ઠેકાણે સ્થાન શોધીને બેસી ગયો. પળવાર પહેલાં ગાંધીજીનો હાથ મારે ખભે હતો. મારા અંતરની સાથે એમના અંતરનું સંધાન હતું. હું બગભાડી માણસ લાગતો હતો. જનતાના ટોળામાં હું અનેકમાંથી એક બની ગયો. અભિમાને અદ્ભુત પછાડ ખાધી. જે ચહેરા પર ક્ષણ પહેલાં ગર્વનું તેજ હતું ત્યાં દૈન્યની નિસ્તેજતા આવી ગઈ. પણ એ મહત્તા કોની હતી? મારા અંત:કરણની કે અંતરાત્માની નહોતી. એ તો બાપુની ઉદારતાનું પ્રતિબંબિ હતું. એમના સ્નેહનો પડઘો હતો. એમની અનુકંપાનો પડછાયો હતો. વાત મારે હૈયે બેઠી. ઊછીનું અને આગલું એ બે વચ્ચેનો ભેદ પણ સમજાયો.

પ્રાર્થનામાં બેઠો હતો સુમસામ. પણ અંતર કળ ખાઈને બેઠું થતું હતું. ગમગીની ઓસરતી જતી હતી. ત્યાં બાપુની વાણી સંભળાઈ. ઈશ્વરની અપાર કરુણા વિષે એ બોલતા હતા. ઈશ્વરની શોધ એઓ દરિદ્રનારાયણમાં કરતા હતા. ભગવાન તથાગતનો એમણે પ્રસંગ કહ્યો. અમિતાભને બધેથી ભિક્ષા મળી પણ એમનું પાત્ર ભરાયું નહોતું. પેલી વૃદ્ધાએ પોતાનું એકનું એક વસ્ત્ર આપ્યું ત્યારે એમનું પાત્ર છલકાયું. બાપુએ કહ્યું કે સહૃદયતા વિનાનાં કરોડપતિના કરોડ અને લખપતિના લાખો એમને નથી જોઈતા. એમને તો હૈયાની મૂંગી આશિષ અને પ્રીતિ વડે આપેલો ગરીબનો પૈસો જોઈએ છે. હૃદયની ઉદારતા અને નિષ્ઠા વડે આપેલા દાનથી દેનાર અને લેનાર બન્નેની શક્તિ અને શુદ્ધિ વધે છે. અને આ જ હૃદયશુદ્ધિ માણસને મહાન બનાવે છે.

પ્રાર્થના પૂરી થઈ એટલે ઝોળી ફરી. લોકોએ કંઈ ને કંઈ ઝોળીમાં નાંખ્યું. ભીડ ઓછી થઈ. બાપુએ ચાલવા માંડ્યું. રસ્તે મને જોયો એટલે બોલ્યા, ચાલો. સૂતી વખતે કરવાની વાતચીત ચાલતાં ચાલતાં પૂરી કરીએ. પાછો ખભે હાથ. લાકડીનો ટેકો. બે ડગલાં ચાલ્યા હોઈશું. એક ગરીબ દેખાતી બાઈ આવી. બાપુની ચરણરજ લીધી. ઊભી થઈને આંગળીએથી એક વીંટી કાઢી બાપુને કહે : લો. હું ગરીબ છું. મારી પાસે તમને આપવાનું કશું ધન નથી. મારા પતિએ આપેલી આ એક વીંટી છે. મેં એનું જીવની જેમ જતન કર્યું છે. એના વડે હું આશ્વાસન પામું છું. જીવવાનું બળ મેળવું છું. તમને મારે મારી વહાલામાં વહાલી વસ્તુ આપવી છે. એટલે જ આ વીંટી આપું છું. પાછી બાપુને પગે પડી. ગાંધીજીએ એને માથે હાથ મૂક્યો. એ ઊભી થઈ ત્યારે એના મુખ સામે જોઈ રહ્યા. બાપુની આંખોમાં એમના અંત:કરણની સમય કરુણા એકત્ર થઈ ગઈ. એ કરુણાનો મહાપ્રસાદ લઈને પેલી અજાણી બાઈ અંધારામાં અદૃશ્ય થઈ ગઈ.